નેસેયર્સ યાને કિ હવનમાં હાડકાં નાખનારા વાયડીનાઓ: સૌરભ શાહ

(તડક ભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 15 ઑક્ટોબર 2023)

તમે કંઈપણ કરો જિંદગીમાં—કેટલાક તો વગર બોલાવે આવી જ જવાના છે, તમને કહેવા માટે કે: આ વળી શું કરો છો તમે?

અંગ્રેજીમાં એમને નેસેયર્સ(naysayers) કહે છે- સતત કંઈને કંઈ વાતે ખોડખાંપણ કાઢતા રહે, તમારો વિરોધ કરતા રહે, તમારી ટીકા કરતા રહે. તમે કહેશો આ પૂર્વ છે તો આ નેસયર્સ કહેશે કે આ તો પશ્ચિમ છે. તમે કહેશો કે આ પશ્ચિમ છે તો માળા બેટાઓ કહેશે કે આ પૂર્વ છે.

આવા અક્કલના બારદાનો સાથે સૌ કોઈને પનારો પડતો હોય છે. દરેકને પોતપોતાના ગજા મુજબના નેસેયર્સનો સામનો કરવો પડે છે. એ લોકોનું કામ જ આ હોય છે—વિરોધ કરવાનું, વાંકું પડવાનું. પોતાની મહત્તા બતાવવા તમારી ટાંગખેંચ કરવાનું.

આ ટીકાકારો કંઈ વિશ્લેષકો નથી હોતા, તેઓ તમારા કોઈ મુદ્દાનો સંદર્ભ આપીને વિરોધના પુરાવા નથી લાવતા. એમને તો બસ તમારો વિરોધ કરવો હોય છે. નાનપણમાં એ લોકો ઝઘડો કરતા હશે ત્યારે તું નહીં તો તારો બાપ, એ નહીં તો તારો પાડોશી, એ નહીં તો તારા પાડોશીનો બાપ…એ લેવલના ઝઘડા કરતા હશે.

રામાયણ-મહાભારતના જમાનામાં એ લોકો દાનવો અને રાક્ષસો ગણાતા. શુભ કાર્ય નિમિત્તે ઋષિઓના આશ્રમમાં હવન થાય ત્યારે એ લોકો હવનમાં હાડકાં નાખીને પવિત્ર કાર્યને અભડાવવા આવી જતા. ઋષિમુનિઓએ પરોપકારી રાજાઓને વિનંતિ કરીને એમના પ્રતાપી રાજકુમમારોને હવનની રક્ષા કાજે બોલાવવા પડતા.

તમે ઋષિ નથી, મુનિ નથી, કૉમન મેન છો. તમને રાજકુમારોની સિક્યુરિટી સિસ્ટમ મળે એમ નથી. તમારે પોતે જ હવન કરતી વખતે તીરકામઠાં સાથે લઈને બેસવું પડશે.

તમે કોઈપણ કાર્ય કરશો, તમારી ટીકા થવાની જ છે. તમારા મોઢે નહીં તો તમારી પીઠ પાછળ થશે. કદાચ તમારા સુધી એ ટીકા પહોંચે પણ નહીં. પણ થવાની જ એટલું નક્કી.

શું કરવું તમારે? દર વખતે એમને ઇગ્નોર કરવાનું પોસાય નહીં. એમને તમારો યજ્ઞ અપવિત્ર કરતાં રોકવા તો પડે. નહીં રોકો તો એમના સિવાય બીજા પણ એમના જેવા ઘણા આવી પહોચશે હાડકાં લઈને. કદાચ આખેઆખાં હાડપિંજરો લઈને.

પણ જો તમે યજ્ઞમાં બેઠાં બેઠાં તીરકામઠાં જ ચલાવ્યા કરશો તો મંત્રોચ્ચારમાં મારું ધ્યાન નહીં રહે, સમયસર આહુતિ આપવાનું ચૂકી જવાશે. શું કરવું?

મારી પાસે એક ફૉર્મ્યુલા છે. તમારે તમારો હવન, તમારા યજ્ઞ જાહેરમાં નહીં કરવાના. તમારા એકાંતમાં અથવા તો તમારા પાંચ-પંદર અતિ વિશ્વાસુ લોકો હોય એમની જ હાજરીમાં કરવાના. દાનવો-રાક્ષસો-નેસેયર્સ અને વાયડીનાઓ માટે સ્ટ્રિક્ટલી નો-એન્ટ્રી.

પણ બધાં જ યજ્ઞકાર્યો એ રીતે કરવાનું દરેક વખતે શક્ય નથી હોતું. તે વખતે શું કરવાનું તમારે?

એનો જબાવ આપતાં પહેલાં તમને કહી દઉં કે નેસયર્સને તમે મિટાવી શકવાના નથી, માત્ર દૂર રાખી શકો એમ છો. કારણ કે એ પ્રજાતિ વાંદા જેવી, કોક્રોચ જેવી છે. દુનિયા આખી અણુયુદ્ધ કે પછી એવા કોઈ વિનાશક સંહારમાં નષ્ટ પામશે તો પણ આ જગતમાં કોક્રોચનું અસ્તિત્વ રહેશે એવું વૈજ્ઞાનિકો માને છે.

આ વાંદાઓ, તમે કંઈ પણ કરશો, તમને સતાવશે જ. તમે જે કંઈ કાર્ય કરો છો તે કરતાં બંધ થઈ જાઓ એવો એમનો હેતુ હોય છે. તમે એમનાથી આમથી છટકવા જશો તો તેઓ તમને તેમથી અટકાવશે. એમનો હેતુ જ હોય છે કે કંઈ પણ કરીને તમને તમારું કામ કરતાં અટકાવે. તમે વિચારશો કે હવે હું આ કામ ન કરું, આટલું બોલવાનું/લખવાનું/કરવાનું ટાળું, આમની સામે ઉઠબેસ ન કરું, આમનાં વખાણ ન કરું કે તેમની ટીકા ન કરું-તમે આ નેસેયર્સ નચાવે એમ નામના થઈ જાઓ એ જ તો એમનો હેતુ હોય છે. તમારી ચાલ, તમારા જીવનની રિધમ, તમારા થિન્કિંગની દિશા ખોરવાઈ જાય એવું જ તો તેઓ ચાહે છે.

તો શું કરવું તમારે? પ્રશ્ન આ હતો. શું કરવું? પહેલી વાત તો એ કે તમે જે કરી રહ્યા છો, જે કરવા ધારો છો તે કરતા રહો. પેલો વાયડીનો શું કહેશે, હવે હવનમાં નાખવા માટે એ ક્યાં હડકાં લાવશે એની ફિકર કર્યા વિના તમે તમારા રસ્તે લાંબા પગલે ચાલતા રહે. તમારી ચાલ ન બદલો ન તમારી દિશા. જીવનમાં, આજે અને આવતી કાલે, તમે જે કરવા માગો છો તેના પ્લાનિંગમાં જરા સરખો ફેરફાર, એ રાક્ષસો-દાનવોને ધ્યાનમાં રાખીને કરવાની જરૂર નથી. તમારું ધ્યાનભંગ કરવા માટે આ રાક્ષસો તરફથી અપ્સરાના વેશમાં આવેલી રાક્ષસણીઓથી ચલિત થવાની પણ જરૂર નથી.

તમારું ધ્યાન તમારા કામમાં જ પરોવાયેલું રહે, સહેજ ક્યારેક ખોરવાયું તો તરત જ પાછું પાટે ચડી જાય એની સતત કાળજી રાખવાની જવાબદારી તમારી છે, તમારા એકલાની જ છે.

નેસયર્સને અવગણો છો ત્યારે તેઓ ચઢી વાગે છે એવું લાગે ત્યારે વચ્ચે થોડાક સમય પૂરતું એકે-47નો સપાટો બોલાવીને તમારા કામમાં પાછા જોતરાઈ જવું. એક જમાનામાં ફ્લીટનો પંપ ઘરમાં રાખતા. વાંદા જેવી જીવાતોને મારવા એ પંપમાં બેગોન જેવી દવા ભરીને છાંટતા. પછી કંઈ ગણવા નહોતા બેસતા કે કેટલી જીવાતો મરી. જે ન મરી હોય તેના પર ઝાડુની ઝાપટો લાગતી. પછી તરત જ સાબુથી હાથ ધોઈને તમે તમારું કામ કરવા બેસી જતા. ચોવીસે કલાક વાંદા મારવાનો ઉપક્રમ નહોતો ચાલતો.

કવિ જહૉન ડ્રાયડનની આ પંક્તિ ઘણી જાણીતી છે: ‘બીવેર ધ ફ્યુરિ ઑફ એ પેશન્ટ મેન.’ બચ્ચનજીએ એક વખત વાપરી હતી. વારંવાર વાપરવા જેવી છે: સહનશીલ વ્યક્તિના મનમાં ધરબાયેલા જ્વાળામુખીને લલકારતા નહીં. અત્યારે ભલે હું શાંત દેખાઉં છું, પણ મારી જોડે તમારે લોકોએ ઝાઝી લપ્પન-છપ્પન કરવાની નહીં. કરી છે તો આવી બનશે તમારું. હમાસ ઈઝરાયલની છુંછી કરવા જશે તો ઈઝરાયલ હમાસનો ઘડોલાડવો એક કરી નાખશે એવી આ વાત છે.

નેસેયર્સને, વાયડીનાઓને રાક્ષસો-દાનવોને ચૂપ કરવાનો, તમારાથી દૂર રાખવાના બે જ ઉપાય છે: એક, ફૂંફાડો રાખવાનો અને ક્યારેક દંશ પણ દેવાનો, જાહેરમાં એમને નિર્વસ્ત્ર કરી નાખવાના. અને બે, તમારું કામ અટક્યા વિના સતત ચાલુ રાખવાનું.

આ દુનિયા તમારા ઈશારા પ્રમાણે ચાલતી નથી, ચાલવાની પણ નથી. એનો અર્થ એ પણ નથી કે તમારે આ દુનિયાના ઈશારે ચાલવાનું હોય.

પાન બનાર્સવાલા

નકામા લોકોને જવાબો આપવાનું જેટલું ટાળશો એટલી તમારી જિંદગી શાંતિમય બનતી જશે.

—અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. The best example of NAYSAYERS in the country is Congress and associated political parties.. Simply troublemakers.

  2. વાહ… મઝા આવી ગઇ વાંચવાની. સર, તમે મને એક અદ્ભુત વાત આજે કરી છે જે હું કાયમ ધ્યાનમાં રાખીશ. ઘણીવાર આવા “વાયડીનાઓ” ને લીધે, આપણા ધ્યેયથી કે આપણા મૂળ ઉદ્દેશથી, આપણાથી ભટકી જવાય છે. આજે તમે એનો સામનો કરવાનો પરફેક્ટ ઉપાય બતાવ્યો છે. ધન્યવાદ, સર.

  3. અદ્ભુત લેખ. લેખકો, વાચકો ને એક સરખો લાગુ પડતો લેખ. અભિનંદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here