‘ન્યુઝપ્રેમી’ના વાચકો જોગ સંદેશોઃ સૌરભ શાહ

સુજ્ઞશ્રી,

તમે સૌ જાણો છો કે ‘ન્યુઝપ્રેમી’ વન પેન આર્મીથી ચાલતું ડિજિટલ પોર્ટલ છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક (ટીવી) મીડિયાની મર્યાદાઓને દૂર કરવા થોડાં વર્ષ પહેલાં ડિજિટલ મીડિયા શોધાયું અને આજે દુનિયાભરમાં પ્રિન્ટ-ટીવીવાળાઓએ પણ પોતપોતાનાં ડિજિટલ માધ્યમો શરૂ કરી દીધાં છે.

‘ન્યુઝપ્રેમી’ પર જાન્યુઆરી ૨૦૧૭થી અત્યાર સુધી કુલ એક હજાર કરતાં વધુ લેખો પોસ્ટ થયા છે. અહીં તમને રાજકારણ અને કરન્ટ ટૉપિક્સ વિશે કોઈની ય શેહશરમ રાખ્યા વિનાનું ઍનેલિસિસ મળે છે. આ ઉપરાંત બીજા અનેક વિષયો વિશે રોચક ભાષામાં લખાયેલા અભ્યાસપૂર્ણ લેખો મળે છે. લતા મંગેશકર અને આર. ડી. બર્મનથી માંડીને ચાણક્ય અને રજનીશજી. સ્વામી સચ્ચિદાનંદથી માંડીને અર્નબ ગોસ્વામી. કોરોનાથી માંડીને ગોધરા હિન્દુ હત્યાકાંડ. ‘ગાઈડ’થી લઈને ‘ગૉડફાધર’. નર્મદ અને ચાર્લ્સ ડિકન્સથી માંડીને બાબા રામદેવ અને આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજસાહેબ. આ અને આવી કેટકેટલી ય વાતોનો ખજાનો ‘ન્યુઝપ્રેમી’ પર મોજૂદ છે. વિવિધ વિષયોમાં ‘ન્યુઝપ્રેમી’ પોતાના વાચકોને વૈચારિક ડુબકીઓ મરાવે છે (છબછબિયાં નહીં). અને ‘ન્યુઝપ્રેમી’ના સૌ વાચકો મરજીવા બનીને મોતી લઈને બહાર આવતા હોય છે. મનુષ્ય સ્વભાવની લાગણીઓ, સંબંધો તેમ જ રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નો વિશેનું ચિંતનમનન પણ તમારી સાથે નિયમિત વહેંચાતું રહે છે. ‘ન્યુઝપ્રેમી’ના વાચકો જાણે છે એમ આ કોઈ એક વિષયને લગતું ડિજિટલ પોર્ટલ નથી. અહીં વિષયોની ઘણી મોટી રેન્જ છે. વન પેન આર્મી વડે આટલા બધા વિષયો પરનાં ઑથેન્ટિક લખાણો પ્રગટ કરતું આવું ડિજિટલ પોર્ટલ ગુજરાતી ભાષામાં બીજે ક્યાંય જોવા નહીં મળે તેની ‘ન્યુઝપ્રેમી’ના વાચકોને ખબર છે. અંગ્રેજી સહિતની અન્ય ભાષાઓમાં પણ એકલા હાથે આટલા બધા વિષયો પર ભાગ્યે જ ખેડાણ થતું હશે.

‘ન્યુઝપ્રેમી’ પોતાનો સ્વતંત્ર મિજાજ જાળવી રાખવા જાહેરખબરો ઉઘરાવતું નથી, સ્પોન્સરશિપ સ્વીકારતું નથી. ‘ન્યુઝપ્રેમી’નો લાભ સમાજના દરેક સ્તરના ગુજરાતી વાચકો – ચાહે એ વિદ્યાર્થી હો, ચાહે ઓછું કમાનાર હો, ચાહે એ કોઈ પણ હો – લઈ શકે તે માટે ‘ન્યુઝપ્રેમી’માં ક્યારેય મનીવૉલ રાખવામાં નથી આવી. અર્થાત્ તમે અમુક રકમ ભરો તો જ તમને ‘ન્યુઝપ્રેમી’માં લોગઇન થવા મળે અને એ રકમ પૂરી થઈ જાય એટલે ફરી ‘ન્યુઝપ્રેમી’ની વાચનસામગ્રી તમારા માટે લૉક થઈ જાય એવી કોઈ ગોઠવણ સહેતુક રાખી નથી. કારણ આગળ કહ્યું તે જ – અહીંની વાચનસામગ્રી તમામ ગુજરાતી વાચકો માટે ઉપલબ્ધ હોવી જોઈએ. અને માત્ર નવી સામગ્રી જ નહીં, ‘ન્યુઝપ્રેમી’ના વિશાળ આર્કાઇવ્ઝનો ભંડાર પણ સૌ કોઈના માટે વિનામૂલ્યે ચોવીસે કલાક ખુલ્લો હોય છે.

‘ન્યુઝપ્રેમી’ પોતાના મૂલ્યવાન વાચકોનો કોઈ પણ પ્રકારનો ડેટા સંઘરતું નથી, માગતું જ નથી. આવા ડેટા ભેગા કરીને એને વેચવાનો ધીકતો ધંધો ચારેકોર ચાલે છે. ‘ન્યુઝપ્રેમી’ ન તો તમારા ફોનમાં કૂકીઝ ઘુસાડી દેવા માટેની પરવાનગી માગે છે, ન કમ્પલસરી લૉગઇન કરાવે છે, ન કોઈ ઍપ ડાઉનલાઉડ કરાવીને તમારા ફોનમાંની ખાનગી વિગતો પડાવી લેવાની પેરવી કરે છે. ‘ન્યુઝપ્રેમી’નું ખાતું તદ્દન સાદું-સીધું-સરળ છે. ભારતના એક આમ ગ્રામીણ નાગરિકના જીવન જેટલું સિમ્પલ છે. વેબસાઇટ ખોલો, વાંચો, પ્રસન્ન થાઓ.

‘ન્યુઝપ્રેમી’ના મોટા ભાગના લેખો (‘સંદેશ’ની બે સાપ્તાહિક કૉલમોના લેખોને બાદ કરતાં અને અગાઉ કોઈને કોઈ જગ્યાએ છપાઈ ચૂકેલા કેટલાક ક્લાસિક લેખોના અપવાદો સિવાયના લેખો) ખાસ મહેનત કરીને, કલાકો સુધી રિસર્ચ કરીને કે એકાન્તમાં ખૂબ ગહન ચિંતનમનન કરીને કે પછી વન પેન આર્મીની દાયકાઓથી જાળવણી પામેલી અને ઉત્તરોત્તર વધુ ને વધુ સદ્ધર બનતી જતી પર્સનલ લાયબ્રેરીમાં સચવાયેલા રેફરન્સ મટીરિયલને રિફર કરીને માત્ર ‘ન્યુઝપ્રેમી’ માટે જ લખાય છે. આ લેખો લખવા બદલ ‘ન્યુઝપ્રેમી’ના વાચકો તરફથી ભરપૂર પ્રેમ, આદર, પ્રશંસા મળે છે (ક્યારેક ટપલાં પણ પડે છે અને ક્યારેક વિરોધીઓની ગાળો પણ ખાવી પડે છે). આ તમામ માટે વન પેન આર્મી તમારું ઋણી છે.

પણ વખાણોથી પેટ ભરાતું નથી. ‘ન્યુઝપ્રેમી’ ચાલતું રહે એ જરૂરી છે. અલંકારની ભાષામાં કહીએ તો કાગળ ખરીદીને નિયમિત લખાતું રહે તે માટે પેનમાં શાહી પૂરવી અનિવાર્ય બની જાય છે. ‘ન્યુઝપ્રેમી’ના જે વાચકો સ્થિતિપાત્ર છે, જેમની પાસે ભગવાને આપેલું ઘણું છે એમને લગભગ દર મહિને આ પ્રકારની અપીલ મોકલાતી રહે છે. ‘ન્યુઝપ્રેમી’ પર મૂકાતા દરેક લેખના આરંભે, અંતે તેમ જ વચ્ચે (‘કટિંગ ચા’ સિરીઝ વાંચી તમે?) સ્વૈચ્છિક કૉન્ટ્રિબ્યુશન માટેની અપીલ પોસ્ટ કરવાનો નિર્ણય ઘણા સમયથી લીધો જ છે. આમ છતાં દર મહિને-પંદર દહાડે તમારું ધ્યાન દોરવું જરૂરી બને છે. જે લોકોની આર્થિક ત્રેવડ નથી કે કોઈ પણ કારણસર જેઓ સદ્‌વાંચન પાછળ પૈસા ખર્ચી શકે એમ નથી એ ગુજરાતીઓ સુધી પણ ‘ન્યુઝપ્રેમી’ની વાચન સામગ્રી આ જ રીતે — વિનામૂલ્યે, કોઈ સબસ્ક્રિપ્શન વિના, કોઈ મનીવૉલ વિના – પહોંચતી રહે (અને તમને પણ મળતી રહે) એ માટે તમે, જેઓ ઍફોર્ડ કરી શકો એમ છો તેઓ સૌ, દર મહિને ‘ન્યુઝપ્રેમી’ને તમારો સ્વૈચ્છિક ફાળો મોકલતા રહો એવી વિનંતી છે.

ઘણી વખત વાચકો પૂછતા હોય છે કે ‘ન્યુઝપ્રેમી’ને મિનિમમ કેટલી રકમ મોકલી શકાય? અને મૅક્સિમમ કેટલી રકમ તમે સ્વીકારો છો? આ બેઉ સવાલોનો જવાબ હસીને આ રીતે આપવામાં આવે છેઃ તમે 1થી 9 વચ્ચેનો તમારા માટેનો કોઈ પણ એક શુભ આંકડો મનમાં ધારો. હવે એની પાછળ તમારી આર્થિક સ્થિતિ વત્તા ‘ન્યુઝપ્રેમી’ની વાચન સામગ્રી માટેનો તમારો લગાવ વત્તા અત્યારનો તમારો મૂડ — આ ત્રણેયનો સરવાળો કરીને તમારા એ લકી નંબરની પાછળ તમને જેટલાં મીડાં મૂકવાનું યોગ્ય લાગે એટલી રકમ નક્કી કરો અને મોકલી આપો, બસ! જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફર વગેરેની વિગતો આ સાથે છે. તમારું નામ તથા ઓળખ કે તમારાં ફોન નંબર/ઇમેઇલ આઇડી ક્યાંય જાહેર નહીં કરવામાં આવે પણ તમારો વ્યક્તિગત આભાર માની શકાય એ બદલ એક સ્ક્રીનશૉટ 9004099112 પર અથવા hisaurabhshah@gmail.com પર મોકલી આપશો તો સારું.

અત્યાર સુધી જે વાચકોએ સ્વૈચ્છિક કૉન્ટ્રિબ્યુશનરૂપે રકમો મોકલી છે અને જે વાચકો નિયમિતપણે અચૂક દર મહિને મોકલતા રહે છે તે તમામ વાચકોનો હૃદયપૂર્વક આભાર.

બસ, આટલું જ કહેવાનું હતું.

—સૌરભ શાહ

(મહાશિવરાત્રિ. મંગળવાર, ૧ માર્ચ ૨૦૨૨)

2 COMMENTS

  1. આપના લેખ સમાજ ને સાચી દિશા તરફ લઈ જવા માટે અતિ ઉપયોગી અને માહિતી સભર હોય છે તે માટે આપને ખૂબ ખૂબ અભિનંદન💐💐👍👍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here