કામને બોલવા દેવું, પોતે ચૂપ રહેવું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શનિવાર, ૧૮ એપ્રિલ ૨૦૨૦)

માર્કેટિંગના જમાનામાં કેટલા લોકો આ વાત સાથે સહમત થશે કે કામને બોલવા દેવું, પોતે ચૂપ રહેવું? અત્યારનો વખત તો એવો છે કે ખુદ અમિતાભ બચ્ચન અને આમિર ખાને પણ પોતાની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે કપિલ શર્મા કે તારક મહેતાના શોમાં જઈને ફિલ્મની પબ્લિસિટી કરવી પડે છે.

જો તમારી પ્રોડક્ટ સારી હોય તો આફ્ટર અ સર્ટેન પોઈન્ટ તમારે એના માર્કેટિંગ માટે મહેનત કરવાની જરૂર રહેતી નથી. એગ્રેસિવ માર્કેટિંગની જરૂર સેકન્ડ રેટ પ્રોડક્ટને વધારે હોય છે. જો દિખતા હૈ વો હી બિકતા હૈવાળો ફન્ડા ટૉપ ગ્રેડની વસ્તુને લાગુ પડતો નથી.

તમે સારું કામ કર્યું હોય તો પછી તમારે એને લોકો સુધી પહોંચાડવા માટે બહુ ઉધામા કરવાની જરૂર રહેતી નથી. સારી ફિલ્મ બનાવી હોય, આયપોડ કે આયફોન બનાવ્યો હોય, સારી નવલકથા લખી હોય કે પછી સારું ખાવાનું બનાવ્યું હોય તો લોકો સુધી એની માહિતી પહોંચાડી દેવી પૂરતી છે, વારંવાર ગાઈબજાવીને, હૅમરિંગ કરીને કહેવાની જરૂર નથી કે મારો માલ કેટલો સારો છે. વર્ડ ઑફ માઉથ સ્પ્રેડ થશે એટલે આપોઆપ એ લોકો સુધી પહોંચશે જ.

પણ અહીં સારું કામ કરનારાઓને પણ ઘણી વખત જાત પર, પોતાના કામ પર ભરોસો હોતો નથી. અથવા તો કહો કે એની આસપાસના લોકો પર એને વધારે ભરોસો હોય છે જે લોકો એને કહ્યા કરતા હોય છે કે આ જમાનો માર્કેટિંગનો છે, એગ્રેસિવ માર્કેટિંગનો છે, તમારી પ્રોડક્ટ ભલે સારી હોય પણ એને દાંત કચકચાવીને પુશ નહીં કરો તો તમારાથી નબળી પ્રોડક્ટ તમને પાછળ પાડી દેશે.

તમને જ્યારે તમારા સર્જન પર ભરોસો હોય ત્યારે જ તમે માર્કેટિંગની ચુંગાલમાંથી બચી શકો. એક વખત જો તમે એ ચક્કરમાં ફસાઈ ગયા તો એમાંથી બહાર નીકળવું મુશ્કેલ. માર્કેટિંગ કરીને તમારી પ્રોડક્ટની ડિમાન્ડ વધારો, ડિમાન્ડ વધારો એટલે એને પહોંચી વળવા પ્રોડક્શન વધારો. પ્રોડક્શન વધારો એટલે ક્વૉલિટીમાં કૉમ્પ્રોમાઈઝ કરીને પણ શેડ્યુલ જાળવવું પડે. શાહરૂખ ખાન અને કરણ જોહરની પ્રોડક્શન કંપનીઓએ જ્યારથી વધારે ને વધારે માલ બનાવવાનું શરૂ કર્યું છે ત્યારથી એ ફિલ્મોની ક્વૉલિટી કેવી થતી ગઈ છે એ તમને ખબર છે. આવી ફિલ્મોના માર્કેટિંગ પાછળ જો કરોડો રૂપિયા ન ખર્ચાતા હોય તો એ ક્યારેય પ્રથમ વીકઍન્ડમાં સો કરોડ રૂપિયાનો દલ્લો ભેગો કરી શકતી ન હોત.

માર્કેટિંગ દ્વારા મૅગી નૂડલ્સથી માંડીને કોલા-શૅમ્પૂ વગેરે જેવી કેટલીય બિનજરૂરી ચીજોનું હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર થતું રહે છે. આવી ડઝનબંધ ચીજોનો ટીવી-છાપાંની ઍડ દ્વારા હાઈપ ઊભો ન થતો હોત, પાનના ગલ્લે-ગલ્લે એ વેચાતી ન હોત, તો આપણા જીવનમાં એ બધા કચરાને સ્થાન પણ ન હોત. ચીજ જેટલી મીડિયોકર એટલું એનું માર્કેટિંગ જોરદાર.

સારા સિંગરે જ્યાં ને ત્યાં કહેવાની જરૂર પડતી નથી કે હું કેટલું સારું ગાઉં છું. લતા મંગેશકરને, એમની ૬૦ વર્ષની કારકિર્દીમાં તમે એક પણ વાર આવું કહેતાં સાંભળ્યાં? અમિતાભ બચ્ચને કે નસીરુદ્દીન શાહે કયે દહાડે પોતાના મોઢે કહેવું પડ્યું કે હું સારો ઍકટર છું. યશ ચોપરાએ ક્યારે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મેં બેસ્ટ ફિલ્મો બનાવી છે? આ અને આવા અનેક લોકોનું કામ બોલે છે, તેઓ પોતે બોલતા નથી.

આની સામે મીડિયોકર ગાયકો/અભિનેતાઓ/ ફિલ્મસર્જકો/ લેખકો ( ચેતન ભગત, દેવદત્ત પટ્ટનાયક) પબ્લિસિટી એજન્ટને પૈસા આપીને કે વગ વાપરીને પોતાના ઈન્ટરવ્યૂઝ લેવડાવે છે અને પોતે કેટલા મહાન છે એવું પોતાના મોઢે જ બોલે છે, અને પોતાના બિઝનેસ પાર્ટનર્સ – ગોઠિયાઓ પાસે બોલાવડાવે છે.

સારું કામ, કોઈ વખાણ કરે કે ના કરે, સારું જ રહેતું હોય છે. સેકન્ડ રેટ કામ, કોઈ ગમે એટલાં વખાણ કરે એ પછી પણ, સેકન્ડ રેટ જ રહેતું હોય છે. આ બાબતમાં મને આમ આદમી પર પાક્કો ભરોસો છે. પ્રજાને, જનતાને, સામાન્ય દર્શકો – વાચકો – શ્રોતાઓને – ઉપભોકતાઓને ખબર હોય છે કે સારું શું છે, ખરાબ શું છે. આમાંથી મેજોરિટી લોકો વોકલ નહીં હોય. તેઓ ચૂપચાપ સેકન્ડ રેટ વર્કને રિજેક્ટ કરી નાખશે અને બહુ હોહા કર્યા વિના સુંદર કામને ચીરસ્થાયી બનાવશે.

મહાન લોકો પોતાનાં ગુણગાન ગાયા વિના માત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે. હું રહી જઈશ, પાછળ પડી જઈશ, બીજા લોકો આગળ વધી જશે, હું ભુલાઈ જઈશ, કોઈ મારો ભાવ નહીં પૂછે આવી ઈન્સિક્યોરિટીને કારણે પોતાની જાતનું માર્કેટિંગ કરવામાં મંડી પડેલા લોકોની અસલામતી વધતી જ જવાની અને અસલામતી વધવાની સાથે તેઓ વધારે જોરશોરથી પોતાનું માર્કેટિંગ કરવાના. આ બધાની અસર સરવાળે એમની ક્રિયેટિવિટી પર પડતી હોય છે. સર્જક માટે અસલામતીનો જે પોઝિટિવ ઉપયોગ થવો જોઈએ તેને બદલે આ ભાવના એમના વિશ્વને સંકોચી નાખે છે.

દુનિયા જે કરે છે તે જ આપણે કરવું એવું કોણે કહ્યું?

આ દુનિયા આગળ ચાલી એવા લોકોને કારણે જેમણે બીજાઓ જે કરતા હતા એના કરતાં કંઈક જુદું કર્યું.

આજનો વિચાર

સ્વર્ગ એટલે શું? એવી જગ્યા જ્યાં તમે કહી શકો કે: હા, મેં થોડી ભૂલો જરૂર કરી, પણ કાયરતા નથી દેખાડી. મેં મારી જિંદગી મારી રીતે જીવી અને મારે જે કરવું હતું તે જ મેં કર્યું.

– પાઉલો કોએલો

એક મિનિટ!

સંતાનની બાલ્યાવસ્થા ક્યારે પૂરી થયેલી ગણાય?

જ્યારે એ ‘હું ક્યાંથી આવ્યો’ એવો સવાલ પૂછતો બંધ થાય…

…અને ‘તું ક્યાં જાય છે?’ એનો જવાબ આપતો બંધ થાય.

– ફેસબુક પર ફરતું

7 COMMENTS

  1. 100 percent truth in your article, but today’s marketing brigade and some percentage may different views. Toothpaste companies market brought down business of babul and neem datun, but those who understand importance of those will always look and beleive and buy them. In western countries Flu vaccine is marketed like a life saviour, but we are blessed with our ancestor something called Ayurved. If you take Samshamni Vati or Giloy Ghan Vati or Kadu Kariyaatu you can keep Flu away from you. I have tried several years and it works. I believe in Bhratvarsh there are more number of people go and buy them these products don’t need marketing. Today in present lock down era, Ramayan, Mahabharat and Chankya broadcast on Door Darshan and viewers count for channel is sky rocketed.All three belongs to our great heritage and not needed marketing.
    Satya Mev Jayate.

  2. But in present time u have to do marketing even if u r good otherwise nobody will notice u.I worked silently and suffered.Less work more propaganda is mantra for success

  3. વાહ ક્યા બાત હૈ સાહેબ…શું ખબર લઇ લિધિ છે…આ નવિન કલમો ની…જે એમ સુચવે છે કે અમે ખુબ સુંદર લેખ કે નોવેલ લખી છે..ખરેખર સાહેબ આ..ને આમના જેવા સુધરે તો સારુ…બાકી સાહેબ આપ આમજ પીરસતા રહો ગુજરાતી સાહિત્ય…very well સૌરભ ભાઈ..ક્યાં બાત હૈ..મોજ પડી ગઈ..???

  4. You are writing really very good. But better not to hammer same names for all examples. According to majority some people are very good but there is one class who believe in facts. Even without examples they will catch your point of view. Otherwise you know better.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here