ઉપવાસ શસ્ત્ર કે શાસ્ત્રઃ થોડુંક અંગત, થોડુંક બિનઅંગત : સૌરભ શાહ

(ન્યુઝવ્યુઝઃ 26 માર્ચ 2020)

જાહેર જીવનમાં ઉપવાસ શબ્દ સંભળાય એટલે તરત જ ગાંધીજી યાદ આવે એવો આ દેશનો માહોલ હતો એક જમાનામાં. ગાંધીજી કુદરતી ઉપચારમાં માનતા. ઉપવાસનું મહત્વ બરાબર સમજતા. આત્મશુદ્ધિ માટે માટે પણ ઉપવાસ કરતા. ત્યાં સુધી સારું હતું. પણ એક બાજુ લોકશાહીમાં શ્રદ્ધા રાખવાની વાતો કરવી અને બીજી બાજુ પોતાના આગ્રહો માટે સર્વસંમતિ( કે બહુમતિની સંમતિ) ન હોય ત્યારે ઉપવાસ પર ઊતરી જવાની એમની સ્ટ્રેટેજી નિંદનીય હતી. અહિંસાના આદરણીય પુજારીની એ પ્રચ્છન્ન હિંસા જ હતી.મારી  અમુક માગણી માન્ય રાખવામાં નહીં આવે તો હું આમરણ ઉપવાસ પર ઊતરી જઈશ પછી સામેવાળાએ ઝૂકવું જ પડશે એની ગાંધીજીને ખાતરી હતી. ન કરે નારાયણ ને ગાંધીજીના ઉપવાસ લાંબા ચાલે, એમની તબિયત એમને મરણાસન સુધી લઈ જાય તો પ્રજામાં રોષ ફેલાય અને રોષે ભરાયેલી પ્રજા તોફાનો કરે, હિંસા કરે – આવો ભય સતત સામેવાળાના મનમાં તોળાતો રહેતો. ગાંધીજીએ જે આંદોલનો માટે આહ્‌વાન કરેલાં તે બધાં જ આંદોલનો અહિંસક નહોતાં રહ્યાં. ગાંધીજીના કહેવાથી શરૂ થયેલાં કેટલાંક આંદોલનો હિંસક બન્યાં હતાં. તે ત્યાં સુધી કે ગાંધીજીના અનુયાયીઓએ પોલીસોને એમની પોલીસ ચોકીમાં જીવતા સળગાવી દીધેલા. ગાંધીજીએ આવાં આંદોલનોથી દુઃખી થઈને એને માંડ માંડ પાછા ખેંચેલા. ટેક્‌નિકલી ગાંધીજીની ‘ઉશ્કેરણી’થી જ આવાં પરિણામો આવ્યાં એવું કહેવું જોઈએ. જો તમારા અનુયાયીઓ તમારા કહ્યામાં ન હોય તો તમારે તમારી લીડરી પર અંકુશ રાખવો જોઈએ.

ગાંધીજીના જે ઉપવાસો આરોગ્યને કારણે થતા એને સંપૂર્ણ અનુમોદન છે. પરંતુ જે ઉપવાસો બ્લેકમેલ કરવાના આશયથી થતા તેને કોઈનુંય કોઈ દિવસ સમર્થન ન હોઈ શકે.

ગાંધીજીને કારણે ઉપવાસો પ્રચલિત પણ થયા, બદનામ પણ થયા. અણ્ણા હઝારે જેવા અનેક લેભાગુ અને બની બેઠેલા નેતાઓએ પણ મનભરીને ગાંધીજીના બ્લેકમેલવાળા ઉપવાસના તથાકથિત ‘અહિંસક’ શસ્ત્રનો ઉપયોગ કર્યો. અને વડ તેવા ટેટા ન્યાયે અન્ના હઝારેને કેજરીવાલ જેવા ચાલુ ચેલાઓ મળ્યા જે ગુરુ કરતાં સવાયા સાબિત થયા.

વાત ફંટાઈ રહી છે. આપણે ઉપવાસનું શાસ્ત્ર ખોલ્યું છે.  કુદરતી ઉપચાર એટલે કે નેચરોપેથીના શાસ્ત્રનો અર્ક જો એક શબ્દમાં આપવો હોય તો આ શબ્દ એકદમ યોગ્ય ગણાયઃ આહારવિહાર.

તમે શું ખાઓ છો, શું નથી ખાતા, ક્યારે ખાઓ છો, કેટલું ખાઓ છો અને તમે કેવા વાતાવરણમાં રહો છો – તમારો આહાર અને તમારો વિહાર નક્કી કરે છે કે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે. ક્યારે શું ખાવું અને ક્યારે શું ન ખાવું – માત્ર દિવસના સમયની જ વાત નથી, તમારા શરીરમાં આવેલા કે આવનારા ફેરફારોને અનુરૂપ ક્યારે શું ખાવું અને ન ખાવું તે નક્કી કરવાનું હોય. કફનો પ્રકોપ આવવાની શક્યતા ધરાવતી ૠતુ શરૂ થાય ત્યારે જુવારની ધાણી ખાવી, ગુડી પડવાએ કડવા લીમડાના રસ સાથેનું કડુ-કરિયાતું પીવું, ચોમાસામાં જીવજંતુઓ શાકભાજીમાં છુપાઈ ગયેલાં હોય એટલે લીલોતરીનો ત્યાગ કરવો, આ બધી ટાઈમ ટેસ્ટેડ પ્રણાલિઓ આપણે અપનાવી છે.

કોઈક બિનઅનુકૂળ ખોરાક પછી પાચન યોગ્ય રીતે ન થયું હોય તો એક ટંકનું લાંઘણ કરવું. અમુક શારીરિક સંજોગોમાં માત્ર મગના પાણી પર રહેવું. અઠવાડિયામાં એક દિવસ સંપૂર્ણપણે કે એક ટંક માટે ઉપવાસી રહેવાથી ધર્મ સચવાય કે ન સચવાય, શરીર જરૂર સચવાય છે. આઠ સોમવાર, સોળ શનિવાર કે આખું વર્ષ શુક્રવાર કરવાથી મનોકામનાઓ સિદ્ધ થાય છે તે અંધશ્રદ્ધા નથી. આવા સંકલ્પોથી મનોબળ વધે છે અને આ વધેલું મનોબળ તમને તમારું સપનું સાકાર કરવામાં મદદ કરે છે – ચાહે એ સારો પતિ મેળવવાનું ડ્રીમ હોય કે ધંધો શરૂ કરવાનું, નોકરી મેળવવાનું, વિદેશ જવાનું.

જૈન ધર્મ મુજબની અઠ્ઠાઈનું મને હંમેશાં આકર્ષણ રહ્યું છે, આઠ-આઠ દિવસ સુધી ભૂખ્યા રહેવાનો અનુભવ કેવો હોઈ શકે એ મારા જેવા વૈષ્ણવ કુટુંબમાં ઉછરેલા ગુજરાતી માટે કલ્પનાનો વિષય હતો. વૈષ્ણવ ઘરોમાં મોટેભાગે( બધા જ ઘરોમાં નહીં) અગિયારસ કે જન્માષ્ટમી જેવા દિવસોમાં ફરાળના નામે ખાવાપીવાના જલસા હોય. સાબુદાણાની ખીચડીથી માંડીને… અત્યારે એ બધું યાદ નથી કરવું કારણ કે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસનો  ઉપવાસ ચાલે છે. વૈષ્ણવો પોતાના પર હસી પણ શકે છે. ‘આજ મારે અગિયારસ…’ મતલબના શબ્દો ધરાવતું એક ભજન છે જેમાં દરેક અંતરામાં ડઝનબંધ ફરાળી વાનગીઓના ઉલ્લેખો આવે છે અને એની ધ્રુવ પંક્તિ છેઃ  ‘ (આ સિવાય) મેં બીજું કંઈ ખાધું નથી.’

વૈષ્ણવ કુટુંબમાં ઉછેર છતાં જૈન મિત્રો-પરિચિતો-વાચકો સાથે ખૂબ મોજથી રહેવાનું. એટલે અઠ્ઠાઈનું આકર્ષણ. અઠ્ઠાઈ તપ કરવાની ઈચ્છા તો મનની મનમાં જ રહી ગઈ પણ જ્યારથી ખબર પડી કે નરેન્દ્ર મોદી શારદીય નવરાત્રિના નવેનવ દિવસ માત્ર પાણી પર ઉપવાસ કરે છે ત્યારથી મન થયા કરતું કે જોઈએ એ અનુભવ કેવો હોય. (મોદીજીના આસો માસ ના ઉપવાસ નકોરડા હોય, ચૈત્રમાં  કોઈ એક ફ્રૂટ નક્કી કરે અને નવ દિવસ એના આધારે શરીરમાં શક્તિ રહે).

એ વખતે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ૨૦૦૪ – ૦૫ની આસપાસ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર નવરાત્રિ દરમ્યાન થતો હતો. મોદીએ એ સમયે ભાજપના કોઈ પણ સીટિંગ કૉર્પોર્રેટરને ટિકિટ ન આપવી એવું પક્ષ પાસે નક્કી કરાવ્યું હતું. લોકો કહેતા કે ડિસેમ્બર ૨૦૦૨માં મોદી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ માંથી ૧૨૭ સીટ લઈ આવ્યા પણ હવે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઊંધા માથે પછડાવાના છે. મોદી માટે ૨૦૦૨ પછીનો આખોય ગાળો ઘણો કપરો હતો. મોટાં મોટાં વિઘ્નોને ચેલેન્જ તરીકે ઉપાડી લેતા. અમદાવાદ કૉર્પોરેશનની ચૂંટણીના પ્રચારમાં જાતે જોડાઈ ગયા. ભૂખ્યા પેટે જાહેર સભાઓ સંબોધતા. રાત્રે દસ વાગ્યે પ્રચારનો સમય પૂરો થાય એ પછી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા દરેક વોર્ડમાં જઈ જઈને મીટિંગો કરતા. પરિણામો ધાર્યાં હતાં એ જ આવ્યાં. મોદીનો નિર્ણય સાચો પુરવાર થયો. જેમની પાટી કોરી હતી, ખરડાયા વિનાની હતી તે બધા જ ઉમેદવારોને લોકોએ પ્રચંડ મતોથી જીત અપાવી. મોદીની મહેનત સફળ થઈ.

હું દૂર રહીને એમની આ શારીરિક-માનસિક શક્તિને વિસ્ફારિત નયને જોયા કરતો. ૨૦૦૭ની નવરાત્રિ વખતે મેં નક્કી કર્યું કે મારે પણ માત્ર પાણી પીને આ નવેનવ દિવસના ઉપવાસ કરવા છે. એક વડીલની સલાહ હતી કે કમ સે કમ દૂધીનો જ્યુસ તો રોજ પીવો જ જોઈએ કારણ કે તમારા માટે આ જિંદગીના પહેલા લાંબા ઉપવાસ છે. પ્રથમ દિવસે બપોરે બે ઘૂંટડા દૂધીનો જ્યુસ પીને વડીલની આજ્ઞા માથે ચડાવી પણ પછી માત્ર પાણી પીને બાકીના દિવસો ગાળ્યા. એ ગાળામાં નક્કી કર્યું હતું કે નૉર્મલ જે કામ થાય છે તે અટકાવવું નહીં. સંજોગો એવા થયા કે એ જ ગાળામાં કામ માટેનાં  પ્રવાસો-યાત્રાઓ વધી ગયાં. ઉત્સાહ સાથે કામ પણ કર્યું અને રંગેચંગે ઉપવાસો પણ પૂરા કર્યા. પહેલા-બીજા દિવસે તો ઉમંગ બહુ હોય એટલે કંઈ ખબર જ ન પડે. ત્રીજો દિવસ ભારે કપરો પુરવાર થાય. દર કલાકે શારીરિક અને માનસિક ભૂખ લાગવા માંડે. ચોથે દિવસે ટેવાઈ જાઓ. પછીના દિવસો પાછા નૉર્મલ બની જાય. છેક છેલ્લે દિવસે નબળાઈ લાગે પણ કામકાજ ચાલુ રહે. છેલ્લે દિવસે કદાચ ધીરજનો અંત આવતો હશે એટલે પણ નબળાઈ લાગવા માંડતી હશે. પણ ઓવરઑલ જિંદગીનો આ અવિસ્મરણીય અનુભવ.

જીવનમાં ઉપવાસનો સિલસિલો જો કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ને કારણે શરૂ થયો. કરોડો ભારતીયોની જેમ ગોધરા હિન્દુ હત્યાકાંડની વિભિષિકા મનમાં ધૂંધવાયા કરતી હતી. ૨૦૦૩ની ૨૬મી ફેબ્રુઆરીએ એસ. એમ. એસ. પર બધાને એક સંદેશો વહેતો કર્યોઃ ‘આવતીકાલે કાળો દિવસ છે. ગોધરા હિન્દુ હત્યાકાંડની પ્રથમ વરસી છે. ૫૯ હિન્દુઓને જીવતા સળગાવી દેવાની આ ઘટના ક્યારેય નહીં ભૂલાય. તમે બે આંગળી વચ્ચે સળગતી  દિવાસળી ક્યારેય પકડી છે? ક્યાં સુધી પકડી રાખશો? આંગળીનાં ટેરવાં દાઝી ન જાય ત્યાં સુધી. હવે કલ્પના કરો કે માત્ર બે આંગળીનાં ટેરવાંને જ નહીં, પગથી માથા સુધીના તમારા આખ્ખા શરીરને દઝાડ્યા કરતી આગને તમારે ત્યાં સુધી સહન કરવાની છે જ્યાં સુધી તમારો જીવ આ શરીરમાંથી નીકળી ન જાય. સહન કરી શકશો? ૫૯ હિન્દુઓએ જે સહન કર્યું છે એને અંજલિ આપવા ૨૬મીએ રાત્રે ભોજન લીધા પછી ૨૮મીએ સવારના નાસ્તા સુધી પેટમાં પાણી સિવાય બીજું કંઈ નહીં નાખીએ.’

આ મતલબનો સંદેશો ફરતો કર્યો અને દર વર્ષે ૨૭મી ફેબ્રુઆરીના આગલા દિવસે સેઈમ મૅસેજ હું સૌને મોકલતો. એ પછી ગુજરાતમાં આ સંદેશો એટલો ફેલાયો કે લાખોની સંખ્યામાં લોકોએ કાળા દિવસે 36 કલાકના ઉપવાસ કરવાનું શરૂ કર્યું. છેલ્લો ઉપવાસ મેં ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ કર્યો. ૨૦૧૪ના મે મહિનામાં મોદી વડાપ્રધાન બન્યા પછી મેં નક્કી કર્યું કે હવે ૨૭મી ફેબ્રુઆરીનો ઉપવાસ કરવાની જરૂર નથી. હવે આ દેશના હિન્દુઓને માથે છત્ર આવી ગયું છે.

શારદીય નવરાત્રિએ કરેલા ઉપવાસ પછી છેક તેર વર્ષે ચૈત્રી નવરાત્રિના ઉપવાસ શરૂ કર્યા છે. આજે બીજો દિવસ છે. આ વખતે ચોવીસ કલાકમાં બપોરે એક ટંકનું ભોજન લેવું એવો નિર્ધાર કર્યો છે. સાંજે સૂતાં પહેલાં એક ફળ અથવા સાદું દૂધ. આટલો સંકલ્પ લેવાથી માનસિક રીતે સારું લાગે છે અને અમલમાં મૂક્યા પછી શારીરિક રીતે પણ. બાકી મારી દિનચર્યામાં વર્ષોથી સવારે ઊઠીને હેવી બ્રેકફાસ્ટ જોઈએ, જોઈએ ને જોઈએ જ. એ પછી બપોર-રાત્રિનાં બે ફુલ મીલ ઉપરાંત વચ્ચે વચ્ચે દર બબ્બે કલાકે કંઈ પણ નાનું – મોટું ખાવા જોઈએ. સંયમની મઝા માણવાની શરૂઆત ગઈ કાલથી થઈ ગઈ છે. બપોરે જમતી વખતે ખબર હોય કે નેકસ્ટ ભોજન ચોવીસ કલાક પછી મળવાનું છે એટલે એક એક કોળિયો ધીમે ધીમે મોઢામાં મૂકાય જેના બે ફાયદા: દરેક વાનગી વધારે સ્વાદિષ્ટ લાગે અને ઓછું ભાવતું ખાવાનું પણ ભાવતું થઈ જાય. બીજો ફાયદો એ કે ઓછી ક્વોન્ટિટિમાં જ તૃપ્તિ મળી જાય, જમવાનો સંતોષ વધી જાય. ટ્રાય કરજો. ઉપરાંત અત્યારે દેશમાં જે પરિસ્થિતિ છે તે પણ જમતી વખતે તમારા સબ કૉન્શ્યસમાં હોય એટલે કશું વધારાનું બને નહીં  એ રીતે સાચવીને વાપરવાની ટેવ પડતી જાય.

રામનવમી સુધી જ નહીં ૧૪મી એપ્રિલ સુધી અમારી આ ઉપવાસી મોજ ચાલવાની છે. લૉકડાઉન કે નો-લૉકડાઉન – એ પછી પણ અત્યારની આ નવી આદત ચાલુ રહે તો સારું એવી પ્રભુને પ્રાર્થના છે.

7 COMMENTS

  1. ખબર નહીં પણ કેમ આ વખતે મારી પત્ની અને મેં બંને એ નવરાત્રી કરેલ છે. અને એવું પણ લાગે છે કે આ વરસે ગુજરાતમાં નવરાત્રી કરનાર વધ્યા છે.

  2. વાહહહ સરસ.
    ઉપવાસ કરવાની પ્રેરણા મળે એવું મસ્ત લખાણ છે.
    એમાંય મોહનદાસ ગાંધી વાળી વાતમાં પણ મજા આવી.
    પણ 14મી એપ્રિલે !!! મને લાગે છે આપણે વીડિયો કૉલથી સેલિબ્રેશન કરવું પડશે ?

  3. સૌરભભાઈ,
    જય શ્રી કૃષ્ણ, આપે ગાંધીજી નો ઉપવાસ શસ્ત્ર નો દુરૂપયોગ કહ્યો તે બિલકુલ વાજબી છે.
    હું ગુરૂવાર અને એકાદશી તથા શારદીય નવરાત્રિ કરૂં છું અલબત હળવા ફરાળ તથા એક ટાઈમ જમવાનું, આપની એક વાત અનુભવ સિદ્ધ છે કે જો જમતી વખતે ધીરે ધીરે જમીએ તો સંતોષ સાથે ખોરાક ની માત્રા પણ નિયંત્રિત રહે છે,કદાચ આજ કારણોસર (કૌટુંબિક પરિસ્થિતિ ને કારણે બહુ માનસિક તાણ હોવા છતાં) હું ૮૧મા વર્ષે કોઈ પણ મહારોગ મુક્ત અને સ્વસ્થ છું.
    – વિનોદ રાઠોડ

  4. Very inspiration sir, today i decided to go on one time meal in a day. Skipped my dinner, this will go till 14th April.

  5. સર , મેં પણ આ ચૈત્રી નવરાત્રિ સવાર માં પાલક, કોથમીર, ફૂદીના ના ગ્રીન જ્યુસ તથા બપોરે અને સાંજે શકકર ટેટી. સંકલ્પ તો મોનો ડાયટ માં ફ્રૂટ પર રહી કાયા કલ્પ નો હતો પણ ગ્રીન જ્યુસ એડ થઈ ગયો. એકાદ નવરાત્રિ નિર્જલા રહેવું છે. વચ્ચે પાણી પણ લેવા નું નથી. જોઈએ આગેવાનો આગે હોતા હૈ ક્યા ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here