ચલ કહીં દૂર નિકલ જાયેં: સૌરભ શાહ

ગુલઝારે ગાલિબનો મિસરો વાપરીને આપણા સૌની કેફિયત આગળ લંબાવી હતીઃ દિલ ઢૂંઢતા હૈ ફિર વહી ફુર્રસત કે રાતદિન… મજરૂહ સુલતાનપુરીને મૌસમ ખીલેલી જોઈને ચાહતને કાબિલ એવા કોઈ હમદમ સાથે ક્યાંય દૂર નીકળી જવાની ઇચ્છા થયેલી.

આ તો બધી ઉમદા કવિઓની ઉમદા કલ્પનાઓ છે. વાસ્તવની જિંદગીમાં રોજિંદા વાતાવરણને છોડીને ક્યાંક દૂર નીકળી જઈ ફુરસદના રાતદિવસના અનુભવમાં ડૂબી જવું આસાન નથી હોતું. જિંદગીના બે છેડા ભેગા કરવાની જદ્દોજહદમાં આવી રોમેન્ટિક કલ્પનાઓ મહિનાનું બજેટ ખોરવી નાખે.

આમ છતાં એક વાત સ્વીકારવી પડે કે કંઈક નવું કરવું હશે, નવું વિચારવું હશે કે નવી દિશાઓ શોધવી હશે તો રૂટિન જિંદગીમાંથી બ્રેક લઈને ઘરથી દૂર એવી કોઈક જગ્યાએ ઉપડી જવું પડશે જ્યાંનું વાતાવરણ તમને તરબતર કરીને તમારી બેટરી રિચાર્જ કરી દે. બે દિવસ માટે, બે અઠવાડિયા માટે કે પછી એથી ઓછાવત્તા સમય માટે કોઈ હિલ સ્ટેશન પર, દરિયા કિનારે, તીર્થસ્થળે, ઐતિહાસિક સ્થળે, જંગલમાં, નવા શહેરમાં કે પછી વતનના ગામે —જ્યાં અનુકૂળતા હોય ત્યાં, જેવી સગવડ હોય ત્યાં, જેવો મૂડ હોય ત્યાં.

એક જમાનામાં ફિલ્મી મૅગેઝિનોમાં વાંચતા કે મુંબઈના કોઈ સ્ક્રિપ્ટ રાઇટર ફિલ્મનો સીન લખવા ખંડાલા ઉપડી ગયા કે પછી કોઈ ગીતકાર લોનાવલા જઈને ગીત લખી આવ્યા કે પછી કે કોઈ દિગ્દર્શક શહેરમાં જ સારી હૉટેલમાં કે દરિયા કિનારાના કોઈ બંગલામાં એક અઠવાડિયું રહીને નવી ફિલ્મનું પ્લાનિંગ કરી આવ્યા. ફિલ્મી લોકોનાં તો પોતાનાં ઘર ફાઇવ સ્ટાર હૉટેલના કુશાંદે કમરા જેવા હોય છે. તો પછી એમને વળી શું જરૂર પડે ઘરથી દૂર જવાની?

રોજિંદું વાતાવરણ બદલાય છે ત્યારે મનમાં ચાલતા રોજિંદા વિચારો પણ બદલાય છે. બેચાર કલાક માટે કોઈ કૉફીશૉપમાં તમે બેસો છો કે સંગીતના કાર્યક્રમમાં બેસી જાઓ છો કે દરિયા કિનારે કે નદી-તળાવના કિનારે કલાક ટહેલવા જાઓ છો કે ગાર્ડન-પાર્કમાં આંટો મારી આવો છો ત્યારે તમારા દિમાગમાં ચેતનવંતા ચમત્કારોના ચમકારાઓ થતા હોય છે. સૌ કોઈએ આ અનુભવ્યું છે.

આપણા જેવા તમામ સંસારીઓ માટે ઘરનો કમ્ફર્ટ ઝોન જીવનને ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. જીવનને તાજગીથી ભરી દેવા માટે વારંવાર આ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને ક્યાંક જતા રહેવું એટલું જ અનિવાર્ય છે – ચાહે બે કલાક માટે જઈ આવો, ચાહે બે સપ્તાહ માટે કે પછી બે મહિના માટે. કેટલાક ભાગ્યશાળીઓ તો ભરપગારે બબ્બે વર્ષ માટે સબાટિકલ લેતા હોય છે.

રૂટિન જરૂરી છે. રૂટિનને લીધે શિસ્ત આવે છે અને આ શિસ્તના પરિણામસ્વરૂપે માણસને મોટાં મોટાં કામ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થતું હોય છે આ જ રૂટિન તોડવાનું પણ જરૂરી હોય છે જેથી જિંદગી એકધારી, કંટાળાજનક અને ઘાંચીના બળદને ચાલવાના ચીલા જેવી ન બની જાય. ક્યારે કઈ બાબતે શિસ્તની પાબંદી સ્વેચ્છાએ સ્વીકારવી અને ક્યારે તમામ બંધનો ફગાવીને સ્વૈરવિહાર કરી લેવો એનો નિર્ણય દરેક જણે પોતાની નીરક્ષીર વિવેકબુદ્ધિને ધ્યાનમાં રાખીને કરી લેવાનો. આવી બાબતોમાં બીજા કોઈની સલાહ નકામી.

રોજ ઘરનાં દાળભાતશાકરોટલી ખાધા પછી ક્યારેક મિષ્ટાન્ન કે ફરસાણ પણ જરૂરી અને બહારગામના પ્રવાસોને કારણે બહારનું ખાવાની મજબૂરી પણ જરૂરી. પછી ઘરે આવીને દાળભાતશાકરોટલી પણ મિષ્ટાન્ન-ફરસાણ જેવાં જ લાગતાં હોય છે – આ બેઉ અનુભવો જરૂરી.

ઘરની બહાર નીકળીને ફરવા જવું એ માત્ર હવાફેર માટે જરૂરી નથી. વાતાવરણ બદલાવાને કારણે બદલાઈ જતી માનસિકતા માટે પણ એ જરૂરી હોય છે. આપણું મન નિશ્ચિત પરિસ્થિતિઓમાં નિશ્ચિત દિશાઓમાં વિચાર કરવાની આદત ધરાવતું થઈ જાય છે. ઘણીવાર આ આદતને લીધે મન બંધિયાર થઈ જતું હોય છે. બંધિયાર મન નવી નવી સીમાઓ તરફ જોવાની ક્ષમતા ગુમાવી બેસે છે. આને કારણે જિંદગી કુંઠિત થઈ જાય છે. જીવનનું પૂરેપૂરું પોટેન્શ્યિલ વપરાયા વિનાનું રહી જાય છે. ક્યારેક આપણને ખબર જ નથી પડતી કે આવું શું કામ થાય છે, શું કામ આપણી માનસિક ક્ષમતા ખાલીખમ થવા આવી છે એવું લાગે છે? શું કામ આપણી બૅટરી નીચોવાઈ ગઈ હોય એવું લાગે છે? શું કામ જિંદગીમાં ડેડ-એન્ડ આવી ગયો હોય એવું લાગે છે.

આવું થવાનું પાયાનું કારણ એ કે ઘરમાં રહીને જિંદગી સુસ્ત થઈ ગઈ છે. જે રૂટિન સેટ થઈ ગયેલું છે તેમાં હવે નવા કોઈ પડકારોને અવકાશ નથી. ઘરની બારીમાંથી જેટલું આકાશ દેખાય છે તેના કરતાં કંઈકગણો મોટો એનો વ્યાપ છે તે સમજવા માટે ઘરમાંથી નીકળીને બહાર આંટો મારી આવવો પડશે.

ઘરની બહાર નીકળીને કવિ ઉમાશંકરની જેમ ભોમિયા વિના ડુંગરો, જંગલો અને કોતરો ભમવા નીકળી પડવું એટલે છાતીમાં નવો શ્વાસ ભરવો અને દિમાગમાં નવી આબોહવાનું સર્જન કરવું. નવી તાજગી સાથે ઘરે પાછા ફરીને શિસ્તબદ્ધ રૂટિનને ખોરવ્યા વિના નવાં નવાં કામ કરવાનું શરૂ કરવું એટલે જિંદગીમાં સર કરવાં ધારેલા શિખરો પર ચડવા માટેનું એક એક ડગલું માંડવું.

જિંદગી આ જ છે – ક્યારેક ઘરમાં, ક્યારેક ઘરની બહાર. ક્યારેક દૂર ક્યાંક જવા નીકળી પડીએ છીએ ત્યારે જિંદગીનો કોઈ નવો અર્થ મળી જાય છે અને ક્યારેક ઘરે પાછા ફરીને એ અર્થનો વિસ્તાર થાય છે. ક્યારેક નિરાંત જ નિરાંત હોય ત્યારે જિંદગી ધસમસતી આગળ વધતી હોય એવું લાગે છે તો ક્યારેક શિસ્તના ચોકઠામાં બંધાઈને અમાપ શક્યતાઓ તાગવાની હોય છે. જિંદગી ખરેખર વિરોધાભાસોથી ઠાંસીઠાંસીને ભરેલી છે.

પાન બનાર્સવાલા

ભોમિયા વિના મારે ભમવાના ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

—ઉમાશંકર જોશી

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 12 જૂન 2022)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

10 COMMENTS

  1. હમેશાં મુજબ આજનો પણ આપનો લેખ બહુ સરસ છે (ફક્ત કહેવા માટે નથી લખતો, પણ હકીકત છે) વારંવાર વાંચીને પણ આનંદ થાય છે.
    ખુબ ખુબ આભાર 👌

  2. A tribute to Bhupinder Singh at your time would help us reconnect to the Golden Era, down memory lane.

    (Born as Bhupinder Soin, Singh was an Indian musician, chiefly a ghazal singer and also a Bollywood playback singer. He was the husband of Indian-Bangladeshi singer Mitali Singh. At the age of 82, he died of a cardiac arrest on 18 July 2022. – Wikipedia)

    • https://m.facebook.com/story.php?story_fbid=pfbid02fzWDVNoTx36Fs8DTgvDeJ7w17dwU7K4se4Dg7DTQLnGYW9gcMsAeBmcm2Chs7y6Nl&id=522718509

      મારા મિત્ર જયવંત પંડ્યાએ આ સરસ લેખ ફેસબુક ઉપર લખ્યો છે.
      મારા એમના લેખના પ્રતિભાવ :
      “બહુ સરસ લેખ છે.
      મને પણ કરોગે યાદ તો ખૂબ ગમતું. એક વખત સુરતના કોઈ છાપાના વાર્ષિક અંકની પૂર્તિમાં મારા સુરત નિવાસની સ્મૃતિઓ લખવાની હતી ત્યારે આ જ ગઝલના એક પછી એક શેર ક્વોટ કરીને લાંબો લેખ કર્યો હતો. એ વાંચીને મુકુલ ચૉક્સીએ કહ્યું હતું કે મુંબઇ પાછા જવાની આગલી રાતે તારા સ્કુટર પર ડુમ્મસ ગયા ત્યારે તું આ જ ગીત વારંવાર ટેપ રેકોર્ડર પર વગાડતો હતો.

      તમે નોંધેલાં લગભગ દરેક ગીત મારાં પણ ફેવરિટ લિસ્ટમાં છે. તમારી વાત સાચી છે—ભૂપિન્દરે ફિલ્મોમાં ઓછું ગાયું પણ જે ગાયું તે બધું યાદગાર છે.

      ‘જ્વેલથીફ’માં હોઠોં મેં ઐસી બાતમાં ઓ શાલુ… એમનો જ અવાજ છે!”

  3. નમસ્તે સાહેબ, જીવનની ને મનની બરી ખોલી વિશાળ આકાશને જોવાની તક આપનાર લેખ ગમ્યો. ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here