‘સંસારમાં એવી કોઈ સમસ્યા એવી નથી જેનો ઉકેલ ન હોય’— હરદ્વારના યોગગ્રામમાં ૧૮મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર વદ બીજ, વિક્રમ સંવત ૨૦૭૮. સોમવાર, ૧૮ એપ્રિલ ૨૦૨૨)

સ્વામી રામદેવ ગઈ કાલે અને પરમ દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં યોગશિબિર કરવા ગયા હતા. રાષ્ટ્રપતિ ભવનના ગાર્ડનમાં ત્યાંના સિનિયર અધિકારીઓ અને તમામ સ્ટાફને યોગની પ્રેરણા – તાલિમ આપીને પાછા યોગગ્રામ આવી ગયા છે.

આજે સ્વામીજીએ કહ્યું કે રોગ થવાનાં કારણો અનેક હોય છેઃ ‘ઓછી શારીરિક પ્રવૃત્તિ, વધુ પડતું ભોજન, સ્ટ્રેસ, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, જેનેટિક કારણો, બેક્ટેરિયલ/વાઈરસ/ફંગલ ડિસીઝ, પોલ્યુશનને કારણે થતાં ડિસીઝ, એક ડિસીઝને કારણે થતા બીજા ડિસીઝ, ડ્રગ્સ (દવાઓ)ની ઍડવર્સ ઇફેક્ટને કારણે થતા ડિસીઝ, અલગ અલગ ઋતુઓને કારણે થતી વિવિધ એલર્જીઓને લીધે થતા ડિસીઝ… આ સૌ કારણોને ભેગાં કરીને કહેવું હોય તો કહી શકીએ કે આપણે આપણી સનાતન જીવનપદ્ધતિને છોડી દીધી છે એટલે આ બધા રોગ શરીરમાં પ્રવેશે છે. વ્યાપકરૂપે કહું તો આપણે યોગ – યજ્ઞ, આયુર્વેદ, નેચરોપથી – નિસર્ગ – પ્રકૃતિથી મોં ફેરવી લીધું એટલે વિકૃતિ પ્રવેશી ગઈ. ફરી એક વાર યોગ તરફ, યજ્ઞ તરફ, આયુર્વેદ તરફ, વેદ તરફ પાછા વળીએ નિસર્ગ તરફ વળીએ – પછી જુઓ, જીવનમાં કોઈ રોગ રહેશે જ નહીં. આ બધા રોગ મટાડીને તમને અહીંથી પાછા મોકલીએ છીએ. ખાલી પ્રવચન – ભાષણ નથી કરતા, ખાલી આશ્વાસન નથી આપતા…’

સ્વામીજી જે કંઈ કહેતા હોય છે એની પાછળ એમનો માત્ર વર્ષોનો અનુભવ જ નથી હોતો, લેબોરેટરીનાં પ્રમાણો પણ હોય છે- પ્રાણાયામના ફાયદાઓ, યોગાસન, આયુર્વેદની દવાઓ – બધાં વિશે રિસર્ચ કરીને સર્ટિફિકેટ મેળવીને તેઓ વાત કરતા હોય છે

સ્વામીજીએ આજે કહ્યું કે, ‘માત્ર એક – બે સપ્તાહથી લઈને એક – બે મહિના માટે તમારી જીભ પર નિયંત્રણ રાખી લો, ખાવાપીવા પર કાબૂ રાખી લો. આટલું કરશો તો આખી જિંદગી બદલાઈ જશે – તમારા જૂના દિવસો પાછા આવી જશે, બાળપણના – જુવાનીના. તમે ભૂલો તો કરી જ છે – થોડી વારની મજા, જિંદગી આખીની સજા. થોડી વાર માટે રસગુલ્લાં ખાધાં, પાણીપુરી ખાધી, ટેઢીમેઢી જલેબીઓ ખાઈને ખુદ ટેઢામેઢા થઈ ગયા, ગોળ ગોળ લાડવા ખાઈને ખુદ લડ્ડુગોપાલ થઈ ગયા! થોડો તો સંયમ રાખો. ખાધું છે આટલું મઝાથી – જોરથી, તો એકવાર ઉપવાસો પણ જોરથી – મઝાથી કરી નાખો. એક વાર મન મક્કમ કરીને થોડો કૉન્ફિડન્સ લાવી દો. કેટલાક લોકો તો એકએક મહિનાના ઉપવાસ સહેલાઈથી કરી લે છે, બે – બે મહિનાના પણ કરે છે. અને અમે ઉપવાસમાં અતિવાદી નથી બનતા. અમે તો કહીએ છીએ કે ઉપવાસમાં દૂધીનો રસ પી લો, એમાં તુલસી, ફૂદીનો, લીંબુ નાખો. દૂધીનું શાક ખાઓ, દૂધીનો સુપ બનાવી લો. માત્ર સફરજન પર ઉપવાસ કરો. માત્ર દાડમ ખાઈને ઉપવાસ કરી લો, પપૈયા કે તરબૂચ પર રહીને ઉપવાસ કરો. ઘણા લોકોને ખાધા વિના ચેન નથી પડતું. મૂડ સ્વિંગ થઈ જાય છે. તો એક લીટર તરબૂચનો જ્યુસ પી જાઓ, કોણ રોકે છે તમને. જ્યુસ કરતાં પણ ખાશો તો વધારે સારું. જેમને બહુ કફ – કોલ્ડ હોય તેઓ માત્ર ખજૂર પર રહીને ઉપવાસ કરે. જલોપવાસ થઈ શકે – માત્ર પાણી પર રહીને. સૂપોપવાસ કરી શકો – માત્ર સૂપ પીવાનો. ફળોપવાસ, શાકોપવાસ થઈ શકે. જેમના શરીરમાં પાણીનો બહુ ભરાવો થઈ ગયો હોય એમને નિર્જળા ઉપવાસ પણ કરાવીએ છીએ. ઉપવાસમાં ત્રણ ચીજો ક્યારેય નહીં ખાતા. એક તો અનાજ અને એમાંય ઘઉં અને ચોખા તો બહુ જ હાનિકારક છે. અનાજમાં આટલાં બધાં અલગ અલગ વૈવિધ્ય મળે છે, તે ખાઓ. આજથી ગળ્યું બંધ, નમક પણ બંધ. બીપી ડાઉન થઈ જાય તો થોડું સિંધવ – ચપટીક જ – લઈ લો. એની પણ જરૂર નથી. અશ્વગંધા અથવા ગરમ પાણીમાં શિલાજિત લઈ લેવાની. ઘોડાની જેમ દોડતા થઈ જશો. ઘણા લો બીપીવાળા લોકો ચક્કર આવે ત્યારે પાણીમાં અડધી ચમચી નમકમાં ચાર ચમચી ખાંડ નાખીને પી જતા હોય છે. આ બેઉ ઝેર છે. શું કામ આવી ઉટપટાંગ ટેવોમાં ફસાઓ છો? જેમણે તમને આવી સલાહ આપી હોય તે બેવકૂફ છે. આપણને ઘણી બધી ગલત વાતો કહેવામાં આવી છે – બીમારીઓ વિશે, ધર્મ વિશે, સંસ્કૃતિ વિશે, રીતરિવાજો વિશે, અધ્યાત્મ વિશે, રાજનીતિ વિશે, પૂજાપાઠ વિશે, શાસ્ત્રો વિશે, અભ્યાસ વિશે, ખેતી અને બિઝનેસ વિશે, કમાણી વિશે – કેટકેટલીય ગલતફહેમીઓ આપણા મનમાં ઘુસાડી દેવામાં આવી છે. આમાંથી કેટકેટલી વાતો વિશેની ગેરમાન્યતાઓ મારે દૂર કરવાની છે. પહેલાં તો બીમારીઓ વિશેની ગલતફહેમીઓ દૂર કરવાનું કામ હું કરી રહ્યો છું… આપણને ખોટું કહેવામાં આવ્યું છે કે બીપી, શ્યુગર, થાયરોઈડ, અસ્થમા, આર્થરાઈટ્‌સ, જેવી અનેક બીમારીઓનો કોઈ ઇલાજ નથી. એવી કોઈ સમસ્યા આ દુનિયામાં નથી જેનો ઇલાજ ન હોય- ચાહે એ બીમારી હોય, ચાહે એ વ્યક્તિગત, પારિવારિક, સામાજિક, આર્થિક, રાજનીતિક, ધાર્મિક— સંસારમાં કોઈ પણ પ્રકારની સમસ્યા એવી નથી જેનો ઉકેલ ન હોય. દરેક સમસ્યાનું સમાધાન હોય છે, એનો ઇલાજ હોવાનો જ છે. કેટલાક લોકો કહેતા હતા કે સવાર સવારમાં ઉઠીએ છીએ ત્યારે અઝાન સંભળાય છે, અમને પરેશાન કરવામાં આવે છે- આજકાલ એનો પણ ઇલાજ થઈ રહ્યો છે! એમની મસ્જિદની સામે જ હનુમાન ચાલીસા ગવાય છે. એ લોકો પૂછેઃ ‘આ બધું શું ચાલે છે?’ તો જવાબ મળે છેઃ ‘તું કેમ (લાઉડસ્પીકર) વગાડી રહ્યો છે!’ એ લોકો ફરિયાદ કરે કે, ‘તમે ઘોંઘાટ કરી રહ્યા છો’ તો એમને જવાબ મળે છેઃ ‘તો તમે શું આટલાં વર્ષોથી (લાઉડસ્પીકર દ્વારા) શાંતિ ફેલાવી રહ્યા હતા?’ દરેક સમસ્યાનું સમાધાન હોય છે- યુક્રેન અને રશિયાની સમસ્યાનો પણ ઉકેલ આવશે- દરેક સમસ્યાનો ઇલાજ હોવાનો છે- ચાહે યુદ્ધથી હો યા યોગથી, ચાહે શાંતિથી હો યા ક્રાન્તિથી.’

સ્વામીજી જે કંઈ કહેતા હોય છે એની પાછળ એમનો માત્ર વર્ષોનો અનુભવ જ નથી હોતો, લેબોરેટરીનાં પ્રમાણો પણ હોય છે- પ્રાણાયામના ફાયદાઓ, યોગાસન, આયુર્વેદની દવાઓ – બધાં વિશે રિસર્ચ કરીને સર્ટિફિકેટ મેળવીને તેઓ વાત કરતા હોય છે. કોરોના વખતે ‘કોરોનિલ’ની અક્સીર દવા બજારમાં મૂકી ત્યારે એની દરેક કિટની સાથે આવું સર્ટિફિકેટ મૂકવામાં આવતું. હજુ પણ મૂકાય છે. તમામ વિધિઓ પૂરી કરીને પરમિશનો લઈને ‘કોરોનિલ’ બજારમાં આવી ત્યારે મેડિકલ માફિયાઓએ મીડિયા-માફિયાની મદદ વડે જાણે ભૂકંપ આવ્યો હોય એવી ગભરામણ ફેલાવી દીધી. અદાલતોમાં કેસ થયા. ગવર્નમેન્ટને ગભરાવી દેવામાં આવી. બ્યુરોક્રેટ્સને અને ન્યાયતંત્રના પીઠાધીશોને બેબાકળા બનાવી દેવામાં આવ્યા. ‘કોરોનિલ’ પર રાતોરાત પ્રતિબંધ આવી ગયો. અનેક દેશોએ એની આયાત પર પાબંદી મૂકી દીધી. સમય જતાં ભારતમાંથી આ પ્રતિબંધ હટી ગયો પણ નુકસાન કરનારાઓએ ટેમ્પરરી નુકસાન તો કરી જ નાખ્યું.

સ્વામીજીએ આજે ભારપૂર્વક કહ્યું કે, ‘આખા સંસારમાં જૂઠ ફેલાવવામાં આવ્યું છે કે બીપી, શ્યુગર, થાઇરોઇડ, અસ્થમા, આર્થરાઇટીસની કોઈ બીમારી ક્યોર નથી થતી અને સરકારોએ પણ આવા લોકોને સંરક્ષણ આપી દીધું—ડ્રગ ઍન્ડ મૅડિકલ રેમિડી એક્ટ બનાવીને. કોઈ એવું કહે કે આ બધા રોગ ઉપરાંત ફૅટી લીવર, લીવર સિરોસિસ, હેપિટાઇટિસ, પેન્ક્રિટાઇટિસ, ટાઇપ વન ડાયાબીટીસ, લંગ ફાઇબ્રોસિસ ક્યોર થઈ શકે છે કે હાર્ટના બ્લોકેજને રિવર્સ કરવાનું શક્ય છે, ડિમેન્શિયા, આલ્ઝાઇમર્સ કે પાર્કિન્સન્સ જેવા મગજના રોગો સાજા થઈ શકે છે, તો કહેશે કે આને જેલમાં નાખી દો. હું કહું છું કે નાખો મને જેલમાં, કોઈની હિંમત હોય તો. લોકોમાં ગલતફહેમીઓ એ હદ સુધી નાખી દેવામાં આવી છે કે જિંદગીભર દવાઓ ખાતા રહો. આ શું ચક્કર છે? દર્દીઓ કહેતા હોય છેઃ ‘ગુરુજી, શું કરીએ? બીજો કોઈ રસ્તો જ નથી!’ હું કહું છું કે ‘રસ્તો છે. મને સાંભળો તો ખરા. હું જે કહું એ પ્રમાણે કરતો થઈ જા.’ તો કહેશે, ‘ગુરુજી એમાં તો મહેનત કરવી પડે?’ હું કહું છું કે વગર મહેનતે શું થતું હોય છે એ મને કહે- વગર મહેનતે ખેતીવાડી થાય ખરી? વગર મહેનતે વ્યાપાર થાય છે? વગર મહેનતે રાજનીતિ થાય છે? આદરણીય મોદીજી, અમિતજી, યોગીજી— આજે રાજકારણના ક્ષેત્રના જેટલા આવા બધા સિતારાઓ છે તેઓ રાત્રે સપનામાં પણ રાજનીતિ કરતા હોય છે. ટ્વેન્ટી ફોર અવર્સ પોલિટિક્સ ચલતી હૈ ઉનકી… અપને સપને મેં નહીં દૂસરોં કે સપને મેં આતે હૈં! યે જબ તક જિંદા હૈ તબ તક અપની બાત બનેગી નહીં- એવું કેટલાક લોકોને લાગતું હોય છે! કોઈ પણ બાબત માટે ચોવીસ કલાક જીવવું પડતું હોય છે. હું યોગને 24 કલાક જીવું છું, આયુર્વેદને—સ્વદેશીને 24 કલાક જીવું છું.’

અગાઉ ક્યારેય નહોતા એટલા બધા રોગ હવે થવા માંડ્યા છે, કેટલાક તો વળી નવા નીકળ્યા છે. કહેવામાં આવે છે કે આમાંના મોટાભાગના લાઇફસ્ટાઇલ ડિસીઝ છે

ભુજંગાસન નિયમિત કરતાં શીખી જઈશું તો ભવિષ્યમાં આલ્ઝાઇમર્સ કે પાર્કિન્સન્સનો ભોગ નહીં બનવું પડે. અત્યારે મારાથી ભુજંગાસન માંડ માંડ થાય છે. વધુ પ્રેક્ટિસ કરીશ તો ધીમે ધીમે પાંચ અને પછી દસ, પંદર વાર કરતાં થઈ જવાશે. દરેક આસન કરતી વખતે પ્રાણાયામ કરીએ છીએ તો ફાયદો વધારે થાય. જેમ કે મંડૂકાસન કરતી વખતે કપાલભાંતિ કરો તો સારું. શ્વાસ પરનું નિયંત્રણ ત્યારે આવે જ્યારે તમે નિયમિત પ્રાણાયામ કરતા હો અને બાકીનો વખત પણ તમારા શ્વાસ–ઉચ્છવાસ માટે તમે એટલા સભાન હો ત્યારે આ નિયંત્રણ આવે. એક વખત પ્રેક્ટિસ થઈ ગયા પછી અજાગૃત મનમાં આ બધું સચવાઈ જશે અને સભાન પ્રયત્નો વિના જ તમે લાંબાં-ઊંડા શ્વાસ લેતાં થઈ જશો. આને કારણે શરીરમાં વધુ પ્રમાણમાં ઑક્સિજન પહોંચે છે, લોહીની શુદ્ધિ વધારે થાય છે અને પરિણામે શરીર નિરોગી થતું જાય છે, તમારી સ્ટેમિના વધતી જાય છે. અહીં યોગગ્રામમાં હું બને ત્યાં સુધી સવારે અને સાંજે ચાલવા નીકળી પડું છું. મેં એક સર્કિટ બનાવી છે. એ પૂરી કરીને રૂમ પર પાછો આવતો ત્યારે શરૂમાં મને બાવીસ મિનિટ લાગતી અને હાંફ ચડતી. ધીમે ધીમે હાંફ ચડવાની બંધ થઈ ગઈ. પછી સહેજ વધારે ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. વીસ મિનિટમાં ચક્કર પૂરું કરતો થઈ ગયો. બિલકુલ થાક્યા વિના. હવે 18 મિનિટ જ લાગે છે અને ચાલ્યા પછી વધારે તાજગી ફીલ થાય છે.

અગાઉ ક્યારેય નહોતા એટલા બધા રોગ હવે થવા માંડ્યા છે, કેટલાક તો વળી નવા નીકળ્યા છે. કહેવામાં આવે છે કે આમાંના મોટાભાગના લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. તે તો હશે જ. ખાવાપીવાની ટેવો બદલાતી ગઈ, સ્ટ્રેસ વધી ગયો —આ બધાને લીધે વધારે લોકો રોગી બનવા લાગ્યા છે. ખરી વાત છે. પણ ડૉ. મહેરવાન ભમગરાએ આના સંદર્ભે એક જોરદાર વાત કહી છે જે તમારી સાથે શેર કર્યા વિના રહી શકતો નથી. એમના જ શબ્દોમાં મૂકું છું:

ડૉ. મહેરવાન ભમગરા આગળ કહે છે: ‘આમાં વાંક ડૉક્ટરોનો નથી. પણ તેમને અપાતી કેળવણીનો છે. ઘણા ડૉક્ટરોનો ઇરાદો અને મુરાદ-બેઉ શુદ્ધ હોય છે; પરંતુ તેથી શું વળે?..’

‘પૂરી નમ્રતાથી પણ જોરદાર લાગણીપૂર્વક હું મારા લાંબા અભ્યાસ પછી બંધાયેલો અભિપ્રાય રજૂ કરવા માગું છું: તે એ છે કે તાજેતરમાં હૃદયરોગોનો, કિડનીના રોગોનો, ડાયાબીટીસ રોગનો, અને કૅન્સરનો જે વિસ્ફોટ થયેલો જોવા મળે છે, તેનાં પોતાનાં જુદાં કારણો તો હશે જ; પરંતુ મારા મતે એ વિસ્ફોટ સામાન્ય દુખાવો તથા શરદી-ખાંસી તથા કબજિયાત જેવા રોગોને દબાવવા માટે – મટાડવા માટે નહીં, દબાવવા માટે – જે દવાઓ લેવામાં આવે છે, તેને કારણે થયો છે. એ બધા રોગો જડ ઘાલી બેસીને ક્રોનિક થઈ જાય છે તેનું મુખ્ય કારણ એ છે કે એ રોગોનાં મૂળ કારણો સુધી પહોંચવાને બદલે તે રોગોની વેદના જેવાં બાહ્ય લક્ષણો દબાવી દેવા માટેની દવાઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આવા રોગોને ‘ઇયાટ્રોજેનિક ડિસીઝ’ કહેવામાં આવે છે. ઇયાટ્રોસ એટલે દાક્તર. ગુજરાતીમાં એનો અર્થ થાય —‘દાક્તરે કે તેની દવાઓએ ઊભા કરેલા રોગ’. હાલમાં તે જ રોગ મોટા પ્રમાણમાં વધતા ચાલ્યા છે. તેવા ઘણા નવા રોગો સીધી કે આડકતરી રીતે ડૉક્ટરોએ કે તેમની દવાઓએ જ ઊભા કરેલા છે.’

સ્વામી રામદેવ જ્યારે મેડિકલ માફિયાઓ કે ડ્રગ માફિયાઓ શબ્દપ્રયોગ કરે છે ત્યારે કેટલાક લોકોને ચટકું લાગી જાય છે (જેમ હું મીડિયામાફિયા કહું છું ત્યારે મારા જાતભાઈઓમાં જેઓ કમજાત ભાઈઓ છે એમને માઠું લાગી જાય છે). એક વાત છે. જો કોઈ પત્રકારોને, મીડિયાને કે લેખકોને–સાહિત્યકારોને અપશબ્દોથી નવાજતું હોય તો મને ક્યારેય ખોટું નથી લાગતું. હાલાંકિ 44 વર્ષથી હું આ ફિલ્ડમાં કામ કરું છું અને હંમેશાં અહીંથી જ આજીવિકા રળું છું, આજે પણ. મને માઠું નથી લાગતું કારણ કે તેઓ મિડિયામાં જે પ્રકારના લોકોને ટાર્ગેટ કરતા હોય છે એવો હું નથી. સિમ્પલ. એટલે મેડિકલ ફિલ્ડમાં જેઓ પોતે મેડિકલમાફિયા કે ડ્રગમાફિયાઓથી પ્રભાવિત થયા વિના શુદ્ધ પ્રોફેશનલ આચરણ કરતા હોય એવા ડૉક્ટરો-કેમિસ્ટો કે પેરામેડિક્સ વગેરેએ કે લેબોરેટરી ચલાવનારાઓ કે હૉસ્પિટલો ચલાવનારાઓએ માઠું લગાડવાનું કોઈ કારણ નથી- જ્યારે એમના ફિલ્ડના ગુંડાબદમાશોને અને ક્રિમિનલોને ડ્રગમાફિયા કે મેડિકલ માફિયા જેવા શબ્દોથી ઓળખવામાં આવતા હોય ત્યારે. સિમ્પલ.

ડૉ. મહેરવાન ભમગરા આગળ કહે છે: ‘આમાં વાંક ડૉક્ટરોનો નથી. પણ તેમને અપાતી કેળવણીનો છે. ઘણા ડૉક્ટરોનો ઇરાદો અને મુરાદ-બેઉ શુદ્ધ હોય છે; પરંતુ તેથી શું વળે? તેમની ઉપચારપદ્ધતિનાં પરિણામો હાનિકારક જ હોય છે. એમ તો નરકનો માર્ગ પણ શુભ હેતુથી કરાયેલાં કર્મો વડે જ અંકિત થયેલો હોતો નથી? ડૉક્ટરોનો ઇરાદો ગમે તેટલો સારો હોય પણ ઝેર ઝેર જ રહેવાનું છે અને તેનાં પરિણામ પણ ઝેર જ જેવાં જ આવવાનાં છે.’

આય થિન્ક, આજે અહીં જ અટકીએ. કાલે મળીએ.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. તમારો લેખ વાચતી વખતે અમે યોગગ્રામ માં ફરીને આવ્યા એવો અનુભવ થાય છે ખરેખર મજા આવે છે વાચવાની

  2. khub saras, hu ek homeopath chu and je vat Dr. Bhamgarasaheb e kari che e j vat aaj thi 200 yrs pehla Dr.Hahnemann – founder of homeopathy e pan kari hati…tame khub j simple language ma aa vat aaje layman sudhi pahochado che, aabhar…

  3. સ્વામીજી ખૂબજ સંવેદનશીલ છે અને સૌના ભલા માટે કામ કરી રહ્યા છે.
    સાતમી સદીથી શરુ થયેલ વૈચારિક / શારીરિક કૃરતાની હદ વટાવતો / વિસ્તારવાદી / ધીમા ઝેર જેવી પ્રવૃત્તિ ચલાવતો / સદીઓ વિતવા છતાં કાબુમાં ન આવતો આતંકવાદ – આજના નાના થતા જગતનો પ્રાણપ્રશ્ન રહ્યો છે.
    સૌનું કલ્યાણ થાય – તેજ પ્રાર્થના.

  4. Being in journalism u must have used/damage your eyes (tons of reading/research/cross check ing n equal amount of writing) being an active n passionate reader i too has damaged my eyesights plus there is always the evils of using mobile/computers, so please write something benefitting/remedies for eyes or improving this every growing (but hidden) problem

  5. સૌરભ ભાઈ ખરેખર તમારી સાથે અમને પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તમારા અનુભવ વેચવાની મજા આવે છે .અમે પણ આશ્રમ ની સેર કરીએ છીએ. અને બને તેમ ત્યા જવાનુ મન બનાવીને છીએ. ભગવાન કરે ને તમે છો ત્યા સુધી અવાય તો બે લાભ મળે.

  6. ઉપવાસ એટલે પાણી સિવાય કોઈ જ ન લેવું એવી માન્યતા હતી પણ આવી રીતે પણ ઉપવાસ થઈ શકે છે. એ પણ જાણ્યું
    ખૂબ સરસ માહિતી છે.સુપોસવાસ એ પણ ઘણા પ્રકારે વાહ

  7. સૌરભ ભાઈ,
    તમે તો મઝામાં છો જ.
    પણ અમને પણ મઝા કરાવો છો.

    તમારો સૂપોપવાસ શબ્દપ્રયોગ ગમ્યો.
    બાય ધ વે, સૂપ શબ્દ મોટા ભાગનાને અંગ્રેજી લાગે પણ એ શુદ્ધ સંસ્કૃત શબ્દ છે.

    ચરક સંહિતામાં છૂટથી આ શબ્દ વપરાયો છે. આપણી રોજિંદી દાળ માટે પણ ચરકમાં સૂપ શબ્દ છે. માત્ર શાકભાજીનો જ નહિ પણ કઠોળનો પણ સૂપ. मुदगयूष सुप्योतमानाम् (उत्तमं) બધી દાળમાં મગની દાળ શ્રેષ્ઠ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here