દરેક કેસમાં મુસ્લિમોને છોડીને સ્વામી અસીમાનંદજીને આરોપી બનાવવામાં આવ્યા

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 27 માર્ચ 2019)

માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટ કેસીસ પછી સમઝૌતા એક્સપ્રેસના કેસને યાદ કરી લઈએ. બાંગ્લાદેશને છૂટું પાડનાર 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી ભારતનો હાથ, એના સૈન્યની બહાદુરીને કારણે, બધી રીતે ઉપર હતો. તે વખતે ભારતે ધાર્યું હોત તો પાકિસ્તાન પાસેથી એણે આંચકી લીધેલો આપણા કાશ્મીરના પ્રદેશ ઉપરાંત બીજું ઘણું બધું મેળવી શકાયું હોત. પણ ભારતીય સંરક્ષણ દળની ત્રણેય પાંખોની બહાદુરી પર રાહુલ ગાંધીના દાદી અને તે વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ ‘સિમલા કરાર’ કરીને પાણી ફેરવી દીધું. 3 જુલાઈ 1972માં સિમલામાં થયેલી સંધિની વાસ્તવમાં કોઈ જરૂર જ નહોતી. પાકિસ્તાનનું નાક દબાવવાને બદલે આપણા રાજકારણીઓએ પાકિસ્તાનની શરણાગતિ સ્વીકારી લીધી. ’71ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનનો જીતેલો પ્રદેશ પાછો આપી દેવાનું નક્કી કર્યું. પાકિસ્તાનના 93,000 સૈનિકોને યુદ્ધકેદી બનાવીને રાખવામાં આવેલા તે પણ, એમના ખાવાપીવાનો ખર્ચ લીધા વિના, પાછા સોંપી દીધા. ખાયાપીયા કુછ નહીં ગિલાસ તોડા બારા આના. જેવા આ ‘સિમલા કરાર’ની એક કલમ મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રેન વ્યવહાર શરૂ કરવાનું કબૂલ કરવામાં આવેલું. આ શરત મુજબ આઝાદી પછી પહેલીવહેલીવાર, 1976માં અમૃતસર અને લાહોર વચ્ચેનું 52 કિલોમીટરનું અંતર કાપતી સમઝૌતા એક્સપ્રેસ નામની ટ્રેન શરૂ કરવામાં આવી હતી. પહેલાં એ રોજ દોડતી, 1994 પછી સપ્તાહમાં બે વાર નીકળતી. અત્યારે આ ટ્રેન સીધી લાહોર નથી જતી. દિલ્હીથી ઉપડે છે. અટારી સુધી જાય છે. ત્યાંથી સમઝૌતા એક્સપ્રેસ શરૂ થાય છે જે અટારીથી લાહોર સુધીનો પ્રવાસ કરે છે. અટારી સ્ટેશને બધા પેસેન્જરોએ ઊતરીને બીજી ટ્રેનમાં બેસવાનું અને પાકિસ્તાનની વાઘા બૉર્ડરના સ્ટેશન પર સૌનું ફરીથી ચેકિંગ થાય. આ ટ્રેનની સર્વિસ વચ્ચે વચ્ચે બે દેશોના સંબંધ વધારે વણસે ત્યારે અટકાવી દેવામાં આવે. ભારે સિક્યુરિટી હેઠળ દોડતી આ ટ્રેન 2012માં (8મી ઑક્ટોબરે) લાહોરથી ભારત તરફ આવવા નીકળી ત્યારે વાઘા બૉર્ડર પાસે એમાંથી 100 કિલો હેરોઈન અને 500 રાઉન્ડ બુલેટ્સના મળી આવ્યા હતા. બાલાકોટની ઍર સ્ટ્રાઈક પછી, 28 ફેબ્રુઆરી 2019થી, સમઝૌતા એક્સપ્રેસની સર્વિસ ફરી એકવાર પાટા પરથી ખડી પડી છે.

2007ની 18મી ફેબ્રુઆરીનો દિવસ નવી દિલ્હીથી ઉપડેલી સમઝૌતા એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બાઓમાં હરિયાણાના પાણિપત નજીકના દીવાના સ્ટેશન પાસે બૉમ્બ બ્લાસ્ટ થયા. કુલ 70 મુસાફરો માર્યા ગયા જેમાં બહુમતી પાકિસ્તાનીઓ હતા. આ કેસમાં સૌ પ્રથમ અજમત અલી નામના પાકિસ્તાનીને પકડવામાં આવ્યો જેને 14 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખીને છોડી મૂકવામાં આવ્યો. આ કેસના ઈન્વેસ્ટિગેટિવ ઑફિસર (આઈ.ઓ.) ગુરદીપ સિંહ પર કોનું દબાણ હતું? હજુ સુધી આ રહસ્ય અકબંધ છે. ત્યાર બાદ ‘સિમિ’ના ચીફ સફદર નાગોરી, કમરુદ્દીન નાગોરી તથા અમિલ પરવેઝની ધરપકડ થઈ. તેઓએ અબ્દુલ રઝાકનું નામ આપ્યું. રઝાકે પાકિસ્તાની સાથીદારોની મદદ લઈને આ કાંડ કર્યો હતો. એવું જાણવા મળ્યું. આ બૉમ્બ બ્લાસ્ટ માટેનો ખર્ચો લશ્કર-એ-તોયબાના એક વગદાર ઑપરેટિવ આરિફ કસમાની દ્વારા કરવામાં આવ્યો હતો એવી માહિતી મળી. અમેરિકન તપાસ એજન્સીઓ તથા યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલે પણ આરિફ કસમાનીને કસૂરવાર ઠેરવ્યો.

પણ 2010માં આ તપાસે યુ-ટર્ન લીધો. મુસ્લિમ આરોપીઓને પડતાં મૂકીને 30 ડિસેમ્બર 2010ના રોજ નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દાવો કર્યો કે સ્વામી અસીમાનંદ આ બૉમ્બ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ છે એવા અમારી પાસે સૉલિડ એવિડન્સ છે. અસીમાનંદજીએ પોતાના ‘ગુનાની કબૂલાત’ કરી છે એવું પણ કહેવામાં આવ્યું. સાથોસાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ની આમાં સંડોવણી છે એવું કહેવામાં આવ્યું. સંઘના તે વખતના પ્રવકતા રામ માધવે આ આક્ષેપને રદિયો આપીને કહ્યું કે સંઘને બદનામ કરવાની આ ચાલ છે. માર્ચ 2011માં અસીમાનંદજીએ કહ્યું કે મારા પર માનસિક તથા શારીરિક યાતનાઓ ગુજારીને કબૂલાતનામું લેવામાં આવ્યું છે. અસીમાનંદજી તેમ જ અન્ય હિન્દુ આરોપીઓ પર કેસ ચાલ્યો. ગયા અઠવાડિયે કોર્ટે ચુકાદો આપ્યો. અસીમાનંદજી અને બાકીના બધા જ હિન્દુ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. જે કાવતરું ઘડવામાં અને એને પાર પાડવામાં મુસ્લિમ આતંકવાદીઓની સંડોવણી હતી એમને છોડીને ‘હિંદુ આતંકવાદ’ની ભ્રમણા ફેલાવવાનો કૉંગ્રેસનો વધુ એક કારસો નિષ્ફળ ગયો.

18મે 2007 હૈદરાબાદના ફેમસ ચાર મિનાર પાસે આવેલી મક્કા મસ્જિદના વઝુખાના પાસે પાઈપ બૉમ્બનો ધડાકો થાય છે. 16 મુસ્લિમોનાં મોત થાય છે. 32 મુસ્લિમ યુવાનો આ કાવતરામાં પકડાય છે. ફરી એકવાર, અહીં પણ સ્વામી અસીમાનંદજી કૉંગ્રેસની સરકારને પ્યાદા તરીકે કામ આવે છે. અસીમાનંદજીનું ‘ક્ધફેશન’ આવે છે. પેલા ‘નિર્દોષ-બિચારા’ મુસ્લિમ યુવાનોને છોડી મૂકવામાં આવે છે. કર્નલ પુરોહિતને પણ સંડોવવામાં આવે છે. એન.આઈ.એ.ની કોર્ટમાં અસીમાનંદજી તથા કર્નલ પુરોહિત સહિત કોઈપણ હિન્દુ વિરુદ્ધના આક્ષેપો પુરવાર થતા નથી. સૌને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. 14 ફેબ્રુઆરી 2018ના રોજ અસીમાનંદજીને નિર્દોષ છોડવાનો ચુકાદો આપવામાં આવ્યો ત્યારે હૈદરાબાદની એન.આઈ.એ. કોર્ટમાં હું હાજર હતો અને અસીમાનંદજી કોર્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે એમને વંદન કર્યા હતા એ વાત હું આ જ કૉલમમાં વિગતે લખી ચૂક્યો છું.

માલેગાંવ, સમઝૌતા અને હૈદરાબાદ ઉપરાંત 11 ઑક્ટોબર 2007ના રોજ, રમઝાન મહિના દરમ્યાન, અજમેર શરીફની મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહમાં ટિફિન બૉમ્બથી થયેલા ધડાકામાં બે જણના મોત થયા હતા એ કેસમાં પણ સ્વામી અસીમાનંદજી તથા અન્ય હિન્દુઓને તથા અભિનવ ભારત ગ્રુપને આરોપી બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલિજન્સ (આઈ.એસ.આઈ.) સાથે સંકળાયેલા બે મુસ્લિમ આતંકવાદીઓ આ બૉમ્બ ધડાકા માટે જવાબદાર હતા આમ છતાં કોઈ પુરાવા વગર અસીમાનંદજીને આમાં સંડોવવામાં આવ્યા. આ કેસમાં ભરત રતેશ્ર્વર નામના એક હિન્દુવાદીને પણ પકડવામાં આવ્યા. એમના કુટુંબને અને એમને પોતાને કેવી કેવી યાતનામાંથી પસાર થવું પડ્યું એનું બયાન મેં ભરતભાઈના વલસાડના નિવાસસ્થાને રાતવાસો કરીને એમના મોઢે સાંભળ્યું છે. હૈદરાબાદના મક્કા મસ્જિદના કેસમાં પણ એમને સંડોવવામાં આવ્યા હતા.

‘હિન્દુ આતંકવાદ’ની ભ્રમણા ફેલાવવાની યોજના પાછળ કૉંગ્રેસ સરકાર એક કાંકરે બે પક્ષી મારવા ધારતી હતી. મુસ્લિમોની વોટ બૅંક સાચવવી અને હિન્દુઓને સજા કરવી. આતંકવાદને કારણે જગતભરમાં મુસ્લિમ પ્રજા અળખામણી થઈ ગઈ હતી. આ મુસ્લિમોને પંપાળવા માટે, તેઓ પોતાની વોટ બૅંક તરીકે કાયમ રહે એ માટે કૉંગ્રેસે હિન્દુઓને પણ આતંકવાદના કાવતરાઓમાં સંડોવવાનું શરૂ કર્યું. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને હરિયાણા આ ત્રણેય રાજ્યોમાં તે વખતે કૉંગ્રેસની સરકાર હતી, કેન્દ્રમાં તો હતી જ. કાંચીના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીથી લઈને ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહને જેલમાં નાખનારી કૉંગ્રેસની સરકાર પાસે સી.બી.આઈ.નું મોટું હથિયાર હતું. પાછળથી એમાં એન.આઈ.એ. ઉમેરાઈ. સ્વામી અસીમાનંદ વર્ષોથી વેટિકનની દાઢમાં હતા. જયેન્દ્ર સરસ્વતીએ જેમ દલિતોદ્વારનું કામ વિશાળ પાયે કરીને દલિતોને ખ્રિસ્તી ધર્મમાં વટલાતા રોક્યા એ જ રીતે સ્વામી અસીમાનંદ, જે મૂળ કલકત્તાના રામકૃષ્ણ મિશનના કુળના સન્યાસી, ગુજરાતના ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી મિશનરીઓએ વટલાવેલા આદિવાસીઓ-વનવાસીઓને ખ્રિસ્તી ધર્મ છોડાવીને પાછા હિન્દુ બનાવવાનું મિશન લઈને બેઠા હતા. 25થી 30 હજાર વટલાયેલા હિન્દુઓને તેઓ ખ્રિસ્તી ધર્મ છોડાવીને પાછા લાવ્યા હતા. અસીમાનંદજી વિરુદ્ધની પ્લાન્ટેડ સ્ટોરીઓ તમે સેક્યુલર ટીવી ચેનલો પર જોઈ હશે. લેફ્ટિસ્ટોએ અસીમાનંદજીને ખૂબ ધીબેડ્યા.પણ સાચને આંચ નહીં. મોરારિબાપુએ ડાંગના આહવામાં જઈને શબરી કુંભ કરીને જાગૃતિ ફેલાવી. અસીમાનંદજીના કાર્યને એને કારણે વેગ મળ્યો. આ બધાના પુરાવાઓ એક પછી એક આર.વી.એસ. મણિના પુસ્તક ‘ધ મિથ ઑફ હિન્દુ ટેરર’માં આપણને મળી રહે છે. એ પુરાવાઓ સુધી પહોંચતાં પહેલાં આટલી (દુ:ખદ) સ્મૃતિઓ તાજી કરી લેવી જરૂરી હતી.

આજનો વિચાર

મોદીના નામનો ખૌફ એટલો મોટો છે કે ગુલામો પોતાના બાળકોને 55 પછી સીધી 57ની ગણતરી કરાવતા થઈ ગયા છે.

એક મિનિટ!

બકો: તમારા દીકરાની સગાઈ કેમ તૂટી?

પાડોશી: કૉંગ્રેસના રવાડે ચડ્યો અને એફબીમાં હાર્દિક પટેલની જેમ એ પણ ‘મેં ભી બેરોજગાર’ લખી બેઠો…

5 COMMENTS

  1. When free debates will starts in India that “Why only one community (muslim) are associated with terrorism ?

  2. સદગત હેમંત કરકરે પહેલા ખુબ નિષ્ઠા પૂર્વક તપાસ કરી રહ્યા હતા પણ તેમના પર કોંગ્રેસ અને પવાર નું દબાણ આવ્યું અને તપાસ આખી હિન્દુ આતંક વાદ તરફ ફંટાઈ ગઈ

  3. કોંગ્રેસ ના આ બધા બધા ય કાવતરાં ઉજાગર કરવા એ જનજાગૃતિ નું કાયઁ છે. ખૂબ ખૂબ અભિનંદન. હિંદુ જાગે અને આવી ગંદકી સાફ કરી ઇટાલી ભેગા કરે.

  4. નમસ્કાર,
    1971 નાં 93000 પાક યુદ્ધ
    કેદી. ને છોડી દીધા પંન ભારત ના ફક્ત 52 યુદ્ધ કેદી ને પાકિસ્તાન પાસે થિ ઇન્દિરા યે નતા મુકત કરાયા એ પણ ઇન્દિરા ની બોવ મોટી ભુલ હતી એનાં વિશે ક્યારેક વધુ માહીતી અપવા વિનતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here