કશું જ બહુ વહેલું નથી કશું જ બહુ મોડું નથી : સૌરભ શાહ

 

_( લાઉડમાઉથ : ‘સંદેશ’ , ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ. બુધવાર, 15 જુલાઈ 2020 )_

બે અંતિમો છે : કેટલાક વાચકો કહેતા હોય છે: તમારે તો બસ, રોજ એક લેખ લખ્યો એટલે કામ પતી ગયું, પછી આખો દહાડો નિરાંત!

અને સામે છેડે બીજા કેટલાક પૂછતા હોય છે: દર વખતે નવા વિષયો પર વરસો સુધી સતત કેવી રીતે લખો છો?

હમણાં એક વાચકમિત્રનાં પત્નીએ ભાવથી પૂછયું, ‘લખવાનો મૂડ ન હોય તો તમે શું કરો?’ અમે હસીને જવાબ આપ્યો: ‘લખવામાં મૂડના હોવા વિશે અને મૂડના ન હોવા વિશે લખીએ!’

એમણે પૂછયું, ‘અને વારંવાર લખવાનો મૂડ ન આવે તો?’ અમે કહ્યું, ‘તો પછી શટર પાડીને દુકાન વધાવી લેવી પડે, કાયમ માટે.’

લેખન કોઈ યાંત્રિક પ્રક્રિયા નથી. ફેકટરીની ફર્સ્ટ શિફ્ટ દરમ્યાન આટલું પ્રોડક્શન, સેકન્ડ શિફ્ટ દરમ્યાન આટલું પ્રોડક્શન, લોડ શેડિંગના દિવસે ઑફિસના હિસાબકિતાબ વગેરે આવા કોઈ નિશ્ર્ચિત માપદંડ લેખકના જીવનમાં નથી હોતા. લેખક કોઈ વેપારીની જેમ, ઘરેથી પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો હોય તો પણ ફોન પર ચાર સોદા પાડીને એ દિવસ પૂરતા કમિશન પેટે લાખ રૂપિયા ઘરભેગા કરી શકતો નથી. કે પછી શ્રમજીવીની જેમ દિમાગની બારી બંધ રાખીને આસપાસની તમામ કપરી પરિસ્થિતિને ભૂલી જઈ તનતોડ મજૂરી કરી એ દિવસ પૂરતો પોતાના માટેની અને પોતાના કુટુંબ માટેની રોજી એ કમાઈ શકતો નથી.

લેખક પોતાની ચેતનાને બુઠ્ઠી બનાવી શકતો નથી, જડ બનાવી શકતો નથી. એણે પોતાની સંવેદનશીલતા સાચવી રાખવી પડે છે. રમેશ પારેખ એક કવિતામાં કહે છે એમ એણે ‘તાતા વંટોળીયાની હાજરીમાં ભીની થઈ ગયેલી દીવાસળીથી દીવો પેટાવવાનો હોય છે.’ આમ છતાં એ સંવેદનશીલતા, એ ઈમોશન્સ, લાગણીઓ, એની પાસે લખવાની પ્રવૃત્તિ કરાવવાને બદલે એને કોઈક બીજા જ વિશ્ર્વમાં લઈ જવા માગતી હોય ત્યારે એણે, જે સંવેદનશીલતા પોતાના અસ્તિત્વનો આધાર છે, એને પણ ઘડીભર બાજુએ રાખી કાગળ-કલમની સન્મુખ થવું પડે છે કારણ કે એ લેખક છે. એની સૌ પ્રથમ નિસબત, જેને કારણે એ લેખક ગણાય છે તેની સાથે છે—કાગળ અને કલમ સાથે છે. બધી સંવેદનશીલ વ્યક્તિઓ લેખક નથી હોતી. અને જે લખે એ બધા કંઈ લેખક નથી હોતા.

માનસિક વાતાવરણ સર્જવામાં અને એને ટકાવી રાખવામાં શું અથવા કોણ મદદ કરે? અત્યાર સુધી જીવાઈ ગયેલાં વર્ષો, એ સારા માઠા અનુભવોમાંથી પ્રગટેલી સમજણો, તમારી આજુબાજુનું વાતાવરણ, આસપાસના ગમતા-ન ગમતા માણસો, વાંચન, વિચારપ્રક્રિયા, મંથન — આમાંથી કશુંક ખોરવાઈ જાય ત્યારે ઘડીભર બધું જ અસ્તવ્યસ્ત થઈ જાય. પછી થોડી વધુ મહેનત અને બધું પૂર્વવત્.

લેખનનો વ્યવસાય ભયંકર એકાંતમાં થતી પ્રવૃત્તિ છે. લેખક લખવાનું શરૂ કરે ત્યારે—એનો પહેલો શબ્દ લખાય તે પહેલાં— એની સામે કોરો કાગળ હોય છે. પેન હાથમાં લેતાં પહેલાં જે કંઈ હોય તે બધું ઑલરેડી એના દિમાગમાં હોય છે: થોડુંક સ્પષ્ટ, ઘણું બધું અસ્પષ્ટ. અકથ્ય લાગણીઓ અને ધસમસતા વિચારોના પ્રવાહમાંથી એ એકએક વાક્ય ગોઠવીને કાગળ પર અવતારે છે. આ દુનિયામાં પહેલવહેલીવાર, એના દ્વારા લખાયેલા એ શબ્દોને જન્મ આપે છે. આ શબ્દો માટે બાકીનું વિશ્વ અને વિશ્વ માટે આ શબ્દો નવા છે, કૌતુકભર્યા છે. એમાં રહેલું વિસ્મયતત્ત્વ વાચકને આકર્ષે છે. આ વિસ્મયમાં રહેલું ચુંબકત્વ વાચકને જકડી રાખે છે. અને આ ચુંબકત્વમાં રહેલી પરિપકવતા વાચકને સમૃદ્ધિથી બેઉ કાંઠે છલકાવી દે છે.

ક્યારેક શબ્દો જન્મ પામતાંવેંત મૃત્યુ પામે છે. આમ છતાં એના મૃતદેહો ઈજિપ્તના મમીની માફક વર્ષો સુધી લાઈબ્રેરીઓમાં પુસ્તકોરૂપે સચવાઈને પડ્યા રહે છે. જન્મીને ઝાઝું ન જીવતા એ શબ્દો પુસ્તકોની કબરમાં સચવાય એને બદલે એના અંતિમ સંસ્કાર છાપાંની પસ્તી ભેગા જ થઈ જાય તે સારું. કાગળ પર લખાતા- છપાતા નવ્વાણું ટકા શબ્દો ફાફડા- ચટણીના વસ્ત્ર બનવાને લાયક હોય છે. બાકી રહેતા એક-બે ટકા શબ્દોને કારણે જગતસાહિત્યનો વૈભવ વધે છે. આ શબ્દો સર્જકના શબ્દો હોય છે, જીવતીજાગતી કમલમાંથી આવતા શબ્દો હોય છે.

કન્ટેમ્પરરી ક્લાસિક ગણાતી એરિક સેગલની નવલકથા ‘લવસ્ટોરી’ પછી ત્રીસ વર્ષે એ જ લેખકની આઠમી નવલકથા ‘ઓન્લી લવ’ પ્રગટ થઈ હતી. શીર્ષકમાંના ઓન્લી લવનો ભાવાર્થ ઓન્લી વિમલ જેવો નથી. ઓન્લી લવ એ અર્થમાં કે આપણે અનેક કરતાં વધુ વાર પ્રેમ કર્યા પછી, એક કરતાં વધુ વ્યક્તિને પ્રેમ કર્યા પછી પણ, મનોમન સમજતા હોઈએ છીએ કે હુ વૉઝ/ ઈઝ ધ ઓન્લી લવ ઈન અવર લાઈફ. આ એ ઓન્લી લવવાળી નવલકથા છે. નવલકથાનો ઉપાડ થાય એ પહેલાંના પાને ફ્લોબેરના પત્રમાંથી એક વાક્ય એરિક સેગલે ટાંક્યું છે: ‘જિંદગીનો મોટાભાગનો સમય આ બે વાક્ય કહેવામાં જતો રહે છે: ‘આ તો બહુ વહેલું કહેવાય’ અને પછી ‘હવે તો ઘણું મોડું થઈ ગયું’.

પણ લેખક માટે કશું જ બહુ વહેલું હોતું નથી. કોઈએ હજુ સુધી ન કહ્યું હોય, કોઈએ હજુ સુધી ન વિચાર્યું હોય કે કોઈએ હજુ સુધી ન લખ્યું હોય એવું કહેવા, વિચારવા, લખવા માટે કોઈ પહેલ કરે એની એ રાહ જોતો નથી. બીજાઓ કરતાં વહેલું વિચારી નાખતા લેખકોની ખરી કદર એના મૃત્યુ પછી જન્મેલી નવી પેઢીઓ કરી શકતી હોય છે. જીવતે જીવ અમર થઈ જવાનાં ફાંફા મારતો લેખક છેવટે પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ થઈને ચીડિયો અને ઈર્ષ્યાળુ બની પોતાની સર્જકતા ગુમાવી બેસતો હોય છે. એવા કેટલા બધા દાખલા છે. પોતાનું એકાંત સાચવી શકતો લેખક બધી રીતે સચવાય છે.

કશુંક કહેવા માગતા લેખકને ક્યારેય લાગતું નથી કે હવે ઘણું મોડું થઈ ગયું છે, મારા અગાઉ ઘણા બધા આ વિશે કહી ગયા છે, હવે હું કહી કહીને શું કહું ! જે. કૃષ્ણમૂર્તિએ કહેલું કે ‘મારા દ્વારા બોલાયેલો દરેક શબ્દ મૌલિક છે, કારણ કે મારા દ્વારા એ પહેલવહેલીવાર બાલાયેલો છે.’ બીજાઓ અગાઉ એવું જ કહી ગયા હોય એ શક્ય છે. પણ ગાલિબના શબ્દોમાં કહીએ તો રજૂઆત, અંદાજ-એ-બયાં, વાત કહેવાની રીત—આ બધું જ આગવું, પોતીકું, યુનિક છે. મૌલિક છે.

(કેટલીક વાર બીજાઓના વિચારો ઉઠાવીને કે અન્યના સર્જનની કઢંગી નકલ કરીને પોતાના નામે ચડાવીને ફેમસ થઈ જવાની ખ્વાહિશ ધરાવતા લોકો ‘ આ દુનિયામાં કશું મૌલિક નથી ‘ એવી જુઠ્ઠાડી દલીલ કરીને પોતાનું કૂટી ખાતા હોય છે. ભગવાન એમને સદ્બુદ્ધિ આપે, બીજું શું. )

દુનિયાની દરેક વ્યક્તિ મૂળભૂત રીતે એકલી છે. માણસ એકલો રહેવા જ સર્જાયેલો છે. પોતાના એકાંતમાંથી ક્યારેક બહાર આંટો મારવા જઈ શકાય એ માટે માણસે સમાજની—સોસાયટીની રચના કરી તો ખરી પણ એની આકરી કિંમત એણે ચૂકવવી પડી. પોતાના અમૂલ્ય એકાંતનો સોદો કરીને એ સમાજ પાસે સ્વીકાર, પ્રતિષ્ઠા, હૂંફ મેળવવામાં પડી ગયો. એનું એકાંત વિખરાઈ ગયું, વિસરાઈ ગયું. જે લેખક પોતાનું એકાંત વિખેરાવા દેતો નથી એ લેખકના શબ્દો વાચકના વ્યક્તિગત એકાંતને સ્પર્શે છે અને વાચકનો એ અદૃશ્ય આત્મીયજન બની જાય છે.

નાટક, સિનેમા કે નૃત્ય પરફૉર્મિંગ આર્ટ છે–કોઈની સમક્ષ ભજવવાની કળા છે. આ કળાઓની ભજવણી માટે તેમ જ એના આસ્વાદ માટે એક કરતાં વધુ વ્યક્તિઓની, વ્યક્તિસમૂહની જરૂર પડે છે. લેખન, ચિત્રકામ ઈત્યાદિ પૂર્ણ કળા છે અને પ્યોર આર્ટ છે, એકાંતની કળા છે.
લેખક-ચિત્રકારે નાટક-સિનેમા-નૃત્યના કળાકારોની જેમ પોતાના સર્જન માટે બીજાઓના સર્જન પર આધાર રાખવો પડતો નથી. લોકપ્રિયતા પરફોર્મિંગ આર્ટને વધુ મળે છે, વધુ ઝડપે મળે છે, પરંતુ પ્યૉર આર્ટ વધુ લાંબુ ટકે છે. શાકુંતલ કોણે ભજવ્યું હતું તે કોઈને ખબર નહીં હોય પણ કાલિદાસે લખ્યું હતું એની બધાને ખબર છે. રામાયણની તેમજ મહાભારતની કે શેક્સપિયરનાં નાટકોની ભજવણી હજારો-લાખો લોકોએ કરી. દુનિયાને ભજવનારાઓનાં નામ યાદ છે કે પછી વેદ વ્યાસ, વાલ્મિકી અને તુલસીનાં.

લેખકની, શબ્દના સર્જકની, આંતરિક સંઘર્ષકથા કહેવા માટેની નથી હોતી. એ આંતરિક સંઘર્ષમાંથી નીપજતા સર્જનની સાથે જ ભાવકને નિસબત હોય છે. સર્જનપ્રક્રિયા એટલે માત્ર કાગળ પર શબ્દો ઉતારવાની પ્રક્રિયા નહીં, લેખન તો સર્જનપ્રક્રિયાનો બિલકુલ છેલ્લો તબક્કો થયો. લેખન શરૂ કરતાં પહેલાંનો મનોવ્યાપાર એ જ ખરી સર્જનપ્રક્રિયા. લેખન શરૂ કરતાં પહેલાંનું એનું જીવન અને એ જીવનના એના અનુભવો, એ વિશેનું અને જગત વિશેનું મનોમંથન —એ એની સર્જનપ્રક્રિયા. શબ્દની આ સર્જનપ્રક્રિયાની પીડા, એની ઘૂટન, એ દરમ્યાન વલોવાતો વિષાદ —આ બધું જ લેખકની મૂડી છે, એનો અસબાબ છે. જે શબ્દો વિચારમંથનની ધગધગતી ભઠ્ઠીમાં તપાઈને તૈયાર થયેલા છે‐ ઘડાયેલા છે, તે શબ્દો વાચકને શાતા આપે છે. લેખકની વેદનામાંથી નીપજતું સાહિત્ય ભાવકને પ્રસન્ન બનાવે છે. સર્જકના ફાડી ખાનારા એકાંતમાં પ્રગટેલા શબ્દો વાચકને પોતે ભર્યાભર્યા હોવાનો અહેસાસ અપાવે છે. આ તે કેવો વિરોધાભાસ.

વર્ષોથી દિવસરાત ચાલતી, ચોવીસે કલાક ધમધમતી અનુભવોની ફેક્ટરીના પ્રોડ્કશનરૂપે રોજ એક લેખ લખાય છે. કેટલાક કહેતા હોય છે કે તમારે તો સારું, બસ એક લેખ લખીને મોકલી દેવાનો! અને બીજા કેટલાક પૂછતા હોય છે: ‘રોજેરોજ નવા વિષયો પર કેવી રીતે લખતા રહો છો?’

બેઉ વાતોનો જવાબ મળી ગયો?

*સાયલન્સ પ્લીઝ !*

મારા માટે લખવું એટલે મારી આંગળીઓથી વિચારવું.

*_—આઇઝેક આસિમોવ_*
•• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

11 COMMENTS

  1. અમા ફક્ત તમે લેખક ની વાત કરી. મથાલું જનરલ છે તો જનરલ વાત હોતે તો વધારે આંનદ આવત.

    • Please read the previous part carefully before commenting.
      It’s clearly written in the headline that:
      “ઇમરજન્સીના આતંકનો રેલો કૂમી કપૂરના ઘર સુધી પહોંચી ગયો ”
      Even at very beginning of the piece it is clearly mentioned:
      (હવેનાં કેટલાંક પ્રકરણોમાં લેખિકા કૂમી કપૂર ઇમરજન્સી દરમ્યાન પોતાની જિંદગીમાં બનેલી કેટલીક ઘટનાઓની વાત કરે છે)

      It’s all there in the piece posted on Thursday, 23 July 2020.

  2. લેખન પ્રક્રિયા અને લેખકના મનોવ્યાપર બહુ અસરકારક રીતે વર્ણવ્યા. લેખ ખૂબ ગમ્યો.
    હું તમારા આ લેખના વિચારો સાથે સહમત છું , ઉપરાંત માનું છું કે લેખનને જ આજીવિકા ના બનાવી હોય તેવા ભાવુક, વિચારવંત, પોતાના વિચારોને વ્યવસ્થિત રીતે સમજીને લખી શકતા લોકો પણ લેખનને ન્યાય આપી શકે છે.
    લેખન પણ સર્જન કળા જ છે, તેથી કોઈ પણ કળામાં પારંગત થવા વ્યવસ્થિત અને એકધારા પ્રયત્ન કરવાથી તે વધારે ખીલી શકે છે , પણ કોઈ કોઈ લોકોને કુદરતી કે અલૌકિક પ્રેરણા પણ અમુક સર્જન માટે કારણભૂત બને છે તેવો મને મારા એક મિત્રનો અનુભવ છે.
    તેઓ જીવનના પૂર્વાર્ધમાં ડૉ. હતા અને હાલ નિવૃત છે. ધાર્મિક વાંચન અને પ્રવૃત્તિમાં વધારે ખૂંપેલા રહે છે. તેઓ રાત્રે પોતાના પલંગ પાસે ડાયરી અને પેન રાખી મૂકે છે કારણ કે તેને ઘણી વાર ગમે ત્યારે ઊંઘ ઊડી જાય અને ધાર્મિક સ્તવન, પ્રાર્થના, સ્તુતિ વિ. દોહા કે બીજા કાવ્ય પ્રકારમાં રચાય જે તેવો નોંધતા જાય , તારીખ અને સમય પણ લખે. આવું કોઈ સર્જન તેઓ દિવસના ભાગમાં સજાગ રીતે કરવા પ્રયત્ન કરે તો નથી થતું તેમ તેઓ કહે છે. આ બધી પ્રવૃત્તિ ની ચર્ચા તેમના કુટુંબ કે અમારા પુરતી સીમિત હોય છે , તેથી તેઓ કોઈને પ્રભાવિત કરવા આવું કહે છે કે કરે છે તેવું લાગતું નથી. ઉપરાંત હું તેમના વિચારો અને સ્વભાવથી જાણું છું કે તેમને તેવો કોઈ મોહ નથી. ગમે તે હોય આ તેની સર્જન પ્રક્રિયા છે જે નાના પાયે છે પણ તમારા વર્ણનથી જુદી પડે છે.
    અસ્તુ.

  3. Really very good article. As you say we also think like you but we can’t represent or write in proper manner. Writing of good thoughts or any subject is A blessing of Devi Saraswati & God Ganesh. You are so lucky to get these blessings & sharing with all of us. We pray God to get such Prasadi from you & give you strength to write more & more.

  4. Really very good article. As you say we also think like you but we can’t represent or write in proper manner. Writing of good thoughts or any subject is A blessing of Devi Saraswati & God Ganesh. You are so lucky to get these blessings & sharing with all of us. We pray God to get such Prasadi from you & give you strength to write.

  5. મા સરસ્વતીના આશીર્વાદ આપની ઉપર હમેશાં રહે એવી શુભેચ્છા
    આ કુદરતી બક્ષિસનો ઉપયોગ સામાજિક જાગરુતિ માટે નિર્ભયતાથી કરવો એ ઘણા લેખકોના ગજા બહારની વાત છે
    ચીલો ચાતરીને ચાલવાનું કામ વીરલા જ કરી શકે !!!

  6. લેખક બનતો નથી,અે જનમથી મનમાંજ હોયછે.જે ઈયળની જેમ કોચલા માંથી પતંગિયુ બની બહાર આવે તયારે લેખક તરિકે સવિક્રરીતી પામે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here