એ જમાનો હતો જ્યારે સેક્યુલર – લેફ્ટિસ્ટોની સામે પડવા બદલ તમને સજા થતી

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 13 માર્ચ 2019)

2014 પછી ભારતમાં જુદું વાતાવરણ છે. તમે ખોંખારો ખાઈને જાહેરમાં હિંદુઓની તરફદારી કરી શકો છો, સેક્યુલરવાદીઓની નામ દઈને ભરપૂર ટીકાઓ કરી શકો છો, કટ્ટરવાદી મુસ્લિમ નેતાઓ તથા લેફ્ટિસ્ટ ભાંગફોડિયાઓને ઉઘાડા પાડી શકો છો.

સોનિયા-મનમોહનના રાજમાં આવું વાતાવરણ નહોતું. ઈવન વાજપેયી સરકારના ગાળામાં પણ સેક્યુલર બ્રિગેડની એવી જડબેસલાક પક્કડ હતી કે તમે ચૂં કે ચાં કરો તો ફેંકાઈ જાઓ. વાજપેયી સરકાર બની એ પહેલાં તો સેન્સરશિપ જેવું વાતાવરણ હતું. બાબરી તૂટી ત્યારે તો સેક્યુલરવાદીઓનાં કે લેફ્ટિસ્ટોનાં કુકર્મોની વિરુદ્ધ કશું પણ લખવું કે બોલવું સુસાઈડ કરવા જેવું પગલું ગણાતું. ભારતમાં બહુ ઓછા નરબંકાઓ 1992 થી 2002 દરમ્યાનના ગાળામાં સેક્યુલરવાદીઓની અસલિયતને ઓળખીને એમને નિર્વસ્ત્ર કરવાની પ્રવૃત્તિ કરી શક્યા. 2002 પછી અનેક સેક્યુલરવાદીઓએ પોતાના બ્રેડ પર કઈ તરફ બટર લાગી શકે એમ છે તે જોયું અને ક્રમશ: પલટી મારવાની શરૂ કરી અને યુ-ટર્ન લેનારાઓની ભીડ એટલી વધી ગઈ કે રીતસરનો ટ્રાફિક જામ થઈ ગયો. 2014 પછી તો પરિસ્થિતિ જ આખી બદલાઈ ગઈ. હવે દેશદ્રોહીઓ સિવાય અને ડબલ ઢોલંકીઓ સિવાય કોઈ ઍન્ટી હિન્દુ વાત નથી કરતું, હવે પ્રૉ-સેક્યુલર તથા પ્રૉ-લેફ્ટિસ્ટ વિચારો ધરાવનારાઓ સમાજમાં રક્તપીતિયા ગણાતા થઈ ગયા છે. પણ અગાઉનો જમાનો જુદો હતો.

અને એ જમાનામાં કે. કે. મુહમ્મદ નામના મુુસ્લિમ નરબંકાએ પુરાતત્ત્વ ખાતાની પોતાની સરકારી નોકરી છીનવાઈ જઈ શકે એવું બહાદુરીભર્યું પગલું ભર્યું. ‘મૈં હૂં ભારતીય’માં એમણે આ વિશે લખ્યું છે.

1990-91ની વાત છે. મુહમ્મદસાહેબ તે વખતે મદ્રાસમાં પુરાતત્ત્વ ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. (એ વખતે હજુ ચેન્નઈ નામ નહોતું પડ્યું. 1996માં મદ્રાસનું ચેન્નઈ થયું). ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ની મદ્રાસ આવૃત્તિમાં કે. કે. મુહમ્મદે ઐરાવતમ્ મહાદેવન નામના એક નિવૃત્ત આઈ.એ.એસ. અફસરનો લેખ વાંચ્યો. સિંધુ નાગરી લિપિ વિશે એક પુસ્તક લખનાર મહાદેવન આદરણીય વિદ્વાન છે. કેન્દ્ર સરકારમાં સેક્રેટરીના ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્તિ લીધા પછી મહાદેવન પ્રસિદ્ધ તમિળ દૈનિક ‘દિનમણિ’ના સંપાદક તરીકે કામ કરતા હતા. (‘દિનમણિ’ પણ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જૂથનું જ અખબાર છે). ઐરાવતમ્ મહાદેવને લખ્યું હતું: ‘બાબરી મસ્જિદની નીચે મંદિરના અંશ છે અને મંદિરના અંશ નથી – આવા બે ભિન્ન અભિપ્રાયો છે. આનું નિરાકરણ એ જગ્યાએ ખોદકામ થાય તો જ શક્ય છે. પણ એક ઐતિહાસિક ભૂલને સુધારવા માટે એ જ ઐતિહાસિક સ્મારક (બાબરી મસ્જિદ)ને તોડવું ગલત વાત છે.’

કે. કે. મુહમ્મદે આ લેખ વાંચ્યો. તેઓ પોતે ઑલરેડી 15 ડિસેમ્બર 1990ના રોજ જાહેરમાં કહી ચૂક્યા હતા કે બાબરી મસ્જિદની નીચે એમણે જાતે પોતે મંદિરના અંશ જોયા છે.

મુહમ્મદે મહાદેવનને અભિનંદન આપતો પત્ર લખ્યો. પત્રમાં 1976-77ના ગાળામાં એ જગ્યાએ થયેલા ઉત્ખનન કાર્યમાં પોતે ભાગ લીધો હતો એ વાતનો ઉલ્લેખ પણ કર્યો. પત્રમાં એમણે એવું પણ લખ્યું: ‘તમારા મત મુજબ એક ઐતિહાસિક ભૂલને સુધારવા માટે એ જ ઐતિહાસિક સ્મારકને તોડવાની ભૂલ ન કરવી જોઈએ – આ વિચાર અભિનંદનને પાત્ર છે. તમે વાચકો સમક્ષ તમારો વ્યાપક દૃષ્ટિકોણ પ્રગટ કર્યો છે.’

1976-77માં પોતે બાબરી મસ્જિદમાં હિંદુ મંદિરના જે અવશેષો જોયા તે વિશે તો પત્રમાં સવિસ્તર ઉલ્લેખો કે. કે. મુહમ્મદે કર્યા જ હતા. (જે તમે ગઈ કાલે આ કૉલમમાં વાંચી ગયા).

મુહમ્મદસાહેબની ઑફિસ એ સમયે સચિવાલયના ક્લાઈવ બિલ્ડિંગમાં હતી. આ પત્ર મળતા જ મહાદેવન એમની ઑફિસે આવ્યા અને આ પત્ર વાચકોના પત્ર તરીકે ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં છપાવવો જોઈએ એવી વાત કરીને એમની અનુમતિ માગી. મુહમ્મદ જાણતા હતા કે આ મુદ્દો સેન્સિટિવ છે. એક સરકારી કર્મચારી હોવાને કારણે આવા વિષય પર સરકારની અનુમતિ વિના કંઈ પણ નિર્ણય લેવો આત્મઘાતી પગલું બની શકે એમ છે. એમને ખબર હતી કે આ પત્રના પ્રકાશન માટે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી મળવાની નથી. એમણે પોતાના ઉપરી ડૉ. નરસિંહ અને મહાદેવન સાથે ચર્ચા-વિચારણા કરીને નિર્ણય લીધો કે સત્યને ઢાંકી રાખવું ઉચિત નહીં ગણાય.

કે. કે. મુહમ્મદના વિચારો ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ની તમામ આવૃત્તિઓમાં વાચકોના પત્રોની કૉલમમાં પ્રગટ થયા. એ પછી એનો અનુવાદ અનેક ઠેકાણે છપાયો. ઘણા લોકોએ એમને અભિનંદન આપ્યા તો કેટલાકે એમને ધમકીભર્યા ફોન પણ કર્યા.

આ પત્ર પ્રગટ થયો એના થોડા જ દિવસોમાં કેન્દ્રીય સંસ્કૃતિ વિભાગના જોઈન્ટ સેક્રેટરી આર. સી. ત્રિપાઠી તથા આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (એ.એસ.આઈ.)ના ડિરેક્ટર ડૉ. એ. સી. જોશી કોઈક સત્તાવાર કામે મદ્રાસ આવ્યા.

ડૉ. જોશીએ મુહમ્મદને બોલાવીને તડકાવ્યા: ‘સરકારની પરવાનગી વિના તમે આ જટિલ સમસ્યા પર જાહેરમાં ટિપ્પણી શું કામ કરી? આ મામલામાં નિયમાનુસાર જાતતપાસ શરૂ કરીને તમને સસ્પેન્ડ કરવામાં આવશે.’

મુહમ્મદે ખુમારીભેર કહ્યું, ‘સર, મને ખબર છે કે મેં પરવાનગી માગી હોત તો મને ના પાડવામાં આવી હોત. મેં દેશની ભલાઈ માટે એક ઈમાનદાર બયાન આપ્યું છે.’ આટલું કહીને મુહમ્મદે પોતાની દલીલના સમર્થનમાં એક સંસ્કૃત શ્ર્લોક ટાંક્યો.

અલાહાબાદના બ્રાહ્મણ ત્રિપાઠીને ગુસ્સો આવ્યો: ‘(મુસ્લિમ થઈને) તમે મને સંસ્કૃત શીખવાડો છો? હું તમને અબ ઘડી સસ્પેન્ડ કરું છું.’

મુહમ્મદે શાંત રહીને જવાબ આપ્યો: ‘સ્વધર્મે નિધનં શ્રેય:’ પોતાનું કામ કરતાં કરતાં મોત પણ આવે તો એનું સ્વાગત છે.

આ સાંભળીને ત્રિપાઠીનો મિજાજ પલટાયો. એમણે કહ્યું, ‘મિસ્ટર મુહમ્મદ, તમારો અડગ નિર્ણય ચોક્કસ અભિનંદનીય છે. એક પુરાતત્ત્વવિદે જે કહેવું જોઈએ એ જ તમે કહ્યું છે. તમે એક પ્રામાણિક અને સાચા પુરાતત્ત્વવિદ્ છો. પણ તમારા ઉપર કામ ચલાવવા માટે અમારા પર ચારેબાજુથી પ્રચંડ દબાણ છે.’

‘મને ખબર છે, સર,’ મુહમ્મદે કહ્યું, ‘બહુ વિચાર્યા પછી મેં એ પત્ર છપાવ્યો છે.’

હવે ડૉ. જોશીનો વારો હતો. એમણે પાણીમાંથી પોરા કાઢતા હોય એમ પૂછ્યું, ‘પણ તમે તમારું સરનામું અને તમારો હોદ્દો શું કામ પત્ર નીચે લખ્યાં?’

મુહમ્મદે કહ્યું, ‘સર, આખું સરનામું ન આપ્યું હોત તો કોને ખબર પડી હોત કે કોણ મુહમ્મદ, ક્યાંનો મુહમ્મદ? જે લખાયું છે એમાં પારદર્શિતા હોવી જોઈએ. એટલે મેં મારું પૂરું સરનામું આપ્યું.’

મુહમ્મદ પર કાર્યવાહી ચાલવાની છે એવા સમાચાર મળતાં જ ‘દિનમણિ’ના સંપાદક મહાદેવન પેલા બેઉ અધિકારીઓને મળ્યા.

સસ્પેન્શન તો અટક્યું પણ સજારૂપે ટ્રાન્સફર કરવામાં આવી. કેરળના વતની એવા કે. કે. મુહમ્મદ માટે મદ્રાસ બીજા ઘર જેવું હતું. એમને મદ્રાસથી ઉપાડીને સીધા ગોવામાં ફેંકી દેવામાં આવ્યા.

આજનો વિચાર

ઉસ કે બાદ નરેન્દ્ર મોદી ચાઈના ‘જાતા’ હૈ… મસૂદ અઝહર ‘જી’ કે સાથ બૈઠકર…

(રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હીના પ્રવચનમાં પીએમ મોદીને તુંકારે બોલાવ્યા અને આતંકવાદી મસૂદ અઝહરને માનાર્થે સંબોધન કર્યું તેની વિડિયો ક્લિપના અંશ).

એક મિનિટ!

બકો: મને સોનિયાજીનો ઠાઠ ગમ્યો…

પકો: કેમ?

બકો: સામાન્ય ઔરત બાળકને સંભાળવા આયા રાખતી હોય છે, આમણે આખી પાર્ટી રાખી છે.

5 COMMENTS

  1. મોહંમદ સાહેબ ને લાખો નમન. તમને ખુબ ખુબ ધન્યવાદ અને સાથે અભિનંદન.

  2. સરસ સૌરભભાઈ
    સત્ય સાર્વજનિક કરવા માટે
    કે.કે.મુહમ્મદનો, અને અમારા સુધી પહોંચાડવા માટે આપનો આભાર.

  3. Dear sir
    I salute the moral courage of the erstwhile archeologist you have quoted and also I congratulate you specifically for such an expose`.

  4. Superb and knowledgeable article sir keep it up and God Bless you and Stay healthy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here