અને હવે બીજી બે મહાન ફિલ્મો:‘મણિકર્ણિકા’ અને ‘ઠાકરે’

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 29 જાન્યુઆરી 2019)

ભારતના જયજયકારમાં પણ જેમને પ્રોપેગેન્ડા લાગતો હોય એવા લોકો ‘ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ જેવી ફિલ્મોને વખોડતા રહે છે. આ શુક્રવારે રિલીઝ થયેલી બીજી બે મહાન ફિલ્મો પણ હવે એમાં ઉમેરાઈ છે: ‘મણિકર્ણિકા’ અને ‘ઠાકરે’. 

સિનેમાએ જગતનું ઘણું ભલું કર્યું છે, હિંદી સિનેમાએ પણ. ભલાની સાથે કેટલુંક બૂરું પણ કર્યું છે. હૉલિવૂડની વૉર ફિલ્મોએ હિટલરને નરરાક્ષસ ચીતરવામાં અતિશયોક્તિ કરી છે. હિટલરે યહૂદીઓનો શા માટે વિરોધ કર્યો, યહૂદીઓએ કેવી રીતે જળોની જેમ ચૂસીને જર્મનીની આર્થિક અવદશા કરી તેના વિશે હૉલિવૂડમાં ફિલ્મો બનતી નથી. ભલે. 

હિંદી સિનેમામાં પાદરી કે મૌલવી નહીં પણ પૂજારી જ બળાત્કારી દેખાડવામાં આવશે. મહર્ષિ નારદ એક જબરજસ્ત પૌરાણિક પાત્ર છે, આદરણીય પાત્ર છે. પણ સાલા હિંદી ફિલ્મવાળાઓએ વિલન જીવનના મોઢે ચાંપલા ઉચ્ચારણોમાં ‘નારાયણ, નારાયણ’ બોલાવીને નાનપણથી જ ભારતીયોના મગજમાં ઠસાવી દીધું કે નારદમુનિ એટલે કોઈ ચુગલીખોર. આવી રીતે હિંદી ફિલ્મવાળાઓ કોઈ ખ્રિસ્તી કે ઈસ્લામિક ધાર્મિક પાત્રને હલકી રીતે બતાવવાની હિંમત તો કરે. ફાડી નાખશે, થિયેટરની સીટો. પણ સહિષ્ણુતાના નામે આપણને દબાવીને રાખવામાં આવ્યા. ભારતના અન્ય ક્ષેત્રોની જેેમ સિનેમા પર પણ ભારતનો અને ભારતીય સંસ્કૃતિનો સર્વનાશ ઈચ્છતા સામ્યવાદીઓની પક્કડ રહી છે. તેઓ પોતાને ‘પ્રોગ્રેસિવ’ અને ‘લિબરલ’ કહેવડાવીને તથા સેક્યુલરવાદની ધજા ફરકાવીને દાયકાઓ સુધી આપણને ગુમરાહ કરતા રહ્યા. વચ્ચે કોઈ એકલદોકલ ફિલ્મ એવી આવી જાય જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો જયજયકાર થતો હોય તો એને વખોડી નાખવામાં આવે, બોક્સ ઑફિસ પર ફલોપ જાય એવી તમામ ચાલબાજી ગોઠવવામાં આવે. 

પણ 2014 પછી આ સામ્યવાદી લોમડીઓની શામત આવી છે. એમની હજારો એન.જી.ઓ.ને તાળાં લાગી ગયાં છે, હજારો કરોડો રૂપિયાનું વિદેશી ફંડિંગ બંધ થઈ ગયું છે. એમની તાકાત ક્રમશ: ઘટી રહી છે જેનો તરફડાટ આપણે રોજ સવારે છાપાંઓમાં અને સાંજે ટીવીની ચર્ચાઓમાં જોઈ રહ્યા છીએ. 

હિંદી સિનેમા પણ હવે સામ્યવાદીઓના પ્રભાવમાંથી બહાર આવીને જેવું હોવું જોઈએ એવું બનવા માંડ્યું છે. હજુ તો વરસનો આ પહેલો જ મહિનો છે અને ચાર અઠવાડિયામાં ચાર-ચાર ફિલ્મો એવી આવી જેમાં ભારતીયતાનો, ભારતીય પ્રજાનો જયજયકાર થયો છે. આ ચારેય ફિલ્મો એકબીજાથી તદ્દન વેગળા વિષયની છે. ‘ઉડી’માં પાકિસ્તાન સાથેના લશ્કરી સંઘર્ષની વાત છે. 

‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં સોનિયાએ કઈ રીતે પૂરા એક દાયકા સુધી ગેરબંધારણીય રીતે બૅકસીટ ડ્રાઈવિંગ કર્યું એની કથા છે. ‘મણિકર્ણિકા’માં 1857ના ગાળામાં કઈ રીતે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોનો સામનો કર્યો તેનો ઈતિહાસ છે અને ‘ઠાકરે’માં બાળાસાહેબ ઠાકરેએ મુંબઈની મિલોમાં વ્યાપી ગયેલા કમ્યુનિસ્ટોના ટ્રેડ યુનિયનોની તાકાત તોડીને સામ્યવાદીઓની રાજકીય તાકાત ખતમ કરી અને આતંકવાદ સામે હિન્દુત્વની કેવી રીતે રક્ષા કરી એની વાત છે. 

આ ચારેય ફિલ્મો લગભગ એકસાથે આવી. કઈ ફિલ્મ જોવી અને કઈ ફિલ્મ વિશે લખવું? આ મૂંઝવણનો એકમાત્ર ઉકેલ હતો કે આ બધી જ ફિલ્મો જોવી અને આ બધી જ ફિલ્મો વિશે લખવું. ફિલ્મના રિવ્યૂમાં લખાય તેથી કંઈક વિશેષ લખવું. જેમ છાપામાં કે પુસ્તકમાં જે છપાય તેના કરતાં બિટ્વીન ધ લાઈન્સ જે વંચાય તેનું મહત્ત્વ વધારે હોય છે એમ આવી ફિલ્મોમાં બે નરી આંખે પડદા પર જે કંઈ દેખાય છે એના કરતાં વધારે મહત્ત્વની બાબત છે હૃદયમાં જે અનુભવાય છે એનું. 

ચારમાંની પહેલી બે ફિલ્મ વિરુદ્ધ એવો અપપ્રચાર હતો કે મારી વરસોની નૉર્મલ રસમ મુજબ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો કે પછી ફર્સ્ટ વીક એન્ડમાં જોવાને બદલે મોડી જોઈ એટલે એના વિશે મોડેથી લખ્યું. ‘મણિકર્ણિકા’ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ અને એ જ દિવસે બેક ટુ બેક ‘ઠાકરે’ મરાઠીમાં જોઈ. ઘણો સરસ દિવસ ગયો. એકાદ દિવસ પછી રહેવાયું નહીં એટલે ‘ઠાકરે’ ફરીથી જોઈ – આ વખતે હિંદીમાં. મન તો થાય છે કે બાકીની ત્રણેય ફિલ્મો પણ હજુ ફરીવાર જોઈ લઈએ. સારા પુસ્તકનું વાંચન કેવી રીતે કરવું એના વિશે અંગ્રેજીમાં કહેવાય છે કે અ બુક શુડ નૉટ બી રેડ, ઈંટ શુડ બી રી-રેડ. એ જ રીતે સારી ફિલ્મોની બાબતે પણ કહી શકાય. જેટલી વાર જુઓ એટલીવાર નવાં નવાં આયામ તમારી સમક્ષ ઊઘડે. 

‘ઉડી’ અને ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ વિશે હજુ લખવું છે. ‘ઉડી’ વિશે વડા પ્રધાનની દૃષ્ટિએ અને ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ વિશે એ ફિલ્મ જેના પરથી બની તે સંજય બારુના પુસ્તકના સંદર્ભમાં. 2014માં આ પુસ્તક પ્રગટ થયું, અને ચર્ચાસ્પદ બન્યું ત્યારે સમ હાઉ ઑર ધ અધર વાંચવાનું મન નહોતું થયું. એક સ્નેહીએ પુસ્તક ભેટ આપ્યું તો પણ મૂકી રાખ્યું. ફિલ્મ જોયા પછી ક્ધિડલ પર ડાઉનલોડ કરીને બે જ દિવસમાં પુસ્તક વાંચી લીધું. ઘણી બધી નોટ્સ કરી છે જે તમારી સાથે શેર કરવાની છે. 

‘મણિકર્ણિકા’ અને ‘ઠાકરે’ આ બેમાંથી કઈ ફિલ્મ વધારે ગમી એવું એક સિનિયર પત્રકાર મિત્રે વૉટ્સએપ પર મને પૂછ્યું ત્યારે મેં જવાબ લખ્યો: મને બંને ફિલ્મો અદ્ભુત લાગી. ‘મણિકર્ણિકા’ એટલા માટે કે એમાં દેખાડવામાં આવેલી ઈતિહાસની ઘણી બધી વાતોથી હું બેખબર હતો અને ‘ઠાકરે’ એટલા માટે કે એમાં દેખાડવામાં આવેલી નજીક ઈતિહાસની ઘણી બધી વાતોથી હું વાકેફ હતો એટલું જ નહીં કેટલીક બાબતોનો તો સાક્ષી પણ હતો. 

આવતી કાલથી, જો ઈશ્ર્વરની કૃપા હશે તો કોઈ વિઘ્ન વિના આ ફિલ્મો વિશેની એક લઘુ શ્રેણી રોેજેરોજ તમને વાંચવા મળશે. 

આજનો વિચાર

ફિલ્મના દિગ્દર્શકને જ્યારે લાગે કે ફિલ્મ ફલોપ જવાની છે ત્યારે એ એમાં એક આયટમ સૉન્ગ નાખી દે છે, કૉન્ગ્રેસ પાર્ટીની હાલત અત્યારે એવી જ છે. 

– વૉટ્સએપ પર વાંચેલું. 

એક મિનિટ!

બકો: મારે કરકસર કરે એવી છોકરી જોડે લગ્ન કરવા છે. 

છોકરી: અત્યારે તમે જે ચા પીધી એમાં નાખેલી ખાંડ નાઈસ બિસ્કિટમાંથી કાઢી હતી!

7 COMMENTS

  1. આ ફિલ્મો ઉપર આપના રીવ્યુ ની આતુરતાથી રાહ જોઈશું

  2. URI is a masterpiece.Manikarnika,could have been better,if song and dance by the Queen were avoided.I remember 3 films,Shaurya,Haider and Mr and Mrs Iyer,in which hindus were shown to be bad people,and muslims as innocent.
    No film has so far been made on torture and genocide of kashmiri pandits.
    And worst of all,all these 3 movies are made by hindus!
    This happens only in India.

  3. Excellent Articles on URI &, ACCIDENTAL PRIME MINISTER. WAITING FOR TFEW MORE JEWELS FROM YOU ON THAKRE AND LAXMIBAI.

  4. Sir, wasI rarely watching movies (Hindi), but probably for the first time I’ll be watching four in series in very short time.. all these four are excellent movies..
    But still, I don’t go for first day, first show.. only reason, they’re jam packed & I can’t tolerate morons around barking on phone or children cracking wafers or popping corns through out the movie.. I prefer usually seeing later when halls are half vacant, then I book morning show with seats in rows well isolated.. ??

  5. સરજી આપના રિવ્યુ વાંચવા માટે રાત-ઉજાગરા કરવા આદત પડી ગઈ છે…એટલે આવા રાષ્ટ્ર વાદ અને દેશદાઝને લગતી હિન્દુ ફિલોસોફી ને બચાવવા માહીતી થી લબાલબ રિવ્યુ ની વણઝાર ચલાવો અમે આતુર છીએ… “મોદી ફીરસે ઈસ બાર” સાંભળવા…
    જય હો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here