કોરોના કાળના ફાયદાઓઃ સૌરભ શાહ

બે વર્ષથી વધુ સમય વીતી ગયો – ભારતમાં કોરોનાના પહેલા લૉકડાઉનને. કોરોનાને કારણે વ્યક્તિગત રીતે, સામાજિક રીતે અને આખા રાષ્ટ્રને-દુનિયાને ઘણી બધી બાબતોમાં ભયંકર નુકસાન થયું. કેટલીક બાબતોમાં ઘણા મોટા ફાયદા થયા.

નુકસાનની વાતો મીડિયાના ચશ્મિસ્ટ પંડિતો દ્વારા ચર્ચાતી રહે છે. ફાયદાઓ પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે.

ફાયદાઓ વિશે વિચારતી વખતે કોઈએ એવું માનવાનું નથી કે આવા ફાયદાઓ મેળવવાનું ચાલુ રાખવું હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની કે કોરોનાનો પેન્ડેમિક ચાલુ જ રહે કે પછી આ કે આવી મહામારીઓ ભવિષ્યમાં ત્રાટકતી રહે જેથી આ કે આવા ફાયદાઓ આપણને મળતા જ રહે. એવું તો કોઈ બેવકૂફ જ વિચારી શકે.

ભગવાન કે કુદરત જે કંઈ આપત્તિઓ મોકલે છે તેની સાથોસાથ કેટલાક અવસરો પણ સમાંતરે મોકલ્યા જ કરે છે. ઘરમાં પિતાનું કે વડીલનું અવસાન થાય છે ત્યારે સંતાનોને પોતાના પગ પર ઊભા રહેવાની ઘણી મોટી તક ખુલતી હોય છે – આવું જ કોરોનાકાળનું છે.

આ ગાળામાં આ લખનાર સહિત તમારામાંથી પણ ઘણા લોકોએ અંગત સ્વજનો કાયમ માટે ગુમાવ્યા. એક બાજુ કોરોના આ સૌને ભરખી ગયો અને કેટલાકના સ્વાસ્થ્યમાં લાંબા ગાળાની કે કાયમી નુકસાની છોડતો ગયો; તો બીજી બાજુ એવા હજારો નહીં બલ્કિ લાખો દાખલાઓ એવા છે કે લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખીને રૂટિન જિંદગીમાં ખાવાપીવાની કુટેવો સુધારી લીધી હોય, લાઇફસ્ટાઇલમાં સુધારો કર્યો હોય, પર્સનલ હાઇજિનની ટેવો વધુ મજબૂત કરી હોય, બજારનું ખાવાપીવાનું નિયંત્રણમાં રાખ્યું હોય, કસરત-યોગ-પ્રાણાયામ કર્યાં હોય અને આ બધાને કારણે પોતાની ઇમ્યુનિટી વધારી હોય અને આ વધેલી રોગપ્રતિકારક શક્તિને લીધે તેઓ કોરોનાની અસરથી સંપૂર્ણપણે મુક્ત રહ્યા હોય.

મારે હિસાબે સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા કોરોનાની વિકરાળ મહામારીનું તદ્દન સામા છેડાનું શુભ બાજુનું દર્શન છે.

બીજી એક વાત તમે પણ નોંધી હશે કે આ બેએક વર્ષ દરમ્યાન સૌ કોઈએ ભોગવવી પડેલી આર્થિક વિટંબણાઓને કારણે એંશી ટકા કુટુંબોમાં ફિઝૂલખર્ચી બંધ થઈ ગઈ કે સાવ ઘટી ગઈ. અગાઉ જાતજાતની બિનજરૂરી ચીજવસ્તુઓની લોભામણી જાહેરખબરો ટીવી પર કે મોબાઈલ પર જોઈ જોઈને મન લલચાઈ જતું. આવી ડઝનબંધ ચીજો પાછળ ખર્ચાતા પૈસા વેડફાઈ જાય છે એવી સભાનતા કોરોનાના વખતમાં વધી; જિંદગી આ પ્રકારના ખર્ચાઓ કર્યા વિના પણ લહેરથી જીવી શકીએ છીએ એની પ્રતીતિ છેલ્લા 24-28 મહિનાઓ દરમ્યાન થતી રહી છે. લક્ઝરી ગુડ્સના ઉત્પાદકો માટે આ સારા સમાચાર નથી. ભલે એ લોકોએ દાયકાઓ સુધી આપણા જેવાઓના ગજવામાં હાથ નાખીને પોતાની તિજોરીઓ છલકાવી છે. આગામી સાત પેઢી સુધી ચાલે એટલું ધન એમણે આપણી પાસેથી કમાઈ લીધું છે. માટે એમની દયા ખાવાની કોઈ જરૂર નથી.

કોરોનાના ડરથી સિગરેટો ઓછી પીવાઈ રહી છે. એક સર્વે પ્રમાણે 25 ટકા વેચાણ ઘટી ગયું છે. સારું જ થયું.

ફૅશન ઇન્ડસ્ટ્રી અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીના તો બાર વાગી ગયા કોરોનાના બે વર્ષ દરમ્યાન ક્યાંય જવાનું જ ન હોય તો માણસ શું કામ મોંઘાં કપડાં, મોંઘા શૂઝ કે અન્ય એસેસરીઝ પાછળ ખર્ચા કરે? ગ્લૅમર પાછળ ભટકવાનું બંધ થઈ ગયું. ઑનલાઇન કામ કરીને, વર્ક ફ્રૉમ હૉમ કરીને કોને ઇમ્પ્રેસ કરવાના છે?

પાર્ટીઓ-સમારંભો બંધ હતા એટલે ફુલફટાક થઈને ક્યાંય જવાનું નહોતું ઘણો સમય, પૈસો, શક્તિ બચી ગયાં. અને હવે ભવિષ્યમાં પણ સભાનતા રહેશે કે ફૅશન-ગ્લેમર પાછળ ખર્ચાતી રકમ બચાવવી સારી.

એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રી બૂમાબૂમ કરે છે કે થિયેટરોમાં કોઈ આવતું નથી, સિનેમા-નાટકો કોઈ જોતું નથી, સંગીતના તેમ જ અન્ય કાર્યક્રમો પાછળ લોકો પૈસા ખર્ચતું નથી. આ ઇન્ડસ્ટ્રી માણસ માટે જરૂરી છે, ભલે એની પ્રાયોરિટી સર્વોચ્ચ સ્થાને ન હોય. પણ ભવાઈ-રામલીલાથી માંડીને આજના મનોરંજન ઉદ્યોગ સુધીના તમામ તબક્કે પ્રજાનું મન બહેલાવીને લોકોને રિલેક્સ કર્યા છે, તાજગી આપી છે અને ક્યારેક લોકોની બૌદ્ધિકતામાં પણ ઉમેરો કર્યો જ છે. પણ અહીં પણ સૂકા ભેગું લીલું બળતું થઈ ગયેલું. નેવું ટકા માલ કચરો આવતો થઈ ગયો હતો. 90 ટકા ફિલ્મો-નાટકો દમ વિનાનાં આવતાં. 90 ટકા દિગ્દર્શકો-એક્ટરો-પટકથાકારો-ગીતકારો-સંગીતકારો મનોરંજનના નામે પ્રેક્ષકોને/શ્રોતાઓને રીતસરના મૂરખ જ બનાવતા. કોરોનાના બે વર્ષોએ આ નેવું ટકાને જુદાં તારવી દીધાં. એ સૌને મરણતોલ ફટકો પડ્યો. સારું થયું. બાકી રહેલા દસ ટકા જેન્યુઇન લોકો માટે મેદાન મોકળું બન્યું. એ જોઈને હવે બાકીના નેવું ટકાની જગ્યા પૂરવા માટે જેન્યુઇન લોકો આગળ આવશે, એમને તક મળશે – એટલીસ્ટ એવી આશા તો રાખી જ શકીએ.

દરેક આપત્તિ એક અવસર લઈને આવતી હોય છે. કોરોના ઘણી મોટી આપત્તિ હતી (કદાચ હજુય છે). ભારતના ભાગલા થયા ત્યારે જે લોકોએ એની સીધી અસર અનુભવી એમને બાદ કરતાં કોરોના જેવી રાષ્ટ્રીય-વૈશ્વિક આપત્તિ આપણે સિવિલિયનોએ-નાગરિકોએ (રક્ષા-સેનામાં જોડાયેલા ન હોય એવા લોકોએ) પહેલીવાર અનુભવી છે.

અંગત જિંદગીની આપત્તિઓમાંથી જેમણે બોધપાઠ લીધો હશે એમને કોરોનાના કાળે ઘણું બધું શીખવાડ્યું હશે – જ્યારે ચારેકોર અંધકાર જ અંધકાર હોય ત્યારે આંખ મીંચીને બેસી રહેવાને બદલે ખુલ્લી આંખે જાગતા રહેવાની ટેવ રાખવી. અંધારું હોવા છતાં ધીમે ધીમે દેખાવાનું શરૂ થઈ જશે.

પાન બનાર્સવાલા

મારી, એક જ અભિલાષા છે જિંદગીમાં… જેમ ચાલ્યા કરે છે એમ ચાલતું રહે… મારી આંખોની સામે મારી દુનિયા ઉજડી ન જાય.

—સુરેન્દ્ર મોહન પાઠક

(હિન્દીના સૌથી વધુ વંચાતા જાસૂસી નવલકથાકાર જેમણે છેલ્લાં સાઠ વર્ષમાં 302 પુસ્તકો લખીને 82 વર્ષની ઉંમરે કોરોનાની ગંભીર માંદગીમાંથી બહાર આવીને નવી નવલકથા શરૂ કરી દીધી છે.)

(તડક ભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 5 જૂન 2022)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

18 COMMENTS

  1. Again, thank you for your article. First of all, first best thing happened was I got in touch with you and newpremi during corona ,then second best thing happened ,that my life changed for good because I met with new oppurtunities . Now , my life changed for good and feel new. Discarded of old habits and lifestyle. Thank you .

  2. મને કોરોના કાળ ફળ્યો છે. 3 પુસ્તક (6-7-8) પુરા કરી હવે publish કરી રહ્યો છું. બાકી કોરોના નહિ હોત તો આમ જ અટવાયા કરતે. મને ‘ચિત્રલેખા’માં લઈ જનાર તમે જ હતા, ખાદી વિશે પૂરક માહિતી લઈને આપણે ગયેલા. અભિતાભ બચ્ચન નું ઘર બહારથી તમે બતાવેલું … મઝા માં રહો અને સતાયુ ભવ: …

  3. મને તો ઘણે વખતે નીલા રંગનું સ્વચ્છ આકાશ જોવા મલ્યું તેની ખુશી મળી.

  4. Well come back સૌરભભાઈ, રોજ ન્યૂઝપ્રેમી પર login કરીને તમારા પાછા આવવાનો ઈતેજાર પૂરો થયો. છેલ્લે રશકીન બોંઙનો લેખ વાચેલો કે કદાચ પિતા પુત્ર નો મિત્ર શા માટે ન બનવો જોઈએ એ લેખ, તમારા પુનરાગમન પછીના ત્રણ-ચાર લેખો આ reply પૂરો કરીને વાચવા ના બાકી છે. Eagerly waiting for your પુસ્તક ” હરિદ્વાર ઙાયરી “.

  5. ૧૦૦ ટકા ની વાત કહી આપે.સૌથી મોટો ફેરફાર થયો; લોકો ની ડિજિટલ એક્ટિવિટી વધી ગઈ. આ માધ્યમ નો વળી પાછો મોટો ફાયદો એ કે એની ફૂટપ્રિન્ટ રહે છે.
    Accident ને આપણે ઍક્સિડન્ટ કહીએ છીએ નહીં કે ઍસિડેન્ટ. એ જ રીતે Accessoires નો ઉચ્ચાર પણ ઍક્સેસરીઝ છે.

  6. these are true and still many more like so many online education is possible,/classes/spiritual/learning also because of work from home started, my friends relocated to places like himachal n working from home in mumbai based company, also learning of so many new dishes during covid and so many more things. some school teachers developed so many good videos that can be used in future also

  7. Besana & other activities after death was stop.
    Unnessary expenses for marriage to show richness are stop.

  8. હા સર જી કોરોના એ જીવન કેમ જીવવું એ શીખવી દીધું.શુ કામ લાગે શુ નહી તે પણ સમજાવી દીધું.આ સમયે પૈસા ધન દોલત નહિ પણ કોઈ નું નિસ્વાર્થ કરેલું કામ જ કામ લાગ્યું.

  9. I learn many things from corona pandemic

    No extra expenses
    No trip
    No social get together
    No foreign trip…………

  10. Also some people learned something because of non availability of maid servant preparing tea and others small work to help housewife

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here