આપણું ધાર્યું કરવું એટલે શું?

લાઉડમાઉથ : સૌરભ શાહ

(‘સંદેશ’, ’અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૭ ઑગસ્ટ ૨૦૧૯)

ધારો કે તમે એક ધંધો શરૂ કરવા માગો છો. તમે પાનનો ગલ્લો નાખવા માગો છો. તમારા વિસ્તારમાં જે પાનવાળાઓ છે એના કરતાં કંઈક જુદું કરશો તો જ તમારો ધંધો ચાલશે એની તમને ખબર છે. તમારા મનમાં એવા ઘણા વિચારો વર્ષોથી રમ્યા કરે છે કે હું આ રીતે બીજા પાનવાળાઓથી જુદો પડીશ, હું પેલું કરીને નોખો તરી આવીશ.
તમે ગમે એટલું જુદું પ્લાનિંગ કરશો પણ છેવટે તો તમારે તમારા ધંધામાં બાકીનાઓ જે કરે છે તે તો કરવું જ પડશે – ચૂનાની જગ્યાએ તમે બીજો કોઈ એવો પદાર્થ નહીં લાવી શકો, કાથો, સોપારી વગેરે જે કંઈ ડઝન દોઢ-ડઝન પદાર્થો ગ્રાહકો પોતપોતાના ટેસ્ટ પ્રમાણે માગવાના છે તે તો તમારે રાખવા જ પડશે. એ પદાર્થોની ક્‌વૉલિટી તમારા હાથમાં છે. બીજા કોઈ પાનવાળા પાસે ન હોય એવી ઉંચી ગુણવત્તાવાળું ગુલકંદ તમે રાખી શકો છો. સોપારી, ઈલાયચી વગેરેને હાઈએસ્ટ ક્‌વૉલિટીની રાખી શકો છો. આવું કરવામાં તમારો પ્રોફિટ માર્જિન કદાચ ઓછો થઈ જશે પણ લાંબાગાળે તમને ફાયદો થશે – ગ્રાહકો બીજે જવાને બદલે તમારે ત્યાંથી જ પાન લેવાનો આગ્રહ રાખતા થઈ જશે. બેસ્ટ ક્‌વૉલિટીનું પાન તમારે ત્યાં જ મળે છે એવી પ્રતિષ્ઠા ઊભી થયા પછી તમારે ‘સળગતું પાન’ બનાવવાની ગિમિક્‌સ કરીને લોકોને આકર્ષવાની જરૂર નહીં પડે. આવી ગિમિક્‌સથી એકાદ વખત ગ્રાહકને આકર્ષી શકાય, ગ્રાહક તમારા પાનનો બંધાણી ન થઈ જાય.

મારે જુદું કરવું છે, મારે મારું ધાર્યું કરવું છે એવી જીદ ઘણી વખત તમને આડે રવાડે ચડાવી દેતી હોય છે. દરજી તરીકે જુદું કરવાનો મતલબ એ નથી કે ગામ આખું શર્ટના બટન આગળ રાખીને સીવણકામ કરતું હોય તો તમે પીઠ તરફ સાત ગાજ-બટન કરીને સીવી આપો. નવું કરવા માટે તમારે ટ્રેડિશનલી જે કંઈ સર્વસ્વીકાર્ય છે તેના દાયરામાં રહીને જ નવું નવું વિચારવું પડશે. આઉટ ઑફ બૉક્‌સ થિન્કિંગનો આખો અર્થ જ આપણને ઊંધો સમજાવાયો છે. હકિકત તો એ છે કે બૉક્‌સમાં રહીને નવું નવું શું કરી શકીએ, બીજાઓએ જે નથી કર્યું તે કરી શકીએ એ વિચારવું જોઈએ.

ક્યારેક નવું ઉમેરવાને બદલે જે કંઈ પ્રચલિત છે તેમાંથી થોડુંક બાદ કરીને પણ તમે નોખા તરી આવી શકો છો. બીજો એક દાખલો આપું? મારી જે એક્‌સપર્ટીઝ છે તેની વાત કરું. ભેળ બનાવવાની.

ચોપાટી પર દસ ભેળપુરીવાળાના લાઈનબંધ ખુમચા છે. અગિયારમો ખુમચો તમારે નાખવો છે. પેલા દસની કૉમ્પીટીશનમાં તમારે ઊતરવાનું છે. એમના ગ્રાહકો તમારે ત્યાં આવતા થાય અને તમારા કાયમી ગ્રાહક બની જાય એવું તમે વિચાર્યું છે. શું કરશો? તમારી ભેળ બીજાઓ કરતાં જુદી પડે એ માટે શું કરશો? જાતજાતના ચેવડા-ચવાણા-શિંગ-ચણા ઉમેરશો? ના. એનાથી તો ઊલટાનો ભેળનો અસલી સ્વાદ ઢંકાઈ જશે. ચીઝ કે કોપરું નાખશો? આવો વિચાર જ ધૃણાસ્પદ છે. છી. નવું કશું જ ઉમેરવાની જરૂર નથી તો શું એમાંથી કશાકની બાદબાકી કરશો. હં…હવે સમજાયું. ચાલો, કાંદા-બટાકા દૂર કરીએ. લસણની ચટણી પણ ના નાખીએ. આ તો જૈન ભેળ થઈ ગઈ. બીજા બધા પણ બનાવે છે. ડાયેટિંગ કરનારાઓ તળેલું નથી ખાતા. તળેલી સેવ, તળેલી પુરી ના નાખીએ. પછી? હરસની તકલિફ છે તો તીખી ચટણી પણ દૂર કરીએ. ફાઈન. તો હવે શું રહ્યું? વઘારેલા મમરામાં ગળી ચટણી! એકદમ યુનિક ભેળ થઈ. બાકીના દસેદસ ખુમચાઓ કરતાં જુદી. આવી ભેળ કોઈ નથી બનાવતું એવો દાવો કરતું પાટિયું ગળામાં ભેરવીને તમે ગામ આખામાં ફરવા લાગ્યા. પણ માત્ર વઘારેલા મમરામાં ગળી ચટણી નાખેલી તમારી બેસ્વાદ ભેળ કોના ગળે ઉતરવાની છે?

પણ તમે જ તો કહ્યું હતું કે ક્યારેક નવું ઉમેરવાને બદલે જે કંઈ પ્રચલિત હોય એમાંથી કશાકની બાદબાકી કરી નાખીને પણ અલગ તરી આવી શકાય છે. કહ્યું તો હતું, પણ તમે બરાબર સમજ્યા નહીં. જુદું કરવાનો મતલબ ગળી ચટણી નાખેલા મમરા નહીં. તો? તો આ: તીખી ચટણીમાં મરચાં, નમક, લીંબુ સિવાય બીજું કંઈ નહીં. એકદમ સ્ટ્રોંગ બનશે. થોડીક જ નાખવાની. ગળી ચટણીમાં ખજૂર-આંબલી સિવાય નમક-જીરું, ચપટી હળદર અને ચપટી લાલ મરચું ઉપરાંત ગોળ સિવાય બીજું કંઈ નહીં.

ધાણાજીરું નહીં – માત્ર જીરું. લસણની ચટણીમાં માત્ર લસણ-લાલ મરચું–નમક-બીજું કંઈ નહીં. સ્ટ્રોંગ બનશે. થોડીક જ નાખવાની. બાફેલા બટાટાને પાતળા સમારવાના, બટાટાવડાં બનાવવા માટે છુંદો કરી નાખીએ છીએ તેવું નહીં કરવાનું. સેવ-મમરા-પુરી સિવાય બીજો કોઈ વધેલો નાસ્તો નહીં નાખવાનો. કોથમીર-કાચી કેરી મળે તો ભયો ભયો. કેરી ન હોય ત્યારે લીંબુ ચાલે. આવી ભેળ તમને બાકીના દસ ખુમચાવાળાઓની કૉમ્પીટિશનમાં ક્યાંની ક્યાં લઈ જશે. ચટણીઓ બનાવવાની રૅસિપી તમારા ગ્રાહકો સાથે શૅર કરજો, તમારા કોમ્પીટિટર્સ સાથે પણ. તમારા જેવી જ ભેળ બનાવવાની તેઓ કોશિશ કરશે. પણ તમને ટક્કર નહીં મારી શકે. કેમ? ભેળ બનાવતી વખતનું તમારું કૉન્સન્ટ્રેશન, તમારી એકાગ્રતા ક્યાંથી લાવશે. ભેળ બનાવવામાં તમને જે મઝા આવે છે એ અંતરનો ઉમળકો ક્યાંથી લાવશે. આપણે ટ્રેડિશનલી કહીએ છીએ ને કે મારી મા જેવી દાળ બીજું કોઈ બનાવી ન શકે. માનો જાદુઈ હાથ ફરે એટલે રસોઈ આખી અલગ જ લેવલની બની જાય. આમાં જે દેખાય છે તે માત્ર હાથ દેખાય છે અને જે નથી દેખાતો તે ઉમળકો હોય છે. હું મારાં છોકરાંઓને જમાડવાની છું, મારાં પતિ-સાસુ-સસરાને કે મારા મહેમાનોને જમાડવાની છું એવા ઉમળકા સાથે મા રસોઈ બનાવે છે એટલે એની દાળનો સ્વાદ હજુય તમને યાદ છે. એવા કોઈ ડ્રાયફ્રુટ્‌સ, ચીઝ કે પાઈનેપલ માની દાળમાં હોતા નથી( કોઈની ય દાળમાં ન જ હોવાં જોઈએ) છતાં એનો સ્વાદ સ્વર્ગને અડકીને આવ્યા હોઈએ એવો અવર્ણનીય લાગે છે.

જિંદગીમાં જે કંઈ કરવાનું છે તે બધું જ આ દુનિયાએ બનાવેલા ચોકઠાઓમાં રહીને જ કરવાનું છે. આ ચોકઠા કોઈ બંધન કે મર્યાદા નથી પણ ડિસિપ્લિન છે, નિયમબધ્ધતા છે. આ ડિસિપ્લિનમાં રહીને જ તમારે જે કંઈ નવું નવું કરવાનું છે તે કરવાનું છે. આ વાત જેઓ સમજી જાય છે તે ભવિષ્યમાં જિનિયસ તરીકે પૂજાય છે, જેઓ સમજતા નથી અને વગર ફોગટની ભાંગફોડ કરીને મોટા રિબેલ બનવા જાય છે તેઓ ફેંકાઈ જાય છે, નામશેષ થઈ જાય છે અને ચોકઠામાં રહીને જ કામ થાય એવું સ્વીકારીને જેમનામાં નવું કરવાની કોઈ આવડત નથી તેઓ મીડિયોકર અસ્તિત્વ ધરાવતા થઈ જાય છે.

ત્રણ વાત યાદ રાખવાની.

એકઃ ધાર્યું કરવું હોય તો કરવાનું પણ દુનિયા અમુક ચોક્કસ નિયમોથી જ ચાલે છે એ ધ્યાન રાખવાનું.

બેઃ આ દુનિયાને તમારી ગરજ નથી, તમને દુનિયાની ગરજ છે.

ત્રણઃ નવું કરવાની હિંમત જ નહીં, નવું કેવી રીતે કરવું એની સૂઝ પણ જોઈએ. આવી હિંમત અને સૂઝ જો તમે કેળવી ન હોય તો હજુય તક છે – એકડે એકથી શરૂ કરો. અને જો એવું કરવાની ત્રેવડ કે દાનત ન હોય તો ભૂલી જાઓ કે મારે મારું ધાર્યું કરવું છે, ઘેટાંના ટોળામાં ભળી જાઓ, તમારું રગશિયું ગાડું ચલાવતા રહો.

સાયલન્સ પ્લીઝ

તમે ખુશ છો કે નહીં એ જોવાની જવાબદારી તમારી પોતાની છે. તમને ખુશ રાખવાની જવાબદારી બીજાઓને સોંપવાની જરૂર નથી.

_રૉય ટી. બેનેટ( ‘લાઈટ ઈન ધ હાર્ટ’ નામના કિન્ડલ-પુસ્તકમાં).

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here