અયોધ્યામાં રામજન્મભૂમિનો વિવાદ ઉકેલવા મોદી સરકારે વટહુકમ બહાર પાડવો જોઈએ કે નહીં

ગુડ મોર્નિંગસૌરભ શાહ

1989માં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ અયોધ્યાના બાબરી ઢાંચાની જગ્યામાં રામમંદિર બાંધવા માટે શિલાન્યાસ કરવાની અનુકૂળતા કરી આપી. ધારો કે 1989માં રાજીવ ગાંધીએ જ કે 1992માં એમના અનુગામી કૉન્ગ્રેસી વડા પ્રધાન નરસિંહ રાવે બાબરી ઢાંચાની જગ્યાએ, એને ધ્વસ્ત કરીને, આપણને જેવું જોઈએ છે એવું ભવ્ય અને વિશ્ર્વનું સૌથી રૂપાળું એવું રામમંદિર બાંધવા દીધું હોત તો શું તે વખતે દેશમાં જે એન્ટી-હિન્દુ તત્ત્વો હતાં તે સૌ કાબૂમાં આવી ગયાં હોત? સેક્યુલરો, લેફ્ટિસ્ટો, એમની એન.જી.ઓ. તથા દેશદ્રોહી વિચારધારામાં મહાલતા ઍકેડેમિશ્યનો, ઈતિહાસકારો વગેરેની સાન ઠેકાણે આવી ગઈ હોત. હ્યુમન રાઈટ્સના મામલે કાશ્મીરમાં તેમ જ બીજી ઘણી જગ્યાઓએ ઉંબાડિયાં કરતી એમ્નેસ્ટી ઈન્ટરનૅશનલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચૂપ થઈ ગઈ હોત? રામમંદિર બની ગયા પછીનાં વર્ષોમાં, 2002માં જે ગોધરા હિન્દુ હત્યાકાંડ સર્જાયો એ પછી તિસ્તા સેતલવાડ જેવી એન.જી.ઓ.ની બહેનજીઓએ તેમ જ સેક્યુલર ટીવી/ પ્રિન્ટ મીડિયાના બદમાશ જર્નલિસ્ટોએ આતંક મચાવવાને બદલે ડાહ્યાડમરા થઈને, અત્યારે (યુ-ટર્ન મારનાર) અર્નબ ગોસ્વામીની જેમ હિંદુ પ્રજાને અન્યાય ન થાય એવું રાષ્ટ્રપ્રેમી રિપોર્ટિંગ તથા વિશ્ર્લેષણ કરતા થઈ ગયા હોત? મેધા પાટકરે વિદેશી ફંડ મેળવીને નર્મદા યોજના વિરુદ્ધ જે તદ્દન જુઠ્ઠી, બનાવટી અને દેશનું અબજોનું નુકસાન કરતી ચળવળો ચલાવી તે શું 1992માં રામમંદિર બની ગયું હોત તો ન ચલાવી હોત?

અયોધ્યામાં રામજન્મભૂમિ પર બંધાયેલા મંદિરને તોડીને બાબરના નામે સોળમી સદીમાં વિધર્મીઓએ જે સ્થાન ઊભું કર્યું તે ભારતની પ્રજાને હરગિજ મંજૂર ન હોઈ શકે. 1949માં એ જગ્યામાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ તેની સાથે જ એ જગ્યા પ્રાર્થના સ્થળ તરીકે વિધર્મીઓ માટે હરામ બની ગઈ અને 1949 પછી ત્યાં કોઈ દિવસ નમાઈ પઢાજ પણ નથી. 1992ની 6ઠ્ઠી ડિસેમ્બરે જે ધ્વસ્ત થઈ તે ઈમારત બાબરી મસ્જિદ નહોતી પણ માત્ર એક જર્જરિત વિવાદાસ્પદ ઢાંચો હતો. મસ્જિદ તો 1949માં જ નૉન-ફંક્શનલ થઈ ગઈ હતી. રામજન્મભૂમિ પર રામમંદિર બાંધવાનો હિન્દુઓને અબાધિત અધિકાર છે. આવતા એક હજાર વર્ષ સુધી યુનોમાં કાશ્મીર વિવાદનો ઉકેલ નથી આવવાનો. એ જ રીતે સુપ્રીમ કોર્ટમાં પડેલા રામજન્મભૂમિને લગતા દાયકાઓ જૂના કેસનો પણ સ્પષ્ટ ઉકેલ ક્યારેય નથી આવવાનો. લખી રાખજો આ વાત. ‘સ્પષ્ટ’ ચુકાદો ક્યારેય નહીં આવે. કોર્ટ ક્લિયર કટ ક્યારેય નહીં કહે કે આ જગ્યા પર મૂળ મંદિર બંધાયેલું હતું એટલે મંદિર જ બનવું જોઈએ. કોર્ટ ક્યારેય ક્લિયર કટ એવું પણ નહીં કહે કે જે બાબરી ઢાંચો તોડવામાં આવ્યો તેમાં અગાઉ મસ્જિદ ફંક્શનલ હતી એટલે મસ્જિદ જ બંધાવી જોઈએ. કોર્ટ ક્યારેય આ બેમાંથી કોઈ એક ચુકાદો ગળું ખોંખારીને નહીં આપે. અગેન, લખી રાખજો.

પર્સનલી માનું છું કે આ કામ કોર્ટનું છે જ નહીં અને ખુદ કોર્ટે અનેક બાબતોમાં પુરવાર કર્યું છે કે આ બાબતમાં માથું મારવાનું એનું ગજું છે પણ નહીં. પાંચ-પંદર ડાહ્યા માણસો (વાંચો સેક્યુલર માણસો) પોતાના પદને કારણે હિન્દુ આસ્થા, પરંપરા અને ધર્મની વ્યાખ્યાઓ કેવી રીતે કરી શકે.

આ સંજોગોમાં બીજા બે જ વિકલ્પો બચે છે: કાં તો સરકાર વટહુકમ લાવીને મંદિરનું નિર્માણ શરૂ કરવામાં નડતી તમામ બાધાઓ દૂર કરે. કાં પછી સર્વ પક્ષોની સંમતિ કે બહુમતી મેળવીને સંવાદ-સૌહાર્દથી રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરે, અને જે જગ્યાની આસપાસ કેટલાય કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલી મસ્જિદો અવાવરુ પડેલી છે, કોઈ ત્યાં નમાજ પઢવા જતું નથી તેવી જગ્યા પર મસ્જિદ બાંધવાને બદલે લખનઊ જેવામાં એક ભવ્ય મસ્જિદ બાંધે.

સરકારે વટહુકમ લાવવો જોઈએ એવી માગણી અત્યારે જોર પકડી રહી છે. હું માનું છું કે આવો કોઈ વટહુકમ જો લાવવામાં આવશે તો અત્યારે જે શાંત પડી ગયો છે તે વિખવાદ પાછો ઉખેળાશે. વિસંવાદ વધશે. હું એ પણ માનુું છું કે મોદી ક્યારેય આવો વટહુકમ લાવવાનું પસંદ નહીં કરે. શિવસેના કે ઈવન આર.એસ.એસ. ઊંધે માથે પટકાઈને માગણી કરશે તો પણ મોદી આવી બેહૂદી માગણીને વશ નહીં થાય.

આ પ્રશ્ર્નનું કાયમી નિરાકરણ બેઉ કે લાગતાવળગતા બધાય પક્ષોની સર્વસંમતિ કે બહુમતીથી આવે તે જ આપણા હિતમાં છે અને આપસી સમજૂતી અલમોસ્ટ થઈ ચૂકી છે. અલમોસ્ટ. મુસ્લિમો જે જગ્યા પોતાની હોવાનો દાવો કરે છે શિયા મુસ્લિમોની છે અને જેમની માલિકીની છે તે સંસ્થાએ સુપ્રીમ કોર્ટને લખીને આપ્યું છે કે પોતે આ દાવો જતો કરે છે. શિયાઓએ જ લખનઊમાં મસ્જિદ બનાવવી જોઈએ, અયોધ્યાની રામજન્મભૂમિની જગ્યાએ નહીં, એવી પ્રપોઝલ મૂકી છે. સુન્ની મુસ્લિમોનું એક જૂથ માન ન માન મૈં તેરા મહેમાનની જેમ થર્ડ પાર્ટી તરીકે આ વિવાદમાં જોડાયું છે. આમાંના કેટલાક કટ્ટરવાદીઓ બેગાની શાદીમાં પધારેલા દીવાના અબ્દુલ્લાની જેમ કૉન્ગ્રેસી બૅન્ડ જે ધૂન વગાડે છે તેના પર નાચી રહ્યા છે. આ કેટલાક લોકોને નજરઅંદાજ કરીને સમજૂતી થઈ શકે છે અને તે જલદીથી થવાની જ છે.

પણ અત્યારે આપણે ખોટી ઉતાવળ કરી રહ્યા છીએ. રામમંદિર આપણી શ્રદ્ધા, આસ્થાનું પ્રતીક છે અને એના કરતાં વધારે એ હિન્દુઓની પરંપરા અને સંસ્કૃતિની રખેવાળીનું પ્રતીક છે. આ પરંપરાની અને સંસ્કૃતિની 2002થી 2014 દરમ્યાનના તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એમના શાસન હેઠળના પ્રદેશ ગુજરાતમાં જેટલી જાળવણી કરી છે એટલી કરી છે બીજા કોઈએ? 2002 પછી અપવાદરૂપ છમકલા સિવાય ગુજરાત બિલકુલ શાંત રહ્યું છે એટલું જ નહીં, ઉત્તરોત્તર સમૃદ્ધ બનતું ગયું છે જેનો લાભ હિન્દુ-મુસ્લિમ દરેકને એકસરખો મળ્યો છે. ડિટ્ટો 2014 પછીનું ભારત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજમાં મુંબઈમાં ક્યારેય માર્ચ 1996 જેવા સિરિયલ બૉમ્બબ્લાસ્ટ નથી થયા, ટ્રેનમાં કે ફાઈવસ્ટાર હૉટેલમાં આતંકવાદી પ્રવૃત્તિઓ નથી થઈ. તિસ્તા સેતલવાડો અને રાજકીય સરદેસાઈઓ તથા બરખા દત્તો કાં તો અંધારામાં ખોવાઈ ગયા છે કાં તેઓ તદ્દન સાઈડ લાઈન થઈ ગયા છે. મીડિયાનાં સેક્યુલર તત્ત્વોની તાકાત 2002નાં ગુજરાત રમખાણો બાદ જેટલી હતી તેના દસમા ભાગની પણ નથી રહી. અને માઈન્ડ વેલ, આ બધું મોદીએ અયોધ્યામાં રામમંદિર બાંધ્યા વિના અચીવ કર્યું છે.

ભારતનો સાચો ઈતિહાસ લખાઈ રહ્યો છે. રામચન્દ્ર ગુહા જેવા અનેક સેક્યુલર ઈતિહાસકારો બહુ જલદી કાળની ગર્તામાં ધકેલાઈ જવાના, રોમિલા થાપડની જેમ. બહુ જલદી આપણી નવી પેઢી સ્કૂલ-કૉલેજોમાં ભારતીય હોવાનું ગૌરવ વ્યક્ત કરતાં પાઠ્યપુસ્તકો ભણશે. યોગ અને આયુર્વેદ દ્વારા વિદેશી કંપનીઓ તથા મલ્ટિનેશનલોને ધ્રુજાવી શકાય છે એવી કલ્પના પણ તમે ક્યારેય કરી હતી? વેલેન્ટાઈન્સ ડેની જેમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયા ઉજવતી થઈ જશે એવું સ્વપ્નેય આપણે વિચાર્યું હતું? હિન્દુત્વને ગાળો આપતા હવે સેક્યુલરોને પણ ડર લાગે છે. કૉન્ગ્રેસના રાજમાં જે બેફામ રીતે સેક્યુલરો ભારતની પરંપરાને વગોવ્યા કરતા એવું નથી કરી શકતા. અરે ખુદ કૉન્ગ્રેસી નેતાઓ અને એમના બગલબચ્ચાઓ મંદિરોનાં, તીર્થસ્થાનોના દર્શને જઈ જઈને ફોટા પડાવતા થઈ ગયા છે. જનોઈ અને ધોતિયાં પહેરતા થઈ ગયા છે. અગાઉ તેઓ માથે વાટકા ટોપી પહેરતા ત્યારે જ ફોટા પડાવતા. વાતાવરણ બદલાયું છે અને તે પણ રામમંદિરનું નિર્માણ કર્યા વિના.

આપ સમજો છો હું શું કહેવા માગું છું? અયોધ્યાનું રામમંદિર જેનું પ્રતીક છે તે હિન્દુ સંસ્કૃતિની રખેવાળી ઑલરેડી થઈ રહી છે – એન્ટી હિન્દુ એલીમેન્ટ્સને ક્ધટ્રોલ કરીને. આ એક બહુ મોટી વાત છે અને આ વાતાવરણ સર્જાયું તેના કેન્દ્રમાં એક જ વ્યક્તિ છે જેને આપણા જેવા કરોડો ભારતીયોનો સાથ છે. અયોધ્યામાં રામમંદિર બાંધવાના મુદ્દે કોન્ટ્રોવર્સી ઊભી કરીને અત્યારે સર્જાયેલા પ્રો-હિન્દુત્વ, પ્રો-ભારતીય વાતાવરણને ડહોળી ના નાખીએ એટલું જ મારું કહેવું છે. 2014 પછી ભારતીય પરંપરાના સંવર્ધન માટે, એની સુરક્ષા માટે જેટલું કામ થયું છે એટલું અગાઉ ક્યારેય નથી થયું. સુપ્રીમ કોર્ટના બે-પાંચ સબરીમાલા-ફટાકડા જેવા ચુકાદાઓથી બહુ અકળાઈ જવાની જરૂર નથી. આવા ચુકાદાઓ માટેનો રોષ સમજી શકાય એવો છે. બિલકુલ વાજબી પણ છે, પરંતુ આ બધા ચુકાદાઓ કાલાંતરે ભૂંસાઈ જવાના. અત્યારે દેશમાં સાડાચાર વર્ષથી જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે એમાં ઉછેર પામનારા ભવિષ્યના બ્યુરોક્રેટ્સ (આઈ.એ.એસ. અધિકારીઓથી માંડીને આઈ.પી.એસ. કેડરના અફસરો સુધીના સૌ કોઈ) તથા અદાલતોના જજસાહેબો, મીડિયાકર્મીઓ વગેરે સમજવાના છે કે ભારતીય સંસ્કૃતિનું રખોપું કેવી રીતે થાય. તમામ એન્ટી-ભારતીય એન.જી.ઓ. ક્રમશ: ન્યુટ્રલાઈઝ થઈ રહી છે, સેક્યુલરવાદીઓની નસબંધી થઈ રહી છે, ડાબેરીઓ નપુંસક બની રહ્યા છે. આ દેશ વિરોધી તત્ત્વો ક્રમશ: અનએમ્પ્લોયડ બની રહ્યા છે.

રામમંદિરના નિર્માણ વિના જ આ બધું થયું છે. સૌથી મોટું મહત્ત્વ દેશમાં આવું પ્રો-હિન્દુ વાતાવરણ સર્જવાનું છે. આ કાર્ય રામમંદિરના નિર્માણ કરતાં વધારે મોટું, વધારે કપરું અને વધારે અટપટું છે, જે દિવસરાત એક કરીને મોદી કરી રહ્યા છે, આપણા સૌના સાથ-સહકાર વિના તેઓ આ કાર્ય ન કરી શક્યા હોત પણ આગેવાની એમણે લીધી છે, પહેલ એમણે કરી છે, પોતાનું મસ્તક હાથમાં લઈને નીડરતાભેર એમણે આ રસ્તે ડગ માંડ્યા છે.

રામમંદિર બનશે, ત્યાં જ બનશે અને વર્તમાન પ્રધાનમંત્રી જ ત્યાં પહેલીવહેલી ભગવી ધજા ફરકાવશે. ધીરજ રાખીએ. ધીરજ રાખવામાં કશું ખાટું-મોળું થઈ જવાનું નથી, કારણ કે અત્યારે દેશમાં જે કામ થઈ રહ્યું છે તે અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિર જેવું એક એક ભવ્ય મંદિર દેશના પ્રત્યેક જિલ્લામાં બનાવવાનું હોય એવું ભગીરથ કાર્ય છે. આ કામ એક પવિત્ર યજ્ઞ છે. આપણા જ યજ્ઞના હવનમાં હાડકાં નાખવાનું અપવિત્ર કામ આપણાથી ના થાય.

આજનો વિચાર

શરમને લીધે નો’તો કહી શક્યો કે તમે ગઈ દિવાળીએ આપેલી શુભકામનાઓથી મારું કાંઈ ભલું થયું નથી. તો આ વખતે રોકડા મોકલો, જોઈએ કંઈ ફરક પડે છે કે નહીં.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

પકો: આજે સ્વામીજીએ કથામાં કહ્યું કે પાંચ તત્ત્વો પર કાબૂ મેળવો: કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર.

બકો: પાંચ નહીં, સાત તત્ત્વો પર કાબૂ મેળવવો જોઈએ: કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, વૉટ્સએપ અને ફેસબુક.

( મુંબઇ સમાચાર : સોમવાર, 5 નવેમ્બર 2018)

9 COMMENTS

  1. Saurabh shah vechai Gaya 6!ram mandir no muddo ubho karvani na pade 6 karnke saheb need nuksan that evu 6..hindutva and modi mathi ek choce karvani hati..saurabh e modi ne chose karya..

  2. અમુક લોકો રામ મંદિર ના મુદ્દે ખૂબજ અધીરા થઈ ગયા છે. તેમના મતે કેમેય કરી ને રામ મંદિર નું નિર્માણ શુરું થયજ જવું જોઈએ પરંતુ આ વાત એકદમ સરળ નથી. જો રામ મંદિર નું નિર્માણ શ્રી મોદીજી અને ભાજપ નહીં કરાવી શકે તો બીજો કોઈ પણ પક્ષ નહીં કરાવી શકે, માટે શ્રી મોદીજી પર વિશ્વાસ રાખવાની જરૂર છે. મને એમ લાગે છે કે 2020 ની દિવાળી નૂતન અને ભવ્ય રામ મંદિર માં ઉજવાશે. જય શ્રી રામ !!!!!

    • સાચી વાત છે. સર્વપ્રથમ તો રાજકીય સત્તા પર હિન્દુઓની પકડ મજબૂત થવી જરૂરી છે. પોતાની જાતને આધુનિક અને ઉદારવામતવાદી સાબિત કરવાની ધૂનમાં રાચતા હિન્દુ નેતાઓ સેકુલારીઝમ ના આંચળા હેઠળ વાસ્તવમાં મુસ્લિમ/ખ્રિસ્તી પરસ્ત થઈ ગયા અને હિન્દુઓના હાથમાંથી રાજકીય સત્તા પરનું વર્ચસ્વ જતું રહ્યું. તેથી પહેલી પ્રાથમિકતા હિન્દુઓનું રાજકીય વર્ચસ્વ પ્રસ્થાપિત કરવાનું હોવું જોઈએ. અને હિંદુઓમાં અક્કલ હોય તો હાલમાં અસ્તિત્વમાં છે એ જ લોકશાહી પદ્ધતિથી એ સ્થાપિત થઈ શકે છે.

  3. જે આ ચાર વર્ષમાં મેળવ્યું છે તે અધીરા થઈને ખોઈ ના બેસીએ એજ પ્રભુ શ્રી રામ ને પ્રાર્થના. આજકાલ રામ મંદિરના વિરોધીઓ હિંદુઓને એવી દલીલ કરીને ભ્રમિત કરી રહયા છે કે બીજેપી કેટલો સમય રામ મંદિર રામ મંદિર કર્યા કરશે? મંદિર બનાવતી કે નથી ? હીન્દુ ઓએ આવી દલીલોથી ભ્રમિત ન થતા વિચારવું જોઈએ કે શું બીજેપી સિવાય કોઈ પક્ષ ખુલ્લેઆમ કોઈ જો તો વળી શરત લગાવ્યા વીના એજ સ્થળે રામ મંદિર બાંધી આપવાની ખાતરી/વચન આપે છે? આવા લોકોને કહેવું જોઈએ કે રામ મંદિરનો જાહેર કે છૂપો વિરોધ બંધ કરો અને રામ મંદિર બની જવા દો એટલે બીજેપી ને રામ મંદિર નો જપ કરવાની તક નહીં રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here