ગમતા લેખકો : ડગલી, રમેશ, સચ્ચિદાનંદ, ગાંધીજી અને બક્ષી-આ પાંચ વત્તા બીજા પાંચ: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ : મંગળવાર, ૨૨ ઑગસ્ટ ૨૦૨૩)

ગમતા લેખકની મારી વ્યાખ્યા એ કે એ લેખકનું કોઈ પણ નવું પુસ્તક આવે તે મારે ખરીદવાનું. વાંચ્યા પછી એ લેખકનાં અગાઉનાં પુસ્તકો સાથે સરખામણી નહીં કરવાની—એ કામ ચાંપલા વિવેચકોને અને દોઢ ડાહ્યા સમીક્ષકોને સોંપી દેવાનું. ફિલ્મોના શોખીનો પોતાના ફેવરિટ ડિરેક્ટરો કે એક્ટરોની ફિલ્મો કેવી છે એ વિશે જાણ્યા વિના થિયેટરમાં પહોંચી નથી જતા—ઉત્સવ હોય એમ. બસ, એવું જ ગમતા લેખકના પુસ્તકનું પ્રકાશન થાય એ અવસરનું.

મને ગમતા ૧૦ લેખકોની યાદી મેં બનાવી હતી. ૧૦૦ની યાદી પણ બનાવીશું પહેલાં આટલાને તો વાંચી લો.

મેં જે યાદી બનાવી છે એમાં માત્ર મૌલિક ગુજરાતી પુસ્તકો જ લીધાં છે. અંગ્રેજી, હિન્દી કે મરાઠી પુસ્તકોની યાદીઓ અલગ બનાવવી પડે. ગુજરાતીમાં ટ્રાન્સલેટ થયેલાં પુસ્તકોની યાદી પણ અલગ બને.

બીજું, મનગમતાં દસ લેખકો/પુસ્તકોની આ યાદીમાંનાં લેખકો/પુસ્તકો દર બે-પાંચ-દસ વર્ષે વત્તાંઓછાં થતાં રહેવાનાં એ સ્વાભાવિક છે.

અને આ યાદી કોઈ ચોક્કસ ક્રમમાં નથી એટલી સ્પષ્ટતા.

અને છેલ્લે આ યાદીમાં જે નથી એવા અનેક લેખકો/પુસ્તકો મને પ્રિય છે જેમના માટે મારે બીજી ૧૦ ટૉપ ટેન યાદીઓ બનાવવી પડે.

૧. યાદીનું પહેલું પુસ્તક વાડીલાલ ડગલીનો નિબંધ સંગ્રહ ‘શિયાળાની સવારનો તડકો’.

નિબંધમાં ખોટા શૈલીવેડા કે પ્રભાવિત કરવાના ઈરાદે થતી શબ્દોની ફટકાબાજી ન હોય તો બીજું શું શું હોઈ શકે તે જાણવા તમારે આ પુસ્તક વાંચવું પડે. તદ્દન નવા વિચારો, પ્રેક્ટિકલ વિચારો અને એ વિચારોની તર્કબદ્ધ રજૂઆત.

સુરેશ જોષીએ ‘જનાન્તિકે’માં પ્યોર લલિત નિબંધો લખ્યા, સલામ. સુરેશ જોષીના રવાડે ચડીને બીજા કેટલાય ગદ્યલેખકોએ નિબંધસ્વરૂપને ‘પેલું’ કરતા રહ્યા.

વાડીલાલ ડગલીની શૈલીની સ્વસ્થતા, રજૂઆતનું લાઘવ અને એમનું વિષય વૈવિધ્ય લાજવાબ.

૧૯૭૮-૭૯માં ‘પરિચય ટ્રસ્ટ’માં નોકરી કરતો હતો એ ગાળામાં ડગલી સાહેબના આ નિબંધો તેમ જ ‘થોડા નોખા જીવ’ અને ‘રંકનું આયોજન’ જેવાં પુસ્તકોની મેન્યુસ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું હતું. આમાંની કેટલીક હસ્તપ્રતોને એક કાગળ પરથી બીજા કાગળ પર સારા અક્ષરે ઉતારવાનું કામ મને પણ સોંપવામાં આવ્યું હતું. પુસ્તકોની સૌપ્રથમ આવૃત્તિ અમદાવાદના બાલગોવિંદ પ્રકાશને કરી જે પેઢી પછી સંકેલાઈ ગઈ. એ પુસ્તકોની પ્રથમ આવૃત્તિ વખતે પ્રગટ થયેલા ‘શિયાળાની સવારનો તડકો’ પુસ્તકની એક નકલ વાડીલાલ ડગલીએ મને ‘પરિચય પુસ્તક’ની નોકરી છોડે પાંચેક વર્ષ થઈ ગયાં હતાં તો પણ લગ્નપ્રસંગે પોતાના હસ્તાક્ષર સાથે ભેટ આપી હતી. અત્યારે આ પુસ્તક આર.આર. શેઠ છાપે છે. વાડીલાલ ડગલીનું ‘થોડા નોખા જીવ’ પણ તમારે વાંચવું જોઈએ.

૨. બીજું પુસ્તક: રમેશ પારેખના બાવનમા જન્મદિવસ નિમિત્તે ૨૭ નવેમ્બર ૧૯૯૧ના રોજ પ્રગટ થયેલો કાવ્યસંગ્રહ ‘છ અક્ષરનું નામ’. પુસ્તકમાં રમેશ પારેખનાં ત્યાં સુધી પ્રગટ થયેલાં તમામ કાવ્યસંગ્રહો ‘ક્યાં’ (૧૯૭૦) ‘ખડિંગ’ (૧૯૮૦), ‘ત્વ’ (૧૯૮૦), ‘સનનન’ (૧૯૮૧), ‘ખમ્મા, આલા બાપુને’ (૧૯૮૫), ‘મીરાં સામે પાર’ (૧૯૮૬), ‘વિતાન સુદ બીજ’ (૧૯૮૯) અને ‘અહીંથી અંત તરફ’ (૧૯૯૧)નાં બધાં જ કાવ્યો સમાવી લેવામાં આવ્યાં છે. અલમોસ્ટ ૬૦૦ પાનાંના આ પુસ્તકની મારી પાસેની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં હર્ષદ ચંદારાણાએ આ મહાન કવિની આ પંક્તિઓ ટાંકી છે: નથી સમાતો આજ હવે તો હું આ મારા છ અક્ષરમાં.

‘છ અક્ષરનું નામ’નું કોઈ પણ પાનું ખોલીને વાંચો, તમને ખાતરી થઈ જાય કે રમેશ પારેખ શા માટે રમેશ પારેખ છે, શા માટે ગુજરાતી વાચકો ‘મરીઝ’ની કક્ષાએ રમેશ પારેખને મૂકે છે.

૫૩૫મા પાના પરનો આ શેર વાંચો:

આ તરફ ભીની દીવાસળી છે,
ઓ તરફ તાતા વંટોળિયાઓ
આપણે સહુના ઘરમાં ઠરેલા
પાછા પેટાવવા છે દીવાઓ.

૩. ત્રીજું પુસ્તક: ‘મારા અનુભવો’, સ્વામી સચ્ચિદાનંદની આત્મકથા. ટીનએજ અને ગધા પચીસીમાં રિબેલ વિધાઉટ અ કૉઝવાળી મેન્ટાલિટી હોય અને તે વખતે નાસમઝીને કારણે અમંગ અધર થિન્ગ્સ સ્વામી કે આનંદ જેવાં લટકણિયાં-પૂંછડિયાં ધરાવનારાઓ માટે કે ભગવાં કપડાંધારીઓ માટે તુચ્છભાવ હોય એ સ્વાભાવિક છે. એ ગાળામાં સુરત ચારેક વર્ષ માટે હતો. મારા નવા પાડોશીએ પરાણે મને આ પુસ્તક વાંચવા માટે આપ્યું. મેં પરાણે વાંચવાની શરૂઆત કરી. આખી રાત જાગીને પુસ્તક પૂરું કરવું પડ્યું, એવી ગ્રિપ–જાણે અશ્વિની ભટ્ટની નવલકથા વાંચતા હોઈએ એમ અધ્ધર શ્વાસે તમે વાંચ્યા કરો. ભગવાંધારી અને સ્વામી આનંદ સફિક્સ-પ્રીફિક્સ ધરાવનારાઓ માટેની અને ભગવાધારીઓ પ્રત્યેની એલર્જી ગાયબ થઈ ગઈ. બે-ચાર દિવસમાં જ સુરતની એક શાળાના ચોગાનમાં સ્વામી સચ્ચિદાનંદનું પ્રવચન હતું. ત્યાં પહોંચી ગયો. સાંભળીને મુગ્ધ થઈ ગયો. આજની તારીખે પણ સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકો વાંચીને (અલમોસ્ટ બધાં જ છે મારી પાસે) કે પેટલાદ પાસેના દંતાલીના એમના આશ્રમે એમને રૂબરૂ મળીને કે એમનાં પ્રવચનો સાંભળીને હજુય એ જ મુગ્ધતા અનુભવું છું. સંસારમાંથી જેમને રસ ઊડી ગયો હોય એમણે જરૂર ‘મારા અનુભવો’ આત્મકથા વાંચવી જોઈએ. અને સંસારની મુસીબતોનો સામનો કર્યા પછી પણ અહીં જ ટકીને રહેવું હોય એમણે પણ બાપજીનાં બાકીનાં પુસ્તકો વાંચવાં જોઈએ. સ્વામી સચ્ચિદાનંદ જેવા મૌલિક, બેધડક અને સરળ વિચારો ધરાવતા સાધુ-સંત આપણી પાસે છે એનું ગૌરવ છે. ૧૯૯૬-૯૭ના અરસામાં ‘સ્વામી સચ્ચિદાનંદ સાથે ૨૪ કલાક’ શીર્ષક હેઠળ મેં એમનો લાંબો ઈન્ટરવ્યૂ, દંતાલીના આશ્રમમાં રાત રોકાઈને કર્યો હતો જે અમદાવાદના હવે બંધ પડેલા સાપ્તાહિક ‘નેટવર્ક’માં છપાયો હતો અને પાછળથી રઘુવીર ચૌધરીએ એને સ્વામીજી વિશેના પોતે એડિટ કરેલા પુસ્તકમાં ફરી પ્રગટ કર્યો હતો. એ પછી એમને અનેકવાર મળ્યો, ક્યારેક વાતચીત રેકૉર્ડ પણ કરી. ન્યુઝપ્રેમી ડૉટ કૉમ પર એમના વિશે મેં ઘણું લખ્યું છે. ઈટીવી પર મેં ‘સંવાદ’ નામનો ડેઈલી ટૉક શો શરૂ કર્યો ત્યારે શુભારંભ સ્વામી સચ્ચિદાનંદના ઇન્ટર્વ્યુથી થયો હતો.

૪. ચોથું પુસ્તક: મારો ઈરાદો આ યાદીમાં મૌલિક પુસ્તકો લેવાનો હતો, ટ્રાન્સલેટેડ બુક્સ નહીં. (બિન-ગુજરાતી ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ/રૂપાંતર પામેલાં દસ શ્રેષ્ઠ પુસ્તકોની બીજી એક યાદી થાય). એ હિસાબે મારે ગાંધીજીનું ‘અનાસક્તિ યોગ’ આ યાદીમાંથી બાકાત રાખવું પડે કારણ કે એમાં ભગવદ્ ગીતાના તમામ અધ્યાયના દરેક શ્ર્લોકનો સરળ ગુજરાતી અનુવાદ છે. પણ હું આ પુસ્તકને અનુવાદની નહીં, મૌલિકની કૅટેગરીમાં મૂકું છું તે ગાંધીજીએ લખેલી દીર્ઘ પ્રસ્તાવનાને કારણે. આમ તો એક લાંબા લેખ જેટલી જ પ્રસ્તાવના છે પણ એમાં ગાંધીજીએ અત્યંત લાઘવભરી શૈલીમાં બિલકુલ સાદી જુબાનમાં ગીતાનું હાર્દ ખોલી આપ્યું છે. જે સમગ્ર પુસ્તકને મૌલિકતાનો દરજ્જો આપે છે. ગાંધીજીની આ પ્રસ્તાવનાનો એક વાક્યમાં નિચોડ આપવો હોય તો એમના જ શબ્દોમાં: ‘કર્મ છોડે તે પડે. કર્મ કરતો છતો (અર્થાત્ છતાં) તેનાં ફળ છોડે તે ચડે.’ અને ગાંધીજી તરત જ, નેકસ્ટ પૅરામાં કહે છે: ‘પણ અહીં ફલત્યાગ એટલે ત્યાગીને ફળ મળતું નથી એવોય અર્થ કોઈ ન કરે. ગીતાજીમાં એવા અર્થને ક્યાંય સ્થાન નથી. ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ. ખરું જોતાં ફલત્યાગીને હજારગણું ફળ મળે છે. ગીતાના ફલત્યાગમાં તો અખૂટ શ્રદ્ધાની પરીક્ષા છે. જે મનુષ્ય પરિણામનું ધ્યાન ધર્યા કરે છે તે ઘણી વાર કર્મ-કર્તવ્ય-ભ્રષ્ટ થાય છે. તેને અધીરાઈ આવે છે, તેથી તે ક્રોધને વશ થાય છે, ને પછી તે ન કરવાનું કરવા માંડે છે… સારાસારનો, નીતિ-અનીતિનો વિવેક છોડી દે છે, ને ફળ મેળવવા સારુ ગમે તે સાધનનો ઉપયોગ કરે છે.’ મોક્ષ એટલે શું? આ પ્રસ્તાવનામાંથી જાણ થશે. ગાંધીજી જેવા યુગપુરુષની ટીકા કરતાં પહેલાં એમણે લખેલું બધું વાંચીને પાત્રતા કેળવવી પડે. ‘ગાંધીજીનો અક્ષરદેહ’ (Complete works of Mahatma Gandhi) નાં ૧૦૦થી વધુ વૉલ્યુમ્સ, મહાદેવ દેસાઈની ડાયરીનાં ૨૨ ગ્રંથ, પ્યારેલાલે લખેલાં ‘પૂર્ણાહુતિ’નાં ૪ વૉલ્યુમ્સ અને સરકારે પ્રગટ કરેલી ડી.જી. (દીનાનાથ ગોપાલ) તેન્ડુલકર રચિત ગાંધીજીની ૮ પુસ્તકોમાં પથરાયેલી જીવનકથા —આટલું તો તમારે વાંચવું જ પડે, જો ગાંધીજીને જાણવા હોય તો. મારી પાસે આ તમામ ઉપરાંત ગાંધી વિશેનાં, સરદાર-નેહરુ અને એમના જમાનાની ચળવળ વિશેનાં, બ્રિટિશ હકુમત વિશેનાં અને ભાગલા વિશેનાં અનેક પુસ્તકો તેમ જ આ ગાળાને સમજવા માટે આવશ્યક હોય એવું અઢળક રેફરન્સ મટીરિયલ મારી પર્સનલ લાયબ્રેરીમાં છે— વેલ થમ્બ્ડ છે, અર્થાત્ મેં નવાંનકોર ખરીદ્યાં પછી વીતેલાં વરસોમાં ખૂબ વાંચેલાં, વાપરેલાં છે.

૫. પાંચમું પુસ્તક: ચંદ્રકાંત બક્ષીનો વાર્તાસંગ્રહ ‘ક્રમશ:’

ચંદ્રકાંત બક્ષીના વિપુલ સર્જનનું ક્રીમ દ લા ક્રીમ એમની ટૂંકી વાર્તાઓમાં છે. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્યાર’ (૧૯૫૮) જેમાં એમણે લખેલી સૌથી પહેલી વાર્તા ‘મકાનનાં ભૂત’ છે જે ‘કુમાર’માં ૧૯૫૩માં છપાઈ હતી. પણ બક્ષીએ તે લખી હતી ૧૯૫૦માં. બક્ષી તે વખતે ૧૮ વર્ષના. બીજો વાર્તાસંગ્રહ ‘એક સાંજની મુલાકાત’ (૧૯૬૧), પછી ‘મીરા’ (૧૯૬૫) અને ‘મશાલ’ (૧૯૬૮). કલકત્તા છોડતાં પહેલાં લખાયેલી વાર્તાઓનો પાંચમો સંગ્રહ ‘ક્રમશ:’ જે પ્રગટ થયો ૧૯૭૧માં.

મુંબઈ આવ્યા પછીની વાર્તાઓ ૧૯૭૬માં પ્રગટ થયેલા એમના છેલ્લા અને છઠ્ઠા વાર્તાસંગ્રહ ‘પશ્ર્ચિમ’માં છે. એમાં ‘પશ્ર્ચિમ’ શીર્ષકવાળી એકેય વાર્તા નથી અને છતાંય સંગ્રહનું શીર્ષક ‘પશ્ર્ચિમ’ કેમ છે એવો ખુલાસો પણ નથી. ૧૯૭૭માં મારી સિડનહૅમ કૉલેજના ઍન્યુઅલ મૅગેઝિન માટે બક્ષીસાહેબનો લાંબો ઈન્ટરવ્યૂ લીધો હતો ત્યારે આ સવાલ મેં એમને કર્યો હતો. એમણે સમજાવ્યું હતું: ‘પૂર્વ છોડીને પશ્ર્ચિમમાં આવ્યા પછી આ બધી વાર્તાઓ લખાઈ એટલે!’ એ ઈન્ટરવ્યૂનો બીજો મોટો હિસ્સો નેક્સ્ટ યર યશવંત દોશીએ ‘ગ્રંથ’માં પ્રગટ કર્યો હતો. ‘ક્રમશ:’માં પ્રગટ થયેલી તેમ જ અન્ય સંગ્રહોમાં સમાવાયેલી બક્ષીની કેટકેટલી વાર્તાઓ મારી ફેવરિટ છે: ‘તમે આવશો?’, ‘ગુડ નાઈટ, ડૅડી!’, ‘કુત્તી’ ( જે મીડિયોકર છે પણ અલગ કારણે એનું મહત્વ છે), ‘ચક્ષુ:શ્રવા’, ‘ડૉક મઝદૂર’, ‘આમાર બાડી, તોમાર બાડી, નોકશાલ બાડી’, ‘મીરા’, ‘એક સાંજની મુલાકાત’…

બક્ષીએ લખ્યું છે: ‘જીવનની વાર્તાએ પણ ક્યારેક તો સમાપ્ત થવાનું છે. પણ એ પહેલાં પૂરેપૂરા નિચોવાઈ જવાનો આનંદ મળે તો ખુશકિસ્મતી. દિલમાં કોઈ રંજિશ નહીં રહે. પચાસ-સાઈઠ વર્ષની જિંદગીમાં માણસ પોતાને ગમે એ કામ, આંખોમાં પસીનો આવી જાય એટલા ઈમાનદાર અહસાસથી કરી શકે તો પછી કોઈ ખેવના નથી રહેતી. પાપ અને પુણ્ય જેવા શબ્દો પણ શ્રમિક કલાકાર માટે બેમાની અને અર્થહીન બની જવાના.’

બક્ષીની બાકીની વાત કાલે.

બાકીનાં પાંચ પુસ્તકો વિશે પણ કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

16 COMMENTS

  1. Gujrat medium ma abhyas karya chhata,aatlu gyan ko e shikshak tarfthi nathi malyu,v good information Saurabhbhai

    • ગુજરાતી શિક્ષકોએ ભણાવ્યું ત્યારે તો આ સમજણ ખીલી, બાકી જો માબાપે અંગ્રેજી માધ્યમમાં મૂક્યો હોત તો આજે બહુબહુ તો સીએ હોત. 😂

      • Frankly speaking we are ashamed,aapna sahitya nu amney zero % gnay chhe,boliwood more than 100%,mogalsamrajya aapna bap Dada ni history karta vadharey,we are thankful to you sir kola band nahi karta

  2. સૌરભભાઈ, બક્ષીજી નો આપે લીધેલો ઈન્ટરવ્યુ કયા પુસ્તક મા વાચવા મળે.

    • ‘ગ્ંથ’ માસિકના ૧૯૭૮ની સાલના કોઈ એક અંકમાં હશે. જુહુની ઉત્પલ સંઘવી સ્કૂલની સામે આવેલી ફાર્બસ સભાની લાયબ્રેરીમાં જઈને રાજેશ દોશીને મળશો તો કાઢી આપશે.

  3. સૌરભભાઈ, તમે લખ્યું કે “કેટલીક હસ્તપ્રતોને બીજા કાગળમાં સારા અક્ષરોમાં લખવાનું કામ મને સોપવામાં આવ્યું”. તો તમારા સુંદર અક્ષર તમારા વાચકોને નહીં બતાવો?

    • એ વખતે સારા હતા. Over a period of time ઘણું લખવાને કારણે અને લખવા કરતાં વિચારવાની સ્પીડ વધતી ગઈ તેને લીધે ઓછા સારા થતા ગયા. હવે તો હાલત એ છે કે ક્યારેક ટાઈપસેટર પૂછે કે આ શું લખ્યું છે તો મને જ મારા હસ્તાક્ષર ઉકેલતાં તમ્મર આવી જાય😂😜

  4. સરસ સર ,
    અમને શું વાંચવું એ જણાવવા બદલ આભાર

  5. ખૂબ સુંદર.
    પાંચમાંના ત્રણ પુસ્તકો મારી પાસે વર્ષોથી છે અને કેટલીય વાર વાંચ્યા છે.

  6. તા.ક.
    # અબાઉ કલ નહીં પણ અબાઉ ઑલ.

    * દિનકર જોષી પાસેથી સરદાર પટેલ વિશે પણ જાણવા મળ્યું છે. એ પણ ઉત્તમ ચરિત્ર લેખક અને નવલકથાકાર છે.

  7. મારા ગમતા લેખકો અલગ હોઈ શકે છે. કારણ કે મારું વાંચન અધુરુ અને મર્યાદિત છે.
    છતાં જે છે એમાંથી યાદી કરું તો…
    ૧) ક.મા.મુનશી
    ૨) દિનકર જોષી
    ૩) વિનોદ ભટ્ટ
    ૪) સ્વામી સચ્ચિદાનંદ
    ૫) હરીન્દ્ર દવે/ ગુણવંત શાહ
    ક.મા.મુનશી પાસેથી શ્રી કૃષ્ણને જાણવાની અને ગુજરાતનો ઇતિહાસ (કાલ્પનિક છતાં)થી પરિચિત થયો.
    દિનકર જોષી પાસેથી પણ શ્રી કૃષ્ણને વધુ જાણ્યા ઉપરાંત ગાંધી, ઝીણા જેવા લોકોને (એમણે લીધું એ રૅફરન્સ અને ઑથેન્ટિક પુસ્તકોમાંથી હકીકતસહ) જાણવા મળ્યા.
    વિનોદ ભટ્ટે હસાવ્યો એટલું જ નહીં, ભારતની અન્ય ભાષામાં લખાયેલા હાસ્ય સાથે પરિચય કરાવ્યો ઉપરાંત હાસ્યમિમાંસા કરીને હાસ્ય-પ્રકારોથી પરિચિત કરાવ્યો.
    સ્વામી સચ્ચિદાનંદને તો ‘આધુનિક સંત’ માનું છું અને એમના પણ ‘મારા અનુભવો ‘ સિવાયના પુસ્તકો પણ વાંચ્યા, વાંચું છું.
    હરીન્દ્ર દવે સાચા અર્થમાં ‘ઑલરાઉન્ડર’ કહી શકાય. પત્રકાર, તંત્રી, કૉલમિસ્ટ, નવલકથાકાર, કુશળ વક્તા અને અબાઉ કલ, ઉત્તમ કવિ.
    ગુણવંત શાહ પણ સ-રસ નિબંધકાર અને અનુભવી, અઢળક વાંચીને લખનારા કૉલમિસ્ટ. ગુજરાતીમાં કદાચ આટલું અને ગુજરાતેત્તર ભાષામાં વાંચનાર અભ્યાસુ ‘મારા ધ્યાનમાં’ વિનોદ ભટ્ટ, કાંતિ ભટ્ટ અને તમે પોતે જ હશો. અહીં ગુજરાતી સિવાય મતલબ ફક્ત અંગ્રેજી જ નહીં, હિન્દી, સંસ્કૃત બધી જ ભાષાઓ છે.
    આ વાંચીને ચોક્કસ હસવું આવે એવી કૉમેન્ટ હશે પણ આ મારા વાંચનને આધારે લખ્યું છે.
    બીજા નામની વાત તમારા બીજા લેખ વખતે.🙂

  8. આભાર સૌરભભાઈ પુસ્તકોની યાદી સાથે સંક્ષેપ આપવા માટે !! તમે લખ્યું એ પ્રમાણે મૌલિક, અનુવાદિત પુસ્તકોની પણ યાદી પ્રગટ કરતાં રેહજો , જેથી અમને વાંચવા જેવા પુસ્તકોનો reference મળતો રહે !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here