બકોર પટેલ અને ગિજુભાઈ : ડોશી મરે એનો ડર નથી પણ… : સૌરભ શાહ

ગુજરાતી ભાષામાં બંગાળી કે મરાઠીની સરખામણીએ બાળસાહિત્ય ઓછું લખાયું છે પણ જે લખાયું છે તે કોઈ પણ ભાષાના ઉત્તમોત્તમ બાળસાહિત્યની સાથે ગૌરવભેર ઊભું રહી શકે એવું છે. ચં. ચી. મહેતાનાં ‘ઈલા કાવ્યો’થી માંડીને રમેશ પારેખનાં ‘હું ને ચંદુ છાનામાના’ સહિતનાં બાળગીતોએ ગુજરાતી કવિતાની સમૃદ્ધિમાં ઉમેરો કર્યો છે. હરિપ્રસાદ વ્યાસના બકોર પટેલ અને જીવરામ જોષીના મિયાં ફુસકી જેવાં બીજાં ડઝનેક અમર પાત્રો ગુજરાતીઓની દરેક નવી પેઢીને હજુય ખુશખુશાલ કરતાં રહે છે. રમણલાલ સોનીથી માંડીને ગિજુભાઈ બધેકા સુધીના અનેક લેખકોએ નવું મૌલિક બાળસાહિત્ય રચીને તેમજ જૂની કેટલીક વાર્તાઓનું પુનઃકથન કરીને ગુજરાતી ભાષાના બાળસાહિત્યના વારસાને વધુ સમૃદ્ધ કર્યો છે.

હેરિટેજ, ધરોહર, વારસો, ઉજ્જવળ પરંપરા. સ્થાપત્ય અને ઇમારતોની જેમ સાહિત્યના હેરિટેજ માટે પણ કેટલાક નિયમો હોવા જોઈએ, કાયદા હોવા જોઈએ જેથી આવનારી પેઢીઓ સુધી એ વારસો પહોંચે ત્યારે એમાં કોઈ ચેડાં ન થયેલાં હોય. આ જવાબદારી લેખકો, સાહિત્યકારો, શિક્ષણકારો, પ્રકાશકો અને સૌથી વધારે તો વાચકોએ નિભાવવાની હોય. જો કોઈ કૃતિ સાથે તોડફોડ થયેલી જણાય તો તરત જ એની સામે તાર્કિક રીતે મજબૂતીથી મોટા પાયે વિરોધ નોંધાવવો જોઈએ.

વિલિયમ શેક્સપિયરની ચારસો વરસ પહેલાંની અંગ્રેજી કે પછી નરસિંહ મહેતાની છસો વર્ષ પહેલાંની ગુજરાતી ભાષાના કેટલાક શબ્દોના અર્થ ન સમજાય કે પછી તેના સંદર્ભો આજના જમાનામાં ન સમજાય તો શું કરીશું? ફટ દઈને બદલી કાઢીશું? ના. એવી મૂર્ખાઈ કોઈ નહીં કરે. એ શબ્દો, એ સંદર્ભોને સમજવાની, સમજાવવાની કોશિશ કરીશું. તો જ આ મહાકવિઓની મૌલિકતાને પામી શકીએ. ચાર્લ્સ ડિકન્સ કે ગોવર્ધનરામ મા. ત્રિપાઠીએ દોઢ-બે સદી પહેલાં લખેલી નવલકથાઓમાં એમનો જમાનો પ્રગટ થાય છે. આજની પેઢીના વાચકને શહેરના રસ્તા પર દોડતી ટ્રામ કે ઘોડાગાડીનું દ્રશ્ય વિચિત્ર લાગશે એવું માનીને ‘સરસ્વતીચંદ્ર’માં હીરોને મેટ્રો રેલવેમાં ફરતો દેખાડવાનું કોઈ દોઢડહાપણ કરે તો?

અફસોસની સાથે જણાવવાનું કે ગુજરાતી બાળસાહિત્યમાં આવું ઑલરેડી શરૂ થઈ ચૂક્યું છે. હરિપ્રસાદ વ્યાસરચિત અમરપાત્ર બકોર પટેલની વાર્તાઓની નવી આવૃત્તિમાં નવા જમાનાના બાળકોને સમજ પડે એવું બહાનું આગળ ધરીને ‘મોભો’ શબ્દ જ્યાં વપરાયો હોય ત્યાં કૌંસમાં ‘સ્ટેટસ’, ‘હૃદય’ની બાજુમાં ‘હાર્ટ’ વગેરે શબ્દો ઉમેરાઈ ગયા છે. આવું કરવાની કોઈ જરૂર નથી. જે બાળકોને આ વાર્તા વાંચીને સંભળાવવાની છે એવા, ઓછું ગુજરાતી જાણનારા, બાળકો પૂછી લેશે કે આ શબ્દોના અર્થ શું થાય? એમના ભલા માટે, જે બાળકો ગુજરાતીમાં સડસડાટ વાંચી-સમજી શકે છે એમનો સ્વાદ શું કામ બગાડવો જોઈએ?

બકોર પટેલની વાર્તાઓ જે જમાનામાં લખાઈ ત્યારે તોલમાપ શેર, મણ વગેરેમાં વપરાતાં. નવી આવૃત્તિમાં એનું કન્વર્ઝન ગ્રામ, કિલોગ્રામમાં કરવામાં આવ્યું છે જેની કોઈ જરૂર નથી. બાળવાચકો બુદ્ધિશાળી હોય છે. તેઓ વાર્તામાં પરોઢ થતાંની સાથે બળદને લઈને ખેતરે જતા ખેડૂત પિતાની વાર્તા વાંચીને એવું નથી પૂછવાના કે મારા ડૅડી શું કામ આઠને છપ્પનની ટ્રેન પકડીને ખેતરને બદલે ઑફિસે જાય છે.

બકોર પટેલની જેમ કોઈ પણ બાળસાહિત્ય કે સાહિત્યની રચના જે જમાનામાં થઈ હોય તે જમાનાનો ચાર્મ અકબંધ રાખવો જોઈએ. બકોર પટેલ કોઠીનો (સંચાનો) આઇસ્ક્રીમ ઘરે બનાવવાનું ‘સાહસ’ કરે અને એમાં નમકવાળું પાણી ઘૂસી જાય તો એ જ તો વાર્તાની ખરી મઝા છે.

આજે આપણાં ઘરોમાં ભાગ્યે જ હાથથી ચલાવીને ફરતી કોઠીનો આઈસ્ક્રીમ બનતાં બાળકોએ જોયો હશે. તો શું બકોર પટેલના આઇસ્ક્રીમવાળા એપિસોડમાં ફેરફાર કરીને પટેલસાહેબ મિત્રો-પાડોશીઓને આઈસ્ક્રીમ પાર્લરમાં લઈ જાય છે એવો પ્લૉટ બનાવીશું? બકોર પટેલનો ફોન (આજે જેને આપણે લૅન્ડલાઇન કહીએ છીએ તે) બગડી જાય અને ઘરમાં ઇમરજન્સી ઊભી થાય, પછી રમૂજો થાય એવો પ્લૉટ પ્રી-મોબાઇલ યુગમાં જ સંભવે. પણ આજનાં આઠ-દસ-બાર વર્ષનાં બાળકોને લૅન્ડલાઇન ફોન કોને કહેવાય તેની ખબર નથી. તો શું કરવાનું? બકોર પટેલને મોબાઇલ ફોન વાપરતાં દેખાડશો? આ રીતે તો પછી બીજા કેટકેટલાય ફેરફારો કરવા પડશે. હરિપ્રસાદ વ્યાસની મહાન કૃતિઓને અનટચ્ડ રહેવા દઈએ એમાં જ ડહાપણ છે.

ગિજુભાઈ બધેકા લિખિત/પુનઃકથન પામેલી બાળવાર્તાઓમાં પણ ફેરફારો કરવાની હિલચાલ થઈ રહી છે. એક વાર્તામાં તળપદા શબ્દો ઘણા છે તેથી એનું ‘સંમાર્જન’ કરવું જોઈએ, એક વાર્તામાં વાછૂટ માટે વપરાતો દેશી શબ્દ કાઢી નાખવો જોઈએ, એક વાર્તામાં સુથારને લીમડો કાપવાનું કહેવામાં આવ્યું છે એટલે બાળક પર પર્યાવરણસુરક્ષા વિશે ખોટા સંસ્કાર પડશે એવો ભય બતાવીને એમાં ફેરફાર કરી નાખવાની ચળવળે જોર પકડ્યું છે તો ‘ડોશી અને તેના દીકરા’ શીર્ષકવાળી વાર્તામાં ‘ડોશી’ શબ્દ ‘હીનતાવાચક’ ગણાય એવું બહાનું આગળ ધરીને ‘ડોશી’ની જગ્યાએ ‘માજી’ કે ‘મા’ જેવો ‘સન્માનસૂચક’ શબ્દ વાપરવાનું સૂચન થયું છે.

ગિજુભાઈ બધેકા

આ તેમજ આવા સુધારાઓ ગમે એટલા સારા આશય સાથે સૂચવવામાં આવે અંતે તો આ સઘળા દોઢડહાપણનું પરિણામ ગુજરાતી સાહિત્યના અમર વારસા સાથે થતી ગંભીર છેડછાડોમાં આવવાનું છે.

અગાઉ ઉમાશંકર જોશી, રા.વિ. પાઠક અને સુન્દરમ્ જેવા મોટા ગજાના ઉત્તમ સાહિત્યકારો લિખિત ટૂંકીવાર્તા/એકાંકીમાં કેટલાક ‘અભદ્ર’ શબ્દો કાઢી નાખવાની ઝુંબેશ ચાલી તે પણ ખોટી જ હતી. કોઈ દલિત સાહિત્યકારે સવર્ણ કે બ્રાહ્મણ વિશે પોતાની વાર્તામાં ટિપ્પણી કરી હોય તો તેને પણ કાઢવાની જરૂર નથી હોતી. આ બધા શબ્દો આજે ભલે પ્રચલિત ન હોય (અથવા સરકાર દ્વારા પ્રતિબંધિત હોય) પણ તેનું ઐતિહાસિક/દસ્તાવેજી મૂલ્ય છે. એ કૃતિઓને પાઠ્યપુસ્તકમાં ન લેવી હોય તો તમારી મરજી પણ મૂળમાં ફેરફાર કરીને ભણાવવાની કોઈ જરૂર નથી. આ જ સર્જકોની બીજી ઘણી ઉત્તમ કૃતિઓ છે તે ભણાવવાની. આ મહાન સર્જકોના લેખનમાં ફેરફારો કરવાવાળા આપણે તે કઈ વાડીના મૂળા?

ગાંધીજીએ એ શબ્દોની અવેજીમાં ‘હરિજન’ શબ્દ પ્રચલિત કર્યો, સરકારે ‘દલિત’ શબ્દ પ્રચલિત કર્યો. આજની તારીખે કેટલીક જગ્યાએ આ બંને શબ્દો સામે પણ વાંધો લેવાય છે. તો હવે શું કરીશું? હેર કટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા શબ્દો સામે પણ વાંધા ઊભા થાય છે. તો હવે આ જ વ્યવસાય સાથે સંકળાયેલી અટકો વાપરનારા આદરણીય ભાષાપંડિતોનો ઉલ્લેખ હવે કેવી રીતે કરીશું?

મહેરબાની કરીને પોલિટિકલી કરેક્ટ રહેવાની આ બધી ફિજુલ એક્સરસાઇઝ બંધ કરીએ. સાહિત્ય કે પછી કોઈ પણ લખાણ જે તે સમયનું પ્રતિબિંબ છે. જમાનો આગળ વધતો જાય તેમ સમાજમાં આવતા ફેરફારોનું પ્રતિબિંબ નવાં સર્જાતાં લખાણોમાં ઝીલાવાનું જ છે. આ ફેરફારોને ઝીલવા માટે જૂનાં લખાણો સાથે ચેડાં કરવાં એ ઘણું મોટું પાપ છે.

દોઢસો વર્ષ અગાઉ નર્મદે એક પત્રમાં લખ્યું હતું: ‘હું પણ તમારા શહેરમાં એક ક્યારેક્ટર છઉં.’ હવે કોઈ અંગ્રેજીનો પંડિત પોતે સત્તાવાહી જગ્યાએ હોય અને હુકમ છોડે કે ‘ક્યારેક્ટર’નો સહી ઉચ્ચાર તો ‘કૅરેક્ટર’ છે અને ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજીના ખોટા ઉચ્ચારો ન શીખવાડવા જોઈએ એટલે કરો સુધારો – તો એવો ‘સુધારો’ કોણ મંજૂર રાખશે? અને વળી કોઈ ગુજરાતીના મહાપંડિતને શૂર ઉપડે કે ‘છઉં’ તો અશુદ્ધ પ્રયોગ કહેવાય, ‘છું’ કરી નાખીએ તો નર્મદાશંકર લાલશંકર દવે નામનો અમારો પૂર્વજ સ્વર્ગમાં બેઠાં બેઠાં લાજી જ મરે ને.

બકોર પટેલની ‘સુધારા’ પામેલી આવૃત્તિ તાબડતોબ પાછી ખેંચી લઈને નવેસરથી, જૂના પાઠ પ્રમાણેની આવૃત્તિ પ્રગટ થવી જોઈએ અને એવું ન થાય ત્યાં સુધી તેની સરકારી/સંસ્થા ખરીદી બંધ કરવી જોઈએ. વાચકો તેમજ તમામ ગુજરાતીઓએ તેનો બહિષ્કાર કરવો જોઈએ. ગિજુભાઈની વાર્તાઓ કે અન્ય કોઈ પણ સાહિત્ય/બાળસાહિત્ય સાથે ચેડાં કરવાનું બંધ થવું જોઈએ. આજે અને અત્યારે જ.

માતુશ્રીનું નિધન થાય તેનો ડર નથી, ભાષાના ભાગવતને યમરાજનો પાડો ચાવી જશે અની ચિંતા છે.

સાયલન્સ પ્લીઝ!

જેટલી છૂટ આપશો એટલી વધુને વધુ લેવાતી જશે.

—અજ્ઞાત્

( લાઉડમાઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 29 જૂન 2022 )

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

17 COMMENTS

  1. રાજા કરે તેમ પ્રજા કરે,ઇતિહાસ બદલતો રાખવો.

    • આપની વાત તદ્દન સાચી. હું મારા પૌત્ર-પૌત્રીઓને વાર્તા કહું છું ત્યારે એ જ આપણા જુના શબ્દ પ્રયોગો વાપરું છું. એનાથી એક અદભુત ફાયદો એ થાય છે કે તેઓ જ તેનો શબ્દાર્થ, ભાવાર્થ , કે મતલબ પૂછે છે અને મને અત્યંત આનન્દ થાય છે કે જ્યારે તેઓ જે તે શબ્દ ને પોતાની રીતે વાપરે છે.
      “ટાઢું ટબુકિયું”, “ભલ્લુકુદુ” આ બધા શબ્દો તેઓના શબ્દ ભંડોળ માં સમાઈ ગયેલા છે. “છેલ અને છબૉ” વાર્તા સાંભળીને તેઓ ના મન માં વસી ગયું છે કે પ્રાણાયમ કરી ને ઊંડો શ્વાસ લેવાથી ઘણી તાકાત આવે છે. તેઓ હજી ઘણાં ઘણાં નાના છે પણ મને લાગે છે કે તેઓ યોગ્ય રસ્તે જ છે….
      કાશ, સૌરભ ભાઈ, તમારી આ વાત આજકાલ ના કોંન્વેટિયા માબાપો સમજે….

  2. હું તમારી વાત સાથે સહમત છું. જે તે સમયે લખાયેલ સાહિત્ય માં તે સમયના વાતાવરણ અને પરિસ્થિતિઓ નો પ્રભાવ હોવાનો જ. માટે તેની પુનઃ આવૃત્તિમાં વણ જોઇતા ફેરફાર ના કરવા જોઈએ

  3. Manepan bakorpatelno Juno set joia che kaythi malesje gana vakhat thi shodhucho please adress mokalav

  4. ઘણાં મહિના અગાઉ આ જ બાબતે વિસ્તારપૂર્વક ક્યાંક વાંચેલું. ત્યારે પણ વોર્નિંગ બેલ- સાયરન નો સાઉન્ડ હતો. હવે એ સાઉન્ડ એડવાઈસ ને તડકે મૂકી અંગ્રેજી ધારમાં પલળવાની કામવાસના નિ:સહાય ભાષા પર દુષ્કર્મ કરવાની ક્ષમતા ધરાવે છે અને એને અવગણી ન શકાય. જો કોઈ સમયસર યોગ્ય પગલા ન લેવાયા તો ભાષાની સાથે “ગુજ્જુ ભાઈ”ની અંગ્રેજીમાં ઠેકડી ઉડશે. ( અને શું ખબર એની શરુઆત કરનાર પણ નવી પેઢીનો કોઈ હાઈબ્રીડ ગુજરાતી હોય)

    .

  5. તદ્દન સાચી વાત છે. આ મુદ્દાને એક ઝુંબેશ માં ફેરવવો જોઈએ.

  6. સાવ સાચું.

    સુધારા માં/ ભાષાંતર માં જો ગડબડ થાય તો મુળ હાર્દ જ જતું રહે.

    બકોર પટેલ ની એક વાર્તા માં પોણો સો (૭૫) અને પોણી સો (૯૯.૭૫) નો ભેદ સમજાયો હતો.

  7. એકદમ સાચી વાત અને મુદ્દાસર તર્કબદ્ધ રજુઆત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here