જિંદગી જીવવાનાં દસ સુવર્ણ સૂત્રો ( પાર્ટ વન ) : સૌરભ શાહ

( Newspremi.com : મંગળવાર, 30 જૂન 2020 )

જિંદગી આડેધડ નથી બનતી. થોડાક નિયમો, થોડાક સિદ્ધાંતો, થોડીક નીતિઓ અપનાવ્યા પછી આપણને જેવી જોઈએ છે એની આસપાસની જિંદગી સર્જાય છે. જિંદગી ઉપદેશ આપતાં પુસ્તકોથી નહીં, અનુભવોથી બને છે. આ અનુભવોનો નીચોડ ક્યારેક કોઈ મહાન માણસના શબ્દોમાં એક્સપ્રેસ થયેલો જોવા મળે ત્યારે તમને લાગે કે તમે સાચા માર્ગે ચાલી રહ્યા છો. લાઈફના વિવિધ તબક્કે હું જે અનુભવોમાંથી પસાર થયો, જે અનુભવોએ મને તપાવીને વધુ શુદ્ધ થવામાં મદદ કરી, મારી ખરાબીઓને ઓગાળી એમાંના કેટલાક અનુભવોની ઝલક મારે તમારી સાથે વહેંચવી છે. એ અનુભવો મારા છે, એ માનસિકતા પણ મારી છે, પરંતુ હું એમાંથી પસાર થયો એના દાયકાઓ કે સૈકાઓ અગાઉ કોઈક એમાંથી પસાર થયું હશે જેણે એ અનુભવોને સૂત્રબદ્ધ કર્યા હશે. કારણ કે, એ અનુભવો કોઈ એક વ્યક્તિના નહોતા, સમગ્ર માનવસૃષ્ટિનાં હતા. વ્યક્તિ દ્વારા કહેવાયેલી સમષ્ટિની વાત દસ સોનેરી સૂત્રોમાં પરોવીને તમારી સાથે શેર કરું છું :

1. સિંહ ભૂખ્યો થાય પણ ઘાસ ન ખાય :

હા, આ જીદ હતી મારી. અને આ જીદે જ મને જીવાડ્યો છે. તે વખતે ખબર નહોતી કે આ સુવર્ણસૂત્ર કોણે લખેલું છે. વર્ષો પછી ખબર પડી કે આના રચયિતા ચાણક્ય છે. ‘ચાણક્યનીતિ’માં સત્તર અધ્યાય પૂરા થયા પછી 572 ચાણક્યસૂત્રો આવે છે. એમાંનું 164મું સૂત્ર છે : ક્ષુધાર્તો ન તૃણં ચરિત સિંહ:।

જિંદગીમાં અનેક સમયગાળા એવા આવ્યા જ્યારે મને મારા કામમાં નિષ્ફળતાઓ મળતી, નિષ્ફળતા પછીના ગાળામાં બેકાર રહેવું પડતું. મિત્રો-સ્વજનો સજેસ્ટ કરતા અને મને પણ ઘડીભર મન થઈ જતું કે આ લાઈન છોડીને કોઈક બીજું કામ હાથમાં લઈ લઉં – ગુજરાન ચલાવવા. પણ પછી થતું કે જે કંઈ બીજું કામ કરીશ તે ચોક્કસ આના કરતાં લ્યુક્રેટિવ હોવાનું, વધુ પૈસા અપાવનારું હોવાનું. પછી એમાં જ આગળ વધવાનું મન થશે, આ લાઈન છૂટી જશે. આજે હું ગૌરવપૂર્વક કહી શકું છું કે મેં બેકારી પણ પત્રકારત્વ-લેખનના વ્યવસાયમાં રહીને જ પસાર કરી છે. એક અપવાદ સિવાય. એ અપવાદ વિશે વાત કરવા બેસીશ તો એક આખો લેખ નહીં, પુસ્તક લખાશે. આગળ જતાં જો સાહજિક રીતે એ વાત આવશે તો વણી લેવામાં વાંધો નથી.

નાસી-હારીને દસ અલગ-અલગ ક્ષેત્રોમાં ફાંફાં મારવાને બદલે આ જ ક્ષેત્રમાં બેકારી ભોગવવાની જીદ રાખતો રહ્યો તો આજે જઈને મારા એ પચાસ ફૂટના ઊંડા કૂવામાંથી પાણી નહીં, તેલ નીકળી રહ્યું છે.

આ એક નાનકડા અપવાદ સિવાય હું ભૂખ્યો રહ્યો છું પણ, ખાતરીપૂર્વક કહી શકું કે મેં ઘાસ નથી ખાધું, શુદ્ધ અને પ્રામાણિક પત્રકારત્વ તથા લેખનના વ્યવસાય સિવાય બીજો કોઈ ધંધો નથી કર્યો – પેલા એક અપવાદ સિવાય. સાવ અલગ જ ક્ષેત્રનો એ ધંધો પણ શુદ્ધ, પ્રામાણિક અને પરસેવો પાડીને જ કરેલો હતો. ખેર.

મને પરમ સંતોષ છે આ વાતનો કે હું ક્યાંય ફંટાયો નહીં. કહેવાય છે ને કે પાંચ-પાંચ ફૂટના દસ કૂવા ખોદવાને બદલે ધીરજ રાખીને પચાસ ફૂટનો એક કૂવો ખોદશો તો પાણી નીકળવાના ચાન્સીસ વધારે છે. આજે પાછળ નજર કરીને જોઉં છું તો હું દરેક વિટંબણા ભોગવીને એક જ ક્ષેત્રને વળગી રહ્યો, નાસી-હારીને દસ અલગ-અલગ ક્ષેત્રોમાં ફાંફાં મારવાને બદલે આ જ ક્ષેત્રમાં બેકારી ભોગવવાની જીદ રાખતો રહ્યો તો આજે જઈને મારા એ પચાસ ફૂટના ઊંડા કૂવામાંથી પાણી નહીં, તેલ નીકળી રહ્યું છે. આ તેલના કૂવાએ મને સાઉદી અરેબિયાના શેખ જેટલો પૈસાદાર નથી બનાવ્યો પણ હા, મારી આંતરિક શ્રીમંતાઈ, મારો માનસિક વૈભવ આ કૂવામાંથી પ્રાપ્ત થયેલા પેટ્રો ડૉલર્સ જેવા ક્રિએટિવ આનંદને લીધે ભરપૂર છે, છલોછલ છે, અમાપ છે.

જિંદગીમાં શીખવા જેવી આ પહેલી વાત. કોઈ કંઈ પણ કહે, વળગી રહેવાનું તમારા મનગમતા કામને. જીદ નહીં છોડવાની. અને ક્યારેક ઘાસ ખાવાની નોબત આવે ત્યારે કચવાતે મને તત્પૂરતું સમાધાન કરીને ટકી જવાનું પણ સંજોગો બે ટકા જેટલા પણ સુધરે કે તરત શિકાર કરવા નીકળી પડવાનું, અગાઉની જેમ.

મને મારિયો પૂઝોની માસ્ટરપીસ નવલકથા ‘ગૉડફાધર’નો ઑફિશિયલ ગુજરાતી અનુવાદ કરવાનું કામ મળ્યું કે તરત જ મેં મારા બિન-પત્રકારત્વના, બિન- લેખન ક્ષેત્રના કામનો ખુમચો આટોપી લીધો હતો. હાલાંકિ, પર અવરની મહેનતનું વળતર ગણીએ તો પેલા ખુમચાની સરખામણીએ ‘ગૉડફાધર’ના ટ્રાન્સલેશનમાંથી મળનારી આવક સાવ પીનટ્સ હતી. પણ મને ખબર હતી કે મારે મર્યા પછી જગતના સર્વશ્રેષ્ઠ ખુમચવાળા તરીકે યાદ રહેવું નથી.

થતું એવું કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે હોય અને હું શેખચલ્લી બનીને કેટલા ઘાડવા ઘી વેચવાથી કેટલું વળતર મળશે એવાં દીવાસ્વપ્નોમાં ખોવાઈ જતો. કામ બાજુએ રહી જતું, માત્ર સપનાંઓ હાથમાં રહી જતા, વાદળોને પકડી રાખ્યાં હોય એવાં સપનાંઓ.

2. વિદુરનીતિ

‘વિદુરનીતિ’ નહોતી વાંચી ત્યાં સુધી હું બહુ ભડભડિયો હતો. કોઈક નવું, યુનિક કામ કરવાનો વિચાર આવે એટલે હજુ પ્લાનિંગ પણ શરૂ ન કર્યું હોય ત્યાં, આસપાસના સૌ લોકો પૂછે કે ‘શું ચાલે છે આજકાલ?’ ત્યારે એ બધાને વિગતે કહી દેતો કે હું શું વિચારી રહ્યો છું. મને મઝા પડતી બધાની સાથે આ વિચારો શેર કરવાની. વાસ્તવમાં થતું એવું કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે હોય અને હું શેખચલ્લી બનીને કેટલા ઘાડવા ઘી વેચવાથી કેટલું વળતર મળશે એવાં દીવાસ્વપ્નોમાં ખોવાઈ જતો. કામ બાજુએ રહી જતું, માત્ર સપનાંઓ હાથમાં રહી જતા, વાદળોને પકડી રાખ્યાં હોય એવાં સપનાંઓ.

એક સૂત્ર વાંચીને શિયાળાની વહેલી સવારની કડકડતી ઠંડીમાં કોઈએ આખી રાત માટલામાં ભરી રાખેલું પાણી માથા પર રેડ્યું હોય એવી ઝણઝણાટી થઈ ગઈ. હું હોશમાં આવી ગયો. પંડિત થઈ ગયો કે નહીં એની ખબર નથી પણ મહામૂર્ખ તો મટી જ ગયો.

ક્યારેક મારા હાફ-બેક્ડ પ્લાનિંગની ખબર પડી જતાં બહારથી વિઘ્નો આવવાનાં શરૂ થઈ જતાં તો ક્યારેક મારા તદ્દન નવા, એકદમ યુનિક અને મૌલિક વિચારો અમલમાં મૂકાય એ પહેલાં બીજા લોકો એ આઈડિયાઝને પોતાના નામે ચડાવીને ચરી ખાતા. આવું થતું ત્યારે હું મારી જાત સિવાય દુનિયા આખીનો દોષ કાઢતો કે મારી સાથે કેવો અન્યાય થાય છે, હું મને વિક્ટિમ સમજવા લાગતો.

‘મહાભારત’માં વેદ વ્યાસે ઉદ્યોગ પર્વમાં ધૃતરાષ્ટ્ર-વિદુર સંવાદના આઠ અધ્યાય આપ્યા છે, જે ‘વિદુરનીતિ’ના નામે પ્રચલિત છે. એમાં એક જગ્યાએ વિદુરજી કહે છે : ‘જેના કરી રાખેલા વિચારને બીજા કોઈ (લોકો) જાણતા નથી પણ જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજાઓ જાણે છે તે જ પંડિત કહેવાય છે.’ આ વાંચીને શિયાળાની વહેલી સવારની કડકડતી ઠંડીમાં કોઈએ આખી રાત માટલામાં ભરી રાખેલું પાણી માથા પર રેડ્યું હોય એવી ઝણઝણાટી થઈ ગઈ. હું હોશમાં આવી ગયો. પંડિત થઈ ગયો કે નહીં એની ખબર નથી પણ મહામૂર્ખ તો મટી જ ગયો.

એ પછી નવા વિચારો કરવાનું કે નવાં નવાં કામ કરવાનું બંધ નથી કર્યું પણ જ્યાં સુધી એ કામ પૂરું ન થાય ત્યાં સુધી એ વિચારોને જાહેર કરવાનું બને ત્યાં સુધી ટાળું છું. આવું કરવાથી હવે એ પણ ફાયદો થાય છે કે મેં ધારેલાં ડઝનબંધ કામ અપૂર્ણ રહી જાય ત્યારે એની જાણ મારા સિવાય કોઈને નથી થતી. મારાં થઈ ગયેલાં કામની જ લોકોને ખબર પડે છે. આને કારણે તથાકથિત નિષ્ફળતાની નામોશીમાંથી હું ઉગરી જાઉં છું.

સૂત્ર નંબર ત્રણ મને સ્વયં અમિતાભ બચ્ચને એમની વેનિટી વાનમાં ઇન્ટરવ્યુ દરમ્યાન આપ્યું— 1989-90ના અરસામાં જ્યારે એમના જીવનનો સૌથી કપરો દાયકો શરૂ થવામાં હતો.

(આ ત્રીજી વાત વિશે વધુ પરમ દિવસે, ગુરુવાર 2 જુલાઈ 2020.)

આજનો વિચાર

આપણે જિંદગીમાં સૌથી મોટી ભૂલ એ જ કરતા હોઈએ છીએ કે આપણે માની લઈએ છીએ કે આપણે ભૂલ કરતા જ નથી.
– થોમસ કાર્લાઈલ

9 COMMENTS

  1. ભારતના સાહિત્યમાં પત્રકારત્વમા એક અનોખો માનવ તેટલે સૌરભ શાહ, તેની કલમ શુરવિર, તેનો મિજાજ પરાક્રમી અને સ્નેહના તરંગો થી વિણાવાદ સંભળાવનાર તેટલે સૌરભ શાહ

  2. હુ તમારો બિગ મિત્ર છું..તમારા દરેક લેખ હુ અનેકોવાર વાંચું છું..આભાર આપનો

  3. Thank you for having started sharing valuable observations.
    Would remain eager to to know all ten.
    Happy for your contentment in your profession. Best wishes.

  4. સૌરભભાઈ તમારા દરેક લેખ લગભગ વાંચુ છું. તમારા લેખનો ‘ન્યુઝપ્રેમી’ છું ખરેખર સરસ અને તથ્યસભર લેખ હોય છે.

  5. Excellent job. I would like to know about Apwad exception of your life. I personally believe that Sabse bada rupaiya nothing else left in the life
    .

  6. સૌરભભાઇ તમારા લેખ વાંચવાની બહુ મજા આવે છે. બહુ રેગ્યુલર નથી વાંચી શકતી પણ જ્યારે ટાઈમ મળે ત્યારે વાંચી લઉ છું.ખુબ અર્થસભર અને માહિતીસભર લેખ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here