લાખ યહાં ઝોલી ફૈલા લે કુછ નહીં દેંગે ઈસ જગવાલે

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

‘ગાઈડ’ની રિલીઝ 1965માં થઈ એવું કેટલાક માને છે. તેઓ પાર્શ્યલી સાચા છે. ‘ગાઈડ’નું અંગ્રેજી વર્ઝન અમેરિકામાં 1965ની 29 ડિસેમ્બરે રિલીઝ થયું. ભારતમાં ‘ગાઈડ’ 8 એપ્રિલ 1966ના દિવસે થિયેટરોમાં આવી. કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણના મોટા ભાઈ તરીકે વધુ જાણીતા પણ સ્વયં એક મોટા ગજાના, સિદ્ધહસ્ત અને લોકપ્રિય સાહિત્યકાર આર. કે. નારાયણની આ જ નામની નવલકથા પરથી ફિલ્મ બની જેની પટકથા લખવા માટે દેવ આનંદે પુલિત્ઝર ઈનામ (1932) અને નોબેલ પારિતોષિક વિજેતા (1938) પર્લ બકને જવાબદારી સોંપી હતી. નોબેલ મેળવનારાં તેઓ સૌપ્રથમ મહિલા અમેરિકન સાહિત્યકાર હતાં.

સચિન દેવ બર્મને 1965માં રિલીઝ થયેલી ‘તીન દેવિયાં’ માટે કિશોર કુમાર પાસે ‘ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત, કૌન હો તુમ બતલાઓ’ ઉપરાંત બીજાં બે ગીત ગવડાવ્યાં. ત્રણેય ગીતો મજરૂહ સુલતાનપુરીએ લખ્યાં હતાં: ‘અરે યાર મેરી તુમ ભી હો ગઝબ ઘૂંઘટ તો ઝરા ઓઢો, આહા માનો કહા અબ તુમ હો જવાં મેરી જાન લડકપન છોડો…’ જેના જવાબમાં નખરાળી દેવી કહે છે: ‘જબ મેરી ચુનરિયા મલમલ કી ફિર કયું ના ફિરું ઝલકી ઝલકી…’

અને ‘તીન દેવિયાં’નું કિશોરદાએ ગાયેલું ત્રીજું ગીત હતું: ‘લિખા હૈ તેરી આંખોં મેં કિસકા ફસાના…’

‘ગાઈડ’થી ‘મિલિ’ સુધીની સચિનદા સાથેની કિશોર કુમારની યાત્રા જેટલી ઈન્ટરેસ્ટિંગ હતી એટલી જ, કદાચ એના કરતાં વધારે એક્સાઈટિંગ સફર ‘બાઝી’ (1951)થી ‘તીન દેવિયાં’ (1965) સુધીની હતી. ‘બાઝી’માં કિશોર કુમારે સચિન દેવ બર્મન માટે સૌથી પહેલું ગીત ગાયું. દેવ આનંદના ‘નવકેતન’ બૅનર માટે ગુરુદત્તે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં સાહિર લુધિયાનવીનાં ગીતો હતાં: તેરે તીરોં મેં છુપે પ્યાર કે ખઝાને હૈં, મેરે લબોં પે દેખો આજ ભી તરાને હૈ… ડંડરડંડરડંડરડંડરડંડરડા…

એ જ વર્ષે સાઉથની જાયન્ટ પ્રોડક્શન કંપની એ.વી.એમ.ની ‘બહાર’ માટે એસ.ડી.એ કિશોર કુમાર પાસે રાજેન્દ્ર કૃષ્ણનું આ ગીત ગવડાવ્યું: કુસૂર આપ કા, હુઝૂર આપ કા, મેરા નામ લીજિયે ન મેરે બાપ કા…

આ મજાકિયા ગીત ઉપરાંત એ જ વર્ષે ‘એક નઝર’માં કિશોરદાએ સચિનદા માટે રાજેન્દ્ર કૃષ્ણના આ હળવાફૂલ શબ્દો તે જમાનાના ટૉપના કૉમેડિયન ગોપ માટે ગાયા: નયે ઝમાને કી મોહબ્બત નિરાલી બાતેં હઝારોં દિલ ખાલી, સોલા આને ખાલી, યે નયે ઝમાને કે છોકરે લેવેન્ડર કી બોડિયાં પાવડર કે ટોકરે, પેટ ભરે ન ભરે પ્યાર કરેંગે, આંખોં કે અંધે આંખેં ચાર કરેંગે, ગલી ગલી યે મજનૂ કે ચેલે, કૈસે ફિરતે હૈ – કોઈ દિલ લે લે, લે લે…

બીજા વર્ષે, 1952માં, ગુરુદત્તના દિગ્દર્શનમાં ગીતા બાલી અને દેવ આનંદવાળી ફિલ્મ ‘જાલ’માં બર્મનદાનું મ્યુઝિક હતું જેમાં કિશોર કુમારે સાહિર લુધિયાનવીએ લખેલા આ શબ્દોને કંઠ આપ્યો: દે ભી ચુકે હમ નઝરાના દિલ કા જેના જવાબમાં ગાયિકા ગીતા રૉયે હીરોઈન ગીતા બાલી માટે ગાયું: અરે છોડો ભી યે રાગ પુરાના દિલ કા…

એ પછીના વર્ષે સચિનદાએ કિશોર કુમાર પાસે પોતે કરેલી પાંચમાંની એકેય ફિલ્મ માટે ગીત ગવડાવ્યું નહીં. સચિનદા તલત મહેમૂદને વધારે કામ આપતા હતા. 1954માં નરગીસ, નાસિર ખાન, વનમાલા, પારો અને જીવનવાળી ફિલ્મ ‘અંગારે’ આવી જેમાં સાહિર લુધિયાનવીએ સચિનદા માટે આ શબ્દો લખ્યા જે યુગલગાનરૂપે શમશાદ બેગમ સાથે કિશોરદાએ ગાયા: ગોરી કે નૈનોં મેં નિંદિયા ભરી આ જા રી સપનોં કી નીલમપરી… શમશાદ બેગમની આ લોરીના શબ્દો પછી જીવન માટે કિશોર કુમાર ગાય છે: અરે ઓ મેરે ઝખ્મોં કી ફિટ્ કરી (?) આ ભી જા ક્યોં દેર ઈતની કરી… આમાં ‘ફિટ્ કરી’ શું હશે? તમને ખબર હોય તો મારી ભૂલ સુધારજો. આ જ ગીતના એક અંતરામાં કિશોર કુમાર ગાય છે: તૂ હૂર હૈ ઔર મૈં લંગૂર, ઉલ્ફત કે હાથોં સે મજબૂર હૂં, ગુસ્સા ન કર, ન કર ગુસ્સા ન કર, ઓ મેરી બેસુરી આ ભી જા ક્યોં દેર ઈતની કરી.

એ જ વર્ષે સલમાન-આમિરવાળી ‘અંદાઝ અપના અપના’ના ડિરેક્ટર રાજકુમાર સંતોષીના મશહૂર પિતા પી. એલ. સંતોષીએ પ્રોડ્યુસ-ડિરેક્ટ કરેલી ‘ચાલીસ બાબા એક ચોર’માં પણ સચિનદાના મ્યુઝિકમાં કિશોરદાએ એક ગીત ગાયું: દિલ મેં હૈ બાત ઐસી કાનોં મેં કહી જાયે…

અત્યાર સુધી માર્ક કર્યું હશે કે સચિનદાએ કિશોર કુમાર પાસે મોટેભાગે કૉમેડી ટાઈપનાં ગીતો જ ગવડાવ્યાં. આ ટ્રેન્ડ બદલાયો 1955માં રિલીઝ થયેલી ‘મુનીમજી’ અને 1956માં આવેલી ‘ફન્ટૂશ’થી. આ બે ફિલ્મો આવી એ પહેલાં એસ. ડી. બર્મનના સંગીતવાળી ‘ટેક્સી ડ્રાઈવર’માં એક, ‘હાઉસ નં. 44’માં એક અને ‘મદ ભરે નૈન’માં એક ગીત કિશોરદા ગાઈ ચૂક્યા હતા.

સુબોધ મુખર્જીના દિગ્દર્શનવાળી ફિલ્મમાં દેવ આનંદ માટે સાહિરના આ શબ્દો ગાયા: જીવન કે સફર મેં રાહી મિલતે હૈ બિછડ જાને કો ઔર દે જાતે હૈ યાદેં તન્હાઈ મેં તડપાને કો.. ફિલ્મમાં સિચ્યુએશન કૉમેડી ટાઈપની જ છે અને ગીતનો આરંભ પણ એ મૂડમાં દેવ આનંદે કર્યો છે પણ સાહિરના શબ્દોમાં કેવી સંજિદગી છે એ તો તમે મુખડામાં જ જોઈ લીધું. અફકોર્સ, એના અંતરાઓમાં આટલું ઊંડાણ નથી, પણ ધેટ્સ ઓકે.

1956માં દેવ આનંદની ‘ફન્ટૂશ’ આવી. જેમાં સચિનદાના સંગીતમાં કિશોર કુમારે 4 ગીતો ગાયાં: રાહુલ દેવ બર્મને નવ વર્ષની ઉંમરે જે ધૂન બનાવેલી તે વાપરીને પિતાએ ‘ઐ મેરી ટોપી પલટ કે આ, ના અપને ફન્ટૂશ કો સતા’ ગીત બનાવ્યું. આ ઉપરાંત બીજું એક હળવું ગીત ફિલ્મમાં હતું: ઉપરવાલા જબ ભી દેતા પૂરા છપ્પર ફાડ કે દેતા. ત્રીજું ગીત હતું: વો દેખે તો ઉન કી ઈનાયત, ના દેખે તો રોના ક્યા. અને ચોથા ગીતે કિશોર કુમારની ગાયક તરીકે ઈમેજ બદલી નાખી. લોકો કહેતા કે કિશોર કુમાર સિરિયસ ગીતો ના ગાઈ શકે, એમના અવાજમાં દર્દ નથી, ઠહરાવ નથી, ખામોશીના પડઘા નથી, દુનિયાને ખોટી સાબિત કરતા હોય એમ કિશોરદાએ જે ગીત ગાયું તે તમને કઈ ફિલ્મમાં છે એની ખબર ન હોય તો થાય કે ‘ફન્ટૂશ’ જેવું ટાઈટલ ધરાવતી ફિલ્મમાં આવું ગીત હોઈ શકે? પણ હતું. સચિનદાના સંગીતને અને સાહિરસા’બના શબ્દોને હન્ડ્રેડ પર્સેન્ટ ન્યાય આપીને સોના જેવા આ ગીતમાં સુગંધ ઉમેરતા હોય એ અદાથી કિશોર કુમારે ગાયું હતું:

દુખી મન મેરે સુન મેરા કહના,
જહાં નહીં ચૈના, વહાં નહીં રહના…

દર્દ હમારા કોઈ ન જાને
અપની ગરજ કે સબ હૈ દીવાને
કિસ કે આગે રોના રોયે
દેસ પરાયા લોગ બેગાને

લાખ યહાં ઝોલી ફૈલા લે
કુછ નહીં દેંગે ઈસ જગવાલે
પથ્થર કે દિલ મોમ ન હોગે
ચાહે જિતના નીર બહા લે

અપને લિયે કબ હૈ યે મેલે
હમ હૈ હર એક મેલે મેં અકેલે
ક્યા પાયેગા ઉસ મેં રહકર
જો દુનિયા જીવન સે ખેલે

દુખી મન મેરે સુન મેરા કહના
જહાં નહીં ચૈના, વહાં નહીં રહના

આજનો વિચાર

રાહુલ ગાંધી દો હી વજહોં સે નેતા હૈ, પુરખોં કી વજહ સે ઔર મૂરખોં કી વજહ સે!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

ગુરુ: ચાણક્યએ કહ્યું છે કે એક જ દુશ્મન સાથે વારંવાર યુદ્ધ નહીં કરવાનું, નહીં તો એ તમારું બધું જ યુદ્ધ-કૌશલ્ય શીખી જશે.

ચેલો: પતિપત્નીના સંબંધોમાં પણ આ જ થતું હોય છે, ગુરુજી. બેઉ યોદ્ધા જીવનભર લડતા રહે છે અને એકબીજાની વ્યૂહરચનાથી એટલા પરિચિત થઈ જાય છે કે આજીવન યુદ્ધ કરવા છતાં કોઈ ઉકેલ મળતો નથી. તો શું કરવાનું, ગુરુજી?

ગુરુ: દુશ્મન બદલતા રહેવાનું.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 9 ઓગસ્ટ 2018)

4 COMMENTS

  1. સર, તમે તમારા ગુડ મોર્નિંગ કોલમ સાથે જે આજનો વિચાર અને એક મિનિટ! લખો છો એ પણ ઘણું બધું કહી જાય છે અને હસાવી પણ જાય છે.

  2. નીતિનભાઈ મસરાણી એ કીધું તે બરાબર છે,
    ફટકડી ને હિન્દી માં ફિટકરી કહેવાય…

  3. ‘દુઃખી મન મેરે’ ગીતે એક જમાનામાં એક adolescent સંવેદનશીલ છોકરાના મનનો કબ્જો કરી લીધેલો

  4. ફિટ કરી, ફટકડી હોય શકે, કોઈ જમાના માં દાઢી કરી ને ગાલ પર ઘસતા ને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here