નિરાશા, આબરૂ અને ટીકા : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: સોમવાર, 22 જૂન 2020)

જિંદગી જીવવાની કળા ચાર માર્ગે પ્રાપ્ત થતી હોય છે: અનુભવ દ્વારા, વ્યક્તિઓ દ્વારા, પુસ્તકો દ્વારા અને જાત સાથેની વાતચીત દ્વારા.

આ ચારેય માર્ગો વારાફરતી અપનાવવા કે એક સાથે – એ વિશે કોઈ ચોક્કસ નિયમ નથી.

અનુભવોથી માણસની થિયરીઓની વાસ્તવિકતાના એરણ પર કસોટી થતી જાય છે.

જીવનમાં આવતી દરેક વ્યક્તિ આપણને શું કરવું અને શું ન કરવુંના પાઠ આપી જતી હોય છે.

જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ આ કૉલમના વાચકોને મારે સમજાવવાનું ન હોય.

જાત સાથેની વાતચીત જેટલો સંતોષપ્રદ માર્ગ કદાચ બીજો એકેય નથી.

તમને જે ઘડીએ જે સત્ય દેખાય છે, અનુભવાય છે, એ સત્યને તમે અનુસરો છો. સાચને ઓળખવામાં તમે થાપ ન ખાઓ એ માટે કયાં, કેટલા સાવધ રહેવું એ તમને અનુભવ શીખવે છે.

તમને જે ઘડીએ જે સત્ય દેખાય છે, અનુભવાય છે, એ સત્યને તમે અનુસરો છો.

ફિલ્મના જ નહીં અનેક ક્ષેત્રોના ટોચના લોકો પાસેથી તમે અનેકવાર સાંભળ્યું છે કે મારા ક્ષેત્રમાં મારા ઘણા મિત્રો છે પણ હું મારા પર્સનલ ફ્રેન્ડ્ઝ સાથે જેટલી નિકટતા અનુભવું છું એટલી આત્મીયતા મારી ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે નથી અનુભવતો. તમે તમારા ક્ષેત્રની સફળ હસ્તી છો એને કારણે જ તમારી સાથે દોસ્તી રાખનારાઓને પારખવા એકદમ આસાન નથી હોતા.

જીવનના કોઈપણ તબક્કે ઠોકર ખાતાં બચવું હોય તો આસપાસની વ્યક્તિઓમાંથી કોણ તમારા મિત્રો છે અને કોણ અ-મિત્રો છે એની ઓળખ બને એટલી જલદી થઈ જવી જોઈએ. એ પરખ થઈ ગયા પછી જીવનમાં આવતાં નિરાશા, આબરૂ અને ટીકા જેવાં મુકામો અંગે વિચાર કરવા જોઈએ. આ ત્રણેય બાબતો વિશે મારા પ્રિય વડીલ લેખક મોહમ્મદ માંકડનો દૃષ્ટિકોણ મને ગમે છે. તેઓ કહે છે કે જિસસ ક્રાઈસ્ટના જીવનનો વિચાર કરવામાં આવે તો પહેલી નજરે આપણને એક નિષ્ફળ વ્યક્તિનાં દર્શન થાય. જીવન દરમિયાન એમણે શું પ્રાપ્ત કર્યું? કોણે એમની વાત સાંભળી? કોણે એ સ્વીકારી? અબ્રાહમ લિંકનના જીવનની તવારીખ જાણીતી છે: ૧૮૩૧માં ધંધામાં નિષ્ફળતા મળી, ૧૮૩૨માં વિધાનસભાની ચૂંટણીમાં હાર થઈ, ૧૮૩૩માં ધંધામાં ફરી નિષ્ફળતા મળી, ૧૮૩૫માં વિધાનસભામાં જીત મળી પણ પ્રેમિકાનું મૃત્યુ થયું, ૧૮૩૮માં સ્પીકરની ચૂંટણીમાં હાર થઈ, ૧૮૪૩માં-૧૮૪૬માં-૧૮૪૮માં કૉન્ગ્રેસની ચૂંટણીમાં હાર, ૧૮૫૫માં સેનેટની ચૂંટણીમાં હાર, ૧૮૫૬માં ઉપપ્રમુખની અને ૧૮૫૮માં સેનેટની ચૂંટણીમાં હાર થઈ. ૧૮૬૦માં અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયા.

નિરાશા પરથી આબરૂના મુદ્દા પર જતાં પહેલાં પ્રસિદ્ધિ વિશેનાં માંકડ સાહેબનાં નિરીક્ષણો જોઈ લેવા જોઈએ. તેઓ કહે છે કે સાહિત્ય, કલા કે એવાં બીજા ક્ષેત્રોમાં ત્રણ પ્રકારના માણસોને જ પ્રસિદ્ધિ મળતી હોય છે. એક તો, એવા લોકો જેમની ન્યુસન્સ વેલ્યુ હોય. ભૂંડા માણસથી ભૂત ભાગે એ ન્યાયે કોઈ એમને સતાવતું નથી. બીજા એવા લોકો જેઓ હું તારી પીઠ ખંજવાળું, તું મારી પીઠ ખંજવાળની અંગ્રેજી કહેવતને જીવનનો સિદ્ધાંત માનીને બેઠા હોય. મગન છગનની પ્રશંસા કરે અને છગન મગનની પ્રશંસા કરે અથવા કરાવી શકે તો બંનેની પ્રસિદ્ધિ જીવનકાળ સુધી ટકી રહેતી હોય છે. ત્રીજા વર્ગના લોકો ખરેખર મિડિયોકર હોય છે કારણ કે વિશાળ સમુહના લોકોને એવા જ લોકો પસંદ પડતા હોય છે. એટલે જ સ્ટેન્ડ અપ કૉમેડિયનોને કે એમના જેવા જ બીજા સ્ટૅન્ડ અપ ચિંતક-વિચારકોને કે સ્ટૅન્ડ અપ ધર્મગુરુઓ કે સ્ટૅન્ડ અપ માર્ગદર્શકોને જેવી પ્રસિદ્ધિ મળે છે એવી ક્યારેય સિરિયસ ફિલસૂફોને, વિદ્વાનોને કે વિજ્ઞાનીઓને નથી મળતી.

આ ત્રણ પ્રકારના લોકો પ્રસિદ્ધિ મેળવીને પોતાની આબરૂ વિશેના ભ્રમમાં જીવતા હોય છે જેના પરિણામે તેઓ આબરૂ અને સુખ બંને ગુમાવી બેસે છે. આબરૂનો દેખાવ માણસને ભાગ્યે જ આબરૂદાર બનાવી શકે. મોર કળા કરે ત્યારે પાછલી બાજુએથી એ કેટલો ઉઘાડો થઈ ગયો છે એ દૃશ્ય એ પોતે જોઈ શકતો નથી. આબરૂનું પણ આવું જ છે. પોતાની આબરૂનો વિચાર માણસની નજર સામે સતત રહ્યા કરે છે ત્યારે એના જીવનનું મૂળ લક્ષ્ય એ ખોઈ બેસે છે. માણસની સાચી આબરૂ અને આબરૂના ઘટાટોપમાં ફરક છે. માણસની સાચી આબરૂ એની પોતાની જાત સાથે સંબંધ ધરાવે છે જ્યારે આબરૂનો ઘટાટોપ વ્યક્તિના બાહ્ય સંજોગો અને સાધનો સાથે સંબંધ ધરાવે છે. આઈન્સ્ટાઈનની આબરૂ એના જ્ઞાન સાથે, કોઈ વેપારી કે ઉદ્યોગપતિની આબરૂ એના પૈસા કે સાધનો ઉપર, સોક્રેટિસ કે ગાંધીની આબરૂ એમનાં ડહાપણ અને સિદ્ધાંતો ઉપર અને કોઈ લેખકની આબરૂ એનાં લખાણોની ગુણવત્તા પર આધાર રાખતી હોય છે.

આબરૂનો દેખાવ માણસને ભાગ્યે જ આબરૂદાર બનાવી શકે.

આબરૂ જવાનો ભય દરેકને જુદાં જુદાં કારણોસર લાગે છે. પરંતુ એના મૂળમાં, પોતે જેવો છે અથવા તો જેવો હોવો જોઈએ, એવો નહીં રહે તો શું થશે એ ડર મુખ્ય છે. માણસ પોતાની જાત પાસે પોતાની એક છબિ કંડારે છે અને એ છબિ સારી હોઈ શકે છે, કાલ્પનિક પણ હોઈ શકે છે. એ છબિ ઝાંખી પડવા માંડે ત્યારે એને ડર લાગવા માંડે.

સમસેટ મૉમે કહ્યું હતું કે માણસો તમારી ટીકાને આવકારે ત્યારે ખરેખર તો તેઓ તમારા તરફથી પ્રશંસા ઝંખતા હોય છે. શિખામણ પણ એક પ્રકારની હળવી ટીકા છે જે કોઈને ગમતી નથી હોતી એટલે બને તો એ આપવાનું ટાળવું. કોઈની ટીકા કરતી વખતે વિચારી જોવું કે એ જરૂરી છે? એનાથી ખરેખર ફાયદો થવાનો છે? ટીકાથી સામેની વ્યક્તિના સુધરવાના ચાન્સીસ કેટલા? કોઈની ટીકા કરવાથી તમને પોતાને નુકસાન થવાની શક્યતા કેટલી? ટીકાની તીવ્રતા તથા યોગ્યતા એક પલ્લામાં અને તમને થનારું નુકસાન બીજા પલ્લામાં મૂક્યા પછી ત્રાજવું સ્થિર રહેશે કે પછી એક બાજુ ઝૂકી જશે?

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

ટીકા નબળી વ્યક્તિને ખતમ કરે છે અને સબળ વ્યક્તિને વધુ સશક્ત બનાવે છે. પૃથ્વી પર જન્મ લેનાર કોઈ પણ મહાન વ્યક્તિની ટીકા ન થઈ હોય એવું બન્યું નથી. વ્યક્તિ જેટલી મહાન, જેટલી ક્રાંતિકારી એટલી એની ટીકા વધુ તીવ્ર, વધુ કડવી. કેટલાય વિદેશી તેમ જ ભારતીય ચિત્રકારો તથા લેખકોના ચિત્રોની-સાહિત્યની એમના જીવનકાળ દરમ્યાન ભરપૂર ટીકાઓ થઈ છે. માન્યવર વિદ્વાનોએ આવી ટીકાઓ કરી છે. આમ છતાં આ સર્જકો ટીકાઓ સામે અડીખમ ઊભા રહ્યા અને આજે એમનું સર્જન અડીખમ ઊભું છે. વિદ્વાનો એમને સ્વીકારે કે ન સ્વીકારે ઈતિહાસે એમને સ્વીકાર્યા અને ઈતિહાસ જેમને સ્વીકારે છે એને ટીકાઓ કશું નુકસાન કરી શકતી નથી. આની સામે કેટલાક સર્જકો વગેરેને એમના જીવનકાળ દરમિયાન પ્રશંસા કરી કરીને ખૂબ ચગાવવામાં આવે છે, પરંતુ સમય જતાં જ એ બધા ઉકરડે ફેંકાઈ જાય છે. તત્કાલીન પ્રશંસા ખરા અર્થમાં માણસને કશું આપી શકતી નથી. તત્કાલીન ટીકા સાચા માણસ પાસેથી કશું લઈ જતી નથી. મોહમ્મદ માંકડના આ વિચારો સાથે સહમત થતા હોય એવા અંદાજમાં અમેરિકી લેખક હ્યુ પ્રાધરે લખ્યું છે: ‘કોઈ મારી ટીકા કરે એને કારણે હું એવો નથી બની જતો. એણે કરેલી ટીકા માત્ર એનો અંગત મત છે.’ ઈઝરાયલના એક વખતના પ્રેસિડેન્ટ આઈઝેક નેવોને કહ્યું હતું: ‘મને મારા અભિપ્રાયો છે જ નહીં એવું નથી, પરંતુ હું જેટલું વિચારું છું એ બધું બોલી નહીં નાંખવા બદલ જ મને પગાર મળે છે!’

આજનો વિચાર

ઉમ્ર ઝાયા કર દી લોગોં ને
ઔરોં કે વજૂદ મેં નુક્સ
નિકાલતે નિકાલતે
ઈતના હી ખુદ કો
તરાશા હોતા
તો ફરિશ્તે બન જાતે.

– ગુલઝાર

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. આ ગુજરાતી ..પેલા 3-4 ગુજરાતી ની જેમ આકાશ માં નવી આકાશગંગા નું નિર્માણ કરશે. અદભુત લગાવ , પુરો અભ્યાસ અને કલમ ની કારીગરી કરે છે ..ચોટદાર શબ્દો અને સત્ય ના સહારે એ કંઈ પણ લખે વાંચકો એને વાંચ્યા વિના ના રહી શકે.જીવન માં શીખવા જેવી દરેક બાબત પર એમનું નિરીક્ષણ કાબિલે દાદ જ હોય …

  2. વાહ સર , જીંદગી જીવવાના ચાર માર્ગ… અદ્ભૂત કોન્સેપ્ટ કહ્યો તમે. વાંચવાનો અનેરો આનંદ થયો. આવા બીજા આર્ટિકલ મૂકીને અમને દોરવતા રહેજો….હંમેશા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here