ત્રીજી મે પછી શુંઃ સૌરભ શાહ

(ન્યુઝવ્યુઝ: શનિવાર, ૧૮ એપ્રિલ ૨૦૨૦)

ત્રીજી મે પછી પણ સરકાર લૉકડાઉન લંબાવશે? કંઈ કહેવાય નહીં? તમે શું માનો છો સરકારે લંબાવવો જોઈએ? કંઈ કહેવાય નહીં. પણ એટલું જરૂર કહી શકાય કે ત્રીજી મે પછી રાતોરાત બધું નૉર્મલ થઈ જવાનું નથી. લૉકડાઉન ખુલી જવાની ઘોષણા થાય તો પણ હવે કોરોના મારું શું બગાડી લેશે એવું માનીને ચોથી મેથી રસ્તા પર નીકળી પડવાનું નથી. કોરોના કોઈ એવો રોગચાળો નથી જે રાતોરાત છૂમંતર થઈ જાય. અને સરકાર લૉકડાઉન ઉઠાવી લેવાની જાહેરાત કરશે તો પણ એના તબક્કા હશે, એની શરતો હશે, ઘણી બધી સાવચેતીઓ અને સાવધાનીઓ રાખવાની હશે.

લૉકડાઉનને કારણે નોકરિયાત લોકો ત્રણ ભાગમાં વહેંચાઈ ગયા છે. એક: જેઓ ઘરેથી કામ કરી શકે છે. એમના પગારો ચાલુ છે, કેટલાકના પગારમાં કપાત આવી છે પણ આવક તો ચાલુ છે. બે: જેઓ એવા કામમાં છે જે કામ ઘરે બેસીને થઈ શકે એમ નથી. પણ એમના માલિકોએ એમને નોકરી માંથી રુખસદ આપવાને બદલે પૂરા કે પછી વત્તાઓછા પગારે નોકરીમાં ચાલુ રાખ્યા છે. ત્રણ: જેઓ એવા ક્ષેત્રમાં છે જ્યાં ધંધો સંપૂર્ણપણે ઠપ છે અને લૉકડાઉન ખુલ્યા પછી પણ ઘણા વખત સુધી ફરી ધમધમતો થવાની કોઈ આશા નથી. દાખલા તરીકે હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી-હૉટેલ, રિસોર્ટ વગેરેનો ઉદ્યોગ, ટુર-ટુરિઝમનો વ્યવસાય. આ અને આવા બીજા કેટલાક ઉદ્યોગો રાતોરાત આર્થિક સંકટમાં હોવાથી એમણે સ્ટાફના ઘણા માણસોને વગર પગારે ઘરે બેસાડી દીધા છે. આ નોકરિયાતો પ્રૅક્‌ટિકલી નોકરી વિનાના, આવક વિનાના છે.

આ ત્રણ ઉપરાંત અફકોર્સ એક ચોથો પ્રકાર છે જે કેમ ભુલાય? એમની નોકરીઓ ચાલુ છે. તેઓને ફુલ પગાર મળે છે, કેટલાકને રોજનું બોનસ પણ મળે છે કારણ કે તેઓ જાનને જોખમમાં નાખીને તમારા ઘરેથી કચરાની થેલીઓ ઉપાડી જાય છે, તમારાં મકાનોની સલામતી જાળવે છે, તમારી સોસાયટીમાં નિયમિત પાણી પુરવઠો, વીજ પુરવઠો આવે એની ચોવીસેય કલાક તકેદારી રાખે છે, ગામ-શહેરોની ગટર વ્યવસ્થાનું સંચાલન કરે છે, ખડેપગે પોલીસકાર્ય કરે છે, હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર કરે છે, સરકારી વ્યવસ્થાતંત્રનાં પૈડાં સ્થગિત ન થઈ જાય તે માટે ઉજાગરા કરે છે, તમને શાકભાજી-દૂધ-અનાજનો પુરવઠો નિયમિત મળતો રહે એ માટે ખેતરોમાં, ગોડાઉનોમાં, માલવાહક વાહનો ચલાવવામાં દુકાનોમાં કાર્યરત છે અને આ ઉપરાંત રોજેરોજ કરોડો લોકો માટે બે ટંકનું ભોજન રાંધીને એમને જમાડવાની જવાબદારી જેમણે લઈ લીધી છે એવી હજારો નાનીમોટી સેવાસંસ્થાઓ તથા વ્યક્તિગત ધોરણે ચાલતી આવી પ્રવૃત્તિમાં જોડાયેલા લાખો લોકો આ ૧૩૦ કરોડના દેશને સાચવી રહ્યા છે. મિડિયાના પત્રકારો તો છે જ જેઓ દેશ પરના દરેક સંકટ સમયે પોતાની જવાબદારી નિભાવીને તમારા સુધી સમાચારો પહોંચાડતા રહે છે અને આમાંના ઘણાય દેશના શાસકો સાથે જાણે જૂની અદાવત હોય એમ મોકાનો લાભ લેવાનું ચૂકતા નથી, વાચકો-દર્શકોને ગેરમાર્ગે દોરવાની પોતાની જૂની ને જાણી તી રસમ હજુ આવા કાળમાં પણ છોડતા નથી.

નોકરિયાતો ઉપરાંત એક ઘણો મોટો વર્ગ નાના ધંધાદારીઓનો છે, મધ્યમ કક્ષાના વેપારીઓ છે, મોટા બિઝનેસમૅનોનો છે, બિલ્ડરો-ઉદ્યોગપતિઓ તથા સીએ-આર્કિટેક્‌ટ-એન્જિનિયર જેવા પ્રોફેશનલ્સનો છે. કેટલાક મેન્યુફેક્‌ચરર્સ પાસે તક અને સગવડ હોવાથી એમનું કામકાજ દિવસરાત ત્રણ-ત્રણ શિફ્‌ટમાં ચાલતું થઈ ગયું છે – અમુક ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ તથા અમુક જીવનાઅવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદનોમાં તેજી ચાલે છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના વેપાર સાથે સંકળાયેલા દૂધ-શાકભાજી-કરિયાણાના વેપારીઓ વગેરેનો ધંધો બંધ નથી થયો. પણ બીજા અનેક ધંધાઓ અત્યારે સ્થગિત છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, નાટક ઇન્ડસ્ટ્રી, પુસ્તક પ્રકાશન ઇન્ડસ્ટ્રી, રેડીમેડ કપડાંનો ઉદ્યોગ, રેસ્ટોરાં, ઍરલાઈન્સ વગેરે સેંકડો ક્ષેત્રો એવાં છે જેમના માલિકોની આવક અત્યારે શૂન્ય પર પહોંચી ગઈ છે. એ સૌના માટે કપરો કાળ છે, ધીરજની કસોટીનો ગાળો છે. રઘવાયા થયા વિના, જે કંઈ હાથમાં છે તેને સાચવી રાખવા માટે અત્યારે તેમજ ભવિષ્યમાં ક્યાં કેવી રીતે કરકસર કરવી, ઈનોવેટિવ બનીને ધંધો કેવી રીતે બચાવી લેવો / ફરી શરૂ કરવો / આગળ વધારવો એવું ચિંતન કરવાનો આ અવસર છે.

કરોડો લોકો માટે આ સમય ટ્રાન્ઝિશનનો ગાળો છે, ક્યારેય ન કલ્પેલા અનુભવોમાંથી પસાર થઈને બદલાઈ રહેલી લાઈફસ્ટાઈલને વિટનેસ કરવાનો ગાળો છે. એટલું ચોક્કસ છે કે ભારે પરિવર્તન આવી રહ્યું છે. વ્યક્તિગત રીતે આપણે પોતે, આપણો દેશ, આખી દુનિયા અગાઉ જેવાં હતાં એવાં હવે રહેવાના નથી.

ત્રીજી મે પછી શું થશે? એની જ વાત કરીએ. ગઈ કાલે મારા એક મિત્રે એમને મળેલી વાત મને ફૉરવર્ડ કરીને કહ્યું કે આ વિશેના તમારા શું વિચાર છે? જનરલી ફૉરવર્ડેડ મેસેજિસ હું જોયા વિના જ ડીલીટ કરી નાખું છું કારણ કે કોણ, ક્યા આશયથી લખે છે, મોકલે છે એની લપ્પનછપ્પનમાં સમય શું કામ બગાડવો. આપણી પાસે આપણું પોતાનું જ વાંચવાનું, શોધવાનું, વિચારવાનું, લખવાનું શું ઓછું છે? પણ અંગત મિત્રો જ્યારે કોઈ ફૉરવર્ડેડ મેસેજ મોકલતા હોય છે ત્યારે ગાળીચાળીને અને મારા પ્રત્યેના આદરને સાચવીને મોકલતા હોય છે. આ મેસેજમાં ઘણી સેન્સિબલ વાતો લખી હતી. સૌથી પહેલી એ વાત હતી કે લૉકડાઉનને કારણે કોરોનાના રોગચાળાનો ફેલાવો ધીમો પડી જતો હોય છે, એ સંપૂર્ણપણે નાબુદ નથી થઈ જવાનો. કોરોના ડામવા માટેનો કોઈ સો ટકા અક્સીર ઈલાજ ન શોધાય, એની રસી ન શોધાય ત્યાં સુધી દુનિયાની કોઈ પણ સરકાર એને સંપૂર્ણપણે નાથી લીધો છે એવો દાવો કરી શકશે નહીં. વેક્‌સિન બનાવી, એને ટેસ્ટ કરી એની અસરકારકતા સિદ્ધ કરવાના પ્રયોગોમાં કમ સે કમ ૧૮ થી ૨૪ મહિનાનો સમય લાગે. માટે આવતું વર્ષ જ નહીં, ૨૦૨૨ સુધી કોરોનાથી અત્યંત સાવધ રહેવું પડે. દુનિયાને નૉર્મલ થતાં વાર લાગવાની. દુનિયાના અર્થતંત્રની ગાડીને પાટે ચડતાં વાર લાગવાની. જે કૉન્ગ્રેસીઓ અને રાહુલવાદી મિડિયાકર્મીઓ અર્થતંત્રને લઈને મોદીને ફટકારી રહ્યા છે એમને પણ ખબર છે કે ભારતની જ નહીં દુનિયા આખીની ઈકોનોમી પર ઊંડી અસર થઈ રહી છે. પણ મોદીને ગાળો આપવાની એમના માટે આ સુવર્ણ તક છે અને આ ગોર મહારાજ જેવા મિડિયાવાળાઓ જેમના ઈશારે નાચી રહ્યા છે એમના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ સાચવી લેવાથી પોતાનું તરભાણું ભરાવાનું છે એમની એમને ખબર છે.

પરિસ્થિતિને સંપૂર્ણપણે થાળે પડતાં વાર લાગવાની. કમ સે કમ એક વરસ. ટુરિઝમ અને હૉસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી જેવાં બીજા કેટલાક ક્ષેત્રોને પુનઃ કાર્યરત થતાં વરસ તો ઓછામાં ઓછું લાગી જવાનું. વૅક્‌સિન નહીં શોધાય ત્યાં સુધી, લૉકડાઉન નહીં હોય તોય લોકો પોતાની મરજીથી ઘરમાં રહેશે, ભીડવાળી જગ્યાઓથી દૂર રહેશે, સેલ્ફ આઈસોલેશન પાળશે.

આ વર્ષનો સપ્ટેમ્બર મહિનો સંભાળવો પડશે. કોરોના કન્ટ્રોલમાં છે એવું થોડો વખત લાગે તો પણ સપ્ટેમ્બરમાં એ ઊથલો મારી શકે છે. દુનિયાની અન્ય સરકારો કરતાં આપણી સરકારે કોરોનાને ડામવા, એનો પ્રસાર અટકાવવા ઘણાં સારાં પગલાં લીધા છે જેનાં ત્વરિત પરિણામો આપણે જોયા પણ છે. અમેરિકા-બ્રિટન જેવા દેશો કરતાં પણ ભારત જેવા વિશાળ દેશની પરિસ્થિતિ ઘણી સારી છે. આમ છતાં આ કપરા કાળમાં આપણે સૌએ એકબીજાને, આપણા પડોશીઓને, આપણાં ઘર-ઑફિસના કર્મચારીઓને અને આપણી સરકારને જેટલા મદદરૂપ થઈ શકીએ એટલા થવાનું છે. આ જ ઘડી છે રાષ્ટ્ર અને માનવજાત પ્રત્યેનો આપણો સદ્‌ભાવ વ્યક્ત કરવાની. જે વાત અત્યાર સુધી વિચારોમાં હતી તેને વ્યવહારમાં મૂકવાની કસોટી હવે થવાની છે. હવે નક્કી થશે કે આપણે ખરેખર રાષ્ટ્રપ્રેમી છીએ, ખરેખર માનવતાવાદી છીએ કે પછી ખાલી વાતોનાં વડાં જ કરતાં આવ્યા છીએ.

મિત્રે મોકલેલા આ સંદેશના જવાબમાં મેં શું લખ્યું? લખ્યું કે, આ સંદેશા સાથે હું શતપ્રતિશત સહમત થાઉં છું. ઈન ફેક્‌ટ, છેલ્લા બે દિવસથી મારા નિકટતમ મિત્રો સાથે ફોન પર વાતો થાય ત્યારે આ જ મુદ્દા અમારી વાતચીતના કેન્દ્રમાં હોય છે. મેં પોતે નક્કી કર્યું છે કે આવતા કમ સે કમ એક વર્ષ સુધી કોઈ ભીડવાળી જગ્યાએ જવું નથી. પ્રવચનો કરવાથી-સાંભળવાથી દૂર રહેવાનું. સભા-સમારંભોમાં હાજરી નહીં આપવાની. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં પિક્ચરો જોવાની જૂની આદતો છોડી દેવાની. નાટકના મિત્રોને માઠું લાગે તોય નાટકો જોવા નહીં જવાનું. શાસ્ત્રીય સંગીતના સમારંભો કે આર.ડી.બર્મનનાં ગીતોના ઈન્સ્ટ્રુમેન્ટલ શોઝ પણ અવોઈડ કરવાનાં. ઓલા-ઉબરમાં કે પછી કોઈપણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કમ્યુટિંગ નહીં કરવાનું. કશેક જવું અનિવાર્ય હોય તો ઘણા મિત્રોને ત્યાં એક કરતાં વધારે ગાડી-ડ્રાઈવર છે. રિક્‌વેસ્ટ કરવાની. ખાવાપીવાનું ઘરમાં જ રાખવાનું. નવરાત્રિના પ્રથમ દિવસથી શરૂ કરેલાં એકટાણાં હજુ ચાલુ જ છે અને ત્રીજી મે પછી પણ ચાલુ જ રહેશે એવું અત્યારે તો લાગે છે. દેશ પર, દુનિયા પર અને વ્યક્તિગત આપણા સૌના પર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે દરેકે પોતપોતાની રીતે બદલાવું પડશે. ૧૯૨૯માં અમેરિકામાં મહામંદી આવી. એ દેશ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો. ૧૯૪૪ના ગાળામાં સેકન્ડ વર્લ્ડવૉરને કારણે અમેરિકા-બ્રિટન વગેરેએ લૉકડાઉન જેવી જ પરિસ્થિતિ અનુભવી. નોકરીઓ ગઈ, ધંધા બંધ થઈ ગયા. તંગીનું અને ઓછપનું વાતાવરણ સર્જાયું. અત્યારે ભારત સહિત આખી દુનિયા એ બેઉ કટોકટીના ગાળા એકસાથે અનુભવે છે. ૧૯૨૯+૧૯૪૪=૨૦૨૦ એવો દાખલો બેસે છે.

પેલો ફૉરવર્ડેડ મેસેજ અને સાથે આ મારો રિસ્પોન્સ – બેઉને મેં સંદર્ભો સાથે મારા કેટલાક એવા મિત્રોને મોકલ્યા જેઓ મારા આત્મીય છે, જેમની સૂઝબૂઝ પર મને ભરોસો છે (અને જો હું વડા પ્રધાન હોઉં તો એમને મારી કેબિનેટમાં લઈને અગત્યના પોર્ટફોલિયો આપું).
એ મિત્રોએ જે રિસ્પોન્સ આપ્યો તેની જિસ્ટ આપું. અર્થતંત્રના ઊંડા અભ્યાસી અને ભારતીય સંસ્કૃતિની ઊંચાઈઓના જાણકાર મિત્રે લખ્યુંઃ નૉર્મલ લાઈફ પુનઃ સ્થાપિત થતાં હજુ મહિનાઓ લાગી જશે એ વાત સાથે સહમત થાઉં છું. ત્રીજી મે પછી ચમત્કાર નથી સર્જાવાનો. આમ છતાં, જે ડિપ્રેસિંગ ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે તેમાં ઘણી અતિશયોક્તિ છે. લૉકડાઉન દ્વારા કોરોનાની સાંકળ તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો આવતા પંદરેક દિવસ દરમ્યાન કોરોનાનો એકપણ કેસ નહીં નોંધાય તો માની લેવાનું કે કોરોનાના અંતનો આરંભ થઈ ચૂક્યો છે. એક વાત નક્કી કે લોકો હજુ મહિનાઓ સુધી સાવચેત રહેશે, તકેદારીરૂપે જ્યાં જ્યાં કરકસર થઈ શકે એમ હોય ત્યાં બચત કરશે અને એવું કરવું સારું જ છે. જ્યાં સુધી અર્થતંત્રની વાત છે તો મને લાગે છે કે અત્યારે આપણે ભવિષ્ય ભાખીએ છીએ એના કરતાં વધારે વાર લાગવાની.

મોટી મોટી કંપનીઓના ચીફ ટેક્‌નિકલ ઑફિસરથી માંડીને સી.ઈ.ઓ. રહી ચૂકેલા મિત્રે મને એમના જવાબમાં એક ટ્‌વિટ મોકલ્યું જેમાં ગ્રાફ સાથેના આંકડાઓ સ્પષ્ટ હતા. સિંગાપોરને લાગતું હતું કે કોરોના પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે પણ સડનલી પરમ દિવસે ૭૨૮ નવા કેસ આવ્યા. સોશ્યલ ડિસ્ટન્સિંગને જો ઉતાવળે સમાપ્ત કરી દેવામાં આવે તો સેકન્ડ વેવ આવવાનો જ છે. જ્યાં લોકો કામ કરવા માટે કે પછી કોઈપણ કારણસર મોટી સંખ્યામાં ભેગા થતા હોય ત્યાં એકબીજાને ચેપ લાગવાનું જોખમ મોટું હોય છે.

શેરબજારનું મોટું કામકાજ ધરાવતા અને જીવવામાં ફિલોસોફિકલ અંદાજ ધરાવતા ખૂબ આશાવાદી એવા અંગત મિત્રે લખ્યું કે, મને લાગે છે કે આટલા બધા નેગેટિવ વિચારો રાખવાની જરૂર નથી. એઈડ્‌સ, ટીબી, ફ્‌લુ, કૅન્સર, ડાયાબીટીસ જેવા રોગોને જ્યારે આપણે કાબૂમાં લઈ શક્યા છીએ અને આર્થિક રીતે સમૃદ્ધ થતા રહ્યા છીએ તો કોરોનાને પણ વશમાં લઈ જ શકીશું એમાં કોઈ શંકા નથી. હા, યોગ્ય કાળજી લેવાની, પૂરેપૂરી સાવચેતી પણ રાખવાની. પરંતુ ચિંતા-ફિકર કરીને ઊંઘ હરામ કરવાની જરૂર નથી. કારણ કે એવું કરવા જતાં આપણી ઈમ્યુનિટી પર, આપણી રોગ-પ્રતિરોધક શક્તિ પર અવળી અસર પડી શકે છે. અને જ્યાં સુધી વેક્‌સિન ન શોધાય ત્યાં સુધી આપણી પાસે સૌથી મોટું શસ્ત્ર ઈમ્યુનિટીનું જ છે. એટલે ઈમ્યુનિટી વધારવા આપણે સૌએ સૌ પ્રથમ તો આપણી ખાવાપીવાની ટેવો સુધારવાનું કામ કરવું જોઈએ. ટીબી અને ઇન્ફ્લુએન્ઝા કોરોના કરતાં વધુ ખતરનાક છે એવા વિવિધ આંકડા ટાંકીને આ મિત્રે આગળ લખ્યુંઃ અત્યાર સુધી આપણે ટીબી, ઇન્ફ્લ્યુએન્ઝા કે પછી એઇડ્‌સ કે કૅન્સર કે ડાયાબીટીસ, બીપી, કિડની-લીવરની તકલીફોનાં જોખમો હોવા છતાં જલસાથી જીવ્યા જ છીએ. કોરોના આપણા માટે અજાણ્યો છે એટલે આપણે ડરી ગયા છીએ બાકી દુનિયામાં ૩,૨૦,૦૦૦ જેટલા વાયરસ છે જેમાંથી માંડ બસો-અઢીસો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને એને ટીબી, સ્વાઈન ફ્‌લુ, એઇડ્‌સ, કોરોના વગેરેનાં નામ આપવામાં આવ્યાં છે. આપણા શરીરમાં રહેલા સારા બેક્‌ટેરિયા અને આપણી ઈમ્યુનિટી આ બધા વાયરસ સામે લડતાં હોય છે. ઈમ્યુનિટીની બાબતમાં આપણને ભારતીયોને – કુદરતના આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે.

હું જેમની સાથે કામ કરી ચૂક્યો છું એવા મારા પત્રકાર મિત્રે મને જવાબ આપતાં લખ્યુંઃ જે લોકો મધ્યમ વર્ગ અને તેથી ઉપરના છે એમની જવાબદારી છે કે લૉકડાઉનનું ગંભીર પાલન કરે. અને જો તેમને ગરીબો-મજૂરોની જરા પણ ચિંતા હોય તો સંપૂર્ણપણે લૉકડાઉન પાળે. તો જ થોડા દિવસો પછી અમુક અંશે આર્થિક પ્રવૃતિ શરૂ થાય જેનાથી ગરીબ અને મજૂર વર્ગને રાહત મળે. આપણી ભૂલને કારણે જો આ સ્થિતિ વધારે લાંબી ચાલી તો ગરીબો-મજૂરો હિંસક બની જશે.

મેં એમને લખ્યું કે તમારી વાત સાચી છે. શક્ય હોય એટલા લોકોને આપણે સાચવી લેવાના. ગઈ કાલે જ અમે ઘરમાં નિર્ણય લીધો કે લૉકડાઉન ખુલે તો પણ આવતા અમુક મહિનાઓ સુધી સાવચેતી રાખવા માટે ઘરકામ કરવા આવનારાઓને ના પાડી દેવાની, ઘરનું બધું કામ જાતે જ કરવાનું. એ લોકોને તકલીફ ના પડે તે માટે એમનો ફુલ પગાર દર મહિને નિયમિત એમના બૅન્કખાતામાં જમા કરાવી દેવાનો. સામે પત્રકારમિત્રે પણ લખ્યું: ‘અમે દિવસ પહેલાં જ એમને (ઘરકામ કરનારાઓને) ફોન કરીને એમની જરૂરિયાતો વિશે પૂછી લીધું.’ પછી ઉમેર્યું, ‘મુદ્દો એ છે કે આપણે સૌએ આપણા વર્તુળોમાં આ બાબતે પ્રયાસ વધારવા પડશે.’

મારા એક અન્ય સિનિયર પત્રકાર મિત્રે પોતે અતિ વ્યસ્ત હોવા છતાં ઘણા લંબાણથી જવાબ આપ્યો: ‘મને લાગે છે કે મોદીજી આ ગાળાનો સદુપયોગ કરીને ભારતીયજનોને શિસ્તના પાઠ ભણાવશે. નવી જનરેશનમાં શિસ્તની કમી છે. મારા કેટલાક સગાંઓ પાસેથી જાણવા મળે છે કે એમનાં સંતાનો ફાસ્ટ ફૂડ વિના જીવી શકતા નહોતા, હવે ઘરમાં ચા ને થેપલાં ખાતાં થઈ ગયા છે એટલું જ નહીં વાસણો ઉટકીને મમ્મીને મદદ કરતાં થઈ ગયાં છે. એક રીતે જોઈએ તો દેશમાં અત્યારે જાહેર કર્યા વિનાની ઈમરજન્સી જ ચાલે છે. આ વૈશ્વિક હોનારત છે એટલે રાજકીય પક્ષો ઝાઝું પોલિટિક્‌સ કરતાં ડરે છે કારણ કે એવું વધારે પડતું કરવા જાય તો લોકો એમને ધોઈ નાખે. હા, કોરોના કંઈ સાવ નાબૂદ નહીં થાય પણ લોકોને જો યોગ્ય રીતે સમજાવવામાં આવે, શિસ્તની તાલીમ આપવામાં આવે, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને હાઈજિન જાળવવા પ્રત્યે પૂરતા સજાગ કરવામાં આવે તો દુનિયાનાં અમુક દેશોની જેમ ભારતમાં પણ લૉકડાઉન હટી જશે કારણ કે જો ભારત એવું નહીં કરે તો લોકો મોદીજીની ટીકા કરતા થઈ જશે. મોદીજીના કાર્યોને ટેકો આપવા માટે લોકો પોતાના માટે વધારે કાળજી રાખતા થઈ જશે, બીજા અનેક રોગોની બાબતમાં રાખે છે એમ જ. આઝાદી પછી ભારતીય પ્રજામાં રાષ્ટ્રવાદનો જે પ્રચંડ જુવાળ સર્જાયો હતો એવો જ ગાળો હવે ફરી આવી રહ્યો છે. દેશ પ્રત્યેની નિષ્ઠા દાખવવા લોકો દેશના અર્થતંત્રને મજબૂત કરવા અગાઉ કરતા હતા તેના કરતાં પણ વધારે મહેનત કરશે. કોઈના કહ્યા વિના કે કોઈ પ્રચાર વિના સ્વદેશી ઉત્પાદનોનો વપરાશ વધતો જશે. એક વાત નક્કી છે કે આ ગાળો ભારત માટે ઘણા પોઝિટિવ ચેન્જ લાવશે.’

આટલી વિગતે અત્યંત સાફ પર્સપેક્‌ટિવ આપીને આ સિનિયર પત્રકાર મિત્રે ઉમેર્યું: ‘તબ્લીગી જમાતે સામે ચાલીને સરકારને તક આપી છે કે દેશહિતમાં કાર્ય ન કરતા હોય એવા મુસ્લિમોને શોધી કાઢો અને આ સરકાર આવી હાથમાં આવેલી તક જવા નહીં દે. વિદેશથી આવનારા તબ્લીગીઓ પર તો કાનૂની પ્રતિબંધ આવી જ ગયો છે અને લૉકડાઉન ખુલ્યા પછી એમની સામે બીજાં ઘણાં કડક પગલાં લેવાશે. વિદેશી અને દેશી તબ્લીગીઓએ સાથે મળીને સી.એ.એ. ના વિરોધના નામે દેશને અસ્થિર કરવાનું મોટું કાવતરું રચ્યું હતું. લૉકડાઉન પછી મુસ્લિમો વધુ આક્રમક બનવાના કારણ કે એમના કાનમાં સતત ઝેર રેડવામાં આવે છે કે કોરોનાના બહાને તમને ટાર્ગેટ કરવામાં આવે છે, તમારા વિરુદ્ધ સરકાર ષડયંત્રો રચે છે. આને કારણે આક્રમકતા વધવાની. બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાં આ આક્રમકતાની આગમાં સેક્યુલર રાજકીય પક્ષો પેટ્રોલ નાખવાની તક જતી નહીં કરે.’

અને છેલ્લે દુબઈથી મારા વાચક અને મિત્ર લખે છે: ‘આવતા એક વર્ષ સુધી કે તેથીય વધુ લાંબા ગાળા માટે મૂવીઝ, ટુરિઝમ, મોટા સમારંભો – આ બધી પ્રવૃત્તિઓ જે જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ નથી – તે બંધ થઈ જવાની અને એને થાળે પડતાં વાર લાગવાની. પણ જે જીવનાવશ્યક છે તે ક્ષેત્રો – ફુડ, સેનિટાઈઝર, લાઈફ સેવિંગ ડ્રગ્સ વગેરે ક્ષેત્રોમાં ઑલરેડી તેજી આવી ગઈ છે. મે નો મહિનો પૂરો થશે ત્યાં સુધીમાં ભારતના ઘણા જિલ્લાઓમાં (થોડાક નિયંત્રણો સાથે) પરિસ્થિતિ નૉર્મલ થઈ જશે. ઘણા ઉદ્યોગો ફરી ધમધમતા થઈ જશે.’

તો આમ વાત છે, મિત્રો. આ દરેક દોસ્તારની વાતમાં દમ છે. દરેકની પાસે જિંદગીનો ઘણો મોટો અનુભવ છે, સૌ કોઈ પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત છે, કોરોનાની અસર એમના કામકાજને પણ થઈ છે. આમાંના કોઈપણ મિત્ર ક્યારેય સુષ્ઠુ સુષ્ઠુ વાતો મારી સાથે કરતા નથી. ફ્રેન્કલી જે હોય તે વિચાર પ્રગટ કરી દેતા હોય છે. એટલે જ એમનાં અભ્યાસપૂર્ણ મંતવ્યોનો હું આદર કરતો હોઉં છું. ભારત માટે સૌ કોઈ આશાવાદી છે. મોદીની લીડરશિપનો સૌ કોઈ આદર કરે છે. કુદરતે આ કસોટીના ગાળામાં આપણને સોનિયા-મનમોહનની સરકાર નથી આપી એ બદલ ભગવાનનો પાડ માનીએ એટલો ઓછો છે. આ લેખ પૂરો કરતો હતો ત્યાં જ જે મિત્રનો સંદેશો આપવાનો બાકી હતો તે આવી ગયો તેઓ લખે છે: ‘મૂંઝાવાની જરૂર નથી. લોકો ગમે તે પરિસ્થિતિમાં ઍડજસ્ટ થઈ જ જતા હોય છે. અગાઉ સોશ્યલ મિડિયા નહોતું એટલે ‘સાર્સ’ કે ‘એચ-વન, એન-વન’ જેવા વધારે ખતરનાક વાયરસે એટલો ખોફ નહોતો ફેલાવ્યો જેટલો કોરોનાએ ફેલાવ્યો છે. આ સમય પણ પસાર થઈ જશે.’

છોટી સી બાત
દિવસમાં બે-બે વખત રામાયણ અને મહાભારત જોવાના કારણે કાલે રાત્રે સપનામાં એવું થયું કે રાવણ, યુધિષ્ઠિર શક્તિમાન અને હું ભેગા થઈને દ્યુત રમતા હતા ત્યાં માથાકૂટ થઈ, છેલ્લે ચાણક્યે આવીને સમાધાન કરાવ્યું.

21 COMMENTS

  1. સોરભ ભાઈ. થોડા સમય પહેલા મુંબઈ સમાચાર માં તમારા લેખો હંમેશા વાંચતો. પાછુ વાંચવા નો મોકો મળ્યો. ઘણો આભાર. તમારા લખાણો રસપૂર્વક વાંચી ને આનંદ પામુ છું. ભગવાન આપને હંમેશા તન દુરસ્ત રાખે એવી પ્રાર્થના પણ કરું છું. સુભાષ પંચાલ. વાપી.

  2. Many migrant workers will think twice to go to big cities. They would prefer to start their own activities in their own areas. Good for the country.

  3. આશાવાદી ભવિષ્ય ભારત નું દેખાય છે. મોદી જી તરફ દુનિયા ભરોસો દેખાડે છે જે ઘણી ઇન્ટર નેશનલ કંપની અહીં લાવી વિકાસ ને ઊંચાઈ ઉપર જઈ શકે છે. સરસ બહુજ સરસ લેખ ? ? ?

  4. Nice article with good information and good summing up of various scenarios in the post Lockdown Period.

  5. Lockdown will slow the rate of spread of virus but ultimately people have to take care of themselves in hygiene , avoid mass gatherings etc., Increase in lockdown is not the solution , it will push more people to poverty , instead people have to be now self aware about where to go and where not to go , we have to think of economy also parrellel must , the worst affected are daily wage earners, small shopkeepers , etc..

    • Jaan hai toh jahan hai. Hunger is thosand times better than death. If someone is hungry people will come to feed him. If someone is dead no one, not even Bhagwan can make him alive. One should understand this.

  6. સર, જેમની પાસે લોકડાઉન પહેલાની નોકરી ન હાતી, તેઓનું શું થશે?

  7. Sir,

    Eye opener article, but just rethink as you said Natak, movies, musical shows, restaurant, resorts, hospitality industry face very bad situation now and after lockdown period will get over.

    Now as you have decide no to go for any of the restaurant / Natak / movies…. Sir if every one or even 10 or 20 % audience decide like this than the above business will never comes up. As all theatres n malls are closed 10 days prior to lockdown. I am sure it will not open along with all other items govt will give them last priority and open after a week or 2 weeks.
    If everything goes correct and cinema / restaurants implement some innovative ideas and comes with change than only industry can restart. Else this will be over and just glanced at the NOS of ppl who are associated with this industries. Movies comes in theatre later but prior to that movies makers team are huge size…. Just rethink n propose some idea so that ppl implement and hospitality industry survive else….god only knows….

    If I will get reply or any article would be great….

    Regards

    Prakash

      • Sir,

        Agree here I am not advocating for entertainment but for the industry and the ppl… How they will survive?? Many small restaurant will surely will close down…. Many cinemas also in similar line… Every chain is not PVR or INox where it’s public money. Many cinema owners are in trouble with huge rent. In many countries many developers have waive the rent till lockdown period. Here only lodha n one more company announced that we will not take tent from retail till lockdown period. But why about others??? Govt have not announced any package or business support advisory for them as well.
        Restaurants and cinema business are like daily wages type…. Wht ever their business or collection are their income and from that amt they have to meet all exp like rent salary govt taxes elect bill distributor shares etc. So if the situation will remain same for another 15 days which is likely. In that case how they pay salary / rent are the major burden. Coz in that case closed of business period is of 60 days since 16th March and zero income.

        Who will take up this??? How many families were suffer if one restaurant or one cinema shut down????

        Regards

        Prakash

        • Every business is a risk. That’s why they are called entrepreneurs. If there was no risk involved in doing business any tom ,dick and harry would plunge into it. When you want to reap profits you have to be prepared for the losses. The Government can not and should not subsidize each loss makinng venture from the honest tax payers’ money.

  8. Wrong side માંથી એક વિચાર આવી ગયો… ધારો કે કાશ્મીરમાંથી હજુ પણ ૩૭૦ નાબૂદ ના થઈ હોત તો સ્થાનિક સરકાર કોરોના મુદ્દે કેન્દ્ર સરકારને કેટલા અંશે સહયોગ આપત? અને પાડોશી દેશ તથા આતંકીઓ કેવા બેફામ આ તકનો લાભ લેતા હોત? એ થી વિશેષ પૂરા ભારત ઉપર આની વિસ્તૃત અસર શું હોત? Thanks supreme god… સશક્ત સરકાર, દેશપ્રેમી સરકાર બદલ આભાર.

  9. nice article. informative and thought provoking. a good summing up of the various possible scenarios in the post 3rd May period

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here