તમે લેવાવાળા છો કે આપવાવાળા

લાઉડમાઉથ : સૌરભ શાહ

(અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, ’સંદેશ’, બુધવાર, ૧૦ જુલાઈ ૨૦૧૯)

આ દુનિયા, તુલસી કહે છે એમ, જાતભાતના લોકોની બનેલી છે. આ દુનિયામાં દરેક જાતના લોકોનું મહત્વ છે, જગતને દરેકની જરૂર છે. કોઈ વ્યક્તિ અહીં નકામી નથી. કોઈની જરૂર સો ટકા છે તો કોઈની દસ ટકા. કોઈનું સો ટકા સત્ય આ દુનિયાને કામ લાગે એવું છે તો કોઈનું દસ ટકા. કોઈનું સત્ય એની આસપાસના લોકોને જ કામ લાગે છે તો કોઈનું જીવન વિશાળ પ્રજા માટે કામ લાગે છે. કોઈના ૨૪ કલાકની એકેએક મિનિટ કિંમતી હોય છે, કોઈના જીવનની પાંચ-દસ મિનિટ કે એના પાંચ-દસ કલાક દુનિયા માટે કામના હોય છે.

લોકોને તમે ભિન્ન ભિન્ન ખાનાઓમાં મૂકી શકો છો. એમને વિવિધ લેબલોથી ઓળખી શકો છો. આજે આપણે બે પ્રકારના લોકો વિશે વિચાર કરીએ.

એક પ્રકાર છે લેવાવાળાઓનો. તેઓ જ્યાં ત્યાંથી બધું લીધા જ કરે છે. એમની ઍટિટ્યુડ બીજાની દરેક સુવિધામાં ભાગ પડાવવાની હોય છે. બીજાનાં કામનું સારું પરિણામ આવ્યું હોય તો એને પોતાના નામે ચડાવી દેવામાં એમને પોતાની સ્માર્ટનેસ લાગતી હોય છે. તેઓ આ દુનિયાના રિસોર્સીસનો નીચોવીને ઉપયોગ કરતા રહે છે પણ કુદરતની સંપત્તિમાં તસુભાર ઉમેરો કરવામાં માનતા નથી. આવા લેવાવાળા લોકોને તમે તમારી આસપાસ જોયા છે. એમને તમારી પાસેથી સતત કશુંક જોઈતું જ હોય છે. એમણે માની લીધું હોય છે કે લેવું એ એમનો જન્મસિધ્ધ અધિકાર છે. તમે ના ન પાડી શકો એવી સિચ્યુએશનમાં તમને મૂકીને તમારી પાસેથી લેતાં એમને આવડી ગયું હોય છે. લઈ લઈને જતે દહાડે તેઓ ખૂબ આગળ વધે છે, સમૃધ્ધ પણ થાય છે છતાં એમને સૂઝતું નથી કે હવે તો લેવાવાળામાંથી આપવાવાળા બનીએ.

આપવાવાળાઓની જમાત સાવ નોખી હોય છે. તેઓ ઠાલવ્યા જ કરે છે, ઠાલવતા જ રહે છે, ખાલી થઈ જવાની કોઈ ભીતિ વગર ઠલવાતા રહે છે, નીચોવાતા રહે છે. આવા લોકો પણ અનેક તમે તમારી આસપાસ જોયા હશે. કુટુંબમાં અને સમાજમાં પણ. એમની પાસે અખૂટ ખજાનો હોય છે. આ ખજાનો ખાલી થઈ જવાનો કોઈ ડર એમને હોતો નથી. આવા લોકો પર કુદરત પણ મહેરબાન હોય છે. તેઓ લક્ષ્મીપુત્ર હોય કે સરસ્વતીપુત્ર- મા લક્ષ્મી કે મા સરસ્વતી કદીય એમનો ખજાનો ખાલી થવા દેતી નથી. આપણી પરંપરામાં સમૃધ્ધિ અને વિદ્યાની દેવીઓ તો છે પણ લાગણીની-જઝ્‌બાતની કોઈ દેવી છે? ખ્યાલ નથી. બહુતેક તો નથી. હોવી જોઈએ. કલ્પના કરીએ કે આર્થિક સમૃધ્ધિ કે વિદ્યાની સમૃધ્ધિની માફક કોઈ લાગણીની પણ દેવી છે તો ઘણા લોકોને આ દેવીના આશીર્વાદ હોય છે. તેઓ પોતાની આસપાસના લોકોમાં સતત લાગણીઓ વહેંચતા રહે છે, બીજાઓને ખુશ જોઈને પોતે ખુશહાલ થઈ જતા હોય છે, બીજાઓનો મૂડ ઑફ હોય તો એમને મૂડમાં લાવવા પોતાનો જાન આપવા તૈયાર થઈ જતા હોય છે. આવા ભલા માણસો, કેટલાક લોકો માને છે કે, આજની દુનિયામાં ઘટી રહ્યા છે પણ ઈટ ડિપેન્ડ્‌સ કે તમે કેવા લોકોના સંપર્કમાં છો કે તમે તમારા વાતાવરણમાં કેવા લોકોને પ્રવેશવા દો છો કે પછી દૂર રાખો છો. તમારું વ્યક્તિત્વ કેવા પ્રકારના લોકોને તમારા તરફ આકર્ષી શકે છે એના પર આ વાતનો આધાર છે. તમે ભલા હશો તો બીજા ભલા લોકો તમને ભટકાવાના જ છે. અને તમે કાટ હશો, ઝેરીલા કે ડંખીલા હશો તો તમને તમારી એવી જ પ્રકૃતિને પોષે એવા લોકો ભટકાવાના છે.

આપવાવાળા અને લેવાવાળા જેવી જ, આમ તો એના કરતાં તદ્દ્ન વિરોધાભાસી બીજી બે કૅટેગરીઓ છે. તેઓ આપવાવાળા નહીં પણ ફેંકવાવાળા છે. ગરિમાથી કોઈને કશું આપવાને બદલે તેઓ બીજાઓને ભિક્ષુક માનીને ખૈરાત કરતા રહે છે. આપવામાં સંસ્કારિતા છે. ફેંકવામાં મવાલીગીરી છે. કોઈને ગુપચુપ આર્થિક રીતે મદદ કરવી એમાં ગરિમા છે. પણ દાન આપીને એનો ઢંઢેરો પીટવો એ સંસ્કારિતા નથી. આપણી પરંપરા તો એમ કહે છે આપણે જમણા હાથે આપેલા દાનની ખબર આપણા ડાબા હાથને પણ ન થવી જોઈએ. પણ આપવામાં માનવાને બદલે ફેંકવામાં જેઓ માનતા હોય છે તેઓ આવી પરંપરામાં માનતા નથી.

લેવાવાળા કરતાં તદ્દન જુદી જ કૅટેગરી સ્વીકારવાવાળાઓની છે. તેઓ લે છે પણ કોઈ સામેથી કંઈ આપે ત્યારે અને પોતાને એની જરૂર હોય ત્યારે જ લે છે. આવા લેવાની ક્રિયાને સ્વીકારવાની ગરિમા પ્રદાન કરે છે. સ્વીકારવાવાળાઓથી સમાજ શોભે છે, લેવાવાળાઓથી સમાજ બંધિયાર બનતો જાય છે. સ્વીકારવાવાળાઓને કારણે આ સમાજને ૠણ અદા કરવાનો અવસર પ્રાપ્ત થાય છે.

લેવું અને આપવું. ફેંકવું અને સ્વીકારવું. આટલી વાત સમજી લીધા પછી આ દુનિયાના લોકોને આપણે જરા વધારે સારી રીતે સમજી શકીશું.

આ ચાર ઉપરાંત પાંચમી એક કૅટેગરી પણ છે. માગવાવાળાઓની. એમ તો હજુ એક કૅટેગરી છીનવી લેનારાઓની પણ છે. પણ પંચવટીમાં શ્રીરામના સાનિધ્યને માણતાં માણતાં શું કામ રાવણની લંકાની કલ્પનાઓ કરવી. ત્યારની વાત ત્યારે.

સાયલન્સ પ્લીઝ!

આજે જે ‘છે’, તે આવતી કાલે થશે ‘હતાં’,
તકતીઓ દ્વાર પર, અને વ્યક્તિઓ લાપતા.

_મુકુલ ચોક્સી

3 COMMENTS

  1. ગુરુ પૂર્ણિમા નાં વંદન… જિંદગીમાં બને એટલું આપવું … એમાં જ જિંદગી ની સાર્થકતા…!!!
    …!!!

  2. ગુરુ પૂર્ણિમા નાં વંદન… જિંદગીમાં બને એટલું આપવું … એમાં જ જિંદગી ની સાર્થકતા…!!!

  3. વાહ ! લેવાવાળા અને સ્વીકારવાવાળા તેમજ આપવાવાળા અને ફેંકવવાળા વચ્ચેનો ભેદ ખૂબ સરસ રીતે સમજાવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here