હરદ્વાર ડાયરી— પૂર્વભૂમિકા : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ફાગણ વદ આઠમ, વિક્રમ સંવત ૨૦૭૮. શુક્રવાર, ૨૫ માર્ચ ૨૦૨૨)

એક બહુ મઝાની વાત બનવા જઈ રહી છે અંગત જિંદગીમાં. બરાબર એક અઠવાડિયા પછી, આવતા શુક્રવારની પહેલી એપ્રિલે હું હરદ્વારમાં હોઈશ. સ્વામી રામદેવના સાંન્નિધ્યમાં પૂરા 50 (પચાસ) દિવસ રહેવાનું આયોજન કર્યું છે. આ દોઢપોણા બે મહિના જેટલા સમયમાં મનની અને તનની બાબતમાં ઘણું મોટું પરિવર્તન આવશે એવી આશા સાથે જઈ રહ્યો છું.

હાલની તારીખે મનની કે તનની બેમાંથી કોઈ બાબતે ગાડીને રિપેર માટે ગૅરેજમાં આપવાની જરૂર નથી. પણ સો વર્ષ જીવવું હોય તો બાકીનાં ૩૮ વર્ષમાં એન્જિન ખોલવું ન પડે એ માટે સર્વિસિંગ અને મેઇન્ટેનન્સની જવાબદારી મૅન્યુફેક્ચરરે પોતાના પર નથી લીધી, આપણા માથે નાખી છે.

છસાત વર્ષ પહેલાં ફ્રોઝન શોલ્ડરનો પ્રૉબ્લેમ થઈ ગયો હતો ત્યારે ડૉ.મનુ કોઠારી વિદ્યમાન હતા. હું એમને મારી આ અસહ્ય વેદનાના નિવારણ માટે મળ્યો ત્યારે એમણે મને ઑપરેશન માટે તો ઘસીને ના પાડી, એક્સરે કઢાવવાની પણ મનાઈ કરી. કોઈ પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું નહીં. માત્ર ખાવામાં બે-પાંચ નાનીમોટી સલાહ આપી જે મેં પાળી અને નેક્સ્ટ સાત દિવસમાં પ્રૉબ્લેમ સૉલ્વ્ડ. જાણે કંઈ થયું જ નથી. એ પછી ક્યારેય આ સમસ્યા આવી નથી. તે વખતે ડૉ. મનુભાઈએ મારી પાસે ઊઠબેસ કરાવીને, મને તપાસીને, સર્ટિફિકેટ આપ્યું હતું કે તારું શરીર નવીનક્કોર બીએમડબ્લ્યુના એન્જિન જેવું છે, માત્ર થોડા ફાઇન ટ્યુનિંગની જરૂર છે.

કોઠારીસાહેબ તો આ દુનિયામાં નથી પણ એમની સલાહ, એમનું માર્ગદર્શન આજેય રિલેવન્ટ છે. તો આ ફાઇન ટ્યુનિંગ વિશે ઘણા વખતથી મગજમાં ઉથલપાથલ ચાલતી હતી – ક્યાં જવું, કેટલા દિવસ માટે જવું, કેવી રીતે બધું આયોજન કરવું. ઘર બંધ કરીને પચાસ દિવસ જેટલા લાંબા સમય માટે જિંદગીમાં ક્યારેય બહાર જવાનું થયું નથી. જ્યાં જઈશું ત્યાં ખાવા-પીવાની બાબતમાં જે પરેજી હશે તે માફક ન આવી તો શું થશે? ઊંઘના અનિયમિત શેડ્યુલની સામે ત્યાં નિશ્ચિત સમયે ઉઠવાનું-સૂવાનું હશે તો એ ડિસિપ્લિન પાળી શકાશે કે નહીં. આખી જિંદગી પ્રેક્ટિકલી બેઠાડુ જેવું જીવન જીવ્યા છીએ, શારીરિક શ્રમ ભાગ્યે જ કર્યો છે. વ્યાયામ, યોગાસન ઇત્યાદિ ફાવશે? નિયમિત થશે કે પછી કંટાળીને પાછા આવી જવાનું મન થશે?

આ બધી ગડમથલ દરમ્યાન એક વિચાર ક્યારેય દૂર થતો નહોતો કે જિંદગીમાં મારી પ્રાયોરિટી શું છે? અને દરેક વખતે એક જ જવાબ મળતો કે મારું કામ. અને આ કામ કરવા માટે શું સૌથી વધુ અનિવાર્ય? તંદુરસ્તી અને મનદુરસ્તી. અત્યારે તો ભગવાનની કૃપાથી (સાવ એવું નથી, આપણો પણ ફાળો છે એમાં) તંદુરસ્તી અને મનદુરસ્તી ટકાટક છે. પણ આવતા ચારેક દાયકા દરમ્યાન પણ મારે આ જ રીતે કામ કરતાં રહેવું છે. શરીર નીરોગી હોય અને સાથે મન પણ બીએમડબલ્યુના લેટેસ્ટ મૉડેલ જેવું કામ આપતું રહેવું જોઈએ.

શરીર અને મનનો તાલમેલ યોગમાં છે. અને સ્વામી રામદેવની ઇન્ફ્લ્યુઅન્સ મારા પર ઘણી મોટી છે. રામદેવજી વિશે મારી હાજરીમાં કોઈ જરા સરખું ઘસાતું બોલે તો હું તરત આ મહાન યોગઋષિનું ઉપરાણું લેવા મેદાનમાં કૂદી પડું છું (આવું જ હું મારા માટે તીર્થરૂપ બની ગયેલા પત્રકાર શિરોમણિ હસમુખ ગાંધી માટે કરતો.).

મારો વિચાર છે કે ત્યાં પહોંચીને રોજેરોજની ડાયરી લખું અને આ રોજનીશીને લેખરૂપે ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ કરું. આયુર્વેદ, નિસર્ગોપચાર, યોગ, પ્રાણાયામના મને જીવનમાં ખૂબ સુખદ અનુભવો છે. આમાં ઉમેરાય છે એલોપથીના 90 ટકાથી વધુ ઉપચારોની નિરૂપયોગિતા વિશેનો અભ્યાસ અને આંતરરાષ્ટ્રીય ફાર્માલૉબીની ચુંગાલમાંથી લોકો છૂટે એવી મારી તમન્ના.

છેલ્લા એક વર્ષથી મનમાં આ બધી પ્રોસેસ તીવ્ર ગતિથી આકાર લેવા માંડી હતી. છેવટે છ મહિના પહેલાં નક્કી કર્યું કે સ્વામી રામદેવના હરદ્વાર સ્થિત ‘યોગગ્રામ’માં જવું છે. તે વખતે નવેમ્બર-ડિસેમ્બરમાં જવાનો પ્લાન હતો. બુકિંગ અવેલેબલ હતું પણ બધું ગોઠવતાં ગોઠવતાં વધુ બે મહિના વીતી ગયા. નવેમ્બર-ડિસેમ્બર જ નહીં, જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ પણ ફુલ થઈ ગયા. ફર્સ્ટ અવેલેબલ તારીખ પહેલી એપ્રિલની હતી. ઝડપભેર વિધિઓ પૂરી કરીને 1-4-2022થી 20-5-2022 સુધીનું બુકિંગ કન્ફર્મ કરાવી લીધું.

મારો વિચાર છે કે ત્યાં પહોંચીને રોજેરોજની ડાયરી લખું અને આ રોજનીશીને લેખરૂપે ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ કરું. આયુર્વેદ, નિસર્ગોપચાર, યોગ, પ્રાણાયામના મને જીવનમાં ખૂબ સુખદ અનુભવો છે. આમાં ઉમેરાય છે એલોપથીના 90 ટકાથી વધુ ઉપચારોની નિરૂપયોગિતા વિશેનો અભ્યાસ અને આંતરરાષ્ટ્રીય ફાર્માલૉબીની ચુંગાલમાંથી લોકો છૂટે એવી મારી તમન્ના. પચાસ દિવસ દરમ્યાન લખાનારા પચાસ લેખોમાં ‘યોગગ્રામ’માં રહીને મને જે અનુભવો થશે, શારીરિક-માનસિક ફાયદાઓ થશે અને કેવી રીતે સૌરભ શાહની નવી આવૃત્તિ 20મી મે પછી મુંબઈ પાછી આવશે, સૌરભ શાહ 2.0નું વર્ઝન કેવું બને છે – કેવી રીતે બને છે એ બધી વાતોનું બયાન કરવાની સાથોસાથ મારે આપણા સૌની જિંદગીમાં પાશ્ચાત્ય લૉબીને કારણે પ્રવેશી ગયેલાં દુષણો વિશે પણ વાત કરવાનો ઇરાદો છે. મારે ભિન્નભિન્ન એઇજગ્રુપના — ટીનએજર્સ, અંડર થર્ટી, અંડર ફોર્ટી, અંડર ફિફ્ટી, અબોવ ફિફ્ટી, અબોવ સિક્સ્ટી અને અબોવ સેવન્ટી ઇવન અબોવ એઇટી – આ તમામ વયજુથના વાચકોને સંબોધીને એમની પર્ટિક્યુલર એઇજમાં શારીરિક તથા માનસિક આરોગ્યમાં બગાડો ન થાય અને જો થયો હોય તો તેને ક્રમશઃ ઓછો કરતાં જઈને સંપૂર્ણ નિરોગી બનવા આ બધું કેવી રીતે ઉપયોગી થઈ શકે છે એ વિશેની વાતો કરવી છે.

અત્યારે ખબર નથી કે આમાંથી હું કેટલું કરી શકીશ. મારે તો દર અઠવાડિયાની એકને હિસાબે આઠ-દસ વીડિયો પણ ‘ન્યુઝપ્રેમી’ની યુટ્યુબ ચેનલ માટે બનાવવી છે. પણ ત્યાંનો દિવસ રોજ બ્રાહ્મમુહૂર્તમાં શરૂ થતો હોય છે અને રાતના સાડાનવ-દસ સુધી વિવિધ પ્રવૃત્તિઓથી ભરચક હોય છે. આમાંની એક પણ પ્રવૃત્તિ મારે મિસ નથી કરવી અને પચાસેપચાસ દિવસ નિયમિતપણે દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવો છે. આવા પેકોપેક શેડ્યુલમાં કેવી રીતે રોજનો એક લેખ લખવાની અને અઠવાડિયે એક વીડિયો બનાવવાની મારી મહેચ્છા પૂરી થશે તે ભગવાન જાણે. પણ દેવકૃપાથી એ બધું જ કરી શકીશ એવી શ્રદ્ધા છે, માત્ર એટલી જ ખબર નથી કે કેવી રીતે?

પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે જલસા કર્યા, ત્રીજું સુખ તે કોઈથી ના ડર્યા અને ચોથું સુખ તે મોડા મર્યા. ત્રણેક વર્ષ પહેલાં મેં આ સૂત્ર રચીને એના વિશે એક લેખ લખ્યો ત્યારે એના અંતે નોંધ્યું હતું: ‘…ઝિંદગી બડી ભી હોની ચાહિયે ઔર લંબી ભી. ટૂંકી જિંદગી એટલે માત્ર રિયાઝ અને રિહર્સલ. જે શીખ્યા છીએ, જેની તાલીમ લીધી છે, પડીઆખડીને જે અનુભવો કર્યા છે તેનો પાઠ અમલમાં મૂકવા માટે જિંદગી લાંબી જોઈએ. રિયાઝ પછી કૉન્સર્ટ ન થાય અને રિહર્સલો પછી શો ન થાય તો બધું અધૂરું અધૂરું લાગે.’

મારા પરદાદાને જે ઓળખતા, મારા દાદાના અને પિતાના પણ જે મિત્ર હતા અને મારા નાનપણથી જેમને મેં જોયા છે તે નટુકાકાએ 103 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું. એમના વિશે મેં વિસ્તારથી લખ્યું છે. ‘સંદેશ’માં પણ એક લેખ લખ્યો હતો. એમની સોમી વર્ષગાંઠ ઉજવવા અમારા વતન દેવગઢ બારિયા ગયો ત્યારે મુંબઈમાં મારી કિશોરાવસ્થા સુધી એમની પાડોશમાં ગાળેલાં વર્ષોની ઘણી બધી સ્મૃતિઓ તાજી થઓઈ હતી, એમને પણ ઘણી વાતો યાદ હતી. આ અંગત જીવનની વાત થઈ.

જાહેરજીવનમાં જેમની સાથે મારો અંગત પરિચય હતો તે કે. કા. શાસ્ત્રી 101 વર્ષનું પ્રવૃત્તિભરપૂર જીવન જીવ્યા. કૉલેજમાં જેઓ મને પોલિટિકલ સાયન્સ શીખવાડતા અને મોટા થયા પછી એકબીજાના રાજકારણને લગતા મોટાભાગના વિચારો સામસામા છેડાના હોવા છતાં જેમનો પ્રેમ મને સતત મળતો રહ્યો અને જેમના વ્યક્તિત્વ માટેનો મારો આદર અકબંધ રહ્યો તે નગીનદાસ સંઘવી સો વર્ષ જીવ્યા, જીવનનાં અંતિમ વર્ષોમાં પણ ખૂબ લખ્યું એમણે, ખૂબ પ્રવાસો કર્યા. વિદ્યમાન લેખકોમાં ગુણવંત શાહ 85 પૂરાં કરીને 86મા વર્ષે એ જ ઉત્સાહથી, જોમથી, પ્રજ્ઞાથી લેખનપ્રવૃત્તિ કરે છે. રજનીકુમાર પંડ્યા પણ 83 વર્ષે વ્યસ્ત, સ્વસ્થ અને ઑર્ગેનાઇઝ્ડ લેખકજીવન માણી રહ્યા છે.

લેખન-સાહિત્ય કે પત્રકારત્વના ક્ષેત્રમાં ન હોય એવા મહાનુભાવોમાં સ્વામી સચ્ચિદાનંદ, મોરારીબાપુ, નરેન્દ્ર મોદી, સ્વામી રામદેવ, યોગી આદિત્યનાથ, સદ્‌ગુરુ, બચ્ચનજી —બધા મને રોજેરોજ જુદી જુદી બાબતમાં પ્રેરણા આપતા રહે છે. સેક્સોલોજીના ક્ષેત્રમાં આખા વિશ્વમાં જેમનું નામ ગાજે છે તે ગુજરાતી ડૉ. પ્રકાશ કોઠારીને તમે જુઓ તો ત્રીસ વર્ષ પહેલાં એમની જે એનર્જીથી હતી તે જ તરવરાટથી આજે પણ એમના બિઝી શેડ્યુલમાં છે.

આ તમામ અને એમના જેવા બીજા કેટલાય મહાનુભાવો દિવસરાત પોતપોતાના ક્ષેત્રનું કામ કરતા રહે છે, સ્વ-ધર્મ નિભાવતા રહે છે. આ બધા જ મહાપુરુષો આટલી બધી એનર્જી ક્યાંથી લાવતા હશે, એમની ઊર્જાનું સ્ત્રોત ક્યાં હશે, શા માટે એમના ચહેરા પર ક્યારેય થાક, કંટાળો કે ચીડચીડાપણું દેખાતું નથી? મોદીને તમે ક્યારેય બગાસું ખાતાં નહીં જુઓ – આવું પરેશ રાવળે અનુપમ ખેરને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.

આ બધા જ લોકોનું પોતપોતાના ક્ષેત્રમાં જે પ્રદાન છે તે દાયકાઓ સુધી નહીં, સદીઓ સુધી યાદ રહેવાનું છે. આપણે નસીબદાર છીએ કે આ તપોભૂમિ પર આ બધા લોકો જન્મ્યા છે, જીવી રહ્યા છે જેઓ સતત આપણને સૌને માર્ગદર્શન આપી રહ્યા છે, કંઈકને કંઈક શીખવાડી રહ્યા છે.

મને થાય કે આટઆટલા લોકોના સીધા યા આડકતરા, પ્રત્યક્ષ યા પરોક્ષ પરિચયમાં છું અને જો સૌના જીવનમાંથી જે પામવા જેવું છે તે જો ન પામી શકું તો મારા જીવનની અડધી મઝા ઓછી થઈ જાય. મારી ને એમની કોઈ સરખામણી નથી. એ સૌએ કરેલાં કામની તુલનામાં મેં રજકણ જેટલું કામ પણ નથી કર્યું (આ કંઈ નમ્રતાનો દેખાડો નથી. મને એમનું કામ ખબર છે એટલે કહું છું, મને મારું કામ ખબર છે એટલે કહું છું). જો હવે પછીની જિંદગીમાં હું એક રજકણને બદલે બે રજકણ જેટલું કામ કરી શકું તો મારી સંપદામાં બમણો વધારો થવાનો.

બસ, આ જ વાત જ્યારે વર્ષો સુધી ઘૂંટાઈને મૂર્ત સ્વરૂપ પામે છે ત્યારે હરદ્વાર જઈને સ્વામી રામદેવની નિશ્રામાં 50 દિવસ રહેવાનું નક્કી થાય છે. આ બધી વાતો મેં એક યા બીજા સ્વરૂપે ‘ગયાં વર્ષો, રહ્યાં વર્ષો’ શીર્ષક હેઠળ ચારેક વર્ષ અગાઉ લખેલા લેખમાં કહી છે.

મારી એક ખાસિયત કહું તમને. જેમનાથી હું પ્રભાવિત હોઉં છું એમનાં ગુણોને હું શબ્દો ચોર્યા વિના જાહેરમાં ભરપૂર બિરદાવતો હોઉં છું. જેમના કામથી કે જીવનથી ઝાઝો પ્રભાવિત નથી હોતો, એમની પ્રશંસા કરવાથી મને લાડવો મળી જશે એવી ખાતરી હોવા છતાં હું એમના વિશે મૌન સેવું છું. અને મને જે લોકો સમાજકંટક લાગે છે, રાષ્ટ્રનો દ્રોહ કરનારાઓ લાગે છે, એમનાં નામ દઈને એમની નિકૃષ્ટતાને પ્રગટ કરવામાં મને કોઈ કરતાં કોઈ સંકોચ થતો નથી.

‘ગયાં વર્ષો, રહ્યાં વર્ષો’ લેખ મેં આ ક્ષેત્રમાં 40 વર્ષ પૂરાં કર્યાં ત્યારે, નવેમ્બર 2018ના અરસામાં લખ્યો હતો. 1978ના નવેમ્બરમાં હું યશવંત દોશીના તંત્રીપદે પ્રગટ થતા પુસ્તક સમીક્ષાના માસિક ‘ગ્રંથ’ તથા કરન્ટ ટૉપિક્સ તેમ જ જનરલ નૉલેજના પખવાડિક ‘પરિચય પુસ્તિકા’ પ્રગટ કરતી સંસ્થા ‘પરિચય ટ્રસ્ટ’માં જોડાયો હતો અને એના બીજા વર્ષથી દૈનિક પત્રકારત્વમાં ઝંપલાવી દીધું હતું. એ લેખમાં મેં ઇચ્છા વ્યક્ત કરી હતી કે વીતેલાં 40 વર્ષમાં જે જોયું, શીખ્યું, અનુભવ્યું તેના નીચોડનો લાભ લેવા માટે હવે બાકીનાં 40 વર્ષ કામ કરવું છે. મારા માટે કામ એટલે લેખનકાર્ય. એ લેખમાં મેં બીજાં 40 વર્ષ એટલે કે 96 વર્ષની ઉંમર સુધી જીવવાની ઇચ્છા પ્રગટ કરી હતી. પછી લાલચ વધી એટલે હવે શતાયુની પ્રાર્થના કરું છું. આ અઠવાડિયે 125 વર્ષીય યોગગુરુ સ્વામી શિવાનંદને રાષ્ટ્રપતિભવનના દરબાર હૉલમાં કોઈના સહારા વિના લાંબું ચાલીને, ત્રણ-ત્રણ વખત સાષ્ટાંગ કરીને સહેજે ડોલ્યા વિના ઊભા થતાં જોયા અને હવે લાલચ સવાસોની થઈ રહી છે.

નરેન્દ્ર મોદીને કોઈએ એક વખત શતાયુ થવાના આશીર્વાદ આપ્યા હતા ત્યારે એમણે હસીને કંઈક આ મતલબનું કહ્યું હતું: ‘મને શતાયુ થવાના આશીર્વાદ નહીં આપતા, મારે તો સવાસો વર્ષના થવું છે.’

હરદ્વારથી પાછા આવીને નક્કી કરીશું કે મારા માટે સવાસો રાખવા છે કે પછી સોથી ચાલી જશે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

55 COMMENTS

  1. સ્નેહી શ્રી સૌરભભાઇ…
    આપની- હરીદ્વાર ની ડાયરીનું પ્રથમ પાનું, ,હમેશ મુજબ ખુબ જ રસપ્રદ રહ્યું.
    તનની અને મનની તંદુરસ્તી માટે ના આપના પચાસ દિવસના આ પ્રયાસો શુ઼ભદાયક રહે તેવી હાર્દિક શુભેચ્છા.
    આપના દૈનિક અનુભવ ના લખાણ દ્વારા અમને પણ તેનો લાભ મળશે… તે અમારુ સદભાગ્ય. બકુલેશ વોરા (જુહુ)

  2. અદભુત …સૌરભ ભાઈ.અત્યારે રાત્રે 2 વાગ્યા છે ,તમારો આ લેખ અને પહેલા 2 દિવસ ના અનુભવો વાચ્યાં.પણ એ વાચ્યાં નહીં પણ અનુભવ્યા એટલો આનંદ આવયો.એટલું સો એ સો ટક્કા ખાતરીપૂર્વક કહી શકું કે તમે બધા જ સંકલ્પો પુરા કરી ને નવાનક્કોર ,ટકાટક (જો કે હમણાં પણ એવા જ છો) નવી ઉર્જા લઈને જ પાછાં આવશો .અને ત્યાર સુધી રાહ જોઈશું તમને પ્રત્યક્ષ ફરી પાછા મળવાની અને તમારી સાથેના સમયને માણવાની. LOTS OF LOVE

  3. આદરણીય સૌરભભાઇ ….આપના પરત્વે વટવૃક્ષ જેવો આદર સાથે ખુબ સારી શુભકામના … આપના પતંજલિ આશ્રમ નિવાસ ના અનુભવો ને શબ્દ દેહ આપો તે અમારા માટે પણ તાદૄશ્ય અનુભવની અનુભુતિ કરાવશે અને તેનો ઇન્તજાર રહેશે..પરંતુ એ પહેલા આપ મનુભાઈ કોઠારીની ફ્રોઝંન શોલ્ડરની ટિપ્સ વિશે માહિતી આપશો તો આભારી રહીશ ..મને એ સખત પીડા આપતી તકલીફ છે ..પોરબંદર માં આદરણીય શ્રી મનુભાઈ નું પ્રવચન સાંભળવાનું બન્યું છે અને હું ખુબ જ પ્રભાવિત છું ..આપના સહયોગ ની અપેક્ષા છે ..

  4. હરિદ્વાર ડાયરી લેખ માટે મેં મારી કમેન્ટ પોસ્ટ કરી હતી પણ એ મને કમેન્ટ બોકસ માં દેખાતી નથી. આશા રાખું કે પોસ્ટ થઈ ગઈ હશે.
    સૌરભભાઇ પ્લીઝ જોઈ લેજો.

  5. સૌરભ ભાઈ,લાંબા અને તંદુરસ્ત જીવનની શુભકામના.
    તમારી જેમ હું પણ રામદેવ બાબાના કર્યો થી અત્યંત પ્રભાવિત છું, એટલી હદે કે એમનું ઘસાતું કોઈ બોલે તો હું સહન નથી કરી શકતી. મિડ-ડે માં કામ કરતી હતી ત્યારે મુંબઈ માં હું તેમને મળી હતી .. જાણીતા નું જાણવા જેવું વિભાગ માટે તેમનો ઇન્ટરવ્યુ કર્યો હતો. એ પહેલેથી એમનાથી હું પ્રભાવીત હતી જ અને એમને મળવા ઈચ્છતી હતી તેથી તેઓ મુંબઈ આવ્યા ત્યારે મુલાકાત કરી હતી. આજે પણ મારા ઘરમાં પતંજલિ ના જ પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરું છું.
    2015ની ડિસેમ્બરની 12મી તારીખે મારી જિંદગી એ એવો ટર્ન લીધો કે જીવનનો પ્રવાહ તદન ઉલટો થઈ ગયો. આ દિવસે સવારે અચાનક હું મારા પગ પર ઊભી જ ના થઈ શકી. હોસ્પિટલમાં દાખલ અને અનેક ટેસ્ટ પછી ખબર પડી કે મારી નર્વસ સિસ્ટમમાં કમર થી નીચેના પાર્ટ માં એક જગ્યા એ નાનકડું ડેમેજ છે એને લઈને હું હવે ચાલી નહિ શકું. એ દિવસે મારા માથે આભ તૂટી પડ્યું હતું. હું બહુજ નિરાશ થઈ ગઈ હતી કારણકે એક ઘડી પણ પગવાળીને ના બેસનારી મારા માટે આ બાબત ને પચાવવી અઘરી હતી.
    આ ઉપરાંત હું પણ રોજ કહેતી હતી કે મારે સો વર્ષ જીવવું છે. હજુ પણ આ ઈચ્છા તો છે જ પણ ક્યારેક એમ થઈ આવે છે કે આ હાલતમાં સો વર્ષ જીવવાની મજા આવશે??જોકે લાકડીના સહારે ચાલવાનું હવે મને ફાવી ગયું છે.
    આ જ સિલસિલામાં સારવાર માટે હું 2016ના નવેમ્બરમાં હરિદ્વાર ગઈ હતી. મારા ભાઈ અનુપમ ઠાકર છેલ્લાં 12 વર્ષથી હરિદ્વારમાં આવેલી મિલ્ટન કંપનીની સિસ્ટર કંપની હેમિલ્ટન કે જે મેલામાઈન ના વાસણો બનાવે છે એમાં પ્લાન્ટ એક્ઝિક્યુટિવ છે. એમના આગ્રહથી મેં પતંજલિ યોગપીઠ માં 20 દિવસ સારવાર લીધી છે. ભાઈ હરિદ્વાર દિલ્હી નેશનલ હાઇવે પર બહાદરાબાદ નજીક રહે છે તેથી હું તેમના ઘરે રહેતી હતી . તેઓ સારવારના સમયે રોજ મને યોગપીઠ માં મૂકી જતા અને પતે પછી લેવા આવતા હતા. અહી મેં પંચકર્મ સારવાર લીધી હતી. એ પછી હાલ પણ કોઈ એલોપથી સારવાર મે નથી લીધી. મારા જીવન સાથે જે થઈ ગયું એનો સ્વીકાર કરી લીધો છે. રોજ સવારે 6 થી સાડા સાત વાગ્યા સુધી મારા બિલ્ડિંગ ની ટેરેસ પર યોગાસનો અને પ્રાણાયમ કરી છું. ક્યારેક થાય છે કે પહેલેથી જ યોગ નિયમિત કર્યા હોત તો આ તકલીફ ના આવત પણ જાગ્યા ત્યાંથી સવાર. એમ તો બે વર્ષ પહેલાં હું ચારધામ અને વૈષ્ણોદેવીની યાત્રા પણ કરી આવી.
    હરિદ્વાર મારું પ્રિય સ્થળ છે. હરકી પૌડી ના પગથીયા પર બેસીને સેકડો લોકોની ભીડ અને કોલાહલ વચ્ચે પણ મેં અદભૂત શાંતિ નો અનુભવ કર્યો છે. ગંગાનું પવિત્ર જલ ખરેખર આપણા તન અને મનને પ્રફુલ્લિત કરી દે છે .🙏🙏

    • પલ્લવીબહેન ગુજરાતીનાં જાણીતાં સિનિયર પત્રકાર છે. એમનો આ અનુભવ સૌ કોઈએ પોતાનાં સંપર્કોમાં શેર કરવો જોઈએ.

  6. આપની યોગગ્રામ યાત્રા માટે ખૂબ સુભેચ્છા.
    frozan સોલ્ડર માટે આપ માર્ગદર્શન આપશો
    તો આભારી થઈશ.

  7. સૌરભ ભાઇ,
    હું હમણાં અહી યોગ ગ્રામ માં જ છું, મારા સાળા ની ટ્રીટમેન્ટ અહી ચાલી રહી છે હું દિલ્હી એક કામ અર્થે આવ્યો હતો એ પતાવી ને 3 દિવસ માટે અહી આવ્યો છું…

    બહુ જ સરસ અતિ ઉત્તમ વ્યવસ્થા છે, અહી અતિશય કાળજી પૂર્વ દરેક માટે વિશેષ ચિકિત્સા પદ્ધતિ છે, શુદ્ધ સાત્વિક વાતાવરણ છે,

    આપ આવનારા લેખો માં પતંજલિ યોગ ગ્રામ વિષે વાચકો ને જણાવશો ત્યારે ઘણા બધા લોકો સુધી સ્વામી રામદેવજી દ્વારા ચાલી રહેલા આ મહાન કાર્ય ની વાતો પહોંચશે…

    ઓલ ધી બેસ્ટ….

  8. Very timely & right decision.
    Your experiences at patanjali aashram will be great & in turn your write up s will definitely power booster for your true readers like us.
    All the best, Saurabhbhai.

  9. Saurabhbhai

    Nice article and looking forward more from you from Ramdevji’s ashram in April and May. I have one request if you can share your experience about Frozen shoulder, how and what thing helped you from Dr. Manubhai Kothari that will be great. I have my nearest loved one and they are going through the same problem.

    Best wishes for your 50 days journey in Yog , Pranayam and Ayurved. Our ancestor’s greatest gift to Humans with no copyright or patents.
    Naman to Ramdevji and Balkrishnaji for their contribution to Bharat.

  10. સૌરભભાઇ ,
    નમસ્તે
    આપના ૨૦ ૐ ગુડ મોર્નિંગ whatsApp ગૃપ નો સભ્ય છુ.
    સ્વામિ શ્રી સચ્ચિદાનંદજી મહારાજે ૫૦ – ૫૫ વર્ષ પહેલાં મારા ગામ દેણપ માં લાંબુ રોકાણ કરેલ ત્યાર થી તેમના વિચારો થી પ્રભાવિત થઈ ને તેઓ ને અનુસરવાનો પ્રયત્ન કરે છુ.
    આપે સ્વામી શ્રી રામદેવજી ના યોગ ગ્રામ માં સારવાર માટે જવા નો નિર્ણય કર્યો તે સરાહનીય છે. હું છેલ્લા ૧૦ વર્ષ થી વિચારુ છુ પરંતુ અનુકૂળતા થતી નથી. આપનો અનુભવ મને અવશ્ય ઉપયોગી સાબિત થશે.
    ડૉ મનુભાઇ કોઠારી સાહેબ ના કેટલાક વિડીયોઝ જોઇને તેઓને મનોમન વારંવાર વંદન કરેલ છે.
    આપની એક મદદની આશા છે. આપની સલાહ જરુરી છે.
    મને બન્ને FROZEN SHOULDER દશ વર્ષ થી છે . Pain killers અને Physiotherapy exercises કરુ ત્યાં સુધી ઠીક રહે છે. થોડાક સમય બાદ ફરીથી pain અને stiffness શરુ થઈ જાય છે. ખુબજ થાકી ગયો છુ.
    Please Please મને યોગ્ય સલાહ આપવા બે હાથ જોડી ને વિનંતિ કરી છુ. મારુ E mail—drblsoni@yahoo.com છે
    આપનો
    B L Soni

  11. આપશ્રી નો હરિદ્વાર બાબા રામદેવજી નાં સાંનિધ્યમાં રહેવાનો નિર્ણય ખુબ ખુબ સુંદર છે. આપના માટે સાથે સાથે આપના પ્રત્યેક વાચક અમારા જેવાં માટે જે આપના લેખો થકી જીવન શૈલી માં પરિવર્તન લાવશે, લાવવાનો પ્રયત્ન કરશે. આપને સક્ષમ અતિ દીર્ઘાયુ ની શુભકામના.

  12. અત્યારે તો શતમ્ જીવ શરદ, 🙌,સાચી દિશાનું પગલું ભર્યું છે, અમને માર્ગદર્શન આપતાં રહેજો

    • સરસ લેખ તેમ જ હરિદ્વાર ડાયરી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  13. હંમેશા તંદુરસ્ત રહો અને અમને તંદુરસ્તી અને મનદુરસ્તી હસતા રહો તેવી શુભેચ્છાઓ સાથે

  14. ખૂબ સરસ લેખ.
    આયુર્વેદ ની પ્રતિજ્ઞા જ દિર્ઘજીવિતિય છે.
    દીર્ઘ એટલે ૧૦૦ વર્ષ.
    આપ દીર્ઘાયુ થાવ એવી શુભેચ્છા.

    વૈદ્ય હિરેન ડી રાજાણી
    કન્સલ્ટન્ટ આયુર્વેદ.
    રાજકોટ

  15. સોરી, કૉમેન્ટ ખોટી જગ્યાએ, નવીન ભાઈ ની કૉમેન્ટ પર, પોસ્ટ થઈ ગઈ.. 🙏🙏🙏

  16. શારીરિક અને માનસિક અને આરોગ્ય વિષયક અનુભૂતિ નો મૂળ ભૂત હેતુ છે પ્રેમ ની અનુભૂતિ થવી;પચાસ દિવસ ની મંગલમય પતંજલિ આશ્રમ નિવાસ માટે શુભેચ્છાઓ અને અભિનંદન ઈશ્વર કૃપા અહર્નિશ રહો અને ખુશ રહો અને આપના અમુલ્ય પ્રતિભાવ ચોક્કસ જણાવશો. ફ્રોઝન શોલ્ડર વિષે આપના ઉપચાર શેર કરશોજી.life begins at 60 .

  17. Wish you all the best for your yoga trip best decision to going Haridwar in your busy schedule. We wish to read your new experiences.

  18. Best wishes for your Haridwar stay.
    પરંતુ રામદેવ જે રીતે યોગ ગુરુ મા થી નખશીખ વેપારી બની ટીવીમીડીયા ની જાહેરાત મા વારંવાર આવે છે તે અરુચિકર છે.
    જો એમના ઉત્પાદનો 100%શુધ્ધ અને સચોટ હોય તો આટલા મોંઘા પ્રચાર નો ઘોંઘાટ શા માટે. ?
    ડોકટરોની ટીકા જ કરતા રામદેવ ના શિષ્ય બાલકૃષ્ણ એમના હદયરોગ માટે એઇમ્સ મા સારવાર લીધી હતી

  19. બહુજ સમજદારી પૂર્વક નો નિર્ણય, વાઇસ ડિસિશન. એકદમ સમયસર નિર્ણય લીધો છે. મોટાભાગે ૬૦-૬૫ ની આસપાસ શરીર ક્યારેક ખોટકાવાની શરૂઆત થાય છે. કાંઈ થાય એની પહેલા જ એને ડામી દેવાનો નિર્ણય બરાબર છે.
    અમે તો S. S. U. (સૌરભ શાહ યુનિવર્સિટી) નાં વિદ્યાર્થીઓ છીએ. અત્યાર સુધી પોલિટિકલ, આધ્યાત્મિક, ધાર્મિક,અને ફિલ્મ મનોરંજન વિશે નું જ્ઞાાન પ્રાપ્ત થતું હતું. આવતાં અઠવાડિયાથી શારીરિક અને માનસિક વિકાસ નું જ્ઞાાન મળશે.
    તમારા ઉત્સાહ- ઉમંગ અને ધગશ અને હોંશિયારી થી આ પચાસ દિવસોમાં તમે એટલી બધી જાણકારી મેળવી લીધી હશે કે ૨૧ મી મે નાં દિવસે અમને નેચરોપથ, આયુર્વેદ અને યોગાચાર્ય ડૉ. સૌરભ શાહ નાં દર્શન થશે.
    મને ખાતરી છે કે આ પચાસ દિવસોમાં તમારી કાયાકલ્પ થઈ જશે . ૧૨૫ વર્ષ પાક્કી.
    લાઈફસ્ટાઈલ અને વિચારોમાં પરિવર્તન આવી જશે અને એનો લાભ તમારા વાંચકો – વિદ્યાર્થીઓ ને પણ મળશે.
    Frozen shoulder નો डॉ મનુભાઈ કોઠારી નો ઉપચાર જણાવશો.
    હરિદ્વાર થી ગંગાજળ નું ૧ લિટર નું કેન લાવવાનું અનુકૂળ હોય તો પવઈ આવીને લઈ જઈશ.

    મયુર પારેખ

  20. સૌરભભાઇ,
    યોગ‌ગ્રામ માં ૫૦ દિવસ રહેવાના આપના નિર્ણય બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે અપાર શુભેચ્છાઓ.
    તમારા એ ૫૦ દિવસના અનુભવોના લેખ થકી તમારા વાચક મિત્રોના જીવનના પણ ૫ થી ૨૫ વર્ષો વધી જશે એવી એક વાચક તરીકે મને ખાત્રી છે.
    પ્રભુ તમને દીર્ઘાયુષ્ય બક્ષે એવી શુભેચ્છાઓ.

  21. વાહ …વાહ… તમારી ઈચ્છા પૂર્ણ થાય એવી અમારી શુભેચ્છા… તમે તો રજકણ (આમ તો ઘણું વધારે) જેટલુ કામ કરો છો પણ એ સમાજ ને ઘણું ઉપયોગી છે.

  22. વાહ!!! ખુબજ સરસ નિર્ણય…રામદેવજી ના આશ્રમ માં થી ૫૦ દિવસ પૂરા થાય એટલે ૧૩૦ વરસ નું લાંબુ ને નિરોગી આયુષ્ય દેશ માટે લેખન કાર્ય અને તમારા માટે જલસા પડી જાય એવું સ્વસ્થ જીવન પ્રભુજી તમને આપે એવી શુભેચ્છા

  23. Dear Saurabhbhai. I love & enjoy your articals .It gives me new energy & hope everyday. I am fan of range of subjects you cover & beautifully pen down every day. Like you I am also Bhakt of our hon. PM Shri Narendra Modi & am fortunate to live in this era where am witnessing revival of our own tradition of Sanatan Dharma. Trust, all of you (it’s impossible to name all) who are working hard for betterment of nation, people &Dharma live long & healthy life & keep enlighten us & future generations. All of you would leave behind a legacy for generations to come & hopefully Satyug will be back in the near future. I believe, late Chandrakant Bakshi would be happy wherever he is, that you have carried forward his legacy of Frank, truthful & knowlaguble writing for all readers. Hope to receive your articles even when you are in pujya Baba Ramdevs ashram. Wish you enjoyable journey for these 50 days & forever.

  24. હું બન્ને હાથ માં સોલ્ડર ફોરઝન થી 5 વર્ષ થી પીડાવ છું..આપને ડો.મનુભાઈ એસૂચવેલ દવા મને પણ કહેશો તો કદાચ હું પણ પીડા મુક્ત થઈ શકું.આપે લખ્યું તેમ દરેક દિવસ નો એક લેખ અને વિડિઓ જરૂર બનાવજો.

  25. વ્યવસાયે ડોક્ટર છું,એટલે ચીલાચાલુ ચમત્કારોમાં વિશેષ શ્રધ્ધા નથી ધરાવતો.
    પરંતુ,
    હરિદ્વાર/ઋષિકેશ ની ભૂમિમાં કંઇક એવું વિશેષ છે જે આપણને વારંવાર ત્યાં ખેંચે છે.
    ( માતુશ્રી ના અસ્થિ વિસર્જન વખત નો અનુભવ)

    આપણાં 2.0 version ની પ્રતિક્ષા.

    सर्वे भवन्तु सुखिन सर्वे संतु निरामया

  26. આદરનીય શ્રી સૌરભસર,
    આપ ને ખુબ ખુબ શુભેચ્છાઓ…આપ ના લેખ વાંચવા ખુબ ગમે છે…સરળ શબ્દો માં અને મનમાં ઉતરી જાય એવું સુંદર લખાણ !!

  27. Dear Shree Saurabh bhai,
    Read your article we all need to now discard our habit of Vyaktipuja. We need to evaluate each and every deed /thoughts of each and every person individually.
    If we like someone, it doesn’t mean necessarily he is a picture perfect person. We need not forget that each and every person is a bunch of some good and some bad. We should have our conscious to identify and understand bads of person who is good in our books.
    Request you to be neutral in this regard as you are public person and your thoughts influence many laymen like me

  28. I humbly request you to sir please visit http://www.tap seva sumiran aand vedio of akhilesh ji mharaj uttar pradesh merath city.www.new dietsystem for health and video of dr.b.v.chauhan since last two years I follow above system my skin decease of 30 years old disappeared for your kind information

  29. ગાંધીજી ને એમના જન્મદિવસે એમના કોઈ વડીલે પત્ર દ્વારા શતાયુ ના આશિર્વાદ આપ્યા. એમણે વળતા પત્ર માં લખ્યું કે તમે તો કલમ ના એક ઝાટકે મારા પચ્ચીસ વર્ષ કાપી નાખ્યા. પછી ઉમેર્યું કંઈ વાંધો નહીં; હું ઈશ્વર ને પ્રાર્થના કરીશ કે એ પચ્ચીસ વર્ષ તમારી આવરદા માં ઉમેરી દે.

  30. Good Decision Sir & It will give Tremendious change in your life All The best for 125 willing.

  31. સૌરભભાઇ તમે સવાસો વર્ષ જીવો એવી આશા રાખીએ છીએ, અને સો વર્ષ કેમ જીવી શકાય, એનું માર્ગદર્શન આપતા રહેજો આવનારી પેઢઓને…

  32. ખૂબ સરસ નિર્ણય, જઇને આવો અને આપના અનુભવો જણાવો એટલે “મહાજનો જે રસ્તે ચાલે તે રસ્તે સામાન્યજનો ચાલે” ના ધોરણે બીજાને પણ લાભ મળે. સવાસો વર્ષ સુધી પહોંચવાની શુભેચ્છા🙏🙏

  33. સાહેબ શ્રી, મને તો મોદી સાહેબ અને તમારી બંનેની ખૂબ જ જરૂર છે, જેથી હું તો એવું જ ઈચ્છીશ કે આપ બંને મહાનુભાવો સવાસો વર્ષનું આરોગ્યમય જીવન માણો. અને તે જોવા માટે ભગવાન મને પણ એવું જ જીવન બક્ષે, તેવી પ્રભુને માંગણી કરીશ. એપ્રિલ મહિનામાં આપનો જન્મદિવસ પણ આવે છે, સ્વામીજીના સાનિધ્યમાં આપનો જન્મદિવસ ખૂબ સારી રીતે ઉજવાશે, તેવી શુભેચ્છાઓ.

  34. વાહ સૌરભભાઇ
    લેખ સડસડાટ વાંચી ગયો. મારો પતંજલિ યોગપીઠ હરીદ્વાર ત્રણ ત્રણ વખત ના રેસીડેન્ટ શિબિર ના અનુભવ નજર સમક્ષ જીવંત થઇ ગયો.
    જે લોકો યોગ સંસ્કૃતિ માં હજુ બિન અનુભવી છે તેણે પોતાના જીવનમાં નવી શરૂઆત કરી જ નથી એમ કહેવાનું મન થઇ આવે છે.
    યોગરૂશી સ્વામીજી મહારાજ, આચાર્ય બાલકૃષ્ણજી ,તેમજ રાજીવ દીક્ષિતજી જેવા મહાનુભાવો ના સેસનો ના લાભ લીધો ત્યારે જ નવજીવન ની અનુભૂતિ થઈ.
    આપના અનુભવો ના લેખો નું આતુરતાથી રાહ જોઇશુ.

    અશ્ર્વિન વાયડા
    વેરાવળ.

  35. હવે હું પણ વ્યવસાય માં થી નિવૃત્ત થયો છું,અને એક આવા સ્થળે રહેવા ની ઈચ્છા છે..જો શક્ય હોય તો કેવી રીતે બુકિંગ કરાવી શકાય તે જણાવશો..

  36. સૌરભભાઈ,
    વાહ વાહ !
    ખુબ જ અગત્યનો નિર્ણય !
    ધન્યવાદ !
    યોગગુરુ પૂજય રામદેવજીનો સહવાસ અને યોગગ્રામના અનુભવ આપને તો અવશ્ય દીર્ઘાયુ બક્ષશે જ એમાં કોઈ આશંકા નથી, પરંતુ આપની કલમે લખાતા યોગભૂમીના અનુભવોથી આખી દુનિયાની જનતાને નવજીવન મળશે.
    ખુબ જ આનંદના સમાચાર છે, સ્વાર્થ સાથે પરમાર્થ છે.
    અદભુત નિર્ણય છે, પરમ કૃપાળુ પરમાત્મા આપને ડગલે પગલે યોગ્ય દિશામાં દોરે છે.
    સહુનું કરો કલ્યાણ !
    યોગપીઠના અમૂલ્ય ઉત્સવમાં આપની હાજરી સોનામાં સુગંધ મેળવશે !

  37. અમારી શુભેચ્છા છે, સવા સો નીરોગી આયુષ્ય માટે

  38. આદરણીય શ્રી સૌરભભાઈ,
    આપના લેખ નિયમિત વાંચું છું. તમારો રાજકીય ક્ષેત્રે લેખ વાંચું છું ,ત્યારે જાણે મારા દિલની વાત કરી છે તેવું અનુભવું છું. આપશ્રી યોગગ્રામ હરિદ્વાર જઈને શક્ય તેટલા લેખ આયુર્વેદ, યોગ વિષે લખશો, તે સમાજની ખૂબ મોટી સેવા કરી રહ્યા છો. …. આપશ્રીના દીર્ઘાયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના.

  39. Eagerly, looking forward to your articles from Haridwar.
    Wish you a safe journey and pleasant stay.

  40. રામદેવ બાબાના આશ્રમમાં 50 દિવસ રહિને શરીરનું એંજિનનુ સર્વિસ કરાવવાનો વિચાર અદ્દભુત છે. તમારા વાચક ને એનો લાભ ચોકસ મલસે. All the best.

  41. Sir તમે સવાસો વરસ જીવો અને અમારી આવતી પેઢી ને પણ જાગૃત કરતા રહો

  42. આપને શુભેચ્છાઓ પહેલી એપ્રિલ ની રાહ જોઈશું

    • અતિ સુંદર પગલું.. બેસ્ટ લક, સૌરભ ભાઈ..
      મેં આ તો નથી કર્યું, પણ ~ 6-7 વર્ષ પહેલાં મ્હારા મેનેજમેન્ટ ગુરુ ની ટકોર પછી મેં વજન ઉતારી ને શરીર સ્વસ્થ કરવા નું નક્કી કર્યું.. વજન 22 કિલો ઉતાર્યું, ડાયાબિટીસ રિવર્સ કર્યો, દવાઓ બદ્ધિ બંધ છે.. પહેલા જે હું 1km ચાલતા થાકી જતો, 2વર્ષ પહેલાં હાલ્ફ મેરેથોન કરી અને અત્યારે રોજ 1કલાક કસરત અને 22-30km સાયકલિંગકરૂં છું.. લગભગ દરરોજ 14-18 કલાક ફાસ્ટિંગ..
      મારા એચિવમેન્ટ પાછળ એક જ સિદ્ધાંત છે..
      “મન હોય તો માળવે જવાય”..
      હરિ ૐ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here