ભારત તેરે ટુકડે હોંગેના કાવતરાખોરો કોણ છેઃ સૌરભ શાહ

(ગુડ મોર્નિંગ એક્સક્લુઝિવઃ આસો વદ એકમ, વિક્રમ સંવત ૨૦૭૭. બુધવાર, ૨૧ ઑક્ટોબર ૨૦૨૧)

છેલ્લાં દસ વર્ષમાં આપણે બે તદ્દન ભિન્ન જમાના જોયા. 2014 પછીનો મોદીયુગ અને 2014 પહેલાં સેક્યુલર આતંકવાદનો યુગ. જેઓ લેટ કમર્સ છે એમને અંદાજ પણ નહીં હોય કે કૉન્ગ્રેસના જમાનામાં ભારતમાં સેક્યુલરવાદના નામે ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા અને ભારતીય પ્રજા વિરુદ્ધ કેવાં કેવાં કાવતરાં થતાં હતાં. સેક્યુલરવાદીઓનાં આવાં અનેક ષડયંત્રોને ખુલ્લાં પાડવાનું કામ સીતારામ ગોયલ, રામ સ્વરૂપ અને કોન્રાડ એલ્સ્ટે ‘વૉઈસ ઑફ ઇન્ડિયા’નાં પ્રકાશનો દ્વારા કર્યું જેમાં શ્રીકાન્ત તલગીરી અને અરુણ શૌરી જેવા બીજા કેટલાક વિદ્વાન લેખકો જોડાયા.

આ પરંપરાને આગળ વધારનારા રાજીવ મલ્હોત્રા અને અરવિન્દન નીલકન્દનની જોડીએ લખેલું પ્રથમ પુસ્તક ‘બ્રેકિંગ ઇન્ડિયા’ 2011માં પ્રગટ થયું જેણે આવતાંવેંત અભ્યાસીઓના દિલ પર કબજો જમાવી દીધો. ધીમે ધીમે આમ વાચકોમાં પણ બહોળી લોકપ્રિયતા મળી.

2011માં પ્રગટ થયેલું આ લૅન્ડમાર્ક અને દળદાર પુસ્તક 2021માં ગુજરાતી ભાષામાં અવતર્યું છે અને જેઓ આ પુસ્તકથી હજુ પણ બેખબર હોય એમના માટે આ લેખ લખ્યો છે.

ભારતના ભાગલા તો 1947માં થયા પણ એ પછી આપણા દેશના આંતરિક માળખાને તોડવા શું શું થયું છે અને થઈ રહ્યું છે એનો દસ્તાવેજી અભ્યાસ ‘બ્રેકિંગ ઇન્ડિયા’ પુસ્તકમાં રાજીવ મલ્હોત્રા અને અરવિન્દન નીલકન્દન નામના બે વિદ્વાન લેખકોની જોડીએ આપ્યો છે. 2014માં મોદીએ આવતાંવેંત ભારતના ટુકડા કરવાના ઇરાદે કામ કરતી એન.જી.ઓ.નું ઘણું મોટું ન્યુસન્સ ઓછું કરી નાખ્યું. એ ઉપરાંત વડાપ્રધાન તરીકે મોદીએ કરેલી કામગીરીની ઘણી મોટી અસર આ ભાગલાવાદી તત્ત્વો પર પડી. મુસ્લિમવાદી સેક્યુલરોની અને અરાજકતાવાદી લેફ્ટિસ્ટોની ઇકો સિસ્ટમ સામે, દરેક ક્ષેત્રમાં પથરાયેલા એમના પ્રભાવ સામે હિન્દુ ઇકો સિસ્ટમ સર્જવાની પ્રક્રિયાને ઘણો મોટો વેગ મળ્યો. આ ક્ષેત્રે ઝડપભેર અનેક ગંજાવર કામ થઈ રહ્યાં છે. હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે. કૉન્ગ્રેસના રાજમાં ફૂલેલાફાલેલા માર્ક્સવાદ, સેક્યુલરવાદ અને મુસ્લિમ-દલિત માટેના ભાગલાવાદના રાક્ષસનું ગળું ઘોંટવાના પ્રયાસોને હજુ સંપૂર્ણ સફળતા મળી નથી. આ રાક્ષસ ઉપરાંત હજુ ઘણા અળસિયાઓને પણ પગ તળે કચડવાના બાકી છે, હજુ ઘણી ઊધઈઓને પેસ્ટ કન્ટ્રોલ કરવાની છે, હજુ ઘણાં રાષ્ટ્રવિરોધી લેખકો, પત્રકારો, કૉલમનિસ્ટો, ટીવી એન્કરો, છાપાં-મૅગેઝિનોનાં પ્રકાશનગૃહો, ન્યુઝ ચેનલોના માલિકો, શિક્ષણ જગતના માંધાતાઓ, ઇતિહાસની વિકૃતિ કરતી ટેક્સ્ટબુક્સ લખનારાઓ, સાહિત્ય-સંસ્કૃતિ મનોરંજન જગતમાં પહોળા થઈને ચપ્પટ બેસી જનારા સામ્યવાદીઓ તેમ જ સરકારી સંસ્થાનો તથા બ્યુરોક્રસીમાં પગપેસારો કરનારા તકવાદીઓને એમની ઔકાત દેખાય એવાં કામ કરવાનાં બાકી છે. આ સૌની સાન ઠેકાણે લાવવાનું કામ બાકી છે. આ સૌના પાપનો ઘડો ભરાઈ ગયો છે એવો અહેસાસ એમને થાય એવી નીતિઓનો અમલ કરવાનું કામ બાકી છે.

આ બૅકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને જોઈએ તો ખબર પડશે કે 2011માં પ્રગટ થયેલું ‘બ્રેકિંગ ઇન્ડિયા’ પુસ્તક 2021માં પણ રિલેવન્ટ છે, વાંચવા જેવું છે, વસાવવા જેવું છે, ભેટ આપવા જેવું છે, લાગતાવળગતાઓ અને સરખા વિચાર ધરાવનારાઓ સુધી પહોંચાડવા જેવું છે.

મમતા બેનર્જીએ ફરી વિધાનસભાની ચૂંટણી જીતી એ પછી હિન્દુત્વના પ્રહરી તરીકે કામ કરી રહેલા સેંકડો કાર્યકર્તાઓની બંગાળમાં ખુલ્લેઆમ કતલેઆમ થઈ. શાહીન બાગની ભૂંડી ચળવળ બાદ દિલ્હીમાં હિન્દુવિરોધી રમખાણો થયાં. ખેડૂત આંદોલનના નામે ચલાવવા આવતી રાષ્ટ્રવિરોધી ચળવળ, કોરોનાના લોકડાઉન સમયે પ્રવાસી શ્રમિકોને ભરમાવીને અંધાધૂંધી સર્જવાના પ્રયાસો – આ અને આવી અનેક ઘટનાઓ બ્રેકિંગ ઇન્ડિયાનો એક હિસ્સો છે. આ બધી જ ઘટનાઓ સ્વયંભૂ નથી પણ એક સોચી સમજી સાઝિશનો ભાગ છે.

2014 પછી નિર્માણ થઈ રહેલા નવ-ભારતના પ્રતાપે અને હિન્દુ પ્રજામાં પ્રવેશી રહેલી નવી જાગૃતિને કારણે હિન્દુઓની લાગણી સાથે ખિલવાડ કરતી જાહેરખબરોના કે એવી ફિલ્મોના મેકર્સે પોતાની ભૂલનાં ગંભીર પરિણામો ભોગવવા પડ્યાં છે. જે ટીવી ચેનલો 2014 પહેલાં 24 x 7 સેક્યુલરવાદનાં ગાણાં ગાતી હતી એ ચેનલોએ તટસ્થતાનો દેખાડો કરવાનું શરૂ કરવું પડ્યું છે. એટલું જ નહીં જે રાજકારણીઓ ભગવાન રામ કે ભગવાન કૃષ્ણના નામમાત્રથી ભડકતા હતા એ હિન્દુવિરોધી રાજકારણીઓ મંદિરમાં જઈને, ટીલાં કરીને, જનોઈ પહેરીને ગળામાં રુદ્રાક્ષની માળા લટકાવીને હાથમાં કરતાલ લઈને ભજન ગાતા થઈ ગયાં છે, જાહેરસભાઓમાં ગાયત્રી મંત્ર અને હનુમાન ચાલીસા પઢતા થઈ ગયા છે. 2014 પહેલાં આવો દંભ કરવાની પણ દરકાર તેઓ કરતા નહોતા.

આ તો હજુ શરૂઆત છે જેનો આરંભ 26 મે 2014 પછી થયો છે અને જે જુવાળ ઝરણા સમાન હતો તે હવે નદીનો તે ધસમસતો પ્રવાહ બની ગયો છે.

હજુ તો ઘણાં કામ બાકી છે. ભારતના બંધારણમાં આપણા દેશનાં બે નામ છે – ઇન્ડિયા ધૅટ ઇઝ ભારત. જગતના કોઈ દેશનાં બે નામ નથી – ઑસ્ટ્રેલિયા, નેપાળ, જર્મની, જપાન, યુકે, યુએસએ, તાન્ઝાનિયા – કોઈ દેશ બે નામવાળો નહીં મળે. બર્મા કે સિલોન નામ ધરાવતા દેશોએ બ્રિટિશરોએ લાદેલો બોજ ફગાવીને મ્યાનમાર અને શ્રીલંકાનાં ઓરિજિનલ નામ અપનાવી લીધાં છે. ભારતમાં આ અને આવાં અનેક નામ બદલાવાનાં બાકી છે. બૉમ્બેનું મુંબઈ, અલાહાબાદનું પ્રયાગરાજ અને બરોડાનું વડોદરા થઈ ગયું છે – અમદાવાદ કે અહમદાબાદનું કર્ણાવતી પણ થશે.

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને કૉન્ગ્રેસ તથા એના સેક્યુલર-સામ્યવાદી ગઠિયાઓની ચુંગાલમાંથી છોડાવવા ‘બ્રેકિંગ ઇન્ડિયા’ જેવાં પુસ્તકોનું વાચન-મનન અને એના પરની ચર્ચાઓ ખૂબ ઉપયોગી થઈ શકે. યુરોપના દેશોએ અને અમેરિકાએ ભારતના ડાબેરીઓનો-વામપંથીઓનો સાથ લઈને ‘ભારત તેરે ટુકડે હોંગે, ઇન્શાલ્લાહ, ઇન્શાલ્લાહ’ના નારા લગાવનારાઓના પૂર્વજોને કેવી રીતે ફન્ડિંગ આપીને કૉન્ગ્રેસના શાસન દરમ્યાન મજબૂત કર્યા તેની વિગતવાર સમજ ‘બ્રેકિંગ ઇન્ડિયા’ પુસ્તકમાંથી તમને મળશે. ખ્રિસ્તી મિશનરીઓને કરોડો રૂપિયા આપીને ભારતની હિન્દુ સંસ્કૃતિનું પોત જર્જરિત બનાવવાની કોશિશોનું પણ વિગતવાર વર્ણન આ પુસ્તકમાં છે. આ પુસ્તક ઊંડા સંશોધન બાદ લખાયેલું છે. કોઈ મનઘડંત કે કપોળકલ્પિત વાતો નથી એમાં. અઢળક રેફરન્સીસ એમાં અપાયેલા છે. કોઈને જો અમુક વિચારો કે વિગતો પડકારવાં હોય તો આસાન બની જાય એવી સંદર્ભસૂચિ એમાં છે. ‘બ્રેકિંગ ઇન્ડિયા’માં લખાયેલી વાતોને ખોટી પુરવાર કરી બતાવવા ખુલ્લેઆમ પડકાર ફેંકવામાં આવ્યો છે. પુસ્તકના લેખકો સાથે ડિબેટ કરો – વાદવિવાદ કરો, એમનો મત ખોટો પુરવાર કરો અને વિજયપતાકા લહેરાવતા થઈ જાઓ. પુસ્તક પ્રગટ થયાના દસ વર્ષ પછી પણ કોઈ કરતાં કોઈ વામપંથી લિબરાન્ડુ એમાં રહેલી બાબતોને પડકારી શક્યો નથી એટલી બધી ચોક્સાઈ અહીં પાને પાને તમને વાંચવા મળે છે.

ડાબેરીઓની એક ખાસિયત હોય છે. તેઓ સમાજમાં ભાગલા પડાવીને અરાજકતા ફેલાવીને પોતાનો સ્વાર્થ સાધવા માગતા હોય છે – બે બિલાડીને ન્યાય આપવાના બહાને મર્કટ આખો રોટલો ચાંઉ કરી જાય એવી નીતિ વામપંથી વાંદરાઓની હોય છે. આ લેફટિસ્ટો દેશને–સમાજને શ્રીમંતો અને ગરીબો વચ્ચે વહેંચે છે, દલિતો અને સવર્ણો વચ્ચે વહેંચે છે, સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ભાગલા પડાવે છે, બે ધર્મો વચ્ચે, બે દેશો વચ્ચે, બે ભાષાઓ વચ્ચે — જ્યાં જુઓ ત્યાં વર્ગવિગ્રહ કરાવવા તેઓ પહોંચી જતા હોય છે. ‘બ્રેકિંગ ઇન્ડિયા’માં આ વિષય પર ઘણી સચોટ વાતો કરવામાં આવી છે જે અગાઉ અરુણ શૌરી તથા સીતારામ ગોયલ તથા રામ સ્વરૂપ જેવા કેટલાક વિદ્વાન લેખકો કરી ચૂક્યા છે. અહીં એ વિષયનો વિસ્તાર કરીને, વધુ સંશોધન દ્વારા એને આગળ વધારવાનું ઘણું મૂલ્યવાન કાર્ય લેખક જોડીએ કર્યું છે.
મલ્હોત્રા-નીલકન્દનના આ પુસ્તકમાં શ્રીકાન્ત તલગિરિ તથા કોન્રાડ એલ્સ્ટે ગઈ સદીમાં જે ક્ષેત્રમાં પાયાનું સંશોધન કર્યું તે આર્ય-દ્રવિડોના વિષય પર પણ ખૂબ વિગતે વાત થઈ છે. આર્યન ઇન્વેઝન થિયરીને તલગિરિ-એલ્સ્ટ જેવા વિદ્વાનોએ ખોટી પુરવાર કરીને કહ્યું કે આર્યોએ ભારત પર ચડાઈ કરી અને સફળ આક્રમણ બાદ તેઓ અહીં સ્થાયી થયા એવો વામપંથી ઇતિહાસકારોનો દાવો ખોટો છે. જાણીતા ગુજરાતી પત્રકાર અને વિદ્વાન સંશોધક વીરેન્દ્ર પારેખે તો ત્યાં સુધી જણાવે છે કે આ થિયરી ખોટી છે એનો ઇશારો સ્વામી વિવેકાનંદ આપી ચૂક્યા હતા અને મહર્ષિ અરવિંદે પણ આ વિષયમાં કામ કર્યું છે જેને કે.ડી. સેઠનાએ આગળ ધપાવ્યું. ‘બ્રેકિંગ ઇન્ડિયા’ના લેખકોએ ‘આર્યન વંશનો આવિષ્કાર’, ‘ભેળસેળવાળું નૃવંશ વિજ્ઞાન’, ‘દ્રવિડિયન’ રેસનો આવિષ્કાર, વગેરે પ્રકરણો તથા પેટા પ્રકરણો દ્વારા આ વિષયને કાબિલ-એ-દાદ શૈલીથી પેશ કર્યો છે.

બીજો એક ઘણો રસપ્રદ મુદ્દો આ પુસ્તકમાં જે ચર્યાયો છો તે છેઃ ‘કટ્ટરવાદ ઇસ્લામનો આતંકવાદી ઇસ્લામ પરનો આતંક’. આવા અનેક મુદ્દાઓ વિશે સઘન માહિતી આપવામાં આવી છે જે એવાં તત્ત્વોને ખુલ્લાં પાડે છે જેમને ભારતના ટુકડે ટુકડા કરી નાખવા માટે વિદેશમાંથી (તેમજ ક્યારેક ભારતમાંથી પણ) પ્રેરણા મળે છે, પૈસા મળે છે અને માળખાકીય સુવિધાઓ તથા લ્યુટ્યન્સ મીડિયાનો સાથ મળે છે.

ગુજરાતીમાં આ પુસ્તક સુરતસ્થિત પ્રતિષ્ઠિત પ્રકાશનસંસ્થા ‘સાહિત્ય સંગમ’ દ્વારા પ્રગટ થયું છે, નાનુભાઈ નાયકે સ્થાપેલી આ પ્રકાશન સંસ્થાએ આજથી સાઠેક વર્ષ પહેલાં ગુજરાતીમાં સાહિત્યિક કક્ષાની પૉકેટ બુક્સ પ્રગટ થવા માંડે એ ઇરાદાથી ચંદ્રકાન્ત બક્ષીની સૌપ્રથમ નવલકથા ‘પેરેલિસિસ’ પ્રગટ કરી હતી. નાનુભાઈએ એ પછીનાં વર્ષોમાં વિવિધ વિષયોનાં સેંકડો પુસ્તકો અનેક સ્વરૂપોમાં પ્રગટ કર્યાઃ તેઓ પોતે પણ લેખક-કવિ-વિચારક હતા. એમનો આ વારસો એમની હયાતિમાં જ પુત્ર જનક નાયકે સંભાળ્યો. જનક નાયકની અણધારી વિદાય પછી એમના ભાઈ કિરીટ નાયક તથા પુત્ર ચિંતન નાયક આ કામ આગળ ધપાવી રહ્યા છે.
‘બ્રેકિંગ ઇન્ડિયા’ જેવા અઘરા વિષયના, અઘરી શૈલીએ લખાયેલા પુસ્તકનો ગુજરાતી અનુવાદ રાજીવ મલ્હોત્રાના સહયોગી કૅનેડા સ્થિત ફાર્માસિસ્ટ ઉદિત શાહે કર્યો છે. આ અનુવાદકાર્યમાં અમદાવાદસ્થિત જાણીતા લેખક-પત્રકાર-અનુવાદક-સંપાદક અલકેશ પટેલનો સહયોગ મળ્યો છે. દસ વર્ષે તો દસ વર્ષે, આજના ભારત માટે અતિ મૂલ્યવાન એવું પુસ્તક ગુજરાતીમાં પ્રગટ થયાનો આનંદ છે. આ ઉમળકો તમારા સુધી પહોંચાડવાના ઇરાદે જ આ લેખ લખાયો.

( ‘બ્રેકિંગ ઇન્ડિયા’ : રાજીવ મલ્હોત્રા અને અરવિન્દન નીલકન્દન. ગુજરાતી અનુવાદઃ ઉદિત શાહ, સહયોગઃ અલકેશ પટેલ. પ્રકાશકઃ સાહિત્ય સંગમ, બાવાસીદી, પંચોલીવાડી સામે, ગોપીપુરા, સુરત 395001. ફોન (0261) 2597882, 2592563. મોબાઈલ – 9687145554.
Email: sahityasangamnjk@gmail.com

ઑનલાઇન ખરીદીઃ bookpratha.com તેમ જ અન્ય જાણીતા ગુજરાતી પુસ્તકવિક્રેતાઓનાં પોર્ટલ તથા દુકાનોમાં ઉપલબ્ધ. Amazon.in પર પણ મળી શકશે.)

7 COMMENTS

  1. Thank you for the review. As early as possible india should change textbooks in school and start teaching our true history in schools.
    Children must know our true history.

  2. In order to get the original
    and umbiased information from history many books published in English should be translated into Gujarati. There is a book titled AAVRAN આવરણ Written by Bhairappa A MUST FOR EVERY INDIAN

    • You are right.
      But will Gujarati readers buy all these books? How many copies will be sold? Out of 100 books hardly 10 books will be earning revenue which will compensate the cost of publishing. Who will bear the expenses of translating and publishing remaining 90 books. It’s very easy to suggest good ideas but when it comes to execution nobody thinks about the ground realities, Sir.

  3. આપ જે વર્ગની વાત કરો છો, એ તો સામા પડેલા શત્રુ છે, પણ હિન્દુ ઓ માં જ ફાટફૂટ છે, એમને માનનિય નરેન્દ્ર ભાઈ ફેંકુ લાગે છે, ફોટા પડાવવાના શોખીન લાગે છે…વિશેષ ઘણું બધું…જો ભૂચરમોરીની લડાઈ માં સતા જામનુ પા ભાગનું સૈન્ય એ દગો ના કર્યો હોત તો અકબર ભૂડે હાલે ભાગ્યો હોત…આપણે ઈતિહાસ માં થી ક્યાં કંઈ શિખીએ છીએ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here