આવતીકાલને ભયમુક્ત બનાવવા આજથી જ ડરી ડરીને જીવવાનું? : સૌરભ શાહ

(‘તડકભડક’, ‘સંદેશ’ : રવિવાર, 17 મે 2020)
મેં જે ધાર્યું છે એવું નહીં થાય એવા વિચારથી ડર જન્મે છે. ડરનું જન્મસ્થાન અપેક્ષા છે. મારા એરિયાનો ડી.એસ.પી. મારો સાળો છે અને મેજિસ્ટ્રેટ બનેવી, તો મને ખૂન કરતાં પણ ડર નહીં લાગે. પણ સાળા-બનેવી સાથે ખટકી ગયું હોય તો કોઈને તમાચો મારતાં પણ ડર લાગશે.

તમારા ડરને વટાવી લેવા એક આખો ઉદ્યોગ ધમધમે છે. ઈન્શ્યોરન્સ ઈન્ડસ્ટ્રી એનું નામ છે. તમારા મૃત્યુ પછી તમારી વિધવાનું શું, બાલબચ્ચાંનું શું એવો ડર બતાવતી જાહેરખબરો દ્વારા તમને ખંખેરવામાં આવે છે. તમે બીમાર પડશો તો શું, વૃદ્ધાવસ્થામાં તમારી પાસે પૈસા નહીં હોય તો શું એવો ડર બતાવીને મેડિક્લેમ અને મ્યુચ્યુઅલ ફંડ-પેન્શન ફંડ- વગેરે ફંડમાં તમારો હાથ આમળીને તમારી પાસે રોકાણ કરાવવામાં આવે છે. તમારી પાસે ઘર નથી?

અરેરે, કેવા બેજવાબદાર છો તમે? ઘરબાર વિનાના માણસે તો પછી ફૂટપાથ પર જિંદગી જીવવી પડે એવો ડર બતાવીને તમારી પાસે મોઘું વ્યાજ પડાવીને મનફાવતી શરતોએ તમને લોન આપવામાં આવે છે. શું કહ્યું? ઘર છે? પણ કાર નથી? તો એક સરસ કાર લઈ લો, અમે અપાવીએ. કાર વિનાના તમે ક્યાંથી સમાજમાં વટભેર ફરી શકવાના. ઝીરો ડાઉનપેમેન્ટ. પહેલા ત્રણ મહિના એક પણ હપ્તો નહીં ભરવાનો.

પણ પછી તો દર મહિને ભરવાના. દસ લાખની ગાડી વીસ લાખમાં પડવાની છે એનું ભાન પણ નથી રહેવાનું. તમને એમ છે કે દર મહિને તમે તમારા માટે કમાઓ છો. ભ્રમણા છે તમારી. તમે તો આ બધી બેન્કોના બંધુઆ મજદૂર છો. વેઠિયા છો. એ લોકો વૈતરું કરાવે છે તમારી પાસે અને પોતે? પોતે તમારા પરસેવાની કમાણી પર દર મહિને લાખો રૂપિયાનાં મહેનતાણાં મેળવે છે. ફાયનાન્શ્યલ સેક્ટરમાં નોકરી-ધંધો કરનારાઓને બીજા કોઈપણ ક્ષેત્ર કરતાં સૌથી વધારે મહેનતાણું / વેતન / વળતર મળે છે કેવી રીતે? તમને ડરાવીને અને તમને લાલચ આપીને.

લાલચ ડરના સિક્કાની બીજી બાજુ છે. ડર નીકળી જાય તો લાલચ આપોઆપ ખરી પડે. લાલચ નીકળી જાય તો ડર પણ જતો રહે.

લાલચ ડરના સિક્કાની બીજી બાજુ છે. ડર નીકળી જાય તો લાલચ આપોઆપ ખરી પડે. લાલચ નીકળી જાય તો ડર પણ જતો રહે.આની સામે લાલચની હાજરી હશે તો ડર પણ સાથે રહેવાનો અને ડર હશે તો લાલચ પણ રહેશે. એટલે ઈન અ વે, ડર વિશે વાત કરીએ છીએ ત્યારે લાલચ વિશેની પણ વાત સાથે જ વણાઈ જવાની.

જિંદગીમાં જેને કશું જ નથી જોઈતું તેને કોઈ ડર નથી. પણ એવું તો બનવાનું નથી. સંસારી જીવ છીએ. સાધુ સંતોને પણ આ જોઈતું હોય, તે જોઈતું હોય તો આપણને કેમ ના જોઈએ? તો પછી શું ડરને વળગીને જીવવાનું? ના. જિંદગીમાં કશુંક નહીં મળે તો કોઈ પ્રૉબ્લેમ નથી, એવું વિચારતાં-સ્વીકારતાં જેને આવડે છે એ ડરથી મુક્ત છે. અને આવી માનસિકતા કેળવવી શક્ય છે, અઘરી છે પણ અશક્ય નથી.

વર્ષો સુધી તમે મેડિક્લેમનું પ્રીમિયમ ભરતા રહ્યા. શું કામ? બીમાર પડીએ તો કોઈની પાસે હાથ લંબાવવો ન પડે. પણ પંચ્યાશી વર્ષ તમે ગુજરી જાઓ ત્યાં સુધી બીમાર પડ્યા જ નહીં ને સીધા ટપકી ગયા તો શું તમને અફસોસ નહીં થાય કે નકામા પ્રીમિયમ ભરવામાં પૈસા બગાડ્યા. એના કરતાં દર વર્ષે એ રકમ ફલાણો શોખ પૂરો કરવામાં કે ઢીકણા અભાવની પૂર્તિ કરવામાં વાપરી નાખી હોત તો?

તમે કહેશો કે શું કામ એવો અફસોસ થાય? પ્રીમિયમ ભરીને માનસિક સલામતી તો મળી ને કે કંઈક થયું તો મેડિકલ ઈન્શ્યોરન્સ છે જ આપણી પાસે.

‘કંઈક’ થવાની શક્યતા કેટલી જિંદગીમાં? મેડિકલ સંશોધનો જે આંકડા આપે છે તેના પર ન જાઓ. એમાં ઘણાબધા ઈફ્સ અને બટ્સ હોય છે. પ્લસ એ ‘સંશોધનો’નો મૂળભૂત હેતુ તમને ડરાવવાનો હોય છે. મોટાભાગનાં સંશોધનો ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓએ આપેલાં સીધા-આડકતરા ડોનેશન્સથી થતાં હોય છે, એટલે ભારતમાં દર ત્રીજી વ્યક્તિ હૃદય રોગથી પીડાય છે, દર બીજી વ્યક્તિને ડાયાબિટીસ થવાની સંભાવના છે ને દર ચોથી વ્યક્તિને સાઠ વર્ષની ઉંમર પછી ઘૂંટણની ઢાંકણી બદલાવવાનું ઑપરેશન કરાવવાની જરૂરિયાત ઊભી થવાની છે એવા રિસર્ચથી મહેરબાની કરીને ફફડી ન જાઓ. આ બધા ફ્રોડ લોકો તમને બીવડાવીને તમને ઊંધે માથે લટકાવીને તમારાં ગજવાં ખંખેરવા માગે છે.

પ્રેક્ટિકલી જોઈએ તો તમને ‘કશુંક’ થાય અને તમને ‘કશુંક’ ન થાય એવા ચાન્સીસ ફિફ્ટી-ફિફ્ટી છે. તમે પેલી તરફના ફિફ્ટી પર્સેન્ટ ચાન્સમાં શ્રદ્ધા ધરાવો છો ને પ્રીમિયમો, હપ્તાઓ ભર ભર કરો છો. પણ કેટલાક લોકો આ તરફના ફિફ્ટી પર્સેન્ટ ચાન્સમાં શ્રદ્ધા ધરાવે છે ને પ્રીમિયમો કે હપ્તાઓ ભરીને બેન્કો કે ફાઈનાન્શ્યલ સેક્ટરમાં કામ કરનારાઓના બંધુઆ મજદૂર તરીકે કામ કરવાને બદલે પોતાની મોજથી કામ કરે છે, અને એટલે જ સ્વતંત્ર રીતે વિચારી શકે છે, ને એને વ્યક્ત પણ કરી શકે છે – કોઈના બાપની સાડી બારી રાખ્યા વિના.

બીમાર પડશો ને સારવાર કરાવવાના પૈસા નહીં હોય તો? પહેલી વાત એ કે નેવું ટકા બીમારીઓને સારવારની જરૂર જ નથી હોતી. કોઈ ડાયગ્નોસિસ કે ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી હોતી. ઘરગથ્થુ ઉપચારો, કુદરતી ઉપચારો, આયુર્વેદિક ઉપચારો તેમ જ યોગ-પ્રાણાયમ વગેરેથી સાજા થઈ શકાતું હોય છે. આહારવિહાર પર અત્યારથી કન્ટ્રોલ રાખવાથી આવી કોઈ નોબત આવવાની નથી.

બાકીની દસ ટકા શક્યતાઓ વિશે વિચારીએ. સડનલી હાર્ટ એટેક આવ્યો, સ્ટ્રોક આવ્યો, કેન્સર ડિટેક્ટ થયું કે પછી એવું જ કોઈક કાળું બિલાડું આડું ઉતર્યું તો? તો હાંફળાફાંફળા થઈને આકાશ-પાતાળ એક કરવાની કોઈ જરૂર નથી. તાબડતોબ ડૉક્ટર, પાડોશી, કાકા-મામા-ફોઈ-ફુઆને બોલાવી લેવાની કોઈ જરૂર નથી. અમુક રોગ જો થવાના હશે તો થશે જ. અત્યારથી એને લઈને ડરવાની કોઈ જરૂર નથી. હૉસ્પિટલના આઈસીયુમાં ભરતી થઈને શરીરમાં નળીઓ નાંખેલી હોય એવો સેલ્ફી લેવાની બહુ હોંશ હોય એવા લોકો સિવાયનાઓએ ઘરમાં જ રહીને દર્દને સહન કરતાં શીખી લેવું. જેટલી જિંદગી જીવ્યા છીએ એટલી સંતોષથી જીવ્યા અને હવે જો ભગવાન આવરદા પૂરી કરવા માગતો હોય તો ભલે, એના રસ્તા આડે આપણે આવનારા વળી કોણ? એવું વિચારીને ગજા બહારનો લાખો રૂપિયાનો મેડિકલ ખર્ચ કર્યા વિના જ ગુજરી જવું સારું. ભગવાન કે ખાતિર, ડૉક્ટર સા’બ! કુછ ભી કર લો પર મેરી માં કી / મેરે બાપ કી / મેરે બેટે કી / મેરે એટસેટેરા કી જિંદગી બચા લો એવું હિંદી ફિલ્મોમાં જોઈ જોઈને તમારું મગજ ખવાઈ ગયું એટલે તમારી પર્સનલ લાઈફમાં પણ આવી કોઈ આરોગ્યને લગતી ઈમરજન્સી સર્જાય ત્યારે તમને પણ આવા જ વિચારો આવે છે (જેમ એકતા કપૂરની સિરિયલોનો જમાનો આવ્યા પછી દરેક ઘરમાં સાસુ-વહુ કે દેરાણી-જેઠાણી વચ્ચેના ઝઘડાઓમાં ટી.વી. જેવા સંવાદો વપરાતા થઈ ગયા એમ).

તમને ક્યારેય એ વિચાર આવે છે કે જેની કૌટુંબિક આવક પાંચ-પચ્ચીસ હજાર હોય એ વ્યક્તિ કેવી રીતે દેવું કરીને પાંચ-દસ લાખ રૂપિયા હૉસ્પિટલનાં બિલો ભરવામાં વેડફી શકે? જે મધ્યમવર્ગીય કુટુંબ ખાધે-પીધે માંડ સુખી હોય અને સાંકડે-માંકડે એક પગારથી બીજા પગાર સુધીના ત્રીસ દિવસ ખેંચી કાઢતું હોય તેણે શું કામ કુટુંબના કોઈ સભ્યો જીવ બચાવવા માના દાગીના વેચી કાઢવા પડે, બાપે ખરીદેલું ઘર ગિરવી મૂકવું પડે કે સગાં-મિત્રો પાસેથી માગીને દેવું કરવું પડે? ભગવાને જો નક્કી કર્યું હશે કે આના શ્વાસ ખૂટી ગયા છે તો ભગવાનની મરજીને માન આપીએ અને બાકીનાં કુટુંબીઓની આર્થિક જિંદગી શું કામ ખોરવી કાઢીએ.

હું છું ત્યાં સુધી મારા કુટુંબને કંઈ ન થવું જોઈએ એવી લાલચને કારણે હું નહીં હોઉં તો મારા કુટુંબનું શું થશે એવો ડર જન્મે છે.

હું છું ત્યાં સુધી મારા કુટુંબને કંઈ ન થવું જોઈએ એવી લાલચને કારણે હું નહીં હોઉં તો મારા કુટુંબનું શું થશે એવો ડર જન્મે છે.

આ ડર દૂર કરવાનો એ જ ઉપાય છે – અપેક્ષા નહીં રાખવાની. હું શું કામ એવી આશા જ રાખું કે આવતી કાલે હું જીવવાનો છું? મારા માટે બસ, આ જ એક દિવસ છે – મારે જે કંઈ કરવું છે તે માટે.

કાલનો સૂરજ જોવા માટે જો જીવ્યો તો એ બોનસનો દિવસ હશે અને એ દિવસ માટેની મારી મેન્ટાલિટી પણ એ જ હશે – આજે જે કરવું છે તે કરી લઉં, કાલની કોને ખબર?

કાલની કોને ખબર એવું કહ્યા પછી પણ તેઓ માનીને જ બેઠા છે કે કાલે કંઈક અમંગળ જ થવાનું છે. તે એવું થાય તો એને મંગળમાં પલટાવવા તેઓ બાકીની આખી જિંદગી ધમપછાડા કરતા રહેશે, પ્રીમિયમો અને ઈએમઆઈઓ ભર્યા કરશે અને આજનો આનંદ માણવાને બદલે રોજના ચોવીસે કલાક ડરમાં ને ડરમાં જીવ્યા કરશે.

પાન બનાર્સવાલા

રોજ એક કામ એવું જરૂર કરવું જે કરવાનો તમને ડર લાગતો હોય.

– એલીનોર રૂઝવેલ્ટ

16 COMMENTS

  1. અત્યારે મારું પચાસમુ વર્ષ ચાલે છે, આજ દિન સુધી એક પણ mediclaim લીધો નહોતો, મારી વિચારસરણી બિલકુલ હકારાત્મક હતી…મને કઈ થાય j nahi…તંદુરસ્ત રીતે 90 થી 100 વર્ષ જીવવાનું અને છેવટે જૈન ધર્મ ના સંથારો કરી મૃત્યુ ને પામવાનું એવું વિચાર્યું હતું….
    પણ ગયા વર્ષે મારા થી નાના પિતરાઈ ભાઈ ને હાર્ટ એટેક આવ્યો…. એની સારવાર સમયે ખર્ચો અને mediclaim na કારણે બચી ગયેલા એના નાણાં જોઈને ડર અને લાલચ જાગી ને આં વર્ષે મે પણ મેડી ક્લેમ લીધો….
    પણ આં પોસ્ટ વાંચ્યા પછી એવું લાગે છે કે મેં ભૂલ કરી….
    આવતી સલ થી બંધ…. એ બધા જ નાણાં તંદુરસ્તી અને મોજ માટે ખર્ચિસ…..
    પુનઃ સાચા માર્ગે લાવવા બદલ આભાર સૌરભ ભાઈ

  2. સૌરભાઈ,
    આપણા વિચારો બિલકૂલ મળતા આવે છે. મેં તો આ આચરણમાં મૂકેલ છે. મારુ નામ લખવાની પધ્ધતિ પણ બદલી છે. વસંત નહીં વ-સંત લખું છું.
    સારામાં સારી રીતે જીવ્યોછું એટલે મરવાનો જરાએ અફસોસ કે ડર નથી. કોઈ પણ પ્રકારનો વીમો કે લોન નથી. એફ ડી પણ નથી. જલશાથી જીવું છું. 73મુ ચાલે છે.

  3. Very true, we should live in present and not be afraid stop
    thinking about tomorrow what will happen, and also stop thinking about our children’s security, let children do hard work

  4. સાચી વાત છે તમારી.આપણે લોકો ડર ના લીધે મેડિકલ પોલીસી લઈએ છીએ. આમ આડકતરી રીતે બીમારી ને આમંત્રણ આપીએ છીએ.પણ પહેલેથી જ મનમાં નક્કી કરવાનું કે મને બીમારી આવશે જ નહી.હું શું કામ મેડિકલ વીમો ઉતારું.

  5. Saurabh bhai, I beg to differ.ur thinking is wrong. We see so many so called celebrities who have suffered in the old age due to insufficient money or no money in later stage of life. One must hv enough financial security as he or she should not depend on anyone in older age.

  6. વાહ વાહ એકદમ સાચી વાત છે આના મૂળ મા ડર જ છે

  7. Khub saras ane nagna satya che Maro personal anubhav aavoj rahyo che Biju Manniya SaurabhSir ne ek request karvi che ke aapna article ne english maa translation kari shakay? Karan mari daughter ne vanchan fave che parantu samajatu nathi karan maa Teo nu bhantar sampurna angreji madhyam maa thayu che Thankyou ?

  8. Satay Haqikat swikar karvani mansikta mostly khatam Thai chuki 6e.dagale ne pagale bachvani koshish nakam tyare that 6e jyare pariwar na vadilo temana zamana NI vato vadhari pura pariwar sathe T.V jota jota comments Kari Kari samjavi emotional black mail kre ane tane nai samjay Bhai lagani NI Kadar kro?

  9. ખૂબ સરસ લેખ! અત્યારે સૌથી મોટાં લૂંટારુ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે. ઈમોશનઅલ બ્લેકમેલઇંગ માં એમનો જોટો નહીં જડે. અત્યારે ૨૫ વર્ષ ના જુવાનિયાઓ વર્ષે 50000/- મેડિંક્લેમ માં ભરે છે. જુવાની ના વર્ષો budhapa માં ઇન્વેસ્ટ કરે છે. ડર ની આગળ હાર જ છે.

  10. એકદમ સાચી વાત છે સાહેબ પરંતુ માણસ લાગણી ઓ થી બંધાયેલ હોય એટલે ડરેલો રહે છે એકલો રહેતો માણસ ને એટલો ડર નહી લાગતો જેટલો પરીવાર સાથે રહેવા વાળા ને લાગે છે

  11. સાવ સાચી અને સામાન્ય વાત છે અને મારું આખું ઘર આ સિદ્ધાંત ને અનુસરે છે… મારા માતા પિતા તો લગભગ દિવસ માં એક વાર તો કહેતાજ હોય છે કે અમને કાંઈક બીમારી થાય તો ઇલાજ ની ચિંતા કરવી નહીં અને જે થાય તે થવા દેવું. આ વિચારે અમારા આખા પરિવારે ઓર્ગન ડોનેશન પણ કરી રાખ્યું છે કે આપણા ગયા પછી કોઈકને કાંઈ કામ આવી શકીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here