અચ્છા, તો હમ ચલતે હૈં : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : શનિવાર, ૩૧ ડિસેમ્બર ૨૦૨૨)

૧૯૭૩નું વર્ષ ‘રાજારાની’થી શરૂ થયું. (‘રાજાજાની’ જુદી હતી, એ ધર્મેન્દ્ર-હેમા માલિનીની. ૧૯૭૨માં આવેલી.) આ રાજેશ-શર્મિલાની જે સચિન ભૌમિકે લખી. સચિન ભૌમિકના ડિરેક્શનની આ એક માત્ર ફિલ્મ. સુપર ફલોપ હતી. રાજેશ ખન્નાની પડતીની શરૂઆત ૧૯૭૨ના અંતથી ઑલરેડી થઈ ચૂકેલી ત્યાં ૧૯૭૩નો આરંભ જ ‘રાજારાની’ના ધબડકાથી થયો. આજે આ ફિલ્મના એક ગીત સિવાય લોકોને બીજું કશું યાદ નહીં હોય: જબ અંધેરા હોતા હૈ…

લકીલી ગુલશન નંદાએ ટોમસ હાર્ડીની ફેમસ નૉવેલ ‘ધ મેયર ઑફ કાસ્ટરબ્રિજ’ પરથી બેઝિક આઈડિયા લઈને લખેલી નવલકથા ‘મૈલી ચાંદની’ પરથી યશ ચોપરાએ પોતાના પ્રોડક્શનની પહેલી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ‘દાગ’. મેરે દિલ મેં આજ ક્યા હૈ, તુ કહે તો મૈં બતા દૂં. ‘દાગ’ સુપરહિટ નીવડી. ઘડીભર ‘રાજારાની’ની નિષ્ફળતા પાછળ ધકેલાઈ ગઈ.

પણ એ જ વર્ષે, ૧૯૭૩માં અમિતાભ બચ્ચનની ‘ઝંજીર’ આવી. ‘એક નઝર’, ‘બંસી બિરજુ’ વગેરે ડઝન ફલોપ ફિલ્મો પછી બચ્ચનજીને રિયલ બ્રેક મળ્યો. બચ્ચનજી એ જમાનાથી ઍન્ગ્રી યંગ મૅન તરીકે સ્થાપિત થઈ ગયા.

આમ તો કોઈની ચડતી બીજાની પડતીનું કારણ હોય એવું દર વખતે નથી બનતું પણ લોકોને આવું બધું માનવું બહુ ગમતું હોય છે. બાકી બચ્ચનજી કંઈ કાકાની પડતીને કારણે મહાન બચ્ચનજી નથી બન્યા. પોતાની ટેલન્ટ, સૂઝ, મહેનત અને લોકો સાથેના વ્યવહારને લીધે તેઓ જે કંઈ છે તે છે. એ જ રીતે બચ્ચનજીના ઉદયને લીધે રાજેશ ખન્ના પછડાઈ ગયા કે પછડાટમાંથી ઊભા નહીં થઈ શક્યા એવું નથી. કામ માટેની ઍટિટ્યુડ, લોકો સાથેનું વર્તન તેમ જ ફિલ્મોની પસંદગી તથા પ્રોફેશનલ જીવનમાં બેદરકારીને કારણે રાજેશ ખન્નાનાં વળતાં પાણી શરૂ થયાં.

કહેવાય છે કે જે રસ્તો તમે લેવા નથી માગતા એ જ રસ્તા પર કિસ્મતની દેવી ફૂલોનો હાર લઈને તમને પોંખવા તૈયાર ઊભી હોય છે. રાજેશ ખન્નાએ જે ટાઈપની ફિલ્મો કરવી જોઈતી હતી તે ન કરી (અથવા ન કરી શક્યા) અને નિષ્ફળતાના કળણમાં વધારે ને વધારે ખૂંપતા ગયા. મારે હિસાબે ‘ન કરી’ કરતાં ‘ન કરી શક્યા’ એવું કહેવું વધારે યોગ્ય કહેવાશે.

સલીમ-જાવેદને રાજેશ ખન્નાએ ‘હાથી મેરે સાથી’ વખતે દસ હજાર રૂપિયા અપાવ્યા હતા. બેઉ જણ તે વખતે મહિને સાડા સાતસો રૂપિયામાં જી. પી. સિપ્પીના સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા. એ હિસાબે દસ હજાર ઘણી મોટી રકમ કહેવાય. પણ બંને લેખકોને એ ઓછી લાગી. શું કામ? રાજેશ ખન્નાને ‘હાથી મેરે સાથી’ માટે પાંચ લાખ રૂપિયા મળ્યા હતા અને રાઈટરોને બે જણ વચ્ચે માત્ર દસ હજાર! બેઉના ઈગો ઘવાયા. ફિલ્મની સફળતાનો જશ પોતે લખેલા સ્ક્રીનપ્લેનો છે એવું તેઓ માનતા; જ્યારે રાજેશ ખન્ના કહેતા કે પોતાની ઍક્ટિંગને લીધે ફિલ્મ હિટ થઈ. વાસ્તવમાં તો, ફિલ્મ રાજુ હાથીને કારણે, ખાસ કરીને એના ડેથ સીનને કારણે, હિટ થઈ હોવી જોઈએ: નફરત કી દુનિયા કો છોડ કે પ્યાર કી દુનિયા મેં ખુશ રહના મેરે યાર… શું ગીત હતું!

સલીમ ખાનને કાકા સાથે બીજો પણ પ્રૉબ્લેમ હતો. એક ઈન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું: ‘રાજેશ ખન્ના સાથે ડીલ કરવું ડિફિકલ્ટ હતું. ક્યારે, કઈ ઘડીએ કેવી રીતે વર્તશે, શું બોલી નાખશે, એ કોઈ જાણતું નહીં.’ સલીમ ખાને કહ્યું હતું કે ઘણી વખત મિડિયોકર લોકો કે લિમિટેડ ટેલેન્ટવાળાની લાંબી સક્સેસફુલ કરિયર જોવા મળે છે પણ રાજેશ ખન્ના ટેલેન્ટેડ હોવા છતાં પોતાની ઈન્સિક્યુરિટીઝને કારણે ઘાંઘા થઈ જતા અને ખરાબ વર્તન કરી બેસતા.’

સલીમ ખાન અને જાવેદ અખ્તર ‘હાથી મેરે સાથી’ પછી પોતાનાથી રૂઠી ગયા છે અને હવે અમિતાભ બચ્ચનને સપોર્ટ કરી રહ્યા છે એવી ખાતરી થયા પછી રાજેશ ખન્નાએ પોતાની પછડાટમાંથી બેઠા થવા અનેક વખત સલીમ-જાવેદનો હાથ પકડવાની કોશિશ કરી પણ દર વખતે કાકાને તરછોડવામાં આવ્યા. શમ્મી કપૂર ‘ઈર્મા લા ડ્યુસ’ પરથી ‘મનોરંજન’ બનાવવા માગતા હતા અને રાજેશ ખન્નાને કાસ્ટ કરવા માગતા હતા. ખન્નાએ સ્ટોરી ડેવલપ કરવા માટે સલીમ જાવેદનું નામ આગળ ધર્યું. પણ વાત ન બની. છેવટે અબ્રાર અલવીએ સ્ટોરી ડેવલપ કરી. કાકા ખસી ગયા. સંજીવકુમારે ફિલ્મ કરી. ફ્લોપ થઈ.

શક્તિ સામંતા વાયવ્ય સરહદના કબાઈલી નેતાની ટ્રુ સ્ટોરી પરથી રાજેશ ખન્નાને લઈને ફિલ્મ બનાવવા માગતા હતા. ખન્નાએ કહ્યું સલીમ-જાવેદ પાસે સ્ક્રિપ્ટ લખાવીએ. સલીમ-જાવેદે સામંતાને કહ્યું આવી એક્શન ઓરિયન્ટેડ ફિલ્મમાં રાજેશ ખન્ના ના ચાલે, ધર્મેન્દ્ર જેવું કોઈક જોઈએ, કહીને સલીમ-જાવેદ પ્રોજેકટમાંથી હટી ગયા. સામંતાએ ફિલ્મ જ પડતી મૂકી. પછી એક દાયકા બાદ શક્તિદાએ જેકી શ્રોફને લઈને ‘પાલેખાન’ બનાવી જેના ડિરેક્ટર તરીકે દીકરા આસિમ સામંતાનું નામ છે.

યશ ચોપરા ‘દીવાર’માં વિજયના રોલમાં રાજેશ ખન્ના અને રવિના રોલમાં નવીન નિશ્ર્ચલને લેવાના હતા. ‘દીવાર’ની સ્ક્રિપ્ટની શરૂઆતના સ્ટેજમાં રાજેશ ખન્ના સાથે યશજીએ ઘણી સીટિંગ્સ કરી હતી એવું રાજેશ ખન્નાના મિત્ર અને વર્ષો સુધી એમના બિઝનેસ અસોસિયેટ રહેલા ભૂપેશ રસીનનું કહેવું છે. ‘દીવાર’ની અનેક ઈમ્પોર્ટન્ટ સિચ્યુએશન્સ કાકા સાથે ડિસ્કસ થતી, કાકાનો અભિપ્રાય પણ પૂછવામાં આવતો. ‘દીવાર’ ગુલશન રાયનું પ્રોડકશન હતું અને રાયે કાકાને એક ફિલ્મ માટે સાઈન કર્યા હતા એટલે નેક્સ્ટ ફિલ્મ ‘દીવાર’ એમની પાસે જ કરાવીશું એવું પ્રોડ્યુસરે માન્યું હતું, ડિરેક્ટર પણ રાજી હતા. પણ સલીમ-જાવેદને આ મંજૂર નહોતું. ‘દીવાર’ પરની ચર્ચાઓ પૂરી થયા પછી માત્ર ૧૮ દિવસમાં બેઉ જણાએ આખી સ્ક્રિપ્ટ લખી નાખી. સલીમ-જાવેદ માટે કાસ્ટિંગ પણ નક્કી હતું: બચ્ચન નહીં તો સ્ક્રિપ્ટ નહીં—સલીમ-જાવેદે શરત મૂકી. પ્રોડ્યુસર-ડાયરેકટર બચ્ચન સિવાય કોઈને લેવા માગતા હશે તો ‘દીવાર’ની સ્ક્રિપ્ટ એમને નહીં મળે.

જસ્ટ વિચાર કરો કે પુલ નીચે ઊભાં ઊભાં રાજેશ ખન્ના પોતાની પાસે શું શું છે તે ગણાવીને નાના ભાઈને પૂછતા હોત કે તારી પાસે શું છે ત્યારે જવાબ આપતા નવીન નિશ્ર્ચલવાળું દૃશ્ય કેવું લાગતું હોત.

સલીમ-જાવેદે ‘હાથી મેરે સાથી’ના દસ હજાર રૂપિયાવાળા અનુભવ પછી સમજદારીથી કામ કર્યું. કેટલીક ફિલ્મોમાં એમની ફી હીરો જેટલી જ રહેતી, કેટલીકમાં હીરો કરતાં પણ વધારે. કરનના પિતા યશ જોહરની ‘દોસ્તાના’માં એમની ફી બચ્ચનજી કરતાં વધારે હતી.

૧૯૭૫ની સાલમાં બચ્ચનજીની ‘દીવાર’ અને ‘શોલે’ રિલીઝ થઈ. ૧૯૭૫ની જ સાલમાં બચ્ચનજીની ‘ચુપકે ચુપકે’, ‘ફરાર’, ‘મિલી’ અને ‘ઝમીર’ પણ રજૂ થઈ.

એ જ વર્ષ, ૧૯૭૫માં, રાજેશ ખન્નાની માત્ર એક જ ફિલ્મ રિલીઝ થઈ – રાજ ખોસલાવાળી ‘પ્રેમ કહાની’ જેમાં કાકા ઉપરાંત વિનોદ ખન્ના અને શશી કપૂર પણ હતા. બચ્ચનના તોતિંગ વર્ષમાં કાકાનું ઝાંખુંપાંખું પ્રદર્શન થયું. ૧૯૭૫માં જે. ઓમ પ્રકાશની ‘આક્રમણ’ નામની ભુલાઈ ગયેલી ફિલ્મમાં રાજેશ ખન્નાએ ફ્રેન્ડલી અપિયરન્સ કર્યો હતો એટલું રેકોર્ડ ખાતર.

કટ ટુ કાકાના જીવનનો છેલ્લો દાયકો.

રાજેશ ખન્નાએ આર. કે. ફિલ્મ્સના ગોલ્ડન જયુબિલી યરમાં રિશી કપૂરના ડિરેક્શનમાં જે ફલોપ ફિલ્મમાં અભિનય કર્યો તે ‘આ અબ લૌટ ચલે’નું રાઈટિંગ રૂમી જાફરીએ કર્યું હતું. રૂમીએ ‘કુલી નં. વન’ અને ‘હીરો નં. વન’થી માંડીને ‘ઘરવાલી બાહરવાલી’ તથા ‘છોટે મિયાં-બડે મિયાં’ અને ‘ચલતે ચલતે’ સુધીની ચાળીસથી વધુ ફિલ્મોની કથા/પટકથા/સંવાદ – આ ત્રણેય કે ત્રણમાંથી એક કે બે લખ્યાં છે. એટલું જ નહીં ‘ગૉડ તુસ્સી ગ્રેટ હો’ જેવી ત્રણેક ફિલ્મોનું ડિરેક્શન પણ કર્યું છે. રૂમી જાફરી ‘આ અબ લૌટ ચલે’ (૧૯૯૯) પછી રાજેશ ખન્નાના નિકટના મિત્ર હતા. બીજી તરફ સલીમ ખાનના ફૅમિલી સાથે પણ રૂમી જાફરીને આત્મીય સંબંધો.

રૂમી જાફરી કહે છે કે રાજેશ ખન્નાની આર્થિક હાલત ખસ્તા થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું ઈન્કમ ટેક્સે બાકી કર વસૂલાત (દોઢ કરોડ રૂપિયા)ની નોટિસ ઠોકી હતી. તે વખતે સલમાન ખાને રૂમીને કહ્યું હતું કે મારો ભાઈ સોહેલ ખાન તને મળવા માગે છે. સોહેલે કહ્યું કે અમને લોકોને રાજેશ ખન્નાનો બંગલો ‘આશીર્વાદ’ ખરીદવામાં રસ છે. ભાવ, રાજેશ ખન્ના જે કહે તે , ઉપરથી ઈન્કમ ટેક્સવાળી એમની જવાબદારી અમારી. એટલું જ નહીં રાજેશ ખન્નાની ફિલ્મ પ્રોડક્શન કંપની માટે એક ફિલ્મ સલમાન ખાન ફ્રીમાં કરશે, ટોટલી ફ્રી. રૂમીને લાગ્યું કે આનાથી સારી બીજી કોઈ ઑફર ન હોઈ શકે.

રૂમીએ ઉત્સાહથી કાકાને ફોન પર આ ઑફર વિશે વાત કરી. સામે છેડે ચૂપકીદી. છેવટે કાકાએ કહ્યું, ‘હું તને મારા ઘરનો માણસ માનું છું અને તું મારું ઘર વેચાવી દેવા માગે છે, મને સડક પર લાવવા માગે છે…’

સોદો ન થયો. કાકાની મુશ્કેલીઓ ચાલુ રહી. એક દિવસ ‘આશીર્વાદ’ના ઉપલા માળેથી રાજેશ ખન્ના અને એમના મિત્ર જહોની બક્ષી અરબી સમુદ્રના ઉછળતા મોજાં જોઈ રહ્યા હતા. સવારના છાપાઓમાં સમાચાર પથરાઈ ગયા હતા કે ઈન્કમટેક્સવાળાઓ એરિયર્સની વસૂલી કરવા ‘આશીર્વાદ’નું લિલામ કરવાના છે. જહોની બક્ષીએ કહ્યું ભૂતપૂર્વ ઈન્કમ ટેક્સ ઑફિસર વિનયકુમાર સિન્હા (જેમણે ‘અંદાઝ અપના અપના’ પ્રોડ્યુસ કરી હતી) મારા મિત્ર છે. તમે કહેતા હો તો એમની સલાહ લઈ જોઉં, કોઈ ઉકેલ નીકળતો હોય તો… જહોની બક્ષી કહે છે: કાકાએ સહેજ માથું હલાવીને હા પાડી અને કહ્યું: વાત તો કર…

રૂમી કહે છે કે આર્થિક બેહાલીના દિવસોમાં રાજેશ ખન્નાએ પોતાની ઈમ્પોર્ટેડ કાર કાઢીને નવી મારુતિ-એઈટ હન્ડ્રેડ વસાવી હતી. એટલું જ નહીં કૉલેજના દિવસોથી ફાઈવફાઈવફાઈવ પીનારા રાજેશ ખન્નાએ ‘ગોલ્ડ ફ્લેક’ પીવાનું ચાલુ કરી દીધું હતું.

માનવામાં ન આવે એવી વાત છે.

૨૦૦૦ની સાલની આસપાસ જમાઈ અક્ષયકુમારે ‘આશીર્વાદ’ ખરીદીને રાજેશ ખન્નાની આર્થિક તકલીફો દૂર કરી નાખી એવી અફવાએ ખૂબ જોર પકડ્યું હતું, પણ ઇન્કમટૅક્સવાળા વિનયકુમાર સિન્હા જુદી જ કહાણી કહે છે. સિન્હાના કહેવા પ્રમાણે રાજેશ ખન્નાની આર્થિક તકલીફો દૂર થાય એ માટે એમની પાસે ઈનફ પ્રોપર્ટીઝ હતી. મલાડમાં ખૂબ મોટી જમીન હતી. દેશમાં બીજે ઠેકાણે પણ જમીનો ખરીદી રાખી હતી. થોડાક દાયકા પહેલાં ચેન્નઈની જમીન વેચીને સો કરોડ કરતાં વધુ મોટી રકમ હાથમાં આવી હતી. કાકા પોતે પોતાની સંપત્તિની બાબતમાં એટલા બેદરકાર હતા કે એને કારણે ઘણો મોટો (કાનૂની) મેસ ઊભો થઈ ગયો હતો. કાકાને નિકટથી જાણનારા કેટલાક અંગત લોકો કહેતા કે મરતી વખતે રાજેશ ખન્ના ઓછામાં ઓછી પાંચસો કરોડ રૂપિયાની પાર્ટી હતી.

સાચું ખોટું ભગવાન જાણે.

રાજેશ ખન્નાની અભિનયક્ષમતા ‘આ અબ લૌટ ચલે’ (૧૯૯૯) વખતે પણ અકબંધ હતી એવો એક દાખલો રૂમી જાફરીએ આપ્યો છે. રાજેશ ખન્ના રૂમીને તે વખતે કહેતા કે મેં રડવા માટે ક્યારેય ગ્લિસરિનનો ઉપયોગ કર્યો નથી, દિગ્દર્શકને મારા સંવાદ દરમિયાન જે શબ્દ વખતે જેટલાં ટીપાં આંસું જોઈએ એટલાં પાડી શકતો. એક દિવસ રૂમી જાફરી અને ફિલ્મના સિનેમેટોગ્રાફર સમીર આર્યાએ હૉટેલની લિફ્ટ પાસે જતાં લૉબીમાં કાકાને કહ્યું અને કાકાએ તરત જ જોઈતાં આંસું આંખમાંથી કાઢીને ગાલ પર સરકાવ્યા. રંગમંચની પાક્કી તાલીમ રાજેશ ખન્ના પાસે હતી.

જે. ઓમ. પ્રકાશે એક ઈન્ટરવ્યૂમાં ‘આપ કી કસમ’ના શૂટિંગનો એક કિસ્સો યાદ કરતાં કહ્યું છે: ‘એ બ્રિલિયન્ટ ઍક્ટર હતા. ફિલ્મના એક સીનમાં હીરો કમલ (રાજેશ ખન્ના)ને પોતાની ભૂલ સમજાતાં એ હિરોઈન મુમતાઝના ફાધર (રહેમાન) પાસે દોડી જાય છે. ત્યાં એને ખબર પડે છે કે મુમતાઝ (સુનીતા)એ પુનર્લગ્ન કરી લીધાં છે. આ સીન ઈમોશનલી હેવી હતો અને એમાં જરા અટપટી કૅમેરા મૂવમેન્ટ્સ હતી. રાજેશ ખન્નાએ જમીન તરફ આંખો રાખીને સંવાદ બોલવાનું શરૂ કરીને જેવો ક્રેન પરનો કૅમેરા નજીક આવે કે તરત ક્લોઝ અપ માટે પોતાના હોઠ ધ્રુજાવીને આંખમાંથી આંસુંનું એક ટીપું પાડવાનું હતું અને પછી નિ:શબ્દ બનીને નજર બીજી તરફ ફેરવી લઈ બહાર જતા રહેવાનું હતું. પહેલા જ ટેકમાં શૉટ ઓકે થઈ ગયો. પરફેક્ટ ટેક હતો, પણ કૅમેરાની મૂવમેન્ટ જરા હાલી ગઈ એટલે રિટેક કરવો પડ્યો. કાકાએ ફરી એ જ ઈન્ટેન્સિટીથી બીજો ટેક આપ્યો, પણ ફરી કોઈ ટેક્નિકલ ભૂલ થઈ. આવું કુલ સાત વખત થયું, પણ રાજેશ ખન્નાએ સહેજ પણ અકળાયા વિના સાતે સાત વખત સેમ ઈન્ટેન્સિટીથી, સેમ એક્સ્પ્રેશન્સ સાથે શોટ્સ આપ્યા.’

આવા અભિનેતા ફેઈલ શું કામ જાય?

૧૯૭૪માં ‘આપ કી કસમ’ અને ૧૯૭૬માં શક્તિ સામંતાની ‘મહેબૂબા’. હિરોઈન રત્ના (હેમા માલિની) હીરો પ્રકાશ (રાજેશ ખન્ના) ને જે લાંબા સંવાદ સાથે રિએક્શન આપે છે તેનો સિંગલ શૉટ દિગ્દર્શક લેવા માગતા હતા. રાજેશ ખન્ના આવા ઈમોશનલ શોટ્સ આપવામાં માહેર હતા, દિગ્દર્શકની ક્યુ પર પરફેક્ટ ઈમોશન પણ આપતા. સામંતાના લાઈટ્સ, રોલ સાઉન્ડ, સ્ટાર્ટ કૅમેરા અને ઍક્શનના હુકમ પછી રાજેશ ખન્નાએ ક્લાઈમેક્સનો આ શૉટ પરફેક્ટ આપ્યો, પણ દિગ્દર્શકને હજુ જોઈએ એવો સંતોષ થયો નહીં. વન મોર ટેક પ્લીઝ, શક્તિ સામંતાએ કહ્યું. કારણ કે કાકા જરા વધારે પડતા ઈમોશનમાં આવીને સંવાદ બોલી ગયા હતા, શક્તિદાને થોડું સબડ્યુડ પરફોર્મન્સ જોઈતું હતું. કોઈ પણ હાઈલી ચાર્જ્ડ ઈમોશન્સવાળા સીનમાં આવું થવાનું જ. રાજેશ ખન્નાએ તરત જ ફરી સ્ટાર્ટિંગ લાઈન પર આવીને ડિરેક્ટરના ‘ઍક્શન’ની રાહ જોવાની હતી, પણ એવું કરવાને બદલે એમણે શક્તિ સામંતાની આંખમાં આંખ નાખીને કહ્યું: ‘ઈસ સે બેટર પરફોર્મન્સ આપ કો ઈન્ડિયા મેં કોઈ નહીં દેગા.’

સામંતાને જરા વાર લાગી કાકાએ શું કહ્યું તે સમજતાં. ‘આરાધના’, ‘કટી પતંગ’ અને ‘અમરપ્રેમ’ કરી ચૂકેલા કાકા પોતાને આ શબ્દો કહે એવું માનતાં જરા વાર લાગી અને તરત શક્તિદાએ લંચબ્રેક જાહેર કરી દીધો. સ્ટુડિયોના ફ્લોર પરથી નટરાજ સ્ટુડિયોમાંની ઑફિસ સુધી જતાં શક્તિદાએ રાજેશ ખન્નાને હળવેથી કહ્યું, ‘કાકા, રાજેશ ખન્ના ખતમ થઈ ચૂક્યો છે, ફિનિશ્ડ… હી ઈઝ ડેડ.’ રાજેશ ખન્નાને ધક્કો લાગ્યો, ‘ક્યોં, શક્તિસા’બ?’ શક્તિ સામંતાએ કહ્યું કે ‘આવા થર્ડ રેટ શૉટને તું ગ્રેટ માનતો હોય તો એનો મતલબ એ કે તારું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું છે, એક એક્ટરના અંતની આ નિશાની છે.’

લંચ પછી કાકાએ દિગ્દર્શકને કહ્યું, ‘ચાલો, સેકન્ડ ટેક કરીએ,’ પણ હવે ના પાડવાનો વારો શક્તિ સામંતાનો હતો. એમણે એ પછીનો શોટ ગોઠવ્યો. શક્તિદાના પુત્ર આસિમ સામંતા આ કિસ્સો વર્ણવીને કહે છે કે પિતાએ ઈગો ટ્રિપ છોડીને બીજો ટેક લીધો હોત તો ‘મહેબૂબા’ સારી બની હોત.

જોકે, આય ડાઉટ. મેં ડીવીડી પર ‘મહેબૂબા’ ફરી જોઈ. ફરી ખાતરી થઈ કે ફિલ્મનું મ્યુઝિક સારું હતું, ફિલ્મ નહીં. બહુ લોચા હતા સ્ક્રિપ્ટમાં. રાજેશ ખન્નાએ ‘આપ કી કસમ’ની જેમ આ શૉટ માટે સાત નહીં સિત્તેરવાર રિટેક્સ આપ્યા હોત તોય ફિલ્મ ઉગરી શકી ન હોત.

રાજેશ ખન્ના સફળ હતા.કારકિર્દીની શરૂઆતની ૧૫ સુપર હિટ્સ અને એ પછીના બે દાયકા દરમિયાન આવેલી ‘અવતાર’, ‘થોડી સી બેવફાઈ’ કે ‘સૌતન’ જેવી બીજી અડધો-પોણો ડઝન હિટ ફિલ્મો ઉમેરો તો ટોટલ ૨૪ ફિલ્મો થઈ જેણે બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડી.

સફળતા મળ્યા પછી રાજેશ ખન્ના બદલાઈ ગયા? કદાચ હા, કદાચ ના. તમારી સફળતા/ નિષ્ફળતાથી તમે પોતે એટલા નથી બદલાતા જેટલા તમારી આસપાસના લોકો બદલાય છે.

પણ પૉપ્યુલર હિંદી સિનેમા પાસે માત્ર એક જ માપદંડ છે – કાં તો હિટ, કાં ફ્લોપ. કાં તમારો સિતારો ચડતો હોય, કાં આથમતો હોય. અને સિતારો ચડતો હોય ત્યારે તમે ઘમંડી, અભિમાની અને તુમાખી હો. આથમતા ગાળામાં તમે એકલા, કડવા અને બદમિજાજ હો. રાજેશ ખન્નાને પણ આપણે આ જ પેરામીટર્સથી મૂલવતા આવ્યા છીએ અને એ જ આપણી ભૂલ છે.

આજનો વિચાર

આઈ હેટ ટિયર્સ, પુષ્પા.

– રાજેશ ખન્ના (‘અમરપ્રેમ’માં)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. સૌરભભાઈ, 2023 મા newspremi પર દીલીપ કુમાર સાબની series is long overdue . You had promised it so, just a gentle reminder from newpremi reader. Thanks

  2. In his 2nd inning Rajesh khanna’s thodi si bewafai,sautan, avtaar did good business, he got his due as actor in these films. Rishi kapoor as a director cast him in “Aa ab laut chale” આ પીકચરમા એમના એન્ટ્રી સીન મા એમનો દબદબો જોવા લાયક છે.

    *

    રાજારાનીનુ બીજુ એક ગીત ‘ મે એક ચોર તુ મેરી રાની ‘ ,( કીશોર-લતાજી) પણ મજાનુ છે. આપ કી કસમ રહેમાનવાળા સીન પછી “જીંદગી કે સફરમે ” ગીત છે. રહેમાનના ઘરેથી નીકળી રેલવે પ્લેટફોર્મ પર ચાલતા ચાલતા ટ્રેન મા બેસવા સુધી , અભિનય નો માસ્ટર કલાસ,એમની ક્ષમતાનો નીચોઙ . સીટ પર થાકી-હારીને બેસવુ અને ગીત શરૂ થવુ. Superb Anand Bakshi-R.D.-kishor kumar-rajesh khanna what more you can ask for. રાજપુત ( વીજય આનંદ) જેઓ song picturisation ના genius ગણાય ” મેરે સંગ સંગ આયા તેરી યાદો કા મેલા” રાજેશજી superstar personality ને લાયક ગીત બનાવ્યુ. રાજેશ ખન્ના ના ગીતો માટે top 5 – top 10 ગણતરી કરી ન શકાય, top 50 ની ગણતરી કરવી પઙે. જેકી શ્રોફ નસીબદાર તો છે જ કાકાજી માટે લખાયેલ 2 filmo ” પાલેખાન ” અને બીજી ” કાશ “, મહેશ ભટ્ટે કાશ માટે રાજેશ ખન્નાને સાઈન કરી જ લીધેલા.

    *

    For us film audiences it’s unfortunate that 2 big actors Rajesh khanna and Amitabh Bachan worked in 2 movies only. Anand and Namak Haram both masterpiece. પણ હીરા-માણેક એટલા માટે રેર ગણાય કે એની સંખ્યા ઓછી હોય.

  3. Very good unbiased and non-judgemental article providing insight into the career and life of Rajesh Khanna.
    In the past you have written about Jagjit Singh and explained some of the shayari of Mirza Ghalib, would love to read something similar.

  4. રાજેશ ખન્નાની લગભગ ૨૪ ફિલ્મો આપણે સુપર હિટ, હિટ , ગણી અને થોડી સેમિ હિટ તો એની સામે અમિતાભ બચ્ચન ની સારી ફિલ્મો ઝંજીર, અભિમાન, દિવાર, ત્રિશુલ , ડોન, અમર અકબર…, મુકદ્દર કા સિકંદર, ગણી ગાંઠી જ છે અને પાછલા સમયમાં ‘આખરી રાસ્તા ‘સારી ગણી શકાય બીજું એ કે અમિતાભ ને સામે વાળાનો કચરો કરવો કે એને નીચો દેખાડવા માટે સેકન્ડ હિરો (શશી કપૂર/વિનોદ ખન્ના) ) અને બીજા મળી રહેતા. અમિતાભ ને અમિતાભ બનાવવામાં સલીમ – જાવેદ નો ફાળો પણ છે. બાકી અમિતાભ બચ્ચન એના અવાજ અને હાઈટ ને કારણે પણ બીજાથી અલગ તરી આવે.
    જેમ દિવાર નાં પુલ નીચેના સીનમાં રાજેશ ખન્ના ન જામત એમ ‘અમર પ્રેમ’ માં રાજેશ ખન્ના સિવાય કોઈ ન જામે. એમાં એને જે રીતે પૈસાદાર, દિલદાર દેખાડ્યો છે એવી રીચનેસ કોઈ હીરો માં નથી દેખાતી. બોલવાની જે બંગાળી લઢણ બીજુ કોઈ ન કરી શકે.

  5. કાકા એ તેમના લૂકસ ને લઈ ને બહુ ચેડાં કર્યા હતા , આનંદ કે સફર ,આરાધના નો ક્યૂટ ચહેરો અને ઝુલ્ફ બહુ આકર્ષક હતા પછી તેમણે જે હિપ્પી જેવી હર સ્ટાઇલ રાખી અને તેમનો ચહેરો પણ તરડાઈ ગયેલો લાગતો. કદાચ આ પણ કારણો હોય તેમની ઓછી થયેલી ફેન ફોલોઇંગ ના.

  6. મારા બાપુજી મને એવું કહેતા કે કાકાની લોકપ્રિયતા એટલી હદે હતી કે ટ્રાંફિક સિગ્નલ પર એની કાર ઉભતી તો છોકરીઓ એની કારના ગ્લાસ પર કિસના નિશાન કરતી.

  7. આ કલાકાર મારો અતિપ્રિય છે. હિન્દી ફિલ્મોમાં રાજકપૂર,રાજેશ ખન્ના અને અનિલ કપૂર આ ત્રણ “કલાકારો” એમના સમયનાં સર્વશ્રેષ્ઠ છે મારા માટે.
    આ નાતે હું આ સિરિઝ રસ અને ધ્યાનથી વાંચું છું.
    આખી સિરિઝમાં એમની માઇલસ્ટોન, ગ્રેટ અને કલ્ટ ફિલ્મ “આનંદ” નો ઉલ્લેખ માત્ર નહીં?
    સાવ આવું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here