મિસિંગ બક્ષી? યસ્સ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ : રવિવાર, ૨૦ ઑગસ્ટ ૨૦૨૩)

‘ભગવાન એમના આત્માની પ્રશંસા કરે’ : ચંદ્રકાંત બક્ષી ગુજરી જશે ત્યારે એમને અંજલિ આપવા આ વાક્ય સૌથી યોગ્ય ગણાશે એવું વર્ષો પહેલાં અમે હળવાશથી મિત્રોને કહેતા. પચ્ચીસમી માર્ચ ૨૦૦૬ના શનિવારે સવારે એ ઘડી આવી ગઈ. બક્ષી સાહેબના શરીરમાંથી આત્માએ વિદાય લીધાને માંડ નેવું મિનિટ થઈ હતી. અમદાવાદના જજીસ બંગલા રોડ પરની ફાઇવસ્ટાર હોટલ પ્રાઈડની પાડોશમાં આવેલા ગોયલ ટેરેસ નામના આલીશાન મકાનનો ત્રીજો માળ. માંડ મહિના પહેલા જ્યાં વસવાટ શરૂ કર્યો હતો એવા ભવ્ય ફ્લૅટના એરકંડિશન્ડ બેડરૂમના ડબલબેડ પર એમનો નિશ્ચેતન દેહ સૂતો છે. જેને સ્કૂલ યુનિફોર્મમાં જોઈ છે એ દીકરી રીવા ચોધાર આંસુએ રડી રહી છે. બક્ષીસાહેબની આંખ પર પીળા રંગનો ભીનો નેપ્કિન મૂક્યો છે. ચક્ષુદાન સ્વીકારનારા આવી જાય ત્યાં સુધી આંખો સાચવવાની છે.

બક્ષીસાહેબની આંખોએ એમના નવા ફ્લૅટના જોવા ચારેય ખૂણાઓ તરફ નજર ફરી વળે છે. બાલ્કનીમાં સોફા પર સવારનાં છાપાં પડ્યાં છે. ‘દિવ્ય ભાસ્કર’ અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જોવાઈ ગયાં હશે. બંને છાપાના માસ્ટરહેડના જમણા ખુણે લાલ પેનથી ચોકડી થઈ ગઈ છે. ટેબલ પર ચા પીધા પછીનો ખાલી મગ સૂમસામ પડ્યો છે. ડ્રોઇંગરૂમના ટેલિફોન ટેબલ પર બે હસ્તપ્રતોની ફોટો નકલો સ્પાઈરલ બાઇન્ડિંગ થઈને ગોઠવાયેલી છે, લાઇબ્રેરીના રૂમમાં મોટાભાગનાં પુસ્તકો શેલ્ફ પર ગોઠવાઈ ગયાં છે અને ખંડની વચ્ચોવચ બાકીનાં પુસ્તકો-રેફરન્સ સામયિકોનો ઢગલો છે, જેને ગોઠવવાની હવે જરૂર રહી નથી, ડાઇનિંગ ટેબલ પર નવી લખાનારી કૉલમના લેખ નીચેના ટેઈલ પીસ (ક્લોઝ અપ)વાળો કાગળ ક્લિપબોર્ડમાં મૂકેલો છે. વિવિધ ટેલિફોન ડાયરીઓમાંની સૌથી ઉપરની ડાયરી પર અંગ્રેજીમાં ‘અમદાવાદના સંપર્કો’ લખ્યું છે. અપર ક્રેસ્ટ ની બેકરીમાંથી મગાવેલી વાનગીને વીંટાળેલું બટરપેપર અકબંધ છે અને છેક ખૂણે એક જ કાગળની પાંચેક તાજી ફોટોકોપી છે જેના મથાળે લખેલું છે : ડેથ સર્ટિફિકેટ.

મોતના આ દસ્તાવેજને કારણે એકાએક ઘરની તમામ ચીજવસ્તુઓ, મોંઘું રાચરચીલું, અહીં હાજર રહેલી વ્યક્તિઓ – બધું જ અર્થહીન બની જાય છે. સર્ટિફિકેટમાં સમય સવારના સાડા દસનો લખાયેલો છે અને મૃત્યુ માટે અપાયેલા કારણનો સાદી ભાષામાં અનુવાદ થાય છે – દિલનો ભારે હુમલો. ડૉક્ટરની ઉદાસ સહીવાળો આ દસ્તાવેજ જોયા પછી બધું જ બેમતલબ લાગવા માંડે છે. વડાપ્રધાન સાથેની, રાષ્ટ્રપતિ સાથેની કે સ્વર્ગસ્થ પત્ની સાથેની તસવીરો દીવાલની શોભા બની ગઈ છે. આ તસવીરો મહિના પહેલાં માત્ર શોભા માટે નહીં, એક વ્યક્તિના ભવ્ય ભૂતકાળની સુખદ સ્મૃતિઓને સંકોરવા માટે મૂકવામાં આવી હશે. બક્ષીનો આ ફ્લૅટ અત્યારે, એક રાઇટરનું ઘર જેટલું અવ્યવસ્થિત હોઈ શકે એટલો અવ્યવસ્થિત છે અને એક સમજદાર દીકરીને કારણે ઘર જેટલું વ્યવસ્થિત હોવું જોઈએ એ તમામ વ્યવસ્થા પણ અહીં છે. પરંતુ હવે કોઈ અર્થ નથી રહ્યો—ન વ્યવસ્થાનો, ન અવ્યવસ્થાનો. રીવા આટલા મોટા ઘરને છોડી ફરી અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના માનસી ટાવર પાસેના એમના જૂના ફ્લેટમાં રહેવા ચાલી જવાની છે.

બક્ષી અને હું : તસવીરો ઝાંખીપાંખી છે, સ્મૃતિઓ ઝાકળતાજી છે. ૧૯૮૬-૮૭ના અરસામાં હું થોડાં વર્ષ ‘ગુજરાતમિત્ર’માં નોકરી કરવા સુરત રહેતો હતો. પોંકની સિઝન હતી. બક્ષી એક વ્યાખ્યાન માટે સુરત આવવાના હતા. મારા આમંત્રણથી એમણે સહકુટુંબ ઉતારો મારા ઘરે રાખ્યો હતો. એ બે-ત્રણ દિવસ અમારા ઘરનું વાતાવરણ દિવાળીના તહેવારો જેવું હતું. (તસવીરમાં દૂર જે સ્ટડી ટેબલ-ખુરશી અને નજીક જે ઢાળિયું દેખાય છે તે મારા પરદાદાનાં છે, એમનું નામ પણ લખેલું છે. અત્યારે એ ત્રણેય મુંબઈના મારા ઘરમાં વપરાય છે.)

બક્ષીસાહેબને સૌ પ્રથમવાર મળ્યો એમના ત્રીજા, પણ ક્રમમાં કલકત્તા પછીના પહેલા, ફ્લેટમાં. મુંબઈમાં વરલીના સેન્ચ્યુરી બાઝાર પાસે બેન્ગાલ કેમિકલ્સની નજીક 25-‘સંગમ’નો બીજા માળનો એ વનરૂમ કિચનનો સાવ નાનકડો સુંદર સ્ટુડિયોનુમા ફ્લૅટ જેના દરવાજા પરની નેઈમ પ્લેટ પર પિત્તળના અક્ષરે માત્ર અટક લખી હતી : બક્ષી. એ ઘરમાં બક્ષીએ પોતાના જીવનનો સુવર્ણયુગ જોયો.

સાલ ૧૯૭૮, મહિનો ફેબ્રુઆરી. મારી જિંદગીનો એ સૌ પ્રથમ ઈન્ટરવ્યૂ. બે કલાકથી વધુ સમય સુધી બક્ષીને સતત પ્રશ્નો પૂછતો રહ્યો, રેકોર્ડિંગ થતું રહ્યું. બક્ષીના સાહિત્ય વિશે, એમના સાહિત્યિક જીવન વિશે અને આસપાસના વાતાવરણ વિશે પૂછ્યું. બક્ષીએ દિલથી એક કૉલેજિયને પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા. આ ઇન્ટરવ્યૂને કાગળ પર ઉતાર્યો ત્યારે ૮૦ ફૂલસ્કેપ જેટલું લખાણ થયું. એમાંથી બે છાપેલાં પાનાં જેટલું લખાણ હું જ્યાં તે વખતે ભણતો તે સિડનહેમ કૉલેજના વાર્ષિક મેગેઝિનમાં છપાયું અને તંત્રી યશવત દોશીએ સાહિત્યજગતના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા પુસ્તક સમીક્ષાના માસિક ‘ગ્રંથ’માં ચાર છાપેલા પાનાં ભરીને આ ઇન્ટરવ્યૂ પ્રગટ કર્યો. સત્તર- અઢાર વર્ષની ઉંમરે મને મળેલી આ સિદ્ધિમાં બક્ષી મોટા ભાગીદાર હતા.

એ ઉંમર એવી હતી જ્યારે ગુજરાતી સાહિત્યમાં વાંચવાં જેવાં તમામ પુસ્તકો વાંચી લીધાં હતાં, ન વાંચવા જેવાં પુસ્તકો પણ વાંચી નાખ્યાં હતાં. તે વખતે કલકત્તાના ત્રણ ગુજરાતી લેખકો – શિવકુમાર જોષી, ચંદ્રકાંત બક્ષી અને મધુ રાયનું સમગ્ર ગ્રંથસ્થ ઉપરાંત અગ્રંથસ્ય સર્જન વાંચી લીધું હતું. એમનાં પુસ્તકો વિશે કે એમના પોતાના વિશે સાહિત્યિક સામયિકોમાં જે કંઈ છપાયું હોય તેની નોંધ લીધી હતી. આ તમામ વાચન મનમાં ઘૂંટાતું હતું અને એને કારણે સાહિત્ય વિશેની, લેખનજગત વિશેની, જીવન વિશેની સમજણો ખૂલતી જતી હતી, ગેરસમજણો દૂર થતી જતી હતી અથવા તો મુગ્ધાવસ્થાને કારણે આવું લાગતું હતું.

કલકત્તાના ત્રણેય લેખકોમાંથી સૌથી વધુ બક્ષી ગમતા. મધુ રાય સાથેની ત્રણ દાયકા જૂની વડીલમૈત્રી તથા બક્ષી સાથેની અનેક વર્લ્ડ ફેમસ ઝપાઝપીઓ પછી પણ આ ત્રણેયમાં બક્ષીનું સર્જન વધુ ગમે છે. બક્ષીની શૈલીના પ્રેમમાં પડી જવાનું અને પછી એમના લખાણોનું તેજ આકર્ષતું. બુદ્ધિનું તેજ, સંશોધન અને મૌલિક અભિગમનું તેજ.

બક્ષીના સમગ્ર સાહિત્યમાંથી સૌથી ઊંચું સ્થાન એમની ટૂંકી વાર્તાઓનું છે. લગભગ દોઢસો વાર્તાઓમાંથી ઓછામાં ઓછી બે ડઝન વાર્તાઓ ગુજરાતી સાહિત્યની ટોચની ટૂંકી વાર્તાઓ સાથે સ્પર્ધા કરી શકે એવી છે. આટલી મોટી સંખ્યામાં ઉત્કૃષ્ટ વાર્તાઓ લખનાર ગુજરાતી સાહિત્યમાં બીજું કોઈ નથી. ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા અને સુરેશ જોષી ઉત્તમ વાર્તાકારો ખરા પણ આ ત્રણેય લેખકોના સમગ્ર વાર્તા સર્જનમાંથી પચ્ચીસ કરતાં ઘણી ઓછી સર્વોત્કૃષ્ટ વાર્તાઓ તારવી શકાય.

બક્ષીની સૌ પ્રથમ વાર્તા ‘મકાનનાં ભૂત’નું સાહિત્યિક કરતાં દસ્તાવેજી મૂલ્ય વધારે છે. વાર્તાસંગ્રહમાં વાંચ્યા પછી આ વાર્તા એ જ વખતે વતન દેવગઢ બારિયાના અમારા ઘરમાંથી મળી આવેલી ‘કુમાર’ની જૂની ફાઇલોમાંથી મળી આવી. ‘દોમાનિકો’, ‘ડૉક મઝદૂર’, ‘એક સાંજની મુલાકાત’ – અનેક વાર્તાઓ સંગ્રહમાં વાંચ્યા પછી મેગેઝિનોની જૂની ફાઈલોમાંથી શોધીને વાંચી. મારી પેઢીના બહુ ઓછા બક્ષીચાહકો પાસે આ રોમાંચ હશે.

૧૯૭૮માં મેં પત્રકારત્વમાં વિધિસર પ્રવેશ કર્યો અને અને ૧૯૭૮ના વર્ષથી જ બક્ષીએ ‘જન્મભૂમિ પ્રવાસી’માં તંત્રી હરેન્દ્ર દવેના આમંત્રણથી કૉલમનિસ્ટ તરીકેની પોતાની કારકિર્દીની સૌપ્રથમ કોલમ ‘સિમ્પોઝિયમ’ શરૂ કરી. ‘પ્રવાસી’ પછી ‘સંદેશ’, ‘ગુજરાત સમાચાર’ ફરી ‘સંદેશ’, ફરી ‘ગુજરાત સમાચાર’ અને છેવટે જિંદગીનાં અંતિમ પડવે અઢી-ત્રણ વર્ષ દિવ્ય ભાસ્કર’. બક્ષીની કૉલમોમાં પ્રગટ થતો એક-એક પીસ એમની સંશોધનવૃત્તિ, એમની અભ્યાસવૃત્તિ તથા એમના વિશાળ વાચનની સાબિતી છે. આ બધામાં એમનું મૌલિક ચિંતન અને ધારદાર મનન ઉમેરાતું અને બાબુલનાથની પાણીપુરી જેવી મસાલેદાર શૈલી ઉમેરાતી. બક્ષી આ તમામમાં સુપિરિયર હતા એટલે એમને હક્ક હતો સુપિરિયોરિટી કોમ્પ્લેક્સમાં રાચવાનો.

બક્ષીના ખડિયામાં પોતાની કલમ ઝબોળીને લખનારા મિમિક્રી આર્ટિસ્ટોની નવલિકાઓ, નવલકથાઓ કે કૉલમોમાં આવા સુપિરિયર તત્ત્વો જોવા નથી મળતાં. પત્રકાર શિરોમણિ સ્વ.હસમુખ ગાંધીના હાથ નીચે તૈયાર થયેલા પત્રકારો મો૨નાં ઈંડાં ગણાતા. પણ આમાંના કેટલાક ગાંધીભાઈની વરવી નકલ કરીને મોરના ઈંડાની આમલેટ જેવા બની ગયા. આવું જ કંઈક બક્ષીના નકલચીઓની બાબતમાં પણ બન્યું છે. આવું બનવું સ્વાભાવિક છે. પચ્ચીસ વર્ષ પહેલાં પત્રકારત્વમાં નવોસવો ટ્રેઈની પ્રવેશે તેને છ મહિના સુધી પ્રોબેશન ૫૨ રાખવામાં આવતો. છ મહિના પછી એને કન્ફર્મ કરવામાં આવતો. આજનો ટ્રેઈની છ મહિનાના પ્રોબેશન પછી સીધો ‘સિનિયર’ બની જાય છે. પત્રકારત્વના આવા વાતાવરણમાં બક્ષી, ગુણવંત શાહ, નગેન્દ્ર વિજય, કાન્તિ ભટ્ટ, ભૂપત વડોદરિયા, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ, મોહમ્મદ માંકડ, સુરેશ દલાલ અને અશોક દવે જેવા ગુજરાતી ભાષાના ટૉપ ટેન લેખકો (જેઓ કૉલમ પણ લખતા હોય એવા લેખકો)ની નકલ કરીને ‘ગ્રેટ ગુજરાતી લાફ્ટર ચેલેન્જ’માં ભાગ લઈ રહેલા જોકરોનો આપણી પાસે તોટો નથી.

આવું જ બક્ષીના કેટલાક ( બધા નહીં, કેટલાક) ચાહકોનું છે. આ અવળચંડા પ્રશંસકો પાસે માત્ર બક્ષી વિશે સાંભળેલી અધ્ધર અને અધકચરી વાતો જ છે, વાચન નથી. બક્ષીને પૂરેપૂરા વાંચીને એમના શબ્દોના સૌંદર્યને માણવાનું અને એ શબ્દોના આત્મા સુધી પહોંચવાનું આ ચિંગુમિંગુ મવાલીઓનું ગજું જ નથી. બક્ષીના નામનો ઉપયોગ ન્યુસન્સ ફેલાવવા માટે કરનારા આ તથાકથિત માતૃભાષાપ્રેમીઓ બક્ષીના ભવ્ય સાહિત્યિક વારસાને અકલ્પનીય નુકસાન પહોંચાડી રહ્યા છે. યુટ્યુબ પરના મારા એક લાંબા ઇન્ટર્વ્યુનો અંશ બક્ષી વિશે છે. ઇન્ટરેસ્ટ હોય તો આ રહી લિન્ક.

કેટલાંક વર્ષ પહેલાં બક્ષીની જન્મતિથિએ આ ફૉરવર્ડિયું મારા એક ગ્રુપમાં પણ આવ્યું હતું:

“ ચાબૂક મારીને દોડાવાતા ઘોડાની જેમ જીવનમાં ખુશી લાવું છું.

ચંદ્રકાંત બક્ષી.

જન્મદિવસના બક્ષીબાબુને વંદન 💐🙏🏼”

મેં એ મોકલનારને જવાબ આપ્યો હતો :

મારી ખુશીઓ ઋષિની કુટિરમાં સામેથી દોડીને આવતાં હરણ-બાળ જેવી હોય છે. ઘોડાને, મને પોતાને કે બીજા કોઈ ને ય ચાબૂક મારીને ખુશી મેળવવાનું પાપ મારે કરવું પડ્યું નથી.

—સૌરભ શાહ

( મારા ગયા પછી આ વાક્ય આપ સૌ પોતાના ગ્રુપમાં ફેરવતા હશો 😇😝)

12 COMMENTS

  1. Tribute is great but BaxiG was far more worthy for higher recognition.
    He made a generation compelled to read his stories, novels, articles.
    He made us rich by sharing his wealth of knowledge. Wit, words and penmanship.

  2. વાહ સૌરભભાઈ વાહ,
    આજે આપનો બક્ષી સાહેબ વિશેનો લેખ વાંચ્યો, ખૂબ જ સરસ લેખ છે, પણ ખૂબ જ ટૂંકો લેખ કહેવાય, કારણ કે બક્ષી સાહેબનું વ્યક્તિત્વ જો કાગળ ઉપર ઉતારવું હોય, તો મોટું દળદાર પુસ્તક પણ ઓછું પડે, મારા સૌથી પ્રિય લેખક જો કોઈ હોય, તો પ્રથમ ક્રમાંકે બક્ષી સાહેબ જ આવે, આપનો ક્રમાંક છેક સાતમા નંબર ઉપર આવે, હું વાંચનનો રસિયો છું, માટે ક્રમાંક આપ્યા છે, બાકી આપની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો નથી, લેખ માટે આભાર.
    આપનો સદા આભારી
    નીતિન વ્યાસ (રાજકોટ)

  3. વાહ વાહ વાહ!!!
    આપનાં તમામ લખાણની જેમ ખૂબ ગમ્યો આ લેખ પણ…..👌👌
    પ્રણામ🙏🙏

  4. સૌરભભાઈ,
    આપના સુધી એ સમાચાર પહોંચ્યા છે કે નહીં તેની જાણ મને નથી ્
    પાલનપુરમાં બક્ષી બાબુ ના પિતૃક ઘરને સ્મારકમાં ફેરવવાનૂ ભગીરથ કામ પાલનપુરના તેમના ચાહકો તરફથી હાથ ધરવામાં આવ્યું છે આ માટે કોઈની પણ પાસે હાથ લાંબો કરવામાં આવ્યો નથી.
    આ ઘટના ને આપની સમર્થ કલમથી ઉજાગર કરશો તો બહુ આનંદ થશે.

  5. Bakshi babu met our family at Haridwar in 1978-79. Since then he was a family friend. My father & Bakshi were of same age. Before that I had seen him as a penal judge for Gujarati drama competition may be at Poddar OR Ruia college. There were other eminent panelist and their judge was unanimous but final verdict from Bakshi was different and he logically explained why he has selected that drama. At that time I was about 15 years. Since then myself & my both sisters are die hard fan of him.
    We got several opportunities to visit his home at Worli and he has visited our home at Ghatkopar several times & gifted several books written by him duly signed by him. He visited my home in 1994 when my father died. Bakshi was one man army and who doesn’t require any certificate. He still leaves our heart. Unbelievable work has been done by Bakshi in Gujrati & Gujrat & Gujrati will remember him forever.
    After Bakshi I really love articles by you Saurabh Shah. I am huge fan of you after Bakshi babu.

  6. ગુજરાતી લેખકો મા શ્રેષ્ઠ ચન્દ્રકાંત બક્ષી.

  7. અદ્ભૂત! જૂની ફાઈલો ખોલીને સાચવેલા લેખો વર્ષો પછી ફરી વાંચવાનો કે નવા પુસ્તકોના પાના ફેરવીને વચ્ચેથી સૂંઘી જોવા જેવો રોમાંચ કદાચ હમણાના લોકોને નહિ સમજાય! લેખની શરૂઆતના વર્ણનને આપણે સાથે અનુભવ્યું છે. અને બક્ષીબાબુ વિશેની ઘણી કથાઓ ને દંતકથાઓ ચર્ચી પણ છે. એન્ડ યેસ, પેલું ફોરવર્ડીયું…. આજે પણ ઘણાં ફરવાના! ત્રણ ચાર તો ઓલરેડી આવી ચૂક્યા છે! પણ તમારો જવાબ અદ્ભૂત હતો!

  8. Very nice article on Chandrakant Bakshi. One misinformation about you cleared today. Once I had read in your article where you had written, “ I was huge fan of Chandrakant Bakshi” . Your this statement had disappointed me a lot as I am all time fan of Chandrakant Bakshi and you. I was not ready to accept that my hero is no more fan of my another hero. I carried this feeling till today. But after reading today’s article I am relieved. You are fig fan of Bakshi as many more

  9. અફલાતૂન આર્ટિકલ.બક્ષી બક્ષી બક્ષી અને બક્ષી એકમેવ બક્ષી.આર્ટિકલનો શરૂઆતનો ભાગ તમારા માટે સુરેશ દલાલે કહેલી વાત સો ટકા સાર્થક કરે છે કે તમારામાં બક્ષી ઊંધા માથે લટકે છે કે એવું કંઈક.
    ચાબૂક મારીને દોડાવવા ઘોડાની જેમ જીવનમાં ખુશી લાવું છું એ ફોરવડીયું નહોતું બક્ષીબાબુનું મારું ખૂબ ગમતું કોટ હતું ,મુગ્ધા અવસ્થા માં જ્યારે મર,ગાલિબના શેર વાંચતો અને સમજવાની કોશિશ કરતો હતો એ જમાનામાં લગભગ આકાર પુસ્તકમાં વાંચેલું અને ત્યારે એક સરસ શેર વાંચીને થાય એવી કીક લાગી હતી અને આજે પણ એ કીક અકબંધ છે.બક્ષીબાબુ સાથે 83 નંબરની બસના પ્રભાદેવીથી ફાઉન્ટન સુધીની યાદગાર સફરની શરૂઆતની પહેલી પાંચ મિનિટમાં આ ડાયલોગથી શરુ થયેલ વાત બક્ષીબાબુ સાથે થોડાક અઠવાડીયા પછી આઠ કલાકની મેરેથોન શરાબ કબાબ સાથેની સાંજમાં પરણમી હતી.🙏બક્ષીબાબુ અમદાવાદ શિફ્ટ થયાં ત્યાં સુધી અવારનવાર ફોનથી કે રૂબરૂ નવભારત સાહિત્ય મંદિર સુધી એ 83 નંબરની બસથી શરુ થયેલી સફર જારી રહી હતી.
    ખૂબ આભાર અને અભિનંદન મસ્તાન આર્ટિકલ બદલ સૌરભભાઈ🙏👌💯♥️🌹

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here