‘યોગાસન કરતી વખતે પરસેવો ટપકવો જોઈએ, નહીં તો તમે ટપકી જશો!’ – હરદ્વારના યોગગ્રામમાં ૧૭મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર વદ એકમ, વિક્રમ સંવત ૨૦૭૮. રવિવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૨)

યોગગ્રામ વિશે કોઈ સટિક વ્યાખ્યા આપવી હોય તો હું કહીશ કે આ એક ઑલિમ્પિક્સની રમત માટેનું તાલિમનું મેદાન છે —ટ્રેઈનિંગ ગ્રાઉન્ડ—જ્યાં અનેક નિષ્ણાત, અનુભવી ટ્રેઈનર્સ મોજૂદ છે અને તમને તમારી કૅપેસિટી મુજબ, તમારી જરૂરિયાત મુજબ, તેઓ દોડવાની ટ્રેઈનિંગ આપે છે. તમારે 100 મીટર, 200 મીટર, 400 મીટરની સ્પ્રિન્ટ દોડવી છે કે પછી મૅરેથોન રનર બનવું છે એ તમારે પોતે નક્કી કરવાનું. ટ્રેઈનર્સ તમને બધી જ તાલિમ આપશે, તમને કિંમતી ટિપ્સ આપશે કે આ રીતે ન થાય, આ રીતે કરવાનું. તમારી ક્ષમતા વધારવા માટે શું શું ધ્યાન રાખવું એની સૂચના આપશે અને એ સૂચનાઓનું પાલન થાય છે કે નહીં એના પર નિગરાની રાખશે. તમારા શારીરિક વિકાસ માટે જે કંઈ જરૂરી છે એવો આહાર આપશે અને વિઘ્નરૂપ થતો આહાર બંધ કરાવશે. અહીંના ટોચના ડૉક્ટરોથી લઈને ડાઈનિંગ હૉલના વેઈટરો સુધીના સૌ કોઈ ધ્યાન રાખશે કે તમને જે ખોરાક રેકમેન્ડ કરવામાં આવ્યો છે તે તમે લો છો કે નહીં.

બસ, એક વાત તેઓ નહીં કરે – તમારા વતી તેઓ દોડ નહીં લગાવે, દોડવા માટે ધક્કો પણ નહીં લગાવે. ટ્રેક પર જઈને દોડવાનું તમારે. જો તમે એમની સૂચનાઓનું પાલન કરીને દોડવા નહીં માંડો તો ઑલિમ્પિક્સમાં તો શું ગલીના નાકા સુધીની દોડવાની રેસ પણ જીતી નહીં શકો. દોડવાનું કામ તમારે જાતે પોતે કરવાનું, એના માટે તમને કોઈ રિપ્લેસ નહીં કરી શકે. તમે ગમે એટલા શ્રીમંત હશો, નોકર – ચાકરની ફોજ તમારી પાસે હશે તોય તમે તમારા વતી યોગાસન માટે કે પ્રાણાયામ કરવા માટે તમે નોકરોને કહી શકવાના નથી, તમારા વતી તેઓ સાત્ત્વિક ખોરાક ખાવાનું શરૂ કરી લે અને તમે સમોસાં – જલેબી ખાતા રહો એવી વ્યવસ્થા ગોઠવીને તમારું સ્વાસ્થ્ય સુધારી કે સાચવી શકવાના નથી. કરવું પડશે તો તમારે જ. ધીરજપૂર્વક કરવું પડશે.

સ્વામીજી ભારપૂર્વક કહેતા હોય છે કે જે કંઈ કરો તે ઉપરઉપરથી ન કરો, પૂરેપૂરું કરો, ઊંડા ઉતરીને કરો, ખોવાઈ જાઓ, ઓતપ્રોત થઈ જાઓ, એકાગ્રતા સાથે કરો.

સ્વામી રામદેવે બે દિવસ પહેલાં જ ઉપમા આપી હતી કે રોટલી શેકવાના તવાને તમે ચૂલા પર મૂકો છો એ પછી તવો ગરમ થાય એની રાહ જોવી પડે. તવો તપે એ પહેલાં જ રોટલી એના પર મૂકીને વિચારો કે હવે એ તરત શેકાઈ જશે તો એવું થવાનું નથી. પાણી કે દૂધ ઉકાળવું હોય તો બાષ્પ થાય ત્યાં સુધી રાહ જોવી પડે. બીજમાંથી વૃક્ષ થવામાં વાર લાગે. બાળકથી પુખ્ત વયસ્કમાં રૂપાંતર થવામાં વાર લાગે. પણ આપણે યોગ વડે શરીરનું રૂપાંતરણ થાય એ પહેલાં જ ધીરજ ગુમાવી દઈએ છીએ.

સ્વામીજી ભારપૂર્વક કહેતા હોય છે કે જે કંઈ કરો તે ઉપરઉપરથી ન કરો, પૂરેપૂરું કરો, ઊંડા ઉતરીને કરો, ખોવાઈ જાઓ, ઓતપ્રોત થઈ જાઓ, એકાગ્રતા સાથે કરો.

યોગનાં આસનો અને પ્રાણાયામના સંદર્ભમાં કહેલી સ્વામીજીની આ વાત જીવનના પ્રત્યેક કાર્યને લાગુ પડે છે.

સ્વામીજી કહે છે કે કોઈપણ યોગાભ્યાસ એક મિનિટથી શરૂ કરીને પાંચ – દસ – પંદર મિનિટ કરતા હો તો તમને કહેવું નથી પડતું કે આનાથી તમને શું લાભ થશે, લાભ ઑલરેડી થઈ ચૂક્યો હોય છે.

કોઈપણ પ્રાણાયામ બે – ચાર વખત કરી લીધા એટલે પૂરું થઈ ગયું એવું નથી. અનુલોમવિલોમ કે કપાલભાંતિ કે કોઈ પણ પ્રાણાયામને તમે યાંત્રિક રીતે, કરવા ખાતર બે – પાંચ વાર કરીને, આગળ વધી જશો તો ભાગ્યે જ ફાયદો થશે. રોજ એનાં આવર્તનો ઓછામાં ઓછી પાંચ – દસ મિનિટ સુધી, સતત – અટકયા વિના, કરીએ તો જરૂર ફાયદો થાય. શરૂમાં ભલે દસ સેકન્ડ, ત્રીસ સેકન્ડ, એક મિનિટ સુધી જ કરી શકીએ. પણ રોજ થોડી થોડી સેકન્ડ વધારતાં જઈએ તો પંદર – વીસ દિવસમાં પાંચ – દસ – પંદર મિનિટના ટાર્ગેટ પર સહેલાઈથી પહોંચી જઈએ.

આવું જ યોગાસનોનું. જેમ કે મંડૂકાસન કરતા હો તો એકાદ મિનિટથી કે ઇવન ત્રીસ સેકન્ડથી શરૂઆત કરો તો કોઈ વાંધો નથી. પછી અભ્યાસ વધારતાં વધારતાં આ કે કોઈપણ આસનની મુદ્રા પકડી રાખીને બે – પાંચ – દસ મિનિટ સુધી વધારતાં જઈએ છીએ ત્યારે ખરા ફાયદા થવાની શરૂઆત થાય છે.

ઐશ્વર્ય માત્ર ધનનું જ નથી હોતું. બુદ્ધિ અને બળનું પણ હોય છે. શારીરિક સમૃદ્ધિનું મહત્ત્વ જીવનમાં સર્વોચ્ચ છે. હનુમાનજી પાસેથી પ્રેરણા લઈને બળવાન બનવું જોઈએ.

આ બધું જ તમને અહીં શીખવાડવામાં આવે છે —પણ કરવાનું તો તમારે જ છે. સ્વામીજી વારંવાર કહેતા હોય છે કે યોગાસન કરતી વખતે પરસેવો ટપકવો જોઈએ, નહીં તો તમે ટપકી જશો!

આજે અહીં મારો સત્તરમો દિવસ છે. પહેલી એપ્રિલે આવ્યો હતો – ૧૭મી એપ્રિલ થઈ. ગઈ કાલે ચૈત્રી પૂનમ હતી. હનુમાન જયંતિ. શનિવાર પણ હતો. હનુમાન ચાલીસા કરતાં કરતાં યોગાભ્યાસ થયો હતો. સ્વામીજી મંચ પર જે સ્ફર્તિથી યોગાસન કરે છે તે જોઈને હનુમાન જયંતિના ગઈ કાલના પવિત્ર અવસરે સવારસવારમાં મે એક સંકલ્પ કર્યો હતો: ‘મારે ઐશ્વર્યવાન થવું છે.’

ઐશ્વર્ય માત્ર ધનનું જ નથી હોતું. બુદ્ધિ અને બળનું પણ હોય છે. શારીરિક સમૃદ્ધિનું મહત્ત્વ જીવનમાં સર્વોચ્ચ છે. હનુમાનજી પાસેથી પ્રેરણા લઈને બળવાન બનવું જોઈએ. બળવાન થઈ શું તો જ મા સરસ્વતીએ આપેલી પ્રજ્ઞા સચવાશે. અન્યથા આલ્ઝાઈમર્સ, પેરેલિસિસ, ડિમેન્શ્યા – ન જાણે શું શું પ્રવેશીને શરીરને – મનને તોડી નાખશે. બળ – બુદ્ધિ – વિદ્યામાં સતત વધારો થતો રહે તો જ તમારી ચારેકોર ઐશ્વર્યનું વાતાવરણ સર્જાય. માંદલા થઈને જીવ્યા કરતાં હોઈએ તો બૅન્કમાં મૂકેલો પૈસો જીવનને માણવા માટે કેવી રીતે કામ લાગવાનો છે? તમામ બાબતોમાં ઐશ્વર્યવાન થઈએ તો જ સાચું સુખ આખી જિંદગી ભોગવી શકીએ. સ્વામીજીએ ઘણા સમય પહેલાં એક વાકય કહેલું જે મેં ટીવી પર સાંભળ્યું હતું : ‘તમારે ભોગી બનવું હશે તો પણ પહેલાં યોગી બનવું પડશે.’

સારી રીતે દુનિયાનાં તમામ ભોગ ભોગવવા હશે તો યોગી બનીને શારીરિક – માનસિક રીતે ફિટ રહેવું પડે. યોગી બન્યા વિના ભોગી ન બની શકીએ એ વાત મને ઘણી પાથબ્રેકિંગ લાગે છે.

છેલ્લા થોડા દાયકામાં એક નવો ટ્રેન્ડ મેડિકલ ફિલ્ડમાં ઘૂસી ગયો છે. પ્રીવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર—આ સુવર્ણસૂત્રનો ઘોર દુરૂપયોગ કરીને આ ધંધો ચાલે છે.

સ્વાસ્થ્ય વિશે આટલું બધું ચિંતન કર્યા પછી મને એક વાત સમજાઈ રહી છે. તમે ગમે એટલા તંદુરસ્ત હશો, જ્ઞાની હશો, નીતિવાન હશો (આ બધું હોવું તો સારું જ છે) પણ જીવનના સરવૈયામાં જ્યારે તમારા હિસાબ કિતાબનું ઑડિટિંગ થશે ત્યારે તો એક જ વસ્તુ ઊડીને આંખે વળગવાની છે – તમે જીવનમાં શું કામ કર્યું છે. સ્વ – ધર્મ મુજબ તમારો જે કંઈ પ્રોફેશન હોય તેમાં ઊંચું નિશાન રાખીને તે લક્ષ્યને આંબવાની કોશિશ કર્યા વિનાનું જીવન અર્થહીન છે – પછી તમે ગમે એટલા તંદુરસ્ત હો, જ્ઞાની હો, નીતિવાન હો. જીવનમાં કર્મયોગી ન બન્યા તો આ તબિયત, જ્ઞાન, નિતિમત્તાનો કશો ઉપગોય નથી. ભગવાને આપેલી આ ત્રણેય સમૃદ્ધિઓ તમે વેડફી નાખેલી ગણાશે જો તમે તમારા કામાં ગળાડૂબ નહીં હો તો.

શરીરની સાચવણી માટે કે પછી રોગના ઇલાજ માટે આપણામાં વિવેક હોવો જરૂરી છે. નીરક્ષીર વિવેક. દૂધ અને પાણીને પારખવાનો વિવેક. શું સારું, કેટલું સારું, શું ખરાબ, ક્યાં અટકી જવું, ક્યાં હજુ આગળ વધવું – આ બધી બાબતોનો વિવેક.

છેલ્લા થોડા દાયકામાં એક નવો ટ્રેન્ડ મેડિકલ ફિલ્ડમાં ઘૂસી ગયો છે. પ્રીવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર—આ સુવર્ણસૂત્રનો ઘોર દુરૂપયોગ કરીને આ ધંધો ચાલે છે. અમુક ઉંમર પછી દર છ કે બાર મહિને બૉડી ચેકઅપ કરાવી લેવું સારું જેથી બીમારી શરૂ થાય તો એને ઉગતાં જ ગમી દઈ શકીએ – આવી ડાહીડાહી ચીકણીચૂપડી વાતો સાંભળીને આપણે મૂરખ બની જતાં હોઈએ છીએ. ડૉ. મનુ કોઠારી કહેતા કે તમને આર્થરાઈટિસ છે કે નહીં, તમારું ફલાણું અંગ બરાબર ચાલે છે કે નહીં એની મફત ચકાસણી કરવા માટેના જે કૅમ્પ – શિબિર ચાલતાં હોય છે તેમાં સાજો માણસ એક દરવાજામાંથી પ્રવેશે છે અને બહાર નીકળે ત્યારે એ બીમાર હોય છે!

આવાં મોટાભાગનાં ડાયગ્નોસ્ટિક કૅમ્પ્સ ડૉક્ટરોની અને એમની હૉસ્પિટલોની ઘરાકી વધારવા માટે હોય છે, પ્રજાની સેવા માટે નહીં.

ડૉ. મહેરવાન ભમગરાસાહેબે એક બહુ સરસ વાત કહી છે કે ‘દાક્તરીવિદ્યાની લોકોથી ગુપ્ત રખાયેલી એક મોટી વાત એ છે કે ઘણી તકલીફો, ઘણી બીમારીઓ એમની મેળે જ મટી જતી હોય છે. કેટલીક તો બીજા દિવસની સવાર થતાંમાં જ મટી જાય છે. દાકતરો આ વાત બરાબર જાણે છે; પરંતુ લોકોને હરગિજ નથી જાણવા દેતા. પોતાનો ધંધો તૂટી જાય એટલે? એ ગમે તે હો. પણ રોગને સમજપૂર્વક ભૂલી જવો એ વાતને કુદરતી ઉપચારનો હિમાયતી જેમ્સ થૉમ્સન બહુ મહત્ત્વ આપે છે. એવું એક પુસ્તક છે : ઇન્ટેલિજન્ટ લિવિંગ અલોન’

ડૉ.ભમગરા છાતી ઠોકીને એક સત્ય આપણા સૌના સુધી પહોંચાડવા માગે છે અને તે આ છેઃ આપણા શરીરયંત્રનું એકેએક અવયવ પોતાની ક્રિયા માટે જોઈતી શક્તિ ઉપરાંત વધારાની એટલી બધી શક્તિ ધરાવતું હોય છે કે તે પર્ટિક્યુલર અવયવનો લગભગ અડધોઅડધ ભાગ બગડી ગયો હોય તો પણ તે પોતાની ક્રિયા યથાવત્ કરતું રહે છે.

તેઓ પરદેશનો એક દાખલો ટાંકે છે. અકસ્માતમાં માર્યો ગયેલો એક પ્રૌઢ માણસ તેની આખી જિંદગી દરમ્યાન કદી માંદો નહોતો પડ્યો. એક્સિડન્ટમાં મોત થયું એટલે પોસ્ટમોર્ટમ કરાવવું પડે જેથી દરેક અંગ તપાસીને કૉરોનર ખાતરી કરીને સર્ટિફિકેટ આપે કે ક્યા કારણસર મૃત્યુ થયું પોસ્ટમોર્ટમ કરતાં માલુમ પડ્યું કે (1) તેનાં ફેફસામાં ક્ષયરોગનાં બાકોરાં હતાં અને તે સંકોચાઈ ગયાં હતાં; (2) તેનું લીવર બગડી ગયું હતું તથા બધું લોહી ઉપરની બાજુ તથા નીચેની બાજુ નવી શિરાઓમાં થઈને જ પસાર થતું હતું; (3) તેને કિડનીની ક્રોનિક કહી શકાય તેવી બીમારી હતી અને બંને કિડનીના અમુક હિસ્સા નિર્જીવ થઈ ગયા હતા છતાં અનામત ટિશ્યુઝ દ્વારા કિડનીનું કામકાજ યથાવત્ ચાલતું રહ્યું હતું; (4) અને તેના હૃદયની શિરાઓ કઠણ થઈ ગઈ હોવાથી હૃદય પહોળું થઈ ગયું હતું. એને લાંબો વખત હાઈ બ્લડપ્રેશર રહ્યું હતું. એના શરીરનાં ચાર અગત્યનાં અંગોની આવી પ્રાણઘાતક બીમારી શરીરમાં વ્યાપેલી હોવા છતાં તેને જીવતે જીવ કશી ખબર પડી નહોતી.

ડૉ. ભમગરા આ કિસ્સો ટાંકીને કહે છે કે આવા દાખલા એકલદોકલ નથી. આપણા દેશમાં પણ કૉરોનરોને પોસ્ટમૉર્ટમ કરતી વેળા ક્ષયનાં ચાંદા પડી ગયેલાં, સંકોચાઈ ગયેલાં ફેફસાં કેટલાય કિસ્સાઓમાં મળે છે. ભમગરાસાહેબ કહે છે કે અમુક ઉંમર પછી તબિયતની દાક્તરી તપાસ નિયમિત કરાવતા રહેવાની સલાહ અપાય છે તે અનુસરવા જેવી ખરી કે કેમ? તે બાબતે શંકા પડે તેવું ખરું. અલબત્ત, ‘અગાઉથી ચેતતા થઈએ તો ઉપાય પણ કરતા થઈએ.’ એવી કહેવતેય છે. પરંતુ આરોગ્ય બાબત ચેતતા થવું એટલે દવાઓના ઘૂંટડા ગળતાં થવું એવો અર્થ સમજવો ન જોઈએ. કેટલીક વાર તો રોગની વાત ગોખતા રહીને કેટલાક દરદીઓ ગંભીર માનસિક બીમારીના જ ભોગ બની જતા હોય છે. મોટાં શહેરોમાં આવા ઘણા કિસ્સા જોવા મળે.

ડૉ. ભમગરા આનંદી માણસ હતા. ખૂબ પ્રસન્ન અને હસમુખા હતા. મેં એમના મોઢા પર હંમેશાં સ્મિત જોયું છે. એક રમૂજી વાર્તા એમણે કહી છેઃ

એક ગામડું હતું. ગામડું એક ટેકરીની ટોચ પર વસેલું હતું. ટેકરીની કિનારીએ સો મીટર ઊંડી ખીણ સુધીની સીધી કરાડ હતી. ઘણા લોકો તે કરાડ આગળથી નીચે ગબડી પડતા. ઘણાનાં હાડકાં ભાંગી જતાં તો કેટલાક મૃત્યુ પણ પામતા.
આવા અકસ્માતો વારંવાર બનવા લાગ્યા એટલે ગ્રામપંચાયતે તેનો કંઈક જડબેસલાક ઉપાય કરવાનું વિચાર્યું. ટેકરીની કરાડ નીચેની ખીણમાં એક નાની હૉસ્પિટલ બનાવી દીધી. ડૉક્ટરો અને નર્સોનો સ્ટાફ નીમી દીધો. નાનકડું ઑપરેશન થિયેટર બનાવી દીધું. ટેકરી પરથી માણસ ગબડે કે તરત તેને હૉસ્પિટલ ભેગો કરવા માટે એક ઍમ્બ્યુલન્સ પણ વસાવી લીધી.

ભમગરાસાહેબ કહે છે કે આ બધો ખર્ચ કરવાને બદલે એ ભલા લોકોએ કરાડ આગળ માત્ર એક કઠેડો મૂકી દીધો હોત તો!

આ કઠેડો એટલે જ યોગ – પ્રાણાયમ – કુદરતી ચિકિત્સા – આહારવિહારનું નિયમન. રોગોના ઉપચાર કરવાની પંચાત કરવામાં દુનિયામાં રોજના અબજો ડૉલરોનો ખર્ચ થાય છે. પણ શરીરમાં રોગો પ્રવેશે જ નહીં એવું તંત્ર ઊભું કરવા પાછળ એનાથી હજારમા ભાગનો ખર્ચ પણ થતો નથી. કેટલાક લોકોને હૉસ્પિટલના, બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટીના કે બીજી સર્જરીઓના, વેન્ટિલેટરના, હજારો રૂપિયાનું એક એવાં ઇંજેક્શનોના કે પછી આજીવન લેવી પડતી દવાઓના ખર્ચા સામે કોઈ વાંધો નથી હોતો પણ યોગગ્રામ – નિરામયમ વિશેની મેં અગાઉ આપેલી વેબસાઈટની લિન્ક પર જઈને તેઓ કહે છે કે બાપ રે બાપ, આ તો બહુ મોંઘું છે. રોગ ન થાય એ માટે કે એના પ્રીવેન્શન માટે યોગ વગેરે થકી એના નિવારણ માટેનો ખર્ચ કરવાની જેમની દાનત નથી હોતી તેઓ જ આવું બોલતા હોય છે. કોઈ ગંભીર બીમારીમાં તેઓ કે તેમનાં કુટુંબીજનો પટકાશે ત્યારે આ જ લોકો ઘરનાં દાગીના વેચીને કે પછી ઇન્વેસ્ટમેન્ટ તોડીને કે ઇવન ઘરબારધંધો વેચીને ડૉક્ટરો પાસે હાથ જોડીને કહેતા હશે: ‘ડૉક્ટર સા’બ, કુછ ભી કર લો લેકિન મેરી માં કો/ મેરે મુન્ના કો બચા લો.’

અને આપણે દેવ માની લીધેલા ડૉક્ટરો એમને બચાવી નહીં શકે ત્યારે હાથ ખંખેરીને ઊભા થઈ જશે અને કહેશે કે, ‘સૉરી, આમને હવે દવાની નહીં, દુવાની જરૂર છે!’

જરૂર પડયે રિપોર્ટસ કઢાવીએ પણ વાતવાતમાં ડૉક્ટરે કહ્યું એટલે લાંબા થવાની જરૂર નથી હોતી. અહીં આવીને મારે પતંજલિની લેબમાં મારો બ્લડ રિપોર્ટ કઢાવવો હતો. અહીંના ડૉક્ટરોએ તો ના જ પાડી હતી કારણ કે એમની પાસે મેં ચાર મહિના પહેલાં બુકિંગ કરાવતી વખતે મોકલી આપેલા બધા જ રિપોર્ટ્સ હતા. પણ મને જ ચળ હતી કે લેટેસ્ટ બ્લડ રિપોર્ટ હોય તો સારું. મેં યોગગ્રામના લેબોરેટરી ઇન્ચાર્જ ભૂપેનપ્રતાપ મૌર્યને મળીને વાત કરી. શ્યુગર ઉપરાંત બીજાં બે-ચાર-છ ટેસ્ટ મેં ઉમેરાવી દીધા પછી મને વિચાર આવ્યો કે જે બ્લડ ઑલરેડી લીધું છે એમાંથી જ તો આ બધાં ટેસ્ટ કરવાના છે તો લાવને થોડા રૂપિયા વધારે ખર્ચીને હજુ બીજા બે-ત્રણ ટેસ્ટ કરાવી લઈએ. ભૂપેનપ્રતાપજીએ મને પૂછ્યું કે તમને આમાંથી કોઈ રોગ છે? મેં કહ્યું, ‘ ના. પણ ચેક કરાવી લેવું સારું…’ એ કહે, ‘ તમને આવી આવી કોઈ ફરિયાદ છે?’ મેં કહ્યું, ‘ બિલકુલ નહીં.’

‘ તો પછી શું કામ વધારાના ટેસ્ટ કરાવો છો? નહીં કરાવતા.’

મારો આગ્રહ હોવા છતાં એમણે મને વાર્યો. કોઈ કોમર્શિયલ લેબ હોત તો મને આવી સલાહ ન મળી હોત. સેવા-પરમાર્થ કરવાવાળાઓમાં અને ખિસ્સાકાતરુઓમાં શું ફરક હોય છે તે સમજાઈ જાય.

ટુ બી ઑન સેફ સાઈડ એક એમ.આર.ઈ. કે સીટી સ્કૅન કઢાવી લેવો સારો એવું બધા જ ડૉક્ટરો કહેતા હોય છે. એ દરેક ડૉક્ટરોનો શુભ આશય જ હોય એવું જરૂરી નથી. જેમણે લાખો કરોડોનાં આવાં મશીનો વસાવ્યાં હોય એમનાં ઈએમઆઈ ભરાય એ માટે પણ આવી માલપ્રેક્ટિસ થતી હોય છે. થોડા દાયકા પહેલાં વગર કારણે ગર્ભાશય કાઢી નાખવાનાં ઑપરેશનો કરવાનો ટ્રેન્ડ આવા મેડિકલ માફિયાઓએ જ શરૂ કર્યો હતો. બાયપાસ સર્જરી, સ્ટેન્ટ – એન્જિયોપ્લાસ્ટી, કૅન્સર સહિતની બીજી જાતજાતની ગાંઠો, ઘૂંટણ – થાપાનાં કુદરતી સ્પેરપાર્ટ્‌સ બદલેને નવાં કૃત્રિમ અવયવો બેસાડવાં – જેવાં અનેક કિસ્સાઓમાં જરૂર ન હોય તો પણ તમને સલાહ મળતી હોય છે કે ઑપરેશન કરાવી નાખો તો સારું. પછી તમે પૂછો કે ડૉક્ટરસાહેબ, ઑપરેશન પછી હું એકદમ સાજો તો થઈ જઈશ ને? ત્યારે તમને કાં તો કહેવામાં આવેઃ તમારું શરીર એને કેવી રીતે રિસ્પોન્સ આપે છે એના પર બધો આધાર છે. અથવા તો પછી કહેવામાં આવેઃ પાંચ વરસ સુધી તો કોઈ વાંધો નહીં આવે. અથવા તો પછી કહેવામાં આવેઃ ભવિષ્યમાં કોઈ પ્રૉબ્લેમ થયો તો અમે બેઠા છીએ ને!

પ્રૉબ્લેમ થાય અને આપણે ઉકલી ગયા તો શું ભૂત થઈને ડૉક્ટરને વળગવાનું!

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

12 COMMENTS

  1. તમારી સાથે સતત યોગગ્રામ માં
    હોવાની પ્રતીતિ થાય છે….

  2. Really amazing virtual tour that we are enjoying.
    I think this series will prove to be the best amongst previous all articles till date.
    This will also inspire and start up step for readers like me who always plan every day to wake up early on next day for exercises.
    WAKE UP CALL 👌
    Thank You Sir 🙏

  3. તમારા લેખો મનનીય અને માર્ગદર્શક છે.
    પ્રેયસ અને શ્રેયસ , બન્નેમાંથી ઘણા બધા લોકો પ્રેયસ તરફ આકર્ષાય છે. સાત્વિક જીવનચર્યા આકર્ષક નથી.
    બાકી, selfcenteredness પ્રવૃત્તિ (માયા) સૃષ્ટિની ઉત્પત્તિથી અંત સુધી, ક્યારેક વધુ તો ક્યારેક ઓછી -સંજોગો અનુસાર- રહેવાની છે. મળતો લાભ જતો કરવો સહેલું કામ નથી.
    બાળપણથી યોગ્ય તાલીમ મળે તે લાભદાયક છે.

  4. મનને ઝઝોળી નાંખે તેવા લખાણ હોય છે.

  5. આપના યોગ ગ્રામ ના લેખ ૫૦ પછી પણ ચાલુ રાખશો.
    જેમાં કવર ન થયેલું કે લખતા વિસરાઈ ગયુ હોય તે જણાવશો.
    આ સિરીઝ ના લેખ પૂરા વાંચ્યા પછી દર વખતે એક ગીત ના શબ્દો યાદ આવે છે +
    અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં.
    અધૂરી આસ છોડકાર, અધૂરી પ્યાસ છોડકર્, જો રોજ યુંહી જાઓગે તો નહિ ચલેગા જી..

  6. Saurabh Bhai,

    While reading your above article I fully agree with your views. My wife and myself always avoid going to doctor for cold/cough/fever. We both belive that in 2/3 days time it will go away without medicine with the help of all home remedies. For fever we always take Maha Sudarshan churn and next day by evening we feel fine. Similarly for cough we take soonth powder, keep it on our tongue for 10 minutues and then swallow it saliva ,and your throat becomes smooth. Aryuded has much potential to cure our body.

  7. આદણીયશ્રી સૌરભભાઇ
    આજના લેખના સંદર્ભમાં મારો અનુભવ જણાવું. 15 વર્ષ અગાઉ,એક ખોટા લેબ રીપોર્ટ ને આધારે મને જિંદગીભર Thiroid ની દવા લેવાનું ડોક્ટરે કહ્યું.
    ભલું થજો ડો. મનુ જપીનું, જેમનું ગુજરાતી પુસ્તક નો થાયરોઈડ મારા વાંચવામાં આવિયુ,( જેની પ્રસ્તાવના ડૉ. મનુ કોઠારી એ લખી છે.1999,). અને મે દવા લેવાની શરૂઆત કરીજ નહિ. એક વાર જો દવા લીધી હોત તો જિંદગીભર લેવી પડત..Thiroid +ve. report જો પહેલી વાર આવ્યો હોય તેવા કિસ્સામાં આ પુસ્તક વાંચવા થી વધુ જાણવા, સમજવા મળશે.

    • Hirabhai Bhakta
      ડૉ મનુ જપી નું પુસ્તક ‘નો થાઈરોઈડ’ ક્યાંથી મળશે એ જણાવશો, અથવા તમારી પાસે હોય તો એકવાર વાંચવા માટે આપશો તો મહેરબાની.

  8. અમેરિકા માં પ્રોસ્ટેટ ના ઓપરેશન નું પ્રમાણ છેલ્લા કેટલાક સમયથી ગણું વધી ગયું છે એમાં કારણ એજ છે કે જે લેટેસ્ટ ટેકનોલોજી(100%રોબોટિક) પ્રોસ્ટેટ ના ઓપરેશન માટે આવી એના પૈસા વસુલ કરવા માટે જ જરૂરી ના હોય તો પણ પ્રોસ્ટેટ કાઢી નાખે છે.
    પ્રોસ્ટેટ કેન્સર માટે ના પીએસએ ટેસ્ટ ના શોધક મિંગ ચુ એ અફસોસ વ્યક્ત કર્યો હતો કે મેં શોધેલા ટેસ્ટ નો આટલો દુરુપયોગ થશે એવું મેં ધાર્યું નો’તું.

  9. નમસ્કાર સૌરભ સર,
    આ તમારી યાગગ્રામ ની સિરીઝ વાંચી ને જાણે લાઈવ કોમેન્ટ્રી સાંભળતા/ વાંચતા હોઈએ એવું લાગે છે ને જાણે જાતે ત્યાં પહોંચી ગયા હોય તેવો અનુભવ થાય છે.
    મને એવું લાગે છે કે આ સિરીઝ માંથી પ્રેરણા લઈને ચોક્કસ યોગગ્રામ માં ટ્રાફિમ જામ થવાનો, એટલે કે વધુ ને વધુ લોકો આ તરફ વળશે, જેમને થોડીઘણી ખબર હશે તેમને પૂરું માર્ગદર્શન મળશે કે કેવી રીતે ત્યાં જઈ શકાય ને ત્યાં જઈને શુ કરવું શું ના કરવું.

    આજ ના લેખ માં તમે ડોક્ટરો કે મેડિકલ ફિલ્ડ વિશે જે કાંઈ વાતો લખી છે તે મહદ અંશે સાચી છે જે એક ડોક્ટર તરીકે હું અનુભવી શકું છું.અને જોયેલું જાણેલું છે કે આ નોબલ ફિલ્ડ ને કેવું બનાવી દેવામાં આવ્યું છે.

    આ જ વિષય પર આગળ એટલુ જ જણાવીશ કે જો આ વિષય પર વધારે જાણવું હોય તો જેમને ભારત સરકારે પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ જેવા સન્માનો આપેલા છે એવા વિદ્વાન કાર્ડિયોલોજીસ્ટ ડો. બી. એમ. હેગડે સાહેબ ને સાંભળવા કે વાંચવા જોઈએ.
    આપના આજ ના લેખ ની જેમ તેમને ખુલ્લે આમ મેડિકલ પ્રેક્ટિસ માં થતી માલ પ્રેક્ટિસ વિશે ખૂબ બધું બોલેલું છે. એક વાર એમને સાંભળવા જ જોઈએ જેથી મેડિકલ પ્રેક્ટિસ તથા બીમારીઓ વિશે ની સત્ય હકીકત જાણી શકાય.
    (ડો. બી.એમ.હેગડે સાહેબ ના અસંખ્ય વિડીયો યુ ટ્યૂબ માં મળી રહેશે.)

  10. નમસ્કાર સર જી આપના આ હરદ્વાર ના લેખ ની પુસ્તક રૂપે પ્રસ્તુત કરો એવી વિનંતી.છે.તેમજ આપના દ્વારા લખાયેલ પુસ્તકો કોઈ હોય તો તેની પણ યાદી પાઠવવા વિનંતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here