લૉકડાઉનના બીજા ફાયદાઓ વિશે થોડીક વાતો

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૮ એપ્રિલ ૨૦૨૦)

લૉકડાઉન ૧૫મી એપ્રિલે ખુલે કે પછી જ્યારે ખુલે ત્યારે, આપણામાં અને આખા દેશમાં ધરખમ ફેરફારો આવવાના છે. લાંબા સમય સુધી ફેક્‌ટરીઓ બંધ રહેવાથી, આવકો બંધ રહેવાથી દેશની આર્થિક પરિસ્થિતિમાં અમુક ગાળા સુધી બદલાવ આવવાનો. પણ જાન બચી તો લાખો પાયે. સર સલામત તો પઘડિયાં બહોત. લૉકડાઉન જેવાં અનેક દૂરંદેશીભર્યાં પગલાં ન લેવાયાં હોત અને ચીન, ઈટલી, સ્પેન, અમેરિકાની ઝડપે ભારતમાં પણ કોરોનાવાયરસ ફેલાઈ ગયો હોત તો? તો આપણામાંથી કે આપણાં સ્વજનોમાંથી કેટલાંક એનો ભોગ બન્યાં હોત અને એમાંના કેટલાંક આ રોગચાળાનો સામનો કરવા માટે શારીરિક રીતે અક્ષમ પુરવાર થયા હોત. આવું થાય એના કરતાં લૉકડાઉનનો ગાળો હજાર દરજ્જે સારો. હજુ એક કહેવત આપણામાં છે. આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા. લૉકડાઉનને કારણે આ દેશની ૯૯.૯૯૯૯ ટકા પ્રજાની દુનિયા ડૂબી નથી ગઈ.

લૉકડાઉનને કારણે પડી રહેલી તકલીફો કે પછી લૉકડાઉનને કારણે ભવિષ્યમાં સર્જાનારી આર્થિક તકલીફોને ત્રાજવાના એક પલ્લામાં રાખીએ અને બીજા પલ્લામાં મૃત્યુને રાખીએ. તકલીફોવાળું પલ્લું ઘણું હલકું હશે. આ વિચાર આપણને અત્યારની અને ભવિષ્યની વિકટ પરિસ્થિતિઓને સહન કરવાનું માનસિક બળ આપે છે અને ભૌતિક બાબતોમાં પણ શક્તિ આપે છે – તંગી કે ઓછપને સહન કરી લેવાની શક્તિ. તકલીફો હંમેશાં કંઈક શીખવાડે છે, જો એમાંથી પાઠ લેવાની દાનત હોય તો. સાદગી, કરકસર અને સંયમ – આ ત્રણેય આપણી સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલાં ગુણો છે.

પશ્ચિમની દેખાદેખી કરીને આપણે ત્યાં કન્ઝ્યુમર કલ્ચર આવ્યું. કમાણી કરતાં પહેલાં ખર્ચ કરી નાખવામાં આપણે ક્યારેય માન્યું નથી પણ ક્રેડિટ કાર્ડ તથા ઈએમઆઈનું કલ્ચર અહીં પણ ઘૂસી ગયું. બાય ધ વે, દેવું કરીને પણ ઘી પીવું એવા મતલબનો ચાર્વાક મુનિનો શ્લોક આપણને ઊંઠાં ભણાવવા માટે ટાંકવામાં આવે છે. સંસ્કૃતના કોઈ જ્ઞાની પંડિતને પૂછશો તો ખબર પડશે કે આ શ્લોકમાં મુનિ દેવું કરવા માટે પ્રોત્સાહન નથી આપતા પણ એમણે ઘીનું મહત્વ આપણા ખોરાકમાં કેટલું બધું છે, શરીર માટે એ કેટલું ઉપયોગી છે એનું મહાત્મ્ય આ શ્લોકમાં દર્શાવ્યું છે. દેવું કરીને જલસા કરો એ અર્થઘટન આપણા મગજમાં ખોટું ઘૂસાડવામાં આવ્યું છે. ઘીની આવશ્યકતા શરીર માટે એટલી બધી છે કે જો ઘી ખરીદવા માટેના પૈસા ન હોય તો દેવું કરીને પણ ઘી ખોરાકમાં લેવું જેથી શરીર બળવાન બને અને કામ કરવાની ક્ષમતામાં વધારો થાય – સાચું અર્થઘટન આ છે.

પશ્ચિમની હેડૉનિસ્ટ એટલે કે ભૌતિકવાદી–સુખવાદી સંસ્કૃતિનાં દૂષણો આપણે લૉકડાઉન દરમ્યાન જોઈ શક્યા. મૉલમાં આંટા માર્યા વગર આપણે સુખેથી જીવી શકીએ છીએ. મલ્ટીપ્લેક્‌સમાં ટિકિટના ભાવ કરતાં મોંઘાં પૉપકૉર્ન-કોલ્ડ ડ્રિન્ક્‌સ વિના મોજથી જીવી શકીએ છીએ. મોંઘી રેસ્ટોરાંમાં જે વાનગીઓ મળે છે તેના દસમા ભાગના ખર્ચે એવી જ વાનગીઓ ઘરે બની શકે છે એનો સાક્ષાત્કાર આ લૉકડાઉનમાં થઈ રહ્યો છે. સદા ખિસ્સામાં રહેતું પાકીટ અત્યારે કબાટમાં છે. આ વૉલેટમાંથી ભાગ્યે જ કંઈ ખર્ચાય છે. કોરોનાના ડરથી એસી બંધ છે. એસીની જરૂર પણ નથી. ગરમી લાગે તો પંખો છે અને બારીઓ ખુલ્લી રાખી દેવાથી પ્રદૂષણરહિત હવા ઘરમાં આવે છે.

લૉકડાઉનનો આ એક મોટો આડફાયદો થયો. હવા કેટલી તાજી થઈ ગઈ. શહેરોમાં ટ્રાફિક શૂન્યવત્‌ છે. ફેક્‌ટરીઓથી થતું પ્રદૂષણ નથી. પંજાબના જલંધરથી સવા બસો કિલોમીટર દૂર એવી કાશ્મીરની પીર પંજાબની પર્વતમાળા તથા શિવાલિકની પહાડીઓ દેખાય છે એવો ફૅક્‌ટ ચેક કરેલો જેન્યુઈન ફોટો ટ્‌વિટર પર તરે છે. ઘરમાં જ હિલ સ્ટેશન જેવી તાજી ક્રિસ્પ હવા મળતી થઈ ગઈ છે.

પણ આ બધું કાયમ માટે રહેવાનું નથી. લૉકડાઉનની તકલીફો કાયમ માટે નથી રહેવાની. લૉકડાઉન પછી આવનારા આર્થિક પડકારો કાયમ માટે રહેવાનાં નથી. પ્રદૂષણમુક્ત વાતાવરણ પણ કાયમ માટે રહેવાનું નથી.

પર્યાવરણને કેવી રીતે સચવાય એ આપણે પશ્ચિમ પાસેથી શીખવાનું નથી. પર્યાવરણનાં પાંચેય પ્રમુખ ઘટકોને આપણે વેદકાળથી પારખ્યાં છે, પૂજનીય ગણ્યાં છે. આ પંચ મહાભૂતોની તાકાત આપણે ઓળખી છે – બાકીની દુનિયા ઓળખે એ પહેલાં. માટે વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવતી વિદેશી તાકાતો આપણને એન્વાયર્મેન્ટ વિશે જે પટ્ટી પઢાવે તેને અનુસરવાને બદલે આપણે આપણી પરંપરા મુજબ જીવવાનું હોય અને રાષ્ટ્રના વિકાસમાં પણ સહભાગી બનવાનું હોય.

ગંગા-યમુના સહિતની અનેક નદીઓમાં ફેક્‌ટરીઓનું પ્રદૂષિત પાણી છોડવાનું બંધ થાય એવી અનેક સરકારી યોજનાઓનાં શુભ પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે. સાથોસાથ એ પણ સમજવાની જરૂર છે કે જ્યાં અનિવાર્ય હોય ત્યાં વૃક્ષો કાપવાં જ પડે. કાપેલાં વૃક્ષોની દસગણી સંખ્યા જેટલાં વૃક્ષો બીજી જગ્યાએ વાવી શકાય છે. અત્યારે તમે જે ઘરમાં રહો છો તે જમીન પર એક જમાનામાં વૃક્ષો હતાં. અત્યારે બીજા કોઈને રહેવા માટે મકાનો બાંધવાં હોય ત્યારે તમે તમારા ઘરને સલામત રાખીને વિરોધ કરો કે ના, ત્યાં વૃક્ષો નહીં કપાવા જોઈએ તો તમારા જેવું સ્વાર્થી બીજું કોઈ નહીં. તમને ચાલવા માટે, તમારાં વાહનો હાંકવા માટે, એક ગામથી બીજે ગામ ધંધો-નોકરી કરવાની સગવડ મળે તે માટે જે રસ્તાઓ, મહામાર્ગો, રેલમાર્ગો કે એરપોર્ટ બન્યાં તે વૃક્ષો કાપીને જ બન્યાં. તમારા પછી બીજા લાખો-કરોડો લોકો આ દુનિયામાં જન્મ્યા છે. તમને જે સગવડો મળી તે બધી એમને પણ આપવાની છે. એમના માટે અત્યારના રસ્તા વગેરે નાના કે ઓછા પડે તો નવા બાંધવાના છે. તે વખતે તમે પર્યાવરણવાદીનું પહેરણ બનીને વચ્ચે કૂદી પડો કે ના, ના આ ઝાડ નહીં કપાય તો તમારા જેવું સ્વાર્થી બીજું કોણ હશે?

પ્રદૂષણરહિત લૉકડાઉન પિરિયડને માણીએ જરૂર પણ સાથે એટલુંય વિચારીએ કે આ પ્રદૂષણ શું કામ નથી? ટ્રાફિક બંધ છે, ફેક્‌ટરીઓ બંધ છે, કામકાજ બંધ છે એટલે પ્રદૂષણ નથી. નક્કી આપણે કરવાનું છે કે આપણને શું જોઈએ છે? આખી જિંદગી લૉકડાઉન રહે અને પ્રદૂષિત વાતાવરણમાંથી મુક્તિ મળે એ જોઈએ છે? કે પછી દેશ ધમધમતો થઈ જાય, સૌની રોજીરોટી ચાલુ થઈ જાય, ચીજવસ્તુઓનાં ઉત્પાદનો શરૂ થઈ જાય અને અને દેશ ફરી એકવાર દુનિયાની સૌથી મોટી આર્થિક સત્તા બની જાય એવું ભવિષ્ય આપણને જોઈએ છે?
પીર પંજાબની ભવ્ય શિખરમાળા જલંધરથી દેખાતી બંધ થઈ જશે તો અગાઉની જેમ કાશ્મીર જઈને એનું સૌંદર્ય માણી લઈશું. બરાબર?

સાયલન્સ પ્લીઝ

ઇતિહાસ યાદ રાખશે
પાંચમી એપ્રિલને
જ્યારે આખું જગત ડગમગતું હતું
ત્યારે ભારત ઝગમગતું હતું.

—વૉટ્સએપ પર વાંચેલું

17 COMMENTS

  1. સુંદર
    તકલીફો આપણને વાસ્તવિક પરિસ્થિતિ માં જીવતા શીખવાડે છે.

  2. બધી પરિસ્થિતિ ને માણો. સરસ બહુજ સરસ ? ? ?

  3. આપના લેખો ધણાજ સુંદર ને જરુરી બાબતોની તરફદારી કરનાર હોય છે. જાણવા જેવી ઘણી બાબતો જાણવા મળે છે ને છીછરી માનસિકતા છોડવાની આડકતરી સલાહ પણ મળે છે જે જરૂરી પણ છે. પણ મને અહીં એ સમજ નથી પડતી કે જે લોકો તમારા આ લેખો ગુજરાતીમાં વાંચી શકતા હોયછે તેઓ અંગ્રેજીમાં અભિપ્રાય શા માટે આપે છે?

  4. સરસ લેખ
    કાલિદાસ વ.પટેલ (વાગોસણા)

  5. Dear Saurabh sir

    I am karan bhavsar. Student of economics. I learn too good moral values & ethics about life. God bless you sir & your family.

    And best wishes for your carrer.

  6. Superb as ever! કોઈ પણ પ્રકારના શબ્દાડંબર વગર જ વ્યવહારુ થવાની વાત સમજાવી દીધી એ પણ loss minimisation ના પાઠ સાથે… ????

  7. Really Very Nice Message to All Live Generation’s Old – Middle – Young I love to Read your Message you always write on Current Topics
    Thanks once again for Message

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here