જિંદગી ક્યારેય નિશ્ચિત કરેલા ધ્યેય તરફ આગળ વધતી નથી હોતી : સૌરભ શાહ

જિંદગી કોઈ સિક્સ ડેઝ ફાઇવ નાઇટ્સનો તૈયાર પૅકેજ્ડ પ્રવાસ નથી. કોઈએ બનાવી આપેલા આવા રેડીમેડ પૅકેજની જિંદગી પસંદ કરી લીધા પછી રોજ સવાર-બપોર-સાંજે ફરવાનો, રાત્રે ઉતારાનો અને દિવસ દરમ્યાન ખાવાપીવાનો તમારો કાર્યક્રમ નિશ્ચિત થઈ જશે અને એવી જ નિયમિતતાથી આ જિંદગીનો પ્રવાસ રંગેચંગે પૂરો થઈ જશે એવું આપણએ માની લીધું છે.

ટ્રાવેલ એજન્સીના રંગબેરંગી બ્રોશર જેવી ચમકદમકભરી વાતો મોટિવેશનલ સ્પીકરો, ‘પ્રેરણાત્મક રાઇટરો’ કે પછી ધર્મના મંચ પરથી ભાષણો ઠોકનારાઓ દ્વારા સાંભળી લીધા પછી આપણે આવી પૅકેજ ટુરમાં જોડાવા આતુર થઈ જઈએ છીએ. પણ છ દિવસ-પાંચ રાતના રેડીમેડ કાર્યક્રમોવાળા પ્રવાસના પહેલા જ કલાકે ઘણાને ખ્યાલ આવી જાય છે કે આ પ્રવાસ મારા ધાર્યા મુજબનો નથી થવાનો. ઘણાને અધવચ્ચે આવી ખાતરી થઈ જાય છે. ઘણાને છેલ્લા કલાકે વિચાર આવે છે કે મેં ધાર્યું’તું શું અને આ પ્રવાસ દરમ્યાન અનુભવ્યું શું.

જિંદગી પૅકેજ્ડ ટુર નથી. જિંદગી કેટલીક ધારેલી-કેટલીક અણધારી ઘટનાઓની શૃંખલા છે. આ દરેક ઘટનાનાં પરિણામો પણ તમે ધાર્યાં હોય એવાં જ નીપજે તે જરૂરી નથી. ક્યારેક તમે ધારી હોય એવી જ શુભ ઘટના બને પણ એનું પરિણામ તમે ધાર્યું હતું એટલું શુભ ન નીપજે. ક્યારેક તમે નહોતી ધારી એવી અશુભ ઘટના બની જાય. પણ એનું લાંબાગાળાનું પરિણામ શુભ આવે.

તમે પહેલેથી ખૂબ કાળજીપૂર્વક પ્લાન કરી રાખેલી જિંદગી પણ તમારા આયોજન મુજબ આગળ વધતી નથી. તમારા આયોજનમાં કોઈ ખામી ન હોય, તમારી સંકટ સમયની સાંકળો ઠેર ઠેર તૈયાર રાખવામાં આવી હોય તે છતાં છેક છેલ્લી ઘડીએ તમારા પ્લાનિંગ પર પાણી ફરી વળે અને એક પણ સંકટ સમયની સાંકળ તમને કામ ન આવે એવું બનતું તમે વારંવાર જોયું હશે.

અને આની સામે તમે ક્યારેય જેના માટે પ્લાનિંગ ન કર્યું હોય, સપનું પણ ન જોયું હોય, એવી એવી લાભદાયી ઘટનાઓ એકાએક આસમાનમાંથી ટપકીને તમારા જીવનને ન્યાલ કરી દેતી હોય એવું પણ તમે અનુભવ્યું હશે.

કોઈનીય જિંદગી ક્યારેય પોતે નિશ્ચિત કરેલા ધ્યેય તરફ આગળ વધતી નથી હોતી. માર્ગમાં વારંવાર વિઘ્નો આવે, વારંવાર દિશાઓ ખોવાઈ જાય, વારંવાર ધ્યેયનો માર્ગ વધુ ને વધુ દૂર થતો જાય — નિશ્ચિત સમય અને અંતર કરતાં ઘણો દૂર થઈ ગયો હોય એવું લાગે. આવા વખતે તમારે હાથ ઊંચા કરીને ઉલાળિયો કરી દેવાનો નથી હોતો. આવા વખતે ક્યારેક ધ્યેય, તમારું લક્ષ્ય, કદાચ નાનું કે કદાચ મોટું પણ કરવું પડે અને ક્યારેક લક્ષ્ય બદલી નાખવું પણ પડે.

પણ આવું કરતી વખતે આપણને સંકોચ થતો હોય છે. ઘરેથી નીકળતી વખતે તો મેં બધાને કહ્યું હતું કે હું કાશ્મીર જઈ રહ્યો છું અને હવે અડધે રસ્તે આવીને હું કહીશ કે મારે તો કન્યાકુમારી જવું છે તો કેવું લાગશે મારું?

લોકો શું કહેશે એવા ભયથી આપણે આપણા અંતરાત્માના અવાજને માન આપતા બંધ થઈ જઈએ છીએ અને પછી બાકીની આખી જિંદગી અફસોસમાં વીતાવીએ છીએ, બીજાઓનો વાંક કાઢવામાં ગાળીએ છીએ, નસીબને-ભગવાનને-સંજોગોને કોસતા રહીએ છીએ.

ભૂલો થતી રહે છે. જે વખતે જે સાચું લાગ્યું તે પછીના વખતે એ સાચું જ પુરવાર થાય તે જરૂરી નથી. ભૂલભર્યો નિર્ણય લેવાયો તે વખતે જેટલી અક્કલ હતી, જેટલો અનુભવ હતો, જેટલી જાણકારી હતી, એમાં વખત જતાં વધારો થવાનો જ છે અને આ વધારો થયા પછી ખ્યાલ આવે કે મારે આવું નહોતું કરવું જોઈતું, તો એ સમજણ આવી ગયા પછી જાત પર ફિટકાર વરસાવવાને બદલે એમાંથી જે કંઈ શીખવા મળ્યું હોય તેને જીવનમાં ઉતારીને આગળ વધી જવાનું હોય.

જિંદગીમાં કોઈ પણ ઘડીએ તમે તમારું લક્ષ્ય, તમારી જીવનશૈલી, તમારા વિચારો, તમારા સાથીઓ, તમારી રહેવાની જગ્યા, તમારું કામકાજ, તમારો પહેરવેશ, તમારો ખોરાક, તમારી દિનચર્યા, તમારું સઘળુંય પૂરેપૂરું બદલી શકો છો, એમાં નાના-મોટા ફેરફારો કરીને ફાઇનટ્યુન કરી શકો છો, આમાનું કેટલુંક બદલીને બાકીનું યથાવત્ રાખી શકો છો. શરત માત્ર એટલી જ કે આ કરતી વખતે તમારી દાનત શુદ્ધ હોવી જોઈએ, તમારો આશય શુભ હોવો જોઈએ, તમે જે નીતિમત્તા-સિદ્ધાંતોમાં દૃઢ વિશ્વાસ ધરાવતા હો તેમાં કોઈ કરતાં કોઈ બાંધછોડ કર્યા વિના આવાં પરિવર્તનો લાવવાં પડે. અન્યથા આવાં પરિવર્તનો તકવાદી પુરવાર થાય જે જીવનનાં આદર્શોને આંબવામાં જતે દહાડે વિઘ્નરૂપ બની જાય.

જિંદગીમાં સ્ટક થઈ ગયા હોવાની, સ્થગિત થઈ ગયા હોવાની, ફસાઈ ગયા હોવાની લાગણી લાંબા સમયથી થતી હોય તો માનવું કે તમને એક સિગ્નલ મળી રહ્યું છે — હિંમત એકઠી કરીને જિંદગીમાં પરિવર્તનો લાવવાનું શરૂ કરી દેવા માટેનું આ સિગ્નલ છે.

ઉંમર કોઈ પણ હોય, સંજોગો અને વાતાવરણ કંઈ પણ હોય. પરિવર્તન જો અનિવાર્ય લાગે તો તે લાવવાનું. તમારા પોતાનામાં પરિવર્તન આવશે તો તમારી આસપાસનું ઘણું બધું બદલાઈ જશે. મેં મારી જિંદગી આવી રીતે જીવવા નહોતી ધારી એવા અફસોસમાં હવે પછીનાં નવાંનક્કોર વર્ષોને વેડફી નાખવાને બદલે નવેસરથી નક્શો બનાવી શકાય છે. એ નવી જિંદગી પણ ફાઇવ નાઇટ્સ-સિક્સ ડેઝના રેડીમેડ પૅકેજ જેવી નથી હોવાની એવી તૈયારી સાથે જ શરૂ કરવાની છે. એમાં પણ અણધાર્યા બનાવો બનતા રહેશે. જો એવું બનશે તો પણ એ બનાવો અગાઉના અણધાર્યા બનાવો કરતાં કંઈક જુદા હશે. કારણ કે પરિવર્તનો લાવવાનો નિર્ણય કરતી વખતે તમારી પાસેનાં અનુભવોમાં, સમજણમાં, વિચારોમાં ઘણી સમૃદ્ધિ ઉમેરાયેલી હશે.

સાયલન્સ પ્લીઝ!

જિંદગી કોઈકે આપણા પર કરેલા ઉપકારો કે આપણને આપેલી સજાનો સરવાળો નથી. જિંદગી આપણે કરેલાં કામનું પરિણામ હોય છે.

—અજ્ઞાત્

(લાઉડમાઉથઃ ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 1 જૂન 2022)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. જીવન જીવીએ તો કેવું જીવીએ આજનો આ લેખ ખરેખર સમજવા જેવો છે..
    ધન્યવાદ સૌરભ શાહ..

  2. Bahuj saro lekh che ama badhi vastu samjva jevi che .ane jiven ma utrva jevi che.thanks sourabh bhai tamara lekh vchvani hamesha intejari rahe che.

  3. સૌરભભાઈ,આપના છેલ્લા ચારેય આર્ટિકલ વાંચ્યા ખૂબ જ મજા આવી.દરેક આર્ટિકલ બાદ લાગણી વ્યક્ત કરવાની ઈચ્છા હતી પણ રૂટીન એટલી હદે ખોરવાયેલું છે કે જવા દો.આજના આર્ટિકલથી અમુક મુંઝવણ બાબત અલગથી વિચારી શકાય છે એ વિચાર આવ્યો.ખૂબ જ મસ્તાન આર્ટિકલ અને ખૂબ ખૂબ આભાર.
    કુશળ હશો.🙏

  4. જિંદગી વિશેની આજનો લેખ ખૂબ ગમ્યો ધન્યવાદ સાહેબ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here