રાજુની બે દુનિયા: એક ખ્વાબોની, બીજી હકીકતોની

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

‘સારું થયું મારા ઘરે આવી ગઈ. તારા જૂના બધા દિવસો તું ભૂલી જાય. એ હરામીને આપણે એવો પાઠ શીખવાડીશું કે જિંદગી આખી ભૂલી નહીં શકે. દુનિયા આખી આગળ પુરવાર કરીને જ રહીશું કે તું આ જમાનાની ગ્રેટેસ્ટ આર્ટિસ્ટ છે,’ રાજુએ રોઝીને કહ્યું.

પણ મા માટે આ બધું જરા વધારે પડતું હતું. એક નાચનારી, જેના બાપનાં ઠેકાણાં નથી એવી કોઈ નાચનારી પોતાના પતિ સાથે ઝઘડીને આ ઘરમાં આવીને આશરે લે અને દીકરો આવી ઔરત પર ઓળઘોળ થઈ ગયો હોય – મા માટે આ પરિસ્થિતિ અસહ્ય હતી. ‘રાજુ આ બધું તું જલદી પતાવ અને એને મોકલી દે પાછી, જ્યાંથી આવી છે ત્યાં?

‘મા તું આમાં વચ્ચે નહીં આવ. હું મોટો થઈ ગયો છું. મારામાં અક્કલ છે કે મારે શું કરવું ને શું નહીં.’

રોઝીને લઈને મા અને રાજુ વચ્ચેના ઝઘડા વધતા ગયા. રાજુએ રોઝીને હૉટેલમાં રાખવાનો વિકલ્પ પણ વિચારી જોયો, પણ રાજુની આર્થિક હાલત અત્યારે કંગાળ હતી. સ્ટેશન પરની દુકાન માટે રાખેલો છોકરો રાજુને છેતરતો હતો. દુકાનની કમાણી ગપચાવતો હતો. હોલસેલના વેપારીઓએ રાજુની ઉધારી બંધ કરી દીધી હતી. ઘરાકો ફરિયાદ કરતા થઈ ગયા હતા કે રાજુની દુકાનમાં જોઈતી ચીજવસ્તુ હોતી જ નથી. એક દિવસ રેલવેના સત્તાવાળાઓ રાજુ પાસેથી એ દુકાન ખાલી કરાવીને નવા કૉન્ટ્રાકટરને સોંપી દીધી. નવા કૉન્ટ્રાકટરે રોઝીનો ઉલ્લેખ કર્યા વિના એના વિશે કંઈક અનાપશનાપ કહ્યું અને રાજુનો પિત્તો ગયો. હાથાપાઈ થઈ ગઈ.

પહેલાં દુકાન ચલાવવા અને પછી ઘર ચલાવવા રાજુ એક શેઠ પાસેથી પૈસા ઊછીના લેતો રહ્યો હતો. બીજા દિવસે રોઝી ઘરમાં રિયાઝ કરતી હતી ત્યારે શેઠ ઉઘરાણી માટે આવ્યો. મા જોઈ રહી હતી કે રાજુના પિતાએ પાઈપાઈ જોડીને ઊભી કરેલી આ સ્વમાનભરી જિંદગી કેવી રીતે રોળાઈ રહી હતી. શેઠ રાજુનો મિત્ર હતો. અત્યારે પણ રાજુ પાસે ઉઘરાણી કરતાં અચકાતો હતો. અગાઉ રાજુ નિયમિત રીતે એના પૈસા – વ્યાજ ચૂકવી દેતો હતો, પણ હવે મહિનાઓથી એક પૈસો અપાયો નહોતો.

‘ધંધામાં જરા મંદી છે. સરખું થઈ જશે એટલે આપી દઈશ.’ રાજુએ કહ્યું.

‘આઠ હજાર રૂપિયા ચડી ગયા છે,’ શેઠે હિસાબનો ચોપડો બતાવતાં રાજુને કહ્યું હતું. ‘આ રીતે બહુ લાંબુ નહીં ચાલે.’

રાજુએ ગલ્લાંતલ્લાં કરીને શેઠને રવાના કર્યો. અઠવાડિયાની મહેતલ મળી હતી. શેઠના ગયા પછી રોઝી રિયાઝ અધૂરો મૂકીને બહાર આવી: ‘કોણ હતું?’ ‘કોઈ નહીં, મારો દોસ્તાર હતો.’ રાજુ પોતાની આર્થિક સંકડામણ જેને લીધે સર્જાઈ રહી હતી તેના પર દોષનો ટોપલો ઢોળવા નહોતો માગતો. એના માટે અત્યારે તો બસ એટલું જ પૂરતું હતું કે એ રોઝી સાથે એક છત નીચે રહેવા માટે સદ્ભાગી બન્યો છે. રાજુને રોઝી સિવાયની કોઈપણ દુન્યવી બાબતમાં હવે રસ રહ્યો નહોતો, વ્યવહારોને એ ભૂલી જવા માગતો હતો.

પણ રાજુના લેણદાર શેઠને વ્યવહારની દુનિયામાં જ રસ હતો. અઠવાડિયાની મુદત વીતી ગઈ. દસ દિવસ થઈ ગયા. ઉઘરાણી કરી કરીને થાકી ગયેલા શેઠે રાજુ પર આર્થિક છેતરપિંડી બદલ અને મારપીટ કરવાની ધમકી આપવા બદલ ક્રિમિનલ કેસ કોર્ટમાં દર્જ કરાવી દીધો. રાજુએ વકીલ રોકવા માટે દોડધામ શરૂ કરી દીધી. ગફૂરે એને ચેતવણી આપી: ‘આ બધું જ પેલી ઔરતને કારણે થઈ રહ્યું છે. હજુ પણ વખત છે, તું સુધરી જા. ગાઈડનું કામકાજ ફરી શરૂ કરી દે.’

રાજુ હજુ પણ એ ખ્વાબમાં હતો કે મારી પાસે અત્યારે જો પાંચસો રૂપિયા હોય તો મારી તકદીર બદલાઈ જાય. રોઝીના ભરત નાટ્યમના કાર્યક્રમોમાંથી અઢળક કમાણી થઈ શકે એમ છે, પણ આ સંજોગોમાં એના જેવા દેવાળિયાને પાંચસો રૂપિયા જેવી માતબર રકમ આપે કોણ? ઘરમાં જે કંઈ થોડી ઘણી રકમ હતી તે લૉયરની ફીમાં વપરાઈ જતી હતી. લૉયર રાજુને સધિયારો આપ્યા કરતો હતો કે, ‘તને કંઈ થવાનું નથી. હું બેઠો છું ને.’ રાજુએ અદાલતમાં આરોપીના પાંજરામાં ઊભા રહીને પોતાનો બચાવ કરવો પડ્યો. વકીલે નવી મુદત માટે તારીખ માગી. રાજુએ ઘરે આવીને માને કહ્યું, ‘ચિંતાને કોઈ કારણ નથી. બધું સમુંસૂતરું પાર ઊતરશે.’

તારીખો લેવાતી ગઈ. કેસ લંબાતો ગયો. રાજુની આપત્તિ ઠેલાતી ગઈ. એજ ગાળામાં મામા આવ્યા. માએ જ કાગળ લખીને બોલાવ્યા હતા. માએ આ મામાની દીકરી સાથે જ રાજુને પરણાવવાનું સપનું જોયું હતું. રોઝી વિશે માએ મામાને બધું જ લખી દીધું હતું. રોઝીની હાજરીમાં રાજુ મામા સાથે ઝઘડી પડ્યો. મા વચ્ચે પડી, પણ ઝઘડો વધી ગયો. મામાએ રોઝીને આ ઘરમાંથી નીકળી જવાની ચેતવણી આપી. રાજુ જીદ પર આવી ગયો. રોઝી નહીં જાય. છેવટે મા ઘર છોડીને મામાને ત્યાં જતી રહી. રાજુ આખેઆખો અસ્તવ્યસ્ત થઈ ગયો. હવે એકમાત્ર રોઝી બચી હતી એની દુનિયામાં. રોઝી આંખમાં આંસુ સાથે આખીય ઘટનાની મૂક સાક્ષી બની રહી. રાજુ એને કોઈ પણ સંજોગોમાં આ ઘર છોડીને જવા દેવા માટે તૈયાર નહોતો.

માના ગયા પછી રાજુ અને રોઝી એક પરિણીત દંપતીની જેમ ઘરમાં રહેવા લાગ્યાં. રોઝી ખાવાનું બનાવતી, ઘરની દેખરેખ રાખતી, રિયાઝ કરતી. રાજુ નાની – મોટી ખરીદી કરવા સિવાય ભાગ્યે જ ઘરની બહાર પગ મૂકતો. રાજુ રોજ પેટ ભરીને રોઝીને પ્યાર કરતો રહેતો. થોડાક મહિના વીતી ગયા. રોઝીના કાર્યક્રમોનું કંઈ ગોઠવાતું નહોતુ. પદ્ધતિસર રિહર્સલ કરવા હોય તો વાદકો અને બીજો સાજ-સરંજામ જોઈએ. ‘થશે, બહુ જલદી કંઈક ને કંઈક જોગવાઈ થઈ જશે.’ રાજુ ખ્વાબોની દુનિયામાં રાચતો થઈ ગયો હતો. આ બાજુ વ્યવહારની દુનિયામાં બહુ ઝડપથી પાસાં પલટાઈ રહ્યાં હતાં. એક બાજુ રાજુ રોઝીનું નામ મિસ નલિની કરીને એના સૌપ્રથમ જાહેર કાર્યક્રમની તડામાર તૈયારીમાં લાગેલો હતો તો બીજી બાજુ શેઠે કરેલો કોર્ટ કેસ વીજળીવેગે આગળ વધી રહ્યો હતો.

આજનો વિચાર

જેમની સાથે જીવવાની ઈચ્છા હોય એમની સાથે જીતવાનું માંડી વાળવું.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

આજે સવારે બકો ઑફિસે જતો હતો ત્યારે બાજુના અપાર્ટમેન્ટમાંથી ખૂબસૂરત પડોશણને હાથ હલાવતાં જોઈ. બકો પણ કેટલીયવાર સુધી હાથ હલાવતો રહ્યો.

થોડીવાર રહીને પાછળથી બકી આવી અને બકાને ધબ્બો મારતાં બોલી,

‘બસ, હવે. વેવલા થાવ મા. દિવાળી આવે છે એટલે એ કાચની બારી સાફ કરે છે.’

( મુંબઇ સમાચાર : બુધવાર, 3 ઓક્ટોબર 2018)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here