વાચક ભાગી ગયો છે કે લેખક ખાલી થઈ ગયો છે? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ : સોમવાર, ૨૧ ઑગસ્ટ ૨૦૨૩)

શું વાચક મરી પરવાર્યો છે : ગુજરાતીમાં લખવા-વાંચવા-છાપવા-વેચવાવાળાઓમાં આ કાયમનો કકળાટ રહેલો છે. 

સાહિત્યકારોને, ખાસ કરીને કવિઓને તથા ઉચ્ચભ્રૂના નામે અગડમ્ બગડમ્ લખતા લેખકોને, તો આવી ટેવ ખાસ હોય છે. પોતાનું કોઈ વાંચતું ન હોય, પોતાનાં પુસ્તકોની થપ્પીઓ પ્રકાશકના ગોડાઉનમાં ધૂળ ખાતી હોય ત્યારે વાચકોનો વાંક કાઢવાનો રિવાજ છે. નૃત્ય ન આવડે ત્યારે આંગણાનું અલાઈન્મેન્ટ સ્લાઈટલી ટેઢું છે એવું પુરવાર કરવાના પ્રયત્નો થાય છે. 

વાચક ક્યારેય મરી પરવારતો નથી. હા, લેખક મરી પરવારે એ શક્ય છે. લેખક જ્યારે જિંદગીમાં રસ લેવાનું ઓછું કરી નાખે છે ત્યારે આપોઆપ એનાં ઈનપુટ્સ ઘટી જાય છે. છેવટની અસર એના આઉટપુટ પર પડે છે. આઉટપુટની ક્વૉલિટી – ક્વૉન્ટિટી બેઉ કંગાળ થતી જાય છે.

લેખકના કૂવામાં હોય તો એના હવાડામાં , એના લખાણમાં, આવે એવો સીધો હિસાબ છે. પણ કૂવામાં ક્યારે હોય? જ્યારે એમાં ઊંડાણ હોય, એમાંનો કચરો સતત સાફ થતો હોય અને સૌથી મહત્ત્વની વાત એ કે એના તળને બીજાં અનેક પાતાળ ઝરણાંનો લાભ મળતો હોય. આ તમામ શરતોનું પાલન ન કરી શકતો કૂવો ખાલી થઈને સૂકાઈ ગયા પછી ફરિયાદ કરે છે કે હવે પાણી પીવા કેમ કોઈ આવતું નથી.

બેગમ અખ્તરે શાયર કૈસર કલન્દરને આકાશવાણી પર આપેલા ઈન્ટરવ્યુમાં એક વખત કહ્યું હતું કે ભાવકના હૃદયને સ્પર્શી જાય તે જ ખરી કળા. બેગમ અખ્તરની આ સાદગીભરી બાનીમાં પ્રગટ થતી સચ્ચાઈમાં ઉમેરો એટલો કરવાનો કે જે કળાકાર ભાવકના હૃદયની પાત્રતા વિસ્તારે, એનો વ્યાપ તથા એ હૃદયનું ઊંડાણ વધારે એ કળાકારની કળા વધુ ઉપયોગી, વધુ ટકવાની એ.

ઉત્તમ વિચારોને પોતાનાં લખાણો દ્વારા પ્રકાશમાં લાવતા લેખકને અપ્રચલિત અર્થમાં તમે સારો પ્રકાશક કહી શકો અને પ્રકાશમાં આવેલા આ વિચારોને પોતાનાં લખાણો દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી રહેલા લેખકને તમે એક સારો વિતરક-ડિસ્ટ્રિબ્યુટર પણ કહી શકો. ગુજરાતીમાં સારા લેખકોની ખોટ ક્યારેય નહોતી.

નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ, મણિલાલ નભુભાઈ, નરસિંહરાવ, રમણલાલ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, બ.ક.ઠા., મો.ક. ગાંધી, પંડિત સુખલાલજી, કાલેલકર, મુનશી, રા.વિ. પાઠક, કિ.ઘ. મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ, મેઘાણી, પન્નાલાલ, ધૂમકેતુ, ર.વ. દેસાઈ, વિજયરાય વૈદ્ય, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ગગનવિહારી મહેતા, ચં.ચી., જ્યોતીન્દ્ર દવે, સ્વામી આનંદ, કિસનસિંહ ચાવડા, મડિયા,ડગલી, ઉમાશંકર, સુરેશ જોષી, બક્ષી.

આ એક નાનકડી યાદી એવા સદ્ગત લેખકોની છે જેમણે પોતાના વિચારોને વાચકપસંદ શૈલીમાં રીડરફ્રેન્ડલી સ્ટાઈલમાં, લોકો સુધી પહોંચાડ્યા છે. એમણે પોતાની સર્જનાત્મકતાને કવિતા-નવલકથા-વાર્તાલેખન કે વિવેચન સુધી સીમિત નથી રાખી. આ સૌ લેખકોએ અને આ ઉપરાંતના બીજા અનેક વાચકવહાલા પુરવાર થયેલા સન્માનનીય દિવંગત તેમ જ વિદ્યમાન લેખકોએ નવલકથા, વાર્તા, વિચારોત્તેજક લેખો, નિબંધો લખ્યા. માનવસ્વભાવ અને જીવનની સમસ્યાઓથી માંડીને સમાજનાં વિવિધ પાસાં વિશે ચિંતન કર્યું અને રજુઆતમાં શૈલીવેડા લાવ્યા વિના તેઓ લોકો સુધી પહોંચ્યા. કવેતાઈ કરવાથી કે વાચકોને આંજી દેનારી સ્યુડો સ્માર્ટ ભાષાથી તેઓ દૂર રહ્યા અને સંસ્કૃતપ્રચૂર ભાષા દ્વારા પોતાની પંડિતાઈ બતાવવાના પ્રયત્નોથી પણ આઘા રહ્યા તેઓ. એટલે જ તો ટકી શક્યાં છે એમનાં લખાણો અત્યાર સુધી.

વાચક કયાંય જતો રહેતો નથી. એ તો રાહ જોઈને ઊભો જ છે. કોઈક આવે એના માટે, મનગમતું વાંચન લાવે. મનને બહેલાવતું વાચન તો એને ગમે જ છે, મનને સમજાવતું, મનની મૂંઝવણોને ઉકેલતું વાંચન પણ એને ગમે જ છે.પોતાનો અભિપ્રાય ઘડવા માટે ઉપયોગી બની શકે એવા વાંચનની પણ ભૂખ હોય છે વાચકને. લેખક એક બાજુ કાલ્પનિક દુનિયા રચી આપીને નવલકથા-વાર્તા દ્વારા વાચકના લાગણીતંત્ર સાથે સેતુ જોડે છે તો બીજી બાજુ ફિક્શન સિવાયનું સાહિત્ય રચીને-લેખો, નિબંધો ઈત્યાદિ દ્વારા વાચકની બુદ્ધિ સાથે પુલ બાંધે છે.

લેખન, વાંચન, પ્રકાશન ક્ષેત્રે સ્થિગતતા જેવું લાગતું હોય તો એનું પાયાનું કારણ એ જ કે સર્જક પોતે જ પોતાના ભાવકોની સૃષ્ટિની બહાર નીકળી ગયો છે. લેખક જ્યારે વાચકોના ભાવવિશ્વ સાથે ઓતપ્રોત નથી થઈ શકતો ત્યારે ધીમે ધીમે એ લેખક ભૂંસાઈ જાય છે. આવું એક કરતાં વધુ લેખકોની બાબતમાં બને, ઉપરાછાપરી બનતું રહે જેને કારણે પુસ્તક પ્રકાશનના વ્યવસાયમાં મંદી આવી જાય તો એમાં વાંક કોનો, લેખકનો કે વાચકનો? તો પછી તમે શા માટે એવી ચર્ચા કરો છો કે ઈઝ ધ રીડર ડાઈંગ ? રીડર તો મરતો જ નથી ક્યારેય. એ તો ચૂપચાપ ઊભો રહે છે કમિટેડ રાઈટરોની રાહ જોતો, એવા રાઈટરોની રાહ જુએ છે જેમનું કમિટમેન્ટ સમાજ સાથે હોય, પોતાની જાત સાથે હોય, વાચકો સાથે હોય. આવા અનેક લેખકો ગુજરાતીમાં થઈ ગયા જેમાં નર્મદને સૌથી પહેલો મૂકીએ છીએ.

‘સુધારાના વિચાર’ નિબંધમાં નર્મદે કહ્યું; ‘સમય તો કહે છે કે વિચારોને અમલમાં આણો પણ આપણે જ હઠી જઈએ છીએ… કાળનો કંઈ જ વાંક નથી, પણ આપણો જ દોષ છે કે આપણે જૂનાં બંધનમાંથી મુક્ત થવાનો જોસ્સો રાખતા નથી, પણ કંઈ નહિ. નિત્યના બોધથી આપણે સાચી ને લાભકારી વાતને સારુ કેસરિયાં કરીશું જ.’

શું લખવું, કેવું લખવું જેથી વાચક દૂર જતો ન રહે એવી મૂંઝવણના જવાબમાં ઝવેરચંદ મેઘાણી ‘સાહિત્યકાર, સાવધાન રહેજે’ શીર્ષક હેઠળના એક લેખમાં કહે છે કે, ‘સાહિત્યકાર કાલે એક વર્ગના મનોરંજનનું સાધન હતો, આજે બીજો વર્ગ તેની પાસે ફરમાવ્યા મુજબની ખુશામદ માગતો ભવાં ચડાવી ઊભો છે.’ 

આવા સંજોગોમાં લેખકે શું કરવું ? મેઘાણીએ કહ્યું કે, ‘કલમના કારીગરનો જવાબ એમ જ હોઈ શકે કે હું આજે એકેય વર્ગની સરમુખત્યારી સ્વીકારવા તૈયાર નથી. મેં રાજ્યાશ્રયને તિલાંજલિ દીધી છે, તે નવી સત્તાનું શરણું સ્વીકારવા માટે નથી દીધી. હું સ્વાધીનોનોય સ્વાધીન રહેવા માગું છું. મણિ-મંદિરો મહાલવાના અભિલાષ મેં સંઘર્યા નથી. મારે કોઈપણ આશ્રયદાતાનો, વ્યક્તિનો કે સમૂહનો સોનાનો તોડો પહેરવો નથી.’ 

મેઘાણીને મન પ્રગતિશીલ સાહિત્ય એટલે એ સાહિત્ય જેમાં લખનારના અંતરની સચ્ચાઈ ટપકી હોય. લખાણમાંનો રણકાર જ આપોઆપ કહી દેશે કે રૂપિયાની અંદર બનાવટ છે કે પ્રમાણસરનું ધાતુમિશ્રણ જ છે. અંતરમાં પૂર્ણ પ્રતીતિ થઈ ચૂક્યા પછી કલમમાંથી જે ટપક્યું હશે તેના જ અંશો પ્રગતિશીલ હશે. બનાવટ હશે તો ચાહે તેવું કુશળ કળાવિધાન એને છુપાવી શકશે નહીં. વિન્ડો – ડ્રેસિંગને કળા કહેશો નહીં એવા સ્પષ્ટ શબ્દોમાં મેઘાણી સાહિત્યકારની ફરજ વિશે લખીને છેલ્લે ઉમેરે છેઃ ‘એવા અનુભવખજાનાના વારસદાર સાહિત્યકાર, તારી કલમને તું કોઈ પણ વાદની બાંદી ન બનાવજે. તું કોઈ દુકાનદારની જાહેરખબર ન બનજે.’ 

માનવ સ્વભાવની એક ખૂબીને ઉમાશંકર જોશી ‘વાર્તાલાપ’ નિબંધમાં બહાર લાવે છેઃ ‘દરેક માણસ એક દ્વીપ જેવો છે. એની આસપાસ વાર્તાલાપનાં મોજાં અથડાયા કરે છે અને એ રીતે એની એકલતા કાંઈક સહ્ય બને છે. એમ ન બને તો વાર્તાલાપ એ કેવળ ઘોંઘાટ છે…મને પૂછો તો હું તો વાતોમાંથી જ શીખું છું – એટલે કે માણસમાંથી. ચોપડીઓ વાંચીએ છીએ તે તો તાળો મેળવવા… (પણ) માણસ વાતો જ કર્યા કરે એ આરોગ્યની નિશાની નથી. નરી વાતો એ આત્માનો કાટ છે. આપણે જાણીએ છીએ કે હૅમ્લેટ એટલે વાતો, વાતો ને વાતો. અંતે તો એનું જીવન પાયમાલ થયું…’ 

ઉમાશંકર કહેવા માગે છે કે એટલે જ લેખકે માત્ર વાતો કરવા પૂરતું સીમિત ન રહેવું, લખવું, સારું સારું લખવું, ખૂબ લખવું જેથી વાતો કર્યા કરવામાં લેખક ખર્ચાઈ ન જાય, નિચોવાઈ ન જાય. 

લેખક જાણીતો હોય કે ઓછો જાણીતો કે પછી અજાણ્યો. એના લેખનમાં પોતે અનુભવેલી સચ્ચાઈ ભળી હશે તો કદાચ એનું નામ ભૂલાઈ જશે, પણ એણે કહેલી વાત ચાદ રહી જશે.

શું વાચક મરી પરવાર્યો છે ? એવો પ્રશ્ન પૂછવાનું કોઈને મન થાય ત્યારે એણે સૌથી પહેલાં તો એ પૂછવું જોઈએ કે વાચકને જીવનના સત્યની પ્રતીતિ કરાવી શકે એવા કેટલા લેખકો અત્યારે હયાત છે? જેઓ હયાત છે તેઓ આવા કોઈ પ્રશ્નો ઉઠાવ્યા વિના ચૂપચાપ પોતાનું કામ કર્યા કરે છે અને વાચકો બડી ચાહનાથી એમને વાંચ્યા કરે છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. એકદમ સચોટ વાત કહી. પણ એટલું તો ચોક્કસ જ કે એક સામાન્ય મરાઠી માણસને કલા સાહિત્યમાં જેટલો રસ હોય છે એટલો એક સામાન્ય ગુજરાતીને નથી હોતો. બન્ને મસીઆઈ ભાષા કહેવાય છે એટલે આવી સરખામણી સહજ થઈ જાય.

    • એ એક ઊભી કરવામાં આવેલી અને પ્રચલિત થયેલી છાપ છે જેમાં ભારોભાર અતિશયોક્તિ છે.
      જન્મથી મહારાષ્ટ્રમાં છું. મરાઠી સાહિત્ય, નાટકો, ફિલ્મો, પત્રકારત્વ તથા પ્રકાશન દુનિયાનાં ટચમાં છું. બેઉ ભાષાઓમાં ઉત્તમ કામ થયું છે અને આપણે ત્યાં જે પ્રશ્નો છે એ મરાઠીમાં પણ છે.

  2. ભાઈ અભિનંદન
    તમારી કોલમો અને લેખ વાંચવાની પહેલા મજા આવતી હતી પણ જ્યાર થી તમે પોલિટિકલ પેચ લગાવવા નું ચાલુ કર્યું ત્યારથી નાં જાણે કેમ માં ઉતરી ગયું એવું જ લાગ્યા કરે કે તમે વિચારો નાં પ્રચારક નહિ પક્ષ નાં પ્રચારક છો અને આવું મારા ઘણા મિત્રો ફીલ કરે છે હું પણ બીજેપી સાથે છું પણ તમે એક અલગ પ્લેટફોર્મ પર છો તમને આવા બૈસિસ શોભે નહિ

    • ભાઈ શ્રી
      આપ જેને પોલિટિકલ પેચ કહો છો એ મહદઅંશે આજ ના યુગ નો આયનો છે. આપણે જ્યાં જે સમાજ માં રહીએ છીએ એનું પ્રતિબિંબ છે.
      આયનો જોવા નો ડર લાગતો હોય તો જોવું છોડી દેશો તો પણ આયનો જે છે એ જ બતાવશે.
      પ્રણામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here