કોઈના વિશે તમને ‘ગેરસમજ’ થઈ રહી છે? : સૌરભ શાહ

જેમને તમારા પ્લસ પોઇન્ટ્સ વિશે જાણવાની દરકાર નથી તેઓ તમારા તથાકથિત માઇનસ પોઇન્ટ્સ વિશે ગેરસમજ સેવતા રહેશે, ફેલાવતા પણ રહેશે.

અને જેઓ તમારા પ્લસ પોઇન્ટ્સની કદર કરી જાણે છે તેઓ તમારા જેન્યુઇન માઇનસ પોઇન્ટ્સને આઉટ ઑફ ફોકસ કરીને જોશે એટલું જ નહીં બીજાઓ સમક્ષ વાત નીકળતી હોય ત્યારે પણ તેઓ આ માઇનસ પોઇન્ટ્સની સુંવાળી રીતે, હૂંફાળી રીતે, સહાનુભૂતિ સાથે ચર્ચા કરીને એને પોતાની કે બીજાઓની વાતના કેન્દ્રમાં નહીં આવવા દે.

ઉપરની બેઉ વાતો મેં દાયકાઓ દરમ્યાન મારા સંપર્કમાં આવેલી સેંકડો વ્યક્તિઓનું નિરીક્ષણ કરીને નોંધી છે અને અપ્રત્યક્ષરૂપે મેં જાણેલી બીજી હજારો વ્યક્તિઓના અનુભવોને આત્મસાત કરીને આ વાતની અનુભૂતિ કરી છે.

વારાફરતી આ બેઉ પ્રીમાઇસિસને ચકાસીએ.

ખૂબ જાણીતી હોય, સમાજમાં આદરપાત્ર સ્થાન ધરાવતી હોય, ઘણી મોટી પ્રતિષ્ઠા હોય કે પછી સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતી હોય એવી વ્યક્તિઓને તો આ વાત લાગુ પડે જ છે; જેઓ માત્ર પોતાની આસપાસના પરિવારજનો, સ્નેહીસંબંધીઓમાં જ જાણીતા હોય એવા તમામ લોકોને પણ આ વાત એટલી જ લાગુ પડે છે.

કોઈ પણ સમાજ નિંદા રસને પોષતો હોય છે. લોકોને તમારી સારી બાજુઓ વિશે જાણવા કરતાં તમારાં છિદ્રો વિશે જાણવામાં વધારે રસ હોય છે. તમે કોઈનાં વખાણ કરશો તો બીજાને એવું લાગશે કે આ તો એની ચમચાગીરી કરે છે, જરૂર આ પ્રશંસા પાછળ એનો કોઈ સ્વાર્થ હશે – એવું વિચારીને તમે કોઈની પણ મોંફાટ પ્રશંસા કરતાં અચકાઓ છો. પણ ટીકા કરશો તો તમે બહાદુર લાગશો, જાણકાર અને જાગૃત લાગશો એવી છાપ પડશે એમ માનીને તમે કોઈ પણ વ્યક્તિની – ચાહે એ જાહેર જીવનમાં હોય કે પછી એની ઓળખાણ પોતાના વર્તુળ પૂરતી સીમિત હોય – ટીકા કરવામાં બે વાર વિચાર નહીં કરો.

મનુષ્યનો આ સ્વભાવ છે. જેઓ પોતાનો આ સ્વભાવ બદલી શકે છે તેઓ પરિવર્તન પામ્યા પછી જિંદગીમાં વધુ ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે અને જેમનો આવો સ્વભાવ પહેલેથી જ નથી તેઓ તો સાક્ષાત સંત જ છે.

જનરલી લોકોને જાણીતા માણસો વિશે ફેલાવવામાં આવતી સાચીખોટી વાતોમાં વધારે રસ પડતો હોય છે: ‘જોયું, કહેવાય આટલો મોટો માણસ પણ હવે ખબર પડી ને કે ડુંગર દૂરથી જ રળિયામણા’ આવું માનવાનું અને બીજાઓને જણાવવાનું લોકોને ખૂબ ગમતું હોય છે. વિશેષ કરીને એવા લોકો આવી પ્રવૃત્તિમાં રાચતા હોય છે જેમને ખબર નથી હોતી કે આ મોટો માણસ શું કામ મોટો ગણાય છે, શું કામ આ જાણીતો માણસ જાણીતો થયો છે.

કોઈ પણ વ્યક્તિ રાતોરાત મોટી/પ્રસિદ્ધ/શ્રીમંત/કીર્તિવંત/વગદાર નથી બની જતી. એવા બનવા માટેનાં બીજ એમનામાં વર્ષો/દાયકાઓ અગાઉ રોપાયાં હોય છે. બીજમાંથી વૃક્ષ થવાની આ યાત્રાથી તમે મોટેભાગે અજાણ હો છો. બહુ બહુ તો ત્રુટક-ત્રુટક વાતો તમારા સુધી પહોંચી હોઈ શકે. પણ એ વ્યક્તિએ કેટલી કઠોર તપશ્ચર્યા પછી આ બધું મેળવ્યું છે, કઈ નિષ્ઠાથી બીજાં સુખસગવડોનો ત્યાગ કરીને કંઈકેટલીય બાબતોમાં આકરો તાપ સહન કર્યા પછી તેઓ આ શિખર સુધી પહોંચ્યા છે, તેની તો તમને ખબર જ નથી હોતી. તમને માત્ર એટલું જ દેખાય છે કે આ વ્યક્તિ જાણીતી છે, બસ. આ વ્યક્તિ ફેમસ છે એટલે જ લોકો એમાં ગુણગાન ગાય છે, બસ.

અને પછી જ્યારે એ વ્યક્તિ વિશે તમે બે ખરાબ વાતો સાંભળો છો જેની આગળ પાછળના સંદર્ભની તમને કશી ગતાગમ હોતી નથી, એવી વાતો ફેલાવાવાળાના ઇરાદાઓ વિશે તમે તદ્દન અંધારામાં હો છો ત્યારે તમને લાગતું હોય છે કે આ વ્યક્તિ વિશે સમાજમાં ‘ગેરસમજ’ ફેલાઈ રહી છે એટલે એણે આવી ‘ગેરસમજ’ દૂર કરવાનો સક્રિય પ્રયાસ કરવો જોઈએ.

હકીકત એ છે કે સમાજમાં રહેલા તમારા જેવા લોકોએ જ આવી ‘ગેરસમજ’ સર્જી હોય છે અને આગળ ફેલાવી હોય છે. વાસ્તવમાં તો તમે નમ્ર અને તટસ્થ દેખાવા માટે ‘ગેરસમજ’ શબ્દ વાપરો છો પણ તમે તો એ વ્યક્તિ પર મૂકવામાં આવતા આક્ષેપોને હકીકત માનીને એને ગુનેગાર માની જ લીધી હોય છે. જો તમને એ વ્યક્તિનું પૂરેપૂરું બૅકગ્રાઉન્ડ ખબર હોય તો જે ‘ગેરસમજ’ ફેલાવતા હોય એમની આગળ આ વિશે વાત નીકળે ત્યારે તમે એ વ્યક્તિનો ખુલ્લો, સ્પષ્ટ બચાવ કરીને અડીખમ બનીને એ વ્યક્તિની પડખે રહેતા હોત. અને કહેતા હોત કે કાં તો આ વાતને આગળ પાછળના સંદર્ભો ઉડાડીને આપણા સુધી પહોંચાડવામાં આવી છે, કાં પછી કહેતા હોય કે આ વ્યક્તિ જ્યારે આટલું મોટું પ્રદાન કરી રહી હોય ત્યારે આવી બાબતોનું મૂલ્ય સાવ નગણ્ય કહેવાય.

અહીં બીજો મુદ્દો પ્રવેશે છે. ગાલિબ કેટલા મોટા કવિ હતા તે કહેવાની જરૂર નથી. એમના અવસાનની દોઢ સદી પછી પણ એમના શબ્દો જીવે છે, તાજગીભર્યા લાગે છે. ખરા અર્થમાં તેઓ એક ઋષિ હતા. એમના જ એક શેરનો મિસરો છેઃ તુઝે હમ વલિ સમઝતે જો ન બાદાખ્વાર હોતા…

વલિ એટલે આપણી સંસ્કૃતિના ઋષિ અને બાદાખ્વાર એટલે જેને શરાબની લત લાગી છે તે. ગાલિબ પીતા, ખૂબ પીતા. પૈસેટકે બરબાદ થઈ ગયા પછી ઉધારી લઈને પીતા. બીજાઓ માટે બેહિસાબ ખર્ચ કરતા. વ્યાજે પૈસા લાવતા. ઋણ ન ચૂકવાય ત્યારે એમની મિલકત જપ્ત થતી અને કેદખાનામાં જવું પડતું. પત્ની હતી. પણ એ ઉપરાંત પણ એમના બીજા સંબંધો હતા.

દારૂ, દેવાળિયાપણું અને ઉપરથી આવું બધું. આ ત્રણેય દુર્ગુણો જો કોઈ સામાન્ય માણસમાં હોત (જે અનેક નૉર્મલ લોકોમાં હોવાના જ) તો એવા માણસો મર્યાના દોઢસો વર્ષ પછી ભુલાઈ જવાના. દોઢસો નહીં, મર્યાના દોઢ જ વર્ષ પછી સમાજ એમને ભૂલી જવાનો.
પણ ગાલિબ યાદ છે, હજુય એમની વાતો કામની લાગે છે, રિલેવન્ટ લાગે છે, દોઢસો વર્ષ પછી પણ – એનો અર્થ એ થયો કે એમણે જીવન દરમ્યાન જે કામ કર્યું તે ગંજાવર હતું, અતિ મહત્ત્વનું હતું. એ કામની સરખામણીએ એમનામાં રહેલી આ ત્રણેય એબ કોઈ કરતાં કોઈ ગણનામાં જ નથી. ગાલિબના કામને અને એમના જીવનની આ ત્રણ ‘ખામીઓને’ જોખીતોળીને ગુલઝારે જે ટીવી સિરિયલ પાંત્રીસેક વર્ષ પહેલાં બનાવી છે તે જોઈ લેવી. ગાલિબની આ ખામીઓને એમણે ક્યાંય ઢાંકી નથી. અને આમ છતાં એની રજુઆત એ રીતે કરી છે કે તમને ગાલિબ માટે નફરત કે અણગમો ન થાય, સહાનુભૂતિ થાય અને એમના કવિકર્મને લક્ષ્યમાં રાખીને એમના માટે અપાર આદર થાય.

મોટા માણસોનાં છિદ્રોને જોવાની આ ગુલઝારદૃષ્ટિ આપણને ઘણું શીખવાડે છે. મોટા જ નહીં આપણી આસપાસના આપણા જેવી જ નૉર્મલ જિંદગી જીવનારા આપણા મિત્રો, કુટુંબીજનો, સ્વજનો, શુભેચ્છકો, પાડોશીઓ, નાતીલાઓ, ઑફિસ કલીગ્સ વગેરે સૌ કોઈનામાં છિદ્રો હોવાનાં — આપણામાં ક્યાં નથી? (‘મોસમ કૌન કુટિલ, ખલ, કામી’). પણ એમનાં આ છિદ્રોને કારણે ફેલાતી કે ફેલાવવામાં આવતી ‘ગેરસમજો’ કંઈ એમનું સમગ્ર જીવન નથી. સૌ કોઈનું જીવન અનેક સંઘર્ષો, અનેક તપસ્યાઓ-ત્યાગ અને નિસ્વાર્થ કર્મોથી ભરેલું હોવાનું. તમને એ બધી વાતોની જાણ હોય તો સારું છે પણ તમને ખબર ન હોય એટલે એમનું જીવન આ બધાં કે આવાં બીજાં સદ્‌ગુણો વિનાનું છે એવું માની લેવું નહીં. એમનાં છિદ્રો વિશે કોઈની પાસેથી ખબર પડે તો એમના વિશેની ‘ગેરસમજ’ તમારામાં ઘર ન કરી જાય એનું ધ્યાન રાખવાનું અને એવી ‘ગેરસમજ’ને ફેલાવવાનું પાપ તો કદી નહીં કરવાનું. આવું કરવાથી ફાયદો તેમને નહીં, તમને પોતાને જ થવાનો છે. એ તો પોતાની રીતે પોતાનું જીવન જીવશે. તમે જો માત્ર છિદ્રો જ જોતાં રહીને ‘ગેરસમજ’ કર્યા કરશો તો છો ત્યાંના ત્યાં જ રહેશો અને વખત જતાં ત્યાં પણ નહીં રહો, દૂર પાછળ ક્યાંના ક્યાં ધકેલાઈ જશો.

સાયલન્સ પ્લીઝ!

કોઈ વ્યક્તિ વિશે તમને ‘ગેરસમજ’ થઈ રહી છે એવું લાગે ત્યારે, આખી વાતની તમને ખબર ન હોય ત્યારે, બહેતર છે કે તમે એમને સીધા મળીને ‘ગેરસમજ’ દૂરી કરી લો.

—અજ્ઞાત્

(લાઉડમાઉથઃ ‘ સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 25 મે 2022)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

  1. અદભુત વાત કરી, સાહેબ. લેખ ખૂબ ગમ્યો. ધન્યવાદ

  2. આપણા જ વિશે કારણ વગરની ગેરસમજ ફેલાવનાર વિશે શું કરવું? શું કહેવું? એમાંય આપણને જાણ હોવા છતાંય સંબંધો સુધારવાનો પ્રામાણિક પ્રયત્ન પણ ન ફળે ત્યારે અતિ દુઃખ થાય છે. એમાંય જક્કી , અણઘડ સ્વભાવ ની વ્યક્તિ સાથે deal કરવું ઘણુંજ અઘરું છે . દાયકાઓ જુના સંબંધ ગેરસમજ ને કારણે મજબૂરીથી તોડવા પડે છે અને ત્યારે તેને આપણું કમનસીબ કહીને destiny સમજીને ભૂલી જ જવા પડે છે…
    આ પણ સિક્કા ની બીજી બાજુ જ છે. જયશ્રીકૃષ્ણ

  3. ખૂબ ખૂબ આભાર તમારા લેખન કાર્યમાં ખૂબજ સુંદર રીતે વર્ણન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here