વખાણ, પ્રશંસા અને ચમચાગીરી, મસ્કાબાજી: સૌરભ શાહ

(તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૫ ફેબ્રુઆરી ૨૦૨૩)

‘કોઈ મારી પ્રશંસા કરે ત્યારે મને બીક લાગે છે,’ કોઈકે કહ્યું હતું અને ઉમેર્યું હતું: ‘જે ચીજ આપ્યા પછી પાછી લઈ શકાય એવી હોય તે મેળવતાં મને હંમેશાં બીક લાગે છે.’

પ્રશંસાનું માનસશાસ્ત્ર જાણવા જેવું છે. કેટલાક લોકોનાં તમે વખાણ કરો ત્યારે તેઓ એકાએક નમ્ર બની જશે અને એવો પ્રતિભાવ આપશે જેને કારણે તમે એમનાં વધુ વખાણ કરવા પ્રેરાશો. હકીકતમાં, એ જ એમનો આશય હોય છે. પોતાનાં વખાણ સાંભળીને પોતાના મોઢે જ ‘વન્સ મોર’ બોલતા હોય એવું વર્તન કરનારાઓનો સ્ટાન્ડર્ડ જવાબ હોય છે: ‘બસ, આપની દુઆ છે.’ કેટલાક આગળ જઈને આમાં ઉપરવાળાને પણ સંડોવતા હોય છે.

પ્રશંસાને આભિજાત્યપૂર્ણ રીતે સ્વીકારનારાઓ સાહજિકપણે સામેની વ્યક્તિના શબ્દો સાંભળતા હોય છે અને એ શબ્દો બોલનારને ખબર પણ ન પડે તે રીતે એક-બે પ્રશ્ર્નો પૂછીને વાતના કેન્દ્રમાંથી પોતાને ખસેડીને પ્રશંસા કરનારને એ સ્થાને બેસાડી વાતચીતની પૂર્ણાહુતિ કરે છે. આવું કરનારને બે વાતની પાક્કી ખબર હોય છે: એક, જેમની પ્રશંસામાં ઉમળકાનો રણકો હોય એમને ન અવગણવા જોઈએ. અને બે, પ્રશંસાની ઝરમરના છાંટા મેળવી પ્રસન્ન થવાનું હોય, એના ધોધમાર વરસાદમાં ભીંજાયા કરવાની ઘેલછા રાખવાની ન હોય.

કેટલાક લોકોનાં આપણે વખાણ કરીએ ત્યારે તેઓ આપણી તરફ એ રીતે જોતા હોય છે જાણે આપણે એમની રૈયત હોઈએ અને આપણા શબ્દોને પોતાને કાને ઝીલીને એમણે બહુ મોટો ઉપકાર કર્યો છે. કશુંક સારું જોઈએ, સાંભળીએ, વાંચીએ કે અનુભવીએ ત્યારે મનમાં વ્યાપેલા આનંદના ઉદ્ગારો પ્રશંસારૂપે સાહજિક રીતે પ્રગટ થઈ જતા હોય છે. ક્યારેક આ આનંદનો વ્યાપ એટલો બહોળો હોય છે અને એની તીવ્રતા એટલી બધી હોય છે કે જ્યાં સુધી આ આનંદનું ઉદ્ગમસ્થાન જે વ્યક્તિમાં હોય તે વ્યક્તિ સુધી આપણી લાગણી ન પહોંચાડીએ ત્યાં સુધી એ આનંદની અનુભૂતિ અધૂરી લાગ્યા કરતી હોય છે.

પ્રશંસા સ્થાયી નથી હોતી. સ્વાદિષ્ટ વાનગી બનાવવા બદલ આજે થયેલી મોંફાટ પ્રશંસા આવતી કાલે ટિફિનમાં ભરેલા શાકમાં મીઠું ઓછું પડી જાય ત્યારે તરત જ કેવા ભાવમાં પલટાઈ જતી હોય છે એની સૌને ખબર છે. ચોવીસ કૅરેટના સોના જેવો સ્વભાવ છે એમ કહેતાં જેનું મોઢું થાકતું ન હોય એ જ વ્યક્તિ નાની સરખી વાતમાં વાંકું પડે ત્યારે પેલાની સાત પેઢીઓને ડિક્શનરીમાંના અને જોડણીકોશની બહારના તમામ અપશબ્દોથી નવાજતી હોય છે.

પ્રશંસાઓથી દોરવાઈ ન જવાય. પગપાળા થતી આકરી મુસાફરી દરમ્યાન આવતા ઘટાદાર વૃક્ષની જેમ આ પ્રશંસાઓની શીળી છાયા ઘડી બે ઘડી અનુભવીને ત્યાંથી ઊભા થઈને ચાલતા થવાનું હોય. કેટલાક લોકો આગળ આવનારી કઠોર તાપથી અસહ્ય બની જનારી સડકની કલ્પના કરીને આવા વૃક્ષના વિસામાને જ આખરી મંઝિલ માની ત્યાં પડ્યાપાથર્યા રહેતા હોય છે. ભોગ એમના. પ્રશંસા થાય છે ત્યારે તમને અહેસાસ કરાવવામાં આવે છે કે તમે તમારા પોતાનાઓના ઉપરાંત બીજાઓના જીવનનો પણ એક હૂંફાળો હિસ્સો છો, ભલે નાનકડો પણ એક અંશ જરૂર છો. કોઈપણ વ્યક્તિ માટે અંતરને ખુશ કરનારી આથી વધુ મોટી કોઈ વાત ના હોઈ શકે. પણ આવી લાગણી થાય ત્યારે તરત જ એક વાત યાદ આવવી જોઈએ કે આજે જે કારણોસર તમારી પ્રશંશા થાય છે તે જ કારણોસર કાલે બીજા કોઈની પણ પ્રશંસા થશે કારણ કે તમારા જેવું કામ કરનારા આ દુનિયામાં કંઈ તમે એકલા જ નથી. ઉપરાંત, કાલ ઊઠીને આ જ કારણોસર તમારી ટીકા પણ થઈ શકે છે, કારણ કે તમે કે તમારું કામ બીજાઓને સતત ગમતું રહે એ શક્ય નથી.

પ્રશંસા મળ્યા પછી દિવસરાત એમાં જ રમમાણ રહેતા લોકોને કોઈક પોતાનાં વખાણ કર્યાં કરે એ વાતનો નશો થઈ જતો હોય છે. રોજ પોતાનાં વખાણનાં બે બોલ ન સાંભળે ત્યાં સુધી આ બંધાણીઓને ચેન પડતું નથી. વાસ્તવમાં, પ્રશંસા થાય ત્યારે માણસે સમજવું જોઈએ કે જે કામની પ્રશંસા થઈ રહી છે એમાં પોતાના સિવાયની વ્યક્તિઓનો અને સંજોગોનો કેટલો મોટો ફાળો છે. તેઓ મનમાં તો સમજે જ છે કે આ પ્રશંસાને સોએ સો ટકા જેટલી સ્વીકારવાની પૂરેપૂરી પાત્રતા પોતે ધરાવતા નથી. કેટલાક લોકો પોતાનાં વખાણ એક વાર થયા પછી સતત થતાં રહે એ માટે પોતાની નબળાઈઓ દૂર કરવાને બદલે એ નબળાઈઓને ઢાંકવાના કામમાં પ્રવૃત્ત થઈ જતા હોય છે.

પ્રશંસા મેળવવાની જેમને ટેવ પડી ગઈ છે તેઓ ટીકાથી ગભરાતા હોય છે. તેઓ એટલું નથી સમજતા કે પ્રશંસાથી ફુલાઈ જઈને કે ટીકાથી ઉદાસ થઈને તમે તમારી લાગણીઓનું સંચાલન બીજાના હાથમાં સોંપી દેતા હો છો. કોઈ આપણું સારું બોલે ત્યારે બેહદ ખુશ થઈ જવું અને નઠારું બોલે ત્યારે સાવ હતાશ થઈ જવું એનો અર્થ એ કે કોઈના નચાવ્યે નાચવાનું આપણને મંજૂર છે.

પ્રશંસાનું વરવું સ્વરૂપ છે ચમચાગીરી. ખુલ્લેઆમ ચમચાગીરી કરનારાઓને ઓળખવા સહેલા છે. એમનાં આંખ-કાન બંધ હોય છે, એમનું મોઢું જ ખૂલતું હોય છે. પણ છૂપી ચમચાગીરી કરનારાઓને પારખવા સહેજ મુશ્કેલ છે. તમારા છૂપા ચમચાઓ તમારા મોઢે તમારી પ્રશંસા કરવાને બદલે બીજાઓની ટીકા જ કર્યા કરતા હોય છે. આ બીજાઓ એટલે તમારા જાણીતા દુશ્મનો, કહેવાતા દુશ્મનો, સંભવિત દુશ્મનો અને તમારી સાથે કોઈ નિસબત ન રાખવા માગતા તમારા પ્રતિસ્પર્ધીઓ.

ચમચાગીરીની એક શાખા છે – મસકાબાજી. ચમચાગીરી અને મસકાબાજી વચ્ચેનો સૌથી મોટો ભેદ એ કે મસકાબાજી દુશ્મનો પણ ક્યારેક કરી લેતા હોય છે, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો હોય ત્યારે. ચમચાગીરી પર માત્ર મિત્રોની જ મૉનોપોલી હોય છે.

પાન બનારસવાલા

જેણે પોતાનું મન જીત્યું છે ને જે સંપૂર્ણપણે શાન્ત થયો છે તેનો આત્મા ટાઢ – તડકો, સુખ-દુખ, તેમ જ માન – અપમાન વિશે એકસરખો રહે છે.

– ભગવદ્ ગીતા (૬:૭)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. સર, મારી વાત કરું છું. મારા સ્વભાવને કારણે જ્યારે મારા વખાણ થાય છે ત્યારે મને હંમેશા એવું જ લાગતું હોય છે કે હું દીવ્યાંગ છું એટલે એક છૂપો દયાભાવને લીધે મારી તારીફ થાય છે. મારા ટીકાકારોને હું આવકારું છું કારણ એમને લીધે જ તો હું વધુ અને વધુ better થતી જતી હોઉં છું!! બહુ વખાણથી સાચે જ ડર લાગે છે, અભિમાન આવી જવાનો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here