તમે ફૅશનેબલ છો? દુનિયા માટે રિલેવન્ટ છો?

તડકભડકઃ સૌરભ શાહ

(‘સંસ્કાર’ પૂર્તિ, ’સંદેશ’, રવિવાર, ૧૪ જુલાઈ ૨૦૧૯)

લેટેસ્ટ સમાચારો અને લેટેસ્ટ મૉડેલના મોબાઈલ ફોનની સાથે લેટેસ્ટ ફૅશનનાં કપડાં તો આપણને જોઈએ જ છે, સાથોસાથ લેટેસ્ટ વિચારો પણ જોઈએ છે, કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ જોઈએ છે, જૂનું કશું જોઈતું નથી. જૂનવાણી વિચારો છોડી દેવા છે. નવા જમાનાની સાથે ચાલવું છે. થિયોરેટિકલી આ બધી વાતો સારી છે અને ફૉલો કરવા જેવી છે. કોલસાથી ચાલતા ઍન્જિનવાળી ટ્રેનને પકડી રાખશું તો ક્યારેય ડિઝલથી, ઈલેક્‌ટ્રિકથી કે મેગ્નેટથી ચાલતી ટ્રેનો નહીં આવે. બાપુની ગાડીને વળગી રહીશું તો બુલેટ ટ્રેનનો જમાનો નહીં આવે. કબૂલ.

પણ આવી કબૂલાત કર્યા પછી સહેજ રોકાઈને વિચારવું જોઈએ કે કઈ કઈ બાબતોમાં લેટેસ્ટ રહેવું છે, કઈ બાબતમાં છીએ ત્યાંના ત્યાં રહેવું છે અને કઈ બાબતમાં પાછળ જવું છે, જૂનવાણી બનવું છે. સુતરાઉ ન હોય એવા કાપડમાંથી બનેલા સૂટ પહેરીને, ઠંડી ન હોય એવી સિઝનમાં ગળે ટાઈ બાંધીને ફરવાનું આપણા દેશમાં જો ફૅશનેબલ ગણાતું હોય તો મારે નથી થવું ફૅશનેબલ. ખુલતાં કૉટન(કે લિનન) શર્ટ કે ઝભ્ભા આ દેશની આબોહવાને અનુકૂળ છે. ઠંડીના દિવસો આવે ત્યારની વાત ત્યારે. ગરમ કે સમશીતોષ્ણ આબોહવામાં યુરોપીયન પોશાકની નકલ કરીને, વધારે પૈસા ખર્ચીને અને અપાર અગવડો ભોગવીને જો ફૅશનેબલ ગણાવાનું હોય તો મારે નથી ગણાવું ફૅશનેબલ. આ બાબતમાં કોઈ મને જૂનવાણી કહી જશે તો ચાલશે.

બીજી એક બાબતમાં પણ ફરી જૂનવાણી બની જવું છે. ખાવાની બાબતમાં. સિનેમાના ઈન્ટરવલમાં પિત્ઝા-પૉપકૉર્ન નથી ખાવાં મારે. માઈક્રોવેવમાં રિ-ગરમ કરેલા વાસી સમોસાં અને સૅન્ડવિચ પણ નથી જોઈતી. એક જમાનામાં તાજા ગરમાગરમ સમોસાં ઈન્ટરવલના સમયે આવી જતાં. વેફરનાં નાનાં પડીકાં મળતાં. ઘરે કે બહાર હોટેલમાં ફ્યુઝનના નામે ચાલતી ધતિંગ વાનગીઓ નથી આરોગવી. અસલ સ્વાદવાળા વડાપાંઉ કે પાંઉભાજી જોઈએ છે – ચીઝ વિનાનાં, ડ્રાયફ્રૂટ્‌સ ઉમેર્યા વિનાનાં. શુધ્ધ ગુજરાતી જમણમાં પંજાબી શાક નથી જોઈતું. ભલે જૂનવાણી ગણાઈએ.

કપડાં અને ભોજન ઉપરાંત બીજી ઘણી બાબતો છે જેમાં લેટેસ્ટ મટીને જૂનવાણી બની જવું જોઈએ. છીએ ત્યાંના ત્યાં રહેવા માટેના વિષયો જોઈએ. લેન્ડલાઈન છોડીને મોબાઈલ લઈ લીધો. સારું થયું. લેવો જ જોઈએ. પણ હવે મોબાઈલના લેટેસ્ટ મૉડેલની પળોજણમાં પડવાનું રહેવા દો. ફોન સાવ નકામો થઈ ગયો એટલે કે તૂટીફૂટી ગયો કે ખોવાઈ ગયો તો પણ નવો ફોન લેટેસ્ટ મૉડેલનો લેવાની જરૂર નથી. ફોનમાં કૅમેરાનો લૅન્સ વધુ સારો હશે તો હશે. બીજી ચાર તથાકથિત નવી સગવડો હશે તો હશે. આપણને એની જરૂર છે? ના નથી. સ્કૂટર, બાઈક કે કારનાં નીતનવાં મૉડેલો તો આવતાં જ રહેવાનાં છે. એ બધું આપણા કામનું નથી. આપણું કામ જે ગાડીથી ચાલે છે એને સાચવીને વાપરીએ, રિપેરિંગ કરાવીએ, નિયમિત સર્વિસ કરાવીએ – એ જ આપણું કામ છે. જાહેરખબરો અને માર્કેટિંગના ખોટા હાઈપમાં તણાઈ જવાની જરૂર નથી.
આધુનિકતા સાથે કદમ મિલાવવા માટે ટેક્‌નોલૉજિ સાથે તાલ મિલાવવાની માનસિકતા કેળવવી જોઈએ. અને આ ટેક્‌નોલૉજિના દુરુપયોગથી બચવું જોઈએ. ટીવી સારું છે પણ કલાકો સુધી ચેનલ સર્ફિંગ કરવું ખોટું છે. મોબાઈલ સારો છે પણ આખો દિવસ સોશ્યલ મીડિયાની ઍપ્સ મચડમચડ કરવી તે ખોટું છે. ચેક લખવાનું છોડીને નેટ બૅન્કિંગ કરતાં થઈ જઈએ કે પછી ઉબર-ઓલા-મેરુની ઍપ વાપરતાં શીખી જઈએ કે પછી ઑનલાઈન ટિકિટ બુકિંગ/શૉપિંગ કરતાં શીખીએ તે જરૂરી છે. આપણો જ સમય બચવાનો છે, આપણી જ સુવિધા વધવાની છે એમાં.

આ બધી તો ભૌતિક સુવિધાઓની વાત થઈ. તમારે જો આ દુનિયામાં રિલેવન્ટ રહેવું હોય, આઉટડેટેડ ન બનવું હોય તો તમારે તમારી, માનસિકતાને સતત ફાઈન ટ્યુન કરવી પડે. તમારા આદર્શો અને સિધ્ધાંતો જે છે તે ટાઈમલેસ છે. સતત કામ કરવાનો આદર્શ કોઈ પણ જમાના માટે રિલેવન્ટ હોવાનો. પ્રામાણિકતાના સિધ્ધાંતને ક્યારેય કાટ નથી લાગવાનો. પણ આદર્શો-સિધ્ધાંતો સિવાયની બાબતોમાં તમારે તમારી જાતને સતત અપડેટ કરવી પડે. તમારી કામ કરવાની પધ્ધતિથી માંડીને તમારા કામ કરવાના ક્ષેત્રમાં દેશમાં અને પરદેશમાં શું શું નવું થઈ રહ્યું છે એની રજેરજની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. તમે જે ક્ષેત્રમાં કામ કરો છો એ ક્ષેત્રથી જેમને લાભ થાય છે એમની બદલાતી જતી અપેક્ષાઓને તમારે જાણવી પડે.

આ દુનિયાને ૨૫ વર્ષના યુથની એનર્જીની જેટલી જરૂર છે એટલી જ જરૂર ૭૫ વર્ષની અનુભવી વ્યક્તિની છે. એનર્જી અને અનુભવ વિના જગત આગળ વધવાનું નથી. ૨૫ વર્ષના યુથમાં જો એનર્જી નહીં હોય તો દુનિયાને એનું કશું કામ નથી. ૭૫ વર્ષની વ્યક્તિ પાસે વિશાળ દ્રષ્ટિવાળા અનુભવોનો ખજાનો નહીં હોય તો એ પણ દુનિયા માટે રિડન્ડન્ટ બની જશે.

દુનિયા માટે આપણે રિલેવન્ટ રહીએ એ જરૂરી છે. તો જ જિંદગી જીવવાની મઝા આવે કારણ કે આ દુનિયાને તમે માથે પડ્યા છો એવી ફીલિંગથી જીવવાની મઝા આવવાની નથી. પણ લેટેસ્ટ કે ફૅશનેબલ જિંદગી જીવવાનાં નૉર્મ્સ કે સ્ટાન્ડર્ડસ તમારે તમારાં પોતાનાં રાખવા પડશે. ગાડરિયા પ્રવાહમાં તણાઈને લેટેસ્ટ મૉડેલની કારમાં બેસીને લેટેસ્ટ મૉડેલના મોબાઈલ પર વાત કરનારા પાસે પોતાના કાર્યક્ષેત્રમાં બનતી લેટેસ્ટ ચહલપહલના પ્રવાહની જાણકારી નહીં હોય તો ભલે એ પોતાની જાતને ફૅશનેબલમાં ખપાવે, હશે એ પાક્કો જૂનવાણી.

પણ ૭૫ વર્ષે પણ કૉટનનો લેંઘો-ઝભ્ભો પહેરીને રોજ સવારે પોતાની ઑફિસે પહોંચી જનારાને પોતાના કાર્યક્ષેત્રમાં બનતી દુનિયાભરની માહિતી હોય તો એનું જીવન આ દુનિયા માટે રિલેવન્ટ છે. આવા લોકો ક્યારેય આઉટ ઑફ ડૅટ થવાના નથી.

પાન બનાર્સવાલા

તંદુરસ્તીભર્યું – ચુસ્ત શરીર એ જ બૅસ્ટ ફૅશન સ્ટેટમેન્ટ છે.

_જેસી સી. સ્કૉટ ( ૩૨ વર્ષની બ્લૉગર અને ઑથર)

2 COMMENTS

  1. હું ૭૬ વર્ષ ની ઉંમરે દુનિયા સાથે રિલેવન્ટ રહેવાની કોશિશ કરુ છું અને તંદુરસ્ત છું( દવાઓ ની સાથે). તમારી પોસ્ટ ખૂબ ગમી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here