રજનીકાન્તની ફિલ્મનો સવારે છ વાગ્યાનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનો અનુભવ કેવો હોય : સૌરભ શાહ

(આ લેખ રવિવાર, ૨૪ જુલાઈ ૨૦૧૬ના રોજ પબ્લિશ થયો.)

તલૈવા એટલે તમિળમાં આમ તો મુખિયા કે લીડર પણ કોઈના માટે આદરપૂર્વક ‘સર’ વાપરવું હોય તો પણ તમે આ શબ્દ વાપરી શકો. જોકે, શબ્દકોશના આ બધા જ અર્થને વટાવીને આજની તારીખે તલૈવા એટલે કોઈ પણ ભાષામાં રજનીકાન્ત અથવા તો જેમ ‘કબાલી’ના ટાઈટલ્સમાં આખો સ્ક્રીન ભરાઈ જાય એ રીતે લખવામાં આવે છે તે: ‘સુપર સ્ટાર રજની’!

કબાલીશ્વર ભગવાન શિવનું એક નામ છે એવું કહે છે. (મારી જાણકારીમાં નથી). અને કબાલીશ્વર નામનો એક ગૅન્ગસ્ટર મદ્રાસના માયલાપોરમાં થઈ ગયો એના જીવન પર લૂઝલી આધારિત ફિલ્મ ‘કબાલી’ છે એવું પણ કહે છે (મને એ ગૅન્ગસ્ટર વિશે પણ કોઈ માહિતી નથી). પણ રજનીકાન્તની ‘શિવાજી’ અને ‘રોબોટ’ જોયા પછી તેમ જ કોઈ હિન્દી સુપર સ્ટારનું જેટલું અને જેવું ના હોય એવું ક્રેઝી ફૅન ફૉલોઈંગ રજનીકાન્તનું છે, અને આ ઉંમરે પણ છે – એટલું જ નહીં વધતું જઈ રહ્યું છે – એ રિયલાઈઝ થયા પછી તેમ જ આઠેક વર્ષ પહેલાં ગાયત્રી શ્રીકાન્તે લખેલી એમની બાયોગ્રાફી ‘ધ નેમ ઈઝ રજનીકાન્ત’ વાંચ્યા પછી છ મહિનાથી ચટપટી હતી કે ક્યારે ‘કબાલી’ રિલીઝ થાય અને ક્યારે એ ક્રેઝને વિટનેસ કરીએ. ફિલ્મની થીમ વિશે એટલી જ ખબર હતી કે ૨૫ વર્ષ સુધી મલેશિયાની જેલમાં રહીને બહાર આવતા ગૅન્ગસ્ટરની આ કહાની છે.

રજનીકાન્તનું પિક્ચર મુંબઈમાં જોવું હોય તો માટુંગાના કિંગ્સ સર્કલ પાસે આવેલા ‘અરોરા’ સિનેમામાં જ જવાય. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ થિયેટર બંધ પડ્યું છે પણ જ્યારે જ્યારે રજનીસરની મૂવી આવે ત્યારે નવો સ્ક્રીન, નવી સાઉન્ડ સિસ્ટમ, નવાં સીટ કવર્સ, નવો પેઈન્ટ લગાડી થિયેટર રિનોવેટ થઈ જાય, બહાર ૫૦ ફીટ ઊંચું તલૈવાનું કટઆઉટ લાગે, કટઆઉટની ફરતે લાઈટબલ્બની હારમાળા લાગે અને થિયેટર ફરી ધમધમતું થઈ જાય. માટુંગા આમેય ચેન્નઈના સબર્બ જેવું છે અને એમાં તલૈવાનું પિક્ચર લાગે ત્યારે આખા મુંબઈના તમિળભાષી તેમ જ (અન્ય ભાષીઓ પણ) ઊમટી પડે. પણ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો સોલ્ડ આઉટ હતો. શુક્રવારે સવારના છ વાગ્યાનો હતો તો પણ. પહેલો જ નહીં એ પછીના શોઝ પણ મુંબઈમાં ચાલતી રજનીકાન્તની ફૅન ક્લબોએ આઉટરાઈટ બુક કરી લીધા હતા. આ ફૅન કલબો માત્ર પિકચર જોવાનાં/દેખાડવાનાં કામ નથી કરતી, સોશ્યલ વર્ક પણ ઉમદા કરે છે, સાચુકલું કરે છે. ‘કબાલી’ના રિલીઝ ડે શુક્રવારે ‘અરોરા’માં આખો દિવસ બ્લડ ડોનેશન કૅમ્પ અને આંખના ચેકઅપનો કૅમ્પ ચાલવાનો હતો.

પણ અમારે તો ‘કબાલી’ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જ જોવું હતું અને તે પણ તમિળભાષી પ્રેક્ષકો સાથે બેસીને તમિળમાં જ જોવું હતું અને તે પણ સવારના છ વાગ્યાના શોમાં જ જોવું હતું. માટુંગાથી દસ મિનિટ દૂરના સાયનમાં આવેલા પીવીઆરના સ્ક્રીન-વનનો પણ છ વાગ્યાનો પહેલો શો હાઉસફુલ હતો, સ્ક્રીન-ટુમાં છને પાંચનો બીજો શો હતો જેની માત્ર સૌથી પહેલી રોની ટિકિટો જ મળતી હતી. ફટાક દઈને લઈ લીધી. અને તમિળ ફિલ્મ જોયા પછી કવિ શું કહેવા માગે છે એની ગડ ન પડે તો બપોરે સાડા બાર વાગ્યાના હિંદીમાં ડબ કરેલા વર્ઝનની પણ ટિકિટો બીજા એક થિયેટરમાં લઈ લીધી.

સાયન સવારના છ વાગ્યે પહોંચવા માટે ટ્રાફિક બિલકુલ ન હોય એટલે પવઈથી અડધો-પોણો કલાક પહેલાં નીકળો તો ચાલે. પણ અમારે વચ્ચે બેએક કામ હતાં એટલે પોણા ચારે ઘરની બહાર નીકળી ગયા. સવારના આ સમયે કામ? હા.

મુંબઈમાં તમે બ્રાહ્મમુહૂર્ત કરતાં પણ વહેલા, ત્રણ વાગ્યે ઊઠી જાઓ તો શાંતિનું સૌંદર્ય માણવા મળે. ટ્રાફિક, ટ્રેન, લોકોના કોલાહલ વિનાનું નીરવ મુંબઈ. પોણા ચારે નીકળીને સૌથી પહેલાં માટુંગાની મોસ્ટ ફેમસ રેસ્ટોરાંમાં જવાનું હતું. અર્લી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ કરવા. આગલે દિવસે ફોન કરીને પૂછી લીધું હતું કે રોજની જેમ સવારે પાંચ વાગ્યે જ ખૂલશેને. પણ અમે તો સાડા ચારમાં પાંચે પહોંચી ગયા. હૉટેલ હજુ અંદરથી ગોઠવાઈ રહી હતી. અને અમે કંઈ સૌથી પહેલાં ખાઉધરા નહોતા. અમારા પહેલાં એક કારમાં કેટલાક લોકો ઑલરેડી આવીને રાહ જોતા હતા. હૉટેલને અંદરથી ધોઈ લીધા પછી એના આંગણની એક દિશામાં વીસ ફીટ અને બીજી દિશામાં વીસ ફીટ જેટલી ફૂટપાથો પણ ધોવાઈ. અમે ઊભા રહેવાને બદલે માટુંગા શાક માર્કેટ, રૂઈયા – પોદારવાળા રસ્તે મૉર્નિંગ વૉક કરતાં કરતાં છેક કેરળથી બે દિવસનો પ્રવાસ કરીને કેળાંથી ઠસોઠસ લદાયેલી મસમોટી ટ્રક જોઈ આવ્યા. આખા વૃક્ષાચ્છાદિત રસ્તે કોઈ એકલદોકલ પંખીના ચહકવાનો અવાજ આવે. હજુ પક્ષીઓ પણ સ્ટાર્ટ થયા નહોતાં!

બરાબર પાંચમાં પાંચ કમે હૉટલની બહાર ઊભેલા બધાને જ પ્રવેશ મળ્યો. જાગરણ કરીને આવેલું ગુજરાતી ટીનેજર્સનું મસમોટું ક્રાઉડ પણ એમાં હતું. દસ મિનિટમાં જ હૉટેલનાં લગભગ બધાં જ ટેબલો ભરાઈ ગયાં. રામાશ્રય માટે આ રૂટિન કહેવાય. મઝાની વાત એ છે કે પ્યોર સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાંમાં (જયાં ચાઈનીઝ, પિત્ઝા, પાંઉભાજી, ભેળ તો શું બ્રેડબટર-ટોસ્ટ પણ ના મળે) હન્ડ્રેડ પર્સેન્ટ ક્રાઉડ ગુજરાતીઓનું હતું. અફકોર્સ, એમાં માત્ર અમે જ ‘કબાલી’ જોવા જવાના હતા, અને થોડી જ મિનિટોમાં તલૈવાના ટીશર્ટ પહેરેલા થોડાક યંગસ્ટર્સ અને થોડાક સહેજ મોટી ઉંમરના લોકો પધાર્યા – બધા જ તમિળિયન. મેં એમની સાથે એમનું ટીશર્ટ દેખાય એ રીતે એક ફોટો લેવાની વિનંતી કરી. ઉત્સાહથી હા પાડી. એ સૌ ‘અરોરા’ના ફર્સ્ટ શોમાં જઈ રહ્યા હતા. મેં કહ્યું હું સાયન-પીવીઆર તમિળ શોમાં જઈને પછી હિંદી વર્ઝન જોવા જવાનો છું, ગુજરાતી છું. એ ખુશ થઈ ગયા. ટિપિકલ સાઉથ ઈન્ડિયન એક્સન્ટ સાથેના ઈંગ્લિશમાં કહે: તલૈવાની ફિલ્મ જોનારાઓને ભાષાનું કોઈ બંધન નડતું નથી.

ઈડલી-સાંભાર સાથે પ્યોર ઘી રેડેલી મુલગા પુડી ચટણી અને ઉપમા તથા શીરા પછી ફિલ્ટર ‘કાફી’નો સમ્પચ્યુઅસ બ્રેકફાસ્ટ કરીને સૌથી પહેલાં તો નજીકમાં જ આવેલા ‘અરોરા’ થિયેટર પર ગયા. દૂરથી જ તમને ઢોલનગારાં સંભળાય. લોકો મન મૂકીને ડાન્સ કરી રહ્યા હતા, ઉપરથી કોઈ ગ્લિટર વરસાવતું હતું. અમે બી ટોળામાં ઘૂસીને થોડો ડાન્સ-બીન્સ કર્યો. અમારા પર પણ રંગબેરંગી ઝરી વરસી. ઓહોહો… એય લાંબો રજનીસરનો કટઆઉટ. ભપકાદાર લાઈટ્સ. કોઈનાં લગ્નમાં આવ્યા હોય એવું લાગે. અને વાગ્યા’તા કેટલા? સવારના સાડા પાંચ. લોકો મોંઘા વીડિયો કેમેરાથી માંડીને પોતાના સેલફોન વાપરીને ફોટાઓ પાડી રહ્યા હતા. અમે પણ આ અવર્ણનીય અને અલૌકિક નજારાના એટમોસ્ફિયરને ફોનના કેમેરામાં કેદ કરીને લીધો એફબી પર મોકલી આપ્યો (ફીલિંગ ઑસમ).

ટિકિટ તો અમારી પાસે બીજા થિયેટરની હતી. ત્યાં પણ ‘અરોરા’ની જેમ જ પોલીસનો બંદોબસ્ત. (‘અરોરા’માં તો ‘ટૉપ્સ’ની પ્રાઈવેટ સિક્યુરિટીની મોટી વાન પણ તહેનાતમાં હતી). સ્ક્રીન-વનની એન્ટ્રી પૂરી થયા પછી અમને સ્ક્રીન ટુમાં લીધા. શો દસેક મિનિટ પછી શરૂ થયો. અમારાવાળા ઑડિટોરિયમમાં અચાનક ચિચિયારીઓ સંભળાઈ જે બાજુના સ્ક્રીન-વનમાંથી આવી રહી હતી. ખ્યાલ આવી ગયો કે પિક્ચરમાં રજનીસરની એન્ટ્રી કેટલી મિનિટ પછી થવાની છે. એકાએક શંખનાદ સંભળાયો. સ્ક્રીન પર હજુ ફિલ્મ તો શરૂ થઈ નહોતી. પ્રોજેક્શન રૂમની બાજુમાંથી એક ઉત્સાહી ભકત દ્વારા આ ધાર્મિક વિધિ થઈ રહી હતી. સાત વખત શંખનાદ થયા પછી પિક્ચર શરૂ થયું. સેન્સર સર્ટિફિકેટ પછી ધૂમ્રપાન કેટલું ખતરનાક છે એ વિશેની એક મિનિટની વૈધાનિક ફિલ્મ વખતે મારી પાછળનો તલૈવાપ્રેમી બે-ત્રણ વખત બોલ્યો: સ્મ્મોકિકંગ્ગ કિલ્સસા કબ્બાલી!

‘કબાલી’માં રજનીકાન્તની એન્ટ્રી ચાર વખત થાય છે. (ના, એકતા કપૂરની સિરિયલના અંદાજમાં નહીં.) પહેલી વખત તો, આગળ લખ્યું એમ ટાઈટલ પડે ત્યારે: સુપ્પર સ્ટાર રજની! (તાળીઓ), પછી પોલીસ ફાઈલમાં રજનીસરનો ફોટો દેખાય ત્યારે (તાળીઓ પ્લસ સીટીઓ), એ પછી તલૈવાની પીઠ સ્ક્રીન પર દેખાય (તાળીઓ પ્લસ સીટીઓ પ્લસ ચિચિયારીઓ) અને ચોથી વખત સાહેબનો ફુલ ફ્રન્ટ પોઝ દેખાય ત્યારે આ અવાજો ઉપરાંત માત્ર સીટ પર ઉછળવાનું જ બાકી રહે. મારા એક મિત્રને ખબર પડી કે હું પહેલી રોમાં રજનીકાન્તની ફિલ્મ જોઈ આવ્યો છું તો મને કહે: તો તો તમે થેલી ભરીને ચિલ્લર જરૂર ભેગું કરી લીધું હશે! મેં કહ્યું, ‘અરોરા’ જેવું સિંગલ સ્ક્રીન થિયેટર હોત તો જરૂર હાથ મારી લીધો હોત!

પચ્ચીસ વર્ષની સજા કાપીને પોતાની કોટડીની બહાર નીકળતા રજનીકાન્તની અદા જુઓ. જેલના સિપાઈઓ ખોલીમાંથી કબાલીને લઈ જઈ રહ્યા છે. તલૈવા સેલના ઉંબરા બહાર પગ મૂકે છે અને ક્ષણાર્ધ વિચાર કરીને પગ પાછો ઊંબરાની અંદર લઈ લે છે. બે હાથ ઊંચા કરીને દરવાજા પરના આડા સળિયા પકડીને સ્ફૂર્તિથી એક પુશઅપ કરે છે અને પછી સિપાઈઓની પાછળ ચાલે છે. રજનીસરની આ અને આવી અદાઓ પર તો લોકો પાગલ જ નહીં ઘાયલ થઈ જતા હોય છે. એક વાત તમે નોંધજો. ફિલ્મની શરૂઆતમાં રજનીકાન્ત જેલમાંથી છૂટીને બહાર નીકળી રહ્યા છે ત્યારે એક તોતિંગ દરવાજો આવે છે જેમાં એક નાનો દરવાજો છે જે (આપણા જેવા) મામુલી બંદાઓ માટે ખુલતો હોય છે. પણ રજનીસર તો સુપરસ્ટાર છે. એમના માટે આખેઆખો પેલો જાયન્ટ દરવાજો સરકાવીને ખોલવામાં આવે છે. તલૈવા હોવાના ફાયદા!

રામાશ્રયમાં જેમનો ફોટો પાડ્યો હતો એ રજનીફૅન અમારા મિત્ર બની ગયા. અમારી વચ્ચે બીજી પણ એક વાત કૉમન નીકળી —બેઉ આર.ડી.બર્મન પાછળ પાગલ. (રજનીસરની એ પછીની બે ફિલ્મો- ‘કાલા’ અને ‘2.0’ અમે એમની મહેરબાનીથી ‘અરોરા’માં ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોઈ) આ મિત્રની આગાહી સાચી પડી. તલૈવાની ફિલ્મોને ભાષાનું બંધન નડતું નથી. તમારે જોવી હોય તો તમિળમાં જ જજો. અંગ્રેજી સબ-ટાઈટલ્સ સાથે બતાડે છે. એટલે આખી ફિલ્મમાં કવિ શું કહેવા માગે છે એ ઉપરાંતનું પણ ઘણું બધું માણવાનું છે.

‘કબાલી’ જોઈ લીધું છે એની લોકોને ખબર પડી છે ત્યારથી લોકો પૂછયા કરે છે: કેટલા સ્ટાર, કેટલા સ્ટાર?

મારો એક જ જવાબ છે: આકાશમાં કેટલા છે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

1 COMMENT

  1. જિયો મેરે રાજા… અમે પણ રજનીસર ના fan છીએ… He is really a Superstar.. Thanks for Your Article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here