‘સંજુ’પાર્ટ થ્રીઃ જેણે પાપ ન કર્યું એકે તે પહેલો પથરો ફેંકે

ન્યૂઝવ્યૂઝઃ સૌરભ શાહ
(મંગળવાર, ૭ ઑગસ્ટ ૨૦૧૮)

ઈન કેસ તમે આ સિરીઝના અગાઉના પાર્ટ મિસ કર્યા હોય અથવા તમારી લિન્ક તૂટી ગઇ હોય તો તમે અપડેટ થઇ જશો.

છેલ્લે આપણે વાત કરી કે સંજય દત્તે પોતાની કૅન્સરગ્રસ્ત પત્નીને રેઢી મૂકી દીધી અને સાડા ત્રણસો છોકરીઓ ( પ્રોફેશનલ સેક્‍સ વર્કર્સ તો અલગ ) સાથે એ ઐયાશી કરતો રહ્યો – એવા માણસની ફિલ્મ તો અમે જોઇએ પણ નહીં અને તમે ‘પૈસા લઇને’ આવી ગંદી ફિલ્મનાં વખાણ કરીને અમારા માથે ઠોકો છો, આવું કહેનારા અનેક લોકો મળી આવશે.

મારા રિવ્યુનો બીજો મુદ્દો આ જ છે. ધ્યાનથી વાંચજો, સમજવાની કોશિશ કરજો. વાત ગળે ઊતરે છે એવું લાગે તો આત્મનિરીક્ષણ કરજો, તમારી અંદર ઝાંકીને તમને પોતાને જ જવાબ આપજો, પબ્લિકલી કન્ફેસ કરવાની નૈતિક હિંમત સૌ કોઇનામાં ન હોય એ સ્વાભાવિક છે. પણ પોતાની જાત સાથે પ્રામાણિક રહેશો.
જેણે પાપ ન કર્યું એકે, એ પહેલો પથ્થર ફેંકે આ મતલબની ઈશુની પંક્તિ આપણે બહુ સાંભળી. આ વાતનો અર્થ આપણે શું કાઢ્યો? જે લોકો પતિતા પર પથરો ફેંકે છે તે સૌ પાપી નથી! અને આપણે પણ આપણાં પાપ છુપાવવા જ્યારે પણ કોઇ પતિતા કે પતિત જોવા મળે છે ત્યારે પથરો ફેંકતા આવીએ છીએ અને માની લઇએ છીએ કે આપણે પથરો ફેંક્યો એટલે આપણે બિન-પાપીમાં ગણાઈ ગયા. લોકો માની જ લેશે કે આણે પાપ નથી કર્યું , ત્યારે જ તો એણે પથરો ફેંક્યો.
આપણા પોતાના ગુનાઓ બહાર ન પડે તે માટે, આપણામાંની ગંદકી બીજાને દેખાઇ ન જાય તે માટે, આપણે તો દૂધના ધોયેલા છીએ, પવિત્ર આત્મા છીએ એવું દેખાડવા માટે આપણે બીજા ઉપર પથ્થર ફેંકવાની એક પણ તક છોડતા નથી. આપણને એ પણ ડર હોય છે કે જો આપણે પથરો નહીં ફેંક્યો તો લોકો માની લેશે કે જરુર આણે પાપ કર્યું છે, એટલે જ એ પથરો નથી ફેંકતો.
સંજય દત્તની જેમ તમે તમારાં પતિ/પત્ની, દીકરા/દીકરી, મા/બાપ, મિત્રો, સગાઓને તમારી જરુર પડી હોય પણ તમે બહાનું કાઢીને તમારી જવાબદારીમાંથી છટકી ગયા હો એવા કેટલા પ્રસંગ તમારી જિંદગીમાં બન્યા છે, યાદ કરો? એક કરતાં વધુ પ્રસંગો યાદ આવશે. નથી યાદ આવતા? તો તમારી જગ્યાએ તમારા વિરોધી કે દુશ્મનને ગોઠવીને તમારા વિશે વિચારો. એ ઍન્ગલથી જોશો તો તો બીજી ઘણી તમારી ખરાબીઓ તમને તમારામાં દેખાશે.
સંજય દત્તે એની કૅન્સરગ્રસ્ત પત્નીને રેઢી મૂકી દીધી. આપણે જોવા ગયા હતા? કોઇ થર્ડ ક્‍લાસ પત્રકારે લખ્યું ને એનું થૂંકેલું ચાટી લીધું? અને જો ખરેખર એવું બન્યું હોય તો એ સંજોગો ક્યા હતા? આપણી પાસે સંજય દત્તનું કોઇ વર્ઝન છે?
ફિલ્મમાં આ બાબતનો કોઇ ઉલ્લેખ નથી. આની ટીકા થાય છે. સંજય દત્તની કે કોઇનીય બાયોપિકમાં એની જિંદગીની દરેકે દરેક બાબતનો ઉલ્લેખ હોય જ એ શું જરુરી છી? ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ તમે વાંચી છે. રિચર્ડ એટનબરોએ શું એમાં દરેક પ્રસંગો ફિલ્મમાં લીધા છે? ના. તો પછી ‘સંજુ’ માટે શું કામ તમે એવી જીદ પકડીને બેઠા છો. ‘સંજુ’માં ફોકસ ડ્રગ એડિક્‍ટ સંજય દત્ત અને ‘ટેરરિસ્ટ’ સંજય દત્ત પર છે. એની લાઈફનાં બાકીનાં બીજાં પ્રકરણો પર કોઇએ ફિલ્મ બનાવવી હોય તો બનાવે, કોણ રોકે છે?
મહેરબાની કરીને કહેતા નહીં કે મેં ગાંધીજી સાથે સંજય દત્તની સરખામણી કરી! આવી બાલિશતા જેમનામાં હોય એમણે ‘સંજુ’નો સૌથી પહેલો સીન જોવા ફરીવાર થિએટરમાં આંટો મારી આવવો. આ પ્રકારના ટીકાકારોને પહેલા જ સીનમાં જબરજસ્ત લપડાક મારી છે.
સ્ત્રી હો કે પુરુષ. પરણેલાં હો કે અપરિણિત. જુવાન હો કે મોટી ઉંમરના.જિંદગીમાં આપણે કેટલાં સ્ખલનો કર્યાં હશે? અહીં સ્ખલનથી મારો મતલબ છે સેક્‍સને લગતા એવા ઍક્‍ટ્‍સ જે ખુલ્લા પડી જાય તો ફૅમિલીમાં આપણું ખરાબ લાગે, સ્પાઉઝ આગળ કે પ્રિયજન આગળ નીચા પુરવાર થઈએ, અને સમાજમાં જો ખબર પડે તો લોકો પીંખી નાખે.
યાદ કરો. કરોગે યાદ તો હર બાત યાદ આયેગી.
‘સંજુ’ ફિલ્મના લેખકો-દિગ્દર્શકમાં નૈતિક હિંમત છે કે સંજય દત્તની આ બાજુને તેઓ કોઇ હિચકિચાહટ વિના રજુ કરી શકે છે અને એટલું જ નહીં પ્રેક્ષકોને ગલગલિયાં કરાવવાની લાલચ રાખ્યા વિના મૅટર ઑફ ફૅક્ટ આ વાત મેન્શન કરીને આ મુદ્દો બાજુએ પણ મુકી દે છે.
આપણે આપણી ગિલ્ટ ફીલિંગ દબાવવા માટે, આપણે ખુલ્લા ન પડી જઇએ તે માટે – બીજાઓ આગળ તો જવા દો, પોતાની આગળ ઉઘાડા ન પડી જઇએ તે માટે – આવું થાય ત્યારે પહેલો પથરો ઉપાડીને ફેંકતા હોઇએ છીએ અને પથરો ફેંકી દીધા પછી, બે હાથ ખંખેરીને આસપાસના લોકો તરફ નજર કરીને આપણે તો હોલિયર ધૅન ધાઉ છીએ એવી હવા ક્રિયેટ કરીને બીજાને ચેલેન્જ આપતા હોઇએ એ રીતે બોલતા હોઇએ છીએઃ જેણે પાપ ના કર્યું એકે, તે પહેલો પથરો ફેંકે.
કાલે ત્રીજો મુદ્દો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here