જલસો કરવો, મોક્ષ પામવો: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: મંગળવાર, 16 જૂન 2020)

રોજિંદું કાર્ય પડતું મૂકીને ધર્મધ્યાન કરવા ન જવાય. કેટલાક લોકો જીવનનો અર્થ શોધવા ગામ આખામાં ભટકતા થઈ જાય છે. તેઓ પલાયનવાદી છે. સંસારની જવાબદારીમાંથી છટકવા માટે બાબાગુરુઓના આશ્રમમાં જતા રહે છે. પછી ત્યાં જઈનેય બાગકામ, રસોઈકામ, સફાઈકામ, વહીવટી કામ વગેરે કરવાનાં આવે ત્યારે સમજાય છે કે કામ કરવાની જવાબદારીમાંથી તમે ક્યારેય છટકી શકવાના નથી. તો પછી બહેતર છે કે તમે જ્યાં છો ત્યાં રહીને જ, વિકટ પરિસ્થિતિઓનો સામનો કરતાં કરતાં તમારી જવાબદારીઓ નિભાવો.

વરસમાં એકાદવાર થોડા દિવસ પૂરતું વતનના ગામે કે પછી માથેરાન-મહાબળેશ્વર કે પછી કેરળ-સિક્કિમ કે પછી મોરેશ્યસ યુરોપ વૅકેશન માટે જતા હો તે રીતે તમે અઠવાડિયા દસ દિવસની શિબિર કે વિપશ્યના કે મૌન સાધના માટે સંસારથી દૂર જતાં રહો તો તેમાં કશો વાંધો નથી. ઊલટાનું સારું છે, આવકાર્ય છે, કારણ કે તમે ફરી તાજામાજા થઈને એ જ સંસારમાં પાછા આવો જ છો. કામચલાઉ ધોરણે, બે-ચાર દિવસ-અઠવાડિયા માટે તમે સંસાર ત્યાગ કરો છો તે તમારા માટે મનનો ઉપવાસ કરવા જેવું છે. જેમ શરીર અસ્વસ્થ હોય ત્યારે એકાદ ટંક પૂરતું તમે પેટને સંપૂર્ણ આરામ આપો તો સારું જ છે. આવું કરીને કંઈ તમે અન્નજળનો ત્યાગ કરીને મૃત્યુને બોલાવી રહ્યા છો એવું કોઈ ન કહી શકે એ જ રીતે અમુક દિવસ પૂરતું તમે સંસારથી અલિપ્ત થઈ જાઓ છો તો તમે કંઈ પલાયનવાદી નથી થઈ જતા. ઊલટાનું થોડા દિવસ સંસારથી દૂર રહેવાથી સંસારને દૂરથી જોવાની નવી દૃષ્ટિ કેળવાઈ શકે છે.

જેમ શ્વાસ લેવા માટે તમે અલગ સમય ફાળવતા નથી એમ ઈશ્વર સાથે સંબંધ બાંધવા માટે પણ અલગ સમય ફાળવવાની જરૂર નથી હોતી.

જીવન શું છે તે સમજવા કાયમ માટે સંન્યાસી થઈ જવાની કે પછી સંસારનો ત્યાગ કરવાની જરૂર જ નથી. ઈન ફૅક્ટ, જીવન શું છે તે, સમજવા માટે તમારા ચોવીસ કલાકના સમયમાંથી અલગ સમય ફાળવવાની પણ અનિવાર્યતા નથી. જો ફાળવતા હો તો સારી વાત છે. પણ એ અનિવાર્ય નથી. આખા દિવસમાં થોડો સમય તમે જો બીજું કંઈ કામ કર્યા વિના બે મિનિટ ભગવાનની સામે હાથ જોડીને ઊભા રહેતા હો કે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હો કે દીવો અગરબત્તી પ્રગટાવીને કે ભજન ગાઈને ભગવાનની પ્રાર્થના કરતા હો તો સારું જ છે. કારણ કે એ આપણા સંસ્કાર છે, આપણી વિરાસત છે. પણ જો કોઈ કારણસર એવું ન કરતા હો, આવા બધામાં રોજની એક મિનિટ પણ ફાળવતા ન હો તોય તમે સહેજ પણ ઓછા ધાર્મિક બની જતા નથી, સહેજ પણ ઓછા આધ્યાત્મિક બની જતા નથી, સહેજ પણ ઓછા ફિલોસોફિકલ બની જતા નથી.

ભગવાન વિશે કે પછી આ વિષય પરના કોઈ પણ મુદ્દા વિશે જો તમને કોઈના દ્વારા કહેલી વાતો સમજાતી ન હોય ત્યારે તરત સાવધ થઈ જજો. એમણે જાણી જોઈને, તમને ગૂંચવી નાખવા માટે, સાદીસીધી કન્સેપ્ટને ગૂંદી ગૂંદીને ન ઓળખાય એવી બનાવી દીધી છે.

જીવન જીવવું, પૂરેપૂરી વ્યસ્તતાથી જીવવું, ભરપૂર વ્યસ્તતાથી જીવવું એ જ પર્યાપ્ત છે. જેમ શ્વાસ લેવા માટે તમે અલગ સમય ફાળવતા નથી એમ ઈશ્વર સાથે સંબંધ બાંધવા માટે પણ અલગ સમય ફાળવવાની જરૂર નથી હોતી. જીવનનો હેતુ શોધવા માટે પણ અલગથી પ્રયત્ન કરવાની જરૂર નથી. જીવનનો હેતુ એક જ છે. તમે જે કામ કરો છો તે કરતા રહો — એ જ હેતુ છે જીવનનો. કોઈ તમને આંગળી પકડીને તમારા જીવનના હેતુની ખોજ કરાવવાનું વચન આપે તો એવા ફ્રૉડ લોકોથી બચતા રહેજો. એમના માટે જીવનનો હેતુ તમને આધ્યાત્મિક મમ્બો-જમ્બોમાં ગૂંચવી દઈને શીશામાં પૂરવાનો હોય છે એટલું લખી રાખજો.

ભગવાન વિશે કે પછી આ વિષય પરના કોઈ પણ મુદ્દા વિશે જો તમને કોઈના દ્વારા કહેલી વાતો સમજાતી ન હોય ત્યારે તરત સાવધ થઈ જજો. આ વિષય એવો અટપટો છે જ નહીં કે એમાં સમજ ન પડે. જો કોઈની વાતો સમજમાં ન આવતી હોય તો એમાં તમારી અક્કલ ઓછી પડે છે એવું જરાય માનતા નહીં. ઊંચી ઊંચી અને ન સમજાય એવી વાતો કરનારનો એ વાંક છે. એમણે જાણી જોઈને, તમને ગૂંચવી નાખવા માટે, સાદીસીધી કન્સેપ્ટને ગૂંદી ગૂંદીને ન ઓળખાય એવી બનાવી દીધી છે. બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર ઊતરીને તમે ઈસ્ટમાં બહાર આવશો તો કોઈ પણ માણસને પૂછશો કે મરાઠા મંદિર ક્યાં આવ્યું કે તરત ડાયગ્નોલી ઑપોઝિટ દેખાતી એ ભવ્ય ઈમારત દેખાડશે જ્યાં પચ્ચીસ વરસથી, હજુય, ડીડીએલજે મૉર્નિંગ શોમાં ચાલી રહ્યું છે. પણ કોઈ ફ્રૉડ ટૅક્સીવાળાની ટૅક્સીમાં બેસીને તમે પૂછશો કે મરાઠા મંદિર લે લો, તો એ પહેલાં તમને ટેક્સીમાં બેસાડશે, મીટર પાડશે અને પછી જમણો દરવાજો ખોલીને કહેશે! ઊતરી જાઓ, સામે દેખાય… અને તમારી પાસેથી એ ભાડું વસૂલ કરશે.

તમારે જો તમારાં સમય-એનર્જી વગેરેનું ભાડું ચૂકવવું જ હોય તો ચૂકવો. ‘ગુરુજી વાતો બહુ ઊંચી ઊંચી કરે છે. ભલે આપણને બધું ન સમજાય, પણ એમાં તો આપણો વાંક કહેવાય. આપણી અક્કલ ઓછી છે’ આવું માનીને તમારે પેલા ટૅક્સીવાળાના સહોદર એવા ગુરુજીને ખટાવવા હોય તો એમાં બીજા કોઈને કશું નુકસાન નથી. તમારી મરજી.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ
જીવન સરળ છે. જીવનમાં કશું જ સમજવું અઘરું નથી. જીવનની કોઈ વાત કઠિન નથી. જીવન વિશેની અઘરી અને કઠિન અને ન સમજાય એવી વાતોને ‘ગહન’નું લેબલ ધરાવતા બાટલામાં રેડીને વેચવાનો વેપાર ધમધોકાર ચાલે છે. ચાલવા દો. પણ તમારે આવા માર્કેટિંગના શિકાર બનવું જરૂરી નથી. આધુનિક મેડિકલશાસ્ત્રમાં ઉછરેલા ડૉક્ટરો, જેમની સાથે સાઠગાંઠ હોય એવી ફાર્માસ્યુટિકલ મેન્યુફેકચરિંગ કંપનીઓની, કેટલીક દવાઓ તમને પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે છે, જેનું સેવન શરૂ કર્યા પછી ન તો તમારું દર્દ કાયમ માટે દૂર થઈ જાય છે, ન તમે એને બંધ કરી શકો છો. આજીવન તમારે એ નહીં તો એની બહેનપણી જેવી ગોળીઓ ગળવી જ પડે. મરતાં દમ સુધી.

જીવનનાં ‘ગૂઢ રહસ્યો’ સમજાવનારાઓનું બજાર પણ આ મલ્ટીનૅશનલ કંપનીઓના રેકેટનું પ્રતિસ્પર્ધી છે. એક વખત તમે એ કુંડાળામાં પગ મૂક્યો કે તમારું આવી બન્યું. ન તમે ક્યારેય સમજી શકવાના છો આ ‘ગૂઢ રહસ્ય’ને (કારણ કે એવા કોઈ ‘ગૂઢ રહસ્ય’નું અસ્તિત્વ જ નથી.) ન તમે એ લોકોની લપેટમાંથી, ચુંગાલમાંથી બહાર આવી શકવાના છો કારણ કે આવી વાતો સાંભળવાનો નશો થઈ ગયા પછી, તમને ગૂંચવાઈ જવાની મઝા આવતી હોય છે, નાનપણમાં ફેર ફુદરડી ફરવામાં આવતી હતી એવી અથવા તો મોટા થયા પછી ડિઝનીલૅન્ડની રૉલર કોસ્ટરની વિવિધ રાઈડ્સમાં બેસવાથી આવી હતી એવી. એવી કૃત્રિમ થ્રિલ્સનો રોમાંચ મેળવવામાં જીવન વેડફી નાખવું હોય તો ભલે. બાકી, ખરું કહું? આ બધા વિશે કશું વિચારવાનું જ નહીં. એ દિશામાં જોવાનું જ નહીં. જે કામ કરીએ છીએ તે કરતાં રહીએ એજ ખરું જીવન છે, ખરું અસ્તિત્વ છે, એ જ ખરો ઈશ્વર છે, એ જ ખરા પરમાત્મા છે અને એ જ જલસા છે, એ જ મોક્ષ છે.

આજનો વિચાર

મારી ગઈ કાલની વાત મારી સાથે અત્યારે કરવાનો કોઈ મતલબ નથી. ગઈ કાલે હું અલગ વ્યક્તિ હતી.

– લુઈસ કેરોલ (‘એલિસ ઈન ધ વન્ડરલૅન્ડ’માં)
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

7 COMMENTS

  1. સૌરભભાઇi, તમારા શબ્દોનું ચયન અને વાક્યોની રચના ખૂબ સુન્દર હૉય છે . કોઈપણ વાત હૉય શીરાની જેમ ગળે ઉતરી જાય છે.
    જ્ઞાનસભર વાતો પીરસવા માટે આભાર.લાંબા ગાળા સુધી એનો આસ્વાદ રહે છે.

  2. સત્ય અને સચોટ વાત છે સાહેબ આપના artical માં. આભાર સૌરભ ભાઈ. વંદન સાથે આપનો વાચક મિત્ર ?વંદન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here