સોશ્યલ ડિસ્ટન્સિંગ અને છૂઆછૂત

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૨૫ માર્ચ ૨૦૨૦)

પરંપરાથી આપણે સ્વચ્છ લોકો છીએ, ચોખ્ખી પ્રજા છીએ. મંદિરમાં તો શું કોઈના ઘરમાં પણ બૂટચંપલ પહેરીને પ્રવેશતા નથી. એક જમાનામાં તો બહારથી આવીને હાથપગમોઢું ધોયા પછી જ ઘરમાં પ્રવેશતા. જગ્યા અને સગવડોના અભાવે હવે એવું રહ્યું નથી. આમ છતાં હજુ પણ સ્મશાનેથી પાછા આવીને ઘરની બહાર જ હાથપગમોઢું ધોઈ લેવામાં આવે છે. ૧૪ દિવસના ક્‌વોરેન્ટાઈન કે આઈસોલેશનની મેડિકલ જરૂરિયાત આજકાલની કન્સેપ્ટ છે. કોરોનાના સમયમાં પ્રચલિત થયેલી આ કન્સેપ્ટ પશ્ચિમી જગત માટે બહુ બહુ તો એકાદ સદીથી પ્રચલિત છે. આપણે ત્યાં ભગવાન જગન્નાથના જમાનાથી ચાલી આવે છે. મૃત્યુ પછી તેર દિવસ કે ૩૦ દિવસનું સૂતક પાળવા પાછળનાં અનેક કારણોમાંનું એક કારણ એ પણ છે કે જે વ્યક્તિ સ્વર્ગવાસી થઈ છે તેને અગ્નિદાહ આપવા ગયેલા લોકોમાંથી કોઈકને મરનારના રોગના જંતુઓ જો ચેપી હોય અને તેનો ચેપ લાગ્યો હોય તો તે બીજાઓમાં ના ફેલાવે. સૂતકનો અર્થ જ થાય અટકાવ અથવા હડતાલ! જે સૂતકી હોય તે અશુદ્ધ ગણાય. ભારતીય પરંપરાને, ઉમદા વાતોને આજે અંધશ્રદ્ધામાં ખપાવી દેવામાં આવે છે જેની પાછળ કોનો મોટો હાથ છે? અંગ્રેજોને પગલે અહીં ધર્માંતરણ કરવા આવી ગયેલ ખ્રિસ્તી મિશનરીઓનો અને ભારતનાં ઇતિહાસ-રીતિરિવાજો-પરંપરાની મૂળ સમજ સાથે ચેડાં કરીને આપણને ઊંઠાં ભણાવી ગયેલા કમ્યુનિસ્ટ ઇતિહાસકારો તથા લેફ્‌ટિસ્ટ શિક્ષણકારોનો.

સૂતક જેવી જ સાયન્ટિફિક કન્સેપ્ટ મહિલાઓ માટે હતી. લોકબોલીમાં કહેવાતું કે એ ‘અડચણ’માં છે. મહિનાના પાંચ દિવસ સ્ત્રીએ ઘરનું કશું કામ ન કરવું પડે એ આશયથી આ રિવાજ શરૂ થયો કે કોઈએ એને અડકવું નહીં, એણે પોતે બીજા કોઈને સ્પર્શ કરવો નહીં. કુદરતની એક સાહજિક શારીરિક પ્રક્રિયાને સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો હક્ક માગનારાઓએ ચર્ચાને ચકડોળે ચડાવી દીધી. નારી સ્વાતંત્રતાના નામે, જેઓ નાસ્તિક છે તેઓ, મંદિરમાં પ્રવેશનો હક્ક માગવા સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા અને સમાજમાં કડવો સંઘર્ષ ઊભો કર્યો. મેડિકલ સાયન્સની તમામ પ્રગતિ બાવજૂદ અડચણના દિવસો દરમ્યાન ન તો સ્ત્રીનું પેડુનું દર્દ ઓછું થયું છે, ન તો પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ( પી.એમ.ટી.)ના નામે ઓળખાતી માનસિક અસ્વસ્થતામાં ઘટડો થયો છે. પણ પશ્ચિમની દેખાદેખીથી અને સ્ત્રીને ‘પુરુષ સમોવડી’ કરી દેવાના હોંશીલાપણાથી આપણે એ શારીરિક-માનસિક દર્દને અવગણવા લાગ્યા હતા. હવે જઈને એવી માગ ઊઠી છે કે આ દિવસોમાં સ્ત્રીઓને ઑફિસમાંથી રજા મળવી જોઈએ.. આપણે ત્યાં તો હજારો વર્ષથી રજસ્વલા નારીને ઘરના કામમાંથી ‘રજા’ અપાતી જ આવી છે.

રજોદર્શનવાળી નારીને ન અડકવું એ તો મહિનાના પાંચ દિવસ. પરંતુ આખો મહિનો, બારે માસ નહાયા વિના રસોડામાં ન જવું કે ભગવાનને ન અડકવું કે મોઢામાં અન્ન ન મૂકવું એ રિવાજ તો હજુય અગણિત ભારતીય કુટુંબો પાળે છે. ચોખ્ખાઈના પાઠ આપણને ગળથૂથીમાંથી મળેલા છે.

આજે એ જમાનો રહ્યો નથી એટલે એ પ્રથાની હવે કોઈ જરૂર પણ નથી. પરંતુ ક્યારેક એ સામાજિક અનિવાર્યતા હતી. છૂઆછૂત અને અસ્પૃશ્યતાની વાત કરવી છે. સવારે શૌચક્રિયા માટે આપણા વડવાઓ હજારો વર્ષથી ખેતરે જતા, જંગલ જતા, લોટે જતા. મોગલોના આક્રમણ પછી દેશમાં ડબ્બાવાળા જાજરૂ આવ્યા કારણ કે મોગલોના હરમની પર્દાનશીન સ્ત્રીઓ ખુલ્લામાં જતી નહીં. આ ડબ્બાઓની સફાઈ કોણ કરે? મોગલોના આક્રમણ પછી સ્થાનિક પ્રજા માટે ત્રણ વિકલ્પ રહેતા. એક – માગીએ એટલા કરવેરા આપો. બે – કરવેરા ભરવાની તાકાત કે દાનત ન હોય તો ઇસ્લામ કબૂલ કરો. અને ત્રણ – ઉપરની બેઉ શરતો નામંજૂર હોય તો મોતને ભેટો. પણ આ ડબ્બાવાળા જાજરૂ પછી ચોથો વિકલ્પ આપવામાં આવ્યો – અમે જે કહીએ તે કામ તમે કરો.

જે ગરીબ ભારતીયોને પોતાનો ધર્મ વહાલો હતો એમણે ધર્માંતરણ કરવાને બદલે પોતાની જાન બચાવીને આ કામની જવાબદરી પોતાને માથે લીધી.

છૂઆછૂતની પ્રથા અહીંથી શરૂ થઈ. આ કામ કરતાં કરતાં બે-ત્રણ પેઢીઓ પછી એમનામાં રોગપ્રતિકારક શક્તિ વધતી ગઈ. ઈમ્યુનિટી આવી ગઈ. જેમ અમેરિકન શિશુ સતત સુરક્ષિત વાતાવરણમાં રહે એટલે ભારતીય બાળક જેવું ખડતલ ન બને કે જેમ વિદેશથી આવતા મહેમાનો ભારતમાં બહારનું ભોજન ખાઈને માંદા પડે પણ આપણને કંઈ ન થાય એવું જ કંઈક આ લોકોની ઈમ્યુનિટીનું હતું. ગંદકી સાથે કામ કરવાના વ્યવસાયને લીધે બીજા લોકોએ એમનાથી સુરક્ષિત અંતર જાળવવું જરૂરી હતું. એમની સાથે ભેદભાવ કરવા માટે નહીં પણ આરોગ્યની બાબતમાં સમાધાન ન કરવા માટે અસ્પૃશ્યતાનું ચલણ શરૂ થયું.

એ જમાનામાં મૉલ, થિએટરો, સભાગૃહો, પાર્ક, સ્ટેડિયમ કે સ્ટેશનો તો હતાં નહીં જ્યાં લોકો એકઠા થાય. માત્ર મંદિરો જ હતાં જે માત્ર ધાર્મિક જ નહીં સામાજિક મેળાવડાઓનાં પણ સ્થળ ગણાતાં. એ લોકોને મંદિરોમાં પ્રવેશ ન આપવાનાં કારણોમાં સામાજિક બહિષ્કાર નહીં પણ સ્વચ્છતા તથા હાઈજિનના આગ્રહો હતા. ભીડમાં સંક્રામક રોગો ફેલાવાની શક્યતા કેટલી વધી જાય છે એની ખબર આજના જમાનાના લોકોને કોરોનાને કારણે થતા જનતા કરફ્યુ કે લૉકડાઉન કે સોશ્યલ ડિસ્ટન્સિંગ વખતે થાય છે. આપણા પૂર્વજોને હજારો વર્ષથી આ વાતની ખબર હતી.

જમાનો બદલાયો. અંગ્રેજોના આવ્યા પછી આ સામાજિક પ્રથાને બિહામણું સ્વરૂપ આપવામાં આવ્યું જેથી છૂઆછૂતની પ્રથાની નાબૂદીના નામે સમાજના એક વર્ગ પાસેથી સહાનુભૂતિ ઊઘરાવી શકાય. અસ્પૃશ્યતાના નિવારણના નામે ઘોંઘાટો શરૂ થયા. વાસ્તવમાં એ વર્ગના લોકોમાં હવે એકલદોકલ કિસ્સા સિવાય ક્યાંય જૂનાં કામો થતાં નથી. સૌ કોઈ અનામતના લાભ લઈને કે લીધા વગર આપબળે સરકારી નોકરીઓ મેળવે છે, શિક્ષક-ડૉક્‌ટર-કલેક્‍ટર બને છે, એમએલએ-એમપી-રાષ્ટ્રપતિ બને છે. એ પ્રકારની આભડછેટની જરૂર નથી અને છે પણ નહીં. પરંતુ જ્યારે એની જરૂર હતી તે વખતને આપણા પછાતપણામાં ગણાવી દેવા માટે હજુય કેટલાક બહાદુરો આતુર હોય છે.

સ્વચ્છતાનું મહત્વ કેટલું છે, હાઈજિન કેવી રીતે સાચવવું, સોશ્યલ ડિસ્ટન્સિંગથી થતા ફાયદાઓ – આ બધું જ્ઞાન કોરોનાવાયરસને કારણે જગતને મળી રહ્યું છે. હાથ મેળવીને શેકહૅન્ડ કરનારા લોકોને મૉડર્ન કે ફૉરવર્ડ માનનારી દુનિયા આપણા હજારો વર્ષ જૂના નમસ્તેને નમસ્કાર કરતી થઈ ગઈ છે.

કોઈપણ રોગચાળો ફાટી નીકળે ત્યારે શરીરની રોગ પ્રતિરોધકશક્તિ એની સામે સૌથી મોટી ઢાલ બનતી હોય છે. ઈમ્યુનિટી મેળવવા માટે અત્યારે બાકીની દુનિયા ફાંફાં મારી રહી છે જ્યારે આપણી પરંપરામાં એ સાહજિક રીતે વણાઈ ગઈ છે, આપણા રોજબરોજના ખાનપાનને સ્વાદિષ્ટ પણ બનાવી રહી છે – હજારો વર્ષથી. હળદર, લીમડો, મેથી, રાઈથી લઈને ડઝનબંધ ઈમ્યુનિટીવર્ધક ઈન્ગ્રેડિયન્ટ્‌સ આપણે નાનપણથી ખોરાકમાં લેતા આવ્યા છીએ. ભારતમાં આજની તારીખે કોરોનાગ્રસ્ત નાગરિકોની સંખ્યા તથા એને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા ચીન, ઈટલી, અમેરિકા, ઈરાન કરતાં સાવ નગણ્ય છે એનું કારણ આ છે. આપણી ઈમ્યુનિટી આપણા ખોરાકમાં વણાઈ ગયેલાં તુલસી, હળદર, મેથી વગેરેને કારણે ઘણી વધારે છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગના ફાયદાઓ આપણે હજારો વર્ષથી જાણીએ છીએ જેને સૂતક, આભડછેટ, અડચણ, છૂઆછૂત વગેરેની પ્રથાના નામે બીજા લોકો અત્યાર સુધી આપણને અંધશ્રદ્ધાળુ ગણતા રહ્યા, પછાત ગણતા રહ્યા. ભલું થજો કોરોનાવાયરસનું જેણે દુનિયા આગળ પુરવાર કરી બતાવ્યું કે ખરેખર સુધરેલી પ્રજા કોણ છે અને પછાત પ્રજાઓ કઈ કઈ છે.

સાયલન્સ પ્લીઝ!

અષાઢી બીજે રથયાત્રા નીકળે તેના ૧૪ દિવસ પહેલાં ભગવાન જગન્નાથને શરદી થઈ જતી હોય છે અને એમની આ બીમારીને લીધે એમને ક્વોરન્ટાઈન કરવા પડતા હોય છે જેને અણસર કહેવાય છે.  બીમારી દરમ્યાન બે સપ્તાહના એકાંતવાસની જરૂરિયાત આધુનિક વિજ્ઞાને સ્વીકારી એના સહસ્ત્ર વર્ષ પહેલાં ભારતે સ્વીકારી.

—સંકલિત

3 COMMENTS

  1. Our Rushi Munis were so closed to the nature. They understood the nature so well and also they knew Human’s mind. They added Turmeric, Jeera, Ajwain, Hing, Curry Leaves and other in our food. All these have medicinal property. Our festivals like Gudi Padwa comes before heat starts so they included eating Bitter Neem that cools down our body. Bitter Neem having anti bacterial property. Like wise each festival having different food. In our child hood we used to drink Karu and Kariyatu mixture so we have not heard flu and flu shot. Our ancestors were so wise that they created wide varities of food based on seasons. Ayurved is contribution of so many Rushi Munis. As per Ramayan – Dashanan Ravan also contributed his wisdom in Ayurved. There are no patents and no names for their valuable contribution. They all dedicated their knowledge for Human kind. We always beleived in Loka Samasta Sukhino Bhavantu, Sarve Bhavantu Sukhinam. Sarve Santu Nriamaya. Sarve Bhadraani Pasynatu Ma Kaschit Dukh Bhag-Bhavet.

  2. સનાતન સંસ્કૃતિ (ભારતીય) માં રહેલા તમામ પ્રકારના ધાર્મિક નિયમો પાછળ કોઇનકોઇ વિજ્ઞાનનું રહસ્ય છુપાયેલું છે જ. આ અંગે મને જે વિચારો યોગ્ય લાગ્યા હતા તે મારા બ્લોગ પર : ” ભારતીય સંસ્કૃતિની મહાનતા અને ધાર્મિકતાનું ઘેન” નામે પોસ્ટ લખી હતી. (જે અહીં કોપી પેસ્ટ થતી ન હોવાથી લખવું જરૂરી છે.)

  3. પરંપરાઓ વિશે ખુબ જ સાચુ જ્ઞાન આપો છો, જેમ બને એમ લોકો સુધી આપની વાતો પહોંચે એવી આશા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here