બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ જગતનો કારભાર સંભાળે છે અને ગુરુ આ ત્રિદેવ સમાન છે : સૌરભ શાહ

[ આ અતિ દીર્ઘ અભ્યાસલેખ મેં હરદ્વારના યોગગ્રામ-નિરામયમના મારા પચાસ દિવસીય નિવાસના ૧૮મા દિવસે ( ૧૮મી એપ્રિલના રોજ) લખીને થોડાક એડિટિંગ બાદ એક સંપાદન-પુસ્તક માં પ્રકાશન માટે મોકલ્યો હતો.]

યોગાનુયોગ જુઓ કે અત્યારે હું પચાસ દિવસ માટે હરદ્વારમાં સ્વામી રામદેવના યોગગ્રામ-નિરામયમ આશ્રમમાં આવ્યો છું ત્યારે જ મારા મિત્ર જય વસાવડાનો સંદેશો આવે છે કે “પૂજ્ય ગુરુદેવ શ્રી દોલતસાગર સુરીશ્વરજી આયુષ્યની શતાબ્દી પૂર્ણ કરી ચૂક્યા છે તે નિમિત્તે ગુરુ તત્ત્વ વિશે એક સનાતન સંદર્ભગ્રંથ માટે કંઈક લખવું જે જિજ્ઞાસુઓ તથા અભ્યાસુઓ માટે ઉપયોગી પુરવાર થાય.”

સ્વામી રામદેવની નિશ્રામાં 50 દિવસ સુધી યોગાભ્યાસની સાથે આયુર્વેદ, પ્રાકૃતિક ચિકિત્સા ઇત્યાદિ માટે મુંબઈથી હરદ્વાર આવવાનો મારો આશય અહીં આવતાં પહેલાં જ મેં સ્પષ્ટ કરી દીધો હતો – મારે સો વર્ષનું સ્વસ્થ, તંદુરસ્ત, મનદુરસ્ત અને પ્રવૃત્તિમય આયુષ્ય મેળવવું છે.

આ માટે શતાયુ પૂજ્ય ગુરુદેવ શ્રી દોલતસાગર સુરીશ્વરજીના સૂક્ષ્મ આશીર્વાદ આપતા હાથ મારા માથા પર છે એવી ગુરુકૃપાની ભાવના સાથે આ લેખનો આરંભ કરું છું.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ જગતનો કારભાર સંભાળે છે એવી ભારતીય સનાતન ધર્મની માન્યતા છે. ગુરુ આ ત્રિદેવ સમાન છે એવી આપણા સૌની શ્રદ્ધા છે.

ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. ભગવાન અને ગુરુને એકસરખો દરજ્જો આપણે આપીએ છીએ ત્યારે પહેલી ગેરમાન્યતા એ દૂર કરવાની છે કે જીવનમાં જેને ને તેને ગુરુ માનવાના ન હોય. ગુરુ શબ્દ અત્યંત પવિત્ર છે. બધા ઇન્સ્ટ્રક્ટર કે પછી બધા માર્ગદર્શક કે પછી બધા ટીચર ગુરુ નથી હોતા. ગુરુમાં આ ત્રણેય તત્ત્વો ઉપરાંતનું બીજું ઘણું બધું હોય છે.

આશ્રમો અને ગુરુઓ આ દેશની ભવ્ય અને પવિત્ર પરંપરા છે. સાધુ, સંત અને મહંતથી આ દેશની ઉજળી પરંપરાઓ સર્જાઈ છે.

કોઈ પણ વ્યક્તિને ગુરુપદે સ્થાપતાં પહેલાં ગુરુતત્ત્વ વિશે કેટલીક ચોખવટ, થોડીક વધુ સ્પષ્ટતાઓ થઈ જવી જોઈએ.

જે શીખવાડે છે તે બધા જ કંઈ તમારા ગુરુ ન થઈ જાય. ડ્રાઇવિંગ સ્કૂલમાં તમને કાર ચલાવતાં શીખવાડનાર ઇન્સ્ટ્રક્ટર તમારા ગુરુ નથી. રેસિપીના ટીવી શોમાં કે યુટ્યુબ ચેનલમાં તમને વઘારેલા મમરા બનાવતાં શીખવતાં બહેન તમારા ગુરુ નથી. એમના પ્રત્યે તમે આભાર વ્યક્ત કરી શકો, એમનો ઋણ સ્વીકાર કરી શકો – એમને ગુરુપદે ન બેસાડી શકો. શાળાકૉલેજના શિક્ષકો પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરવા માટે પાંચમી સપ્ટેમ્બરે આવતો શિક્ષકદિન પૂરતો છે.

ગુરુ એ છે જે તમને જીવન જીવવાની સાચી દિશા સુઝાડે છે. ગુરુ એ છે જે તમને જીવનમાં તમારો ધર્મ શું છે તે શીખવાડે છે અને ધર્મ એટલે? ધર્મ એટલે અવશ્ય કરવા યોગ્ય અને પાળવા યોગ્ય આચાર, વિચાર તથા કર્તવ્ય. ધર્મની આટલી સટિક વ્યાખ્યા બીજી કોઈ નથી. આ વ્યાખ્યા ભગવદ્ ગોમંડલ કોશની દેણ છે. વ્યાખ્યાના ત્રણેય અંશને ફરીવાર ધ્યાનપૂર્વક જુઓ. પહેલાં કહે છે કે ‘અવશ્ય કરવા યોગ્ય’, પછી ઉમેરવામાં આવે છે કે ‘પાળવા યોગ્ય’ અને પછી ઉમેરાય છેઃ ‘આચાર, વિચાર તથા કર્તવ્ય’. આ વ્યાખ્યાને સમજણપૂર્વક જીવનમાં ઉતારતાં શીખવાડે એવા ગુરુ મળે કે પછી આપમેળે એવી સમજણ પ્રગટે તો ધર્મસંબંધી ઘણી બધી મૂંઝવણો દૂર થઈ જાય.

આજની યંગ જનરેશન માટે ધર્મનો અર્થ માત્ર એટલો જ કરવો પૂરતો છે કે, સારા-નરસાનો ભેદ પારખવાની મૅચ્યોરિટી જેમાંથી પ્રાપ્ત થાય એવી વાતો એટલે ધર્મ. એવી વાતો જાણવી, શીખવી, આચરણમાં મૂકવી એટલે ધાર્મિક હોવું, ધર્મિષ્ઠ હોવું. આવી વાતો અમુક જગ્યાએથી જ મળી શકે એવી માન્યતાઓ હવે જરીપુરાણી થઈ ગયેલી ગણાય. ગમે ત્યાંથી એ પ્રાપ્ત થઈ શકે. કોઈકે કહ્યું એટલે એ વાક્ય પથ્થરની લકીર એવું માનીને ચાલી શકાય નહીં. શાસ્ત્રોમાં જે લખાયું તે બધું જ સાચું અને એ તમામનું પાલન અનિવાર્ય એવા ભ્રમમાં પણ ન રહેવાય. ગઈ કાલે જે લખાયું તેનું ઈન્ટરપ્રીટેશન કોઈ પોતાની સગવડ મુજબ કરીને તમને ભરમાવતું હોય એવું પણ બની શકે, વારંવાર બનતું રહ્યું છે. અને હજુ પણ બનશે, જો તમે સાવધ નહીં રહો તો. ધાર્મિક ગ્રંથોમાં કે પુરાણો વગેરેમાં લખાયેલી વાતોને કે ધાર્મિક માન્યતાઓને પડકારનારા કે એમાં ફેરફારો સૂચવનારા વળી તમે કોણ એવો અદ્રશ્ય સવાલનો મનોમન ઉત્તર એ આપવાનો હોય કેઃ પડકારવાનું સૂઝ્યું એ જ પુરવાર કરે છે કે મને અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે.

જીવનમાં શું સારું છે, શું સ્વીકારવા યોગ્ય છે અને નઠારું શું છે, ફેંકી દેવા જેવું શું છે એ વિશેનો દ્વંદ્વ સતત મનમાં ચાલતો રહેવાનો. આ દ્વંદ્વથી મનને જે વધુમાં વધુ મુક્ત કરી શકે, એ વિશેની વધુમાં વધુ સ્પષ્ટતા આપી શકે તે જ સાચો ગુરુ અને એવી વાતો જેમાં લખી હોય તે જ સાચો ધર્મગ્રંથ.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ‘ધર્મ માણસના અંતઃકરણના વિકાસનું ફળ છે; તેથી જ ધર્મના પ્રમાણનો આધાર પુસ્તક નહીં, અંતઃકરણ છે.’

ગુરુ તમારા અંતઃકરણને ઢંઢોળે છે અને એને સાચી દિશા તરફ લઈ જાય છે. ગુરુ તમારી જિજ્ઞાસાઓને સંતોષે છે. સોક્રેટિસ માનતો કે જિજ્ઞાસાઓને સંતોષવા માટે પ્રશ્નો પૂછતાં રહેવું જોઈએ. સાચા ગુરુ તમારા તમામ પ્રશ્નોના ઉત્તર આપશે અથવા તો તમારા બધા જ પ્રશ્નો ઓગળી જાય એ રીતે તમારા અંતઃકરણનો વિકાસ કરશે.

ગુરુની પ્રત્યક્ષ વાણી તો તમારા માટે ઉપયોગી હોય છે જ, મનોમન થતું ગુરુનું ચિંતન પણ તમને ધ્રુવના તારાની જેમ જીવનની દિશા ચીંધતું હોય છે. હું જે વિચારું છું, હું જે કરવા ધારું છું, હું જે કરું છું તેને ગુરુ મંજૂર રાખશે કે નહીં એવું ચિંતન ગુરુને રૂબરૂ મળ્યા વિના પણ તમે કહી શકો છો. ગુરુ જો માર્ગદર્શન આપે તો આ કામ હું કેવી રીતે કરું, એમાં આવનારાં વિઘ્નોને કેવી કેવી રીતે દૂર કરું, શું શું ન કરું – એવા વિચારો ગુરુની છબિનું મનોમન ધ્યાન લગાવીને કરીએ છીએ ત્યારે જીવનના મોટા ભાગનાં પ્રશ્નોનું નિરાકરણ મળી જાય છે એવો મારો જાતઅનુભવ છે.

દરેક વ્યક્તિના જીવનના બે હિસ્સા હોય છે – એક એની પ્રૉફેશનલ લાઇફ અને બીજી પર્સનલ લાઇફ. આ બંને હિસ્સામાં કેટલુંક કૉમન પણ હોવાનું. મારી વ્યાવસાયિક જિંદગીમાં મને ત્રણ ગુરુ મળ્યા. 18 વર્ષની ઉંમરે જ્યાં મેં મારી પ્રૉફેશનલ કારકિર્દી શરૂ કરી તે પરિચય ટ્રસ્ટના સ્થાપક અને ‘ગ્રંથ’ તથા ‘પરિચય પુસ્તિકા’ના તંત્રી યશવંત દોશી. યશવંતભાઈ પાસેથી હું ભાષાની સ્વચ્છતા શીખ્યો. મારા બીજા ગુરુ ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના ગુજરાતી દૈનિક ‘સમકાલીન’ના સ્થાપકતંત્રી હસમુખ ગાંધી. ગાંધીભાઈ પાસેથી હું વિચારોની સ્પષ્ટતા શીખ્યો. મારા ત્રીજા ગુરુ ‘ચિત્રલેખા’ના તંત્રી તથા ગુજરાતી ભાષાના બેસ્ટસેલર નવલકથાકાર હરકિસન મહેતા જેમની પાસેથી હું અભિવ્યક્તિની સરળતા શીખ્યો.

આજે હું જે કંઈ છું તે આ ત્રણેય ગુરુઓ પાસેથી પ્રાપ્ત થયેલી આ ત્રણ ખાસિયતોના આશીર્વાદને કારણે છું. અહીં એક સ્પષ્ટતા એ કરવાની કે તમે પ્રૉફેશનલી જેમના હાથ નીચે કામ કરી ચૂક્યા હો એ બધી જ વ્યક્તિ તમારા માટે ગુરુ પુરવાર થાય તે જરૂરી નથી.

મારી અંગત જિંદગીમાં હું જેમને મારા ગુરુ માનું છું એમાં પહેલું નામ સ્વામી સચ્ચિદાનંદનું આવે જેમની સાથે મારી વૈચારિક નિકટતા છે.

બીજું નામ પૂજ્ય મોરારીબાપુનું આવે જેમની સાથે મારી ભાવનાત્મક નિકટતા છે.

આ ઉપરાંત આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજસાહેબ છે જેમને હું ગુરુદેવનું સંબોધન કરું છું અને જેમની સાથે મારી વૈચારિક તેમજ ભાવનાત્મક નિકટતા છે.

ચોથા ગુરુ મારા માટે સ્વામી રામદેવ છે જેઓ યોગી છે, કર્મયોગી છે અને તન તથા મનની દુરસ્તી માટે એમનું માર્ગદર્શન મારા જેવા કરોડો માટે અમુલ્ય છે.

ગુરુ તરીકે પાંચમી વ્યક્તિ મારા માટે એ છે જેમને હું યુગપુરુષ કહેતો હતો અને હવે એથીય આગળ વધીને એમને અવતારપુરુષ કહું છું— વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

આ ત્રણ વત્તા પાંચ બરાબર આઠ ગુરુ ઉપરાંત હું મને પોતાને પણ મારો ગુરુ માનું છું. ભક્તકવિ અખા ભગતે પાંચસો વર્ષ પહેલાં કહ્યું હતું ‘ગુરુ થા તારો તું જ’. દરેક વ્યક્તિએ છેવટે તો પોતે જ પોતાના ગુરુ થવાનું હોય છે – એવા ગુરુ જે તમને નીરક્ષીરનો વિવેક જાળવતાં શીખવાડી શકે, જે તમને તમારા ગુરુ પ્રત્યેની આદરપૂર્વકની શ્રદ્ધાનું સાતત્ય જાળવતાં શીખવી શકે, જે તમને એવા એવા ગુરુની નિકટ લઈ જવામાં મદદ કરે જે તમારા જીવનને ઉત્તરોત્તર નવાં શિખરો સર કરવાનો માર્ગ ચીંધી શકે, તમને મક્કમપણે ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપી શકે.

આ ધર્મ એટલે શું?

ગાંધીજીએ કહ્યું કે, ‘મારે મન ધર્મ એટલે એક સર્વોપરી અદ્રશ્ય શક્તિને વિશે જીવતી અચળ શ્રદ્ધા.’

ગાંધીજી જે કહેવા માગે છે તેને હજુ વધુ સિમ્પલ શબ્દોમાં સમજીએ. મારા કરતાં, તમારા કરતાં, બધા કરતાં, વધુ શક્તિશાળી એવું કોઈક છે એવી પ્રતીતિ જ્યારે થાય છે ત્યારે જીવનમાંના ખરાબ ગાળાને સહેલાઈથી સહન કરી શકીએ છીએ. એ સર્વોપરી અદ્રશ્ય શક્તિએ આ જે દુઃખ સર્જ્યું છે તેને સહન કરી લેવા સિવાય બીજો કોઈ છૂટકો નથી; કારણકે આ અંગે ફરિયાદ કરીશું કે દુઃખના સ્વીકાર માટે આનાકાની કરીશું કે એની સાથે ઝઘડો કરી બેસીશું તો આપણું કંઈ ઊપજવાનું નથી. કેમ નથી ઊપજવાનું? કારણ કે આપણને ખબર છે કે આપણા કરતાં વધુ શક્તિશાળી એવું કોઈક છે જેણે આ બધું સર્જ્યું છે અને એની પાસે કોઈનીય લાગવગ ચિઠ્ઠી ચાલવાની નથી – તમે જેની લાગવગ-ભલામણનો ઉપયોગ કરવા જશો તેના કરતાંય એ વધુ શક્તિશાળી છે. અને એક વખત જ્યારે શ્રદ્ધા દૃઢ થઈ જાય કે એ અદૃશ્ય સર્વોપરી શક્તિમાન ધારશે ત્યારે તમારી વહારે આવશે જ, એ જ તમને ઉગારશે એ પછી ઘણી બધી ચિંતાઓમાંથી છૂટી શકાય છે, નિશ્ચિંત બનીને કર્તવ્ય તરફ એકાગ્રતા કેળવી શકાય છે.

અંધશ્રદ્ધાનો અભાવ જ માણસને સાચા અને જીવનોપયોગી તત્ત્વચિંતન તરફ લઈ જઈ શકે – એવું તત્ત્વચિંતન જે આપણું રોજિંદુ જીવન અત્યારે છે એના કરતાં બેહતર બનાવી શકે અથવા કમ સે કમ અત્યારે છે એના કરતાં ઓછું ખરાબ બનાવી શકે. સાચું તત્ત્વચિંતન આ જન્મને, મૃત્યુ પર્યંતની આપણી આવરદાને કોઈ ગિલ્ટ વિના માણવાની સમજ આપે. આપણી શ્રદ્ધાને અંધશ્રદ્ધા તરફ દોરી જવાનું પાપ ક્યારેક કોઈ કરે છે. આવી અંધશ્રદ્ધામાં સરી પડીએ એ પહેલાં જીવન સાથે નિસબત ધરાવતું તત્ત્વચિંતન જે મૂકી શકે એ જ આપણા ગુરુ.

પણ શ્રદ્ધાના પ્રદેશમાં ચાલતાં ચાલતાં અંધશ્રદ્ધાની સરહદમાં ક્યારે પગ મૂકાઈ જશે એનું ચોક્કસ જ્ઞાન આપવાનું ગજું કોઈ પુસ્તક કે કોઈ વ્યક્તિમાં તો છે નહીં; તો પછી નક્કી કેવી રીતે કરવું કે શ્રદ્ધાનો અંત ક્યારે આવ્યો અને અંધશ્રદ્ધાનો આરંભ ક્યાંથી થયો?

જરા ધીરજપૂર્વક તપાસ કરીએ.

સો ટચના તર્ક અને સો ટચની આસ્થા વચ્ચે કોઈક એવો પ્રદેશ જરૂર હોવો જોઈએ જ્યાં જવાનું મન સૌ કોઈને હોય છે. દરેક વ્યક્તિ પોતાને જે સત્ય લાગે છે એમાં શ્રદ્ધા ધરાવતી હોય છે. આ સત્ય વ્યક્તિનું અંગત સત્ય હોઈ શકે અથવા અન્ય વ્યક્તિઓને પણ લાગુ પડે એવું નિરપેક્ષ સત્ય પણ હોઈ શકે. સત્ય પોતે ક્યારેય સંપૂર્ણ હોતું નથી, સત્ય પરની શ્રદ્ધા જ એ સંપૂર્ણ છે એવી પ્રતીતિ કરાવે છે.

વિનોબા ભાવેએ ‘ગીતા પ્રવચનો’માં લખેલું એક વાક્ય વારંવાર ટાંકવાનું મન થાય એવું છેઃ ‘અંતરની ઊંડી મમતાનો સંબંધ હોય ત્યાં તર્કને જગ્યા રહેતી નથી.’

વિનોબાજીના આ સુંદર વિધાનને યથાવત સ્વીકારી લેતાં પહેલાં સમજી લેવું જોઈએ કે તર્કથી મુક્ત થઈ ગયેલી શ્રદ્ધા વ્યક્તિની આંતરિક પ્રગતિનું, એના આંતરિક વિકાસનું પરિણામ છે; આવી પ્રગતિ સાધ્યા વિના શ્રદ્ધાને તર્કથી મુક્ત કરી દેવાની ઉતાવળ કરનારાઓ અંધશ્રદ્ધાના પ્રદેશમાં પહોંચી જતા હોય છે. સાચા ગુરુ તમને આવી ઉતાવળ કરતાં રોકીને ધીરજ ધરતાં શીખવાડે છે.

ગુરુ જેવા પવિત્ર શબ્દનો દુરૂપયોગ કરનારાઓ તો ઘણા મળી આવશે. મૅનેજમેન્ટ ગુરુથી લઈને લવગુરુ સુધીના લોકો છે. એક જમાનામાં હિન્દી ફિલ્મના પાકીટમારનો પંદર બૉસને કહેતોઃ ‘ગુરુ, વો કામ હમને કર ડાલા!’

આટલું વાંચીને તમને કોણ કોણ તમારા ગુરુ તરીકે યાદ આવે છે એના પરથી નક્કી થશે કે તમારામાં કેટલું ઊંડાણ છે.

ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ શ્લોકનું મનમાં રટણ કરીને આપણે જેમને ગુરુ ગણ્યા છે તે સૌના આશીર્વાદ જીવનભર મળતા રહે એવી પ્રાર્થના કરીએ:

ગુરુર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વરઃ
ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ
તસ્મૈ શ્રી ગુરવે નમઃ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. ગુરુ એક જ હોવા જોઈએ એવું બધા કહે છે પણ ગુરુ દત્તાત્રેયે તો 24 ગુરુ કરેલા એમ કહેવાય છે. જોકે તમે એકદમ બરાબર કહ્યું.,, જેને અને તેને ગુરુ બનાવી દેવાય નહીં જ. પાત્રતા હોવી એ જોઈએ.

  2. The teacher in professional life may not have thought you life lessons. Most important aspect is self acquired learnings amid relentless hard work. – Manoj

  3. Too good but I still feel GURU ek j hoy je tamne tamara aghyatmic unnati ma madadrup thay
    ramdevji modiji ke bija koi pan pot potana field ma best che
    temna thoda chakro jagrutche je temane wadhare mansik ane skaririk sakti ape che pan guru kai rite kai sakay?
    Tamaro atma ne janjodwama e kai madad na kare!🙏🏻🙏🏻

    eni mate to koi sadguru joie jene guru kaheway
    baki badhaj sikshak ane Achary🙏🏻

  4. સૌરભ ભાઈ….પ્રણામ 🙏 મારા માટે આપના 8 ગુરુ + આપ મારા ગુરુ..જેમને મને શું વાંચવું… કેવું સાહિત્ય વાંચવું .. જેની સાચી પરખ આપી છે. અને આપના ઉપર યુક્ત લેખ મુજબ દરેક વ્યક્તિ પોતાનો ગુરુ હોય છે. માટે હું આ સમસ્ત ગુરુઓ ને નતમસ્તક વંદન કરી 🙏 આશીર્વાદ માંગુ છું. આપનો વાચક મિત્ર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here