‘સંજુ’ : એક મહિના અને રૂ. ૩૩૯ કરોડનો ધંધા પછી

ન્યુઝપ્રેમી એક્સક્લુઝિવ

સૌરભ શાહ

‘સંજુ’ને રિલીઝ થયે એક મહિનો થઇ ગયો. ૨૯ જૂન ૨૦૧૮ના રોજ થિયેટરોમાં આવી, ૨૯મીના જ શુક્રવારે સવારે ૮ વાગ્યાના શોમાં જોઇને થિયેટરના ફૉયરમાં જ આ ફિલ્મનો દસ મિનિટનો રિવ્યુ રેકૉર્ડ કરીને તાબડતોબ એનો વિડિયો અપલોડ કરી દીધો હતો. તમે એ જોયો હશે. ના જોયો હોય તો જરૂર જોઇ લેજો. આ રહી લિંક.

એટલા માટે કે ‘સંજુ’ના એ સૌ પ્રથમ રિવ્યુ પછી સેંકડો રિવ્યુઝ વિવિધ ભાષામાં આવ્યા. ઘણાને ગમી. ઘણાને ના ગમી. ‘સંજુ’માં મિડિયાની જે સચ્ચાઇ બતાવવામાં આવી છે તે જોઇને ઘણા મિડિયાવાળાઓને એમાં પોતાનું જ બિહામણું પ્રતિબિંબ દેખાયું અને એટલે છળી મર્યા, ‘સંજુ’ની આડેધડ ટીકા કરવા લાગ્યા. પણ જે મિડિયા છેવટે તો સંજય દત્તનું કંઇ બગાડી શક્યું નહીં, તે મિડિયા ‘સંજુ’ ફિલ્મનું પણ બગાડી શક્યું નથી. સંજય દત્તને ખોટી રીતે ટેરરિસ્ટ ચિતરવા છતાં એની ફિલ્મ કરિયર ‘મુન્નાભાઇ એમબીબીએસ’થી ફરી પાટે ચડી ગઇ. કોર્ટે એને આતંકવાદના આરોપમાંથી મુક્ત કર્યો. જો તમે ન્યાયતંત્રનો આદર કરતા હો તો તમારે કોર્ટનો આ ચૂકાદો સ્વીકારવો જોઇએ. કોર્ટે એને ગેરકાયદે શસ્ત્રો રાખવાની સજા કરી છે જે સજા એણે પૂરેપૂરી ભોગવી લીધી છે.

મિડિયા ઘણી વખત હરામી બની જાય છે, ક્યારેક હલકટ તો ક્યારેક પ્રેસ્ટિટ્યુટ પણ બની જાય છે અને કરપ્ટ કે બાયસ્ડ તો છાશવારે બની જાય છે. આ દેશમાં પ્રામાણિક મિડિયા પણ છે જ. અહીં તેની વાત નથી કરતા. જે બદમાશ, બેદરકાર અને બેવકૂફ મિડિયાકર્મી છે એની વાત કરીએ છીએ. આ મિડિયા પાસે સેલિબ્રિટી તથા કૉમનમૅનને જોખવાનાં ત્રાજવાં-કાટલાં જુદાં જુદાં છે અને પોતાની આ અપ્રમાણિકતા છુપાવવા મિડિયા કોર્ટ પર આક્ષેપ કરે છે કે કોર્ટ સેલિબ્રિટીઓ પ્રત્યે સોફ્ટ કૉર્નર ધરાવે છે. હકીકત એ છે કે કૉમનમૅનને મળતી સગવડો સેલિબ્રિટીઓને આપતાં કોર્ટ, જેલ કે પોલીસ અચકાય છે કારણ કે મિડિયા આવી વાતોને તરત ચગાવશે એવી દહેશત હોય છે. દાખલા તરીકે સંજય દત્ત અંડર ટ્રાયલ તરીકે (અર્થાત્ આરોપી તરીકે) મુંબઇની આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં હતો ત્યારે ઘણા મુંબઇગરાઓને ત્યાંથી જતાં-આવતાં જેલના દરવાજાની પાસે સુનીલ દત્તને હાથમાં ટિફિન લઇને બીજા કેદીઓનાં સગાઓ સાથે ચૂપચાપ લાઇનમાં ઉભેલા જોયા છે. ‘સંજય દત્તને જેલમાં ફાઇવ સ્ટાર સગવડો: રોજ ઘરેથી સ્વાદિષ્ટ ભોજન આવે છે’ એવી હેડલાઇન્સ તે જમાનામાં કૉમન હતી. જે વ્યક્તિને કોર્ટે કન્વિક્ટ ન કરી હોય, ગુનેગાર ન ઠેરવી હોય એટલે કે જેના પરનો આક્ષેપ કોર્ટમાં પુરવાર ન થયો હોય, કેસ હજુ ચાલુ હોય એને કાયદાની ભાષામાં અંડર ટ્રાયલ કહે છે, સાદી ભાષામાં કાચા કામના કેદી કહેવાય. એ લોકોને ન્યાયાલયીન હિરાસતમાં એટલે કે જ્યુડિશ્યલ કસ્ટડી હેઠળ રાખવાના હોય છે અને જેલમાં એ કાચા કામના કેદીઓ માટે અલાયદો વિભાગ હોય છે. એમના પર ગુનો કરવાનો આરોપ પુરવાર નથી થયો હોતો એટલે તેઓ નિર્દોષ છે એવું માનવું એ મતલબની કાયદાકીય જોગવાઇ છે. અનેક કાચા કેદીઓ જુઠ્ઠા આરોપોને લીધે કે પછી બીજા અનેક કાયદાકીય કારણોસર કોર્ટમાં નિર્દોષ પુરવાર થતા જ હોય છે. આ કાચા કેદીઓને કાયદા તરફથી જેલમાં ઘરનું ખાવાનું મગાવવાની તેમ જ ઘરનાં કપડાં પહેરવાની છૂટ હોય છે. આ એમનો હક્ક છે. આ કોઇ ‘ફાઇવસ્ટાર સગવડો’નો ભાગ નથી. ટિફિન સાદી વાનગીઓવાળું હોય એની તકેદારી જેલના સત્તાવાળાઓ તરફથી રાખવામાં આવે છે. રોજ ટિફિનનું ચેકિંગ થતું હોય છે. મિષ્ટાન્ન, ફરસાણ કે એવી અવનવી ફેન્સી વાનગીઓ પર પ્રતિબંધ હોય છે. વરસને વચલે દહાડે— જન્મદિવસ કે એવા કોઇ પ્રસંગે છૂટછાટ આપવામાં આવે છે. પાકા કેદીઓને અર્થાત્ ગુનેગારોને નવરાત્રિ, રમઝાન કે ધાર્મિક દિવસો દરમ્યાન ફરાળ અથવા રોજા છોડવા માટેના ખાદ્યપદાર્થો જેલના સત્તાવાળાઓ જેલના રસોડા દ્વારા પ્રોવાઇડ કરે છે.

ઍની વે. સંજય દત્તનો ગેરકાયદે શસ્ત્રો રાખવાનો ગુનો કોર્ટમાં પુરવાર થયો જેની એને સજા મળી જે એણે કાપી. વચ્ચે વચ્ચે એ પેરોલ પર તથા ફર્લો પર બહાર આવતો જે એના હક્કની રજાઓ હતી. જેમ કાચા કેદીને જામીન પર બહાર નીકળવાનો હક્ક છે એમ પાકા કેદીઓને પ્રિવિલેજ લીવ તરીકે ફર્લો મેળવવાનો હક્ક છે અને અનિવાર્ય સંજોગોમાં પેરોલ પર બહાર આવવું પડે (કુટુંબીજનોની માંદગી, અવસાન વગેરે) તો એટલા દિવસો એની સજામાં ઉમેરાઇ જતા હોય છે. કોઇપણ પાકા કેદીને મળે એ હક્ક સંજય દત્તને મળતા ત્યારે મિડિયાને આ બાબતે ટીકા કરવામાં પિશાચી આનંદ આવતો.

ન્યાયતંત્ર સજા શું કામ આપે છે? માણસે જે કૃત્ય કર્યું છે તે એણે ભોગવવું પડે એના માટે. કોર્ટે આપેલી સજા કાપીને માણસ બહાર આવે ત્યારે એના પરથી એના ગુનાનું કલંક ભૂંસાઇ જવું જોઇએ. નહીં તો પછી સજાનો કોઇ મતલબ જ નથી. બે-પાંચ-પંદર વરસની સજા ભોગવ્યા પછી માણસ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી જાય, એવો હેતુ ન્યાયતંત્ર રાખે છે. એટલે જ એને સજા દરમ્યાન ફર્લો અર્થાત્ હક્કની રજા (પ્રિવિલેજ લીવ) આપવામાં આવે છે. જેથી એ લાંબી સજાના ગાળામાં એટલા દિવસ દરમ્યાન બહાર નીકળીને પોતાના કુટુંબ સાથેનો, સમાજ સાથેનો સંપર્ક જીવંત રાખી શકે અને સજા પૂરી કરીને એ ઘરે પાછો આવે ત્યારે સહેલાઇથી બધા સાથે ભળી જઇ શકે, એની આસપાસના લોકો પણ એને અપનાવી શકે.

પણ મિડિયાને સનસનાટી પ્યારી હોય છે. પોતાના ટીઆરપી તથા સર્ક્યુલેશનના ફિગર્સ વહાલા હોય છે. મિડિયા તોડીમરોડીને કોઇપણ સીધી વાતને ટેઢીમેઢી કરી શકે છે.
પણ બહુ વર્ષો પહેલાં મેં એક વાત લખી હતી. કદાચ ૨૦૦૨ના અરસામાં. કે મિડિયા બહુ લાંબો વખત સુધી ખોટા માણસને મહાન ચીતરી શકતી નથી અને મિડિયા બહુ લાંબા સમય સુધી સાચા માણસને ખોટા તરીકે ચીતરી શકતી નથી. લોકો મિડિયાની તાકાત આ અને મિડિયાની તાકાત પેલી વિશે ચર્ચાઓ કરતા રહે છે. લોકોને મિડિયાની આ જબરજસ્ત મોટી ખામી, નબળાઇ કે નિષ્ફળતાનો અંદાજ જ નથી હોતો. ૨૦૦૩ માં પ્રગટ થયેલા મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ માં આ મુદ્દો મેં છેડ્યો છે. એની નવી આવૃત્તિ અત્યારે પ્રેસમાં છે.

સંજય દત્ત અને ‘સંજુ’ની ભરપેટ ટીકા કરનારા મિડિયાના મોઢા પર એક મહિનામાં આ ફિલ્મે કરેલા વકરાનો આંકડો એક લપડાક છે. મિડિયાને રિયલાઇઝ થઇ ગયું કે પોતે સંજય દત્તનું કંઇ બગાડી શકે એમ નથી. એણે ‘મુન્નાભાઇ એમબીબીએસ’ જેવી જબરજસ્ત હિટ ફિલ્મ આપી અને એના પર એક સુંદર બાયોપિક પણ બની. અને હવે મિડિયાએ એ પણ જોઇ લીધું કે પોતે ‘સંજુ’નું પણ કંઇ બગાડી શકે એમ નથી. ત્રીસ દિવસમાં રૂપિયા ૩૩૯ કરોડનો વકરો કરીને હાઇએસ્ટ ધંધો કરનારી હિંદી ફિલ્મોની યાદીમાં અગ્રિમ હરોળે ‘સંજુ’ આવી ગઇ છે.

મારા પર આ ફિલ્મે પ્રથમ દર્શન વખતે જ કબજો જમાવી દીધો હતો. એ પછી એ જ રાત્રે બીજી વખત મેં ‘સંજુ’ જોઇ. ચાર દિવસમાં કુલ ૪ વખત. એક રિવ્યુ તો મેં તાબડતોબ વિડિયો રેકૉર્ડ કરીને અપલોડ કરી જ દીધો હતો. ડિટેલમાં પછી લખીશ જ્યારે મિડિયામાંનો શોર-બકોર ઠંડો પડી જાય— એવું વિચાર્યું હતું. મહિના પછી એન્ટી-સંજુ અને એન્ટી-સંજય દત્ત મિડિયા જંપી ગયું છે ત્યારે હું આ ફિલ્મ વિશેના મારા વિચારેલા ૧૦ મુદ્દાઓ લખવાનું શરૂ કરી રહ્યો છું. સિરીઝનો આ પહેલો હપ્તો છે.
દરમ્યાન, ‘સંજુ’ના એન્ડમાં આવતું આ ગીત- ‘બાબા બોલતા હૈ બસ હો ગયા’ મિડિયાનાં કુકર્મોને ખુલ્લાં પાડનારું ગીત છે. જરૂર સાંભળજો, અને શબ્દો પૂરા ના સમજાય તો એ પણ વાંચી લેજો. બેઉની લિન્ક અહીં આપી છે.

baba bolta hai bas ho gaya video

lyrics

વધુ આવતીકાલે.

(ન્યુઝ વ્યુઝ, બુધવાર, 1 ઑગસ્ટ 2018)

5 COMMENTS

  1. ભારત બોલીવુડ ફિલ્મોનું બજાર છે, જેમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બતાવી ને પૈસા કમાઈ શકે છે, આને સ્વતંત્રતા કે આઝાદી ગણી શકાય. કળાત્મકતા ના નામે કંઈ પણ દર્શાવી શકાય, ભલે કાયદાકીય રીતે તેણે સજા ભોગવી લીધી છે, પણ ઈતિહાસ તેને કઈ રીતે ઓળખશે? બહાર આવીને તેણે એક પણ સારૂં કામ દેશ સેવા માટે કર્યું હોત તો દેશ તેને તે કામ માટે યાદ રાખત. બાકી ‘ સંજુ’ ફિલ્મ માં રણબીર ની એકટી્નગ સરસ છે.

  2. જે માણસ પોતાની કેન્સર ગ્રસ્ત અર્ધાંગિની ને છોડી ને 350 સ્ત્રી સાથે સબંધ બાંધવા માં વ્યસ્ત હતો એવા ચરિત્ર ની બાજી લઈ ને સૌરભજી એ અમને બહુ જ આહત કર્યા છે.( આ સીન તો ફિલ્મ માં નથી બતાવ્યો)

    350 કરોડ કમાવા ની વાત છે તો આજે ય કોંગ્રેસ ને 25 થી 30 % વોટ મળે છે જ . જે જન સંખ્યા આધારે 10-15 કરોડ વોટ તો થઈ જ જાય છે.

    અને એવું લાગે છે કે જે એક પ્રામાણિક પત્રકારે સંજુ ને ઉગાડો પડ્યો હતો , આજે એનું નહીં પણ પ્રામાણિક પત્રકારીતા ની આત્મા આહત થઈ છે

    અને બૉમ્બ બ્લાસ્ટ ના સીન વખતે ગણેશ ઉત્સવ દરાશવા નો શુ હેતુ હતો.
    PK વખતે આજ હીરાની અને ચોપરા ની જોડી એ ફક્ત અને ફક્ત આપના હિન્દૂ ધર્મ ને ઉતારી પડ્યો હતો .

    અને ભલે આ ભાઈ એ બૉમ્બ ન હોતા મુક્યાં પણ શું એ ભાઈ ને એટલું પણ ના સુજ્યું કે પોલીસ ને બતાવી દઉં તો બ્લાસ્ટ ના થાય .

    અને તમે પેરોલ ની વાત કરો છો . એ તો તમને જ ખબર છે કે પરોલ વખતે એ ભાઈ કેટલી પાર્ટી અને કેલટું ફિલ્મ શૂટિંગ કરતા હતા .

    આવા લોગો ની બાજુ તમે ક્યાં કારણસર લો છો એ તો તમને ખબર પણ આજે સૌરભ શાહ બ્રાન્ડ પાર એક નાનું કાળું ટપકું લાગી ગયું છે

    • Paresh ji has put his thoughts cirrectly and I completely endorse his views. But it is also truth that he realised that he will have to compensate for his bad karma and therefore his acceptance of serving the jail term in this birth has atleast given him aome respite that he is able to re join the mainstream society with confidence. Baki toh pehla bhai saheb potana ghamand maan j hata ane salman bhai eno shagird j che. Pan have jyare when they see in hindsight, ee loko ne khabar padi gayi che ke havve joh pehla jeva nakhara karsu toh public ukhadi ne phenki dese etle aa badhu being human ne sharu thayu che.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here