રામ જન્મભૂમિ વિશે મુસ્લિમ પુરાતત્ત્વવિદ્ શું કહે છે

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 12 માર્ચ 2019)

એમનું નામ કે. કે. મુહમ્મદ. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના રિજનલ સુપરિન્ટેન્ડન્ટ (નૉર્થ)ના હોદ્દા પર સેવાનિવૃત્ત થયા છે. ત્રણ આંતરરાષ્ટ્રીય અને છ રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે. એમણે પોતાની આત્મકથા ટાઈપનું એક નાનકડું પુસ્તક લખ્યું છે: ‘મૈં હૂં ભારતીય.’ 166 પાનાંના આ હાર્ડ બાઉન્ડ પુસ્તકની કિંમત (રૂ. 400) મોંઘી લાગે પણ એનું મૂલ્ય ઘણું મોટું છે. પુસ્તકમાં ‘અયોધ્યા: કુછ ઐતિહાસિક તથ્ય’ નામના પ્રકરણમાંથી હવે પછીની માહિતી લેવામાં આવી છે. 

આ પ્રકરણના આરંભે કે. કે. મુહમ્મદ લખે છે: ‘આ પ્રકરણ લખ્યા વિના મારી આ જીવનરેખાનું બયાન પૂરું નહીં થાય. આ લખાણ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કે પછી કોઈની ભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે નથી લખાયું. મારી વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ એનો એ રીતે ઉપયોગ ના કરે.’

અયોધ્યાની રામ જન્મભૂમિની માલિકી સંબંધે 1990માં રાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી ચર્ચાઓ થવા માંડી. એ પહેલાં, 1976-77ના ગાળામાં પુરાતત્ત્વ અધ્યયન કરતી વખતે કે. કે. મુહમ્મદને એક વિદ્યાર્થી તરીકે અયોધ્યાની રામ જન્મભૂમિના ઉત્ખનન કાર્યમાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો. પ્રૉ. બી. બી. લાલના નેતૃત્વમાં ‘દિલ્હી સ્કૂલ ઑફ આર્કિયોલૉજી’ તરફથી જે ઉત્ખનન ટીમ બની એના એક સભ્ય કે. કે. મુહમ્મદ હતા. ઉત્ખનન માટે આ ટીમ અયોધ્યા પહોંચી ત્યારે બાબરી મસ્જિદની દીવાલોમાં મંદિરના સ્તંભ હતા એવું કે. કે. મુહમ્મદ નોંધે છે અને ઉમેરે છે કે એ સ્તંભોનું નિર્માણ બ્લૅક બેસાલ્ટના નામે જાણીતા પથ્થરો વડે થયું હતું. સ્તંભની નીચેના હિસ્સામાં 11મી કે 12મી સદીના મંદિરોમાં જોવા મળતા પૂર્ણ કળશ દેખાતા હતા. મંદિરની સ્થાપત્યકળામાં જે 8 ઐશ્ર્વર્ય ચિહ્નો હોય છે એમાંનું એક ચિહ્ન પૂર્ણ કળશ હોય છે. ‘1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવે એ પહેલાં અમે (કે. કે. મુહમ્મદ અને એમની ટીમે) આવા (એક-બે નહીં 14 સ્તંભ જોયા છે’એવું નોંધીને તેઓ જણાવે છે કે મસ્જિદને પોલીસ સુરક્ષા પ્રાપ્ત થઈ હતી એટલે એમાં પ્રવેશ મળતો નહોતો પણ અમે લોકો ઉત્ખનન તથા સંશોધનના કાર્ય સાથે જોડાયેલા હતા એટલે અમારા પર કોઈ પ્રતિબંધ નહોતો. કે. કે. મુહમ્મદ ફરી એકવાર ભારપૂર્વક લખે છે: ‘ઉન સ્તંભો કો મૈંને નજદીક સે દેખા હૈ.’

પ્રૉ. બી. બી. લાલના નેતૃૃત્વ હેઠળની ટીમમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના અધિકારીઓ ઉપરાંત કે. કે. મુહમ્મદ સહિતના ‘દિલ્હી સ્કૂલ ઑફ આર્કિયોલૉજી’ના 12 વિદ્યાર્થીઓ સામેલ હતા. ઉત્ખનન માટે લગભગ બે મહિના સુધી તેઓ અયોધ્યામાં રહ્યા. મુહમ્મદ લખે છે: ‘બાબર કે સેનાનાયક મીર બાકી દ્વારા તોડે ગયે યા પહલે સે તોડે ગયે મંદિરોં કે અંશોં કા ઉપયોગ કરકે મસ્જિદ કા નિર્માણ કિયા ગયા હૈ.’

પહલે જો કસૌટી કે પથ્થરોં (બ્લેક બેસાલ્ટ) સે નિર્મિત સ્તંભ કે બારે મેં બતાયા ગયા થા, ઉસી તરહ કે સ્તંભ ઔર ઉસકે નીચે કે ભાગ મેં ઈંટ કા ચબૂતરા મસ્જિદ કી બગલ મેં ઔર પીછે કે ભાગ મેં ઉત્ખનન કરને સે પ્રાપ્ત હુઆ. ઈન સુબૂતોં કે આધાર પર મૈંને કહા કિ બાબરી મસ્જિદ કે નીચે મંદિર રહા થા. મેરા યહ બયાન 15 દિસંબર 1990 કો આયા થા. ઉસ સમય માહૌલ ગરમ થા.

કે. કે. મુહમ્મદ નિખાલસતાથી પોતાની મનોભાવના વ્યક્ત કરે છે: ‘ખેદ સાથે કહેવું પડે છે કે ઉગ્રપંથી મુસ્લિમોના જૂથની મદદ કરવા માટે કેટલાક વામપંથી (લેફ્ટિસ્ટ, સામ્યવાદી) ઈતિહાસકારો આગળ આવ્યા અને એમણે મુસ્લિમોને બાબરી મસ્જિદનો કબજો નહીં સોંપવાની સલાહ આપી. હકીકતમાં, એમને (ડાબેરી ઈતિહાસકારોને) ખબર નહોતી કે આવી સલાહ આપીને તેઓ કેટલું મોટું પાપ કરી રહ્યા છે. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જે.એન.યુ.)ના એસ. ગોપાલ, રોમિલા થાપર, બિપિન ચન્દ્રા વગેરે જેવા ઈતિહાસકારોએ તો રામાયણના ઐતિહાસિક તથ્યો પર જ સવાલ ઊભા કરવાનું શરૂ કરી દીધું. અને કહ્યું કે 19મી સદી પહેલાં મંદિર તોડવામાં આવ્યું હોય એવો એક પણ પુરાવો નથી. આ ડાબેરી ઈતિહાસકારોએ અયોધ્યાને ‘બૌદ્ધ-જૈન કેન્દ્ર’ ગણાવ્યું. એમની હામાં હા પુરાવવા માટે પ્રૉ. ઈરફાન હબીબ, પ્રૉ. આર. એસ. શર્મા, અનવર અલી, ડી. એન. ઝા, સૂરજભાણ વગેરે આગળ આવ્યા. આમ બાબરીવાળાઓને એ વખતે એક મોટા જૂથનું સમર્થન મળી ગયું. આ સૌમાં એક માત્ર સૂરજભાણ પુરાતત્ત્વવિદ્ હતા. પ્રૉ. આર. એસ. શર્માની સાથેના કેટલાય ઈતિહાસકારો બાબરી મસ્જિદ એક્શન કમિટીની બેઠકોમાં વિશેષજ્ઞ તરીકે ભાગ લેવા માંડ્યા હતા.’ 

આ બાબરી મસ્જિદ એક્શન કમિટીની અનેક બેઠકો ભારતીય ઈતિહાસ અનુસંધાન પરિષદ (ઈન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ – આઈ.સી.એચ.આર.જે ભારત સરકારની મિનિસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ ડૅવલપમેન્ટ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. કેન્દ્રીય સરકારી ગ્રાન્ટ ઉપરાંત આ સંસ્થાને રાજ્ય સરકારો તરફથી તેમ જ વ્યક્તિગત ધોરણે તેમ જ વિદેશી સંસ્થાઓ/વ્યક્તિઓ તરફથી પણ ચિક્કાર નાણાં મળે છે. ભારતની આ સમૃદ્ધ સંસ્થાએ ડાબેરીઓના અડ્ડા તરીકે કામ કરીને દેશના ભવ્ય ભૂતકાળને ખૂબ તોડયો-મરોડ્યો છે.) 

કે. કે. મુહમ્મદ જણાવે છે કે બાબરી મસ્જિદ એક્શન કમિટીની મીટિંગ આઈ.સી.એચ.આર.ના કાર્યાલયમાં થતી. તે વખતે આઈ.સી.એચ.આર.ના સભ્ય અને સચિવ એવા ઈતિહાસકાર પ્રૉ. એમ. જી. એસ. નારાયણે આનો વિરોધ પણ કર્યો હતો, પરંતુ પ્રૉ. ઈરફાન હબીબે આ વિરોધને ગણકાર્યો નહોતો. ભારતીય મીડિયામાં પગપેસારો કરી ગયેલા ડાબેરી-સામ્યવાદી-વામપંથી-કમ્યુનિસ્ટ ઈતિહાસકારોએ અયોધ્યાની રામ જન્મભૂમિની વાસ્તવિકતા પર સવાલો ઊભા કરતા લેખોનો મારો શરૂ કરીને આમ જનતામાં ભ્રમ ઊભો કર્યો, ગૂંચવાડો પેદા કર્યો. વામપંથી ઈતિહાસકારોએ તથા એમનું સમર્થન કરવાવાળા ‘એક અંગ્રેજી અખબાર’ જેવા મીડિયાની નીતિને કારણે જે સામાન્ય મુસ્લિમો આ મસ્જિદ હિન્દુઓને આપી દેવી જોઈએ એવા મતના હતા તેઓના વિચારોમાં પણ પલટો આવી ગયો અને તેઓ પણ હવે કહેવા લાગ્યા કે ના, મસ્જિદ હિન્દુઓને ના સોંપવી જોઈએ. સામ્યવાદી ઈતિહાસકારોની ચાલાકીને કારણે આ વિચાર પરિવર્તન આવ્યું. આમ સમાધાનનો માર્ગ હંમેશને માટે બંધ થઈ ગયો. જો સમાધાન થઈ ગયું હોત તો હિંદુ-મુસ્લિમ સંબંધો ઐતિહાસિક દૃષ્ટિથી એક નવા વળાંક પર આવી ગયા હોત. અત્યારે દેશની સામે જે અનેક સામાજિક સમસ્યાઓ છે એનો ઉકેલ મળી ગયો હોત. આનાથી એક વાત તદ્દન સ્પષ્ટ થાય છે કે મુસ્લિમ-હિન્દુ ઉગ્રપંથીઓ જ નહીં, સામ્યવાદી ઉગ્રપંથીઓ પણ રાષ્ટ્ર માટે ખતરનાક છે. આ આખી સમસ્યાને પંથનિરપેક્ષ રહીને જોવાને બદલે વામપંથીઓની ડાબી આંખે જોઈને અયોધ્યા વિવાદનું વિશ્ર્લેષણ કરતા એ અંગ્રેજી અખબાર The Times of India એ ઘણો મોટો અપરાધ કર્યો છે જેની રાષ્ટ્રે મોટી કિંમત ચૂકવવી પડી છે. 

આ તમામ શબ્દો કે. કે. મુહમ્મદના પુસ્તક ‘મૈં હૂં ભારતીય’ (પ્રકાશક: પ્રભાત પ્રકાશન, નવી દિલ્હી)માં છપાયાં છે.

બાકીની વાત કાલે. 

આજનો વિચાર

કિસી દોસ્તને ક્યા ખૂબ કહા હૈ: જિન્દા રહે તો હમ બાર બાર મિલતે રહેંગે. કભી ઈસ ‘બાર’ મેં, કભી ઉસ ‘બાર’ મેં. 

– વૉટ્સએપ પર વાંચેલું. 

એક મિનિટ!

બકો: ગયા વખતે મેં કૉંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હતો. 

પકો: હા, પણ એનું શું?

બકો: એ ભાજપમાં જોડાઈ ગયો.

પકો: હવે? 

બકો: આ વખતે હું જ સીધો ભાજપને મત આપવાનો છું. 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here