ગુજરાતી લખાણોમાં અંગ્રેજી શબ્દો ચાલે? નો, નેવર : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: શનિવાર, 18 જુલાઈ 2020)

દુનિયાની દરેક ભાષા બીજી ભાષાઓને કારણે સમૃદ્ધ થતી હોય છે. ‘પરાઠા’ અને ‘ઘેરાવ’ સહિતના હજારો હિન્દી શબ્દોને અંગ્રેજીમાં આધારભૂત ગણાતી ઑક્સફર્ડ ડિક્શનરીએ માન્યતા આપી છે. વર્ષો પહેલાં મહારાષ્ટ્રની ‘રાજ્ય મરાઠી વિકાસ સંસ્થા’ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મરાઠી ભાષામાં પાંચથી સાત ટકા જેટલા શબ્દો અંગ્રેજીના ઘૂસી ગયા છે અને હિન્દી-ઉર્દૂના પણ અનેક શબ્દો મરાઠીભાષીઓ બોલતી-લખતી વખતે છૂટથી વાપરે છે. મરાઠી પ્રજાએ ઘણા અંગ્રેજી શબ્દો પ્રેમથી અપનાવી લીધા છે જેનો પુરાવો તમને આજકાલનાં મરાઠી નાટકો, મરાઠી ફિલ્મો તેમ જ મરાઠી સાહિત્યનાં (તેમ જ સાહિત્યેતર) પુસ્તકો પરથી મળી રહે. રોજબરોજની બોલચાલની ભાષામાં તો મરાઠીભાષીઓ અંગ્રેજી શબ્દોનો છૂટથી વપરાશ કરતા જ હોય છે. આમ છતાં કેટલાક મરાઠી અખબારો હજુય કેલ્કયુલેટરને ‘ગણકયંત્ર’ અને ક્રિકેટના બૉલ તથા સ્કોરબોર્ડને ‘ચેન્ડુ’ અને ‘ધાવફલક’ તરીકે ઓળખાવાનો આગ્રહ રાખે છે. આ કંઈ પોતાનું સ્વાભિમાન નથી, મિથ્યાભિમાન છે. હિન્દીમાં પણ પ્રેમથી અંગ્રેજીને આવકાર અપાય છે. હમણાં જ મારા હાથમાં 2019માં છપાયેલું એક પુસ્તક આવ્યું: ‘ इमरजेंसी की इनसाइड स्टोरी : कुलदीप नैयर’.

ભાષાપ્રેમનો ઝંડો લઈને ફરતા અંકલ-આંટીઓ છળી મરશે આ શીર્ષક વાંચીને. શીર્ષકનું હિન્દી ટ્રાન્સલેશન તો સાવ સરળ છે છતાં અંગ્રેજીની ગુલામી! સાહેબ મારા, પ્રકાશકને ખબર છે, એને આપણા જેવાઓની સલાહની જરૂર નથી. એમની પાસે નરેન્દ્ર મોદી જેવા લેખક છે જેમનું ‘આપાતકાલ મેં ગુજરાત એમણે જ છાપ્યું છે. દિલ્હીના પ્રભાત પ્રકાશનના માલિકો જાણે છે કે इमरजेंसीને હિન્દીમાં શું કહેવાય. એમને એ પણ ખબર છે કે હિન્દી માટેનું ગૌરવ પ્રગટ કરવા અંગ્રેજી સાથે આભડછેટ રાખવાની વાયડાઈ કે વેવલાઈ કરવાની કોઈ જરૂર નથી.

આની સરખામણીએ ગુજરાતી છાપાંના પત્રકારો પણ ઓછા ઊતરે એવા નથી. અખબારો જ્યારે રૌપ્ય ચંદ્રક લખતા હોય છે ત્યારે વાચકો તંત્રીનો કાન પકડીને ફરિયાદ કરતા હોય છે કે અમને સમજ પડે એવી રીતે સિલ્વર મેડલ લખો ને. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ છે અને એમને પ્રેસિડન્ટ જ રહેવા દેવા જોઈએ, અમેરિકાના પ્રમુખ કે રાષ્ટ્રપતિ શું કામ બનાવવા? ભારતની સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટ અને સેશન્સ કોર્ટને શા માટે કોઈએ સર્વોચ્ચ અદાલત, ઉચ્ચ ન્યાયલય કે સત્ર અદાલત બનાવવી જોઈએ. આવું જ કરવા જઈશું તો રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાને શું નામ આપીશું? ફૉર ધૅટ મૅટર બાકીની તમામ બૅન્કોને બૅન્કને બદલે શું ‘પતપેઢી’ તરીકે ઓળખીશું? નોનસેન્સ (અથવા તો કહો કે બેવકૂફી).

‘રાજ્ય મરાઠી વિકાસ સંસ્થા’ના સર્વેક્ષણમાં ખબર પડી કે ગ્રામ્ય વિસ્તારના નિરક્ષર ખેડૂતો ખેતરનો સામાન ખરીદતી વખતે ‘મટીરિયલ’ શબ્દ છૂટથી વાપરે છે.

ઘણા ગુજરાતી લેખકોને એકેએક શબ્દનું ગુજરાતીકરણ કરી નાખવાનો પાશવી શોખ હોય છે. ગુજરાતી માધ્યમની શાળાઓમાં એસ.એસ.સી.ના ભૌતિકશાસ્ત્રના (ફિઝિકસના, ફૉર યૉર ઈન્ફર્મેશન) પાઠ્યુપુસ્તકમાં ચાર પૈડાં અને બે પૈડાંનાં વાહનોની રચનાનો ખ્યાલ આપવામાં આવે છે ત્યારે ફોર સ્ટ્રોક અને ટુ સ્ટ્રોક (એન્જિન) જેવી ટર્મિનોલોજીનું ગુજરાતીકરણ ‘ચાર ફટકા’ અને ‘બે ફટકા’ કરવામાં આવતું. પેલા અંગ્રેજી શબ્દો જ્યારે ગેરેજના કોઈ અભણ મિકેનિકને પણ ખબર હોય અને આ ગુજરાતી શબ્દો ક્યારેય કોઈ રીતે વપરાવાના ન હોય કે યંત્રની રચના સમજવામાં ઉપયોગી થવાના ન હોય ત્યારે એનો અનુવાદ, અને તેય કઢંગો તરજૂમો, કરવાનો અર્થ શું? છાપાં કે પાઠ્યપુસ્તકોમાં આવા શબ્દો જ્યારે વારંવાર વપરાય છે ત્યારે વાચકો-વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાથી વિમુખ થતા જાય છે.

‘રાજ્ય મરાઠી વિકાસ સંસ્થા’ના સર્વેક્ષણમાં ખબર પડી કે ગ્રામ્ય વિસ્તારના નિરક્ષર ખેડૂતો ખેતરનો સામાન ખરીદતી વખતે ‘મટીરિયલ’ શબ્દ છૂટથી વાપરે છે. ઉપરાંત, બસ સ્ટૉપ, એડિટર અને પેપર (ન્યૂઝ પેપર માટે) જેવા શબ્દો પણ તેઓએ સાહજિક રીતે બોલચાલની રોજિંદી ભાષામાં વણી લીધા છે. મહારાષ્ટ્રમાં ગઢચિરોલી વિસ્તારના મરાઠીઓ ઉર્દૂ શબ્દો ખૂબ વાપરે છે. નાગપુર તરફ તેલુગુપ્રચુર મરાઠી વપરાય છે અને નાસિકની આસપાસના પ્રદેશમાં મરાઠીનું ગુજરાતીકરણ (અથવા તો ગુજરાતીનું મરાઠીકરણ) થયેલું જોવા મળે છે: તૂ ભાંડી ઘસૂન લૌકર પાછો આવી જા.

ગુજરાતી લખાણોમાં ઘણાનો આગ્રહ હોય છે કે એમાં આવતા અંગ્રેજી શબ્દોનો ગુજરાતીમાં અનુવાદ થવો જોઈએ. કેટલાક લેખકો ખૂબ જ ચીવટપૂર્વક એક પણ અંગ્રેજી શબ્દ પોતાના લખાણમાં ઘૂસી ન જાય એનું ધ્યાન રાખીને લખતા હોય છે. આવા લેખકોના શબ્દો ભાષાની સુગંધથી મહેકી શકતા નથી. ચંદ્રકાન્ત બક્ષી જેને ‘ડી.ડી.ટી.થી છાંટીને સાફ કરેલી ભાષા’ કહેતા એવી એ ભાષા હોય છે. વાંચતી વખતે નાક બંધ કરી દેવું પડે એવી.

આવા લેખકોની બરાબર સામેના છેડે ઊભેલા લેખકો ગુજરાતીમાં લખતા હોય ત્યારે માત્ર લિપિ જ ગુજરાતી રાખતા હોય છે, બાકી બધું જ અંગ્રેજીમાં. ભરપૂર અંગ્રેજી શબ્દો વાપરીને વાચકોને ઈમ્પ્રેસ કરવા માગતા લેખકોએ ગુજરાતી ભાષા છોડીને અંગ્રેજીમાં લખવાનું શરૂ કરી દેવું જોઈએ, તરત ખબર પડી જશે કે પોતે કેટલા પાણીમાં છે. ગુજરાતી લખાણોમાં એક આખી ઑક્સફર્ડ ડિક્શનરી ખાલી કરી નાખનારા લેખકો નથી ગુજરાતી સારું લખી શકતા કે નથી અંગ્રેજી સારું લખી શકતા. એમની સંકર ભાષાને ઓળખવા સુરેશ દલાલે ‘ગુજરેજી’ અને ‘ગુજલિશ’ શબ્દો કૉઈન કર્યા હતા.

બે અંતિમો ધરાવતા આવા લેખકો ઉપરાંત એક ત્રીજી પણ જાત છે લેખકોની જેમની ગુજરાતી ભાષામાં અંગ્રેજી કે બીજી ભાષાના શબ્દો બહુ સાહજિકપણે આવી જાય, આપણે વાતચીત કરતા હોઈએ એવું લાગે. અંગ્રેજી શબ્દોના ઉપયોગથી તેઓ ગુજરાતી ભાષાની કેટલીક ત્રુટિઓને ઢાંકીને પોતાની વાતને યોગ્ય રીતે અને વધુ ભારપૂર્વક વ્યક્ત કરી શકતા હોય છે (ગુજરાતી ભાષાની ત્રુટિઓ અને મર્યાદાઓ નથી એવું કોઈ ન કહે, મર્યાદાઓ દરેક ભાષાની હોય છે, જેમ ખૂબીઓ દરેક ભાષાની હોય છે એમ. માણસોનું પણ એવું જ).

છાપાં-મેગેઝિનો કે પુસ્તકો માટે લખતા લેખકોની ભાષાને આ ત્રણ ખાનાંમાં વહેંચી શકાય. આમ છતાં, એક વાત જોઈ છે કે, ઘણા બધા વાચકોને ગુજરાતી લખાણોમાં આવતા અંગ્રેજી શબ્દો વરિયાળીમાં કાંકરી ચવાઈ જાય એમ કઠતા હોય છે. બરાબર સાડાત્રણ દાયકા અગાઉ તિથલનિવાસી આપણા તેજસ્વી ફોટોગ્રાફર સ્વ. અશ્વિન મહેતાએ પત્રકાર શીલા ભટ્ટને મારા વિશે ફરિયાદ કરતાં કહ્યું હતું: ‘આ સૌરભ નકામા નકામા અંગ્રેજી શબ્દો ખૂબ વાપરે છે!’

આ વાતની નોંધ મેં તે વખતે સુરતના ‘ગુજરાત મિત્ર’માં છપાતી મારી દૈનિક કૉલમ ‘તારીખ અને તવારીખ’માં લઈને છેલ્લે લખ્યું હતું: આ કૉલમ વિશેના આવા અભિપ્રાયથી હું ખરેખર ચિંતિત થઈ ગયો છું. ખૂબ મનન પછી મને લાગે છે કે મારાં લખાણોમાં આવતા અંગ્રેજી શબ્દોને મારે કૉન્શ્યસલી અવૉઈડ કરવા જોઈએ.

આજનો વિચાર

ભાષા તો દિમાગની બત્તી છે.

– જૉન સ્ટુઅર્ટ મિલ
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

9 COMMENTS

  1. કયારથી ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ શરુ થયો એ પણ એક સંશોધનનો વિષય છે.
    મેઘાણી, મુનશી, ધૂમકેતુ, કંુદનિકા કાપડિયા, વષઁા અડાલજાનું સાહિત્ય શુદ્ધ ગુજરાતી રહ્યું છે જ.
    બીજા ઘણા નામ ઉમેરી શકાય.
    એમા ચોખલિયાપણું પણ નથી લાગતું.
    તદન સાહજીક જણાય છે.
    પરભાષાના શબ્દોનો વધારે પડતો ઉપયોગ લેખને ઉતાવળમાં લખ્યો છે એવી છાપ પણ આપે છે.
    બોલચાલની ભાષા લખવી સહેલી પડે છે એટલે પણ
    વિચારવાને બદલે અંગ્રેજી શબ્દ વાપરી લેવાય.
    આવી છુટછાટ ના લેવાય તો એ ભાષાની સેવા જ ગણાય.

    તા.ક. નેત્ર દીપક શબ્દ કયા અંગ્રેજી શબ્દનો તરજુમો છે?
    કટોકટીના શરુઆતના પ્રકરણોમાં આ શબ્દપ્રયોગ ઘણી વાર થયો છે. આજે પૂછવાની છૂટ લઉ છું .

  2. Evu dhilu valan rakhe to gujarati no vaprash ghati jaay. Eg. Atyare aapne amuk shabdo jeva ke cha palang aangali vagere ne badle angreji shabdo tea bed finger vaparie to 10 varas pachhi ‘cha palang aangali’ shabdo bhadram bhadra lagshe.
    Ane amitabh bachchan jevo angreji no saro jankar pan jyare hindi bole tyare apne modhama angala nakhi daie evi sari hindi bole chhe. Je bhasha bolo tene yogya nyay aapo.

  3. આ પ્રકારની વિચારધારા ને “ભદ્રંભદ્ર” કહેવાય છે. ટ્રેન સ્ટેશન =અગ્નિ રથ વિરામ સ્થળ .
    ટિકિટ =મૂલ્ય પત્રિકા
    જો આવાં અસંખ્ય શબ્દો નાં સાહજિક રીતે ઉપયોગ થાય છે..જે ભાષાને સમૃધ્ધ અને પ્રગતિશીલ બનાવે છે..ભંદ્રમ્ભદ્ર સ્ટ્રેટેજીકીલી કન્ફ્યુઝ્ડ કરે છે ઈનુ શું?!!

  4. મહારાષ્ટ્રમાં Computerised Bank Branch માટે संगणक शाखा શબ્દો વપરાય છે.! Fixed Deposits માટે मुदती ठेवी અને bus stop માટે बस थांबा વપરાય છે. કેટલાક ઉત્સાહી હજામો Saloon માટે केशकर्तनालय શબ્દ લખે છે. માત્ર કૉરોનાનો અનુવાદ નથી કર્યો.! મને એક અનુવાદ ગમ્યો છે, Highwayનો… એ છે મહામાર્ગ…

  5. આપણી ગુજરાતી ભાષામાં પણ ધણા અંગ્રેજી શબ્દો આવે છે, જેને બદલવા પણ મુશ્કેલ છે. દા.ત ટેબલ ખુરશી, કપ રકાબી,ટેલિફોન, સેલ ફોન, કેમેરો, સાઈકલ, આવા તો હજાર નામ મળશે, જેનો ગુજરાતી શબ્દ ગોતવા જવું પડશે.

  6. ભાષામાં લખતી કે બોલતી વખતે થોડા ઘણા બીજી ભાષાના શબ્દો આવી જાય તેનાથી કંઈ આભ તુટી પડવાનું નથી. અંગ્રેજી ભાષાના ઘણા એવા શબ્દો છે જે બોલવાની કે લખવાની આપણને આદત પડી ગઇ છે તે હવે ભૂલાઈ જવાની નથી. એ શબ્દો એવાછે કે જેના ઉપયોગ થી વાત સારી રીતે સમજી શકાય. હા, ફક્ત પોતાના અંગ્રેજીના જ્ઞાનનું પ્રદર્શન કરવા ખાતર એવા શબ્દોનો અતિશય ઉપયોગ વર્જ્ય ગણાવો જોઈએ. તમારો આ આખો લેખ ગુજરાતમાં વાંચી શકતા લોકો જ્યારે એના પર અંગ્રેજીમાં કોમેન્ટ્સ લખે ત્યારે મને આશ્ચર્ય જરૂર થાય.

  7. Hasmukhbhai Gandhi (Samkalin) yaad avi gaya. One of the best editor in gujarati news media, ” Aa tad ne phad “

  8. લખતી કે બોલતી વખતે જે ભાષા મા વ્યવહાર ચાલુ હોય એને જ ન્યાય આપવો, અંગ્રેજી બોલતી વખતે જો ભુલ થી બીજી ભાષા નો પ્રયોગ થઈ ગયે તે લોકો અભણ સમજે છે એટલે શુદ્ધ ભાષા નો આગ્રહ રાખવો જોઈએ અને આગ્રહ થી ગુજરાતી કે હિંદી બોલતી વખતે કે કોઈ પણ ભારતીય ભાષા બોલતી વખતે અંગ્રેજી અને ઉર્દૂ નો પ્રયોગ ટાળવો જોઈએ.
    આ મારો મત છે

  9. One example Date of expiry ફિલમના સરટીફિકેટ નુ ભાષાનતર अवसान की तारिख !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here