જીવવા માટે બસ એક જ વાતની જરૂર છે, બાકી બધું આપમેળે આવશે : સૌરભ શાહ

( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 22 નવેમ્બર 2023)

લાભ પાંચમ કે જ્ઞાન પાંચમનો તહેવાર ભલે ઉજવાઈ ગયો પણ એના મહાત્મ્ય વિશેની વાત જૂની થવાની નથી. આજે જાણી લીધી હશે તો આવતા વર્ષની જ્ઞાનપાંચમે કામ લાગશે.

વસંત પંચમીનો દિવસ મા સરસ્વતીની પૂજાનો દિવસ છે. આર. ડી. બર્મન વસંત પંચમીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રોને પોતાના ઘરે જમવા બોલાવતા. સાથે પોતે સાંતાક્રુઝમાં જે બિલ્ડિંગમાં રહેતા એ બિલ્ડિંગના તમામ લોકોને જાતે ઘરે જઈ જઈને જમવાનું આમંત્રણ આપતા. વાક્ બારસ વાક્દેવીની આરાધનાનો દિવસ છે. વાઘ બારસ ભલે કહીએ પણ એને ને વાઘને કંઈ લેવાદેવા નથી. વાઘ પર આરૂઢ થનારી દેવી માટે બીજા અનેક દિવસો છે. આસો વદ બારસના દિવસે વાગેશ્ર્વરી દેવીની આરાધના કરવા સુરતમાં દર વર્ષે કવિ સંમેલન થાય છે. જ્ઞાન પાંચમને લાભ પાંચ પણ કહે છે. દિવાળીની રજાઓ પછી કારતક સુદ પાંચમે ધંધારોજગાર ફરી શરૂ થાય અને ધંધામાં વધુ બરકત આવે એટલે, ધંધામાં વધુ લાભ થાય એટલે લાભ પાંચમનું મહત્ત્વ છે. હોવું જ જોઈએ. પણ એ દિવસ જ્ઞાન પંચમી તરીકે ઓળખાય છે તે વધુ યોગ્ય છે. જ્ઞાનની જરૂર વધારે છે. જ્ઞાન છે તો બધું જ છે.

સમજાવું.

જ્ઞાન એટલે માત્ર સ્કૂલ-કૉલેજ-યુનિવર્સિટીમાંથી મેળવેલું જ્ઞાન નહીં. એ બધી જગ્યાઓથી તો જ્ઞાન મળવાનું જ છે, જેને મેળવવું છે એમને. બીજાઓ જેમની દાનત નથી તેઓ શિક્ષણપ્રથાને ગાળો આપીને રખડી ખાશે. જે સિસ્ટમોને તમે બદલી શકવાના નથી, બદલી શકવાની તમારામાં જરા સરખી ત્રેવડ પણ નથી, ઊંડી સમજ સુદ્ધાં નથી, સિસ્ટમની આંટીઘૂંટીનો ખ્યાલ નથી, સિસ્ટમ ચલાવવામાં કેટલાં વીસે સો થાય છે તેનું જરા સરખું ભાન નથી તેને ગાળો આપીને તાળીઓ ઉઘરાવવાનું કામ સહેલું છે. પણ આવું કરીને તમે તલભાર એમાં પરિવર્તન લાવી શકવાના નથી. સિસ્ટમોને, કોઈ પણ સિસ્ટમને, સુધારવા માટે તમારે એટલા વગદાર બનવું પડે, એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાઈને એવો પરસ્પેક્ટિવ કેળવવો પડે કે સિસ્ટમો ચલાવનારે જખ મારીને તમારો અવાજ સાંભળવો પડે. એ સિવાય તમારા વાંઝિયા ટીકાત્મક શબ્દોનો કોઈ અર્થ નથી. શિક્ષણપ્રથાની જ નહીં કોઈપણ સિસ્ટમની અહીં વાત છે.

સ્કૂલ, કૉલેજ, યુનિવર્સિટી કે આઈ.આઈ.એમ./આઈ.આઈ.ટી. જેવી અનેક શિક્ષણસંસ્થાઓ જ્ઞાનની પરબ છે. આ ઉપરાંત તમે બીજી નાનીનાની સંસ્થાઓમાં જોડાઈને તમારામાં કસબ ઉમેરી શકો, તમારી સ્કિલને ડેવલપ કરી શકો. તાલીમાર્થી તરીકે કોઈના હાથ નીચે કામ કરીને કે કોઈ સંસ્થામાં ટ્રેઈની તરીકે જોડાઈને અનુભવ મેળવી શકો. એકલપંડે રિયાઝ, પ્રેક્ટિસ કરીને તમારામાંની આવડતને ધારદાર બનાવી શકો. પુસ્તકો વાંચીને તમારી ક્ષિતિજો ખોલી શકો. આ તમામ જ્ઞાન મેળવવાના સાધનો છે. અહીં હું જ્ઞાન અને માહિતી વચ્ચેના તફાવતોના ચક્કરમાં પડવા નથી માગતો. એ આખી જુદી વાત છે. આ જે વાત થઈ રહી છે એમાં ઈન્ફર્મેશન અને નૉલેજ બધું એક જ છે. આવડતને પણ એમાં ઉમેરી દઈએ. એને પણ જ્ઞાનનો જ એક પ્રકાર ગણીએ.

તમારામાં મોટરકાર ચલાવવાની આવડત હોય, વાયોલિન વગાડવાની આવડત હોય, બાથરૂમનો નળ રીપેર કરવાની આવડત હોય, કોમ્પ્યુટરના સોફ્ટવેર બનાવવાની આવડત હોય, ફિલ્મના ગીતો લખવાની, જાદુના કરતબ કરવાની, કરિયાણાની દુકાન ચલાવવાની, ઓનલાઈન બિઝનેસ કરવાની – કોઈ પણ આવડત હોય એને પણ જ્ઞાનની વ્યાખ્યામાં સમાવેશ કરી લઈએ.

જ્ઞાન હશે તો કોઈ ભૂખે નહીં મરે. છેવટે બૂટ પોલિશ કરીને કે ખેતરમાં મજૂરી કરીને કે ઝોમેટો-એમેઝોનના ડિલિવરી બોય બનીને કમાણી કરી લેશે. જ્ઞાન નહીં હોય તો સાદી મજૂરી પણ કદાચ નહીં મળે કારણ કે ક્યાં જઈને કેવી રીતની મહેનત કરવી એની જ જો ખબર નહીં હોય તો મજૂરી માગવા ક્યાં જશો, અને મજૂરી કરતાં કરતાં જીવનમાં આગળ કેવી રીતે વધશો?

જ્ઞાન હશે તો પૈસો આપોઆપ આવશે. શેરબજાર કેવી રીતે ચાલે છે એનું તમારી પાસે જ્ઞાન હોય કે મોટી મોટી કંપનીઓના સી.ઈ.ઓ. બનીને તેનું સંચાલન કરવાનું તમારી પાસે જ્ઞાન હોય કે પછી નવલકથા કેમ લખવી તેનું તમારી પાસે જ્ઞાન હોય – જ્ઞાન હોવું જોઈએ, એ વિના પૈસો નહીં આવે.

જ્ઞાનની સાથે મહેનત પણ જરૂરી અને કયા ક્ષેત્રમાંથી કઈ રીતે, કેટલી મહેનત કરવી તેની જાણકારી પણ જરૂરી. પૈસો આ બધાને આધારે આવતો હોય છે – વત્તોઓછો આવતો હોય છે, પણ આવે છે જરૂર. વહેલો કે મોડો, આવે છે જરૂર.

એક વખત કોઈ એક બાબતે નિપુણતા મેળવી લીધા પછી ઉત્તરોત્તર તમારે એમાં વધારો કરવો પડે. વાસી જ્ઞાનનો કોઈ મતલબ નથી. કોઈ પણ સિનિયર ડોક્ટરને પૂછી જુઓ. તેઓ જ્યારે ભણીગણીને આ વ્યવસાયમાં પ્રવેશ્યા ત્યારે તેઓ કેવી રીતે ઉપચાર કરતા હતા, ઓપરેશનો કરતા હતા, સારવાર કરતા હતા અને હવે એમાં કેટલો બદલાવ આવ્યો છે. જ્ઞાનને અપડેટ ન કરતા હોત તો તેઓ ફેંકાઈ ગયા હોત એમના ફિલ્ડમાંથી.

આપણે એક તો, જ્ઞાનને બદલે પૈસાની પાછળ દોડવું છે અને એક વખત જ્ઞાન મેળવી લીધા પછી ઓડકાર ખાઈને તૃપ્ત થઈ જવું છે. દર બેપાંચ વર્ષે દરેક ક્ષેત્રમાં નવાજૂની થતી રહે છે. તમારી આવડતને, તમારી સ્કિલને, તમારા જ્ઞાનને અપડેટ નહીં કરો તો થોડાંક વર્ષ ત્યાંના ત્યાં જ રહેશો, બીજાઓ આગળ વધી જશે અને વધુ વખત થયો તો ત્યાંના ત્યાં પણ નહીં રહો, ફેંકાઈ જશો. કાળની ગર્તામાં ધકેલાઈ જશો. ભૂતકાળમાં ખોવાઈ જશો. કોઈ ભોજિયો ભાઈ પણ યાદ નહીં કરે તમને. પછી તરફડ્યા કરજો, ફરિયાદ કરી કરીને. અને એ ફરિયાદ કોઈ સાંભળશે પણ નહીં. પછી તમને સમજાશે કે તમે જીવનમાં શું ભૂલ કરી. આવી સમજણનો તબક્કો આવે એ પહેલાં જ તમે જે કંઈ ક્ષેત્રમાં અત્યારે છો તે ક્ષેત્રમાં તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કેવી રીતે થાય તે વિશે વિચારવાનો તહેવાર જ્ઞાન પંચમી હતો. એ દિવસ ભલે જતો રહ્યો પણ વિચારવાનો અવસર હજુ નથી જતો રહ્યો. વિચારજો. અને વિચારીને એને તાબડતોબ અમલમાં મૂકી દેજો.

કુદરતની અસીમ કૃપા છે કે આપણું મગજ ક્યારેય નવું શીખવા માટે આનાકાની નથી કરતું. ક્યારેય આપણું દિમાગ આપણને કહેતું નથી કે બસ, હવે હું વધારે જ્ઞાનને સમાવી શકું એમ નથી.

કુદરતની બીજી મહેર એ પણ છે કે જ્ઞાન મેળવવામાં ક્યારેય મોડું થતું નથી. ગઈ કાલે મેળવવું જોઈતું હતું એ જ્ઞાન મેળવવાનું આજે શરૂ કરવાથી આવતી કાલ તો ઉજ્જવળ બનવાની જ છે. મોડું થયું તો શું થયું. સાવ એ જ્ઞાનથી કાયમ માટે વંચિત રહી જઈએ એના કરતાં મોડું તો મોડું.

ભારતમાં ઉજવાતો દરેક તહેવાર કોઈને કોઈ વાતે આપણા જીવનને ઉજાળે છે, અજવાસ આપે છે. જ્ઞાન પંચમીએ જે ઉજાસ મળે છે તે આપણા જીવનને જ નહીં, આપણી આસપાસના સૌ કોઈના જીવનને અજવાળે છે. આપણો આ પ્રકાશ સીધી યા આડકતરી રીતે આપણા સમાજને અને દેશને પણ ઝળહળતો કરે છે.

સાયલન્સ પ્લીઝ!

ન હિ જ્ઞાનેન સદૃશમ્ પવિત્રમ્ ઈહ વિદ્યતે.
આ મનુષ્યલોકમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું (સાધન) નિ:સંદેહ બીજું કોઈ નથી.

—ગીતા : 4.38

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. શ્રીમદ્ ભગવદ્ ગીતા માં જ્ઞાન એટલે આત્મજ્ઞાન જ અભિપ્રેત છે.

  2. સત્ય વચન. આજે 50 ની ઉમરમાં હું Ai, Data Analytics શીખી રહ્યો છું. અને આગળ શીખવા તૈયાર છું.

  3. જાગ્યા ત્યારથી સવાર…
    જ્ઞાન મેળવવા બાબતે ક્યારેય મોડું થતું નથી.. યોગ્ય સમયે જ મળે છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here