સુપ્રીમ કોર્ટ અને રામ મંદિર: જા બિલ્લી કુત્તે કુ માર

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 11 માર્ચ 2019)

લખીને રાખો કે મધ્યસ્થી માટેની આઠ અઠવાડિયાની મુદત પૂરી થયા પછી કશું થવાનું નથી. સુપ્રીમ કોર્ટે ૨૦૧૯ના જનરલ ઈલેક્શન પહેલાં રામ મંદિર મુદ્દે ચુકાદો ન આપવો જોઈએ એવી તોફાની અરજી કૉન્ગ્રેસી લૉયર કપિલ સિબ્બલે ક્યારની સુપ્રીમ કોર્ટને આપી રાખી છે. આ અરજીને સ્વીકારીને કૉન્ગ્રેસતરફી ચુકાદો આપે અને વધુ સુનાવણી ટાળીને ઈલેક્શન પછીની તારીખ આપે તો સુપ્રીમ કોર્ટ કૉન્ગ્રેસના નચાવ્યે નાચી રહી છે એવો આક્ષેપ ન આવે એ માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીવાળું ડિંડવાણું ઊભું કરીને છેવટે તો કૉન્ગ્રેસને જ રીઝવવાનો પ્રયત્ન કર્યો છે.

યાદ છે, પેલા ચાર જજસાહેબો? જેમણે સુપ્રીમ કોર્ટની પોતાની નોકરી ચાલુ હોવા છતાં છડેચોક નરેન્દ્ર મોદીની સરકાર સામે ગુસ્સો ઓકવા માટે પ્રેસ કૉન્ફરન્સ બોલાવી હતી? આવું કૃત્ય કરીને એ ચારેય સાહેબોએ ભારતના ન્યાયતંત્ર માટે અત્યંત નીચાજોણું પગલું ભર્યું હતું જેને લેફટિસ્ટ મીડિયાએ વખાણ્યું હતું. ગૂગલમાં હજુ તમે ‘ફોર સુપ્રીમ…’ ટાઈપ કરશો ત્યાં જ આ ચારેયનાં કારનામાં ખૂલી જશે. જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ જેસ્ટી ચેલમેશ્ર્વર, જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ મદન ભીમરાવ લોકુરે તે વખતના ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા દીપક મિશ્રા વિરુદ્ધ બખાળા કાઢવાના નામે મોદી સરકાર સામે બાણ છોડ્યાં હતાં. આમાંના ચેલમેશ્ર્વર ૨૨ જૂન ૨૦૧૮ના રોજ નિવૃત્ત થઈ ગયા અને નિવૃત્તિના બીજા જ દિવસથી એમણે પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું અને રંજન ગોગોઈ ૩ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ દીપક મિશ્રાની જગ્યાએ ચીફ જસ્ટિસ બન્યા. રામ મંદિરના કેસમાં મધ્યસ્થી કરવાનો ચુકાદો આ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ તથા અન્ય ચાર જજોની બૅન્ચે આપ્યો છે.

આ ચુકાદો જાહેર કરતાં પહેલાં સુપ્રીમ કોર્ટે બેઉ પક્ષોનો અભિપ્રાય પૂછ્યો હતો. રામ મંદિરની તરફેણ કરવાવાળા પક્ષે મધ્યસ્થીની ના પાડી હતી. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી માટેનો ચુકાદો આપતાં પહેલાં એવું પણ નિરીક્ષણ કર્યું હતું કે, ‘બાબરે હુમલો કરાવ્યો (રામ મંદિર તોડી પડાવ્યું) વગેરે વિશે અમે કંઈ ન કહી શકીએ. અમે તો માત્ર અત્યારે જે કંઈ થાય છે તેના વિશે જ નિર્ણય આપી શકીએ.’ (‘વી કૅન નૉટ અનડુ બાબર ઈનવેડિંગ એટ્સેટરા. વી કૅન ઓન્લી ડિસાઈડ વૉટ હૅપન્સ ઈન ધ પ્રેઝન્ટ’)

તો પછી ડિસાઈડ કરો ને, સાહેબો, કાં તો આ તરફ કાં પેલી તરફ. દાયકાઓથી જેને તમે ચૂંથ્યા કરો છો તે મામલો હવે લીગલી પ્રેક્ટિકલી ઉકેલાઈ ગયો છે તો શું કામ મધ્યસ્થીનું લાકડું ઘુસાડીને વધુ ડિલે કરો છો આપ? અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યા પર મુસ્લિમોના બે દાવા છે. એક જેમની થોડીક જમીન હોવાના દસ્તાવેજ છે તે શિયા મુસ્લિમોએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને પોતાનો દાવો ક્યારનો પાછો લઈ લીધો છે. એટલે કાયદેસર પ્રેક્ટિકલી આ કેસ ઉકેલાઈ ગયો છે. મુસ્લિમોનો બીજો દાવો ૧૯૬૦ના દાયકામાં સુન્નીઓએ દાખલ કર્યો છે જે બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના જેવો છે. સુન્ની મુસ્લિમોને આ જગ્યા પર એક જમાનામાં જે બાબરી મસ્જિદના નામે ઓળખાતી તે જગ્યા સાથે નહાવાનીચોવવાનો કોઈ સંબંધ નથી. સુન્નીઓનો દાવો કોર્ટમાં ઘડીભર ટકે એમ નથી, છતાં કોર્ટે હજુ સુધી આ બાબતે સુન્નીઓને વિવાદ માટેના એક પક્ષકાર તરીકે તગેડી મૂક્યા નથી.

મધ્યસ્થીનું નાટક કરવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ મહાનુભાવોની પેનલ બનાવી છે. પેનલના ચૅરમૅન સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ ઈબ્રાહિમ કલિફુલ્લા છે. બીજા સભ્યોમાં આદરણીય ધર્મ-અધ્યાત્મ ગુરુ શ્રી શ્રી રવિશંકર છે અને સિનિયર લૉયર તથા મધ્યસ્થીને લગતા કેસો હાથમાં લેવાનો જેમનો અતિ જૂનો પેશો છે તે વકીલ શ્રીરામ પન્ચુ છે. આ પૅનલમાં વધુ સભ્યો ઉમેરવાની સુપ્રીમ કોર્ટે છૂટ આપી છે અને હજુ થોડાક સભ્યો ઉમેરાશે જ. અસદુદ્દીન ઓવૈસી નામના કટ્ટરવાદી અને ભડકાઉ ભાષણ માટે જાણીતા એવા હિંદુવિરોધી તથા ભારતવિરોધી ભાંગફોડિયાએ જેવું શ્રી શ્રી રવિશંકરનું નામ સાંભળ્યું કે તરત આદરણીય ગુરુજી વિરુદ્ધ ગાળાગાળ શરૂ કરી દીધી. ઓવૈસીના સાથીદારો તથા ઓવૈસીની હામાં હા પુરાવનારા અન્ય હિન્દુવિરોધીઓ તેમ જ ભારતવિરોધીઓને પણ શ્રી શ્રી રવિશંકરનું નામ આ પૅનલમાં જોઈને ઝાળ લાગી ગઈ છે. જોકે, શ્રી શ્રી રવિશંકરનું આ પૅનલમાં ઝાઝું કંઈ ઊપજવાનું નથી. એમનું ચાલે તો મધ્યસ્થીની પ્રક્રિયાનો નિર્ણય હિન્દુઓતરફી જ આવે. પણ એવું થશે નહીં, થવા દેવામાં આવશે નહીં, બે મહિના પછી પણ આ મુદ્દો લટકતો જ રહેશે.

રામ જન્મભૂમિ મુદ્દે અગાઉ પાંચેક વાર કોર્ટની બહાર આપસમાં બેસીને મધ્યસ્થી કરવાના નાનામોટા સત્તાવાર પ્રયત્નો થયા જ છે. એકેયમાં સફળતા મળી નથી. સુપ્રીમ કોર્ટને ખબર છે કે એમણે સ્પષ્ટ ચુકાદો આપીને ભગવાનના જન્મની આ ભૂમિ પર રામ મંદિર બાંધવાની અનુમતિ આપવી પડશે એવો ક્લિયર કટ કેસ છે, પૂરતા પુરાવાઓ સહિતનો આ જડબેસલાક કેસ છે અને જો આવો ચુકાદો ન આપ્યો તો બીજા જ દિવસે સરકાર વટહુકમ બહાર પાડીને સુપ્રીમ કોર્ટના હિંદુવિરોધી ચુકાદાની ઐસીતૈસી કરીને જે વાજબી છે પણ દાયકાઓથી નથી થતું તે કરશે જ, રામ મંદિર બાંધશે જ.

અયોધ્યામાં કારસેવકોએ રામ મંદિર બાંધવાની અલમોસ્ટ બધી જ તૈયારી વર્ષોથી પૂરી કરી દીધી છે. ભવ્ય મંદિરનો નક્શો તો તૈયાર જ છે, મંદિરના સ્થાપત્ય માટેના થાંભલા, દીવાલો વગેરે બધું જ ઝડપથી ખસેડી શકાય અને જન્મભૂમિ સુધી પહોંચાડી શકાય તે રીતે તૈયાર થઈને સચવાઈ રહ્યું છે. એ બધાને જોડીને ગણતરીના દિવસોમાં ભવ્ય, વિશાળ તથા મજબૂત રામ મંદિર બની જાય, પરંતુ અયોધ્યાની શેરીઓ એટલી સાંકડી છે કે એમાંથી ક્રેન વગેરે ભારે વાહનોની અવરજવરમાં વિલંબ થશે, એટલે થોડાંક અઠવાડિયાઓ વીતી શકે છે. આ માહિતી મને ડિસેમ્બરમાં અયોધ્યા ગયો ત્યારે સરયુ નદીનાં દર્શન કરીને વિવાદાસ્પદ બનાવી દેવામાં આવેલી રામ જન્મભૂમિ પર ફાટેલાતૂટેલા તંબુમાં બિરાજમાન રામ ભગવાનની મૂર્તિનાં દર્શન, ભારે સિક્યુરિટી વચ્ચે કર્યાં ત્યારે આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે જ્યારે પોતાની જવાબદારી ટાળવાનો બેહૂદો અર્થહીન પ્રયાસ કરતો ચુકાદો આપ્યો જ છે તો આપણે એને માથે ચડાવીને મધ્યસ્થીની પ્રક્રિયા પૂરી થાય એની રાહ જોઈએ. બે મહિનાની મુદત લંબાવો એવી પણ ભવિષ્યમાં વાત આવશે અને છેવટે મધ્યસ્થીનું કોઈ પરિણામ નહીં આવે ત્યારે સુપ્રીમ કોર્ટે આજે નહીં તો કાલે, જખ મારીને ચુકાદો તો આપવો જ પડશે. સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે તે, નરેન્દ્ર મોદીની બીજી ટર્મનાં શુકન રામ જન્મભૂમિ પર ભગવાન રામના મંદિર નિર્માણથી થવાનાં છે એ વાતમાં કોઈ શંકા નથી. ઓવૈસીની શેરવાનીની ચાળ પકડીને ચાલનારાઓએ ના બોલવું હોય તો ભલે ના બોલે, અમે તો ફેફસાંમાં ફુલ હવા ભરીને બોલીશું: જય શ્રી રામ.

આજનો વિચાર

દસ દિવસ ઉપર થઈ ગયા, પાકિસ્તાની સેના મીડિયાને હવાઈહુમલાના સ્થળે જવા દેતી નથી અને આ બાજુ ભારતમાં લોકો સબૂત આપો, સબૂત આપો કહેતા ફરે છે.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

પકો: કૉન્ગ્રેસ કહે છે કે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તો અમારા શાસનમાં પાઈલટ બન્યા હતા.

બકો: અચ્છા? તો પછી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી કોના શાસનમાં લૂંટારા બન્યા?

4 COMMENTS

  1. દૂરંદેશી લેખ હતો. જે થયું તે ઉત્તમ છે.. ? ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here