હૅપીનેસ ક્યાં ક્યાં નહીં મળે: સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 20 માર્ચ 2022)

હૅપી રહેવું એટલે ખુશ રહેવું, આનંદમાં રહેવું, એટલે કે પ્રસન્ન રહેવું —આ તો સૌ કોઈને ખબર છે. પણ કેવી રીતે ખુશ રહેવું, આનંદમાં રહેવું, પ્રસન્ન રહેવું?

આ વાત કોઈના શીખવવાથી નથી આવડતી, પોતાનામાં જો એનાં બીજ વાવ્યાં હોય તો જ ભવિષ્યમાં એ ઘનઘોર વૃક્ષ બને અને તો જ એ વૃક્ષની છાયા નીચે તમે તમારું જીવન કોઈ ઝાઝી ફિકરચિંતા કર્યા વિના ગાળી શકો.

હવે સવાલ એ આવે કે પ્રસન્નતાનાં કે આનંદનાં કે ખુશીનું બિયારણ ક્યાં મળે? ક્યાં મળશે એની તો જાણે કે ખબર નથી પણ ક્યાં નહીં મળે એની ખબર છે.

આ પાંચ જગ્યાએ નહીં મળે: નકાર, અતિ ઉત્સાહ, ચિંતા, ભય અને કલ્પના.

કેટલાક માણસો સતત નકારમાં જીવતા હોય છે. નવો માહોલ, નવી વ્યક્તિઓ, નવા વિચારો, નવાં સૂચનો કે નવું કશું પણ એમની સામે આવે કે તરત આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરીને એને નકારી કાઢતા હોય છે. જીવનને આવી નકારદૃષ્ટિથી જીવતા લોકો ક્યારેય હૅપી, પ્રસન્ન, આનંદી કે ખુશ ન રહી શકે. કારણ કે એમની બધી જ ઊર્જા, એમનો બધો જ સમય બાખડવામાં જ જવાનો છે. જેનામાંથી જ્યાંથી જે ગમ્યું તે લીધું અને ન ગમ્યું તે છોડી દીધું એવી એટિટ્યુડથી જીવનારાઓ જ મધમાખીની જેમ મધનું એક એક ટીપું પોતાનામાં ઉમેરતા રહેતા રહે છે.

બીજી વાત. કેટલાક લોકો અતિ ઉત્સાહમાં નવું સઘળું વગરવિચાર્યે અપનાવી લેતા હોય છે. એમનો એક જ જીવનમંત્ર હોય છે કે જિંદગીના રસને પીવામાં જલદી કરી લો ભાઈ, એક તો પવાલું કાણું છે અને ઉપરથી દારૂય ઓછો છે. ‘મરીઝ’ની ઉમદા ફિલસૂફીનો કચ્ચરઘાણ વાળી નાખતા લોકો જીવનમાંથી બને એટલું બધું જલદી ઉસેટી લેવા માગતા હોય છે. આવા અતિ ઉત્સાહી લોકો આરંભે જ શૂરા હોય છે. બહુ જોરશોરથી કામ શરૂ કર્યા પછી એમના ઉત્સાહના ફુગ્ગામાંથી તરત જ હવા નીકળી જતી હોય છે. પછી લબડીને લોચો થઈ ગયેલા ફુગ્ગા જેવા એમના જીવનમાં હતાશા અને નિરાશા પ્રવેશે છે. આરંભે ઝટપટ ચમચી પ્રસન્નતા મેળવી લેવા માગનારાઓ ડિપ્રેશનના દરિયામાં ડૂબી જતા હોય છે. પ્રસન્નતાઓ જીવનમાં ધોધમાર નથી વરસતી, ઝરમર ઝરમર વરસ્યા કરે અને તે પણ ક્યારે, જ્યારે તમારું જીવન એવી રીતે જીવાતું હોય કે જેના પર સૂરજનો તાપ પડે અને તમારી ઝીણી ઝીણી આનંદી કણોનું બાષ્પીભવન થઈને આકાશમાં વાદળી બંધાય ત્યારે. એ પછી એ વાદળી તમને ઝરમર વરસીને ભીંજવતી રહે. જીવનમાં પ્રસન્નતાનાં ઘોડાપૂર ન આવે, એનું તો મંદ મંદ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું રહે. એટલે બહુ બોલકા થઈને તમારી હૅપીનેસનું ડિમ ડિમ વગાડતા હો એ રીતે પાર્ટીઓ, સમારંભો યોજીને કે એમાં હાજરીઓ આપીને શોરબકોર ન કરવાનો હોય. તમે લગ્નજીવનમાં કે અન્ય રીતે કેટલા હૅપી છો એના દેખાડાઓ માટે ઍનિવર્સરીઓ કે બર્થડે પાર્ટીઓ ન ઉજવવાની હોય. ટીન એજ સુધી વર્ષગાંઠોની ઉજવણી ઠીક છે, એ પછી નહીં. પ્રસન્નતાની ક્યારેય જાહેર ઉજવણીઓ ન હોય. હૅપીનેસના દેખાડા ન હોય. એ બીજાઓને દેખાડવાની ન હોય, તમારે પોતે મહસૂસ કરવાની હોય. બીજાઓ તમને મળે ત્યારે તમારાં કપડાં ઉમદા અત્તર કે પેરિસના પરફ્યુમની સુગંધથી તરબતર હોય અને સામેવાળી વ્યક્તિ પોતાના શ્વાસમાં એ મહેક ભરી લે એવી રીતે ચૂપચાપ તમારા વ્યક્તિત્વની પ્રસન્નતા સામેવાળાને સ્પર્શી જવી જોઈએ —એમને સભાનપણે ખબર પણ ન પડે તે રીતે. આને ખરી પ્રસન્નતા કહેવાય.

મને ફૅમિલીનો સપોર્ટ નથી —મારી પત્ની, મારો પતિ કે મારાં બાળકો કે મા-બાપ મને પૂરતો સહકાર આપતા હોત, મારી આડે ન આવતા હોત તો હું અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી જાત. આ આત્મવંચના છે. પોતાની ભૂલો અને પોતાની બિનકાર્યક્ષમતાને બીજાના માથા પર ઢોળ્યા કરવાથી માણસ ક્યારેય પ્રસન્ન ન બની શકે.

ત્રીજી વાત ચિંતા. તમારામાં રહેલી મધુરતા જ તમારા વ્યક્તિત્વને પ્રસન્ન બનાવતી હોય છે, તમને ખુશખુશાલ રાખતી હોય છે. ચિંતાઓ આ અંદરની મધુરતાને ખલેલ પહોંચાડનારી હોય છે. અમુક હદ સુધીની ચિંતા યોગ્ય છે અને જરૂરી પણ ખરી. પરંતુ સતત ચિંતામાં રહેતો સ્વભાવ આ અતિરેકને કારણે પોતાની જાતને ખોતરવા માંડે. ક્યારેક માણસ આત્મદયામાં સરી પડે. અરેરે, હું કેવો અભાગી, મારું નસીબ પહેલેથી જ અવળું ચાલે છે. ક્યારેક તે આત્મવંચના કરતો થઈ જાય: મને ફૅમિલીનો સપોર્ટ નથી —મારી પત્ની, મારો પતિ કે મારાં બાળકો કે મા-બાપ મને પૂરતો સહકાર આપતા હોત, મારી આડે ન આવતા હોત તો હું અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી જાત. આ આત્મવંચના છે. પોતાની ભૂલો અને પોતાની બિનકાર્યક્ષમતાને બીજાના માથા પર ઢોળ્યા કરવાથી માણસ ક્યારેય પ્રસન્ન ન બની શકે.

ચોથી વાત —ભય. સતત ભયભીત રહેવું એ બાલીશતાની નિશાની છે. ભયથી દૂર થવું એટલે નિશ્ચિંત થઈ જવું કે સલામતી-સિક્યુરિટીની પાછળ દોટ મૂકવી એવું નહીં. અસલામતીમાં જીવવા છતાં, અસલામતીની સાથે સાથે ચાલી આવતી અનિશ્ચિતતાની થ્રિલ માણતાં રહીને જીવતા નીડર લોકો તમે જોયા હશે. એમની પાસે ડરવાનું કોઈ કારણ નથી હોતું કારણ કે ભવિષ્યની કલ્પનાઓ એમને ડરામણી લાગતી નથી. જે માણસ પોતાની આવતી કાલ માટે ભયભીત થઈને પોતાની આજને વેડફી નાખે એ ક્યારેય પ્રસન્ન ન થઈ શકે.

પાંચમી વાત કલ્પના. આ કલ્પના બેધારી તલવાર જેવી છે. સાચી રીતે વાપરતાં આવડે તો એમાંથી સર્જકતા જન્મે, સપનાં જન્મે; થાપ ખાધી તો આ જ કલ્પના તમને ભ્રમણાની દુનિયામાં લઈ જાય. વાસ્તવિકતાને નરી આંખે જોવાને બદલે તમે એને રાત્રે પણ સનગ્લાસીસ પાછળથી નિહાળતા થઈ જાઓ ત્યારે ભ્રમણાના ફુગ્ગા જેવું વિશ્વ સર્જાતું હોય છે. તમે સતત એને ટાંકણી વાગી જવાની ચિંતામાં રહેતા થઈ જાઓ છો. ભ્રમણામાં જીવતા લોકો માટે જ તમાચો મારીને ગાલ લાલ રાખવાનો રૂઢિપ્રયોગ સર્જાયો છે. જેઓ જવાબદારીમાંથી છટકવા માગે છે તેઓને ભ્રમણામાં જીવવાનું ફાવી જાય છે. થોડાંક વર્ષ આ રીતે જીવ્યા પછી બીજા કોઈ પ્રકારની જીવનરીતિ એમને ફાવતી નથી.

નિરંતર પ્રસન્નતાનો જન્મ સંતોષના બીજમાંથી થતો હોય છે. સંતોષ એટલે જે છે એને સાચવીને બેસી રહેવું એવું નહીં. એ તો ભીરુતા થઈ. સંતોષ એટલે જે મળ્યું છે અથવા મળી રહ્યું છે એને પૂરતું માનવું; એનો અર્થ એ નથી કે વધારે મેળવવાની કોશિશ ન કરવી. કોશિશ કરવી પણ ગમે તે ભોગે મેળવી લેવાની તૃષ્ણા રાખવી નહીં, ધાર્યું નહીં મળે તો જીવન ખોરવાઈ જશે એવી અસ્વસ્થતા રાખવી નહીં.

પ્રસન્ન થવું સહેજે અઘરું નથી. પ્રસન્નતા મેળવવા માટે ક્યાંય ભટક્યા કરવાની જરૂર નથી. જીવનમાં ચોવીસે કલાક, જીવીએ ત્યાં સુધી —પ્રસન્ન રહેવું શક્ય છે? છે, છે, છે.

પાન બનાર્સવાલા

ઈફ યુ વૉન્ટ ટુ બી હૅપી, બી. તમારે જો પ્રસન્ન થવું હોય તો થઈ જાઓ, કોણ રોકે છે તમને!

—તોલ્સ્તોય.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

18 COMMENTS

  1. Mehar Baba says
    Real happiness lies in making others Happy .
    Believe in this
    Saurabh bhai apna lekh vachine ame happy thaya
    Lakh ta raho

  2. સાવ સાચું!!પ્રગતિ રૂંધાયા વગર,પૂરતા પ્રયત્નો પછી જે મળતું જાય, તેને માણતું જવાનું.સંતોષના સુખની અનુભૂતિ થતી રહેશે તો બમણા જોશ થી કામ થતું રહેશે અને નિરંતર પ્રગતિ થતી રહેશે.

  3. Gitaji teaches: No need to search or worry for happiness. Better to be ” Sthitapragna”. In our daily life, to do own work/duty with full attention automatically brings inner (real) happiness.

  4. સહુને સુખી થવું છે પણ બીજાના સુખે દુઃખી અને
    બીજાના દુ:ખે …સુખી 😂 મૂળમાં જ વાંકુ… … પછી
    ભગવાને ય શું કરે … …જે બીજાનું સારું ઈચ્છે, એનું સદા ભલું થાય અને જે અન્યનું બૂરું ઈચ્છે, એનું ક્યાંથી ભલું હોય !!!

    ‘ કર ભલા તો, હોગા ભલા ! ‘

  5. 💐‘ જીવન જેણે સમર્પ્યું. પરમાર્થ કેરે પંથે
    એવા સંતોની આગળ, ભગવાન સદા રમે છે ‘

    અનેક વિષયોના તલસ્પર્શી અભ્યાસી
    આપને વંદન ! 🙏

  6. Very nice description and analysis. As akwats, to the point and very much effective for implementation in own life.

    Thanks again for sharing this wonderful piece of your thoughts.

    With regards

  7. કવિ શ્રી દુલા ભાયા કાગ ની પંક્તિઓ પ્રસ્તુત છે. હખી થાવા દખી થઈને મરે ઈનુ નામ માણહ. સુખમય જીવનશૈલી જીવન ખરેખર તો વાસ્તવિકતા નું જ્ઞાન ને ભાન થાય તો સરળ અને સહજ છે.જો વ્યક્તિ કમ્પલેઈન ઝોન માં થી બહાર જ રહે તો મોજે મોજ. હંમેશા ફરીયાદી અવસ્થામાં જીવતી વ્યક્તિ કદીય હેપીનેસ નહીં જ મેળવી શકે. કરો ગમતાં નો ગુલાલ અને જીવો જિંદગી સુંદર અને સુખમય .

  8. સુંદર article. જિંદગી સુધારી શકાય છે એવો વિશ્વાસ આવે એનાથી વિશેષ શું? Motivational. તમે Master of All છો. જુદા જુદા વિષયો પર. પદ્મશ્રી અને બીજા ઘણાં બધા recognitions overdue છે. ઈશ્વરને પ્રાર્થના જલ્દી કરે.

  9. Beautiful analysis of happiness .In short and sweet you have explained that happiness lies within us.Just like Charity Begins at home,,happiness arises from within your heart and soul and speeds in all directions like incense sticks spreads it’s aroma .Thank you sir..

  10. અતિ સુંદર વિચાર પૃથકકરણ સાથે.

  11. વાહ.. ખૂબ સારો લેખ. ચિત્તની પ્રસન્નતા એ જ સાચી ભક્તિ છે. ભાવેશ ભટ્ટ ની પંક્તિઓ યાદ આવે છે “હું ઈચ્છું કે કોઈ ઉદાસ ન થાય.. અને થાય તો મારી આસપાસ ન થાય…. રોજ પરીક્ષા લઉં છું ઈશ્વરની… અને હું ઈચ્છું કે એ નાપાસ ન થાય…” બીજી એક પંક્તિ.. કોઈએ મને કહ્યું કે સુખની ચાવી શોધી લાવો… પણ હું તો તો એને શોધું છું કે સુખને તાળું કોણે માર્યું????

  12. Excellent article on happiness. It indirectly says that happiness is everywhere if it is prevailing within yourself. Make others happy will always make you happy. REALLY HAPPY LEARNING.

  13. આપે છોડેલ દરેક તીર નિશાના પર જ લાગે છે .
    સરસ લખાણ અને વ્યક્તિ happiness ના મુખ્ય તત્વો છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here