ગુજરાતી સાહિત્ય પરિષદ આપણા સૌની છે, કોઈની બાપીકી જાગીર નથી : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ, મંગળવાર, 21 નવેમ્બર 2023)

1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ. એક સવાલ થાય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં જ ન આવી હો તો શું ગુજરાતી સાહિત્ય આજે જેટલું સમૃદ્ધ છે એટલું સમૃદ્ધ ન હોત ? ગુજરાતી વાચકોને કઈ કઈ વાતે ખોટ પડી હોત ? ગુજરાતી ભાષા પરિષદ વિના રાંક બની ગઈ હોત ? ઓછી રૂપાળી બની ગઈ હોત?

વિચારવા જેવું છે. વિચારીને સંશોધન કરવા જેવું છે. સંશોધન કરીને પીએચ.ડી.ની થીસિસ લખવા જેવું આ કામ છે.

ગુજરાતી સામાજિક સંસ્થાઓ કે યુનિવર્સિટી-કૉલેજ-શાળાઓ કે પછી બીજી અનેક નાનીમોટી સંસ્થાઓ, લાઈબ્રેરીઓ તથા પ્રકાશકો ગુજરાતી ભાષા તથા સાહિત્યને લગતા જે કાર્યક્રમો કરે છે તેનાથી કંઈક વિશેષ કરવાનો ઉપક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદનો હોવો જોઈએ એવું હું માનું છું. કવિ સંમેલનો, વ્યાખ્યાનો, પારિતોષિકો, પ્રકાશનો, મેગેઝિન વગેરેને લગતી પ્રવૃત્તિઓ ઉપર જણાવેલી સંસ્થાઓ પણ કરતી જ હોય છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ એક એવી સંસ્થા છે જે ધારે તો ગુજરાતની પ્રજા માટે, ગુજરાતી સાહિત્ય માટે અને ગુજરાતી ભાષા માટે ઘણું કરી શકે.

શું શું ?

સૌથી પહેલાં તો પરિષદના આગલા કેટલાક પ્રમુખોએ મચાવેલી તબાહીથી થયેલા નુકસાન વિશે વિચારીને એ મહાનુભાવોએ અપનાવેલા રસ્તા કરતાં કંઈક જુદો માર્ગ અપનાવીને વાડાબંદીથી દૂર જવું જોઈએ. નવા ચૂંટાયેલા પ્રમુખ હર્ષદ ત્રિવેદી સૂઝબુઝવાળા સર્જક છે. તેઓ ધારે તો એમના ત્રણ વર્ષના પ્રમુખપદના કાર્યકાળ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદની કાયાપલટ કરી શકે. કરશે જ એવી આશા રાખીએ અને દિલથી શુભેચ્છા પણ આપીએ. પરંતુ એ માટે એમની આસપાસ એમને જેમનાં દાનત-શક્તિ-હોંશ પર ભરોસો હોય એવા લોકો જોઈએ. કારોબારીની ચૂંટણીમાં એવા જે કોઈ ઉમેદવારો ઊભા રહ્યા હોય જેમને હર્ષદ ત્રિવેદીના વિઝનમાં વિશ્ર્વાસ ન હોય, જેઓ બીજા કોઈની ઉશ્કેરણીથી નવા પ્રમુખની આડે આવવાના હેતુથી કારોબારીમાં ચૂંટાઈ આવવા માગતા હોય તે સૌ મિત્રોને મારી હાથ જોડીને વિનંતી છે કે હજુય વખત છે, તમારું ઉમેદવારીપત્રક પાછું ખેંચી લો.

બકુલ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા તે સમયગાળામાં હું પરિષદની કારોબારીમાં હતો. મને ખબર છે કે આ કે આવી સંસ્થાઓનું સંચાલન કેવી રીતે થતું હોય છે. માટે જ આ અપીલ કરું છું કે નવા પ્રમુખ હર્ષદ ત્રિવેદી સરળતાથી પોતાનું કામ કરી શકે એ માટે એવા જ મિત્રો કારોબારીમાં આવે જેઓ હર્ષદ ત્રિવેદીની સાથે કામ કરવા તત્પર હોય, એમની સામે નહીં.

હર્ષદ ત્રિવેદી પાસે આવતા ત્રણ વર્ષ દરમ્યાન શું કામ કરવું છે, કેવી રીતે કરવું છે, ક્યારે કરવું છે તેનો નકશો હોવાનો જ. મારે હિસાબે આ પણ કેટલાક કરવા જેવા કામ છે :

1. ગુજરાતની બોલીઓ વિશે સંશોધનો થયાં છે. (આ સંશોધનોના આધારે મેં કેટલાક લેખ પણ લખ્યા છે). પરિષદે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વધારતી બોલીઓ વિશે એક વિશાળ પ્રોજેક્ટ હાથ ધરવો જોઈએ અને એક સર્વગ્રાહી શબ્દકોશ આ તમામ બોલીઓના આગવા શબ્દોનો અર્થ આપતો, વ્યુત્પત્તિ સાથે આપતો, તૈયાર કરવો જોઈએ.

2. સાહિત્યકારની અંગત વિચારધારાની અવગણના કરીને માત્ર એની સર્જકતાના આધારે એને મૂલવવાના માપદંડ સ્થાપવા જોઈએ. તમે સમજો છો કે હું શું કહેવા માગું છું.

3.સાહિત્યના તમામ પ્રકારમાં પ્રવેશતા નવોદિતો પોતાના જોર પર આગળ વધવાના જ છે. પરંતુ શું પરિષદ આ નવોદિતો માટે એવું વાતાવરણ સર્જી શકે કે નવોદિતને ભરોસો થાય કે મારે ઉપર આવવું હશે તો કોઈ પર્ટિક્યુલર કેમ્પમાં જોડાયા વિના, કોઈ વિશેષ ટોળકીની પગચંપી કર્યા વિના હું રેકગ્નિશન પામી શકીશ? આવું વાતાવરણ કેવી રીતે સર્જી શકાય તે વિચારવાની જવાબદારી નવા પ્રમુખશ્રીની, નવી કારોબારીની, નવી મધ્યસ્થ સમિતિની.

4. પરિષદનું મુખપત્ર ‘પરબ’ ભવ્ય પરંપરા ધરાવે છે પણ છેલ્લા કેટલાક વખતથી ચારેબાજુથી ફરિયાદ આવી રહી છે કે ‘નિરીક્ષક’ બંધ પડી ગયા પછી એનું કામ ‘પરબ’એ ઉપાડી લીધું છે. આ ફરિયાદ દૂર થાય એ માટે કેટલાંક કડક પગલાં લેવા પડશે અને નવા પ્રમુખમાં એવું કરવાની હિંમત છે એ હું જોઈ રહ્યો છું.

5. આ લેખ પૂરતી છેલ્લી વાત. ગુજરાતી સાહિત્ય પરિષદે કેટલાંય વર્ષોથી ચાલ્યું આવતું ગુજરાતી સાહિત્ય અકાદમી સાથેનું વૈમનસ્ય આટોપી લેવાનો આ સૌથી યોગ્ય સમય છે. અકાદમી સ્વાયત્ત હોવી જોઈએ એવા મંજીરાં વગાડવાનું હવે બંધ કરો, ભૈસાબ. પરિષદ પરિષદનું કામ કરે. અકાદમી અકાદમીનું કામ કરે. પરિષદવાળાઓએ અકાદમીનો કબજો લઈને પોતાના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ અકાદમીમાં ઘૂસાડવાની મહેચ્છા ન રાખવી જોઈએ.

ઘણાને ખ્યાલ નહીં હોય કે પરિષદના હોદ્દેદારો અકાદમીના કાર્યક્રમોમાં ભાગ ન લઈ શકે એવો એક ઘૃણાસ્પદ, હિટલરશાહી અને નામોશીભર્યો નિયમ પરિષદમાં વર્ષોથી ચાલ્યો આવે છે જેને કારણે ભૂતકાળમાં અનેક આદરણીય સાહિત્યકારો કફોડીભરી સ્થિતિમાં મૂકાયા છે. શરમજનક વાત તો એ છે કે પરિષદે અકાદમી પર કબજો મેળવવાના પોતાના છૂપા બદઈરાદાથી અદાલતમાં કેસ પણ કર્યો હતો. તે વખતે ગુજરાતના ખ્યાતનામ ધારાશાસ્ત્રી નિરૂપમ નાણાવટીએ અકાદમી વતી કોર્ટમાં દલીલ કરી હતી કે જેમ સરકારી હોસ્પિટલોના ડીન કે સુપરિન્ટેન્ડન્ટ કોણ હોવા જોઈએ ને કોણ નહીં તે નક્કી કરવાનું કામ સરકારનું છે, નહીં કે ખાનગી હોસ્પિટલના સંચાલકોનું, તેમ અકાદમીના હોદ્દેદારો તથા એનું સંચાલન સરકાર કરે તે જ યોગ્ય છે, પરિષદે આ બાબતમાં ઊહાપોહ કરવાનો કોઈ મતલબ નથી.

તમને નવાઈ લાગશે કે પરિષદના મુખપત્ર ‘પરબ’ના કવર પેજ પર અકાદમીની સ્વાયત્તતા માટેનું સૂત્ર મોટા અક્ષરમાં છપાય છે – જાણે પરિષદનું આ જ એકમાત્ર ધ્યેય હોય.

પરિષદનું આ કામ નથી. પરિષદના ટ્રસ્ટીઓ, દાતાઓ, શુભેચ્છકો તથા હોદ્દેદારો, સભ્યો સૌ કોઈએ અકાદમીની ચિંતા છોડીને માત્ર પરિષદના કામકાજની જ ખેવના રાખી હોત તો છેલ્લા દાયકાઓમાં પરિષદ ઘણાં કરવાં જેવાં કામોમાં ધ્યાન આપી શકી હોત.

ગુજરાત સાહિત્ય અકાદમી સારું કામ કરે છે. નવા પરિષદપ્રમુખ હર્ષદ ત્રિવેદીએ આ સરકારી સાહિત્ય અકાદમીમાં વર્ષો સુધી સુંદર જવાબદારી નિભાવી જ છે. અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદનની જવાબદારી એમણે સફળતાપૂર્વક નિભાવી છે. એમણે એડિટ કરેલા ‘શબ્દસૃષ્ટિ’ના વિશેષાંકો આજે કલેક્ટર્સ આયટમ ગણાય છે. એમની કામગીરીથી ‘શબ્દસૃષ્ટિ’નો મજબૂત પાયો નખાયો જેના પર એમના અનુગામીઓએ ભવ્ય અને રમણીય ઈમારત ચણી છે. ‘શબ્દસૃષ્ટિ’નો તાજો અનુવાદ વિશેષાંક હજુ મારા હાથમાં નથી આવ્યો પણ એ પણ કલેક્ટર્સ આયટમ તરીકે પોંખાવાનો છે એની મને ખાતરી છે (કારણ કે એમાં મારો લેખ એક દીર્ઘ છે!).

હર્ષદ ત્રિવેદીના પ્રમુખપદે સૌથી પહેલો જાજરમાન કાર્યક્રમ પરિષદ-અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાય અને એમાં પરિષદના તમામ ભૂતપૂર્વ તથા વર્તમાન પ્રમુખો મંચ પરથી અકાદમીના તમામ ભૂતપૂર્વ તથા વર્તમાન પ્રમુખોને આવકારીને ભેટે એવી શુભેચ્છા. હર્ષદ ત્રિવેદી, આગળ વધો, જૂની ખોટી રીતરસમોને અને બદીઓને ઉખાડી ફેંકો અને પરિષદનું નવનિર્માણ કરો. અમે સૌ તમારી સાથે છીએ. તમને અને તમારી નવી ટીમને તથા મધ્યસ્થના તમામ સભ્યોને શુભેચ્છા. ઈશ્ર્વર તમને ગુજરાતી સાહિત્યની તનમનધનથી સેવા કરવા માટેનાં શક્તિ-સામર્થ્ય આપે.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. અઘરું છે… પણ…
    તમસો મા જ્યોતિર્ગમય…
    અંધકાર તો છે જ.. આપણી ગતિ અને દ્રષ્ટિ પ્રકાશ તરફ હોવી જોઈએ… આશા અમર છે..

  2. અદ્ભુત લેખ. પરિષદે અકાદમીને સ્વતંત્ર કરવાની મમત છોડીને ગુજરાતી સાહિત્યને પોંખવાનું, નવોદિત લેખકોને સાહિત્યની વધારે નજીક લાવીને તેમની કૃતિઓનું યોગ્ય મૂલ્યાંકન કરીને પરબમાં પ્રકાશિત કરવાનું હોવું જોઈએ. મને લાગે છે કે અકાદમીની સ્વાયત્તતા નહીં પરંતુ પરિષદની સ્વાયત્તતાની ખરી જરૂર છે. લવાજમ હોય કે કૃતિ મોકલવાની પદ્ધતિ હજુ પણ ઑફલાઈન જ ચાલે છે. આ તરસ ત્યારે જ છીપાશે જ્યારે ઘરે ઘરે પરબ બંધાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here