થિયેટરો ખુલ્યા પછી સૌથી પહેલી ફિલ્મ કઈ જોશોઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ આસો વદ બીજ, વિક્રમ સંવત ૨૦૭૭ શુરવાર, ૨૨ ઑક્ટોબર ૨૦૨૧)

આજે 22મી ઑક્ટોબર છે અને સિનેમાગૃહો તથા નાટ્યગૃહો ખુલી રહ્યાં છે. દોઢ વર્ષમાં વચ્ચે એકવાર અડધાંપડધાં ખુલેલાં, તરત ફરી પાછા બંધ કરી દેવાં પડ્યાં. આ વખતે એવું ન થાય એવી ભગવાનને પ્રાર્થના.

કોરોનાનો કાળ ક્યારે ખતમ થાય અને ક્યારે નૉર્મલ જનજીવન શરૂ થાય એની હવે રાહ જોવી નથી. કોરોના નહીં તો એના કઝિનો – આવ્યા જ કરવાના છે આ નવી દુનિયામાં. એક અનિવાર્ય દૂષણ તરીકે સ્વીકારી લેવાની આ પરિસ્થિતિને. વૈજ્ઞાનિકો, આયુર્વેદાચાર્યો અને સરકારો આ પ્રકારની મહામારીઓનો સામનો કરવા જે કંઈ નવાં-જૂનાં પગલાં લે તેને સમજપૂર્વક સ્વીકારતાં જવાનું. દરમ્યાન, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે – ઇમ્યુનિટી વધે એ માટે જે કંઈ કરવું પડે તે કરતાં રહેવાનું. અને અત્યારના પેન્ડેમિકમાં માસ્ક, સેનેટાઇઝેશન તથા ફિઝિકલ ડિસ્ટન્સિંગના ત્રણ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું. બાકીનું હરિ ઇચ્છા પર છોડીને અગાઉ જે રીતે જીવતા હતા તે રીતે જીવવાનું શરૂ કરી દેવાનું.

અગાઉ કેવી રીતે જીવતા હતા? સારાં-નઠારાં, ખૂબ સારાં પિક્ચરો-નાટકો જોવા જતા. સંગીતના લાઇવ કાર્યક્રમો – પછી એ હિન્દી સિનેમાનાં ગીતોની ઑરકેસ્ટ્રા હોય કે શાસ્ત્રીય સંગીતના જલસા હોય કે ગુજરાતી સુગમ સંગીતની સંધ્યાઓ હોય – મનભરીને માણતા. એ બધા કાર્યક્રમો પણ આજે નહીં તો કાલે ક્રમશઃ યોજાતા જશે. મુંબઈમાં જુહુનું પૃથ્વી થિયેટર ફરીથી ધમધમતું થઈ જવાની મંગળ નિશાનીઓ મળી રહી છે. રવિવારે સાંજે પાંચના શોમાં મિત્રોએ અમારું બુકિંગ પણ કરાવી લીધું છે. મકરંદ દેશપાંડે ‘બુદ્ધ’ શીર્ષકથી સિતારના રૂપમાં ગિટારને ઢાળીને અદભુત સંગીત સર્જતા નીલાદ્રિકુમાર સાથેની નાટ્ય-સંગીત જુગલબંદી પેશ કરવાના છે. ગુજરાતી નાટ્ય નિર્માતા-દિગ્દર્શકો થિયેટરોને 100 ટકા ક્ષમતાથી ખોલવાની પરવાનગી આપે તેની રાહ જોઈ રહ્યા છે. પચાસ ટકા કૅપેસિટી જેટલી બધેબધી ટિકિટો વેચાઈ જાય તો પણ નુકસાન જાય. સિદ્ધાર્થ રાંદેરિયા કે સંજય ગોરડિયા કે બીજા અનેક તેજસ્વી અભિનેતાઓનાં નાટકોમાંથી જે કોઈ નવું નાટક લઈને આવશે એના પહેલા શોમાં મિત્રોના લાવ-લશ્કર સાથેનું અમારું બુકિંગ પાકું.

સિનેમાનાં થિયેટરોમાં નવી ફિલ્મો રિલીઝ કરવા માટે પ્રોડ્યુસરોની લાંબી લાઇન લાગી છે. થિયેટરો ખૂલ્યાં પછી અઠવાડિયા-બે અઠવાડિયામાં બધું રાબેતા મુજબ થઈ જશે. બેસતા વર્ષે, પાંચમી નવેમ્બરના શુક્રવારે, અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ રિલીઝ થવાની છે. કોરોના પહેલાં તૈયાર થઈ ચૂકેલી આ ફિલ્મ રિલીઝ થવાની તૈયારી હતી અને લૉકડાઉન એનાઉન્સ થયું. દોઢેક વર્ષ રાહ જોયા પછી છેવટે રિલીઝ થવાની.

હૉલિવુડમાં છેલ્લા દાયકામાં ટેલન્ટનો દુકાળ પડ્યો હોય એવું લાગે છે. નવો ફાલ નવી ફિલ્મો લઈને આવતો જ હશે. દરમ્યાન, જૂનીને જાણીતી જેમ્સ બૉન્ડ ફ્રેન્ચાઇઝની નવી ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાય’ (મરવાની ફુરસદ કોને છે?) કોરોના પહેલાંની તૈયાર થઈને પડી છે. એ પણ ભારતમાં આવી ગઈ છે . ડેનિયલ ક્રેગની નોટ નોટ સેવન તરીકેની આ પાંચમી અને છેલ્લી ફિલ્મ હશે. શોન કોનેરી પછી અડધો ડઝન ટેલેન્ટેડ તેમજ નોટ-સો ટેલેન્ટેડ અભિનેતાઓ આવી ગયા. ક્રેગ પછી કોઈ ઔર જેમ્સ બૉન્ડ બનશે. કલ ઔર આયેંગે નગ્મોં કી ખિલતી કલિયાં ચુનનેવાલે, મુઝસે બહેતર કહનેવાલે તુમસે બહેતર સુતનેવાલા, સાહિર લુધિયાનવીએ ગાયું હતું.

ઓટીટી પર અને ઘરમાં સીડી/ડીવીડી/બ્લ્યુ રે જોઈને મન મનાવીએ કે ફિલ્મો જોઈએ છીએ પણ થિયેટરમાં જઈને મોટા પડદા પર, પ્રોફેશનલ પ્રોજેક્શન અને સાઉન્ડ સિસ્ટમ સાથે મિત્રોની સંગતમાં અને અજાણ્યાઓની ભીડ વચ્ચે બેસીને નવી રિલીઝ થયેલી ફિલ્મો જોવાની મઝા કંઈક જુદી જ હોય છે. તમે જ કહો તમને નાનપણથી અત્યાર સુધીમાં થિયેટરોમાં જઈને જોયેલી ફિલ્મો વધારે યાદ છે કે પછી દૂરદર્શન પર કે બીજી ટીવી ચેનલો પર જોયેલી ફિલ્મો કે ઘરમાં વીસીઆર સીડી પ્લેયર વગેરે પર જોયેલી ફિલ્મો વધારે યાદ છે?

દોઢેક વર્ષથી નવી હિન્દી ફિલ્મો જોવાની એવી તલબ લાગી છે કે ન પૂછો વાત. વચ્ચે થિયેટરો ખુલ્યાં કે તરત જ ઠેઠ જુહુ પીવીઆર જઈને ‘રામપ્રસાદ કી તેરહવી’. જોઈ આવ્યા, બસ એ જ. ‘સૂર્યવંશી’ જરૂર જોઈશું. બેસતા વર્ષે ફિલ્મ જોવાની મઝા આવે. યશ ચોપરાની છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ 2012માં બેસતા વર્ષે રિલીઝ થઈ ત્યારે મૉર્નિંગ મૉર્નિંગમાં દસ વાગ્યાના શોમાં પહોંચી ગયા હતા. પણ ક્યારેક આવા ઉત્સાહ પર પાણી ફરી વળે. અતિ નાની ઉંમરે, અતિ ટેલેન્ટસભર ફિલ્મો બનાવનાર સૂરજ બડજાત્યાની સલમાન ખાનવાળી ‘પ્રેમ રતન ધન પાયો’ એક બેસતા વર્ષે સવારના શોમાં જોઈ ત્યારે આખો દિવસ મૂડ ખરાબ રહ્યો હતો. જોઈએ, આ વર્ષે શું થાય છે.

વચ્ચે થોડા વખત પહેલાં નવી હિન્દી ફિલ્મોના વિરહમાં જૂની જૂની ફિલ્મો ઘરમાં જોવાનું શરૂ કર્યું ત્યારે થયું કે હિન્દી ફિલ્મોના ગમતા ટૉપ ટેન દિગ્દર્શકોની યાદી બનાવીએ. ગુરુદત્ત, બિમલ રૉય, રાજ કપૂર, ઋષિકેશ મુખર્જી, વિજય આનંદ, રમેશ સિપ્પી, યશ ચોપરા, રામગોપાલ વર્મા, ઇમ્તિયાઝ અલી, રાજકુમાર હીરાની… દસ થઈ ગયા પણ આ યાદી તો સાવ અધૂરી લાગે. પછી ઉમેરતા ગયા, ઉમેરતા ગયા તો ટૉપ ટેનમાંથી ટૉપ ટ્વેન્ટી ફાઇવ અને ફિફ્ટી પર પહોંચી જવાશે એવું લાગ્યું. કોઈ જાતના ક્રમ વગર જેમ જેમ યાદ આવતાં જાય એમ નામ લખાતાં ગયાં. કોઈ ડિરેક્ટરની એકાદ બે ફિલ્મો ગમી હોય, કોઈની લગભગ બધી જ તો કોઈ ડિરેક્ટર પોતે જ વન ફિલ્મ વન્ડર જેવા હોય. ફિલ્મો ગમી કે નહીં એ જ ક્રાઇટેરિયા. આ માપદંડને આધારે બીજાં ઘણાં નામ ઉમેરાયાં. નીતિન બોસ શ્યામ બેનેગલ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, અનુરાગ કશ્યપ, કરણ જોહર, આશુતોષ ગોવારીકર, કુંદન શાહ, ગોવિંદ નિહલાણી, મણિ રત્નમ, પ્રિયદર્શન, ડેવિડ ધવન,. ગુલઝાર, શેખર કપૂર, મહેશ ભટ્ટ, પ્રકાશ મહેરા, કે. આસિફ, મહેબૂબ ખાન, બી.આર. ચોપરા, શક્તિ સામંત, રવિ નાગાઇચ, મનમોહન દેસાઈ, સુભાષ ઘાઈ, વી. શાંતારામ, મનોજકુમાર, સત્યેન બોસ, બાસુ ચેટર્જી, દેવ આનંદ, બાસુ ભટ્ટાચાર્ય… હજુ બીજાં પાંચ-પચીસ નામ ઉમેરીશું.

હિન્દી સિનેમાને 3 મે 2013ના દિવસે 100 વર્ષ પૂરાં થયાં. સૌ પ્રથમ ભારતીય ફિચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ 1913ની 3જી મેએ રિલીઝ થયેલી. દાદાસાહેબ ફાળકેએ બનાવેલી. દાદાસાહેબ ફાળકેની સ્ટ્રગલ અને પૅશન વિશે દસેક વર્ષ ઉપર મરાઠીમાં એક સરસ ફિલ્મ આવેલી ‘હરિશ્ચંદ્રાંચી ફૅક્ટરી’. જોવા જેવી છે. બહુ અઘરી મરાઠી ભાષા નથી. શતાબ્દી નિમિત્તે ભારતના ટપાલખાતાએ એક સારું કામ કર્યું. આમ તો અન્ય ક્ષેત્રોના મહાન સર્જકો-કળાકારો વિશેની ટપાલ ટિકિટો બહાર પડતી જ રહે છે અને ફિલ્મ ક્ષેત્રને પણ એમાં આવરી લેવાતું જ હોય છે. પણ 2013નું વર્ષ સ્પેશ્યલ વર્ષ હતું, શતાબ્દિ વર્ષ હતું. એટલે 60 જેટલી ફિલ્મી હસ્તીઓના કુલ મળીને છ સેટ એકસાથે બહાર પાડ્યા. આ લેખ સાથે એ છએય સેટની ઇમેજ મૂકી છે. શાંતિથી જોઈ લેજો.

હિન્દી સિનેમા અને એનાં ગીતોમાં દરેકને પોતપોતાની પસંદગી હોવાની. અમે તો શંકર જયકિશન, નૌશાદ અને મદનમોહનથીથી માંડીને બપ્પી લાહિરી અને પ્રીતમ સુધીનાં સંગીતકારોનાં ઘણાં બધાં ગીતોના આશિક છીએ. આર.ડી. બર્મનના તો પૂજારી જ છીએ.

ફિલ્મ દિગ્દર્શકોમાં કોણ સૌથી વધારે ગમે એ વિશે હજુ પણ અવઢવ છે. ટૉપ ટેનની યાદી બનાવતાં પણ મુંઝાઈ જવાયું છે. આજકાલ ઘરેબેઠાં યશ ચોપડાનો ફિલ્મ ફેસ્ટિવલ યોજ્યો છે. એમની ઘણીખરી ફિલ્મો કલેક્શનમાં છે જેમાંની બ્લ્યુ રે ડિસ્કના ખોખાઓમાં ફિલ્મ સાથે સ્પેશ્યલ ફીચર્સની ડીવીડી છે જેમાં બીજા બધા મસાલા ઉપરાંત યશ ચોપરાએ ફિલ્મની રિલીઝના પાંચ-પંદર વર્ષ પછી એ ફિલ્મ વિશે આપેલા સ્પેશ્યલી રેકોર્ડેડ લાંબા ઇન્ટરવ્યુઝ છે. યશ ચોપરાની એકબે સિવાયની બધી જ ફિલ્મો ફરી ફરી જોવાઈ ગઈ અને ખ્યાલ આવ્યો કે આજે તો 21મી ઑક્ટોબર — એમની પુણ્યતિથિ છે. નવ વર્ષ પહેલાં આયુષ્યના 80મા વર્ષે એમણે વિદાય લીધી. થિયેટરો ખુલી જાય તો પહેલી ફિલ્મ કઈ જોવા જઈશું એનો ડાયલેમા હવે નથી રહ્યો. મરાઠા મંદિર ખુલી ગયું હશે તો મૅટિનીમાં હજુય યશરાજ ફિલ્મ્સની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ચાલતી હશે. પાંચેક વર્ષ પહેલાં ખાસ થિયેટ્રિકલ અનુભવ માટે મરાઠા મંદિરમાં જઈને જોઈ હતી. એ એક્સપીરિયન્સ તમારી સાથે સતસવીર શેર પણ કર્યો હતો. ફરી જઈશું ત્યારે ફરી એ વિશે લખીશું. છવ્વીસ વર્ષથી રોજ ‘મરાઠા મંદિર’માં ડીડીએલજેનું પ્રોજેક્શન થાય છે. દરેક મુંબઈગરા સિનેમાપ્રેમીએ આ અનુભવ અત્યારના જમાનામાં લઈ લેવો જોઈએ. પચીસ-પચાસ રૂપિયાની બાલ્કનીની ટિકિટ અને કેન્ટીનમાં દસ-વીસ રૂપિયાનાં સમોસાં, પૉપકૉર્ન વગેરે. અઢી દાયકાનો જમાનો 2021માં તાજો થઈ જાય.

તો ડીડીએલજે જોવાનું પાકું.

7 COMMENTS

  1. 70-80 ના દાયકા સુધી, multiplexના આગમન પહેલા single screen મા પીકચરો જોવાનો એક અલગ અનુભવ હતો. ત્યારે સિલ્વર, ગોલ્ડન જ્યુબિલી નો જમાનો હતો. કયારેક ઙેઇલી ચેન્જ પણ લાગતા. એક દીવસ ઙોન, બીજા દીવસે મુકદ્દર કા સિકંદર, પછીના દીવસે અમર અકબર, યારાના, હેરાફેરી …….જલસો થઇ જતો. કાંદીવલી ના સોના, મીલાપ અને મયૂર થીયેટર અમારા યાત્રાધામ બાળપણના. 2 રૂપિયા સ્ટોલ, 4 રૂપયા બાલ્કની. આ થઇ સ્કૂલ ના દિવસો ની વાત. પછી કોલેજ ના દિવસોમા ચંદન, અબંર- ઓસ્કર-માયનર અમારા અઙઙા, 10.37ની ટ્રેન પકઙવાની કાંદીવલીથી પારલા ઊતરીને સીધા લક્ષ્મી વેંકટેશ, શાન કે બહાર ટોકીઝ. મીઠીબાઈમા ફીલમ સોસાયટી જોઈન કરેલ જેમા શ્યામ બેનેગલજી ફીલ્મ ફેસ્ટિવલ દરમ્યાન કલયૂગ, ભૂમિકા,મંથન,અંકૂર,નિશાત જોઇ બેનેગલ સાહેબની હાજરીમા. અને સમાપન કરતા એક પશ્રન સૌરભભાઈ ને, આપશ્રીએ “કરન- અર્જૂન” લોનાવાલા ની ટોકીઝમા જોયૂ છે કયારેક ?

    • ના. નથી જોયું. કોઈ વિશેષતા હતી?
      કરન-અર્જુનના ગીત ‘જાતી હૂં મૈં, જલદી હૈ ક્યા’ને ભજન ગણીને ત્રીજા ધોરણમાં ભણતો છોકરો આસ્વાદ કરાવે છે એવી સિચ્યુએશન પર તે વખતે એક હ્યુમર કૉલમ લખી હતી.
      તમે લખેલાં પ્રેક્ટિકલી બધાં થિયેટરોમાં ફિલ્મો જોઈ છે. અને એ હિન્દી ફિલ્મોનાં ગીતો આપણી ન લખાયેલી રોજનીશીનાં પાનાં છે એવું હું માનું છું!
      અમારી સિડનહેમ કૉલેજની ફિલ્મ સોસાયટીએ બાસુ ભટ્ટાચાર્યની રાજેશ ખન્ના-શર્મિલા ટાગોરવાળી બતાવીને કૉલેજમાં બાસુદા સાથે પ્રશ્ર્નોત્તરીનો એક કાર્યક્રમ કરેલો જેમાં મેં પણ એક સવાલ પૂછ્યો હતો જેનો દિગ્દર્શકે જવાબ શું આપેલો એ બરાબર યાદ છે!

    • વિશેષતા એ હતી કે સૌરભભાઈ ના ઙીટો ઙૂપલીકેટ હતા એ શો મા, થયુ ચાલો પૂછી લઈએ. આવિષકાર રાજેશખન્ના ની one of the best. જો યોગ્ય લાગે તો બાસૂદા ને પૂછેલ સવાલ શૂ હતો જણાવશો.

      • ઓ હો! કુંભમાં બિછડી ગયેલો મારો ભાઈ હશે!

        ‘આવિષ્કાર’ફિલ્મમાં કેટલીક વાર ‘ઘર અમર માનસી કા’ એવું ઘરની બહારના લેમ્પ પર લખેલું દેખાય છે. સોળ વરસની ઉંમરે આપણામાં કેટલી મેચ્યોરિટી આવી ગઈ છે એનો દેખાડો કરવાની હોંશમાં બાસુદાને પૂછ્યું: ‘ આ પ્રતીકનું અર્થઘટન તમે કઈ રીતે કરો છો?’
        બાસુદા બોલ્યા: ‘આમાં કોઈ સિમ્બૉલિઝમ નથી, માત્ર દરવાજા પરની નેમ પ્લેટ છે’ !

    • Please check again, Sir
      Raj Kapoor nu naam na hoy evu bane j nahi. Manjrekar, yes. He should be there in my list. Bhandarkar — I think he is mediocre and quite over rated.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here