‘સંજુ’ સિરીઝ ઃ પાર્ટ ટુ ઃ સંજય દત્તની ખરડાયેલી ઈમેજને સરખી કરવા માટે આ ફિલ્મ બની?

ન્યૂઝપ્રેમી એક્‍સક્‍લુઝિવ

ન્યુઝ વ્યુઝ: સૌરભ શાહ

(ગુરુવાર, ૨ ઑગસ્ટ ૨૦૧૮)

‘સંજુ’ વિશેનો આ ટિપિકલ ફિલ્મ રિવ્યુ નથી. ‘સંજુ’ જોયા પછી મનમાં ઉદ્‍ભવેલા વિચારો ઠરીઠામ થયા પછી જે નક્કર પરિપાક સર્જાયો છે તે હું અત્યારે તમારી સાથે દસ મુદ્દાઓમાં વહેંચી રહ્યો છું.

૧. કોઇ ચરસી ક્રિમિનલની ઈમેજને વ્હાઇટવૉશ કરવા માટે આ ફિલ્મ બનાવાઇ છે? ના. કેટલાક વાંકાદેખાઓ કહેતા ફરે છે— ખાસ કરીને યુ ટ્‍યુબ પર ફરતી હિંદી ભાષામાં બોલાયેલી વિડિયો ક્લિપ્સ – કે કાલ ઉઠીને તો રાજુ હિરાણી જેવો કોઇ દિગ્દર્શક દાઉદ ઇબ્રાહિમનાં કરતૂતોને જસ્ટિફાય કરીને એની ઈમેજને વ્હાઇટવૉશ કરવા માટે ફિલ્મ બનાવશે— જે રીતે કોઇ નબળા અને ના-લાયક ડિરેક્‍ટરે ‘પરઝાનિયા’ જેવી હિન્દુઓ પ્રત્યે આગ ઓકતી ફિલ્મ બનાવ્યા પછી લતિફ જેવા બુટલેગર અને ક્રિમિનલને ઊજળો દેખાડવા ‘રઈસ’ જેવી ફિલ્મ બનાવી. ‘રઈસ’ ફ્લોપ ગઇ કારણ કે લોકોએ એને સ્વીકારી નહીં. લોકોએ એને શું કામ નહીં સ્વીકારી? કારણ કે એમાંની વાતો આમ જનતાને ગળે ઊતરી નહીં.

બીજું, ધારો કે કોઇને દાઉદ ઇબ્રાહિમ મોટો અોલિયો-પીર કે સજ્જન પુરુષ છે એવી ફિલ્મ બનાવવી હોય તો ભલે ને બનાવે. ‘રઈસ’ બની જ ને. આપણે કંઇ રોકી શકવાના છીએ? પણ એનો અર્થ એ નથી કે આવી કોઇ ફિલ્મ બનાવવાથી દાઉદની ઈમેજ વ્હાઈટવૉશ થઇ જશે. ‘રઈસ’ને કારણે મરહૂમ લતીફની ખરાબ ઈમેજ આપણા લોકોના મનમાંથી દૂર થઇ? ના, નથી થઇ.

રાજકુમાર હિરાણી જેવો સફળ ડાયરેક્‍ટર શું કામ કોઇની ઈમેજને વ્હાઇટવૉશ કરવા માટે ફિલ્મો બનાવે? શું એની પાસે નવા નવા વિચારોની કમી છે? શું એની ક્રિયેટિવિટી મરી પરવારી છે? શું એ નવરો બેઠો છે? શું એ ભૂખે મરે છે?

જેમ કોઇ શેઠિયાની જીવનકથા લખવાનું કામ, કે એના દીકરા-દીકરીની કંકોત્રી લખવાનું કામ કરનારા લેખકો હોય છે એમ ‘રઈસ’ ફિલ્મ બનાવનારા કે ભવિષ્યમાં ‘દાઉદ ઇબ્રાહિમ’ ફિલ્મ બનાવનારાઓ પણ હોવાના જ છે ઇન્ડસ્ટ્રીમાં. પણ એવા લોકોને કારણે તમે હિરાણી જેવા મહેનતુ અને તેજસ્વી દિગ્દર્શકોને એ પંગતમાં મૂકી ન શકો— જે રીતે મહેનતુ અને તેજસ્વી લેખકોને તમે પેલા કંકોત્રી લેખકોની હરોળમાં ન મૂકી શકો.

‘સંજુ’માં સંજય દત્ત ચરસી હતો એ વાત પાકેપાયે સ્થાપિત થયેલી છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ એ જ છે. ડ્રગ્સના બંધાણી તરીકે એ કઈ હદ સુધી નીચે પડી ગયો હતો એનું ચિત્રણ પણ પ્રામાણિકપણે બતાવાયું છે. કેટલાક વાંકાદેખા કહે છે કે નવી પેઢીને શું આપણે એ કહેવાનું છે કે તમે આવા ચરસી સંજય દત્તના જીવનમાંથી પ્રેરણા લો? જેને કમળો થયો હોય એવા મિડિયા પીપલને બધું પીળું જ દેખાવાનું. સંજય દત્તે કેવી રીતે પોતાની એ ગંદી-ખતરનાક આદત છોડી અને કેવી રીતે એમાંથી બહાર આવ્યા પછી ફરી એક વાર પોતાનું જીવન પાટે લાવવા, નવેસરથી ફિલ્મી કારકિર્દી શરૂ કરી, ઈન્ડસ્ટ્રીમાં અને દુનિયા આખીમાં ચરસી તરીકે પંકાયેલો માણસ કઈ રીતે પોતાની આદતો બદલીને શરીર સૌષ્ઠવ સુધારે છે તે ઘટનાઓ બેમિસાલ છે, પ્રેરણાદાયી છે. નવી પેઢીએ જ નહીં, જૂની થઈ ગયેલી પેઢીએ પણ આમાંથી પ્રેરણા લેવાની છે. પણ અહીં તો આપણે ત્યાં (વાસ્તવમાં તો આપણે ત્યાં જ નહીં બધે જ) એવા એવા ચશ્મિસ્ટ વિવેચકો ચૂંચી આંખ કરીને બેઠા છે જેમને ‘રામાયણ’ લખાઈ ગયા પછી પણ વાલ્મીકિ વાલિયો લૂંટારો હતો તેવું કહેવામાં સેડિસ્ટિક પ્લેઝર મળે છે. (હવે કોઇ એવું ના કહે કે આ સૌરભ શાહે તો સંજય દત્તની તુલના ‘રામાયણ’ના રચયિતા વાલ્મીકિ સાથે કરી. ઑન સેકન્ડ થૉટ, કહેવું હોય તો ભલે ને કહે. એમાં એવું કહેનારાઓની જાત ઉઘાડી પડે છે.)

સંજય દત્તે ક્રિમિનલ ઍક્‍ટિવિટી કરી. કોર્ટમાં એ પુરવાર થઇ જેની સજા પણ એણે ભોગવી. ફિલ્મનો સેકન્ડ હાફ આ વિશેનો છે. ચરસી સંજય દત્ત કે ક્રિમિનલ સંજય દત્તની ઈમેજને વ્હાઈટવૉશ કરવાનો જરા સરખો પ્રયાસ નથી થયો. કોઇ સીનમાં એવું નથી બતાવાયું કે સંજય દત્ત ચરસી નહોતો કે ક્રિમિનલ નહોતો.
એ શું કામ ડ્રગ્સના રવાડે ચડ્યો હતો કે શું કામ એણે ગેરકાયદે શસ્ત્રો રાખ્યાં તેનાં કારણો કોઈને ગળે ના ઊતરે તો ભલે. બોલવાવાળા તો બોલવાના જ. કોર્ટના ગળે એ કારણો ઊતર્યાં તે એના ચુકાદામાં સ્પષ્ટ છે કે સંજય દત્ત આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયો નહોતો. હવે તમારે કોર્ટના ચુકાદાને માન્ય ન રાખવો હોય, તમારી પોતાની અદાલત બેસાડવી હોય તો બેસાડો, તમારી મરજી. મિડિયા ટ્રાયલના આધારે તમારે જજમેન્ટલ બનવું હોય તો તમને છૂટ છે. પણ આવા પૂર્વગ્રહો ભવિષ્યમાં તમને પોતાને જ તમારી જિંદગીમાં નડવાના છે.

સંજય દત્તે પોતાની કૅન્સરગ્રસ્ત પત્નીને રેઢી મૂકી દીધી અને એ ૩૫૦ છોકરીઓ સાથે ગુલછર્રા કરતો રહ્યો— એવા માણસ વિશેની ફિલ્મ તો અમે જોઇએ પણ નહીં એવું કહેનારા ઘણા લોકો તમને મળી આવશે. એમને મારી આ સિરીઝનો આવતીકાલનો લેખ જરૂર વંચાવજો. દસમાંનો બીજો મુદ્દો એ જ છે.

વધુ આવતીકાલે.

© Saurabh Shah

10 COMMENTS

  1. સાહેબ ને પૈસા મળ્યા છે એટલે ઈ તો સંજુ ના વખાણ જ કરશે અને સચ્ચાઈ નહી બતાવે
    બાકી સંજય દંત કેવો વ્યક્તિ છે ઈ બધા જાણે છે એની પહેલી પત્ની & છોકરી નો એક ઇનટરવયુ લો ને સાહેબ …..

    • ..મને પૈસા નથી મળતા, મારો ઓપીનિયન આપવા માટે, ઓકે !? પણ એક વાત ચોક્કસ સમઝી લો કે જેમ તમને સૌરભભાઈ વિરુધ્ધ લખવા માટે કોઈએ નહિ આપ્યા હોય, એમ સૌરભભાઈને પણ..(opinion સહુના અલગ જ રહેવાના)
      વેચાઉ મિડીયાને જરૂર પૈસા મળે. સૌરભભાઈ એમના સોર્સથી શોધીને, ધારે તો; સંજય દત્ત વિરોધી અને સલમાન તરફી લોબીના પર્દાફાશ પર એક મઝાનો લેખ આપણને આપી શકે !!!!

  2. After a long wait when I watch this movie more of that clear my mind for Sanjay Dutt about his image as c high society criminal.
    Still there are two Other than SALMAN.

  3. કોઈ પણ નીચ હરકત ને આવી રીતે જસ્ટીફાય કરવું કેટલું યોગ્ય ? સંજય દત્ત જેવો હોય તેવો પણ આપણે કેટલા ટકા ? આપણે શા માટે તેના જીવનની ફિલ્મ જોવી જોઈએ ? તેની સંગત તો દેશદ્રોહી આતંકવાદી માફિયા ઓ સાથે હતી તે નિર્વિવાદ છે. તેનો બાપ રાજકારણી ન હોત તો તેને ક્યારની ફાંસી આપી દિધી હોત. આવા કેરેક્ટર્સ ની ફિલ્મ જોવાની તમારા જેવા લેખક શા માટે ભલામણ કરે છે તે જ નથી સમજાતું. આવા માણસો ની પાછળ લખવા માટે તમારા જેવા લેખક સમય વેડફે છે ખૂબ જ દુઃખદ લાગે છે. ૨૦૧૪ માં The Light Swami Vivekananda ફિલ્મ આવી ને જતી રહી કેટલા લોકો ને ખબર હતી? હું સંજય દત્ત નો વિરોધ નથી કરતો , તે જેવો હતો તેને મુબારક પણ તમારા જેવા તેની ફિલ્મ જોવાની વાત કરે તે દુઃખદ છે. સંજુ નો રીવ્યુ આવ્યો તે પહેલાં પણ મારો આ જ મત હતો કે કોઈએ આ ફિલ્મ ન જોવાય…જો કે આ મારો વ્યક્તિગત મત છે. આપણે બીજાને કહેનાર કોણ ?

    આભાર

    • Bhai tame chhele lakho chho ke aapne bijane kahenar kon? To pachhi tame atlu lambu lachak bharadva kem besi gaya? Munga betha hot to aana karta?

      • મેં તો માત્ર મારો મત વ્યક્ત કર્યો છે.. બીજી કોઈ વાત નથી કરી પણ મારો મત વાંચી ને તમને આટલી બધી કેમ બળી ? તે મને ખબર ન પડી કે પછી સંજય દત્ત સાથે કંઈ સેટીગ છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here