સાચું બોલીને શું ફાયદો? :સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 19 નવેમ્બર 2023)

એક વાત મેં નોંધી છે. તમે પણ નોંધી હશે. સામેવાળી વ્યક્તિ કઈ વાતે સાવ જુઠ્ઠું બોલે છે, કઈ વાતે અતિશયોક્તિ કરે છે, કઈ વાતે કોઈ પડદો રાખ્યા વિના સાચેસાચું કહી દે છે એની તમને તરત ખબર પડી જતી હોય છે. કોઈને પણ તરત જ ખબર પડી જતી હોય છે. આવી કોઠાસૂઝ દરેક વ્યક્તિને કુદરતે આપી છે.

તમે પોતે માનતા હો કે મારું જૂઠ કોઈ પકડી શકતું નથી તો તમે ખાંડ ખાઓ છો. કઈ વાતમાં તમે રાઈનો પહાડ બનાવો છો તેની પણ સામેવાળાને ખબર પડી જતી હોય છે. સામેવાળી વ્યક્તિ તમારા જુઠ્ઠાણાને કે તમારી અતિશયોક્તિને પડકારે નહીં એ અલગ વાત છે. વિવેકને કારણે કોઈ તમને ક્રોસ ના કરે કે પછી એની આંખોમાં તમારું કે તમારા એ જુઠ્ઠાણાનું ખાસ કોઈ મહત્ત્વ ન હોય એટલે તમને પ્રશ્ર્નો કરીને તમારી સચ્ચાઈ બહાર ના લાવે, તમને ભોંઠા ના પાડે એ વાત અલગ છે. પણ એ જાણે તો છે જ કે આ નજીવી (કે મહત્ત્વની) બાબતે તમે એની આગળ જુઠ્ઠું બોલ્યા કે અમુક બાબતે તમે અતિશયોક્તિ કરી.

જુઠ્ઠું બોલતી વખતે કે નવટાંકનો પીને પાશેરની ધમાલ કરતી વખતે બોલનારનો રણકો જુદો હોય છે; એના હાવભાવ, એની બૉડી લૅન્ગવેજ બદલાઈ જાય છે. આ બધું સૂક્ષ્મરૂપે થાય છે – ફિલ્મો કે નાટકોમાં પ્રેક્ષકોને ખબર પડે એવી રીતે ઍક્ટર દ્વારા એકદમ પ્રોનાઉન્સ રીતે થાય એ રીતે નહીં. ફિલ્મોની વાત, કે નાટકોની વાત જુદી છે. ત્યાં સામેવાળા પાત્રને ખબર નથી પડતી એવું દેખાડવાનું હોય છે પણ પ્રેક્ષકો સમજી જાય તે જરૂરી હોય એટલે હાવભાવ – બૉડી લૅન્ગવેજને બોલકાં બનાવવામાં આવે છે.

રિયલ લાઈફમાં જુઠ્ઠું બોલનાર કે અતિશયોક્તિ કરનાર પોતાના ચહેરા પર એવા કોઈ હાવભાવ ન આવે કે સામેવાળાને લાગે કે પોતે જુઠ્ઠું બોલે છે એ માટે પ્રયત્નપૂર્વક પોતાના બોલવામાં વિશ્ર્વસનીયતા ઉમેરવાની કોશિશ કરે છે. એના શબ્દોની પસંદગી પણ એવી થઈ જાય છે. એને ખબર છે કે સામેવાળો મારા પર વિશ્ર્વાસ નહીં કરે એટલે એ વધુ પડતી ભારેખમ અભિવ્યક્તિ કરતો રહે છે.

આ બદલાયેલું વર્તન જ જુઠ્ઠાણાને પકડી પાડે છે. તમારે ઝાઝી કોશિશ કરવાની રહેતી જ નથી જુઠ્ઠા માણસને ખુલ્લા પાડવા માટે. પોલીસ કે સીબીઆઈ કે એસઆઈટીની ટીમ જ્યારે શકમંદની પૂછપરછ કરે છે ત્યારે એકના એક સવાલો આખો દિવસ, દિવસો સુધી પૂછ્યા કરે છે. દરેક વખતે બોલનારના હાવભાવમાં, એની અભિવ્યક્તિના શબ્દોમાં જે ફેરફાર થતો હોય તે ફેરફારને મનોમન નોંધવાની ચપળ ઈન્વેસ્ટિગેટરોને તાલીમ આપવામાં આવતી હોય છે.

તમે કોઈપણ તાલીમ વિના આ બધું મનોમન નોંધી લેતા હો છો. પોલીસવાળાની વાત જુદી છે – એમણે સત્ય બહાર લાવીને કોર્ટમાં પુરવાર કરવાનું હોય છે. તમારે કંઈ તમારા જ પરિચિત, સગા, મિત્ર કે કલીગને કોર્ટે નથી લઈ જવાના. મોટેભાગે તો તમારે એમને જતાવવું પણ નથી હોતું કે ભાઈ, તું જુઠ્ઠું બોલવાનું રહેવા દે, મને ખબર છે કે તારી આ વાત પર મારે એક ટકાનો ભરોસો નથી કરવાનો.

પણ તમે ચૂપ રહો છો. જુઠ્ઠું બોલનારને ખુલ્લો પાડીને તમને કોઈ ફાયદો નથી. પણ ભવિષ્યમાં તમે સાવધાન રહેવાના છો.

આ વાત એટલા માટે સૂઝી કે આજકાલ ગાંધીજીને પબ્લિકલી ઉતારી પાડવાનો વાયરો ચાલ્યો છે. ગાંધીજીએ સત્યને પ્રેમ કર્યો – એમનો વિરોધ કરવા અસત્યને પ્રેમ કરો.

સત્યને તોડીમરોડીને બોલનારા વધી ગયા છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર. પોતે કોઈ સેલિબ્રિટી સાથે ફોટો પડાવીને સોશ્યલ મીડિયામાં અપલોડ કરીને મૂકશે અને લખશે કે આ મહાનુભાવ સાથે અમે દેશની સમસ્યાઓ વિશે ગંભીર ચર્ચા કરી અથવા આ સંત પાસેથી જીવનની ગૂંચ ઉકેલવાની રીતો વિશે માર્ગદર્શન મેળવ્યું. પાંચ સેક્ન્ડ પણ નથી વીતાવી હોતી – પણ આવું બધું લખીને છાકો પાડવાનો.

એટલું યાદ રાખજો કે જે વખતે કોઈકના હિત માટે સત્યમાં ભેળસેળ કરીને બોલવામાં આવે છે ત્યારે પણ ખબર પડી જાય છે કે અહીં જૂઠ બોલાઈ રહ્યું છે. વાણિયાબુદ્ધિ વાપરીને બિઝનેસમાં કે ચાણક્યનીતિ વાપરીને જાહેર જીવનમાં જ્યારે સત્યને છુપાવવામાં આવે છે ત્યારે પણ સાંભળનારને તો ખબર જ હોય છે કે શું સાચું છે પણ સમયના તકાદાને કારણે કોઈ કશું બોલતું નથી કારણ કે આવા વખતે અસત્યને પડકારવાથી દુશ્મનને ફાયદો થવાનો હોય છે. એ દુશ્મનોએ તો આખી જિંદગી અસત્યના આધારે જ તમને હેરાન કર્યા છે.

આપણે અહીં આપણી રોજબરોજની જિંદગીમાં બીજાઓ દ્વારા કે આપણા પોતાના દ્વારા બોલાતા અસત્યની વાત કરી રહ્યા છીએ.

સાચું બોલવાની ટેવ હશે કે કોઈપણ વાતે અતિશયોક્તિ નહીં કરવાની ટેવ રાખી હશે તો આપણા મનમાં મનઘડંત વાતોનાં જાળાં નહીં ગૂંથીએ. મનમાં ખૂબ બધી ગૂંચવણો નહીં સર્જાય. મનમાં ચાલતો વિચારોનો પ્રવાહ સરળતાથી વહેતો રહેશે. મન કપટકાર્યો તરફ નહીં ઘસડાય.

મન જ્યારે આટાપાટા રમવામાં વ્યસ્ત થઈ જાય છે ત્યારે એ જે કંઈ સારા વિચારોમાં આગળ વધવા માગતું હોય તેનો પ્રવાહ ખોરવાઈ જાય છે. આપણી વિચાર પ્રક્રિયામાં આપણે જ નડતર ઊભા કરતાં હોઈએ છીએ. સાચું બોલવામાં સહેજ પણ મહેનત નથી કરવી પડતી. જે છે એ જ વાત બીજા સુધી પહોંચાડવામાં મહેનત ક્યાંથી ? આને લીધે જે એનર્જી બચે છે તે શક્તિ આપણને જીવનમાં આગળ વધવામાં, જીવનના અનેક આનંદ માણવામાં કામ લાગે છે.

જીવનમાં હંમેશાં સાચું જ બોલવું જોઈએ એવું કહેવાય છે ત્યારે એ કોઈ ચાંપલી વાત નથી, વ્યર્થ ઉપદેશબાજી નથી. જુઠ્ઠું બોલીબોલીને તરી ગયેલા લોકોને જોઈને કે તમારાથી આગળ વધી ગયેલા લોકોને જોઈને તમને પણ લાગે કે મારે પણ જુઠ્ઠું બોલવું જોઈએ, મારે પણ સિલેક્ટેડ ફેક્ટ્સને જોડી-તોડી-મરોડીને અર્ધસત્ય કે અર્ધઅસત્ય બોલવું જોઈએ, મારે પણ જે હાથ આવ્યા તે મરીમસાલા ઉમેરીને અતિશયોક્તિ કરવી જોઈએ તો જરા થંભીને વિચારી લેવાનું : શું જીવનમાં તરક્કી કરવાનો આ જ એક રસ્તો છે ? તમારામાં જે કુશળતા છે, પ્રતિભા છે તેને વધારે ધારદાર બનાવીને તમે આ બધા લોકો કરતાં કંઈકગણી વધારે નક્કર સફળતા પામી શકો એમ છો. એટલું જ નહીં એ સફળતા મેળવવાની સાથે તમે શાંતિ પણ પામી શકો છો જે એમને ક્યારેય મળવાની નથી.

જિંદગી જુઠ્ઠાણાંઓ બોલીને વેડફી નાખવા માટે નથી મળી. વાતેવાતે અતિશયોક્તિ કરીને બીજાને આંજી દેવાના પ્રયત્નો કરવા માટે નથી મળી. જિંદગી મનની અંદર કપટ ઉમેરીને ચહેરા પર ભોળપણના કૃત્રિમ સ્મિત સાથે જીવવા માટે નથી મળી. જિંદગી જેવા છીએ એવા રહીને જીવવા માટે મળી છે. જિંદગી એટલા માટે મળી છે કે આપણે જેટલા સારા છીએ એના કરતાં વધારે સારા, હજુ વધારે સારા બનતાં જઈએ અને આ પ્રક્રિયા દરમ્યાન આપણા ચહેરા પરનું ભોળપણ, હોઠ પરનું નિર્દોષ સ્મિત અને આપણી બૉડી લૅન્ગવેજની નિખાલસતા ઉત્તરોત્તર વધતી જાય, આપણને પોતાને અને આપણને મળતા તમામ લોકોને વધુ ને વધુ પ્રસન્ન કરતી જાય.

સૂર્ય દેવતાનું મહત્ત્વ સમજાવતા આજના છઠ પૂજાના પ્રસંગે સૌને શુભેચ્છા અને નવા વરસનો આ જ એક માત્ર સંકલ્પ.

પાન બનારસવાલા

તમે અને આખું ય ભારત નવા વર્ષમાં સુખી રહો… ભગવાન તમારા સૌના દિલમાં દીવો કરીને ઉજાસ ફેલાવે જેથી તમે માત્ર એકબીજાના જીવનને જ નહીં, સમગ્ર વિશ્ર્વને અજવાસ આપીને પ્રકાશમય કરી શકો.

-ગાંધીજી (સ્વતંત્ર ભારતના પ્રથમ નવ વર્ષ નિમિત્તે, 12 નવેમ્બર 1947ના રોજ રાષ્ટ્રને આપેલો સંદેશ).

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here