લાઉડમાઉથ : સૌરભ શાહ
(‘સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૪ ઑગસ્ટ ૨૦૧૯)
ત્રણેય કુદરતનાં વરદાન છે અને ત્રણેય સમય આવ્યે વરદાનમંથી શાપ બની જતાં હોય છે.
માણસમાં કલ્પનાશક્તિ ન હોય તો? તો આ દુનિયા હજુ પથ્થરયુગમાં જ જીવતી હોત. આપણા સૌનું અસ્તિત્વ જંગલી પશુ-પંખી જેવું જ હોત. માણસની કલ્પનાશક્તિએ બે ચકમક પથ્થર ઘસાવીને કૃત્રિમ અગ્નિ પેદા કર્યો અને આ જ કલ્પનાશક્તિએ પૈડાની શોધ કરી, ભાષા-લિપિ-ઓજારોની શોધ કરી, ખેતી-વિમાન-રૉકેટની શોધ કરી. કલ્પનાથી મોટું વરદાન ભગવાને માણસને આપ્યું નથી. આ કલ્પનાના સહારે ચિત્રકાર ચિત્ર દોરે છે, એમાં રંગ પૂરે છે. વૈજ્ઞાનિક નવી નવી શોધખોળો કરે છે. ટેક્નોલૉજિના સમ્રાટો ઈન્ટરનેટ તથા વેબવિશ્વના અઢળક આવિષ્કારો કરે છે. સેલફોન બનાવે છે. મૂંગી ફિલ્મો બનાવે છે અને ફિલ્મોને મૂંગીમાંથી બોલતી કરે છે, સ્ટિરિયોફોનિક તથા ડોલ્બી સાઉન્ડમાં બોલતી કરે છે. આ કલ્પનાથી સાત સૂરોનું માળખું બંધાય છે, રાગ-રાગિણી સર્જાય છે. સિતાર અને વાયોલિન, હાર્મોનિયમ અને પિયાનો તથા ઑપેરા સિંગિંગથી માંડીને ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે નીત નવી નવી ઊંચાઈઓનાં શિખરો સર થાય છે. આ કલ્પનાને કારણે વ્યાસ, કાલિદાસ, શેક્સપિયર અને ચાર્લ્સ ડિકન્સની મહાન સાહિત્ય કૃતિઓ સર્જાય છે.
કલ્પનાને કારણે દુનિયા હજુ વધારે સુરક્ષિત બનવાની છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ( એ.ઈ.)ના પ્રતાપે ગુનો થતાં પહેલાં જ ખબર પડી જવાની કે કોના મનમાં કઈ સાપબાજી ચાલી રહી છે જેની ઝલક ગયા દશકની ‘મેટ્રિક્સ’ ફિલ્મમાં જોવા મળી. એચ.જી.વેલ્સ, જુલે વર્ન અને આઈઝેક આસિમોવ જેવા અનેક સાયન્સ ફિક્શન નવલકથાકારોએ કરેલી કલ્પના વાસ્તવ જગતના વૈજ્ઞાનિકોએ સાકાર કરી – સબમરિનથી માંડીને ચંદ્ર પર માનવ પગલાં સુધી અનેક.
કલ્પના કરનારાઓ ધૂની ગણાય છે. કારણ કે તેઓ પોતાના જ વિશ્વમાં રચ્યાપચ્યા રહેવા માગતા હોય છે. એમને પોતાની આજુબાજુની દુનિયાનું ભાન નથી હોતું એવું કહેવાય છે. કારણ કે તેઓ આ દુનિયાએ હજુ સુધી ક્યારેય ન જોઈ હોય, ન સાંભળી હોય, ન વાંચી હોય, ન માણી હોય એવી ચીજ – એવી કૃતિનું નિર્માણ કરવા માટે કલ્પનાની દુનિયામાં ખોવાઈ જતા હોય છે. એમને આજની કોઈ પરવા નથી હોતી, આવતી કાલની ખેવના હોય છે. આજે નૉર્મલ લોકો જેમાં પોતાનું સુખ માને છે એવું ખાવાનું, પહેરવાનું, રહેવાનું મળ્યું – ન મળ્યું તેની એમને સહેજ પણ પરવા નથી હોતી. આજની આવી બધી જ ભૌતિક સગવડોને ભૂલી જઈને તેઓ આવતીકાલની કલ્પનામાં ડૂબી ગયા છે. એટલે જ મહાન વૈજ્ઞાનિકો માટે ભૂલકણાં પ્રૉફેસર કે પ્રૉફેસર ફર્ગેટ જેવા શબ્દપ્રયોગો અસ્તિત્વમાં આવ્યા.
કલ્પના ત્રણ પ્રકારની હોય છે. એક, જે ક્યારેય બન્યું નથી એવું બનવાની, કરવાની કલ્પના. બે, આજની પરિસ્થિતિના આધારે આવતીકાલે જે કંઈ થઈ શકે છે તેની કલ્પના અને ત્રણ, જે કંઈ થઈ ગયું છે તેને ફરી ફરીને યાદ કરી – એમાં આપણા પોતાના રંગ ઉમેરીને યાદ કરીએ એ કલ્પના જે સ્મૃતિ કરતાં જુદી છે.
આ ત્રણેય કલ્પનાઓ વિશે થોડીક વાત કરી લઈએ. વિમાનની શોધ પ્રથમ પ્રકારની કલ્પનામાંથી થઈ. માણસે પંખીની જેમ ઊડવું જોઈએ એવી કલ્પના કરીને પોતાને પાંખો લગાડીને ઊડવાની કોશિશ કરનારાઓએ છેવટે એક એવા યંત્રની શોધ કરી જે ઊડતું હોય અને જેમાં બેસીને માણસ પોતે આકાશમાં વિહરી શકે. પુષ્પક વિમાનની કલ્પના ભલે રામાયણયુગમાં થઈ હોય પણ છેવટે તો એ પણ કલ્પના જ હતી, વાસ્તવમાં એવું કોઈ વિમાન કોઈએ બનાવ્યું નહોતું.
બીજી કલ્પના આપણે સૌ કરતા હોઈએ છીએ. ઘરના વડીલને ઑફિસેથી પાછા આવતાં ખૂબ મોડું થયું, કોઈ સંપર્ક નથી થતો એમની સાથે. અનેક અમંગળ કલ્પનાઓથી ચિત્ત ઘેરાઈ જાય. કોઈ ગમતી વ્યક્તિ તમને તમારી વર્ષગાંઠના દિવસે વિશ કરવા આવવાની છે. એણે શું પહેર્યું હશે, એ શું લાવશે, કેવી રીતે વિશ કરશે એની કલ્પનામાં તમે ખોવાઈ જાવ છો. ત્રીજા પ્રકારની કલ્પના સ્મૃતિની નજીક છે પણ એ સ્મૃતિ નથી. જે કંઈ બની ગયું છે તેના વિશે યાદ કરીને આપણે ઘણી વખત એમાં કલ્પનાના રંગ ઉમેરીને જાતને કહેતા હોઈએ છીએ કે આ ઘટના જો આ રીતે નહીં પણ પેલી રીતે બની તો કેટલું સારૂં( અથવા તો કેવું ખરાબ) થયું હોત.
કલ્પના કરતાં સ્મૃતિ આખી જુદી વાત છે. સ્મૃતિમાં આપણે જાણે જોઈને કોઈ ફેરફાર નથી કરતા હોતા( અજાણે કે અભાનપણે ઘણી વાતો એમાં બદલાઈ જતી હશે). સ્મૃતિ છે તો આપણે કે.જી.માં કે બાળ મંદિરમાં જે એકડો ઘૂંટ્યો તે હજુ પણ આવડે છે. ડ્રાઈવિંગ, કૂકિંગ, રીડિંગ – આ બધું જ આવડે છે કારણ કે એ કેવી રીતે થાય તે યાદ છે, મગજના સ્મૃતિકોશોમાં એ વાતો સંઘરાયેલી છે. માબાપથી માંડીને બીજી સેંકડો-હજારો વ્યક્તિઓને ચહેરાથી- એમના અવાજથી- અણસાર માત્રથી ઓળખી શકીએ તે સ્મૃતિનું વરદાન છે. બરફ ઠંડો હોય અને આગથી દાઝી જવાય કે પછી નમક ખારું હોય અને કારેલું કડવું હોય તે બધું સ્પર્શેન્દ્રિય કે સ્વાદેન્દ્રિય ઉપરાંત સ્મૃતિને કારણે યાદ રહે છે. સ્મૃતિને લીધે તમારી પાસે વિશ્વ આખાના જ્ઞાનનો ખજાનો ખુલી ગયો જેમાંથી તમને જે પસંદ પડ્યું તે લઈને તમે આગળ વધ્યા, પૈડું નવેસરથી શોધવાની કડાકૂટ તમારે નથી કરવી પડી, સલામતીપૂર્વક દાઢી બનાવવા માટે સેફ્ટી રેઝર કોઈક બીજાએ શોધ્યું, તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું કે સાદા અસ્તરાને બદલે ક્યું સેફ્ટી રેઝર વાપરવું છે.
ન જોઈતી યાદો, ન જોઈતી સ્મૃતિ તમને અકળાવે છે ત્યારે એ વરદાન સમી નથી લાગતી. ગુનો કરવાની નવી નવી રીત માણસનું ભેજું શોધી કાઢે છે ત્યારે માનવની કલ્પનાશક્તિ પોલીસને વરદાન સમી નથી લાગતી.
વિસ્મૃતિ શાપ તો છે જ, વરદાન પણ છે દુષ્યંતની વિસ્મૃતિ શકુંતલને ભારે પડે છે. બે મહિના સુધી વાંચીને ગોખી રાખેલું પરીક્ષાખંડમાં યાદ ન આવે ત્યારે વિદ્યાર્થી માટે એ વિસ્મૃતિ શાપ પુરવાર થવાની. શું ક્યાં મૂકાઈ ગયું છે તે ખરા ટાઈમે યાદ ન આવે ત્યારે વિસ્મૃતિ શાપ જ હોવાની. પણ વિસ્મૃતિના આશીર્વાદને કારણે કેટલીય ન ગમતી ઘટનાઓ તમારા મનમાંથી ભૂંસાઈ જતી હોય છે.
એક કવિમિત્રની યાદદાસ્ત ખૂબ જ શાર્પ. ગાઢ મિત્ર. વચ્ચેના વર્ષોમાં કંઈક થયું અને અબોલા થઈ ગયા. સામે મળી જાય તો નજર મેળવવાનાય સંબંધ ન રહ્યા. પણ છેવટે કોઈ પવિત્ર ઘડીએ, પવિત્ર ભૂમિ પર બધું પાછું હન્કીડોરી થઈ ગયું, પૂર્વવત્ થઈ ગયું. ત્યારે એક પુસ્તક ભેટ આપીને એમાં લખ્યુંઃ દોસ્ત, તને આશીર્વાદ છે સ્મૃતિના. યાદ રાખવા જેવું બધું જ યાદ રાખે છે તને. મને વરદાન છે વિસ્મૃતિનું. ભૂલી જવા જેવું બધું જ ભૂલી જઉં છું.
સાયલન્સ પ્લીઝ
જ્ઞાન કરતાં કલ્પનાનું મહત્વ ઘણું વધારે છે. જ્ઞાન સીમિત હોઈ શકે, કલ્પના અસીમિત હોવાની.
_આલ્બર્ટ આઈન્સ્ટાઈન