‘ધી ઇમરજન્સી’- અનુવાદકની પ્રસ્તાવના: સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ: ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, ગુરુવાર 17 ઑગસ્ટ 2023)

આજે 17મી ઓગસ્ટ થઈ. બરાબર એક મહિના પહેલાં, 17મી જુલાઈએ કૂમી કપૂરના બેસ્ટ સેલર અંગ્રેજી પુસ્તક ‘ધી ઇમરજન્સી’ની ગુજરાતી આવૃત્તિ બજારમાં આવી. આજે બીજી આવૃત્તિ બજારમાં આવી ગઈ. આવૃત્તિ અને પુનર્મુદ્રણ વચ્ચે તફાવત છે પણ સામાન્ય વાચક માટે આવૃત્તિ જાણીતો શબ્દ છે, પુનર્મુદ્રણ ઓછો જાણીતો શબ્દ છે. પુનર્મુદ્રણ એટલે આગલી આવૃત્તિનું યથાતથ ફરી છાપકામ કરવું- રી પ્રિન્ટિંગ. નવી આવૃત્તિ એટલે આગલી આવૃત્તિમાં કશોક ઉમેરો કરવો, કશુંક સંશોધન (ફેરફારોના અર્થમાં) કરવું, નવી પ્રસ્તાવના અથવા તો નવી માહિતી ઉમેરવી અથવા ક્યારેક એવું પણ બને કે આગલી આવૃત્તિના મૅટરનું લેખકે પૂરેપૂરું પુનર્લેખન કર્યું હોય. આવું થાય ત્યારે નવી આવૃત્તિનું લેબલ આપી શકો. ઘણીવાર પ્રચારની સહુલિયત માટે પુનર્મુદ્રણ અને નવી આવૃત્તિ ટર્મ એકબીજાની અવેજીમાં વપરાતી હોય છે.

25 દિવસમાં ‘ધી ઇમરજન્સી’ની પ્રથમ આવૃત્તિની બધી નકલો વેચાઈ ગઈ. કદાચ કોઈ પુસ્તક વિક્રેતા પાસે સ્ટૉકમાં એક બે નકલ પડી હોય તો હોય. પ્રકાશક પાસે બે એક નકલ નમૂનાની હશે. મારી પાસે બે ત્રણ નકલો છે જે કેટલાક મિત્રો રૂબરૂ મળે ત્યારે એમને ભેટ આપવા સાચવી રાખી છે. કોઈપણ પુસ્તકની પ્રથમ આવૃત્તિ આઉટ ઑફ પ્રિન્ટ થઈ ગયા પછી એની ફર્સ્ટ એડિશન નું મૂલ્ય ઘણું વધી જતું હોય છે. પુસ્તકપ્રેમીઓ માટે પ્રથમ આવૃત્તિની નકલ કલેક્ટર્સ આઈટમ બની જતી હોય છે. મને ગમતા લેખકના પુસ્તકની પ્રથમ આવૃત્તિની એક કરતાં વધુ નકલ હું ખરીદી લેતો હોઉં છું જે ગમે ત્યારે મારા જેવા કોઈ પુસ્તકપ્રેમીને ભેટ આપવાનો સંતોષ લેવા માટે કામ લાગે છે.

ખેર, ‘ધી ઇમરજન્સી’ની નકલો 25 દિવસમાં ખલાસ થઈ ગઈ. ફરી છાપવાનું શરૂ થયું. આજે નવી નકલોનો સ્ટૉક તમામ પુસ્તક વિક્રેતાઓના ગોડાઉનમાં પહોંચી ગયો છે.

પ્રથમ આવૃત્તિ વાંચીને અનેક વાચકોએ મને વૉટ્સઍપ પર, ટ્વિટર પર, ફેસબુક પર અને રૂબરૂ જે પ્રતિભાવો આપ્યા છે તે સઘળા ને કમ્પાઈલ કરવાનું કામ ચાલે છે. દરેક અભિપ્રાય મનમાં વસી જાય એવો છે- તમારા બધાની સાથે પણ શેર કરીશું. ‘ધી ઇમરજન્સી’ના કવરેજ કવરપેજ પર , બૅક કવર પર તથા બેઉ ઇનસાઇડ કવર પર ગુજરાતમાં જાણીતા લેખકો અને પ્રતિષ્ઠિત પત્રકારોના બબ્બે વાક્યોના જે અભિપ્રાયો પ્રગટ કર્યા છે તે એમણે લખેલા લાંબા પ્રતિભાવલેખોનો માત્ર એક નાનકડો અંશ છે. એમના પ્રતિભાવો પુસ્તકની અંદર આરંભે તેમ જ ‘પરિશિષ્ટ: 1’ તથા ‘પરિશિષ્ટ: 2’ રૂપે પ્રગટ કર્યા છે. આવતીકાલથી એ તમામ અભિપ્રાયલેખો રોજેરોજ ‘ન્યુઝપ્રેમી’ મારફત તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું- પુસ્તક વિશે વધુ જાણવાની તમારી ઉત્સુકતા એ વાંચીને સંતોષ પામશે.

આજે ‘અનુવાદકની પ્રસ્તાવના’ વાંચો. આ પ્રસ્તાવનામાં મેં કેટલાક એવા મુદ્દાઓ લખ્યા છે જે વાંચીને આ પુસ્તક શા માટે દેશના અત્યારના માહોલમાં વાંચવું અગત્યનું છે તેનો તમને ખ્યાલ આવશે. અનુવાદક તરીકે પ્રસ્તાવનાના અંતે આ પુસ્તકને વધુ સમૃદ્ધ કરવામાં જેમનો ફાળો છે તે સૌને તો એક્‌નોલેજ કર્યા જ છે, પ્રસ્તાવનાના પૂર્વાર્ધમાં જે 10 મુદ્દાઓ લખ્યા છે તે તમામ તમારે ઉપરછલ્લી નજરે નહીં પણ એક-એક વાક્યને ધ્યાનપૂર્વક વાંચીને, સમજીને દરેક મુદ્દાનો સાર ગ્રહણ કરી મનમાં સંઘરી લેવો જોઈએ. જો એવું થશે તો આ પુસ્તકનું મૂલ્ય તમારા માટે ઘણું વધી જશે. ઉદાહરણાર્થે તમે 9મા મુદ્દાનો આ પેરેગ્રાફ વાંચો: ‘દેશનો ગૌરવશાળી ઇતિહાસ સૌએ વાંચવો જોઈએ એ જ રીતે ભારતના ઇતિહાસનાં કલંકિત પાનાં પણ સૌ કોઈએ વાંચવાં જોઈએ. દેશનો ભવ્ય ભૂતકાળ જાણીને જેમ ગૌરવ થાય એ જરૂરી છે એમ આ દેશ સામે ઊભા થયેલા ખતરાઓ વિશે જાણીને સજાગ રહેવું પણ જરૂરી છે. આપણને જેના પર ભરોસો છે તે સંસદ, પોલીસ તંત્ર, ન્યાયતંત્ર, સરકારી તંત્ર (બ્યુરોક્રસી) તથા મીડિયા પર બંધારણની કલમોનો દુરુપયોગ કરીને કેવી રીતે કોરડા વીંઝવામાં આવ્યા એની જાણકારી મળે એ ખૂબ જરૂરી છે જેથી તમે સમજી શકો કે દેશ જ્યારે લાયક વ્યક્તિઓના હાથમાં હોય છે ત્યારે આ બધાનું કેવી રીતે સન્માન થાય છે. આજે સંસદને મંદિર માનીને એમાં પ્રથમવાર પ્રવેશ કરતી વખતે એના પગથિયાને માથું અડાડવામાં આવે છે. ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવાને બદલે સરકાર વિરુદ્ધ અપાયેલા આદેશોને પણ માથે ચડાવવામાં આવે છે.’

‘ધી ઇમરજન્સી’ પુસ્તકનું કાયમી મૂલ્ય છે, એની કાયમી ઉપયોગીતા છે. તમારા ઘરમાં હશે તો તમારા સંતાનો માટે અને એમના સંતાનો માટે પણ ભવિષ્યમાં ઉપયોગી બનશે. પણ 2024 માં આવી રહેલી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તો આ પુસ્તકનું ઘણું મૂલ્ય છે, અહીં આપેલી ‘અનુવાદકની પ્રસ્તાવના’ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે:

અનુવાદકની પ્રસ્તાવના

સૌરભ શાહ

પુસ્તક એક એવો ઐતિહાસિક દસ્તાવેજ છે જે થ્રિલરની રોમાંચક શૈલીમાં સડસડાટ વાંચવાની મઝા આવે છે. પાને પાને ઇંતેજારી જગાડે એવી લેખિકા કૂમી કપૂરની શૈલી છે. ગુજરાતીમાં એનો અનુવાદ કરતી વખતે મેં એના મૂળ સ્વરૂપને અક્ષુણ્ણ રાખીને એમાં માતૃભાષાનો સ્વાદ એકરૂપ થઈ જાય એવી કોશિશ કરી છે. તમને વાંચવાની મઝા આવે એવું બન્યું છે. ઇમરજન્સી વિષય પર કેટલાંક સઘન તો કેટલાંક છૂટક-ત્રુટક માહિતી આપતાં કુલ 100થી વધુ ખૂબ ઇન્ટરેસ્ટિંગ પુસ્તકો તેમ જ સંશોધન માટે કામ લાગે એવા ગ્રંથો પ્રગટ થયાં છે, જેમાંથી પાંચ-છ સિવાયનાં મારી રેફરન્સ લાયબ્રેરીમાં છે. કૂમી કપૂરનું ‘ધી ઇમરજન્સી: અ પર્સનલ હિસ્ટરી’ પુસ્તક એવું છે જે વાંચ્યા પછી એક સામાન્ય વાચક તરીકે આ વિષય પર તમે બીજું કોઈ પુસ્તક ન વાંચો તો આરામથી ચાલે— તમને પાકે પાયે ખબર પડી જાય કે શ્રીમતી ગાંધીએ તથા એમના પુત્ર સંજયે પોતપોતાની ટોળકીઓનો સાથ લઈને ઇમરજન્સી દરમ્યાન શું શું કર્યું. પુસ્તકને ગુજરાતીમાં ઢાળતી વખતે જે વિચારો દૃઢ થતા રહ્યા એને 10 મુદ્દાઓ રૂપે તમારી સાથે વહેંચી રહ્યો છું :

(1)​ 1947માં પાર્ટિશન થયા પછીના ભારતમાં બનેલી જો કોઈ એક સૌથી મોટી દુર્ઘટના હોય તો તે છે 1975-77ના 19 મહિનાની ઇમરજન્સી. ઇન્દિરા ગાંધી જાણતાં હતાં કે ઇમરજન્સીનો ગાળો ભવિષ્યમાં એમની પાર્ટીની અને એમના વંશવારસોની ઇમેજને નડવાનો છે. એટલે જ એમણે ઇમરજન્સીના અત્યાચારો સામે મોરારજી દેસાઈની સરકારે બેસાડેલા શાહ કમિશનના રિપોર્ટની એકેએક નકલને, પોતે પુનઃ સત્તા પર આવ્યાં ત્યારે, શોધીને નષ્ટ કરી. ઇતિહાસની આ કાળી ઘટનાને રફેદફે કરવાની કોશિશ કરી.

(2)​ કૉન્ગ્રેસ હારશે પણ ચીત નહીં થાય. માટે ક્યારેય અસાવધ રહેવું નહીં. ઇન્દિરા ગાંધી ભોંયભેગાં થઈને ધૂળમાં રગદોળાયાં છતાં એમણે તંત ન છોડ્યો. 12 જૂન 1975ના અલાહાબાદ હાઇ કોર્ટના ચુકાદા પછી ગૌરવભેર સત્તાત્યાગ કરવાને બદલે તેઓ ધમપછાડા કરીને વડાં પ્રધાન પદને વળગી રહ્યાં. 1977ના માર્ચની ચૂંટણીનાં પરિણામો પછી, શાહ કમિશન અને મારુતિ કમિશનની ઇન્ક્વાયરીઓ પછી પણ, હતાશ થઈને નિષ્ક્રિય ન બન્યાં. સારાં દેખાવાની કે નેહરુપુત્રી હોવાની ગરિમાની ઐસીતૈસી કરીને એમણે પોતાના ગુનાહિત ભૂતકાળ તરફથી લોકોનું ધ્યાન બીજે દોર્યું અને ફરી ગાદી હાંસલ કરી. આ ગુણ (કે દુર્ગુણ) એમના વારસદારોમાં આજે પણ છે તે ભૂલવું જોઈએ નહીં. કૉન્ગ્રેસ પક્ષના તે વખતના દિગ્ગજ નેતાઓએ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે મળીને આ દેશને બાપીકી જાગીર હોય એ રીતે વાપર્યો છે, કચડ્યો છે. ભૂલેચૂકેય આ લોકોને ફરી તક મળી તો તેઓ અતીતનું પુનરાવર્તન કરશે.

(3) ​1975 પછીના ચાર-પાંચ દાયકા દરમ્યાન સતત પુરવાર થતું રહ્યું છે કે એકહથ્થુ સરમુખત્યારી અને વંશ પરંપરાગત શાસન કૉન્ગ્રેસ પાર્ટીના તથા જવાહરલાલ નેહરુના વારસદારોના લોહીમાં છે, એમના ડીએનએમાં છે. મારું માનવું છે કે ભારતનું સૌથી મોટું દુશ્મન પાકિસ્તાન કે ચીન નથી, કૉન્ગ્રેસ છે. પાકિસ્તાન-ચીન સામે લડવા જઈશું તો આખો દેશ સરકારની સાથે થઈ જશે. પણ કૉન્ગ્રેસ પક્ષની વિવિધ પ્રકારની નાપાક હરકતો પર લગામ રાખવાની કોશિશ સરકાર દ્વારા થશે તો દેશમાંથી જ નહીં વિદેશોમાંથી પણ લેફ્ટિસ્ટો આવીને કૉન્ગ્રેસને બચાવવા ઊતરી પડશે. કૉન્ગ્રેસને ખબર છે કે એમની પાસે આ ઇમ્યુનિટી છે અને એટલે જ વિપક્ષમાં રહીને તે નિતનવાં ત્રાગાં કરે છે. જે દેશ માટે આપણે પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છીએ એ માતૃભૂમિ સામે દેશની બહાર વસતા દુશ્મનોથી જ નહીં દેશના નાગરિકો હોય એવા વિદ્રોહીઓ, ખટપટિયાઓ, રિપુઓ અને કઠોર પ્રતિનાયકોથી પણ ઘણો મોટો ખતરો રહેતો હોય છે.

(4)​ ઇમરજન્સીનો વિરોધ કરનારાઓમાંથી મોટાભાગનાં રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો, અગ્રણી નેતાઓ તથા ન્યાયતંત્ર, પત્રકારત્વ અને સાહિત્ય-શિક્ષણ સહિતનાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વખત જતાં હિન્દુવિરોધી અને હિન્દુદ્વેષી નીકળ્યાં. તેઓ 1977 પછીના ગાળામાં આરએસએસના, ભાજપના, હિન્દુત્વના તથા વાજપેયી-મોદી શાસનના શત્રુ પુરવાર થયા. ઇમરજન્સીના ગાળાએ શીખવાડ્યું કે દર વખતે કંઈ દુશ્મનનો દુશ્મન મિત્ર જ હોય તે જરૂરી નથી; આપણા દુશ્મનનો દુશ્મન આપણો પણ શત્રુ હોય એ શક્ય છે.

(5) ઇમરજન્સી દરમ્યાનનાં દેશવ્યાપી રેલહડતાળ તથા ‘બરોડા ડાયનેમાઇટ કન્સપાયરસી’ સહિતનાં વિરોધ પ્રદર્શનો સામે જુલમી પગલાં લેવાથી કે તુર્કમાન ગેટ જેવા કાંડ કરવાથી કેવાં માઠાં પરિણામો આવી શકે છે તેની જાણકારી દેશના હાલના શાસકોને છે. શાહીનબાગ, ખેડૂત આંદોલન, કુશ્તીબાજોના દેખાવો કે બંગાળમાં હિન્દુ કાર્યકર્તાઓની બેફામ હત્યાઓ જેવી ગંભીર ઘટનાઓને ડામવા માટે આકરાં પગલાં લેવાશે તો બૅકફાયર થશે એની દિલ્હીને ખબર છે. દૂરના ફાયદા માટે નજીકનું નુક્સાન સહન કરી લેવું એટલી મૅચ્યોરિટી સરકારમાં છે.

(6) ઇમરજન્સીએ બીજા ઘણા પાઠ શીખવાડ્યા છે. જેમ કે અખબારો, ન્યુઝ ચેનલો કે અન્ય મીડિયા સરકારની ગમે એટલી ટીકા કરે, અને એ ટીકાઓ બેવજૂદ કે ફેક ન્યુઝ પર આધારિત હોય, તો પણ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અકબંધ રાખવું પડે.

વાંકદેખાઓએ જે કહેવું હોય તે કહે. અકાટ્‌ય હકીકત એ છે કે આજે છે એટલું વાણી સ્વાતંત્ર્ય અને નાગરિકી સ્વાતંત્ર્ય દેશમાં ક્યારેય નહોતું. આ વાતનો જશ 2014 પછી બદલાયેલી દેશની શાસનવ્યવસ્થાને જાય છે. અત્યારની ફ્રીડમ ઑફ સ્પીચ તથા આજે મળી રહેલા ફ્રીડમ ઑફ એક્સપ્રેશનનો ગેરલાભ લેનારા અનેક દેશવિરોધીઓ છે. આ જ લોકો અવળો પ્રચાર કરીને બીજાઓને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાને તેઓ સ્વચ્છંદતાની હદ સુધી ખેંચી જાય તો પણ શાસન તેમને ઉદારતાપૂર્વક ચલાવી લે છે. પણ આ સ્વચ્છંદતાને હજુ ખેંચીને ક્રિમિનલ ઑફેન્સ બને ત્યાં સુધી લઈ જવામાં આવે ત્યારે જ તેમના પર કાયદેસર લેવાઈ શકે તેવાં પગલાં લેવાય છે. આવું થાય છે ત્યારે ક્રિમિનલો અને એમના સાગરીતો વિક્ટિમ કાર્ડ પ્લે કરીને કહે છે: ‘આ દેશમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને કચડી નાખવામાં આવ્યું છે.’

(7)​ ઇમરજન્સી વિશેનો આ ઇતિહાસ વાંચવાથી આપણને ખબર પડે છે કે વર્તમાનમાં અને ભવિષ્યમાં જવાબદાર ભારતીય નાગરિક તરીકે આપણે શું કરવું અને શું ન કરવું. આ જવાબદારી નિભાવવામાં જો આપણે અસાવધ રહ્યા તો આ દેશમાં ફરી એક વાર આવી જ પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે. ઇન્દિરા ગાંધી જેવી કે એમની કૉન્ગ્રેસ જેવી કે એમના વારસદારો જેવી મેન્ટાલિટી ધરાવતા લોકોને તેમ જ એ જ પગલે ચાલી રહેલા કેટલાક નાના કે પ્રાદેશિક રાજકીય પક્ષોને સત્તાથી દૂર રાખવામાં જ મતદારોનું હિત છે એ સમજવું અને બીજાઓને સમજાવવું જરૂરી છે. કૉન્ગ્રેસ જેવી જ માનસિકતા ધરાવતા ડાબેરીઓએ ભૂતકાળમાં આ દેશનું અને વર્તમાનમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટલી અને જર્મની સરીખા દેશોનું પણ ધનોતપનોત કાઢી નાખવા કેવા ઉધામા મચાવ્યા તેના આપણે સૌ સાક્ષી છીએ.

(8) 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભારતના ટીન એજર્સ અને યુવાનો ફરી એકવાર દેશના રાજકારણમાં ભરપૂર રસ લેતા થઈ ગયા. સોશ્યલ મીડિયાને કારણે આ યુવા વર્ગના વિચારોને વાચા મળતી થઈ ગઈ. પણ આ વધુ સ્માર્ટ, વધુ બોલકા અને વધુ કામગરા એવા યુવા વર્ગને ખબર જ નથી કે કૉન્ગ્રેસે કઈ રીતે ધાકધમકીલાલચથી નાનામાં નાના ક્લાર્કથી માંડીને મોટા મોટા અફસરો-પોલીસો-જજસાહેબો વગેરેને પોતાના ઘરના નોકરચાકર હોય તે રીતે વાપર્યા છે. ઇન્દિરા ગાંધીએ લાદેલી ઇમરજન્સીના ઇતિહાસની રજેરજની જાણકારી દેશના વિદ્યાર્થીઓ સહિતના તમામ નાગરિકોને હોવી જોઈએ.

(9) દેશનો ગૌરવશાળી ઇતિહાસ સૌએ વાંચવો જોઈએ એ જ રીતે ભારતના ઇતિહાસનાં કલંકિત પાનાં પણ સૌ કોઈએ વાંચવાં જોઈએ. દેશનો ભવ્ય ભૂતકાળ જાણીને જેમ ગૌરવ થાય એ જરૂરી છે એમ આ દેશ સામે ઊભા થયેલા ખતરાઓ વિશે જાણીને સજાગ રહેવું પણ જરૂરી છે. આપણને જેના પર ભરોસો છે તે સંસદ, પોલીસતંત્ર, ન્યાયતંત્ર, સરકારીતંત્ર તથા મીડિયા પર બંધારણની કલમોનો દુરુપયોગ કરીને કેવી રીતે કોરડા વીંઝવામાં આવ્યા એની જાણકારી મળે એ ખૂબ જરૂરી છે, જેથી તમે સમજી શકો કે દેશ જ્યારે લાયક વ્યક્તિઓના હાથમાં હોય છે ત્યારે આ બધાંનું કેવી રીતે સન્માન થાય છે. આજે સંસદને મંદિર માનીને એમાં પ્રથમવાર પ્રવેશ કરતી વખતે એના પગથિયાને માથું અડાડવામાં આવે છે. ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવાને બદલે સરકાર વિરુદ્ધ અપાયેલા આદેશોને પણ માથે ચડાવવામાં આવે છે.

(10) લેફ્ટિસ્ટો અને એમનાં બગલબચ્ચાંઓની માનસિકતા સમજવા જેવી છે. અફઝલ ગુરુ જેવા આતંકવાદીઓની ફાંસી વિરુદ્ધની સુનાવણી માટે (કે ઇવન ગુનેગાર પુરવાર થઈ ચૂકેલી તીસ્તા સેતલવાડની જામીન અરજીની સુનાવણી માટે) સુપ્રીમ કોર્ટ અડધી રાતે બે વાગે દરવાજા ખોલે ત્યારે આ ડાબેરીઓ ભારતના ન્યાયતંત્રની વાહવાહી કરવામાં કોઈ કમી રાખતા નથી. અને ન્યાયતંત્ર જ્યારે અયોધ્યામાં રામ મંદિર બાંધવાનો ચુકાદો આપે, બંધારણની કલમ 370ને રદ કરવાના સરકારના નિર્ણયને બહાલી આપે કે નોટબંધી વિરુદ્ધની અરજીઓ ફગાવી દે ત્યારે આ જ ડાબેરીઓ કહે છે: ‘દેશનું ન્યાયતંત્ર તટસ્થ રહ્યું નથી.’ ત્રાજવાનું પલ્લું પોતાની તરફ નમે ત્યારે જ તટસ્થતા તોળાતી હોય એવું જેમને લાગે છે તેવા ડાબેરીઓની માનસિકતા વિઘટનકારી હોય છે. આ માનસિકતા છેવટે દેશને અંધાધૂંધી તરફ, અરાજકતા તરફ તથા આર્થિક-સામાજિક પડતી તરફ લઈ જાય છે. જેઓ દેશદ્રોહી પુરવાર થાય છે તે સૌની કુંડળી તપાસીશું તો એમની શરૂઆત આવી વિઘટનકારી માનસિકતાથી જ થઈ છે એવું જાણવા મળશે.

* * *

‘પરિશિષ્ટ: 1’માંના સાત મૂલ્યવાન લેખો આ પુસ્તકને યુનિક અને વધુ સમૃદ્ધ બનાવે છે. પુસ્તકનું આ એક જબરજસ્ત પાસું છે. ઇમરજન્સી દરમ્યાન ગુજરાતના રાજકીય આગેવાનોની અને ગુજરાતી અખબારો-પત્રકારોની ભૂમિકા વિશે આપણી ભાષાના છ દિગ્ગજ પત્રકારો-તંત્રીઓએ આ પરિશિષ્ટ માટે પોતાની દીર્ઘ અનુભવસમૃદ્ધ કારકિર્દીમાં ડોકિયું કરીને કૉન્ટ્રિબ્યુશન આપ્યું છે. વિષ્ણુ પંડ્યા, કુન્દન વ્યાસ, દેવેન્દ્ર પટેલ, કીર્તિ ખત્રી, અજિત પોપટ અને વીરેન્દ્ર પારેખ ગુજરાતી પત્રકારોની એ જમાનાની ભવ્ય પેઢીને બિલૉન્ગ કરે છે જેમના મજબૂત ખભા પર આજનું ગુજરાતી પત્રકારત્વ ગૌરવભેર બિરાજે છે. આ પરિશિષ્ટને પુસ્તકમાં અમે ઉમેરી શક્યા છીએ એ ઘટના વાચકોને ઝવેરી બજારમાં અત્તરનું ટેન્કર ઢોળાયા જેવી લાગશે. આ જ પરિશિષ્ટમાં સાતમો લેખ અરુણ જેટલીનો છે જે અંગ્રેજી આવૃતિની પ્રસ્તાવનારૂપે લખાયો છે. પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ભરપેટ ભોજન બાદ સર્વ થયેલા ડિઝર્ટ જેવો અરુણ જેટલીનો લેખ પણ વાંચવાનું ચૂકતા નહીં. ‘પરિશિષ્ટ: 1’ના સપ્તર્ષિઓ વિના આ પુસ્તક ‘સત્ત્વ પબ્લિકેશન્સ’ માટે અને મારા માટે અધૂરું રહ્યું હોત. આ સૌ વડીલોને અમારાં આદરપૂર્વકનાં વંદન.

પુસ્તકના અંતે ‘પરિશિષ્ટ: 2’ માં ભિન્ન ભિન્ન પ્રકારના મુખવાસનો ડબ્બો ખુલ્લો મૂકી દીધો છે. ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત તથા અતિ લોકપ્રિય પત્રકારો-લેખકોના આ પુસ્તક વિશેના અભિપ્રાયોના મુખવાસમાં રહેલાં વરિયાળી, ધાણાની દાળ, અક્કલનું તાળું ખુલી જાય એવાં બનારસી પાન, સુગંધી સોપારી, જીરાગોળી, નમકીન અદરખ તથા લવિંગ-ઈલાયચી વગેરે તમારે માણવાનાં છે. આ દરેક અભિપ્રાયને વાંચીને તમને પુસ્તક વિશે નવો નવો દૃષ્ટિકોણ મળતો જશે. વર્તમાન ગુજરાતી પત્રકારત્વ તથા ગુજરાતી લેખન જેમને કારણે સોળે કળાએ ખીલીને ગુજરાતી વાચકોને રિઝવી રહ્યું છે તેવા આ દરેક લેખક-પત્રકારે સંક્ષિપ્તમાં પુસ્તક વિશે એકદમ સટિક વિશ્લેષણ પેશ કર્યું છે. ભાગ્યેશ જહા (68) અને શરદ ઠાકર (68)થી લઈને લલિત ખંભાયતા (38) અને અંકિત દેસાઈ (35) સુધીના મારા આ તમામ સમકાલીન સાથીઓએ પુસ્તક માટેની પોતાની લાગણીઓને બે હાથે વહેંચી છે જેને કારણે આ પુસ્તકના ઊંડાણમાં અને એના સૌંદર્યમાં ઉમેરો થયો છે. આ સહુ સવાયાઓને હાઈ-ફાઈવ.

ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના લખી આપવા માટે, જેમણે ઇમરજન્સીના દિવસો અનુભવ્યા છે એવા વિદ્વાન ચિંતક, લોકપ્રિય સાહિત્યકાર અને આદરણીય વડીલ ગુણવંત શાહને તથા આમુખ લખી આપવા બદલ યુગ પ્રવર્તક તંત્રી-પત્રકાર તથા લેજન્ડ્‌રી લેખક નગેન્દ્ર વિજયને પ્રણામ. અશોક દવે, જય વસાવડા, પ્રકાશ ન શાહ, ભવેન કચ્છી તથા લલિત લાડે લાડપ્યાર સાથે પોતાનાં મંતવ્ય રજૂ કર્યાં છે. આ સૌ મિત્રોને ઉષ્માભર્યું આલિંગન.

કૂમી કપૂરના આ અદ્‌ભુત પુસ્તકને ગુજરાતીમાં ઉતારવાની યાત્રા દરમ્યાન મને ટાઇપસેટિંગમાં મનીષ કૉન્ટ્રાક્ટરનો અને ભાવિન જોષીનો, પ્રૂફરીડિંગમાં સુબાહુ પરીખનો તથા એડિટિંગમાં અલકેશ પટેલનો સાથ મળ્યો છે. પ્રકાશક કલ્પેશ પટેલ સતત મારી પડખે રહ્યા છે. એ સૌને તથા, પુસ્તકનાં સાજસજ્જા તેમ જ પ્રોડક્શન વિશે સલાહ-સૂચનો આપનારા કાબેલ મિત્રો અપૂર્વ આશર અને કિરણ ઠાકરને, ખાસ જેશીક્રશ્ન.

આ પુસ્તક માટેનો તમારો પ્રતિભાવ-અભિપ્રાય અમને જરૂર મોકલવાનો છે. પુસ્તકમાં જો ક્યાંક ભૂલ જડી આવે તો તરત તેના પ્રત્યે અમારું ધ્યાન દોરશો. નવી આવૃત્તિમાં સુધારી લેવામાં આવશે. હકીકતદોષ કે વિગતદોષ બદલ અમારો કાન પકડશો તો અમે રાજી રાજી થઈને અંગુઠા પકડીશું.

‘ધ ઇમરજન્સી: જાતે જોયેલો અને અનુભવેલો ઇતિહાસ’ પુસ્તક તમારા સુધી પહોંચી જાય અને તમારા મિત્રો-શત્રુઓ પણ તે વાંચે એ જવાબદારી હવે તમારી છે. મેં તો મારું કામ કરી નાખ્યું.

hisaurabhshah@gmail.com
WhatsApp Only- 90040 99112

3 COMMENTS

  1. કોંગ્રેસ મુકત ભારત શા માટે જરૂરી છે જેને સમજણ નથી, એ લોકોએ આ પુસ્તક વાચવુ જોઈએ.

  2. પહેલી આવૃત્તિ અને યોગાનુયોગે લોકમિલાપમાં પહેલો ઓર્ડર પણ મારો હતો.

  3. શ્રી સૌરભભાઈ
    “ધી ઇમરજન્સી” ભાઈ નીરજ (બુક પ્રથા) પાસે આવે તે પહેલાજ તેણે મને જાણ કરી હતી કે આવે છે. પુસ્તક આવ્યું એટલે તરતજ નકલ મને મળી. બેજ દિવસ માં તેમાંથી પસાર થઈ ગયો. અદભુત પુસ્તક. અદભુત ભાવાનુંવાદ / ભાષાંતર. અદભુત ભાષાશૈલી. એ સમયે હું સાત ધોરણ માં અભ્યાસ કરતો હતો. ઘરમાં, શાળા માં દરેક જગ્યાએ એક જ સૂચના આપવામાં આવતી કે ” તોફાન કરશો, ગાળો બોલશો કે કોઈ ને હેરાન કરશો કે ખોટું બોલશો તો પોલિશ પકડી જશે અને જેલ મા પૂરી દેશે. નવનિર્માણ આંદોલન માં પણ એજ ધમકી મળતી. ખરેખર ઇમરજન્સી શું છે તેનો કોઈ અંદાજ એ વર્ષો માં હતોજ નહી, અને અંદાજ આપવામાં પણ નહોતો આવ્યો. અત્યારે જ્યારે આપનું પુસ્તક વાંચ્યું ત્યારે રૂંવાડા ઊભા થઈ ગયા કે આટલો અત્યાચાર? ખરેખર આપડો દેશ સ્વતંત્ર છે કે નહિ? અત્યારની પેઢી એ ઇતિહાસ જાણવો જરૂરી છે. નવી શિક્ષણ નીતિ માં ફરી થી નાગરિક શાસ્ત્ર દાખલ કરવાની જરૂર છે. ( જે ખરા અર્થમાં આપડે હું કે તમે ભણ્યા છીએ) અત્યારની પેઢી ને પોતાના હક્કો શું છે, પોતાની ફરજ શું છે કે અધિકાર શું છે તે અંગેનું કોઈ જ્ઞાન જ નથી. આ પુસ્તક ને ટેક્ષ્ટ બુક તરીકે સમાવેશ કરવો જોઇએ. પ્રથમ આવૃત્તિ મને મળી તે મારું સદભાગ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here